ગુજરાતી બાળવાર્તા સંપદા/પતંગિયાની ઉડાન
ગિરિમા ઘારેખાન
એક હતું પતંગિયું. એની પાંખો રંગબેરંગી. સવારે સૂર્યના તડકામાં એ આનંદથી એક ફૂલથી બીજા ફૂલ ઉપર ઊડાઊડ કરતું હોય ત્યારે એની પાંખો એવી સરસ ચળકે કે બધાં જોયા જ કરે. આવી જ એક સવારે પતંગિયું એક જાસૂદના ફૂલ ૫૨ બેઠું હતું ત્યારે એક નાની જાંબલી રંગની ચકલી પણ બાજુના ફૂલ પર આવીને બેઠી અને પોતાની ચાંચ ફૂલની અંદર ડુબાડીને એનો રસ પીવા માંડી. પતંગિયું એની સામે જોઈને મલક્યું. ચકલી પણ મલકી અને પછી ઊડી ગઈ. પછી તો ચકલી રોજ ત્યાં ફૂલનો રસ પીવા આવવા મંડી. પતંગિયું પણ ત્યાં જ હોય. ધીમે ધીમે બંનેએ વાતો કરવા માંડી અને એમની વચ્ચે સ૨સ દોસ્તી થઈ ગઈ. એક દિવસ પતંગિયાએ ચકલીને કહ્યું, તું અહીંથી કેમ ઊડી જાય છે ? અહીં જ બેસ ને ! આપણે સાથે સાથે આ ફૂલો પર ઊડ્યા કરીશું.’ ચકલીએ જવાબ આપ્યો, ‘મને કંઈ આટલા-આટલામાં ઊડવું ન ગમે. હું તો અહીંથી જઈને બેસું પેલા આસોપાલવની ટોચ પર અને ત્યાંથી આજુબાજુ જોયા કરું.’ પતંગિયાએ કહ્યું, ‘અરે વાહ ! એટલે ઉપર ! તને ત્યાંથી શું શું દેખાય ? ચકલીએ સહેજ ડોક ફુલાવીને કહ્યું, ‘મને ત્યાંથી તો આસપાસનાં વૃક્ષો દેખાય, બાજુના બગીચાનાં ફૂલો દેખાય, થોડે દૂર રમતાં બાળકો દેખાય અને બીજું ઘણુંબધું દેખાય.’ આ બધું સાંભળીને પતંગિયાને પણ એ બધું જોવાનું મન થયું. એની નાની નાની પાંખો તો એને એટલે ઉપર લઈ જઈ શકતી ન હતી. એટલે બીજી દિવસે જ્યારે ચકલી એની પાસે આવી બેઠી ત્યારે એણે પૂછ્યું. ‘ચકીબહેન, ચકીબહેન, તું મને તારી પીઠ ઉપર બેસાડીને આસોપાલવની ટોચ સુધી લઈ જઈશ ? મારે પણ બાજુનો બગીચો, ફૂલો, બાળકો, બધું જોવું છે.’ ચકલી કહે, ‘હા, હા, એમાં શો વાંધો ? ઊડીને બેસી જા મારી પીઠ પર ! તું તો સાવ હળવું ફૂલ જેવું છે. મને કંઈ તકલીફ નહીં પડે.’ પતંગિયું તો તરત જ બેસી ગયું ચકલીની પીઠ પર. ચકલી એને આસોપાલવની ટોચની ડાળ પર લઈ ગઈ. પતંગિયું તો આજુબાજુનાં વૃક્ષો, એની પર બેઠેલાં પક્ષીઓ, વાંદરા, નીચે ૨મતાં બાળકો, બધું જોઈને રાજીનું રેડ. એ તો મસ્તીમાં આવીને નાચવા માંડ્યું. એનો નાચ જોઈને બાજુની ડાળ પર બેઠેલો કાગડો બોલ્યો, ‘તને આટલું જોઈને આટલો બધો આનંદ થાય છે તો હજુ ઉપર જવા મળે તો તને કેટલી બધી ખુશી થાય?’ પતંગિયાએ કહ્યું, ‘હા, મજા તો બહુ આવે, પણ હજુ ઉપર મને કોણ લઈ જાય ? અહીં સુધી તો મને આ ચકલીબહેન લઈ આવ્યાં.’ કાગડાને પણ આ સુંદર પતંગિયું બહુ ગમી ગયું હતું. એણે કહ્યું, ‘બેસી જા મારી પીઠ પર. હું તને વધારે ઉપર લઈ જઈશ.’ પતંગિયું તો તરત ઊડીને બેસી ગયું કાગડાની પીઠ પર કાગડો તો એને લઈને ઊડ્યો અને એક ઊંચા મકાનના ધાબાની પાળ પર જઈને બેઠો. પતંગિયાએ ત્યાંથી આજુબાજુ જોયું તો આહાહા... પેલા બગીચાનાં વૃક્ષો પણ હવે તો એને નીચાં લાગતાં હતાં. ફૂલો તો જાણે સાવ નાનાં નાનાં. પેલાં બાળકો પણ દૂર દૂર હોય એવું લાગ્યું હતું. એણે તો દૂર દૂર નજર નાખીને જોયું. અરે વાહ ! આજુબાજુ આટલાં બધાં મકાનો છે ! નીચે તો વળી ગાય, કૂતરાં વગેરે પ્રાણીઓ પણ ચાલતાં દેખાય છે ને ! એનાથી બોલી જવાયું, ‘ઓહો ! દુનિયા કેટલી મોટી છે !’ એનું આ વાક્ય ત્યાં ધાબા ઉપર આવીને બેઠેલી એક સમડીએ સાંભળ્યું. એણે કહ્યું, ‘અરે બકા, દુનિયા તો આનાથી પણ ઘણી મોટી છે. તારે જોવી છે ? ચાલ બતાવું.’ પતંગિયું તો ખુશખુશાલ, એ તો એની નાની નાની પાંખોથી થોડું ઊડીને બેસી ગયું સમડીની પીઠ ૫૨. સમડી એને લઈને ઊંચે ઊંચે ઊડી. પતંગિયું તો આભું બની ગયું. એણે ક્યારેય વિચાર્યું પણ ન હોય એવાં બધાં દૃશ્યો જોવા માંડ્યું. એને તો ખબર જ ન હતી કે ગામમાં આટલું મોટું તળાવ હતું ! નીચે રસ્તા ઉપરના માણસો તો જાણે રમકડાં ચાલતાં હોય એવા લાગતા હતા ! વૃક્ષોની તો ટોચ જ દેખાતી હતી. હવે ઉપરથી આવતા તડકામાં પતંગિયાની પાંખો એવી ચમકે, એવી ચમકે, કે એ ચળકાટ જોઈને ખૂબ ઊંચે ઊડતું એક ગરુડ નીચે આવીને સમડીની સાથે સાથે ઊડવા માંડ્યું. ઊડતાં ઊડતાં એણે પૂછ્યું, ‘અરે પતંગિયા ! તું છે ? તારી પાંખોના રંગો તો કેવા સુંદર ચમકે છે ?’ પતંગિયું પહેલાં તો આ મોટા પક્ષીને જોઈને ગભરાઈ ગયું હતું. પણ પોતાનાં વખાણ સાંભળીને એ તો ખુશ થઈને એની સામે જોઈને હસ્યું અને બોલ્યું, ‘કેટલી મજા આવે છે ! આ સમડીબહેન મને કેટલે બધે ઉપર લઈ આવ્યાં !’ ગરુડે પતંગિયાને કહ્યું, ‘અરે મારી સાથે ચાલ. હું તને વાદળ પાસે લઈ જાઉં.’ પતંગિયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘વાદળ પાસે ! અરે વાહ !’ સમડીબહેનનો આભાર માનીને એ તો બેસી ગયું બાજુમાં ઊડતા ગરુડની પીઠ પર અને ગરુડ તો એને લઈને ઊંચે ઊંચે વાદળ તરફ ઊડ્યું. આટલે દૂરની દુનિયા પતંગિયાએ તો પહેલી વાર જોઈ. એ તો સતત ગરુડને ‘પેલું શું છે ? પેલું શું છે ?’ એમ પૂછ્યા કરતું. થોડી વાર તો એણે દૂર દૂર દેખાતી ચમકતી નદી અને પહાડોને જોયાં. પણ પછી ગરુડ એટલી ઊંચાઈએ પહોંચ્યું કે પતંગિયાએ ભયથી આંખો બંધ કરી દીધી.’ હવે બન્યું એવું કે ઊડતાં ઊડતાં ગરુડની વાંકી, ધારદાર ચાંચ એક વાદળને અડી ગઈ અને વાદળમાં પડી ગયું નાનું કાણું, મસ્તીમાં ઊડતા ગરુડને તો ખબર પણ ન પડી કે પીઠ ઉપર બેઠેલું પતંગિયું એ કાણાની અંદર જતું રહ્યું. પતંગિયાને પણ તરત તો ખ્યાલ જ ન આવ્યો કે શું થઈ ગયું. એને થયું કે અચાનક આ ભીનું ભીનું કેમ લાગવા માંડ્યું અને આ વાદળી પરદા જેવું કેમ આંખોની સામે આવી ગયું ! એ તો ગભરાઈને જોરજોરથી પાંખો ફફડાવવા માંડ્યું. હવે પેલું ગરુડ ઊડીને થોડુંક જ આગળ ગયું અને એને થયું કે પતંગિયાનું બોલવાનું કેમ બંધ થઈ ગયું ? બિચારું પડી તો નથી ગયું ને ? એ તો તરત જ પાછું ફર્યું. જેવું એ પેલા વાદળ પાસે આવ્યું કે એણે અંદ૨થી પતંગિયાની પાંખોનો ધીમો ધીમો ફફડાટ સાંભળ્યો. એની નજર પેલા કાણા ઉપર પડી. ગરુડે ચાંચ મારી મારીને એ કાણું થોડું વધારે પહોળું કર્યું. ત્યાં સુધીમાં તો પતંગિયાની પાંખો ખાસી ભીની થઈ ગઈ હતી અને અતિશય ઠંડકથી એ બેભાન જેવું થઈ ગયું હતું. ગરુડે સાચવીને એને પોતાની ચાંચમાં પકડ્યું અને નીચે સમડી જ્યાં એની રાહ જોતી હતી ત્યાં આવ્યું. આટલી વારમાં સૂરજના તડકામાં પતંગિયાની પાંખો પણ સુકાઈ ગઈ હતી. તે પાછું આનંદમાં આવી ગયું. બધાનો આભાર માનતું માનતું એ ગરુડથી સમડી પાસે, સમડીથી કાગડા પાસે અને ત્યાંથી ચકલીની પીઠ ઉપર બેસીને પાછું જાસૂદના છોડ પાસે આવી ગયું. આવીને એણે પોતાના મિત્રોને આ આકાશની સહેલની અને વાદળમાં પેસી ગયાના અનોખા અનુભવની વાતો કરી. પતંગિયાને જ્યારે પણ એ બધું યાદ આવે છે ત્યારે એ ગાય છે : ચકલી વળી કાગડો, સમડીની કાંખે, ઊડતું આકાશમાં હું ગરુડની પાંખે, જોયાં ઊંચાં વૃક્ષો, નદી ને પહાડ રમીને આવ્યું હું વાદળની સાથે. હવે બીજી એક વાત. પતંગિયાની પાંખોના જે રંગો આકાશને ચોંટી ગયા હતા એ રંગો વરસાદની ઋતુમાં ભીના થઈને વિસ્તરે છે અને મેઘધનુષ બની જાય છે.