ભરત વિંઝુડાની ગઝલસંપદા/તમને
૭
તમને
તમને
હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને
હજી પણ ક્યાં કહી છે મેં અહીં કોઈ કથા તમને
મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને
તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ
ખરેખર મારે જોવાં હોય છે બસ, એકલાં તમને
ઊભો છું મંચ પર હું ને તમે બેઠાં છો શ્રોતામાં
કશું બોલું છું હુું ને દાદ આપે છે સભા તમને
ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે
ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને!
(પંખીઓ જેવી તરજ)