રાવજીની કવિતાનું આપણા સહૃદયોને તેમ આપણા કાવ્યાભ્યાસીઓને ભારે આકર્ષણ રહ્યું છે. કેટલાયે અભ્યાસીઓ તેની કાવ્યકલાનાં સૂક્ષ્મ રહસ્યો ઉકેલવા ખંતભરી પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે. પણ રાવજીનું કવિકર્મ એટલું સંકુલ છે, અને તેની અભિવ્યક્તિ એટલું તો વૈવિધ્ય ધરાવે છે કે, હજીયે તેની કાવ્યરચનાની તપાસ કરનારને તેમાં નવાં સુખદ આશ્ચર્યો અનુભવવા મળે. એ ય સાચું છે કે કંઈક અસંપ્રજ્ઞપણે, તેની અભિવ્યક્તિ અનેકવિધ રચના પ્રયુક્તિઓનો વિનિયોગ કરતી રહી છે. એ સર્વને લક્ષમાં લઈએ તો, કદાચ, આપણી આધુનિક કવિતામાં સંસિદ્ધ થયેલી રીતિઓ અને યુક્તિઓ પૈકી ઘણીએકનો અંદાજ એમાંથી એકસાથે જ મળી જાય. અહીં રાવજીની ભિન્ન ભિન્ન ભાવભૂમિકાની કૃતિઓમાં જોવા મળતા તેના કવિકર્મની તપાસ કરવાનો ઉપક્રમ છે. રાવજીમાં સમૃદ્ધ સર્જકતા પડી હતી. સંવેદિત ભાવને સમસ્ત ઐન્દ્રિયિક રૂપોમાં તે પ્રત્યક્ષ કરતો હતો. બલકે, એકએકથી વિલક્ષણ કલ્પનોની પ્રચુરતા સમેત તેનું સંવેદન ઊઘડી આવ્યું હતું. સર્જકતાના પ્રબળ આવેગમાં અનેક કાવ્યપંક્તિઓ તેને સહજ રીતે પ્રાપ્ત થઈ હશે એમ માનવાને મન થાય છે. એટલે તેની અભિવ્યક્તિમાં પ્રત્યક્ષ થતી અનેકવિધ યુક્તિઓ કંઈ આયાસપૂર્વકની નહિ, વધુ તો અર્ધસંપ્રજ્ઞાતપણે આવી હોય, એમ જ લાગ્યા કરે છે.
અસંખ્ય રાત્રિઓને અંતે
શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીંપળની ડાળી પર થથરે;
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું...?
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકરવકર કંઈ ચડતા એની સાથે,
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા?
દોડું-શોધું......
ઘાસતણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો
પ્હાડ દબાયો
વીંછણના અંકોડા જેવાં બિલ્ડીંગોથી
હરચક ભરચક શહેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!
ક્યાં છે સ્પર્શ-ફણાળો
હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો
કેવડિયો ક્યાં છે?
લાખ કરોડો વર્ષોથી
ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં.
માનવતી, ઓ ક્યાં છો?
ક્યાં છો?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો.
રાવજીની આ કૃતિ તેની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં સાવ જુદું જ ભાવસંવેદન અને સાવ જુદો જ પરિવેશ લઈને ઊભી છે. પરિચિત જીવનના સંદર્ભોથી અળગી પડી જતી આ રચના જાણે કોઈ અપાર્થિવ વિશ્વમાં ગતિ કરતી હોય એમ જણાશે. વિરાટ વિશ્વજીવનના સ્તરેથી કોઈ લોકોત્તર સંવેદન અહીં પ્રસ્તુત થયું છે. સ્થળકાળમાં જીવતા કોઈ સામાન્ય સંસારીજનની નહીં, પ્રાકૃત માનવીની નહીં, યુગયુગાંતરોથી વિશ્વજીવનના ગહનતમ રહસ્યની ખોજમાં રઝળતી ભટકતી ચેતનાની આ કથા છે : અકળ મૌન ધરીને અહીં જે વિશ્વપ્રકૃતિ વિસ્તરી રહી છે, તેના અંતરમાં પ્રવેશ ઝંખતા આત્માની આ કથા છે. કાવ્યનાયકને એવી પ્રતીતિ છે કે એ ‘માનવતી’ ‘લાખ કરોડો વર્ષોથી’ ‘પથ્થરના ઘૂંઘટની પાછળ’ ‘ચ્હેરો’ ‘છૂપવી બેઠી છે’! એ ‘માનવતી’ના પૂર્ણ દર્શન અર્થે રઝળતા આત્માનાં તલસાટ, વ્યાકુળતા, અને વિહ્વળતા અહીં તીવ્રતાથી વ્યક્ત થયાં છે. વિશ્વપ્રકૃતિ, કાવ્યનાયકને મોહિનીરૂપ લાગે છે, તેનામાં તે પ્રિયાની ઝાંખી કરે છે, અને તેથી જ તો તેને ‘માનવતી’ જેવા આદરભાવથી સંબોધે છે! રાવજીની બીજી અનેક રચનાઓની જેમ, વિશ્વપ્રકૃતિ અને નારી, બંને ય સત્ત્વો અહીં પરસ્પરમાં ઓતપ્રોત હોય તે રીતે આલેખાયાં છે, પણ અહીં વૈશ્વિક સંદર્ભોને કારણે ભાવસંવેદનની ભૂમિકા બદલાઈ ગઈ છે. એક રીતે, કૃતિની સમસ્ત ઘટના અને સમસ્ત પદાર્થસૃષ્ટિ જાણે કે સમયાતીત-પૌરાણિક-પરિવેશમાં ઓતપ્રોત થઈ ગયાં છે. રાવજીની રંગદર્શી સર્જકતા અહીં વિલક્ષણ કલ્પનો/પ્રતીકોનું લીલયા નિર્માણ કરી દે છે. અભિવ્યક્તિની સંકુલતા અને સઘનતાને કારણે કવિકર્મની ઓળખ કરવા ચાહનારને આ રચના ઘણી રસપ્રદ બની રહે એમ છે. આ રચનામાં આત્મગત સંવેદનને વ્યક્ત કરતી ‘વ્યક્તિ’ માટે ‘કાવ્યનાયક’ પ્રયોગ ખરેખર એટલો ઉચિત લાગતો નથી કેમ કે એને કોઈ સામાજિક કે માનસશાસ્ત્રીય ભૂમિકાનું એવું નક્કર વ્યક્તિત્વ નથી. એટલે ‘કાવ્યનાયક’ પ્રયોગ અહીં બરોબર લાગતો નથી. છતાં એ માટે બીજા વધુ ઉચિત પ્રયોગને અભાવે એને જ આપણે અહીં ઉપયોગમાં લઈશું. હકીકતમાં આપણી આધુનિકતાવાદી કવિતામાં આવતા ‘હું’-નું ત્રીસીની કવિતાના કાવ્યનાયક ‘હું’થી, સ્વરૂપ બદલાયું જ છે. ઉમાશંકર, સુંદરમ્ જેવા કવિઓએ આરંભકાળમાં જે પ્રકારની ચિંતનલક્ષી કવિતાઓ આપી તેમાં, કે અંગત ઊર્મિની જે કવિતાઓ કરી તેમાં પણ, કાવ્યનાયક ‘હું’ ઘણું ખરું નાગરિક સંસ્કારોથી સંપન્ન વ્યક્તિ હતો. તેના લાગણીપ્રવાહોમાં તેમ તેના વિચારોમાં વારંવાર તત્કાલીન પ્રજાજીવનને સ્પર્શતા સામાજિક-નૈતિક સંસ્કારો ભળ્યા છે. આથી ભિન્ન, આપણી આધુનિકતાવાદી કવિતામાં, ખાસ કરીને અસ્તિત્વપરક રહસ્યોની જ્યાં ખોજ ચાલે છે તેવાં કાવ્યોમાં કાવ્યનાયક ‘હું’ કોઈ સામાજિક વ્યક્તિ નહીં, સંવેદન ઝીલતી ને વ્યક્ત કરતી વિશેષતઃ એ સર્જકચેતના સંભવે છે. કૃતિમાં ઊઘડતા ભાવવિશ્વ સાથે એ સ્વરૂપાન્તર સાધતી હોય એમ પણ જોવા મળશે. માનસશાસ્ત્રમાં પ્રસ્થાપિત ‘ego’નો કોઈ પીંડ અહીં આકારાતો નથી. સર્જક-સંપ્રજ્ઞતા જ અહીં પ્રબળપણે સક્રિય બની દેખાય છે. બીજી રીતે કહીએ તો રાવજીની આ કવિતામાં કાવ્યનાયક ‘હું’ એ કોઈ આપણને પરિચિત ઐતિહાસિક-ભૌગોલિક પરિમાણોમાં ગતિ કરતી વ્યક્તિ નથી; સમયાતીત ભૂમિકાએ રઝળપાટ કરતી એ એક ચેતનસત્તા માત્ર છે. માનવઆત્માની ઝંખનાનું, તેની વ્યાકુળતાનું, તેની ઊંડી તરસનું, આ મૂર્તિમંત રૂપ છે. રચનાનું સંવિધાન જ તેને પ્રતીકાત્મક ઉઠાવ અર્પે છે. કવિતાનું શીર્ષક ‘અસંખ્ય રાત્રિઓને અંતે’ ઘણું સૂચક છે. ‘અસંખ્ય રાત્રિઓ’ની રઝળપાટ કાવ્યનાયકે પૂરી કરી છે એવો ભાવ અહીં ધ્વનિત થઈ ઊઠે છે. વિશ્વજીવનના અસંખ્ય અવકાશોને જાણે કે તે ખૂંદી ચૂક્યો છે. એ સર્વ ઘટના તેના સંવેદનમાં ઘનીભૂત બનીને હવે તોળાઈ રહી છે. કૃતિની આરંભની ત્રણ પંક્તિઓનો ખંડક જ આ૫ણને કોઈક લોકોત્તર પરિવેશમાં મૂકી દે છે. કવિકર્મના બળથી, પરિચિત લાગતી વિગતો ય, એમાં અલૌકિક પરિવેશ ધરી રહે છે.
શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીંપળની ડાળી પર થથરે,
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
—આ પંક્તિઓમાં અનુભૂતિનાં નવાં જ પરિમાણો ખૂલ્યાં છે. અને, સહૃદયના ચિત્ત પર એની અસર પણ જુદી જ પડે છે. સામાન્ય અનુભવ એવો છે કે રાત્રિના નીરવ પ્રસારમાં સીમખેતરમાં વિચરતાં શિયાળવાંની લાળી જાણે દૂર દૂર સરકતી જતી લાગે, અને એવા તીણા અવાજમાં રાત્રિનું વાતાવરણ પણ ઘણું ભેંકારભર્યું લાગે. રાવજીએ એ પરિચિત અનુભવનું પરિમાણ અહીં ઉલટાવી મૂક્યું છે. લાળીના તીણા અવાજના પ્રસાર સાથે સ્વયં સીમ વિસ્તરી રહી હોય એવો આભાસ તેણે રચી દીધો છે! આખીય પંક્તિ એક ગતિશીલ મનોહર કલ્પન બની રહી છે. સીમ જેવું સ્થાવર તત્ત્વ અહીં અવાજ દ્વારા ગતિ કરતું પ્રત્યક્ષ થાય છે. ખરેખર તો, દૃશ્યતા શ્રુતિતા અને ગત્યાત્મકતા – એમ ત્રણ ઐન્દ્રિયિક ગુણો એમાં એકત્ર થયા છે. બીજી પંક્તિની અભિવ્યક્તિની રીતિ પણ આને મળતી આવે છે : રાત્રિના આછા અર્ધપારદર્શી અંધકારમાં પીપળાનાં પર્ણો કંપતાં હોય એ જાતનું દૃશ્ય આપણને પરિચિત છે. અહીં પર્ણઘટામાં ‘રાત્રિઓ’ સ્વયં ‘થથરી’ રહી હોય એવું સૂક્ષ્મ સંવેદન રાવજીએ વ્યક્ત કર્યું છે. (પીપળાના ઉલ્લેખ સાથે ઉપનિષદમાં વર્ણવાયેલા ઊર્ધ્વમૂલ અશ્વત્થનું સહેજે સ્મરણ થાય. અને એ રીતે આ રચનામાં કોઈ આદિમ પરિવેશ વ્યાપી રહ્યો હોય એવો ભાવ પણ જાગે.) ત્રીજી પંક્તિમાં ‘ચંદ્રનું પાંદ’ જીર્ણ બનીને ‘લબડી’ રહ્યું હોવાની એટલી જ આકર્ષક ઈમેઈજ પ્રત્યક્ષ થાય છે. ‘લબડે’ ક્રિયારૂપમાં સંયોજાયેલા ધ્વનિઓ જ એના આયુષ્યની ક્ષણભંગુરતાનું સૂચન કરી દે છે. કૃતિના અંતની ‘નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો’ – પંક્તિના ભાવનિવેદન જોડે એને માર્મિક અનુબંધ રહ્યો છે. આ રચનાની પંક્તિઓ દાદા ચતુષ્કલોનાં અને વચ્ચે વચ્ચે સંવાદ સાધવાને પૂરક બનતાં દા કે દાલ જેવાં તત્ત્વોના સંયોજનમાં બંધાયેલી છે. દરેક પંક્તિમાં ઊપસતું કલ્પન – ‘સરકતી સીમ’ ‘થથરતી રાત્રિ’ અને ‘લબડતું ‘ચંદ્રપાંદ’ – એ સર્વ પ્રવાહી ગતિશીલ પંક્તિના લયમાં મેળ સાધીને સમર્થ ઉઠાવ પામે છે. ત્રણેયમાં કલ્પનને ગતિમય બનાવવામાં લય ખૂબ જ સમર્પક બન્યો છે. આવા અલૌકિક પરિવેશમાં કાવ્યનાયક ‘હું’ની વિસ્મય અને વ્યાકુળતાભરી ઉક્તિ સંભળાય છે :
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું...?
—રાવજીનું આ એક અતિ મનોહર કલ્પન છે, દૃશ્યતા અને ગત્યાત્મકતાનો એમાંથી એકસાથે બોધ થાય છે. ‘માનવતી’ને સંબોધીને કાવ્યનાયક આ જે પ્રશ્ન કરે છે, તે તેની હતાશાનું સૂચન કરી જાય છે. અહીં ‘ઘાસનું પગલું’ એ પ્રયોગ ન કરતાં ‘ઘાસલ પગલું” એ પ્રયોગ નિર્માણ કરવામાં રાવજીનો વિશેષ જોઈ શકાશે. ‘ઘાસ’ દેખીતી રીતે જ, આદિમ સૃષ્ટિનું પ્રાણવાન સ્ફુરણ છે. વિશ્વપ્રકૃતિમાં છુપાઈ રહેલી ‘માનવતી’ને ઓળખવાની એ જ કદાચ એક એંધાણી છે, એવી કાવ્યનાયકની લાગણી છે. ‘ફરફરતું’ ક્રિયારૂપ એની કેવળ વર્ણસંઘટનાના બળે જ ભાવને તાદૃશ કરે છે. કાવ્યના ઊઘડતા જતા સંવેદનમાં એક અલ્પ સ્થિત્યંતર રૂપે એ કડી ઊભી છે. એના અનુસંધાનમાં આવતો ખંડક હવે જોઈએ :
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકરવકર કંઈ ચઢતા એની સાથે,
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા?
દોડું-શોધું......
—કાવ્યનાયકના ઝંઝાવાતી રઝળપાટનું આ સમર્થ ચિત્રણ છે. પૃથ્વીના પગથાર પરથી ‘વંટોળ’ બનીને આકાશમાં વીંઝાતાં ચરણની કલ્પના જ પ્રભાવક છે. એની સાથોસાથ ‘ચકરવકર’ થતા ‘પથના લીરા’નું દૃશ્ય પણ એટલું જ પ્રભાવક છે. એમાં કરાલ રૌદ્ર ભાવનો સંસ્પર્શ અનુભવાય છે. દૃશ્યતા અને ગત્યાત્મકતાનો સંકુલ બંને કલ્પનોમાં જોઈ શકાશે. રાવજીની સમૃદ્ધ સર્જકતા આવાં એક એકથી વિલક્ષણ કલ્પનો લીલયા રચી દે છે. ‘માનવતી’ના ‘ભમ્મરિયાળા કેશ’ની તલાશ પણ કાવ્યનાયકે કરી છે, પણ ક્યાંય એવા ‘કેશ’ તેને જોવા મળ્યા નથી! માત્રામેળી લયનું પ્રવર્તન ‘ચકરાતાં ચરણ’ અને ‘ચકરવકર થતા પથના લીરા’નાં ગતિશીલ કલ્પનોને સમર્થ રીતે ઉઠાવ આપે છે એમ અહીં નોંધવું જોઈએ. પછીના ખંડકમાં કાવ્યનાયકના રઝળપાટનું બીજું એવું જ ભવ્યકરાલ ચિત્રણ જોવા મળે છે.
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો
પ્હાડ દબાયો.
વીંછણના અંકોડા જેવાં બિલ્ડીંગોથી
હરચક ભરચક શ્હેર દબાયાં.
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!
—વિશ્વજીવનનાં કેટકેટલાં સત્ત્વો અને સત્તાઓને કાવ્યનાયક ખૂંદી વળ્યો છે! પ્રકૃતિના જીવનનું પહેલું સ્ફુરણ તે ‘ઘાસ’ અને એની ય ‘નસમાં સૂતેલો સૂર્ય’ તેની અડફટે ચઢ્યો છે! મેદાનોમાં થઈને રઝળતાં ‘ઘાસ’નાં તણખલાં સહજ જ અડફેટાય, તો એને આશ્રયે રહેલો ‘સૂર્ય’ પણ તેની અડફેટે ચઢ્યો! જોકે આ કલ્પન કંઈક સંદિગ્ધ લાગશે : ઘાસ જેવા પ્રાકૃત તત્ત્વમાં સૂર્ય જેવું જ્યોતિર્મય સત્ત્વ નિહિત રહ્યું છે, એમ અહીં ઘટાવીશું? કેમ કે, એ જ રીતે ‘પ્હાડ’ જેવી દુર્ભેદ્ય સત્તા પણ કાવ્યનાયકના ચરણે ચંપાઈ જવા પામી છે! ‘પ્હાડ’ માટે ‘બળદ તણી તસતસતી મેઘલ ખાંધ સરીખો’ જેવું ઉપમાચિત્ર પણ પ્રભાવક છે. હૃષ્ટપુષ્ટ બળદની ‘તસતસતી મેઘલ ખાંધ’ – એ કલ્પનમાં દૃશ્યતા, સ્પર્શક્ષમતા અને સ્નાયુની સશક્તતા એમ ત્રણ ઐન્દ્રિયિક ગુણો સંચિત થયા છે. ‘શ્હેર’ને અનુલક્ષીને – ‘વીંછણના અંકોડા જેવાં બિલ્ડીંગોથી ‘હરચક ભરચક’ – પ્રયોગ પણ એટલો જ વેધક કટાક્ષભર્યો છે. નગરસંસ્કૃતિમાં ઝમ્યા કરતા વિષનો એમાં નિર્દેશ છે. ‘હરચક ભરચક’ – પ્રયોગમાં જોડાયેલા વર્ણો નગરની ઘીચોઘીચ બાંધણીનું ચિત્ર કેવળ ધ્વનિઓથી જ ઉપસાવી આપે છે. એ જ રીતે ‘નદી કાંઠા’ પરનું ‘જૂવા જેવું ગામ’ પણ એવી જ અસરકારક રજૂઆત પામ્યું છે. પછીની પંક્તિ ‘હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે’–માં કરાલની અનુભૂતિ થાય છે. ‘હગડગ’ શબ્દના ધ્વનિઓમાં શિવના ઝંઝાવાતી નૃત્ય સાથે કરાલ ધ્વનિઓ ગજવતા ડમરુનો અવાજ પડઘાય છે. આ જાતનો ભાવોન્મેષ આપણી અર્વાચીન કવિતામાં વિરલ જ હશે.
કાવ્યનાયકનું સંવેદન નવા જ સ્તરે હવે ખુલ્લું થાય છે : ‘મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે!’ – એમ તે બોલી ઊઠે છે! પાછળની ત્રણ પંક્તિઓના પ્રકાશમાં એનું રહસ્ય સ્પષ્ટ થઈ શકે છે. સંભવતઃ સૃષ્ટિના જન્મની ક્ષણોમાં જ કાવ્યનાયકને ‘માનવતી’નું પ્રગાઢ મિલન થયું હતું. તેના જીવંત સ્પર્શની વ્યાકુળતા હજીય આંગળીઓમાં શેષ રહી છે! સંવેદ્ય વસ્તુને રાવજીએ સજીવ ધબક સાથે ઝીલવાનો અહીં સમર્થ પ્રયત્ન કર્યો છે. ‘માનવતી’નો એ જીવંત સ્પર્શ તે ફરીથી ઝંખે છે. ‘ક્યાં છે સ્પર્શ ફણાળો’માં નાગના ડંખ શા સ્પર્શનો તેનો તલસાટ વ્યક્ત થઈ જાય છે. ‘હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો / કેવડિયો ક્યાં છે!’–એ પ્રશ્નમાં ય ‘માનવતી’ માટેનો તેનો તીવ્ર અનુરાગ પ્રગટ થાય છે. ‘સ્તનોના ચરુ’ જ્યાં સંચિત થયા છે, તે ‘કેવડિયા’ની તેની ખોજ અવિરત ચાલતી રહી છે. લોકગીતોમાં સ્ત્રીપુરુષના અનુરાગના ભાવને સાંકળનાર ‘કેવડિયો’ રૂઢ પ્રતીક લેખે જાણીતો છે. કાવ્યનાયકની ઝંખનામૂર્તિ ‘લાખ કરોડો વર્ષથી’ ‘પથ્થરના ઘૂંઘટની પાછળ’ પોતાનો ‘ચ્હેરો’ છુપાવી બેઠી છે, એ કલ્પન પણ એટલું જ આકર્ષક છે. વિશ્વપ્રકૃતિનો પથ્થરિયો ‘ઘૂંઘટ’ પેલા પ્રિય ચ્હેરાને ઢાંકી રહ્યો છે, એ જાતના વર્ણનમાં ‘પથ્થરના ઘૂંઘટ’નું રૂપક નોંધપાત્ર છે. અર્ધપારદર્શી ઘૂંઘટ પાછળ લાવણ્યવતીનો દેદીપ્યમાન ચ્હેરો અર્ધઆછો ઝાંખોઝાંખો તગતગતો દેખાય ત્યારે તે વધુ મોહક બની રહે છે. પણ અહીં તો જડ અપારદર્શી પથ્થરનું આવરણ રચાયું છે! એટલે એ ચ્હેરાની એકાદ રેખાયે કળાતી નથી. અસ્તિત્વની કરુણ એબ્સર્ડિટી જ અહીં છતી થઈ જાય છે. અંતમાં ‘નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો’—એવા અનુનયભર્યા નિવેદન સાથે રચના પૂરી થાય છે. ‘નવા ચંદ્ર’ની ઝંખના સૂચક છે. પેલો ‘જીર્ણ ચંદ્ર’ નહિ, ‘નવો’ ‘ચંદ્ર’ જોઈએ, એની ‘કૂંપળ શી’ કૂણી દૃષ્ટિ જોઈએ. પણ કાવ્યનાયકની એવી ઝંખના, કદાચ, અધૂરી રહેવા જ નિર્માયેલી હશે! માનવઅસ્તિત્વની કરુણ વિષમતાનું સંવેદન અહીં તીવ્રતાથી વ્યક્ત થયું છે, એ તો ખરું જ; એથીય વધુ, એ એક વિરલ વૈશ્વિક સંદર્ભ લઈને આવ્યું છે; અને, એટલે જ, આ કૃતિ આપણા ચિત્તનો પૂરેપૂરો કબજો લઈ લે છે.
બિછાનેથી
નજરની અડોઅડ નભ ઝરે...
અચાનક કવિતાની ચોપડીથી નીસરતો
યક્ષિણીનો આર્તનાદ!
પથારીમાં ગોટવાતા મેઘના પહાડ
ઓરડીમાં કફ છૂટ્યાં વિહગનો વીંઝવાતો ભાર
જર્જર....
અચાનક પથારીમાં કણસતું સારસીની ડોક સમું કાંડું
એને શ્વાસની કુમાશથી હું સાહી લઉં.
જર્જર......
ચિત્કાર ચોતરફ જલ તણો આવરતો
એક
એક
પલ તણો વધ થતો.
માખી પર માંદગીનું હળુ થયું હલનચલન.
જર્જર...
ખેતરમાં રોટલાના બચકે ચડાવતો’તો અડદની દાળ
કને ઘીની ધાર જેવું જોતી હતી નાર.
એ જ આ સમય!
જર્જર........
બારીમાંથી મેઘછાયી ટેકરીઓ પર
હવે ફેરવું છું હાથ.
માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત!
રહી રહી માટીની સુગંધ મારી હથેલીને અડે.
ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે!
જર્જર....
એકાએક નિઃસહાય મેઘ મારા ખભા પર પછાડતો શીર્ષ
અહીં નગરની અગાશીઓ પર
એનો – અજાણ્યાનો ઠરે નહીં પગ
જર્જર.......
પડ્યા હજી ય આ શયનની કોર
કૉળી ઊઠે વળી વળી વાછટમાં મોર.
અગાઉ આપણે રાવજીની જે કૃતિ જોઈ તેના કરતાં આ રચનાનું ભાવજગત વળી ઠીક ઠીક જુદું પડે છે. દેહની રુગ્ણતાનું કાવ્યનાયકનું ભાન એના મૂળમાં રહ્યું છે. પ્રણયની સૂક્ષ્મતમ વાસના, પ્રિયજનના વિરહની વ્યથા, રુગ્ણદેહની વિકલતા, વિફલતા અને વિષણ્ણતા, રતિકામનાના દૈહિક સ્ફુરણની લાગણી, આશા-નિરાશા અને એ સર્વના કેન્દ્રમાં પડેલી જિજીવિષાની લાગણી – એમ જુદી જુદી ઝાંયવાળી લાગણીઓનો એક અંતરિયાળ પ્રવાહ આ કૃતિમાં વહી રહ્યો છે. તિર્યક્ નિરૂપણની રીતિ અહીં તરત ધ્યાન ખેંચે છે. જુદા જુદા ભાવસંદર્ભોને અભિધાની ઉપલક સપાટીએથી નહિ, આંતરિક સંચલનોના સ્તરેથી સાંકળવાના રહે. રચના વનવેલિના સમથળ લયમાં વહેતી રહી છે. એમાં પંક્તિ ૧ થી ૫ પહેલો ભાવસંદર્ભ રચી આપે છે. છઠ્ઠી પંક્તિ ‘જર્જર...’ એક જ પદની બની છે. પંક્તિ ૭–૮, ૧૦ થી ૧૪, ૧૬ થી ૧૮, ૨૦ થી ૨૪, ૨૬ થી ૨૮, અને ૩૦–૩૧ એ જ રીતે અલગ સંદર્ભો બને છે. એ દરેક સંદર્ભને અંતે (સિવાય કે છેલ્લો ૩૦–૩૧નો સંદર્ભ) ‘જર્જર...’ એ પંક્તિ પુનરાવર્તિત થાય છે. કૃતિના સંયોજનની દૃષ્ટિએ એ પુનરાવર્તન ઘણું મહત્ત્વનું છે. જુદા જુદા ભાવસંદર્ભોને જાણે કે જાદુઈ શક્તિથી એ પંક્તિ સાંકળી આપે છે. ‘જર્જર’ આમે ય એક સંકુલ કલ્પન છે. એમાંથી જર્જરતાનો જીર્ણતાનો ક્ષયિષ્ણુતાનો અર્થબોધ આપણા મનમાં જન્મે તે પૂર્વે જ એના ધ્વનિઓનું ઉચ્ચારણ જ જાણે કે એની અનુભૂત સંવેદનાને છતું કરી દે છે, બલકે, તાદૃશ કરી મૂકે છે. કાવ્યનાયકના અંતરમાં ગોટવાતી અમળાતી વ્યથા એ પંક્તિમાં સહજ નિસાસાની જેમ વ્યક્ત થઈ જાય છે. કંઈક અસંપ્રજ્ઞપણે જ મરશિયામાં પુનરાવર્તિત થતા ‘હાય હાય’ ઉદ્ગારોના પડઘા એમાં સંભળાય છે. ધ્વનિસંયોજનની દૃષ્ટિએ જુઓ : ‘જર્જર’માં ‘જર્’ ધ્વનિઓનું પુનરાવર્તન એ રીતે થાય છે, જે રીતે ‘હાય હાય’માં ‘હાય’નું પણ થાય છે. તેથી પણ કદાચ આવો સંસ્કાર જાગી ઊઠતો હોય એમ બને. પ્રથમ કંડિકા (પંક્તિ ૧ થી ૫)માં કાવ્યનાયકના અંતરમાં જન્મતો ભાવ તીવ્રતાથી પ્રત્યક્ષ થાય છે. તેના ભાવજગતમાં રુગ્ણ શરીર, વિષાદની છાયાવાળું બિછાનું, અને આખાયે ખંડમાં ખાંસીના તરડાયેલા ધ્વનિઓથી કંપતું બોજિલ વાતાવરણ છવાઈ ચૂક્યું છે. કૃતિને મળેલું શીર્ષક ‘બિછાનેથી’ એ ભાવજગતને કેન્દ્રીય પ્રતીક પૂરું પાડે છે. ‘નજરની અડોઅડ નભ ઝરે...’ એ પ્રથમ પંક્તિ આમે ય કૃતિના શીર્ષક સાથે સહજ જોડાઈ જાય છે. ‘નજર’ના વિશેષણ તરીકે કાવ્યનાયકનો – તેના નામ કે સર્વનામનો – ઉલ્લેખ થયો નથી. એક રીતે એ સૂચક વસ્તુ બને છે. ‘નજર’ એ રીતે નિષ્ક્રિય હોવાનો ભાવ જન્મે. ‘નજર’ની પાછળ કોઈ ‘કર્તા’ની ઉપસ્થિતિ નથી, કોઈ સક્રિય ચેતના નથી, એવું તરત લાગે. ‘આભ’ ‘ઝરે’ – એ વર્ણન પણ વ્યંજનાસભર છે. આમ જુઓ તો, ‘આભ’ એ ખાલી અવકાશ માત્ર છે. પણ આ ક્ષણે તે ‘ઝરતું’ વરતાય છે. ‘નજર’ની ‘અડોઅડ’ આ વસ્તુ બને છે, એટલે આંખમાં ઝમી આવતાં અશ્રુનું સૂચન કદાચ એમાં જોઈ શકાય. અથવા, દૂરનું લાગતું આભ આજે આંખની અડોઅડ આવી ઊભું છે, અને સ્નિગ્ધ વર્ષાની ઝરમર વેરીને કાવ્યનાયક માટે કદાચ સુખદ ભ્રાંતિ જન્માવી રહ્યું છે એમ પણ જોઈ શકાય. ‘નભ ઝરે...’ એ પંક્તિનું કલ્પન સંકુલ અને ગતિશીલ છે. જે એક નર્યો પ્રસાર માત્ર છે, શૂન્યાવકાશ છે, તે અહીં એક તાદૃશ ચિત્ર બને છે, ગતિશીલ રૂપ ધરીને એ પ્રત્યક્ષ થાય છે. બીજીત્રીજી પંક્તિમાં સંસ્કૃતના પ્રસિદ્ધ ખંડકાવ્ય ‘મેઘદૂત’નો સંદર્ભ રજૂ થયો છે બીજી પંક્તિના આરંભે ‘અચાનક’ પ્રયોગ ધ્યાનપાત્ર છે. (પછીથી સાતમી અને છવ્વીસમી પંક્તિ પણ આ ‘અચાનક’ શબ્દથી આરંભાતી જોવા મળશે). એથી કવિચિત્તના ઊંડાણમાંથી એકાએક સ્ફુરી ઊઠતા વિશેષ ભાવસંવેદનને અસાધારણ ઉઠાવ મળે છે. આશ્ચર્યની લાગણી એ રીતે જન્મી પડે છે. કાવ્યનાયકે ‘કવિતાની ચોપડી’માંથી ‘યક્ષિણીનો આર્ત્તનાદ’ સાંભળ્યાનો અહીં ઉલ્લેખ છે. યક્ષના વિરહમાં સંતપ્ત યક્ષિણી સહજ જ ક્રંદન કરી ઊઠે છે. કાવ્યનાયકના અંતરમાં એનો જાણે કે પડઘો ઊઠે છે. તેની ગહનતમ ઝંખના અહીં છતી થઈ જાય છે. જો કે આ ‘આર્ત્તનાદ’ ‘કવિતાની ચોપડી’માંથી આવે છે. છતાં એ ‘આર્ત્તનાદ’ કોઈ પરિચિત અનુભવજગતનો નહિ, કલ્પનાના વિશ્વનો છે, એવું સૂચન જોઈ શકાય. બીજીત્રીજી પંક્તિના અનુસંધાનમાં આવતી ચેાથીપાંચમી પંક્તિઓ, અભિધાના સ્તરેથી કંઈક દુર્બોધ, છતાં તેનો ધ્વનિ પકડવામાં ઝાઝી મુશ્કેલી નથી. ‘પથારીમાં... પહાડ’ એ પંક્તિને ઘટાવવામાં જ થોડી મુશ્કેલી અનુભવાય છે. ‘પથારીમાં ગોટવાતા’ એ શબ્દો ‘મેઘના પહાડ’ જોડે સંકળાય છે. ‘મેઘના પહાડ’ એ રૂપકાત્મક પ્રયોગ, અલબત્ત, અસરકારક છે મેઘ જેવું આર્દ્ર, પ્રવાહી (કે વાયવ્ય?) સત્ત્વ અને પહાડ જેવું અચલ કૂટ તત્ત્વ – એ બંને ઉપમાનઉપમેયભાવે અહીં રજૂ થયાં છે. અષાઢી આકાશમાં જળભર્યાં વાદળો જે રીતે ગોટવાય, અમળાય છે, તેનું આરોપણ અહીં ‘પહાડ’માં થયું છે. આ આખું ય દૃશ્ય ‘બિછાના’માં ઊભું થાય છે. એ રીતે આ ‘મેઘના પહાડ’ બિછાનામાં વ્યાધિગ્રસ્ત કાવ્યનાયકને અનુલક્ષે છે એમ કહેવું જોઈએ. કાવ્યનાયકની દેહમનની વ્યથા વિકલતા અને લાચારી અહીં તીવ્રતાથી પ્રત્યક્ષ થઈ ઊઠે છે. વિરહવ્યથા સ્વયં જાણે કે ‘મેઘના પહાડ’ રૂપે પ્રત્યક્ષ બને છે. યક્ષનો સંદેશવાહક મેઘ યક્ષિણી સુધી પહોંચી શકતો નથી, લાચાર બનીને અહીં તડપી રહ્યો છે એમ અહીં વાંચી શકાય. કાવ્યનાયક ‘હું’ અહીં પોતાના જ રુગ્ણ દેહને વિશે, બલકે એની વિરહવ્યથાને વિશે, ‘મેઘના પહાડ’ની કલ્પના કરતો હોવાનું સમજાશે. ‘ઓરડીમાં ભાર’ પંક્તિમાં બિછાનાની આસપાસની ખાંસીથી કંપી ઊઠેલી હવાનું સઘન સ્પર્શક્ષમ ચિત્ર આલેખાયું છે. દૈહિક અનુભવોને ય એની સ્પર્શક્ષમ સઘનતા રૂપે પ્રત્યક્ષ કરાવવામાં રાવજીના કવિકર્મનો વિશેષ રહ્યો છે. છઠ્ઠી પંક્તિ ‘જર્જર’ એક જ પદની બની છે અને તે સહજ જ નિસાસાના ઉદ્ગારની જેમ વિરમી જાય છે. પાંચમી પંક્તિના અંતિમ શબ્દ ‘ભાર’ની સાથે તે પ્રાસથી જોડાઈ છે. એટલે તે સાતત્યનો અનુભવ કરાવે છે. હૃદયના ગહનતમ સ્તરોમાંથી ઊઠતી હતાશા આ એક જ શબ્દમાં અસાધારણ બળથી ઘૂંટાતી રહે છે. બધું ય ખલાસ થઈ ચૂક્યાનો વિષાદ એમાં ઊપસી આવ્યો છે. સાતમી આઠમી પંક્તિ ‘અચાનક.. લઉં’નો અર્થ પામવામાં ય થોડીક મુશ્કેલી રહી છે. ‘સારસીની ડોક સમું કાંડું’ એ જાતનો પ્રયોગ એ ‘કાંડું’ નાયિકાનું હોવાનું સૂચવે છે? પણ એને ‘કણસતું’ વિશેષણ પણ લાગ્યું છે. કાવ્યનાયક એને ‘શ્વાસની કુમાશ’થી ‘સાહી’ લેવાની વાત કરે છે. પોતાના વિકલ અંગને જ શક્તિ પૂરીને ઊંચકી જોવાની એ વાત હશે? – એવો પ્રશ્ન રહે જ છે. નવમી પંક્તિ ‘જર્જર...’ એ એક જ શબ્દથી ઊઘડતા આવતા સંવેદનને વધુ ઘૂંટી રહે છે. કૃતિના એકબીજાથી ભિન્ન એવા સંદર્ભો એ શબ્દની વ્યંજનાથી સંકળાઈ જાય છે. દસમી પંક્તિ ‘ચિત્કાર ચોતરફ જલતણો આવરતો’–માં એક નવો જ લાગણીતંતુ ઝંકૃત થઈ ઊઠે છે. આદિમ વિશ્વનું વાતાવરણ એમાં પ્રસરી રહ્યું છે. ઇતિહાસના–સ્થળકાળના–સર્વ સંદર્ભોથી મુક્ત થઈને સૃષ્ટિના આરંભની ક્ષણોમાં સક્રિય બનેલા ‘નારાતત્ત્વ’ને આપણે અહીં પૌરાણિક પરિવેશમાં જોઈએ છીએ. ‘જલ’ એ વિશ્વનું એક આદિમ સત્ત્વ છે, fertile એવું એ Mother Womb છે, સૃષ્ટિના સર્વ પદાર્થોનું એમાં ગર્ભાધાન થયું છે. સર્જનના વિસ્તાર અર્થે એ ચોતરફ ‘ચિત્કાર’ કરતું ધસી રહે છે. આપણી અર્વાચીન કવિતામાં આટલી સમૃદ્ધ મિથની યોજના બહુ ઓછી વાર જોવા મળશે. કાવ્યનાયકને એનો જે પ્રચંડ ચિત્કાર સંભળાય છે તેમાં વિશ્વપ્રકૃતિની જ કોઈ ગહનતમ ઝંખના પડઘાઈ ઊઠી છે. દિશાદિશાઓમાંથી ‘ચિત્કાર’ કરતાં ‘જલ’નો સંદર્ભ આ આખીય રચનાને જુદું જ પરિમાણ અર્પે છે. આ પછી ‘એક/એક/પલતણો વધ થતો’ – એ પંક્તિમાં અસ્તિત્વની ક્ષયિષ્ણુતાનો ભાવ એટલી જ તીવ્રતાથી સૂચવાય છે. સર્જન અને લય, જન્મ અને મૃત્યુ – એવી એક ઘટનાચક્રની સભાનતા કવિચિત્તને ઊંડેઊંડે સંક્ષુબ્ધ કરી જાય છે. આ વિરાટ દૃશ્યપટની સામે ૧૪મી પંક્તિમાં ‘માખી’નો પ્રતીકાત્મક સંદર્ભ એક વ્યંગભર્યો વિરોધ રચે છે ‘માખી’થી અસ્તિત્વની તુચ્છતા, ક્ષુલ્લકતા, પામરતા, વ્યર્થતાના અર્થો એકસાથે જાગી ઊઠે છે. ‘માખી પર માંદગીનું હળુ થયું હલનચલન’ એ જાતના આલેખનમાં કાવ્યનાયકનો પોતાને માટેનો જ કદાચ ઉપહાસ વ્યક્ત થાય છે. ૧૬-૧૭-૧૮ એ ત્રણ પંક્તિઓના ખંડમાં કાવ્યનાયકનાં સ્મૃતિગત સંવેદના વ્યક્ત થયાં છે. ‘ખેતરમાં...દાળ’ એ પંક્તિમાં, આમ તો, નર્યું રોજિંદા ગ્રામજીવનનું સ્વભાવોક્તિભર્યું ચિત્ર જ રજૂ થયું છે, પણ હકીકતમાં એ વિશિષ્ટ રીતે objective correlativeનું કામ આપે છે. ભૂતકાળમાં પોતે જે નરવું સ્વાસ્થ્ય ભોગવ્યું છે, તેનું સૂચન એમાં પડ્યું છે. પ્રકૃતિની સાથેનો ગાઢ આત્મીય ભાવ પણ એમાં વ્યંજિત થઈ ઊઠે છે. ‘કને ઘીની ધાર જેવું જોતી હતી નાર’ – એ કલ્પન પણ આપણા કાવ્યસાહિત્યનું એક વિરલ સર્જન છે. પત્નીની સ્નિગ્ધ પ્રણયદૃષ્ટિનું આટલું માર્મિક, આટલું સ્પર્શક્ષમ, અને આટલું જીવંત ચિત્ર બીજે ભાગ્યે જ મળશે પણ, આ જાતનાં સ્મૃતિસંવેદનોથી તો કાવ્યનાયકનું મન વધુ ખિન્ન બની જાય છે! ‘એ જ આ સમય!’ એ પંક્તિ, આમ તો, વિસ્મયભર્યો ઉદ્ગાર લાગશે. પણ એની પાછળ અસહ્ય વેદનાની બોજિલતા પડી છે. પોતાના ભૂતકાળથી પોતે વિચ્છિન્ન થઈ ચૂક્યો છે, ભૂતકાળના એ બનાવો ગયા ભવ જેટલા પરાયા થઈ ચૂક્યા છે. એ જાતની લાગણીમાં કાવ્યનાયક એકદમ વ્યથિત થઈ ઊઠે છે. આની સામે, પંક્તિ ૨૦ થી ૨૫માં કાવ્યનાયકની વર્તમાન ક્ષણની આત્મસંપ્રજ્ઞતા એકદમ ઉઠાવ લે છે. (‘હવે’ પ્રયોગથી બદલાઈ ચૂકેલા સમય વિશેની કાવ્યનાયકની તીવ્ર સભાનતા છતી થાય છે.) ‘બારીમાંથી... હાથ’ એ પંક્તિઓ તો જાણે કે સર્રિયલ દૃશ્ય રચી દે છે. કાવ્યનાયકના ‘હાથ’ ‘બારી’ બહાર દૂરની ‘મેઘછાયી ટેકરીઓ’ પર ‘ફરે છે.’ ‘મેઘછાયી ટેકરીઓ’માં નવયૌવનાની છાતીના ઉભારનું સૂચન જોઈ શકાય છે કાવ્યનાયકની રતિઝંખના એ રીતે વ્યક્ત થાય છે. પણ એ ‘ટેકરીઓ’ તેના સાન્નિધ્યની સૃષ્ટિ નથી, દૂર અતીતની – કદાચ કલ્પનાની – સૃષ્ટિ માત્ર છે; બારી બહાર વિસ્તરતું એ માત્ર સ્વપ્નિલ દૃશ્યપટ જ છે. ‘માંદાં... રાત’માં દિવાસ્વપ્નનું સૂચન છે. ‘ખીલી ઊઠી તાજીતમ રાત’માં મિલનની ઝંખનાનો પ્રક્ષેપ થયો છે. જો કે ‘માંદાં પોપચાંમા’ એ પ્રયોગથી શરીરની રુગ્ણતા પણ સૂચવાય છે. સ્થૂળ દૈહિક જીવનના હ્રાસની વચ્ચે ય રહીરહીને રતિકામના એનાં માયાવી રંગબેરંગી ચિત્રોનુ નિર્માણ કર્યે જાય છે, એમાં જ અસ્તિત્વની એબ્સર્ડિટી છતી થતી નથી? ‘રહી રહી’ એ પંક્તિમાં ઇંદ્રિયવ્યત્યયની પ્રક્રિયા નોંધપાત્ર છે. સુગંધ, દેખીતી રીતે જ, નાકની સંવેદનાનો વિષય છે, તેને અહીં ‘હથેલી’ના સ્પર્શે પામવાની વાત થઈ છે. ‘માટી’ સંજ્ઞાથી ધરતી અને નારીદેહ બંનેના સંદર્ભો એક સાથે સૂચવાયા છે કાવ્યનાયકની સ્પર્શેન્દ્રિયને એ બંનેની સુગંધનો અણસાર છે. બંનેના નિબિડ સ્પર્શોની સ્મૃતિઓ પોતાનામાં સંચિત થયેલી છે. ‘ઔષધનું...કરે’ એ પંક્તિમાં સ્થૂળ રતિકામનાનું સૂચન છે. આ જાતની દૈહિક અનુભૂતિઓને પણ રાવજીએ પ્રગલ્ભતાથી આલેખી છે. અસ્તિત્વને એની સ્થૂળસૂક્ષ્મ સર્વ ગતિવિધિઓમાં ઝીલવાનો તેનો ઉપક્રમ રહ્યો છે. અનુભૂત લાગણીઓને જાણે કે શક્ય તેટલી આદિમતામાં – એના nascent primitive formમાં – પામવા તરફનું તેનું વલણ રહ્યું છે. ૨૫મી પંક્તિમાં ‘જર્જર...’ના પ્રયોગ સાથે ફરી એક વાર આખું ભાવવિશ્વ કંપી ઊઠે છે.... ૨૬-૨૭-૨૮ એ ત્રણ પંક્તિઓમાં કાવ્યનાયકની લાગણી વધુ પ્રબળ બનતી દેખાય છે. એમાંના ‘એકાએક’ પ્રયોગની આપણે નોંધ લીધી જ છે એકાએક નિઃસહાય મેઘ મારા ખભા પર પછાડતો શીર્ષ’ – એ પંક્તિનો ધ્વનિ સમજાય પણ છે, અને છતાં કશીક સંદિગ્ધતા રહી જાય છે. ‘નિઃસહાય મેઘ’થી કાવ્યનાયક પોતાની જ રુગ્ણદશાને ઉલ્લેખતો લાગે – ચોથી પંક્તિ ‘પથારીમાં ગોટવાતા મેઘના પહાડ’ પણ આપણને આ જ જાતનું અર્થઘટન કરવા પ્રેરે – પણ અહીં ‘મારા ખભા પર’ પ્રયોગથી મુશ્કેલી અનુભવાય છે. કાવ્યનાયક ‘હું’–થી ‘મેઘ’ જાણે એક અલગ સત્ત્વ હોય, એ રીતે અહીં એનું વર્ણન થયું છે. એમ લાગે કે આખીય રચનામાં ‘મેઘના પહાડ’ (૪થી પંક્તિ) ‘મેઘછાયી ટેકરીઓ’ (૨૦મી પંક્તિ) ‘નિઃસહાય મેઘ’ (૨૬મી પંક્તિ) – એમ જુદે જુદે સંદર્ભે, એનું સ્વરૂપ કંઈક બદલાતું રહ્યું છે, કહો કે, કાવ્યનાયક ‘હું’ના સંદર્ભે એનો સંબંધ કંઈક બદલાતો રહ્યો છે. ‘નિ.સહાય મેઘ’ હવે યક્ષિણીને સંદેશો આપવા જઈ શકતો નથી. લાચારીથી તે કાવ્યનાયકના ખભા પર જ પોતાનું ‘શીર્ષ’ પછાડે છે. પછીની પંક્તિમાં ‘નગરની અગાશીઓ’ પર તેનો ‘પગ’ ‘ઠરતો’ નથી – અહીં તે પરાયાપણું અનુભવે છે – એમ કહેવાયું છે. ‘નગરની અગાશીઓ’થી વિદગ્ધ સમાજને, બાહ્ય જીવનરીતિનો, તેના ઉપરછલ્લા જીવનનો, ઉલ્લેખ વાંચી શકાય. ‘મેઘ’ની આ પરવશતા છે કે આ સ્થાનમાં તેને જરીકે ગોઠતું નથી. અને છતાં અહીંથી તે જરીકે ખસી શકતો નથી! આ રીતે ‘મેઘ’ કાવ્યનાયકની જિંદગીની સ્થગિતતાનું સૂચન કરે છે. ફરી એક વાર, ૨૯મી પંક્તિમાં, એ જ ‘જર્જર...’ પ્રયોગ આવે છે, ફરી એક વાર, એ જ નિસાસાનો ભાવ વ્યક્ત થાય છે. ૩૦-૩૧, એ અંતની કડીમાં કાવ્યનાયકની ગૂઢ પ્રણયઝંખના જાણે કે ‘ગ્હેકી’ ઊઠે છે. ‘શયનની કોર’ પરના ‘મોર’ એકાએક ‘વાછટ’થી ગ્હેકી ઊઠે છે, અંતરની કશીક કામના ક્ષણભર આહ્લાદ જગવી જાય છે, અને છતાં જર્જરતાનો પ્રતિધ્વનિ તો શમતો નથી, ક્યારેય શમવાનો નથી... આવા અસ્તિત્વના વિષમ કરુણ રહસ્યને અજવાળવામાં રાવજીના કવિકર્મનો વિશેષ રહ્યો છે, એમ કહેવું જોઈએ.
ઠાગા ઠૈયા
ઠાગા ઠૈયા ભલે કરે રામ!
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું
ભલે મારું નિર્વાણ ઊડી જાય!
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદોમ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યા કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે!
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ!
કવિતાને મોગરની ખપે બસ વાસ.
દોમદોમ સાહ્યબી મારે મન ફફડતા પડદા-
ફફડતી ભીંત.
મારે મન હંમેશના હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણું ય થાયઃ
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉં;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં,
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર
હું તો માત્ર
કવિ
હું તો માત્ર
ઓરડામાં સબડતું મમી
હું તે માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતના મનોયત્ન ગણવાં છે
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ
૦૦૦
રાવજીની કવિતાએ ઘણાં જુદાં જુદાં મૂડ ધારણ કર્યાં છે. તેમની આ કવિતામાં કવિજીવનનો ખરેખર એક જુદો જ મિજાજ છતો થાય છે. છઠ્ઠા સાતમા દાયકામાં કવિતા સાથે રાવજી કામ પાડી રહ્યો હતો. ત્યારે આપણે ત્યાં આધુનિકતાવાદી વિચારવલણોનો પ્રભાવ ઘણો બળવાન હતો. મોટા ભાગના તરુણ કવિઓ ત્યારે સભાનતાપૂર્વક આકાર અને શૈલીના પ્રયોગો કરવા તરફ વળ્યા હતા. સાહિત્યની કળા વિશેના નવા વાદો અને વિચારધારાઓ તેમને એ દિશામાં પ્રેરી રહ્યાં હતાં. રાવજીએ એ પણ એ સમયના સાહિત્યિક વાતાવરણમાંથી પ્રેરણા લીધી હોય તે સહજ છે. પણ તેની નજર સામે આ કે તે ‘વાદ’ રહ્યો હોય એમ દેખાતું નથી. તેની કવિતામાં સ્વયંભૂતાનું તત્ત્વ જ પ્રબળતાથી ઊપસી આવ્યું છે. એટલે એમ માનવાને કારણ રહે છે કે અંદરની લાગણીઓની ભીંસ જ તેને સર્જનમાં પ્રેરી રહી છે. પણ અહીં એમ પણ નોંધવું જોઈએ કે રાવજીની કવિતામાં આધુનિકતાવાદી વલણ પણ સહજ રીતે કામ કરી ગયું છે. ‘ઠાગા ઠૈયા’નું સંવેદન, તેની ભાષા, તેનું રચનાતંત્ર અને સૌથી વિશેષ તો તેમાં વ્યક્ત થતો કવિમિજાજ જોતાં એ વલણની તરત પ્રતીતિ થાય છે. આપણી આધુનિક કવિતાના આવિષ્કાર લેખે આ એક ઘણી સમર્થ રચના છે. ‘કેવળ કવિતા’ (Absolute Poetry)નો ખ્યાલ આધુનિક કવિતાનું એક મોટું વિધાયક બળ બની રહ્યો છે. વાલેરી માલાર્મે આદિ પ્રતીકવાદી કવિતાઓમાં એનાં મૂળ શોધી શકાય. કવિતાની ‘શુદ્ધિ’ માત્રનો એ પ્રશ્ન નથી : જીવનના પરમ લક્ષ્ય તરીકે કાવ્યાનુભૂતિનો એમાં સ્વીકાર છે. માનવીના અનુભવમાં આવતાં સ્થૂળ અને પ્રાકૃત જીવન, અને તેના પ્રાકૃત અનુભવો કરતાં, કાવ્યાનુભૂતિનું ચૈતન્ય વધુ સૂક્ષ્મ તત્ત્વ છે. જીવનની એ ઊર્ધ્વતર-તમ ગતિ છે, એવી તેમની પ્રતીતિ છે. આ કવિતામાં રાવજીનો કવિમિજાજ આ જ જાતનું ભાવસંવેદન રજૂ કરે છે ‘કવિતાની સાહ્યબીના સૂરજ હજાર’નો ભાવ અહીં તે તીવ્રતાથી વ્યક્ત કરે છે. રાવજીનો એ સ્વર આધુનિક સર્જકોના સ્વરમાં બરોબર ભળી જાય છે. અલબત્ત, કવિતાનું સમગ્ર સંવેદન ઘણું સંકુલ છે. કાવ્યનાયક માનવઅસ્તિત્વની સ્થૂળતા પ્રાકૃતતા વંધ્યતા અને જરઠતાના સંવેદનને ય ઘૂંટે છે, તે સાથે જગતના પદાર્થોને કેવળ ઉપયોગિતાની દૃષ્ટિએ જોનારી વ્યવહારપરાયણ મનોવૃત્તિની, તેમ એકેએક વસ્તુના ‘અર્થ’ શોધવામાં ઘેલી બનેલી પાંડિત્યવૃત્તિની વ્યર્થતાતું સંવેદન પણ એમાં ભળે છે. અસ્તિત્વની સ્થૂળ પ્રાકૃતતા અને કાવ્યચૈતન્ય જેવાં ઊર્ધ્વતત્ત્વની ઝંખના – એવાં બે વિરોધી તત્ત્વો આ કૃતિમાં ગૂથાયેલાં છે. કવિતાનું રચનાવિધાન બારીકાઈથી જોવા જેવું છે. કાવ્યનાયક ‘હું’ની એકોક્તિ રૂપે અહીં આ બધી પંક્તિઓ વિસ્તરી આવી છે. આ ‘હું’ તે કોઈ સામાજિક વ્યક્તિનો ‘હું’ નથી : કાવ્યમાંથી વિસ્તરતી ચેતનાનું એ કેન્દ્ર છે, અને પરિઘ પણ છે. રચનામાં બીજા પુરુષ તરીકે ‘તું–તારા’ કે ‘તમે- તમારા’ના પ્રયોગો મળે છે. એ દ્વારા કોઈ આ કે તે નિશ્ચિત વ્યક્તિનો નહિ, કેવળ ઇતર વ્યક્તિતાનો નિર્દેશ થયો છે, એમ કહેવું જોઈએ. આરંભની પંક્તિ ‘ઠાગા ઠૈયા ભલે કરે રામ!’ કૃતિનો આગવો મિજાજ બરોબર છતો કરી આપે છે. આ વિશ્વનો જે કોઈ સ્રષ્ટા હોય, તેના પ્રત્યે કાવ્યનાયકનો બેતમાનો ભાવ જ તીવ્રતાથી અહીં પ્રગટ થઈ જાય છે. ‘ઠાગા ઠૈયા’ જેવો લોકબોલીનો પ્રયોગ રાવજીની અનન્ય સર્જકતાના બળથી અજબ રણકી ઊઠ્યો છે. વિશ્વનો સ્રષ્ટા ભલે નિરંતર કાર્યરત લાગે, પણ તેની આ બધી પ્રવૃત્તિ નર્યો દેખાવ છે, દંભ છે! કાવ્યનાયકને એની પ્રવૃત્તિ જોડે કશી નિસ્બત નથી! તેની આ રીતની અલગારીવૃત્તિ, મસ્તી, અને આત્મસભરતા અહીં વાંચી શકાય છે સુવિદિત છે તેમ, રાવજીની કાવ્યભાષા સર્જકતાના અસાધારણ બળ નીચે સતત નવાં નવાં રૂપો સર્જે છે. મહત્ત્વની વાત એ છે કે શિષ્ટ ભાષાના પોતમાં બોલીના તળપદા પ્રયોગો તેની સાથે સંવાદ સાધીને ભળી જાય છે. અહીં આ પંક્તિનો લ્હેકો અને કાકુ રચનાનો મિજાજ રજૂ કરવામાં પૂરા સહાયક બને છે. બીજી પંક્તિમાં કાવ્યનાયકનું મનોગત એકદમ ખૂલી આવ્યું છે, આપણે ‘તો અલબત-શરબત ઊંચું મેલ્યું’ એમ તે ગાઈ ઊઠે છે. અહીં ‘અલબત-શરબત’ સમાસ ધ્યાનપાત્ર છે. ‘અલબત’ એ શબ્દની સાથે એકાએક તર્કશાસ્ત્રીય વ્યાપાર, એવા વ્યાપારથી મળતું જ્ઞાન, વિજ્ઞાન, પાંડિત્ય, વગેરે અર્થો સાહચર્યના બળે જાગૃત થઈ ઊઠે છે. ‘શરબત’થી રુચિકર માદક પીણાનો અર્થ સમજાય છે. ‘કવિતાની સાહ્યબી’માં રાચતા કાવ્યનાયકને આવું પોથીપાંડિત્ય તુચ્છ લાગે છે, વ્યર્થ લાગે છે. આ પંક્તિમાં ‘આપણે’ સર્વનામનો પ્રયોગ પણ નોંધપાત્ર છે. કાવ્યનાયકના અલગારીપણાનો ભાવ એ દ્વારા બરોબર વ્યક્ત છે. ત્રીજી-ચોથી પંક્તિમાં કાવ્યનાયકનો મિજાજ વધુ ઊઘડ્યો છે : ‘ભલે મારું નિર્વાણ ઊડી જાય! ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ’ એમ તે કહી દે છે. પાંડિત્યથી મોક્ષ મળતો હોય કે બ્રહ્મની પ્રાપ્તિ થતી હોય તો ય તેને એની રજ માત્ર ખેવના નથી. ‘નિર્વાણ’ એ તો અમૂર્ત વિચાર માત્ર છે. ‘ઊડી જાય’ ક્રિયા સાથે તે અજબ સંકળાઈ જાય છે. પંખીની સાથે કે ઝાકળની સાથે ઊડી જવાની ક્રિયાના સંસ્કારો એની સાથે સંકળાયા છે. ‘નિર્વાણ’ ‘ઊડી’ જવાનીએ વાત અહીં અજબની ચમત્કૃતિ સરજે છે. પછીની પંક્તિમાં ‘બ્રહ્મનું બટેરું ભરી છાશ’ની કલ્પના ઘણી વિલક્ષણ છે. બ્રહ્મની પ્રાપ્તિના ખ્યાલને કાવ્યનાયક જુદી રીતે મૂલવે છે. ‘બટેરું ભરી છાશ’ જેવી નગણ્ય વસ્તુ તેને તે લાગે છે. ‘બટેરું શબ્દનો એક અર્થ ‘રામપાતર’ પણ થાય છે. એ રીતે અર્થગૌરવની એક વિલક્ષણ છાયા એને વળગી છે. અને તો ય, કાવ્યના વૈભવની સામે કાવ્યનાયકને એનું કશું જ મૂલ્ય નથી એવો સ્પષ્ટ ધ્વનિ એમાં સંભળાય છે. ૫ થી ૧૫મી સુધીની પંક્તિઓમાં સંવેદનનો એક નવો જ સંદર્ભ ઊઘડી આવ્યો છે. એમાં કાવ્યનાયક ‘દોમદોમ પેઢીઓ’નો નિર્દેશ કરે છે. ‘પેઢીઓની ગીચતા’-થી પેઢીઓના અસંખ્યપણાનો અર્થ પ્રબળતાથી ઊપસે છે. એ પેઢીઓને ‘શણગારવા’માં કાવ્યનાયકને રસ નથી. ધરતીના પટમાં એ સર્વ એકાકાર થઈ ચૂકી છે – માટીમાં ભળી ગઈ છે. વગડાઉ બનેલી એ ધરતી પર આજે ‘ખીજડાઓ’ ઊગી નીકળ્યા છે અને તેની ડાળે ‘સુગરીઓ’ માળા બાંધી રહી છે! એક વેળા દોમદોમ સાહ્યબીમાં મ્હાલતાં એ માણસોનું આજ ક્યાંય નામોનિશાન રહ્યું નથી! પ્રકૃતિનો જીવનક્રમ ચાલતો જ રહે છે. ખીજડાનાં વૃક્ષ અને સુગરીના માળાઓ – એ દૃશ્યપટની સાથે પ્રાકૃતિક જીવનની ઉર્વરતા અને અનશ્વરતા છતી થાય છે, બીજી બાજુ દુન્યવી વૈભવની ક્ષણભંગુરતા એ દૃશ્યપટની સામે તીવ્રતાથી છતી થાય છે. ભલે સેલ્યૂટ ભર્યા કરે!’ – ઉક્તિખંડનું juxtaposition સમજવાનું મુશ્કેલ છે. સાહ્યબી ભોગવનાર કોઈ મોભાવાળી વ્યક્તિને સંત્રીઓ એના કબ્રસ્તાન આગળ સેલ્યૂટ કરતી રહે – એવો અર્થ કદાચ એમાં અભિપ્રેત હોય. ‘આપણે શા ઠાઠ’ પ્રયોગથી કાવ્યનાયકના મનની નિઃસ્પૃહી વૃત્તિ કે અલગારી વૃત્તિ છતી થાય છે. ‘આપણે’ સર્વનામનો પ્રયોગ ફરીથી તેની બેફિકરાઈને ઉત્કટતાથી છતી કરે છે. ‘કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ’ એ પંક્તિમાં ‘કવિતા’થી કવિતાનો સ્રષ્ટા, કાવ્ય ધારણ કરનાર કવિ, કે કવિચિત્તનો અર્થ લક્ષણાથી લઈ શકાય. કાવ્યાનુભૂતિની ક્ષણે-સર્જનની ક્ષણે-કવિની ચેતનાને જે પરમ વૈભવ મળ્યો છે તેની તુલનામાં ‘ઘર’ અને ‘ઘાટ’ જેવી ભૌતિક વસ્તુઓની તેને કશી વિસાત નથી. પછીની પંકિતમાં કાવ્યનાયકની ‘મોગરાની વાસ’ની ઝંખનાનો ઉલ્લેખ છે. મોગરો, જે ધરતીમાં મૂળ નાંખીને ફૂલેફાલે છે, તે આમ જુઓ તો સ્થૂળ સામગ્રી રૂપ છે જ્યારે સુવાસ એનું સૂક્ષ્મતમ તત્ત્વ છે. અને કાવ્યસત્ત્વ પણ એવું જ સૂક્ષ્મતમ તત્ત્વ છે. અલબત્ત, અસ્તિત્વની સ્થૂળતા અને પ્રાકૃતતામાં એ રોપાયેલું છે. કાવ્યનાયક પોતાના અસ્તિત્વની એ સ્થૂળ પ્રાકૃતતાથી અભિજ્ઞ છે, પણ તેના અંતરમાં ‘મોગરાની વાસ’ જેવા સૂક્ષ્મતમ તત્ત્વની પ્રબળતમ ઝંખના છે. સ્થૂળતાને-પ્રાકૃતતાને અતિક્રમી જવાની તેની એ ઉદાત્ત વાસના છે. ‘દોમદોમ સાહ્યબી’ને કાવ્યનાયક હવે ‘ફફડતા પડદા’ સાથે સાંકળે છે. ‘ફફડતા પડદા’માં વૈભવશાળી મકાનનાં બારીબારણાં પર લટકતા રંગબેરંગી પડદાઓનું સૂચન છે. ‘ફફડતા’ પ્રયોગથી પવનના સૂસવાટાનો અર્થ સૂચવાય જાય છે. કદાચ એમાં સમયના સૂસવાટાનો અર્થ પણ લઈ શકાય. પછીની પંક્તિ ‘ફફડતી ભીંત’માં ભયભીતતા એકદમ છતી થઈ જાય છે. ‘ફફડતી,’ આમ જુઓ તો એક બળવાન શ્રુતિગોચર કલ્પન છે. ‘ભીંત’ સાથે જોડાતાં, વળી એક મોટી વિભીષિકા પ્રત્યક્ષ થાય છે. ‘મારે મન હંમેશનાં હવડ કમાડ’ – પંક્તિય આસાધારણ વેધકતા બતાવે છે. હવેલીનાં કમાડ કાવ્યનાયકને માટે હંમેશનાં ‘હવડ’ બની ચૂક્યાં છે! જાહોજલાલી કહો, વૈભવ કહો, બધું ય ક્ષણભંગુર સંભવે છે. વૈભવશાળી હવેલીનું કમાડ ગમે તે ક્ષણે ‘હવડ’ બની શકે છે! – કાવ્યનાયકની તીવ્ર સંવેદનપટુતા એ ‘કમાડ’માં હંમેશનું ‘હવડપણું’ પ્રત્યક્ષ કરે છે! તેના મનમાં વિરતિનો ભાવ ઊંડેઊંડે ઘૂંટાઈ રહ્યો હોય એમ અહીં પ્રતીત થશે. ‘ઘટમાળ-બટમાળ’ જેવો દ્વિરુક્ત પ્રયોગ પણ નોંધપાત્ર છે. દ્વિરુક્તિના પ્રયોગમાં જ વ્યર્થતાનો ધ્વનિ સૂચવાય છે. ‘સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં...’ પંક્તિ રચનાસંયોજનની દૃષ્ટિએ મહત્ત્વની છે. આગલુ ખંડક અને પાછળનું ખંડક બંને આ પંક્તિથી સરસ રીતે જોડાયાં છે. પૂર્વજોની એ સાહ્યબીનું તેજ અને તેનો પ્રતાપ, કાવ્યનાયકને અર્થહીન લાગે છે. સાહ્યબીના ‘ચહેરા’ સાથે ‘સૂર્ય’ ઉપમાભાવે સંકળાયો છે. લૌકિક સુખવૈભવ અને સત્તાના સૂર્યનો અહીં અસ્વીકાર છે. ૧૭મી પંક્તિ છે : ‘સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.’ અને તરત ૧૮મી પંક્તિ વહી આવે છે : ‘મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર’. સત્તરમી પંક્તિમાં દુન્યવી સુખવૈભવના ‘સૂર્ય’ની અવગણનાની વાત હતી. અથવા આપણા સૂર્યમંડળના ‘સૂર્ય’ની અવજ્ઞા હતી. ‘છાણનું અડાયું’માં એ ‘સૂર્ય’ની નગણ્યતાનો ભાવ ફરીથી ઘૂંટાયો છે. પરંપરાગત સાહિત્યમાં સૂર્યનો આગવો મહિમા રહ્યો છે. ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સૂર્યપૂજાનુ અનોખું માહાત્મ્ય રહ્યું છે. પણ રાવજી ‘સૂર્ય’ને ‘અડાયું’ સાથે જોડે છે! પણ ના, સૂર્યની અવજ્ઞાનો આ કોઈ પ્રશ્ન નથી! ‘કવિતાની સાહ્યબી’ના ‘સૂરજ’નું તેને અપાર ગૌરવ કરવું છે. ‘હજાર સૂરજ’ની કલ્પના એકાએક જ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બતાવેલા ‘વિશ્વરૂપ’ના અલૌકિક દૃશ્ય સાથે સંકળાઈ જાય છે : વિશ્વરૂપનો તેજોપુંજ, લખલખતાં તેજ, હજાર હજાર સૂર્યોનાં તેજ, એકદમ પ્રત્યક્ષ થાય છે. કાવ્યનાયકને માટે, અલબત્ત, ‘કવિતાની સાહ્યબીનો સૂરજ’ પરમ કામનાનો પદાર્થ છે, પણ તેને પોતાની આસપાસ વીંટાયેલી પ્રકૃતિની જડતાનું ય એટલું જ તીવ્ર ભાન છે. ‘ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ? – ‘પંક્તિ એની આગલી જ પંક્તિની સામે પૂર્ણ વિરોધમાં ઊપસી આવે છે. ‘ઓરડો’ અસ્તિત્વની સીમિતતા સૂચવે છે. ‘અંધકાર’ની સાથે અજ્ઞાન અને જડતાના ખ્યાલો પરંપરાથી જોડાયેલા છે. આ ‘અંધકાર’ ધર્મ કેળવણી કે જ્ઞાનવિજ્ઞાનથી ઓગળી શકે એવી વસ્તુ જ નથી. એટલે, કાવ્યનાયક માટે એની જડતાને કારણે એને ઊંચકી લેવાનું ય શક્ય નથી! અને કાવ્યનાયકને તો એવી પ્રતીત્તિ છે કે તેનું ‘નિજત્વ’ એ સ્થૂળ પ્રકૃતિમાં રોપાયેલું છે. ‘તમારે કહ્યે’માંય સર્વનામનો પ્રયોગ ધ્યાનપાત્ર છે. સ્વગતોક્તિ રૂપ ઉચ્ચારણનો જ એ અંશ છે. આ ‘તમે’, એ કોઈ વ્યક્તિ વિશેષનો નિર્દેશક નથી; કોઈ પણ જ્ઞાનડાહ્યા માનવીનો એ સંકેત હોઈ શકે. ૨૦ થી ૨૬ સુધીની પંક્તિઓ વળી જુદો જ સંદર્ભ રચે છે. ‘મને તો ઘણુંય થાય’ – એ ઉક્તિ કાવ્યનાયકની ગહન એષણા પ્રગટ કરે છે. ‘નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ કશો અર્થ દઉં’ – પંક્તિઓમાં ‘તારા’ સાર્વનામિક પ્રયોગથી કોઈ પ્રિયજનનો નિર્દેશ મળે છે. ‘ઘર’ શબ્દને લક્ષણાથી ‘જીવન’ ‘અસ્તિત્વ’ ‘દેહ’ જેવાં સાહચર્યો અર્પી શકાય. ‘કવિતા’ની જેમ તેને ‘અર્થ’ આપવાની કાવ્યનાયકની ઇચ્છા છે. ‘તારી શય્યાને કવિતાની ગંધ દઉં’-માં તેના અંતરની કદાચ સૌથી ઊંડી ઝંખના છતી થાય છે. આ કૃતિના આગળના એક સંદર્ભમાં ‘કવિતા’ સાથે ‘મોગરાની વાસ’નો સંસ્કાર જોડાયો હતો અહી ‘શય્યા’માં એ જ ‘ગંધ’ અર્પવાની વાત છે. દેહમનપ્રાણના મિલનમાં એ અલૌકિક ‘ગંધના’ પ્રવર્તનની તેને કામના રહી છે. બીજી રીતે, સ્થૂળ ઇચ્છાઓ આવેગો અને તૃષ્ણાઓના સ્તરથી ઊંચે ઊઠવાની ઝંખના અહીં વ્યક્ત થઈ ગઈ છે. પંક્તિ ૨૫-૨૬ આગળના ખંડકને પછીના ખંડક સાથે સાંકળી આપે છે. ‘કિંતુ વ્યર્થ / તમારે તો સાણસીનો કરવો છે અર્થ’ – પંક્તિ સૂચક છે. વ્યવહારમાં રીઢા બનેલા માનવીની જડ દૃષ્ટિ કાવ્યનાયકને અસ્વસ્થ કરી મૂકે છે. ‘સાણસી’ એ ‘સાણસી’ છે. રોજિંદા જીવનમાં ખપમાં લેવાતું એ એક ભૌતિક સાધન છે. બીજા અનંત ભૌતિક પદાર્થોને તેમ ‘સાણસી’ને ય કૂટ અસ્તિત્વ કે, પણ જડ દૃષ્ટિવાળા માનવીઓ એના કૂટ અસ્તિત્વને સ્વીકાર્યા વિના જ તેના ‘અર્થ’ની ખોજમાં મંડ્યા રહે છે? (‘તમારે’ – સર્વનામનો પ્રયોગ અહીં પણ કોઈ નિશ્ચિત વિશિષ્ટ વ્યક્તિ માટે નહિ, માત્ર વ્યવહારજડ વ્યક્તિનો નિર્દેશ કરે છે). જે વસ્તુ સ્વયં સત્તારૂપ છે, તેને ‘અર્થ’ વળી શો, એમ પણ કાવ્યનાયકને સૂચવવું છે. પંક્તિ ૨૭-૨૮ કાવ્યનાયકનું આંતરસત્ત્વ પ્રગટ કરે છે : ‘હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ / કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ,’ – અહીં એક સંકુલ સંવેદના વ્યક્ત થઈ છે. એમાં વિરોધી અર્થો અને લાગણીઓનાં વલયો એકબીજાંને છેદીને વિસ્તર્યા કરે છે. કાવ્યનાયક ‘હું’ પોતાને ‘રણનો પ્રલંબ પટ’ તરીકે ઓળખાવે છે. એ ઉપમાબોધમાં રણની નિર્જનતા વંધ્યતા કઠોરતા અને પ્રખરતાનાં સાહચર્યો છતાં થાય છે; બીજી બાજુ ‘રણ’ની આગળ ‘કવિતાઈ’ વિશેષણ યોજાયું છે તે ય ધ્યાનપાત્ર છે. વંધ્ય અસ્તિત્વની વચ્ચે ય કાવ્યની ‘ગંધ’ ફૂટે છે, એવો ભાવ અહીં વ્યંજિત થાય છે. પછીની પંક્તિમાં ‘પ્રણયની જેમ’ પ્રયોગ લક્ષણાથી ‘પ્રણયીની જેમ’નો અર્થ સૂચવે છે. અસ્તિત્વની અંદર જ પડેલી રણની શુષ્કતા વંધ્યતા અને પ્રખરતાની સાથોસાથ કવિતાની ચૈતન્યપરાયણતા, રસસ્નિગ્ધતા અને સભરતાનું હોવું એમાં ધ્વનિત થઈ ઊઠે છે. આ રીતના આંતરવિરોધો પચાવી લઈને આકૃતિનું ભાવસંવેદન પુષ્ટ થયું છે. અને, હવેની પંક્તિ છે : ‘પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ’. આગળ પંક્તિ ૨૬માં આ જ જાતની ઉક્તિમાં ‘સાણસી’નો ઉલ્લેખ હતો, અહીં ‘દરિયા’નો છે. દેખીતું છે, ‘દરિયો’ એ વિશ્વજીવનની એક મહાન વિભૂતિ છે. સમસ્ત ચૈતન્યનું એ પ્રતીક બન્યો છે. ‘દરિયા’નો ‘અર્થ’ શોધવા નીકળતી પોથીપંડિતોની જમાત સામે અહીં મૃદુ ઉપાલંભ છે. દરિયો છે, એનું હોવાપણું છે, એ જ એનો અર્થ! એની પાછળ રહેલા કોઈ ‘અર્થ’ની શોધમાં સમય વ્યતીત કરનારાઓ મિથ્યા પ્રવૃત્તિમાં રાચે છે! આ અસ્તિત્વનો કોઈ અર્થ નથી, અથવા એને જો કોઈ અર્થ છે તો તે માનવબુદ્ધિની પહોંચમાં નથી, એ જાતનો ધ્વનિ પણ અહીં પડઘાય છે. કાવ્યનાયક પોતાને વિશે હવે affirmation કરે છે : ‘હું તો માત્ર/ કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’. આ ઉક્તિનો મર્મ પકડવાનું મુશ્કેલ નથી. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, સીધી ન જ રહે! ‘પૂંછડીનો વાંકો વિસ્તાર’ – એ જ તો તેની મૂળ પ્રકૃતિ! અને કાવ્યનાયક પણ અહીં પોતાની પ્રકૃતિના ટેઢાપણાનું સૂચન કરી રહ્યો દેખાય છે. જ્ઞાનવિજ્ઞાન, નીતિધર્મનો ઉપદેશ, આદેશ – કશુંય એ પ્રકૃતિને બદલી નાખવા સમર્થ નથી. કૂટ દુર્ભેદ્ય સત્તાનો જ એ વિસ્તાર છે. અને તરત જ કાવ્યનાયક ‘હું’ પોતાને ‘કવિ’ સાથે identify કરે છે. જે કાવ્યચૈતન્યમાં પોતે ગતિ કરી રહ્યો છે, જેમાં ગતિ કરવા ઝંખે છે, તે સત્ત્વ પોતે જ છે, એમ તે કહે છે. પોતાનામાં નિહિત રહેલાં વિરોધી તત્ત્વોનો તે આ રીતે નિર્દેશ કરે છે. આગળ પોતાને ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ લેખવ્યો છે – એ જાતના પ્રયોગથી પશુત્વના અંશનું સૂચન થતું જોઈ શકાય – એની સામે આ કવિત્વનો અંશ ચૈતન્યનો પરમ ઉત્કર્ષ બતાવે છે. એ પછી ‘હું તો માત્ર/ઓરડામાં સબડતું મમી’ એ પંક્તિ આવે છે. ‘મમી’ શબ્દથી મૃતદેહ, મૃત પ્રજા અને મૃત ભૂતકાળ – બધુંય એકીસાથે મનમાં પ્રત્યક્ષ થઈ ઊઠે છે. ઇતિહાસના, બલકે તેની ય પેલે પારના અશ્મિભૂત અંશો જોડે કાવ્યનાયક પોતાને identify કરે છે, તે પણ સૂચક છે. બીજી બાજુ સમયની ગર્તામાં ડૂબકી મારી ન મારી ત્યાં, વર્તમાનની સપાટી પર તે તરી આવે છે : ‘હું તો માત્ર/ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.’ અલબત્ત, આ વલ્લવપુરા તે ગુજરાતના નકશા પરના નાનકડા બિંદુ સરખું કોઈ એક ગામ નહિ, ભૂખથી પીડાતી આખી માનવજાત અહીં અભિપ્રેત છે. કાવ્યનાયકને ‘હું’ પોતે ‘સાણસી’ છું, ‘દરિયો’ છું, ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ છું, ‘કવિ’ છું, ‘મમી’ છું – એ રીતે પોતાને ઓળખાવ્યા પછી, એક પ્રકારની પરાકાષ્ઠા રચાતી હોય તેમ, હું તો માત્ર ‘ખાલીબખ નિઃસહાય ૐ’ – એ પ્રકારનું identification આપે છે. (ભાગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ક્રમશઃ પોતાની વિભિન્ન વિભૂતિઓ ગણાવે છે. હું સર્વ પ્રાણીઓમાં રહેલો આદિ મધ્ય અંત છું, અદિતિના દેવોમાં વિષ્ણુ છું, સૂર્ય છું, ચંદ્ર છું, અગ્નિ છું, સુમેરુ છું, સમુદ્ર છું, હિમાલય છું, ગરુડ છું, ગાયત્રી છું.... એ વિભૂતિક્રમનું સ્મરણ અહીં એક વક્રતાના ભાવ સાથે જન્મી પડે છે.) જે ૐ સાથે કાવ્યનાયક પોતાને એકરૂપ લેખવે છે તે તો ‘ખાલીબખ’ ‘નિઃસહાય’ તત્ત્વ છે. રાવજીએ રચેલો ‘ખાલીબખ’ સમાસ ધ્યાનપાત્ર છે. સર્વથા ખાલીપણાનો, નર્યા પોલાપણાનો અર્થ એમાં આત્યંતિક પ્રબળતાથી સૂચવાય છે. ‘નિઃસહાય’ શબ્દ પરમ સ્રષ્ટાની શક્તિરહિતતાનું, પંગુતાનું અને લાચારીનું ભાન જગાડે છે. અહીં માનવજાતિ જે રીતે ભૂખ હિંસા ત્રાસ જેવાં અનિષ્ટો સહી રહી છે, જે યાતનામાંથી ગુજરી રહી છે, તેના નિવારણનો તેની પાસે કોઈ ઇલાજ નથી. કેવળ અસહાય મૂક સાક્ષી રૂપે જ તે હસ્તી ધરાવે છે. ફરીથી વ્યવહારજડ માણસને કાવ્યનાયક એ જ ઉપાલંભના સ્વરે કહે છે : ‘પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.’ અહીં ‘પણ’નો પ્રયોગ કેટલો વજનદાર છે, તે તો ભાવક પોતે જ અનુભવી શકશે. ગણિતનું મનોયત્ન ગણવાની પ્રવૃત્તિ એ તો બૌદ્ધિક વ્યાયામ માત્ર છે. અમૂર્ત ખ્યાલોમાં એ પ્રવૃત્તિ ચાલે છે. સ્થૂળ નક્કર વિશ્વપ્રકૃતિ સાથે તેને કોઈ નિસ્બત તથી અને રુધિરમાંસથી ધબકતા માનવજીવન જોડે ય તેને કેટલો સંબંધ? એટલે જ, કાવ્યનાયક બોલી ઊઠે છે : ‘મારી પાસે નથી એ ગણિત/મારી પાસે નથી એનો અર્થ/મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. ગણિતના વ્યાયામનું કાવ્યનાયકને કશું મૂલ્ય નથી. અંતની પંક્તિમાં ‘નર્થ’ શબ્દ રાવજીએ નવો ઘડેલો છે. ન્ + અર્થ, એમ જો એનું વિશ્લેષણ કરી શકીએ, તો એનું રહસ્ય કદાચ પકડી શકાય. કાવ્યના ચૈતન્યની તેને જે પરમ ઝંખના છે, તે કોઈ અ-લૌકિક સત્તા છે. તાર્કિક ‘અર્થ’ કે ‘અન્ + અર્થ’ના દ્વૈતથી તે પર છે. કાવ્યનાયક આમ કાવ્યચૈતન્યનો અનન્ય મહિમા કરીને થંભે છે. કૃતિના આંતરપ્રવાહ રૂપે કાવ્યનાયકનું અલગારીપણું, નિઃસ્પૃહીપણું, વિરતિ અને આત્મસભરતા, બધું એકાકાર થઈને વહે છે. ‘સૂરજ’નું કેન્દ્રીય પ્રતીક મોટું વિધાયક બળ બન્યું છે. ‘મોગરો’ અને તેની ‘ગંધ’ કૃતિના આગળપાછળના સંદર્ભોને સઘન રીતે સાંકળી આપે છે. ‘ખીજડે’ ‘સુગરી’ અને ‘ભીંત’—એ સર્વ તત્ત્વોને અહીં પ્રતીકાત્મક મૂલ્ય પ્રાપ્ત થયું છે. કાવ્યભાષામાં ઘનીભવનની પ્રક્રિયા અહીં ખાસ ધ્યાનપાત્ર છે.