ગુજરાતી બાળવાર્તા સંપદા/બકરીનું બચ્ચું : એનું નામ બદુ

From Ekatra Foundation
Revision as of 02:14, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બકરીનું બચ્ચું - એનું નામ બદુ

રમેશ પારેખ

એક પોચું પોચું ને ભોળું ભોળું ને સાવ નાનકડું બકરીનું બચ્ચું - એનું નામ બદુ. બદુને બધે એકલા એકલા રખડવું ગમે. પણ એની મા બદુને પોતાની સાથે ને સાથે જ રાખે. ક્યાંય રેઢું ન મૂકે. એક વાર એક ડાઘિયા કૂતરાએ બદુને જોરથી બચકું ભરી લીધું હતું. એટલે બદુની માને બીક લાગતી કે આને રેઢું મૂકીશ તો પીટ્યો ડાઘિયો બદુને ફાડી ખાશે. બદુની મા બદુને હંમેશાં પોતાની સાથે સીમમાં ચરવા લઈ જાય. ચરતાં ચરતાં બદુ છાનુંમાનું છટકવાનો લાગ શોધે. પણ મા પૂરેપૂરું ધ્યાન રાખે. બદુને ક્યાંય છટકવા ન દે. બદુભાઈ મનમાં મનમાં ખિજાય. પણ શું કરે ? માની પડખે ચરતાં ચરતાં ગેલગપાટા કરે. પથ્થ૨ ૫૨ ચડીને ઠેકડો મારે. ક્યારેક ઘાસમાં માથું ઘસે. ક્યારેક ઘાસ ૫૨ આળોટી પડે. આમતેમ ઠેકડા મારી એ માને પૂછે: ‘મા, મા ! તને આમ ઠેકડા મારતાં આવડે ?’ મા કહે : ‘હું નાની હતી, તારા જેવડી, ત્યારે આમ ઠેકડા મારતાં આવડતા. હવે ભૂલી ગઈ છું.’ ‘એમ છે ત્યારે !’ કહી બદુ બે ઠેકડા વધુ મારે. મા બદુનાં આવાં પરાક્રમ જોઈને હસતી. ક્યારેક ખોટું ખોટું ખિજાતી : ‘આમ કૂદાકૂદ કર્યા કરે છે, ટેણિયા ! સખણું રહીને ઘાસ ચર ને ! નહીં તો પછી મારીશ એક શિંગડું !’ બદુને માના શિંગડાની બીક લાગે. એટલે તો ડાહ્યુંડમરું થઈ ઘાસ ચરવા માંડે ને ગાય :

કૂણું ઘાસ ચરું છું
ફાવે તેમ કરું છું
બીજું નહીં કામ
બદુ મારું નામ !

એક દિવસ બદુની માને બહુ ભૂખ લાગી હતી. એટલે તેનું ધ્યાન ચરવામાં હતું. તેણે બદુ ત૨ફ ધ્યાન આપ્યું નહીં. બદુને ખબર પડી ગઈ કે, હં ! માનું ધ્યાન નથી. બદુને એટલું જ જોઈતું હતું. એ તો કૂદાકૂદ કરતું દોડ્યું ને આઘમઆઘે પહોંચી ગયું. ત્યાં એણે જોયું તો ઊંચો ઊંચો ડુંગર છે. ઊંડી ઊંડી ખીણ છે. નાનીમોટી ભેખડ છે. ઝાડવાંનો તો કોઈ પાર નહીં. બદુને ટેસ પડી ગયો. તે તો એક પછી એક ભેખડ પ૨ ચડે ને ધમ્મ દઈ નીચે કૂદી પડે. થોડી વાર કૂદાકૂદ કરી. પછી એને થાક લાગ્યો. તે ઊભું રહ્યું. આમતેમ જોયું. મા ક્યાંય દેખાતી નહોતી. તે તો દોડ્યું. આમ ગયું તો ઊંચાં ઊંચાં ઝાડ ને આમ ગયું તો ઊંડી ઊંડી ખીણ. ક્યાંય બદુને એની મા દેખાઈ નહીં. હવે ? બદુએ સાદ પાડ્યો : ‘મા, એ... મા !’ પણ ન દેખાઈ એની મા કે ન આપ્યો તેની માએ જવાબ. બદુને થયું : હવે ઘેર કેમ પહોંચીશ ? ક્યાંક ભૂલું પડી જઈશ તો ? સામે એક મોટો વડ હતો. બદુને થયું : લાવ, વડદાદાને પૂછું, કદાચ તેણે મારી માને ભાળી હોય. બદુએ વડ પાસે જઈને પૂછ્યું : ‘વડદાદા, વડદાદા ! તમે મારી માને ક્યાંય જોઈ છે ?’ વડ કહે : ‘ના રે, ભાઈ ! હું ક્યાંય જાઉં નહીં, હું ક્યાંય આવું નહીં. જ્યાં ઊભો છું ત્યાં ને ત્યાં ઊભો રહું. તો પછી તારી માને મેં ક્યાંથી જોઈ હોય ? જા, જઈને પેલા ઝરણાને પૂછ. એ આખો દિવસ દોડાદોડ કરે છે. એને તારી માની ખબર હોય તો હોય.’ આમ કહી વડ ખડખડાટ હસી પડ્યો. તેનાં પાંદડાંયે ખડખડાટ હસી પડ્યાં. બદુ દોડીને ઝરણા પાસે ગયું. ઝરણું તો કલકલ કરતું દોડ્યું જાય ને ખળખળ કરતું ગાતું જાય. ઝરણાને જોઈ બદુ રાજી રાજી થઈ ગયું. મારી માને ક્યાંય ભાળી – એ પૂછવાનુંય ભૂલી ગયું ને ઝરણાને કાંઠે રમવા લાગ્યું. આ કાંઠેથી ઠેકીને સામે કાંઠે જાય. વળી સામા કાંઠા ૫૨થી ઠેક મારીને આ કાંઠે આવે. બદુને ટેસડો પડી ગયો. એણે ઝરણાના પાણીમાં મોં જોયું. ત્યાં ઝરણું-બોલ્યું : ‘એ ટેણિયા ! આમ તું ક્યાંથી આવ્યું ? તું કોણ છે ને મારા કાંઠા ૫૨ કૂદાકૂદ કેમ કરે છે ?’ બદુ કહે : ‘મારું નામ બદુ. મારી મા સાથે અહીં ઘાસ ચરવા આવ્યું છું.’ બદુને મા સાંભરી. તેણે ઝરણાને પૂછ્યું : ‘ઝરણાભાઈ, ઝરણાભાઈ ! તમે મારી માને ક્યાંય ભાળી ?’ ઝરણું બોલ્યું : ‘ના રે, ભાઈ ! મને તો ઘડીનીયે ફુરસદ નથી. બસ, કલકલ કલકલ ગાતાં ગાતાં વહેતાં રહેવાનું. ન જોઉં આમ કે ન જોઉં તેમ. પછી મેં તારી માને ક્યાંથી ભાળી હોય ? તારે કૂદવું હોય તો એક-બે વા૨ કૂદી લે પછી અહીંથી ભાગ ને જઈને તારી માને શોધી કાઢ ! નહીંતર હમણાં સાંજ પડી જશે. અંધારું થઈ જશે. પછી અંધારામાં તું તારી માને કેવી રીતે ગોતીશ ?’ આમ કહી ઝરણું ખિલખિલ હસવા માંડ્યું. બદુને રડવું આવતું હતું. તે ઝરણાની રજા લઈને આગળ ચાલ્યું. ચાલતાં ચાલતાં એક પતંગિયું મળ્યું. પતંગિયું ફૂલો પર ઊડાઊડ કરતું હતું ને ફૂલમાંથી મધ ચૂસતું હતું. બદુએ તેને કહ્યું : ‘કેમ છો, પતંગિયાભાઈ ?’ પતંગિયું બોલ્યું : ‘મજામાં છું !’ બદુને વાતો કરવી બહુ ગમે. તેણે પતંગિયાને પૂછ્યું : ‘હેં, પતંગિયાભાઈ ! આજે તમે કેટલું મધ પીધું ?’ પતંગિયાએ પોતાની બેઉ પાંખ પહોળી કરીને કહ્યું, ‘આટલું !’ ને પછી સ૨૨૨ સ૨૨૨ ક૨તું ઊડીને આઘે પહોંચી ગયું. બદુએ ખિજાઈને પગ પછાડ્યા : જો તો ! મારી સાથે વાત કરવાની કોઈને ફુરસદ નથી.’ તે બબડતું બબડતું આગળ ચાલ્યું. સામે મળ્યો એક કાનખજૂરો. તે સડસડાટ દોડી રહ્યો હતો. બદુએ તેને પૂછ્યું : ‘કઈ તરફ ઊપડ્યા, કાનખજૂરાકાકા ?’ કાનખજૂરો કહે : ‘શિકાર કરવા જાઉં છું પણ તું ક્યાં જાય છે ?’ બદુ કહે : ‘હું તો કૂણું કૂણું ઘાસ ચરવા જાઉં છું !’

કૂણું ઘાસ ચરું છું
બીજું નહીં કામ
ફાવે તેમ ફરું છું
બહુ મારું નામ.

ખાનખજૂરો બોલ્યો : ‘વાહ ! તું તો સરસ સરસ ગાય છે. ઠીક ત્યારે. તું મજા કર. મારે તો હજુ શિકાર ગોતવાનો છે. પણ ટેણિયા જંગલમાં બહુ આઘે જઈશ નહીં. ભૂલું પડી જઈશ. પછી રસ્તો જડશે નહીં. તો તું શું કરીશ ?’ આમ કહી કાનખજૂરો ખડખડાટ હસી પડ્યો ને સ૨૨૨ સ૨૨૨ કરતો ચાલવા માંડ્યો. બદુ પણ તેની સાથે સાથે ચાલવા લાગ્યું. બદુ કહે : ‘જાવ છો ક્યાં ? ઊભા રહો ને, કાનખજૂરાકાકા ! મારે તમને એક વાત પૂછવી છે.’ કાનખજૂરો ઊભો રહ્યો. તેણે કહ્યું : ‘લે, આ ઊભો. હવે પૂછવું હોય તે ઝટઝટ પૂછી લે.’ બદુએ પૂછ્યું : ‘કાનખજૂરાકાકા ! તમે રેલગાડી જોઈ છે ?’ કાનખજૂરાએ માથું ખંજવાળી કહ્યું : ‘રેલગાડી ? એ વળી કેવી હોય ?’ બદુ હસી પડ્યું : ‘રેલગાડી અદલ તમારા જેવી જ હોય. તમે ઝટપટ ચાલો ને રેલગાડી પટપટ ચાલે. એ તમે દોડો છો એમ જ દોડે. તમારે આટલા બધા પગ, ને રેલગાડીને આટલાં બધાં પૈડાં.’ કાનખજૂરો બોલ્યો : ‘એમ ? તો એનું નામ રેલગાડી કેમ પડ્યું ? મારું નામ કાનખજૂરો, તો એનું નામ રેલખજૂરો કેમ નહીં !’ બહુ વિચાર કરીને બદુ બોલ્યું : ‘કહું ? છે ને રેલગાડીની ફઈબા ઠોઠ હશે. એને રેલખજૂરો નામ પાડતાં નહીં આવડ્યું હોય !’ ‘સારું સારું’ કાનખજૂરો બોલ્યો – ‘ચાલ, હવે આઘું ખસ ! મને કકડીને ભૂખ લાગી છે. શિકાર શોધવાનો છે. મને ટેમ નથી. તુંય સાંજ પડે તે પહેલાં તારી મા પાસે પહોંચી જજે હોં !’ કહી તે ખડખડાટ હસી પડ્યો ને ચાલતો થયો. ‘જાવું હોય તો જાવ ને ! પણ એમાં આમ હસો છો શું ? જે મળે એ આમ હસી પડે છે - આ બધાને થયું છે શું?’ એમ મોઢું ફૂંગરાવીને બદુ બોલ્યું : ‘વાહ ! બધાને કામ છે, એક હું જ નવરું છું ! મારી સાથે વાત કરવાની કોઈને ફુરસદ નથી. બીજું કોઈ મારી સાથે વાત ન કરે તો કાંઈ નહીં. હું ને મા વાતો કરીશું !’ બદુને ફરી મા યાદ આવી. બદુએ માને જોવા આમતેમ ડોક ઊંચી કરી. તેની ડોક દુખી ગઈ પણ એની મા ક્યાંય દેખાઈ નહીં.. તે બોલ્યું : ‘અરેરે ! મા મને મૂકીને ક્યાં ચાલી ગઈ હશે ? એક ભેખડ પર ચડીને બદુએ સાદ પાડ્યો : ‘મા, એ...મા !’ જંગલમાં એ અવાજના મોટા પડઘા પડ્યા – ‘મા, એ... મા.’ બદુએ ચારે બાજુ જોયું. મોટાં મોટાં ઝાડ છે, ઊંચા ઊંચા ડુંગરા છે, ઊંડી ઊંડી ખીણ છે. પણ ક્યાંય મા નથી. બદુને ફરી પાછી ગભરામણ થવા લાગી- ‘હવે હું શું કરીશ ? માને કેવી રીતે ગોતીશ ?’ બદુને એક વા૨ માએ કહેલી તે વાત યાદ આવી. એણે કહ્યું હતું. ‘બેટા, આ જંગલમાં વાઘમામા હોય. એનાથી ચેતજે. તે આપણને ફાડી ખાય.’ આ વાત યાદ આવતાં બદુને પરસેવો વળી ગયો. તેણે બીતાં બીતાં સાદ પાડ્યો : ‘મા, એ... મા !’ પણ બદુને એની મા ક્યાંય દેખાઈ નહીં. બદુ થોડુંક આગળ ચાલ્યું. વળી પાછું આમતેમ જોયું. પણ મા ક્યાંય નહોતી. પછી તો બદુએ દોડવા જ માંડ્યું. થોડેક દૂર એ ગયું ત્યાં રસ્તામાં એક નદી મળી. નદીના કાંઠા ૫૨ મોટો પથ્થર હતો. તેના ૫૨ એક કાગડો બેઠો હતો. બદુ તેને ઓળખી ગયું. બદુની મા ચરતી હોય ત્યારે તેની પીઠ પર આ કાગડો બેસી જતો. પછી તે બદુની માને જંગલના બધા સમાચાર કહેતો. કાગડાને બધી વાતની ખબર પડી જતી. બદુને થયું : આ કાગાભાઈને મારી મા ક્યાં છે તેની ખબર હશે. તે રાજી થતું થતું બોલ્યું : ‘કાગાભાઈ, કાગાભાઈ! મારી માને ક્યાંય ભાળી ?’ કાગડો બોલ્યો : ના રે, ભાઈ ! મને તો પાંખમાં ગૂમડું થયું છે એટલે મારાથી ઉડાતું નથી. નહીંતર ઊડીને તારી માને શોધી કાઢત. પણ ટેણિયા, જો હવે સાંજ પડવા આવી છે. તું એકલું એકલું કેમ રખડે છે ? ઝટઝટ જા, ને તારી માને શોધી કાઢ !’ આમ કહી કાગડો ખડખડાટ હસવા માંડ્યો. બદુએ માથું ખંજવાળ્યું - આ બધાને આજે થયું છે શું ? વડદાદા અને એનાં પાંદડાં હસ્યાં. ઝરણું હસ્યું. કાનખજૂરાકાકાય ખડખડાટ હસ્યા. માળું આમ કેમ ? આ કાગાભાઈ પણ હસી પડ્યા.... બદુને થયું કે હું પણ હસું. પણ મા ક્યાંય મળતી નહોતી ને ! એટલે તેને તો રડવું આવતું હતું. તેણે આમતેમ જોયું તો સૂરજદાદા આથમવાની તૈયારી કરતા હતા. તેણે પૂછ્યું : ‘સૂરજદાદા, સૂરજદાદા ! તમે તો આકાશમાંથી બધાને જોઈ શકો ! ક્યાંય મારી માને ભાળી ?’ સૂરજ કહે : ‘મારે સૌનું ધ્યાન રાખવાનું હોય. એમાં એકલી તારી માનું ધ્યાન કેવી રીતે રાખું : રોજ તારી માને જોઉં છું, પણ મેં આજે એને ક્યાંય ભાળી નથી !’ એમ કહી સૂરજદાદા ખડખડ હસી પડ્યા, ને આથમણી દિશા ભણી ચાલવા માંડ્યા. બદુ કહે : ‘થોડીક વાર ઊભા રહો ને, સૂરજદાદા !’ સૂરજ કહે : ‘કેમ ?’ બદુ કહે : ‘મને એકલા એકલા બીક લાગે છે. મારી સાથે વાતો કરો ને !’ સૂરજ કહે : ‘ના, હો ! હવે મારે આથમવાનો ટેમ થઈ ગયો. પેટમાં કકડીને ભૂખેય લાગી છે. થાકેય લાગ્યો છે. ઘે૨ જઈને એય... વાળુ કરવું છે ને પછી ઘસઘસાટ ઊંઘી જવું છે. હું જાઉં મારે ઘેર, ને તું જા તારે ઘેર... આવજે !’ એમ કહી સૂરજદાદા ફરી વાર ખડખડાટ હસી પડ્યા. બદુ પગ પછાડીને બોલ્યું : ‘જો તો ! હું તો સાવ નાનું છું. મેં ઘરનો રસ્તો ક્યાંથી ભાળ્યો હોય ? માને રસ્તાની ખબર છે. પણ મા ક્યાં ?’ તેણે આમતેમ જોઈને સાદ પાડ્યો : ‘મા, એ..... મા !’ પણ બદુને કંઈ જવાબ મળ્યો નહીં. હવે બદુને ખરેખરું રડવું આવ્યું. તેણે એક લીમડાના ઝાડ નીચે બેસીને ભેંકડો તાણ્યો ... ‘મા ! તું ક્યાં છે ? હું ભૂલું પડી ગયું છું ! તું કેમ મને જડતી નથી ?’ એનું રડવું સાંભળી લીમડાનું ઝાડ ખડખડાટ હસવા માંડ્યું. એનું હસવું સાંભળીને બદુને ખૂબ ખૂબ રડવું આવ્યું. આંખમાંથી મોટાં મોટાં આંસુડાં ટપકવા માંડ્યાં. નાક લાલચોળ થઈ ગયું. થોડી વા૨ સુધી તે જો૨જોરથી રડ્યું. રડતાં રડતાં તેણે સાદ પાડ્યો. – ‘મા, એ.. મા !’ તો સામેથી જવાબ મળ્યો : ‘હો ! હો, બેટા !’ બદુએ ઝટપટ આંસુ લૂછ્યાં. ને ફરીવાર સાદ પાડ્યો : ‘મા, એ... મા !’ તો સામેથી જવાબ મળ્યો : ‘હા બેટા બદુ ! કેમ બહુ રડવું આવે છે ?’ બદુએ આજુબાજુ જોયું. પણ કોઈ દેખાયું નહીં. તેણે લીમડાના ઝાડને પૂછ્યું : ‘ઝાડકાકા, ઝાડકાકા ! આ મને જવાબ કોણ આપે છે ? એ મારી માનો અવાજ તો નથી લાગતો.’ ‘હું ઘરડો થઈ ગયો છું એટલે મને આંખે ઓછું દેખાય છે. એમાં વળી આ સાંજનું અંધારું થઈ ગયું છે એટલે હું કોઈને ભાળતો નથી. તું જ ગોત.’ એમ કહી લીમડો ખડખડાટ હસ્યો ને એનાં પાંદડાંય હસ્યાં. બદુએ પાછો ભેંકડો તાણ્યો – ‘મા, એ... મા !’ ત્યાં અવાજ આવ્યો : ‘શું છે પીટ્યા ! રડે છે કેમ ? હું તો આ રહી !’ કહેતી બદુની મા લીમડાના થડ પાછળથી કૂદીને બદુ પાસે આવી. બદુ તેને જોઈ રાજી રાજી થઈ ગયું ને માને વળગી પડ્યું, ‘મા, તું આવી ? ક્યાં હતી ??’ બદુની મા બોલી – ‘હું તારી પછવાડે પછવાડે બધે સંતાઈને ચાલી આવતી હતી. એટલે બધાં ખડખડાટ હસતાં હતાં, સમજાયું ? બોલ, હવે અક્કલ આવીને કે જંગલમાં એકલા એકલા ન રખડાય?’ બદુ કહે : ‘હા !’ મા કહે : ‘મારું કહ્યું ન માન્યું તો તું કેવું ભૂલું પડી ગયું ? બોલ, હવે મારું કહ્યું માનીશ ?’ બદુ કહે : ‘હા, માનીશ.’ મા કહે : ‘એકલું એકલું રખડવા જઈશ ?’ બદુ કહે : ‘નહીં જાઉં.’ માએ હેત કરી બદુને કહ્યું – ‘બસ, તો તું મારું દીકુ.’ બદુ કહે : ‘મા તું જવાબ આપતી હતી. પણ તારો અવાજ હું ઓળખી શક્યું નહીં. એમ કેમ ?’ મા કહે : ‘હું મોં આડે હાથ રાખીને બોલતી હતી ને, એટલે.’ આ વાત સાંભળી લીમડાનું ઝાડ ખડખડ હસવા માંડ્યું. તેનાં પાંદડાંય હસવા માંડ્યાં. બદુ કહે : ‘મા તું ભારે લુચ્ચી છે હોં !’ આમ કહી તે હસ્યું. મા કહે : ‘મૂરખ, બધી મા લુચ્ચી જ હોય ! મા લુચ્ચી ન હોય તો ટાબરિયાં કાબૂમાં રહે નહીં, સમજ્યું? લે, ચાલ હવે ઘે૨ ! આપણે ઝડપથી ચાલવું પડશે. નહીં તો રાત પડી ને અંધારું થઈ જશે તો રસ્તો મળશે નહીં.’ ‘ચાલ !’ એમ કહીને માની સાથે ડાહ્યુંડમરું થઈ ચાલવા માંડ્યું. તેનું નામ બદુ !