અનુભાવન/નિવેદન રૂપે થોડુંક
છેલ્લાં આઠ દસ વર્ષ દરમ્યાન આપણી સ્વાતંત્ર્યોત્તર કવિતાના અધ્યયન વિવેચન રૂપે મારા જે કેટલાક લેખો પ્રગટ થયેલા તેમાંથી પસંદ કરેલા નવ ઉપરાંત એક અપ્રગટ લેખ ‘રમેશ પારેખનાં ગીતો’ એમ કુલ દસ લખાણો અહીં ગ્રંથસ્થ કર્યાં છે. અગાઉ છપાયેલા લેખોમાંથી ત્રણેકને આ ગ્રંથમાં સમાવતાં પહેલાં મઠારી લીધા છે. ‘આધુનિક ગુજરાતી કવિતાની ભાષા’ લેખ એ ગુજરાતી સાહિત્ય પરિષદના નેજા હેઠળ તા. ૨૧–૨૨ જુલાઈ, ૭૯ના રોજ અતુલમાં મળેલા કાવ્યસત્રમાં રજૂ કરેલા વક્તવ્યનું નવસંસ્કરણ છે. એ જ રીતે ‘કાવ્યમાં પ્રતીકનો વિનિયોગ’ ગુજરાતી સાહિત્ય પરિષદ અને કલોલની ‘ફોરમ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા. ૮ જૂન ’૮૦ના દિને કલોલમાં યોજાયેલા પરિસંવાદમાં રજૂ થયેલો નિબંધ છે જે અહીં સંવર્ધિતરૂપે આવ્યો છે. આ સંસ્થાઓનો અહીં હું કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરવા ચાહું છું. ‘પરબ’ના સંપાદકશ્રી ભોળાભાઈ પટેલ, ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રીશ્રી મંજુબહેન ઝવેરી, ‘કંકાવટી’ના શ્રી રતિલાલ ‘અનિલ’ અને સરદાર પટેલ યુનિવર્સિટીના માનવવિદ્યા અને સમાજવિદ્યા વિભાગના રિસર્ચ જર્નલના માનદ્ તંત્રી શ્રી પ્રો. રમેશભાઈ દવે – એ સૌએ લેખો માટે આમંત્રણ પાઠવીને તેમ પોતાનાં સંપાદિત સામયિકોમાં સ્થાન આપીને મને આ કાર્યમાં સક્રિય રાખ્યો છે. આ પ્રસંગે તેમનો સૌનો સહૃદયભાવે આભાર માનું છું. અહીં રજૂ થતા લેખો મુખ્યત્વે આપણી આધુનિક કવિતાને લગતા છે. આધુનિક કવિતાના આકાર, અભિવ્યક્તિની રીતિ અને ભાષાનાં પાસાંઓ એમાં સ્પર્શાયેલાં છે. આધુનિક કવિતાને લગતી આ ચર્ચાઓને એની અમુક મર્યાદાઓ પણ સંભવે છે. આ લખનાર આધુનિક કવિતાના અર્થબોધ અને મૂલ્યબોધના વ્યાપક પ્રશ્નો વિશે ય નિસ્બત કેળવવા ચાહે છે. એ રીતે આ લખાણો પૂર્વભૂમિકા જેવાં બની રહે તો આશ્ચર્ય નહિ. આ ગ્રંથનું પ્રકાશન હાથ ધર્યું ત્યારથી મારા મનમાં કંઈક સંમિશ્ર લાગણીઓ જન્મી પડી છે. પોતાનું પ્રકાશન થતું હોય તેનો સહજ ઉમંગ હોય, પણ એમાં થોડી વિષાદની લાગણી ય ભળી ગઈ છે. છપાઈના ઝડપથી વધી ગયેલા ખર્ચનો બોજ મન પર તોળાઈ રહ્યો છે. આ જાતનું વ્યક્તિગત પ્રકાશન સંસારશાણા માણસોને તો દુસ્સાહસ જ લાગવાનું. છતાં અંતરમાંથી કશુંક આવા દુસ્સાહસમાં ધકેલી રહ્યું છે. અલબત્ત, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય – તરફથી ‘શિષ્ટમાન્ય ગ્રંથોના પ્રકાશન અર્થે આર્થિક સહાય યોજના’ અન્વયે આ ગ્રંથના પ્રકાશનમાં સહાય મળી છે, તેથી થોડી રાહત થઈ છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો અને આ સહાય યોજના સાથે સંકળાયેલા સર્વનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું પૅટકો પ્રિન્ટર્સ (વલ્લભવિદ્યાનગર)ના સર્વશ્રી મુકુંદભાઈ પટેલે સંકલ્પબદ્ધ રહીને ટૂંકા ગાળામાં આ પુસ્તક છાપી આપ્યું, એટલું જ નહિ, સ્વચ્છ અને સુઘડ છપાઈથી પુસ્તકને સરસ ઉઠાવ આપ્યો, તે માટે તેમનો અને તેમના સમસ્ત સ્ટાફનો અહીં આભાર માનું છું.
૧૨, નવેમ્બર, ’૮૪