ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડી પહેલવાન

Revision as of 00:59, 11 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કીડી પહેલવાન

સ્મિતા પારેખ

મીનીને દિવાળી વૅકેશન હતું એટલે બસ મજા મજા. તેને ડ્રૉઇંગ કરવાનું, રંગ પૂરવાનું બહુ જ ગમે. આજે મીની જમીન ૫૨ બેસીને એક ચિત્રમાં રંગ પૂરી રહી હતી. તે ડ્રોઇંગબુક, વૉટર કલ૨, પીંછી, નૅપ્કિન ને પાણીનો પ્યાલો – એમ બધો પથારો પાથરી બેઠી હતી. અચાનક મીનીના પગમાં કીડીએ ચટકો ભર્યો. ‘એઈ કીડી, કેમ ચટકો ભરે છે?’ ‘તે મીનીબહેન, તમે વચમાં બેઠાં છો તો હું ક્યાંથી જાઉં?’ ‘સાઇડ પરથી, આટલી બધી તો જગા છે ! તને વળી કેટલી જગા જોઈએ?’ ત્યાં જ પીંછી ધોવાનું પાણી ઢોળાઈ ગયું. કીડી તેમાં તણાવા લાગી. ‘મીનીબહેન, મીનીબહેન, બચાવો... બચાવો !’ ‘તે તું તો મને ચટકા ભરે છે.’ ‘હવે નહીં ભરું, પ્લીઝ ! મને બચાવો.’ મીનીએ રંગ કરવાની પીંછી પાણીમાં મૂકી, કીડી તેના પર ચઢી ગઈ અને બચી ગઈ. ‘આભાર મીનીબહેન, તમે મારો જીવ બચાવ્યો. કોઈ દિવસ તમને કંઈ કામ હોય ને, તો મને જરૂર કહેજો.’ મીનીને મનમાં થયું કે આટલી અમથી કીડી મારું તે શું કામ ક૨વાની વળી ? તેણે મોં મચકોડ્યું. એક દિવસ મીની દોરડેં કૂદતી હતી, ત્યાં જમીન પર એક વાંદો પડ્યો હતો. અચાનક મીનીએ તે જોયો અને ચીસ પાડી ઊઠી. ‘મમ્મી.... મમ્મી...’ પણ મીનીની મમ્મી તો નાહવા ગઈ હતી. મીની સોફા પર પગ ચઢાવી બેસી ગઈ, કારણ કે તેને વાંદાનો બહુ ડર લાગતો હતો. ત્યાં જ કીડીરાણી આવી. ‘મીનીબહેન, શું થયું ? કેમ ચીસ પાડી ?’ ‘કીડીરાણી, મને પેલા વાંદાનો ડર લાગે છે.’ ‘અરે ! એ તો મરેલો છે. લો, હમણાં જ એને દૂર કરી દઉં.’ ‘કીડીરાણી, તું બહુ બડાશ મારે છે. જાણે મોટી પહેલવાન હોય તેમ બોલે છે. તું આટલી જરા અમથી ને વાંદો કેટલો મોટો !’ ‘મીનીબહેન, તમે જુઓ તો ખરા મારો જાદુ.’ એમ કહી તે દ૨માં જતી રહી. એનું દર ખૂણામાં તૂટેલી ટાઇલ્સમાં હતું. મીની તો ડરથી કાંપતી સોફામાં ટૂંટિયું વાળીને બેઠી હતી. થોડી વા૨માં કીડીરાણી બહુ બધી કીડીઓની ફોજ લઈને આવી અને બધાં ભેગાં મળીને વાંદાને ખેંચી જતાં હતાં. જોતજોતાંમાં તેઓ વાંદાને દ૨માં લઈ ગયાં. મીની તો જોતી જ રહી ગઈ. ‘મીનીબહેન, લો તમારું કામ થઈ ગયું. હવે તમે મજેથી દોરડાં કૂદો.’ ‘થૅંક્સ, કીડીરાણી ! તમે ગજબની કરી. આજથી તમે મારી પાકી બહેનપણી. દે તાળી.’ ‘લે તાળી.’ ‘જોજો કીડી પહેલવાન, મને ચટકો ન ભરતાં હં કે?’ બંને એકમેકની સામે જોઈ હસી પડ્યાં.