આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/T
T
Tanka તાન્કા
- ૫/૭/૫/૭/૭ અક્ષરોની પાંચ પંક્તિઓમાં કુલ ૩૧ અક્ષરે ધરાવતું ૭મી સદીમાં ઉદ્ભવેલું જપાનનું પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ. આ સ્વરૂપ ‘વાકા’ કે ‘ઉટા’ તરીકે પણ પ્રચલિત છે; પરંતુ પશ્ચિમની કવિતા પર હાઈકુ જેટલું પ્રભાવક નથી નીવડ્યું.
- જેમ કે, કિસન સોસાનું તાન્કા
"ખેતર, વૃક્ષો
વ્યોમ પંખીથી ભર્યો
ઓરડો જુઓ !
કે અવાવર ઓલી
આજ બારી મેં ખોલી."
Taste રુચિ
- ૧૮મી સદીમાં આ સંજ્ઞા સુપ્રતિષ્ઠ થઈ અને વિવિધ રીતે એનો તત્ત્વવિચાર તેમ જ સૌન્દર્ય વિચારમાં પ્રયોગ થયો. વિશેષ તો કલા અને સાહિત્યક્ષેત્રે જે કાંઈ ઉત્તમ છે એને પરખી લેવા માટેનું રુચિતંત્ર આ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. કોલરિજે રુચિની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ‘ઉત્તમ રુચિ કેળવી શકાય છે. અન્ય બાબતોની જેમ રુચિ પણ વિચારનું અને શ્રેષ્ઠ નમૂનાઓના નિદિધ્યાસનનું પરિણામ છે."
Tautology પુનરુક્તિદોષ
- અન્ય શબ્દોમાં એકની એક વસ્તુનું અનાવશ્યક પુનરાવર્તન.
Techninal criticism પ્રાવિધિક વિવેચન
- ચોક્કસ કૃતિનું એક એક અંગ એના વૈયક્તિત સ્વરૂપને નિર્ણીત કરવામાં કઈ રીતે ભાગ ભજવે છે એ આ વિવેચનનો મુખ્ય આશય છે. આ સદીમાં વિવેચનનો વિકાસ જોતાં સૌથી વધુ પ્રચલિત થયેલું કૃતિનું શ્રમસાધ્ય પ્રાવિધિક વિશ્લેષણ છે.
Technique પ્રવિધિ
- શૈલી એ સભાન પ્રક્રિયા છે અને પ્રતિભાવમૂલક યા અભિવ્યક્તિમૂલક મૂલ્યો કરતાં એ સ્વરૂપગત મૂલ્યોની અપેક્ષા રાખે છે. પ્રત્યેક લેખક આ માટે કોઈ ને કોઈ પ્રવિધિ અપનાવે છે. એક રીતે જોઈએ તો પ્રેરણાને બદલે પ્રવિધિ પરત્વેનો આગ્રહ એ બદલાતી જતી સંવેદનરીતિ સાથે સંબંધિત છે. કેટલાક વિવેચક માને છે કે પ્રેરણા વિશેની આશંકા અને પ્રવિધિ પરત્વેની શ્રદ્ધા એ રંગદર્શિતાથી પ્રતીકવાદને અલગ કરનારાં મહત્ત્વનાં પરિબળોમાંનું એક પરિબળ છે.
- આથી જ લઘરવગર ઉન્મત્ત કવિને બદલે પોલ વેલેરીએ પુરસ્કારેલા ‘તટસ્થ વૈજ્ઞાનિક’ કવિની છબીને ટી. એસ. એલિયટ પ્રશંસે છે,
Television દૂરદર્શન
- રેડિયો તરંગો દ્વારા એક સ્થળે કૅમેરામાં ઝડપાયેલા દૃશ્યને દૂરનાં સ્થળો સુધી પહોંચાડવાની પ્રક્રિયા દૂરદર્શનની વિભાવનાના પાયામાં રહેલી છે. વિશ્વના બધા જ દેશોમાં એક મહત્ત્વના સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શનનો વિકાસ થયો છે. મુદ્રણકલા અને ફિલ્મની શોધ બાદ દૂરદર્શન એ એવી મહત્ત્વની શોધ છે જેનો સાહિત્ય અને કલા ઉપર વિશેષ પ્રભાવ પડ્યો છે. દૂરદર્શન માટે લખાતાં નાટકો તથા ચલચિત્રો સાહિત્યના એક મહત્ત્વના સ્વરૂપ તરીકે વિકસી રહ્યાં છે.
Tenor and Vechicle મૂલ્ય અને ધારક
- આઈ. એ. રિચડર્ઝ દ્વારા ઘડાયેલી સંજ્ઞાઓ. રિચડર્ઝ રૂપકના બે ભાગ પાડીને તેમને ‘મૂલ્ય’ અને ‘ધારક’ તરીકે ઓળખાવે છે. રૂપક મુખ્યત્વે તુલના છે. જેમ કે ‘નેત્રકમલ’.
Tension તાણ
- સાહિત્યકૃતિમાં પરસ્પરવિરોધી તત્ત્વોના સંઘર્ષોને લીધે તાણ જન્મે છે અને તે દ્વારા વસ્તુસંકલનાની એકરૂપતા સિદ્ધ થાય છે.
- કાવ્યના સમગ્ર બંધારણના સંદર્ભમાં એલન ટેટ દ્વારા આ સંજ્ઞા વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવી છે. તેમના મત અનુસાર કવિતાના શબ્દાર્થ તથા લાક્ષણિક અર્થના સહઅસ્તિત્વને લીધે તાણ સર્જાય છે.
Tessera પરિષ્કરણ
- જુઓ : Influence, the anxiety of.
Tetralogy કૃતિચતુષ્ઠ્ય
- એથેન્સમાં પ્રતિવર્ષ ભજવાતાં નાટકોમાં એક જ લેખકનાં ત્રણ ટ્રેજડી નાટકો (નાટ્યત્રયી) ઉપરાંત એક કટાક્ષ નાટ્ય (Satyr) ભજવવાની પ્રણાલી હતી. ચાર નાટકોનું આ જૂથ નાટ્યચતુષ્ઠ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે એક લેખકની ચાર નવલકથાઓ કથાચતુષ્ઠ્ય તરીકે ઓળખાય છે.
- જેમ કે, શ્રી સુરેશ જોષી કૃત કથાચતુષ્ઠ્ય (‘છિન્નપત્ર’, ‘મરણોત્તર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’).
Text પાઠ, કૃતિ
- જે પાઠ-પરકતા (Textuality)નાં સાત ધોરણો જાળવતી હોય એવી કોઈ પણ સંપ્રેષણીય ઘટનાને પાઠ કહી શકાય. પાઠ-પરકતાનાં સાત ધોરણો નીચે મુજબ છે : (૧) સંસક્તિ (Cohesion) (૨) સંગતિ (Coherence) (૩) ઉદ્દેશપરકતા (Intentionality) (૪) પરિસ્થિતિપરકતા (Situationality) (૫) સ્વીકાર્યતા (Acceptability) (૬) માહિતીપ્રદતા (Informativity) (૭) આંતરપાઠ–પરકતા (Intertextuality) વગેરે.
- જો પાઠ આ સાત ધોરણોમાંનું એક પણ ધોરણ જાળવી શકાતું ના હોય તો પાઠ સંપ્રેષણીય નહીં બને. અ-સંપ્રેષયણીય પાઠની ગણના અ-પાઠ (Non-Text) તરીકે થશે. પાઠ એ આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્ય-વિચારની કેન્દ્રવર્તી સંજ્ઞા છે.
Text-Book પાઠ્યપુસ્તક
- કોઈ ચોક્કસ વિદ્યાશાખાના અભ્યાસ માટે નિયત થયેલું વિદ્યાર્થી-ઉપયોગી પુસ્તક. ક્યારેક શાળા-મહાશાળામાં વિતરણ કરવા માટે વળતરનો વિશેષ દર પાઠ્યપુસ્તક માટે આપવામાં આવતો હોય છે.
Text-Linguistics પાઠ-ભાષાવિજ્ઞાન
- ન્યૂનતમ એકમોના વર્ગીકરણ કે વાક્યના વાક્યવિન્યાસગત નિયમો સુધી મર્યાદિત રહેવાને બદલે પાઠ–ભાષાવિજ્ઞાન આંતરવાક્ય સંબંધો સહિત સંપૂર્ણ પાઠના ગુણધર્મો અને સંપ્રેષણીય આંતરક્રિયામાં થતા તેના વિનિયોગનો અભ્યાસ કરે છે. પાઠભાષાવિજ્ઞાનમાં પાઠ કે પાઠપરકતા (Textuality) કેન્દ્રવર્તી ખ્યાલ છે. પાઠે કયાં કયાં ધોરણો જાળવવાં જોઈએ, કઈ રીતે પાઠનું નિમાણું તેમ જ ગ્રહણ થાય છે વગેરે આ વિજ્ઞાનની તપાસનો વિષય છે. સાહિત્યકૃતિ સૌ પ્રથમ તો એક ‘પાઠ’ હોવાથી સાહિત્યના અધ્યયનમાં પાઠભાષાવિજ્ઞાનનું મહત્ત્વ હવે વધી રહ્યું છે. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન નિરૂપણ-વિજ્ઞાન વગેરેમાં પાઠભાષાવિજ્ઞાનનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. વૅન ડીક; ટોમસ પાવલ, હેન્ડ્રીક્સ, તોદોરોવ વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Texture પોત
- સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા જુદા તંતુઓને જોડવાની રીતિ દ્વારા ઉત્પન્ન થતો સંરચનાત્મક પ્રભાવ. છંદ વિશે વાત કરતાં ક્રો રૅન્સમ, છંદની તરેહ કે સંરચનામાં થતાં વિચરણો(Variations)નો નિર્દેશ કરવા આ સંજ્ઞા પ્રેયોજે છે.
Theatre રંગભૂમિ
દૃશ્યકલાઓ–મુખ્યત્વે નાટક—નાં બધાં જ પાસાંઓને આવરી લેતી આ સર્વાશ્લેષી સંજ્ઞા દ્વારા રંગમંચ ઉપર ભજવાતાં નાટકોની મંચનલક્ષી તેમજ નાટ્યસિદ્ધાંત સંબંધો બધી જ બાબતોનું સૂચન થાય છે.
આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અવલોકન-સ્થળ (Seeing place) એવો થાય છે. આજે સર્વાશ્લેષી સંજ્ઞા તરીકે રંગભૂમિના અર્થમાં પ્રયોજવા ઉપરાંત આ સંજ્ઞા નાટ્યગૃહના અર્થમાં પણ પ્રયોજાય છે. કોઈ એક લેખક કે વર્ગના સમગ્ર નાટ્યલેખનને આધારે ઉપલબ્ધ થતી રંગભૂમિની તેની આગવી વિભાવનાને ઇબ્સનની રંગભૂમિ (Theatre of Ibsen) કે ફ્રાન્સની રંગભૂમિ (Theatre of France) એ રીતે સૂચવવામાં પણ આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.
જુઓ : Tragedy, Comedy, Absurd.
Theatricalism મંચવાદ
૧૯૦૦ની આસપાસ પ્રકૃતિવાદની સામે પ્રતિક્રિયારૂપે રશિયા અને જર્મનીમાં આવેલો રંગમંચ સિદ્ધાન્ત. ‘રંગમંચ રંગમંચ છે, જીવન નથી’ એ રંગમંચવાદનો મુખ્ય સૂર છે.
Theme વિષયવસ્તુ
સાહિત્યકૃતિના કેન્દ્રસ્થાને રહેલું વિષયવસ્તુ. વાર્તા કે નવલકથાને કોઈ એક ચોક્કસ વિષયવસ્તુની કલાત્મક પરિવ્યાપ્તિ તરીકે મૂલવવાનું વલણ છે. કથા સાહિત્યક્ષેત્રે સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, વૈયક્તિક વગેરે વિષયોના આધારે કૃતિ રચવામાં આવે છે. આ સંજ્ઞાને કેટલીક વાર કૃતિના કેન્દ્રવર્તી વિચારનું સૂચન કરવા માટે પણ પ્રયોજવામાં આવે છે.
Theme Song ધ્રુવગીત
કૃતિના કેન્દ્રવર્તી વિચારને ઉદ્ઘાટિત કરી આપતું સંગીત-નાટ્ય કે ચલચિત્રમાં રજૂ થતું પુનરાવૃત્ત થતું ગીત.
Theoretical Criticism સૈદ્ધાન્તિક વિવેચન
સાહિત્ય શું છે એની વિચારણા આ વિવેચનનું મુખ્ય ક્ષેત્ર છે. સાહિત્ય અંગેના નિયમો અને એની પદ્ધતિ અંગેનું વૈજ્ઞાનિક શાસ્ત્રીય જ્ઞાન વિવેચનનો મુખ્ય આશય છે.
‘કાવ્ય શું કહે છે?’ યા ‘કાવ્ય ઉત્તમ છે કે નહિ?’ એ વિશે જો વિનિયુક્ત વિવેચન વિચારતું હોય, તો સૈદ્ધાન્તિક વિવેચન કાવ્યની ગુણવત્તા નક્કી કરવામાં કયા ઘટકો કાર્ય કરે છે એ અંગે વિચારે છે.
Thesis શોધ-પ્રબંધ
કોઈ વિષય કે વિષયાંગને લગતી સમસ્યા કે તેને લગતા મુદ્દા પર સંશોધન કરી તૈયાર કરવામાં આવેલા શોધ-પ્રબંધ.
Three Unities ત્રણ એકતાઓ
નાટ્યકૃતિના સંઘટનના એકત્વ માટે ત્રણ ઘટકોનું આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. સમય-એકતા (Unity of Time), સ્થળ-એકતા (Unity of place), ક્રિયા-એકતા (Unity of Action) નાટ્યકૃતિની સમગ્રલક્ષી એકતાના અનિવાર્ય ત્રણ ઘટકો છે.
એકતાની પ્લેટોની વિભાવનાનો ઍરિસ્ટોટલે નાટ્યકૃતિના સંદર્ભમાં વિનિયોગ કર્યો. ‘પોએટિકસ’માં આ વિશેની ચર્ચામાં ઍરિસ્ટોટલ કરુણાન્તિકાની આંતર-વ્યવસ્થાકીય એકતાને લીધે તેને મહાકાવ્ય કરતાં ચડિયાતું સ્વરૂપ ગણાવે છે.
કરુણાન્તિકામાં આરંભ, મધ્ય અને અંતના સમન્વિત સંબંધ દ્વારા એકતા સધાય છે એવો વિચાર રજૂ કરી ઍરિસ્ટોટલ ટ્રેજડીને એકરૂપ ક્રિયાના અનુકરણ તરીકે ઓળખાવે છે.
Thriller રોમાંચકથા
રહસ્ય અને ઘટનાઓના ઝડપી વિકાસ પર ભાર મૂકતી અને મુખ્યત્વે લોકપ્રિય સાહિત્યના વાચકો માટે લખાયેલી નવલકથાનો પ્રકાર. જાસૂસી અને ગુનો આ પ્રકારની કથાના લાક્ષણિક વિષયો છે. જોન બકન, એરિક ઍમ્બલર અને જૉન લ કૅર જેવાઓની રોમાંચકથાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. રોબર્ટ લુડલુમ, ડેસમન્ડ બૅગ્લી, એલીસ્ટર મેકલીન વગેરે લોકપ્રિય રોમાંચ કથાકારો છે.
Tone ભાવપર્યાવરણ
લેખકની માનસિક અભિવૃત્તિ, પ્રબળ ચેતના અને એના નૈતિક અભિગમ દ્વારા કૃતિનું નિયત થતું ભાવપર્યાવરણ.
Tone-color ભાવવર્ણ
કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકનાં વૈચારિક કે ઊર્મિગત વલણોનું વહન કરતો હોય છે; આ ભાવ(Tone)નાં વર્ણવિષયક સાહચર્યોથી જે સૌંદર્યાનુભૂતિ જન્મે છે તેનું આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. જેમ કે વિષાદ સાથે શ્યામ વર્ણનું કે શૌર્ય સાથે કેસરી વર્ણનું સાહચર્ય એ ભાવવર્ણનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે.
Topographical Poetry સ્થલવાચક કવિતા
વિશિષ્ટ સ્થાનો પરત્વે લખાયેલી કવિતાની પરંપરા. આસપાસના પરિવેશના વર્ણનમાં કવિ એની પ્રતિક્રિયાઓ રજૂ કરતો હોય છે.
Touchstone નિકષ
મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપરાતો પથ્થર. સાદૃશ્યન્યાયે પછી એ નિકષ કે ધોરણના અર્થમાં સાહિત્યક્ષેત્રે સ્થિર થયો છે. પૂર્વસૂરિઓના કાવ્યનમૂનાઓને અનુગામી અન્ય કવિતાઓના મૂલ્યાંકનમાં નિકષ તરીકે ઉપયોગમાં લેવાની વાત આ સંદર્ભમાં મેથ્યુ આર્નલ્ડે કરેલી છે.
Trace : મૃગણા
જુઓ : Deconstruction.
Tragedy કરુણાન્તિકા
આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અજ-ગાન (Goat Song) એવો થાય છે. પ્રાચીન સમયમાં ધાર્મિક વિધિના ભાગરૂપે કરાતા પશુના બલિદાનની પેઠે કરુણાન્તિકાનો નાયક સંઘર્ષપૂર્ણ સંજોગોને અંતે મૃત્યુ પામે છે.
આ સંજ્ઞા ગદ્ય કે પદ્યમાં લખાયેલી એવી નાટ્યકૃતિનું સૂચન કરે છે જેમાં ઉમદા ચારિત્ર્યનો નાયક કોઈ એક દોષને લીધે પોતાની જ ભૂલને અંતે પોતાનું પતન નોતરે છે. નાયકનો આ પ્રકારનો ચરિત્ર-દોષ ઈર્ષ્યા, અભિમાન કે આત્યંતિક મહત્ત્વાકાંક્ષામાંથી જન્મેલો હોય છે.
ગ્રીક નાટ્યકારો એસ્કિલસ, સોફોક્લિસ તથા યૂરિપિડિસનાં નાટકોના આધારે ઍરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાવિભાવનાની ચર્ચા કરી છે. ઍરિસ્ટોટલે આ ચર્ચામાં આ નાટ્યસ્વરૂપની કાવ્યાત્મક ભાષા પર, એના ભવ્ય વિષયવસ્તુ પર તથા એમાં દયા તેમ જ ભય જન્માવતા પ્રસંગોની રજૂઆત પર ભાર મૂક્યો, પ્રેક્ષકમાં જન્મતી દયા અને ભયની આ લાગણીઓના હેતુની સમજૂતી આપતાં ઍરિસ્ટોટલે વિરેચન(catharsis)ની વિભાવના પ્રસ્તુત કરી.
ગ્રીક કરુણાન્તિકાઓ ઉપરાંત શેક્સપિયરનાં આ પ્રકારનાં નાટકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કરુણાન્તિકાની વિભાવનામાં ઘણું પરિવર્તન આવ્યું. યુજિન ઓનિલ, ટી. એસ. એલિયટ વગેરેએ કરુણાન્તિકાની વિભાવના મૂળભૂત પશ્ચિમી હોઈ ભારતમાં તેની સમાંતરે ચર્ચા કરી શકાય એવું નાટ્યસ્વરૂપ નથી.
Tragic Flaw ચરિત્ર-દોષ
જુઓ : Hamartia.
Tragicomedy કરુણ-હાસ્ય નાટક
સુખાન્તિકા અને કરુણાન્તિકાનાં તત્ત્વોનાં સમન્વયથી રચાયેલું નાટક. સામાન્ય રીતે આ પ્રકારનાં નાટકોમાં દુઃખદ અંત તરફ ચાલતી ક્રિયાને ઘટનાના વળાંક દ્વારા સુખદ અંતની દિશામાં લઈ જવામાં આવે છે. ‘મર્ચન્ટ ઑવ વેનિસ’ શેક્સપિયરનું આ પ્રકારનું નાટક છે.
આ વિભાવનાનાં મૂળ છેક યુરિપિડિસના સમયથી નંખાયેલાં છે. પ્રેક્ષકો દ્વારા ખલનાયકને શિક્ષા અને નાયકને ન્યાય આપવાની રખાતી અપેક્ષાએ ઘણા નાટ્યકારોને બે અંત(Double Ending)ની પ્રવિધિ અપનાવવા પ્રેર્યા હતા. યુરોપમાં એલિઝાબેધન અને જેકોબિયન સમયમાં જીવનને કરુણહાસ્ય (Tragi-Comedy) તરીકે ઓળખાવતાં દર્શનનો પ્રભાવ જેમ ત્યારના નાટક ઉપર તેમ એબ્સર્ડ નાટકની વિભાવના ઉપર પણ પડ્યો. આમ કરુણ-હાસ્યની આ વિભાવનાનો ઘોર નાટ્ય, અસંબદ્વ વગેરે સાથે પણ સંબંધ છે.
Transcendentalism અનુભવાતીતવાદ
રોજિંદા જીવનના અનુભવોથી સ્વતંત્ર રીતે માનવીય જ્ઞાનની તર્કપરક તપાસ કરતો વાદ. ૧૮૩૬માં રાલ્ફ વાલ્ડો એમર્સન દ્વારા આ વાદની પ્રતિષ્ઠા થઈ.
Translation અનુવાદ, ભાષાંતર
કોઈ પણ એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવું તે અનુવાદની મુખ્ય પ્રવૃત્તિ છે. રોમન યાકોબ્સનના મત મુજબ અનુવાદના ત્રણ પ્રકાર છે : (૧) એક ભાષાનું લખાણ તે જ ભાષામાં શબ્દાન્તરે રજૂ કરવું. જેમ કે, વ્યાખ્યા, વિવરણ. (૨) એક ભાષાના રચનાતંત્રનો અર્થ બીજી ભાષાના રચનાતંત્ર વડે રજૂ કરવો. (૩) એક સંકેતતંત્રના સંકેતોનો અર્થ બીજા સંકેતતંત્રના સંકેતો વડે રજૂ કરવો, સુઘડ અર્થ, મૂળ શૈલી અને ભાવનું અવગમન, મૂળપ્રતિભાવની નિષ્પત્તિ, આયાસયુક્ત અભિવ્યક્તિ વગેરે અનુવાદિત-કૃતિની પાયાની શરતો છે. સાહિત્યિક અને સાંસ્કૃતિક સાતત્ય સાધવામાં અને સંસ્કૃતિઓ વચ્ચે સમજણ વધારવામાં અનુવાદોનો ફાળો મોટો છે. સર્જનાત્મક, તુલનાત્મક અને સમીક્ષાત્મક સાહિત્યમાં અનુવાદની પ્રવૃત્તિ ઘણી મહત્ત્વની છે.
Travesty ઉપહાસ કૃતિ
ગંભીર સાહિત્યિક કૃતિના ઉપહાસજનક અનુકરણરૂપે લખાયેલી અનુકૃતિ.
જુઓ : Mock-Epic, Parody.
Treatise પ્રબંધ
કોઈ એક વિષયના સિદ્ધાંતોનું પદ્ધતિમૂલક પરીક્ષણ કરતું કાર્ય. ૧૮મી સદીમાં વિવાદાસ્પદ બનેલું ડેવિડ હ્યુમનો દાર્શનિક પ્રબંધ ‘Treatise on Human Nature’ આનું ઉદાહરણ છે.
Trilogy કૃતિત્રયી
એથેન્સમાં ઈ. પૂર્વે ચોથી-પાંચમી સદીમાં પ્રતિવર્ષ ઊજવાતા મહોત્સવમાં રજૂ થતું ત્રણ કરુણાન્તિકાઓનું જૂથ. આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. એક જ પુરાણકથાના ત્રણ તબક્કાઓને ત્રણ નાટકોરૂપે એસ્કિલસે ‘ઓરેસ્ટિઆ’ નામની નાટ્યત્રયીમાં નિરૂપ્યા છે.
આજે આ પ્રકારે એક જ લેખક દ્વારા લખાયેલી ત્રણ નવલકથાઓના જૂથને ઓળખવા માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આમ નાટ્યત્રયી અને કથાત્રયી (નવલત્રયી) અનુક્રમે ત્રણ નાટકો અને ત્રણ નવલકથાઓના જૂથનો નિર્દેશ કરે છે.
જેમ કે, રઘુવીર ચૌધરીકૃત નવલત્રયી (‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’).
Trope આરોપ
૧૮મી સદીમાં વારંવાર વપરાતી આ સંજ્ઞા હેઠળ રૂપક, ઉપમા, સજીવારોપણ અને અતિશયોકિત જેવા અલંકારોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, કોઈ સાહિત્ય યુક્તિ માટે વપરાતી સંજ્ઞા.
Type એક પરિમાણીપાત્ર
નવલકથા કે નાટકમાં દર્શાવાતાં ચોક્કસ પ્રકારનાં પાત્રો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. આ પાત્રોમાં મૌલિકતા કે વૈયક્તિકતાના અભાવે કોઈ એક ચોક્કસ વર્ગ કે જાતિના પ્રતિરૂપ તરીકેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. નાટકમાં દર્શાવાતાં ચરિત્ર-પાત્રો (Character-Roles) આ પ્રકારનાં પાત્રો છે. આ પાત્રોના અભિનેતાને પણ કેટલીક વાર ચરિત્ર-અભિનેતા (Character-Actor) એવી સંજ્ઞા લાગુ પાડવામાં આવે છે.
ઈશ્વર પેટલીકરના ‘ગ્રામચિત્રો’માં આવાં અનેક પાત્રો છે.
Typography મુદ્રણકલા
મુદ્રિત પૃષ્ઠ પર શબ્દોની ગોઠવણી. પદ્ય અને ગદ્ય વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ એની મુદ્રણકલામાં રહેલો છે. પદ્યમાં કડીઓ અલગ અલગ મુદ્રિત કરવામાં આવે છે, જ્યારે ગદ્યમાં આખું પૃષ્ઠ ભરીને સળંગ મુદ્રણ કરવામાં આવે છે. વીસમી સદીના કેટલાક કવિઓએ મુદ્રણકલાની યુક્તિઓ દ્વારા કાવ્યમાં નવા પ્રયોગો કર્યા છે.
જુઓ : Concrete Poetry.