ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગઝલ
૧૮
ગઝલ
ગઝલ
ભેદ રેખાઓ મિટાવી દે ગઝલ
શત્રુને ચાહક બનાવી દે ગઝલ
ઓળખે છે જેવી રીતે તું મને
એવી રીતે ઓળખાવી દે ગઝલ
ક્યારનો ડૂમો ભરાયો છે ગળે
તું નજીક આવી રડાવી દે ગઝલ
ને હવે થઈ ગઈ ખતમ જિજીવિષા
શેષ જીવન જિવરાવી દે ગઝલ
જીવને પણ ઊંઘ આવી જાય એમ
પારણું મારું ઝુલાવી દે ગઝલ
(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)