અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવેન્દ્ર દવે/અસલ અમલે

From Ekatra Wiki
Revision as of 04:50, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અસલ અમલે|દેવેન્દ્ર દવે}} <poem> ઝડી સંગે ઝીણું ઝરમરી ગયું વ્હા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અસલ અમલે

દેવેન્દ્ર દવે

ઝડી સંગે ઝીણું ઝરમરી ગયું વ્હાલ નભનું!
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી!
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા!
ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચૂનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા!

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે!
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં!
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં!
જુદાઈ વેળાના જડ, કુરૂપ ચ્હેરા સજધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…
(નજીક, ૧૯૯૫, પૃ. ૧૯)