ભરત વિંઝુડાની ગઝલસંપદા/સર્જક-પરિચય

From Ekatra Foundation
Revision as of 16:51, 12 November 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કવિ પરિચય
નામ : ભરત ખેતાભાઈ વિંઝુડા
જન્મ તા. : ૨૨/૦૭/૧૯૫૬
જન્મસ્થળ : સાવરકુંડલા
અભ્યાસ : સ્નાતક, ૧૯૭૭
વ્યવસાય : મહેસૂલ વિભાગ, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી તળે અમરેલીમાં અને અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં નાયબ મામલતદાર તરીકે સેવાઓ આપી ૩૧/૦૭/૨૦૧૪થી સેવાનિવૃત્ત.

કવિ ભરત વિંઝુડાએ કાવ્યલેખનની શરૂઆત કૉલેજકાળ પૂર્વે કરી હતી. ને ૧૯૭૪થી તો તેઓ છંદોબદ્ધ ગઝલો લખવા માંડેલા. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો સામયિકોમાં પ્રસિદ્ધ પણ થવા લાગેલી. દરમિયાન અમરેલી કલેક્ટર કચેરીમાં નોકરી મળતાં રમેશ પારેખ અને અન્ય કવિઓની ‘મુદ્રા’ની બેઠકોની સંગત મળતાં કવિ ભરત વિંઝુડાનું કાવ્યલેખન વધુ દૃઢ બને છે. પુત્રનાં લક્ષણ પારણાંમાંથી પારખતાં રમેશ પારેખે ભરત વિંઝુડાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય એ પૂર્વે જ પોતાની ‘જનસત્તા’ની કોલમ ‘હોંકારો આપો તો કહું’માં ‘પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ’ કહી પોંખેલા. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સહેજ અજવાળું થયું’ છેક ૧૯૯૪માં ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલો. એ પછી એમણે સાતત્યપૂર્વક ગઝલલેખમ કરી અન્ય ૧૩ સંગ્રહ આપ્યા છે. સંખ્યાથી વિપુલ આ ગઝલરાશિ સત્ત્વથી પણ ઘણી સમૃદ્ધ છે. એમના સંગ્રહોને મળેલા વિવિધ પારિતોષિકો અને કવિને મળેલા સન્માનો એનું પ્રમાણ છે. એમને મળેલા પારિતોષિક-સન્માન આ મુજબ છે.

  • ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, ૨૦૦૩, ૨૦૦૬, ૨૦૨૩
  • હરીન્દ્ર દવે પારિતોષિક, ૨૦૦૬
  • મનહરલાલ ચોકસી પારિતોષિક ૨૦૧૧
  • રમેશ પારેખ એવોર્ડ, (નાગરિક બેન્ક અમરેલી) ૨૦૧૧
  • દિલીપ ચં. મહેતા ગઝલ પારિતોષિક, ૨૦૧૪-૧૫
  • કવિ શ્રી રમેશ પારેખ સન્માન, (સંગત પરિવાર, અમદાવાદ) ૨૦૧૯
  • સર્જન-સન્માન પુરસ્કાર (અસાઈત સાહિત્ય સભા, ઊંઝા) ૨૦૨૩

સંકોચશીલ અને ઓછાબોલા આ કવિ કાવ્યપઠનની પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. ધીમા છતાં મક્કમ અવાજમાં વિશિષ્ટ શૈલીનું એમનું કાવ્યપઠન શ્રોતાને સરવાકાને સાંભળવા પ્રવૃત્ત કરીને ન્યાલ કરે છે.