ગુજરાતી બાળવાર્તા સંપદા/વાદળ વરસી જા !
હસમુખ બોરાણિયા
નાનકડું ગામ. ગામમાં બધી જ સગવડ. ગામનાં જાહેર નળમાં પાણી આવે. મીઠું-મીઠું પાણી ! ગામની બહેનો આ નળમાંથી પાણી ભરે. એક વખત બે બહેનો આ રીતે પાણી ભરતી આવી. ઘડો મૂક્યો નળ નીચે. નળ ચાલુ કર્યો તે પછી બંને બહેનો વાતે વળગી. ઘડો ભરાયો પણ વાતો ન ખૂટે. નળ ચાલુ, પામી ચાલુ, વાતો ચાલુ ! ને ઘડો છલકાયો. પાણી તો આવો મોકો જોઈને થયું ચાલતું ! ચાલતું જાય...ચાલતું જાય...તે પહોચ્યું ગામની ગટરમાં ! ‘હાય ! હાય ! હું ગદું થઈ ગયું.’ એમ કહીને પાણી તો રડવા માંડ્યું. ને પછી ગટર તો ખળળ.. ખળળ વહેતી જાય ને પહોંચી ગામની નદીમાં. નદી તો ઉછળતી કૂદતી જાય અને ખળખળ ખળખળ વહેતી જાય. નદી દરિયામાં સમાઈ ગઈ. પાણી તો રડવા લાગ્યું. ‘હું કેવું મીઠું મીઠું પાણી હતું ! ગટરમાં ભળીને ગંદુ થયું ! નદીમાં થોડું ચોખ્ખું થયું ત્યાં વળી દરિયામાં ભળીને ખારું ખારું બની ગયું !’ ને ભેકડો તાણીને રડવા માંડ્યું. પાણીને રડતું જોઈને દરિયાદેવ કહે, ‘તું અગીં રડવા નહીં, વાદળ બનવા આવ્યું છે. વાદળ બનીને આકાશે ચડવા ને ઊડવા આવ્યું છે.’ દરિયાદેવની વાત સાંભળીને પાણી રાજી થઈ ગયું ! ઉનાળાની ગરમી શરૂ થઈ. વાદળ બનવા લાગ્યાં. દરિયાના પાણીની વરાળ. વરાળ ઠરીને વાદળ. પાણી તો વાદળ બની ગયું પવનના ઝપાટે આગળ આગળ ઊપડ્યું. ઊંચા આકાશે એક વાદળ, બીજું વાદળ, વાદળ, વાદળ ને વાદળ ! વાદળ આમ ચાલતાં ચાલતાં જતું હતું ને ત્યાં તેને નીચે ગામ દેખાયું. જાહેર નળ દેખાયો. પાણી ભરવા માટે લાંબી લાઈન લાગી હતી. બહેનો વાતો કરી હતી, ‘બહેન, આ વખતે પાણીની તંગી છે. તાપ બહુ પડે છે. આખો દિવસ પાણી ભરી ભરીને થાકી જવાય છે. હવે તો વાદળ વરસી જાય તો સારું !’ બહેનોની વાતો સાંભળીને વાદળને તો ખીજ ચડી. વાદળ કહે, ‘હું તો વરસું જ છું. તમે પાણીનો બગાડ કરો છો. પાણીને સાચવો.’ આટલું બોલીને વાદળે ગર્જના કરી. એક બહેન કહે, ‘હેં કોણ બોલ્યું ?’ તો બીજી બહેન કહે, ‘વાદળ’ બધા રાજી થયાં. વાદળને કહે, ‘વરસી જા. વરસી જા. અમારી તરસ છીપાવી જા.’