અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ પંડ્યા/મારી કુંવારી આંખોના સમ
Revision as of 07:14, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી કુંવારી આંખોના સમ|યોગેશ પંડ્યા}} <poem> મારી કુંવારી આંખ...")
મારી કુંવારી આંખોના સમ
યોગેશ પંડ્યા
મારી કુંવારી આંખોના સમ, મારા સાયબા!
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ
અથરો ના થા જરા ખમ, મારા સાયબા!
મારી કુંવારી આંખોના સમ...
કુંવારા કાંડાનું વેણ રાખ સાજણ,
તું કુંવારું કાંડું મચકોડ મા,
કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં,
નજરુંને નજરુંથી જોડ મા;
અરે! આટલી ઉતાવળ ન હોય, જરા થમ...
મારી કુંવારી આંખોના સમ...
આંગણામાં ઊભેલા વડલાનાં પાન રોજ
એક એક ખરતાં રે જાય છે,
એમ એમ આપણી વચાળે આ
ઊભેલી પાનખર ટૂંકાતી જાય છે;
પછી, ભીની કૂંપળની પથરાશે જાજમ...
મારી કુંવારી આંખોના સમ...
મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી
સપનાંઓ ચોરપગે આવતાં,
સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી મારાં
અંગો પર વ્હાલપ ભભરાવતાં;
આંખ ઊઘડી તો ઓરડામાં છલકાતો ભ્રમ...
મારી કુંવારી આંખોના સમ...