અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાબુ સુથાર/ડોશીની વાતો
બાબુ સુથાર
ડોશીને લાગ્યું કે
એનો અંત હવે નજીક છે,
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પિલ્લું
નીચે ઉતારી બાંધી દીધી
એની પોતાની એક ઠાઠડી!
બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી
બાંધ્યા એમને નનામીની ચારે ખૂણે
નાડાછડીથી.
પછી મંગળ કુંભાર ગયા મહિને આપી ગયેલો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં બે છાણાં
અને એ છાણાં પર મૂક્યો
એના પતિએ હૂકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો દેવતા.
પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી
પહેરીને સૂઈ ગઈ એ ડોશી
નનામી પર.
સૂતાં સૂતાં એણે કલ્પના કરીઃ
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છે,
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં
વહેવા લાગી ગંગા અને જમના નદીઓ —
એકસાથે.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલી ડોશીએ કહ્યુંઃ
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ.
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને.