પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ

From Ekatra Wiki
Revision as of 10:40, 21 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
ચાર કવિઓ વિશે એક જુદી વાત

સુમન શાહ


(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે)

મને સોંપાયેલા ૪ કવિઓમાંના પ્રિય હરીશ, પ્રિય વિનોદ, પ્રિય મણિલાલ, અનુપસ્થિત છતાં ઉપસ્થિત બાબુ સુથાર, ‘પ્રતિપદા’ના સૌ આયોજકો, બીજા કવિમિત્રો અને સૌ સભાજનોઃ

થોડી રમૂજથી પ્રારમ્ભ કરુંઃ આ ઉત્સવ છે, કવિતાનો ઉત્સવ છે, સરળ મનાતી અનુ-આધુનિક કવિતાનો ઉત્સવ છે, ઉત્સવ છે છતાં આયોજકોએ એને એકદમની કડક શિસ્તમાં બાંધ્યો છે. જડબેસલાક બંદોબસ્ત છે. સૌથી મોટો બંદોબસ્ત વક્તા બાબતે છે. કોઈપણ કાર્યક્રમની સુકલ્પિત સફળતાનો મૂળાધાર વક્તાઓ હોય છે એ વાતની આયોજકોને પાક્કી ખબર છે. એમને ડર છે કે વક્તા ઉત્સવરત થઈ જાય, ફૅસ્ટિવ, સ્વૈરમતિએ લીલામય થઈ નાચતો-ગાતો થઈ જાય, તો શું થાય. તેથી એમણે વક્તાઓને બરાબ્બરના બાંધ્યા છે. જુઓ, નિમન્ત્રણની સાથે જ ચતુર્વિધે બાંધ્યા છેઃ સૌથી મોટું સમયબન્ધન છેઃ ૩૦ મિનિટ. એટલે કે મૉંઢાં બાંધ્યા છે. બીજું છે, સામગ્રીબન્ધનઃ એટલા સમયમાં માત્ર ૪ કવિઓનાં માત્ર ૮૬ કાવ્યો વિશે બોલવાનું છે! બાથ ભીડી બતાવવાની છે. ત્રીજું, પસંદગીબન્ધનઃ આ કાવ્યો કવિઓએ પોતે પસંદ કરેલાં છે. એટલે કે વક્તાની સમ્પાદનપ્રવણ દૃષ્ટિમતિને, યોગ્યને ચૂંટી શકતી આંગળીઓને પણ પકડમાં લીધી છે. ચૉથું બન્ધન છે, વક્તવ્યનીતિરીતિબન્ધનઃ એ માટે ૪-૫ મુદ્દા આપ્યા છે. તેને ધ્યાનમાં રાખી તેના વશમાં રહી બોલવાનું છે. એટલે કે વક્તાના મગજને પણ આયોજકમનવાંછિત ફ્રેમમાં જકડી લેવાયું છે.

આ વાસ્તવિક વીગતોના આધાર પર મને મારે વિશે એક અતિવાસ્તવિક કલ્પના થાય છેઃ જાણે કે આયોજકોએ મને નિમન્ત્રણ આપીને ફાંસીએ ચડાવ્યો છે! જોકે પણ એટલે, ફાંસીની કુટિલ નીતિ અનુસાર મને આભાસી પ્રેમભાવથી પૂછાઈ પણ રહ્યું છે – બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે...?

મને છોડી મૂકો નામની છેલ્લી ઇચ્છાને ફાંસીવાળા ક્યારેય માન્ય નથી રાખતા એ જાણું છું એટલે વ્યવહારુ ઇચ્છા છે કે મને સમયબન્ધન સિવાયનાં તમામ બન્ધનોથી મુક્ત કરો. એ હું જાળવીશ – અને જો ન જાળવું, ૩૦ મિનિટને વટી જઉં, તો પછી મારું જે કરવું હોય એ કરજો!

ooo

જો તમારી હા છે, તો શરૂમાં જ જણાવી દઉં કે હું બે વસ્તુ નથી કરવાનોઃ એકઃ હું સર્જનના કૅટેગોરાઈઝેશનમાં, કોટિ-કરણમાં, નહીં ઊતરું. એટલે કે આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું નથી કહેવાનો. એ જ રીતે કયો કવિ મૉડર્નિસ્ટ, પોસ્ટમૉડર્નિસ્ટ, પોસ્ટ-પોસ્ટમૉડર્નિસ્ટ કે કયો એ ત્રણેયનાં લક્ષણોથી સમવેત છે એ પણ નથી કહેવાનોઃ બીજુંઃ હું સર્જનના પ્રપંચસમવાયમાં નહીં ઊતરું. એટલે કે જેને આપણે રૂપનિર્મિતિ કહીએ છીએ એ ફૉર્મની સાધકબાધક પંચાતમાં નથી ઊતરવાનો – એનો અર્થ એ કે જેને આપણે કૃતિલક્ષી કહીએ છીએ એ જાતની ચીલાચાલુ વાતો નથી કરવાનો. એટલે કે જીવનક્ષેત્રમાંથી સ્ફુરતાં કાવ્યવસ્તુઓ વિશે, ગીત ગઝલ સૉનેટ વગેરે કાવ્યના પ્રકારો વિશે, છાન્દસ અછાન્દસ વગેરે કાવ્યનાં માધ્યમો વિશે અને શિષ્ટ, અર્ધ-શિષ્ટ કે લોકતત્ત્વો ધરાવતી સર્વસામાન્ય કે કવિવિશિષ્ટ કાવ્યબાનીઓ વિશે નથી કહેવાનો. નથી કહેવાનો એટલે એ બાબતોની પરીક્ષા નથી કરવાનો – આ ખરું આ ખોટું પ્રકારે માર્ક્સ આપીને કશાં પરિણામો જાહેર નથી કરવા.