ગુજરાતી બાળવાર્તા સંપદા/રોતલ દેડકી

Revision as of 01:05, 11 November 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રોતલ દેડકી

લતા હિરાણી

એક હતી દેડકી. એનું નામ હતું રુબી, પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય....એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ દેડકી !! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉં ડ્રાંઉં’... અને બધાને સંભળાય ‘વાંઉ વાંઉં.’ એ જેવી કૂવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, ‘એ રોતલ દેડકી આવી... ભાગો રે ભાઈ ભાગો’ આ દેડકી કોઈને ગમે નહીં. એ કનુ કાચબા પાસે ગઈ. ‘જુઓને કનુકાકા, આ કોઈ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે.’ કહેતાં રુબી રડવા માંડી.. ‘મને એકલાં એકલાં કેમ ગમે ?’ અને એણે મોટો ભેંકડો તાણ્યો. કનુ કાચબો કહે, ‘બસ આ જ તારી મુશ્કેલી છે ને ! જ્યારે જાઓ ત્યારે ફરિયાદ ને ફરિયાદ, રડતી તે રડતી ! પછી તારી સાથે કોણ દોસ્તી કરે ?’ એવામાં ત્યાં અપ્પુ ઉંદર આવ્યો. કનુ કાચબો કહે, ‘રડવાનું બંધ કર. ચાલ અપ્પુ સાથે દોસ્તી કર.’ અપ્પુ ઉંદર કહે, ‘ના, બાબા ના, એક વાર એ મારી સાથે રમવા આવી હતી. મને એ વખતે બહુ ભૂખ લાગી હતી. મેં કહ્યું તું બેસ, હું થોડા દાણા ખાઈ લઉં, તો એ રડવા માંડી, એવું થોડું ચાલે ભઈ !’ ‘અરે પણ એમાં રડવાનું શું ??’ કનુ કાચબાએ પૂછ્યું. ‘મને પણ ભૂખ લાગી હોય ! મારે પણ કંઈક ખાવું હતું, તેં મને પૂછ્યું કેમ નહીં ??’ એવું કહીને એ રડી. ‘ભૂખ લાગી હોય તો એ પણ ખાઈ લે, મેં ક્યાં ના પાડી હતી ?’ અપ્પુ ઉંદર બોલ્યો. ‘વાત તો તારી સાચી,’ હજી કનુ કાચબો અપ્પુ ઉંદરને સમજાવે એ પહેલાં એ નાસી ગયો. રુબી દેડકી નિરાશ થઈ ગઈ. આગળ ગઈ તો ત્યાં મોટો કૂવો હતો.. કૂવાકાંઠે પથ્થરો ઘસાઈને ઘસાઈને ગોળ થઈ ગયા હતા. રુબી દેડકી કૂદવા ગઈ પણ એનો પગ લપસ્યો.. એ પડી પાણીમાં. વળી એનો ભેંકડો ચાલુ થયો. ‘મને ખબર છે. આ ગરબડિયા પથ્થરોનો જ વાંક છે.. એણે મને પછાડી દીધી.’ ત્યાં ફરતાં બધાં અળસિયાં હસવા માંડ્યાં. ‘જુઓ જુઓ, આ રોતલ દેડકી !!’ ‘એક તો મને વાગ્યું અને ઉપરથી તમે મને રોતલ કહીને હસો છો ?’ ‘રોતલ, રોતલ ને રોતલ. એક વાર નહીં, સાત વાર રોતલ. તું જ્યાં સુધી રડતી રહીશ ત્યાં સુધી અમે તને રોતલ કહીશું.’ રુબી દેડકી રડતી રડતી પોતાના ઘર તરફ જતી હતી ત્યાં રસ્તામાં એને ક્યુટ કાચિંડો મળ્યો, ‘ઓહો, હજી તારું રડવાનું ચાલે છે !’ ‘પ્લીઝ, તું મને હેરાન ના કર ને ! એક તો મારી દોસ્તી કોઈ નથી કરતું ને ઉપરથી બધા હેરાન કરે છે.’ ‘તારે દોસ્તની જરૂર છે ખરી ?’ ‘હાસ્તો વળી’ ‘તો સાંભળ મારી વાત. તારે વાતે વાતે રડવાનું બંધ કરવું પડશે. એ વગર તારી દોસ્તી કોઈ નહીં કરે.’ ‘તે મને કંઈ શોખ નથી થતો રડવાનો !!’ ‘પણ તને રડવું બહુ આવે છે એ તો સાચી વાત કે નહીં ? રોતી સૂરત કોઈને ન ગમે. તું એક વાર નક્કી કર કે હવેથી હું નહીં રડું. પછી જોઈ લે, કોની મજાલ છે કે તને રડાવે !!’ ‘એવું કેવી રીતે થાય ?’ ‘સાવ સહેલું છે. સવારના ઊઠીને મનમાં દસ વાર બોલી જા. નહીં રડું, નહીં રહું, નહી રડું..રડવું આવે ત્યારે આ વાત યાદ કરીને મન મક્કમ કરી લેવાનું.’ ‘સાચે જ એ એટલું સહેલું છે ?’ ‘સવાલ જ નથી. બસ, તું નક્કી કર એટલે કામ પૂરું. હવે આજે તું તારા ઘરે જા. આપણે ફરી મળીશું, બાય’ ક્યુટ કાચિંડો ચાલતો થયો. રુબી દેડકી વિચારમાં પડી ગઈ. રોજ એને કંઈ ને કંઈ વાતે રડવું આવતું એટલે એ દૂબળી થઈ ગઈ હતી. એની આંખો ઝીણી થઈ ગઈ હતી. રાત્રે એને કેટલાંય સપનાં આવ્યાં. સપનામાંયે બધાં એને ચીડવતાં હતા. એ સાવ એકલી પડી ગઈ હતી. આમ ને આમ રાત પૂરી થઈ. સવાર પડી. આખી રાત સૂવા છતાં એ થાકેલી હતી. એણે પાક્કું નક્કી કર્યું, ‘ભલે ને આજે કોઈ મને ગમે એટલું ચીડવે તોપણ હું ચિડાઈશ નહીં કે જરાય રડીશ નહીં.’ આંખ બંધ કરીને એ મનમાં ને મનમાં દસ વાર બોલી, ‘નહીં રડું. નહીં રડું, નહીં રડું..... કોઈ દિવસ નહીં રડું જા.....’ એ ‘જા’ એટલા જોરથી બોલી કે એની મમ્મીએ સાંભળ્યું, ‘અરે ! કોની સાથે વાત કરે છે તું ?’ રુબીને હસવું આવી ગયું. એ એકલી એકલી મનમાં ને મનમાં બોલતી હતી. એની મમ્મી ખુશ થઈ. ‘હાશ આજે કેટલા વખતે તને હસતી જોઈ !!’ એણે બ્રશ કર્યું. એની મમ્મીએ એના માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. ‘ચાલ સરખું ખાઈ લે !!’ એની મમ્મીને એની બહુ ચિંતા રહેતી. ‘આ મારી રડતી દીકરીને પરણશે કોણ ?? આમ ને આમ જોને કેવી છુંછા જેવી થઈ ગઈ છે !’ જોકે રુબી દેડકી હવે બદલાઈ ગઈ હતી. એ નાહી’ધોઈને સરસ તૈયાર થઈને કૂવાકાંઠે ગઈ, ‘કૂવાઅંકલ, કૂવાઅંકલ, તમે મને એક બહેનપણી શોધી આપોને !!’ કૂવો કહે, ‘જો તું ખુશ રહીશ તો એક નહીં કેટલીયે બહેનપણીઓ તને મળશે.’ ‘આજે તમને મારો મૂડ કેવો લાગે છે ?’ રુબીએ પૂછ્યું. ‘આજે તો તું ખુશ દેખાય છે.’ ‘બસ, તો હવે રોજ આમ જ રહેશે.’ ‘અરે વાહ દેડકીબહેન ! તો તો તું મને બહુ વહાલી લાગે !!’ એટલી વારમાં ત્યાંથી સ્વીટુ સસલી નીકળી. કૂવાભાઈ કહે, ‘સ્વીટુ, આ દેડકીબહેનને તારી પીઠ પર બેસાડી ફરવા લઈ જા ને ! કેવી સરસ તૈયાર થઈને આવી છે !’ સ્વીટુ કહે, ‘ચાલ આવી જા.’ રુબી દેડકી ખુશ થઈ ગઈ. કૂદીને બેસી ગઈ સ્વીટુની પીઠ ઉપર. સ્વીટુને મજા પડી ગઈ. એ તો કૂદી, એક વાર, બે વાર.. રુબી દેડકી ચીપકીને બેસી રહી પણ સ્વીટુ ત્રીજી વાર કૂદી અને રુબીની પકડ છૂટી ગઈ. એ નીચે પડી. એને થોડું વાગ્યું. એની આંખમાં જરા પાણી આવી ગયાં પણ એને યાદ આવી ગયો પોતાનો સંકલ્પ. એ મનમાં ને મનમાં બોલી, ના ના રડાય નહીં જ... સ્વીટુ સસલી બિચારી ઝંખવાણી પડી ગઈ હતી. એનો ઇરાદો કંઈ રુબી દેડકીને પછાડવાનો નહોતો. ‘સૉરી દોસ્ત, મેં તને જાણીજોઈને નથી પાડી. ચલ હવે બરાબર બેસી જા.’ રુબીને જરા હાશ થઈ. ‘કંઈ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!’ રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઈ. સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. ‘ચાલ દેડકીબહેન, ઉતર. અહીં કેટલાય નવા દેડકા છે. તું બધાને મળી આવ.’ આ બધા દેડકા બીજા ગામના હતા. કોઈને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે. ‘હાય રુબી’ એક મસ્ત દેડકો બોલ્યો. ‘હાય’ રુબી દેડકી ખુશ થઈ ગઈ. ત્યાં બીજી એક દેડકી આવી. ‘કમ ઓન, લેટ અસ ડાંસ.’ રુબી દેડકી તો આભી બની ગઈ. પોતાના ગામમાં તો આવું કદી બન્યું નહોતું. જોકે એ કંઈ વિચારે એ પહેલાં મ્યુઝિક શરૂ થયું અને બધાં દેડકાં ખૂબ નાચ્યાં. રુબી દેડકીને બરાબર નાચતાં આવડી ગયું હતું. ડાંસનો પ્રોગ્રામ પૂરો થયો એટલે સ્વીટુ સસ્સી કહે, ‘ચાલ હવે જઈશું આપણે ગામ ?’ રુબીને જવાનું મન નહોતું થતું પણ ઘરે તો જવું જ પડે. મમ્મી કેટલી રાહ જોતી હોય ને વળી ચિંતાયે કરતી હોય !! બહુ મોડું થાય તો પપ્પા પણ વઢે. એ ફટાફટ સ્વીટુની પીઠ પર ચડી ગઈ, ‘હવે તમે નાચતા નાચતા જાઓ તોયે વાંધો નહીં, મને જરાય પડવાની બીક નથી લાગતી.’ બંને રુબીના ઘર પાસે પહોંચ્યાં. રસ્તામાં કનુ કાચબાએ રુબીને જોઈ. ‘અરે વાહ રુબી દેડકી આટલી બધી આનંદમાં !!’ કૂવા અંકલે જોયું, રુબી ખુશખુશાલ હતી. અપ્પુ ઉંદર રુબીને જોઈને માની જ નહોતો શકતો પણ સાચી વાત હતી. રુબી દેડકી સાવ બદલાઈ ગઈ હતી. એ જોર જોરથી ગાવા લાગ્યો. ‘આ રુબી છે ભઈ રુબી છે, એ રોતી નહીં પણ રમતી છે, એ રોતી નહીં પણ રમતી છે..’ બીજાં દેડકા-દેડકી આવી પહોંચ્યાં. રુબીની આજુબાજુ ગોળ ફરતે ગોઠવાઈ ગયાં અને ગાવા માંડ્યાં, ‘આ રુબી છે ભઈ રુબી છે, ૨મતી છે ભઈ ૨મતી છે, ગમતી સૌને ગમતી છે. આ રુબી છે ભઈ રુબી છે...’ સ્વીટુ સસ્સી રુબીના કાનમાં કહે, ‘બાય રુબી, હું જાઉં છું. હવે તું એમને તારો નાચ પણ બતાવ. તારી પાસે શીખવા માટે બધા લાઇન લગાવશે...’ રુબી કહે, ‘અને હા, મારો વટ પડી જાશે....’