ગુજરાતી બાળવાર્તા સંપદા/એમ ઉજવી હોળી

From Ekatra Foundation
Revision as of 14:21, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એમ ઊજવી હોળી

યશવન્ત મહેતા

લાલુ કહે : ‘બાલુ !’ બાલુ કહે : બોલ !’ બાલુ કહે : ‘બોલ !’ લાલુ કહે : ‘આ હોળી તો આવી.’ બાલુ કહે : ‘એ તો આવી અને ખજૂર-હારડા લાવી. ગીત અને નાચ લાવી. રંગ અને ગુલાલ લાવી. પણ એનું અત્યારથી શું છે ?’ લાલુ કહે : ‘મને કેતુકાકા મળ્યા હતા. એ જરા મૂંઝવણમાં લાગે છે.’ બાલુ કહે : ‘તો આપણે એમની મૂંઝવણ ચપટીમાં ટાળી દઈએ. આપણે બેઠા છીએ અને કેતુકાકા મૂંઝાય એ વાતમાં માલ છે કાંઈ ? હા, વળી, આપણેય કુમા૨કાકાની સાહસટોળીના જ મેમ્બરો છીએ.’ લાલુ કહે : તો ચાલ ત્યારે કેતુકાકા પાસે.’ બંને ચાલ્યા. ત્યાં તો રસ્તામાં જ મીના મળી ગઈ. મીના કહે : ‘અલ્યા, એય બોબડી બહાદુરો ! આમ ડાકુઓની જેમ સંતલસ કરતા ક્યાં જાવ છો ?’ લાલુ કહે : ‘તું કોણ પૂછવાવાળી ?’ મીના કહે : ‘હું તમારી બહેન.’ બાલુ કહે : ‘તો સાંભળો, અમારાં મોટાં બહેની ! અમે કેતુકાકા પાસે જઈએ છીએ. એમની મૂંઝવણ ટાળવા.’ મીના કહે : ‘હું આવું ?’ લાલુ કહે : ‘ચાલો ને, બે કરતાં ત્રણ ભલા.’ આમ ત્રણ સાહસિકો ભેગાં થયાં. પહોંચ્યાં કેતુ પાસે. લાલુ કહે : ‘કેતુકાકા !’ મીના કહે : ‘શી મૂંઝવણમાં છો ?’ કેતુ કહે : ‘મૂંઝવણ છે આ હોળીની.’ મીનાએ પૂછ્યું : ‘હોળીએ તમારા મનમાં શી હોળી સળગાવી છે, એ કહી દો ને !’ કેતુ કહે : ‘વાત જાણે એમ છે કે આપણાં રાધામાસીને હોળી રમાડવાં છે. આટલાં વરસોથી હું જોઉં છું કે રાધામાસી કદી હોળી રમતાં નથી. હોળીને દહાડે ઘર બંધ કરીને બેસી જાય છે. બહાર નીકળે તો કોઈ હોળી રમાડે ને !’ બાલુ કહે : ‘રાધામાસી બહાર ન નીકળે તો આપણે એમના ઘરની અંદર જઈને એમને હોળી રમાડીએ !’ કેતુ કહે : ‘એ જ તો મુસીબત છે. હોળીને દહાડે એ ઘર ખોલતાં જ નથી. કોઈ આવે તો એમ જ માને છે કે મને રંગ છાંટવા આવ્યું છે. બારણાં બંધનાં બંધ જ રાખે છે.’ લાલુ કહે : આ તો ભાઈ, ન ચાલે. આખું ગામ હોળીના રંગે રંગાય અને એકલાં રાધામાસી એ મોજમાંથી રહી જાય એ તો ન પોસાય !’ પણ એમને રંગી નાખવાનો કશો ઉપાય જ દેખાતો નહોતો. એક તો માસી ગામનાં વડીલ કહેવાય. બેસતે વ૨સને દિવસે આખું ગામ એમને નમસ્કાર કરવા જાય. ગામમાં કોઈનાં લગ્ન થાય ત્યારે બધી વહુઆરુઓ માસીના આશીર્વાદ લેવા જાય. મોટી એમની હવેલી અને મોટો એમનો મોભો. કદાચ કોઈ ભૂલથી પણ એમને રંગી નાખે તો આફત ઊભી થાય. જો એ ગુસ્સે થઈ જાય તો હાંસીમાંથી હાણ ઊભી થાય. સાહસટોળી વિચારતી જ રહી, વિચારતી જ રહી, પણ રાધામાસીને હોળીના ઉમંગમાં સામેલ કરવાનો કોઈ ઉપાય ન જડ્યો. એક જણ કહે કે માસીના છાપરા પર ચડી જઈને રંગ છાંટવો. એક જણ કહે કે ગુલાલનાં પડીકાં વાળીને ડેલી ઉપરથી ફેંકવાં. પણ એકે ઉપાય કેતુને ન રુચ્યો. આખરે એણે કહ્યું : ‘અત્યારે તો તમે બધાં જાવ, લેસન કરો. હું કુમારને મળીને કશીક યુક્તિ વિચારી કાઢું છું.’ આમ, એ દહાડે તો આ વાત પૂરી થઈ. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા. સાહસટોળી માથાં પકડીપકડીને ઉપાય ખોળતી જ રહી, પણ રાધામાસીને હોળી રમાડવાનો કશો માર્ગ જડ્યો નહિ. અને એમ કરતાં હોળીનો દિવસ પણ આવી લાગ્યો. છોકરાં અને જુવાનિયાં અને મોટેરાંઓ પણ ગુલાલનાં પડીકાં ને રંગીન પિચકારીઓ લઈને નીકળી પડ્યાં. એકબીજાને રંગી નાખવાની હરીફાઈ શરૂ થઈ. રંગ ખૂટ્યા એટલે ક્યાંક કાદવ, કીચડ અને મૅશનો પ્રયોગ શરૂ થઈ ગયો. ગામ આખું આનંદને હેલે ચડ્યું હતું. બરાબર બાર વાગ્યા ત્યારે ગામમાં ત્રણ નવતર માનવી આવ્યાં. એમાં એક તો બારેક વરસની છોકરી હતી અને બે કોઈ નવીસવી વહુઆરુઓ જેવી લાગતી હતી. એ બંનેએ બાંધણીની લાલચટ્ટક સાડીઓ પહેરી હતી અને લાંબે સુધી ઘૂમટો તાણી રાખ્યો હતો. ઘણી જ શરમાતી હોય તેમ બંને ધીમી ચાલતી હતી અને વચ્ચે વચ્ચે મીના સાથે કશીક ગુસપુસ કરતી હતી. તેઓ ગામમાં આવતાં જ લોકો હોળી ખેલતા થંભી ગયા અને તેમની તરફ જોવા લાગ્યા. કુમાર અને કેતુએ તો આગળ વધીને પૂછ્યું પણ ખરું, મીના, આ લોકો કોણ છે ?’ મીના કહે : ‘આ બંને મારી ભાભીઓ છે. મારા મામાના બે દીકરાઓનાં ગઈ અગિયા૨શે જ લગ્ન થયાં. આજની ગાડીમાં એ લોકો અહીં આવ્યાં છે. હું ભાભીઓને લઈને રાધામાસીને ઘેર જાઉં છું. ત્યાં જઈને રાધામાસીના આશીર્વાદ લઈશું.’ આ સાંભળીને મોટેરાં તો પોતપોતાની રમતમાં લાગી ગયાં. પણ નાનાં છોકરાંઓ, નવી વહુઆરુઓના ચહેરા જોવાના લોભે પાછળ-પાછળ ચાલ્યાં. સરઘસ આખું રાધામાસીની હવેલી સામે આવી ગયું. મીનાએ તો રોફભેર પગથિયાં ચડીને ડેલીની સાંકળ ખખડાવી. થોડી વાર કશો જવાબ ન મળ્યો. પણ મીનાએ સાંકળ ખખડાવે જ રાખી, એટલે અંદરથી રાધામાસી બોલ્યાં, ‘અલ્યા કોણ છે ? કેમ સાંકળ ખખડાવો છો ? ભાગો અહીંથી !’ મીના કહે : ‘માસી, એ તો હું મીના છું. મારી ભાભીઓને લઈને આવી છું.’ પછી મીનાએ પોતાની ભાભીઓ ભણી ફરીને મોટેથી કહ્યું : ‘ભાભી ! રાધામાસી આજે ભાગી જવાનું કહે તેથી ખોટું ન લગાડતાં, હોં ! એ તો આપણને હોળીના ઘેરૈયા સમજીને જતા રહેવાનું કહે છે.’ પછી વળી મીનાએ રાધામાસીએ કહ્યું : ‘માસી ! બારણું જલદી ખોલો, નહિતર હોળીના ઘેરૈયાઓ આવીને મારી નવીનવલી ભાભીઓને રંગી નાખશે. જુઓ ને, બિચારીઓ અહીં બહાર ઊભી-ઊભી કેટલી બધી શરમાય છે !’ અને એ જોવા માટે રાધામાસીએ ડેલીનું બારણું સહેજસાજ ખોલ્યું. મીના કહે : ‘માસી, જલદી બારણું આખું ખોલી નાખો.. અમે અંદર આવી જઈએ પછી બંધ કરી દેજો. જુઓ તો, પેલાં ઘેરૈયાં છોકરાં અમારી પાછળ જ આવીને ઊભાં છે !’ રાધામાસીએ તરત જ ડેલી ખોલી. મીના તેની ભાભીઓ સાથે અંદર ગઈ. બારણું બંધ કર્યું. રાધામાસી કહે : ‘આવો, આવો ! નવી વહુઆરુઓને મેં આટલી વાર બહાર ઊભી રાખી તે ખોટું કર્યું. પણ શું કરું ? આ છોકરાંઓ હઠ લઈને બેઠાં કે આ વખતે તો રાધામાસીને રંગવાં જ છે. પેલા કુમાર અને કેતુ તો મને હોળી રમાડવાની હઠ લઈને જ બેઠા છે.’ એમ કહેતાં રાધામાસી રસોડામાં ગયાં. વહુઆરુઓને દક્ષિણા આપવા માટે પોતાના ડબ્બામાંથી રૂપિયા લઈને પાછાં આવ્યાં. પછી એક પાટ ઉપર બેઠાં. વહુઓ નમીને તેમને પગે લાગી. માસીએ તેમને રૂપિયા આપ્યા તે એમણે મીનાને આપી દીધા. તેમણે હજુ ઘૂમટા તાણી રાખ્યા હતા. રાધામાસી કહે : ‘અલી વહુઓ, તમારાં મોં તો બતાવો ! આમ મારી સામે ઘૂમટા કાં તાણો !’ અને એ પછી ઘડીના છઠ્ઠા ભાગમાં જે બની ગયું તેથી રાધામાસી તો સાવ હેબતાઈ જ ગયાં. વહુઆરુઓએ ઘૂમટા ઉઠાવ્યા અને પછી તરત જ એક જણીએ ગુલાલનું આખું પડીકું જ રાધામાસી પર ઉડાડી મૂક્યું, અને બીજી વહુએ સાડીમાં છુપાવી રાખેલી પિચકારી આખી રાધામાસી પર છાંટી દીધી અને પછી બેય વહુઓ ભાગી... એટલામાં તો મીના ડેલી પાસે પહોંચી ગઈ હતી. એણે સાંકળ ઉઘાડી નાખી અને ડેલી ખોલીને ત્રણે જણાં બહાર ભાગ્યાં. રાધામાસી ‘ઊભાં રહો, મારાં પીટ્યાંઓ !’ કરતાં પાછળ દોડ્યાં. પણ ડેલીની બહાર ઓટલા ઉપર આવતાં જ એ થંભી ગયાં. જુએ છે તો પેલી બંને ‘વહુઆરુઓ’ પોતાની સાડીઓ ખેંચીને કાઢી રહી છે અને નીચે તો એમણે ચડ્ડી અને ખમીસ પહેરેલાં છે ! એ બંને કોણ છે એનો ખ્યાલ આવતાં જ રાધામાસી તો ગુસ્સો ભૂલી ગયાં અને એવાં હસ્યાં, એવાં હસ્યાં કે બસ, વાત ન પૂછો ! એટલામાં કુમાર-કેતુ પણ ત્યાં આવી લાગ્યા. એમણે પણ આ તાલ જોયો. બંને ખુશખુશાલ થઈ ગયા અને પેલી બંને ‘વહુઆરુઓ’ બનેલા લાલુ અને બાલુને ખભે ઊંચકી એવા નાચ્યા, એવા નાચ્યા કે ટોળું આખું ગાંડુતૂર બની ગયું. વાત એમ હતી કે લાલુ, બાલુ અને મીનાએ રાધામાસીને હોળી રમાડવા આ યુક્તિ રચી કાઢી હતી. એ યુક્તિથી એમણે રાધામાસીને રંગ્યાં અને આનંદનાં ભાગીદાર બનાવ્યાં. ઉપરથી વહુઆરુ તરીકે દક્ષિણા મેળવી. એટલું જ નહિ, કુમાર-કેતુએ પણ ખુશ થઈને ત્રણે બાળકોને ખજૂર-ધાણીના રૂપિયા આપ્યા એ તો જુદા જ !