ગુજરાતી બાળવાર્તા સંપદા/કંકુ કીડી હિમાલય ચડી

From Ekatra Foundation
Revision as of 05:19, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કંકુ કીડી હિમાલય ચડી

વનલતા મહેતા

કરુણાશંકર કાચબાજીની વિદ્યાર્થિની કંકુ કીડીને સાહસ કરવાની ખૂબ જ હોંશ. એ વિષયમાં એણે ઘણી માહિતી ભેગી કરી અને એ પ્રમાણે એણે તૈયારી શરૂ કરી. કંકુને કાચબાજીએ એક સમાચાર કહ્યા હતા. જુદાં જુદાં છાપાંમાંથી એણે એ વિષે કાળજીથી બધી વિગત ભેગી કરી. ઉત્તરકાશીમાં જન્મેલી બચેન્દ્રી પાલ જગતના ઊંચામાં ઊંચા શિખર એવરેસ્ટ પર પગ મૂકનાર પ્રથમ મહિલા વિષે એણે માહિતી મેળવી. એ જ એનો આદર્શ બની. એટલે જ કંકુને હિમાલય પર્વત પર ચડી એવરેસ્ટ પર ભારતનો ધ્વજ ફરકાવવાની હોંશ હતી. હિમાલય પર તો બરફ, અતિશય ઠંડી. પાતળી હવામાં તકલીફ શરૂ થાય શ્વાસની. એટલે કંકુએ કાચબાજી પાસે યોગનાં આસનો શીખવા માંડ્યાં. ઊંડા શ્વાસથી શરૂઆત કરી. ભૂખ પર સંયમ રાખતાં શીખી. પછી જાતે જ વજન ઉપાડવાની પ્રૅક્ટિસ કરી. આમ એની તૈયારી તો બરાબર થવા લાગી. કાચબાજીએ કંકુ કીડીનો ઉત્સાહ જોયો અને યોગ્ય તાલીમ આપવા માંડી. પર્વત પર ચડવા માટે ચોક્કસ આવડતની જાણકારી હોવી જોઈએ. તેનું લિસ્ટ બનાવ્યું. આ કાંઈ ખાવાનો ખેલ નહીં હતો. એ માટે એણે સખત મહેનત કરવા માંડી. ક્યારેક ખુશ થતી, તો ક્યારેક હારીને નિરાશ પણ થતી. પણ મનને મક્કમ કરી એણે તૈયારી ચાલુ જ રાખી. આવા સાહસ માટે જાતને તૈયાર કરવા નિશ્ચય કર્યો. કરુણાશંકર કાચબાજી, ગુરુજી, એમના આશીર્વાદ લઈને કંકુએ તો કર્યા કંકુના, એટલે કે સાહસનાં પગરણ. પાતળી હવા, ઊંચે ચડતાં શ્વાસની તકલીફ ઊભી કરે જ, એટલે એણે તુલસીનાં પાંદડાંનો અર્ક બનાવી સાથે રાખ્યો. તુલસીનો નાનકડો છોડ લઈ પેટ પર બાંધ્યો. પાણી માટે શું કરવું ? ગુરુજીએ કહ્યું, તાડગોળાને પીઠ પર બાંધ. કંકુની સખી કોકિલાએ તો મેન્ગોજ્યૂસનાં પૅકેટ લેવાનું કહ્યું. પણ કંકુ જાણતી હતી કે આજકાલ બધામાં ભેળસેળ થાય જ છે. તેથી તેણે તાડગોળો જ લીધો અને સહેલાઈથી પી શકાય એ માટે અંદર સ્ટ્રો ખોસી. ઠંડીથી રક્ષણ કરવા કેળાના અને ખાખરાના પાંદડાનો સૂટ સીવીને તૈયાર કર્યો તે જ પહેરી લીધો. ભૂખ તો લાગે જ. કીડીને શુગર વધારે ભાવે. પણ કળીના લાડુનું વજન થાય. એટલે બુદ્ધિ વાપરી ખજૂર તથા શીંગના ભૂકાની નાની લાડુડી લીધી. વચમાં થાક ખાવા બેઠી ત્યારે ઇયરફોનમાં ગીતો સાંભળ્યાં. તાજી થઈ ફરી ચડવા લાગી. અંધારું થાય ત્યારે ? ખીણમાં ગબડી પડાય ને ! પોતાના મિત્રો આગિયાઓને રાત્રે અજવાળું પાથરવા સાથે જ ઊડતા રહેવા કહ્યું હતું. સાહિસક કીડીને કોણ ના પાડે ! કૅમેરા તો હોય જ ને. આખરે નક્કી કરેલા સમયે જ કંકુ એવરેસ્ટ પહોંચી. છાતી પર બાંધેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આગિયાઓએ ફોટા પાડ્યા. અને વાદળાંની સાથે મળી બધાએ રાષ્ટ્રગીત ગાયું. દૃઢ મનોબળથી કંકુ કીડીએ એવરેસ્ટ સર કર્યું અને બધાની વાહ વાહ મેળવી.