સતત અધ્યયન અને લેખનરત રહેલા પ્રમોદકુમાર પટેલે જે જે વિવેચનલેખો લખાતા, વક્તવ્યો રૂપે રજૂ થતા તથા તત્કાલીન સામયિકોમાં છપાતા રહેલા – એ સર્વ લેખોને, જ્યારે પુસ્તકરૂપે પ્રગટ કરવાનું થયું ત્યારે એમણે એક વિષયલક્ષી કે ક્ષેત્રલક્ષી લેખોને એકસાથે મૂકેલા છે. એથી, સ્વતંત્ર લેખો હોવા છતાં પુસ્તકનું એક સળંગ રૂપ ઊપસી રહે. ‘અનુભાવન’માં એમણે, ગુજરાતીમાં ૧૯૫૦–૫૫ આસપાસ શરૂ થયેલી આધુનિક કવિતાના વિમર્શ અને આસ્વાદને લગતા લેખો એક સાથે મૂકી આપ્યા છે. આ ૧૦ લેખોની મુખ્ય ત્રણ તરાહો ઊપસી છે. પહેલા ત્રણ લેખો કવિતાના અભ્યાસને સૈદ્ધાન્તિક મુદ્દાઓના સંદર્ભમાં રજૂ કરે છે – કવિતાની ભાષા, કાવ્યકલ્પન અને કાવ્યમાં પ્રતીકને લક્ષ્ય કરે છે. ને પછીના બીજી તરાહના લેખ રૂપે એ ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા – આકાર અને રચનાવિધાનની દૃષ્ટિએ’ એવો એમનો અભ્યાસ રજૂ કરે છે. એમની દૃષ્ટિએ ‘સ્વાતંત્ર્યોત્તર કવિતા’ એ જ આધુનિકતાની અભિજ્ઞતાથી પ્રગટતી ‘આધુનિક ગુજરાતી કવિતા.’ પછીના ૬ લેખો અનુક્રમે રાજેન્દ્ર શાહ, નલિન રાવળ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ અને રમેશ પારેખની કવિતાને કોઈ ને કોઈ વિશેષ સંજ્ઞાને ઉપયોજીને તપાસે છે. જેમકે, એમણે નલિન રાવળની કવિતાનો ‘રૂપરચનાની દૃષ્ટિએ’ વિચાર કર્યો છે; લાભશંકરની કવિતાનું ‘રચનાશિલ્પ’ તપાસ્યું છે ને રાવજીનું ‘કવિકર્મ’ તપાસ્યું છે. ‘રમેશ પારેખનાં ગીતો’ નામનો લેખ ગીતનું સ્વરૂપ કેવું લાક્ષણિક રૂપ ધારણ કરે છે એની ચર્ચા છે. ઊંડો અને અપાર કાવ્યરસ તથા એની સાથે વિદગ્ધ વિચારકની ચિકિત્સાદૃષ્ટિ – પ્રમોદકુમારના લેખોને રસપ્રદ, જિજ્ઞાસાપ્રેરક અને વિચારણીય બનાવે છે. પુસ્તક કરતી વખતે તે તે લેખોને ફરીથી જોઈ લેવા ને જરૂર પડ્યે ત્યાં મઠારી લેવા – એવી કાળજી પ્રમોદકુમાર પટેલની એક નિષ્ઠાવાન તેજસ્વી વિદ્વાનની છબી ઉપસાવે છે.
– રમણ સોની