અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/શબદમાં જીનકું ખાસ ખબરાં પડી

From Ekatra Wiki
Revision as of 06:49, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબદમાં જીનકું ખાસ ખબરાં પડી| હરીશ મીનાશ્રુ}} <poem> ગરથ ગાંઠે ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શબદમાં જીનકું ખાસ ખબરાં પડી

હરીશ મીનાશ્રુ

ગરથ ગાંઠે નહીં કે ખભે ગાંસડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
ધડ ઉપર શિર નહીં કે નહીં પાઘડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
હોય નૈં મયૂરના ચરણમાં મોજડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
વટ વળી વાવટાની નથી કૈં પડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
એની બોલી ખડી હો કે સાધુક્કડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
બોલ એના સ્વયંભૂ કવનની કડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
એની પોથી પરિબ્રહ્મ થઈ ઊઘડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
છૂટ ગઈ બારણા બ્હાર બારાખડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
એ ભલા ને ભલી એની કોટડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
જ્યાં નથી છત નથી છો નથી ભીંતડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
શીદ પહેરે પુરાણી પવનપાવડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
લેશ હાલ્યા વિના હુડુડુ કાઢે હડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
દોરીલોટો ગહી હાથમાં ખલકનો ને ખભે એક ખડિયો અલખનો લઈ;
એક મલક ખૂંદતા ઊપડ્યા અબઘડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
કોણ ઝેલી શકે ઝટકઃ એ ફટક દઈ જીવને ઝાટકો, ફડફડે ફોતરાં;
ધાન્ય માણેકનાં કનકની સૂપડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
થાય અધ્ધર ભવાં કે રૂંવાડાં ખડાંઃ સ્હેજ તીરછી નજર ને અસર તોછડી;
ઓસ થૈ સૂર્ય આખોય લ્યે ધાબડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
તરસ ને ભૂખના ટેસડા જ્યાં પડે, દહીંથરાં હોય કે ઢેબરાં, શું ફરક?
જીભથી જન્નતે જો ગઈ ઊખડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
સો મૂએલાં ભરે કબરમાં મરણને, સબરમાં સ્મરણ તે જીવતાંનો કસબ;
જગતની જાત લાગે જનમજૂઠડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
નિજ છબિ ન્યાળવા નેણ ઊલટાં કરે, આમળે વેણને અવળવાણી વડે;
કા કહું? ઉનકી સાવ જ ઊંધી ખોપડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
એ અડે તો દીવાલોય ઉલ્લાસથી દ્વાર દર્પણ કે દિગંત થઈ ઝળહળે;
ના ગમે ક્યાંય ક્યારેય ઇસ્ટાપડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી;
તીરથથી છે સવાયાં ચરણ ચિહ્ન, નિરમાળ ભેગાં ચઢે નૂર નક્ષત્રનાં;
એને જોઈ સ્વયં આરતી શગ ચડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી.
પંખીના ન્હોરથી નભ ઉઝરડાય ના, ત્રાટકતાં વજળી મેઘ તરડાય ના;
એ રીતે એની પરછાંઈ પળમાં પડી, શબદમાં જીનકું ખાસ ખબરાં પડી.