ગુજરાતી બાળવાર્તા સંપદા/બે બિલાડી અને ત્રીજો વાંદરો
સ્મિતા પારેખ
સોનુ બિલાડી સવારે છ વાગે જાગી ગઈ. નાહી-ધોઈ ઝટપટ શાળાનો ગણવેશ પહેરી તૈયાર થઈ ગઈ. એ દફતર લઈ શાળાએ જવા નીકળી. રસ્તામાં રૂપા બિલાડીનું ઘર હતું. રૂપા, સોનુ બિલાડીની રાહ જોતી હતી. બંને બિલાડીઓ શાળાએ જવા નીકળી, પરંતુ તેઓને શાળાએ જવાનું અને ભણવાનું ગમતું નહીં. બન્ને તો સાવ જ ઢ હતાં. સોના બિલાડી કહે, ‘રૂપા, આજે શાળાએ જવાનું મન થતું નથી. ચાલને, કશેક ફરવા જઈએ !’ રૂપા બિલાડી કહે, ‘હા, ચાલ મને પણ કંટાળો આવે છે.’ બન્ને બિલાડીઓ પાસેના બાગમાં જઈ રમવા લાગી. ત્યાં તેઓએ એક કેક જોઈ. બન્ને કેક લેવા દોડી. સોના કહે, ‘મ્યાઉં મ્યાઉં ! કેક મેં પહેલાં જોઈ એટલે મારી.’ રૂપા કહે, ‘મ્યાઉં મ્યાઉં ! કેક હું પહેલાં લાવી એટલે મારી.’ બન્ને બિલાડીઓ ઝઘડવા લાગી. એટલામાં વાંદરાભાઈ આવી ગયા. કેક જોઈ તેના મોંમાં પાણી આવી ગયું. વાંદરો કહે, ‘સોના, રૂપા, તમે ઝઘડો નહીં. લાવો, હું તમને કેકના બે સરખા ભાગ કરી આપું.’ સોના કહે, ‘કંઈ કામ નથી હં, અમને ખબર છે કે તમે ભાગ કરતાં કરતાં કેક ખાઈ જશો.’ વાંદરો કહે, ‘સારું, તો તમે જાતે જ ફૂટપટ્ટીથી માપી બે સરખા ભાગ કરી લો.’ વાંદરાભાઈ જાણતા હતા કે આ બે બિલાડીઓ શાળાએ જઈને ભણતી નથી, સાવ ડોબી છે. ફૂટપટ્ટીથી માપતાં તેઓને આવડશે જ નહીં. રૂપા બિલાડી કહે, ‘વાંદરાભાઈ, અમને તો ફૂટપટ્ટીથી માપતાં આવડતું જ નથી. તમે જ બે સરખા ભાગ કરી આપો, પણ અમારી કેક ખાતા નહીં.’ વાંદરો કહે, ‘મારું ચપ્પુ ઝાડ પર છે તે આ કેક લઈ જાઉં છું. ને તમારા દફતરમાંથી ફૂટપટ્ટી આપો. ને જુઓને ! હું મારા મોં પર આ ટેપ મારી દઉં છું એટલે મારાથી કેક ખવાય જ નહીં. બરાબર?’ એમ કહી વાંદરાભાઈ તો ઝાડ પર ગયા અને અડધી કેક પોતાને માટે રહેવા દઈ બાકીની કેકના બે ટુકડા કરી નીચે આવ્યા ને પછી પોતાના મોં પરથી ટેપ કાઢી બોલ્યા, ‘લો, આ તમારા કેકના બે સરખા ભાગ, બરાબર છે ને ?’ સોના-રૂપાને બે ટુકડા બહુ નાના લાગ્યા. રૂપા કહે, ‘પણ વાંદરાભાઈ, અમારી કેક તો મોટી હતી !’ વાંદરો કહે, ‘તમારી સામે મોં પર ટેપ મારીને માપીને ભાગ કર્યા, જુઓ, મેં ખાધી છે ?’ એમ કહી એણે પોતાનું મોઢું ખોલી બતાવ્યું. ‘ભલાઈનો જમાનો જ નથી.’ એમ બબડતાં બબડતાં વાંદરાભાઈ ત્યાંથી ભાગી ગયા. એટલામાં સામેથી સોના રૂપાના શિક્ષક ભોલુ રીંછ આવતા હતા. શિક્ષક કહે, ‘તમે કેમ આજે શાળાએ ન આવ્યાં ?’ સોના કહે, ‘સૉરી, સ૨, અમારે એક વાત પૂછવી છે.’ શિક્ષક કહે, ‘પૂછો.’ સોના-રૂપાએ, વાંદરાભાઈએ કેકના ભાગ કરી આપ્યા તેની બધી વાત કરી. રૂપા કહે, ‘સ૨, અમારી કેક મોટી હતી પણ વાંદરાભાઈએ બે ભાગ કર્યા તો નાની થઈ ગઈ.’ અમે બન્ને અમારા કેકના ભાગ સાથે મૂકીએ છીએ તોપણ આખી કેક બનતી નથી. સ૨, એવું કેમ થયું ?’ સોનાએ પૂછ્યું. ભોલુ શિક્ષક કહે, ‘સાવ ડોબીઓ છો ! શાળાએ આવવું નથી, ભણવું નથી પછી ડોબાં જ રહેશો ને? તમારે બન્નેએ કેકના ભાગ જાતે જ કરવા જોઈએ ને ? પણ તમને માપતાં આવડતું નથી. તમારી લડાઈમાં વાંદરાભાઈ ફાવી ગયા. વાંદરાભાઈ તમને મૂરખ બનાવી ગયા.’ બીજે દિવસથી સોના-રૂપા બિલાડીઓ નિયમિત શાળાએ જવા લાગી.