ગુજરાતી બાળવાર્તા સંપદા/વનપરીની મિજબાની
અંજના ભગવતી
એક હતી વનપરી. વનપરી એટલે વનમાં વસનારી પરી. સુંદર પાંખોવાળી, દેવતાઈ, નાજુક અને નમણી પરી. વનમાં ઘટાદાર વૃક્ષોની અંદર રહે, રંગબેરંગી ફૂલોની માળાઓ પહેરે, સ્વાદિષ્ટ ફળો ખાય, વેલના હીંચકે હીંચે. વનમાં રહેતાં જાતજાતનાં પ્રાણીઓ તેના મિત્રો, તેઓ સાથે હસે, રમે, નાચે-કૂદે અને ગીતો ગાય. દોડાદોડ કરતી ખિસકોલીઓ, હૂપ હૂપ કરતા વાંદરાઓ, મીઠો કલરવ કરતાં પક્ષીઓ, રૂના ગાભલાં જેવાં સસલાં અને કાળાભમ્મર રીંછ – એ સૌની સોબતમાં વનપરીનો દિવસ ક્યાંય પૂરો થઈ જતો તેની ખબર પડતી નહોતી. એક દિવસની વાત છે. વનપરીએ સૌ પ્રાણીઓને મિજબાની આપવાનું નક્કી કર્યું. આ ખબર સાંભળી બધાં પ્રાણીઓ તો ગેલમાં આવી ગયાં. ક્યારે સાંજ પડે તેની સૌ આતુરતાથી રાહ જોવા લાગ્યાં. પ્રાણીઓ કહે, ‘વાહ ભાઈ, આજે તો સાંજે આપણે બધાં સંગાથે જઈશું, ખાઈશું, પીશું અને મઝા કરીશું.’ બધાં પ્રાણીઓને કાંઈ લાંબો વિચાર ન આવ્યો, પણ વાંદરાને મનમાં ચટપટી થવા લાગી કે ‘વનપરી શેના માટે આ મિજબાની આપતી હશે ? શું આજે તેની વર્ષગાંઠ છે કે કોઈ તહેવાર છે ? સાંજ પડી ને મિજબાની તો શરૂ થઈ ! વનપરીએ તો પ્રાણીઓને જલસો કરાવી દીધો ! એણે તો જાતભાતનાં ફળો, કૂણાં કૂણાં દાણા-બીજ, તાજાં તાજાં પાંદડાં ને કૂણી કૂણી કૂંપળો વગેરે આપ્યું હતું. પ્રાણીઓએ તો હોંશે હોંશે તે બધું ખાધું. આખરે વાંદરાભાઈથી રહેવાયું નહીં, જે વિચાર કોઈને ના આવે એ વિચાર જેને આવે એનું જ નામ તો વાંદરું. એણે પૂછી કાઢ્યું : ‘આ મિજબાની શેના માનમાં આપી છે ?’ વનપરી કહે, ‘મારે બધાં પ્રાણીઓનો ખૂબ આભાર માનવો છે. આ વનની વૃદ્ધિ તમારે સૌને લીધે થાય છે.’ પ્રાણીઓને આ વાતમાં કાંઈ સમજ ન પડી તેથી તેઓ એકબીજાની સામે જોવા લાગ્યાં. વનપરી કહે, ‘જુઓ, આ ખિસકોલીબહેન, તેમની એક ખાસિયત છે. તે પોતાની આસપાસની જમીન પરથી બી અને ફળ ભેગાં કરે છે. ત્યાર બાદ તેમને જમીનમાં ઠેકઠેકાણે દાટે છે. વળી જ્યારે ભૂખ લાગે, ત્યારે તે જમીન ખોદીને બી બહાર કાઢીને ખાય છે તો ક્યારેક દાટેલાં બીને તે ભૂલી પણ જાય છે. એવાં બીમાંથી અંકુર ફૂટે છે અને તેમાંથી છોડવા ને વૃક્ષો થાય છે. ખિસકોલીબહેનને ખબર પણ નથી પણ તેઓ અજાણતાં જ આવું સુંદર કામ કરી દે છે.’ આવી વાતો સાંભળી ખિસકોલીબહેન તો ફૂલીને ફાળકો થઈ ગયાં, પૂંછડી હલાવીને નાચવા લાગ્યાં ! વનપરીએ વાત આગળ વધારતાં કહ્યું, ‘ઘણાં કાંટાવાળાં ફળ અને બીજ આમતેમ વિચરતાં ઘેટાં, બકરાં, રીંછ જેવાં પ્રાણીઓનાં શરીર પર ચોંટી જાય છે. કેટલીક વાર તો મૂળ વૃક્ષથીયે દૂર પ્રાણીઓ જ્યાં જાય ત્યાં તે પહોંચે છે અને પ્રાણીના શરીર પરથી જ્યાં ખરી પડે ત્યાં તેમાંથી બીજું વૃક્ષ ઊગી નીકળે છે.’ રીંછભાઈ તો આ વાત સાંભળીને રાજીના રેડ થઈ ગયા ! ‘વાંદરાભાઈ, તમારી વાત કરીએ તો તમે વૃક્ષ પરથી ફળ તોડવામાં એક્કા છો. ફળ તોડીને હૂપાહૂપ કરતા ક્યાંના ક્યાંય જતા રહો છો. ફળ ખાઈ તેના ઠળિયા નાખી દો છો. તેમાંથી પછી વૃક્ષો ઊગી નીકળે છે.’ વાંદરાભાઈ આ વાત સાંભળીને ગેલમાં આવી ગયા. આમ તો વાંદરાભાઈ ખૂબ હોશિયાર ગણાય, પણ તેમને આ વાતનો ખ્યાલ જ આવેલો નહીં ! વનપરી કહે, ‘આ જ રીતે પક્ષીઓ પણ ફળો ખાતાં ખાતાં તેમના ઠળિયા કે બી ફેલાવવામાં મદદ કરે છે. કેટલીક વાર પશુપંખીઓની અઘાર વાટે પણ બી નીકળે છે અને નવી વનસ્પતિ સર્જે છે. આમ વનમાં ઊગતી ઘણીબધી વનસ્પતિનાં બીજને ફેલાવવામાં, આસપાસ લઈ જવામાં તમે બધાં મદદ કરો છો. બીજું વિતરણ થાય અને નવી જગ્યાએ જ્યારે તેને યોગ્ય જમીન, પાણી અને સૂર્યપ્રકાશ મળે ત્યારે તેમાંથી નવી વનસ્પતિ ઊગે છે.’ વનપરીની આ વાત સાંભળી બધાં પ્રાણીઓને સાર્થકતાની – સંતોષની લાગણી થઈ. તેઓને પોતાનાથી કંઈક સારું કામ થઈ ગયાનો ભાવ થયો. ખિસકોલીબહેન કહે, ‘આ તો ખૂબ સરસ વાત કરી તમે, પણ વનપરી, તમારે આ માટે અમારો આભાર માનવાનો ન હોય. આ વનસ્પતિ જ અમને તો ખોરાક પૂરો પાડે છે. તેનાં ફળ-ફૂલ, પાન-કૂંપળ, બી-દાણા વગેરેથી જ અમે અમારાં પેટ ભરીએ છીએ.’ એક પક્ષી બોલ્યું, ‘અમારા માળા બાંધવા માટે તેમાંથી જ અમને બધી સામગ્રી મળે છે. પાંદડાં, રેસા, ઘાસ, તણખલાં વાપરીને જ અમે અમારાં ઘર બનાવીએ છીએ.’ વાંદરાભાઈ કહે, ‘ધોમ ધખતા તાપમાં કે વરસતા વરસાદમાં અમે સૌ પ્રાણીઓ વૃક્ષ-વેલામાં લપાઈને અમારું રક્ષણ કરીએ છીએ.’ વનપરી પ્રાણીઓની આવી વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગઈ. તે કહેવા લાગી : ‘તમારું કામ મહત્ત્વનું છે. તમારા થકી વૃક્ષ છે. વૃક્ષ છે તો આપણું જીવન છે, આપણો આનંદ છે. આપણને આજે જેવું લાગે છે તેવું આપણા માનવબંધુઓનેય લાગતું હશે ને !’