વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/S
Jump to navigation
Jump to search
S
Saga novel ગાથાનવલ જુઓ, Roman fleuve.
Samizdat સમિઝદાત ૧૯૬૬ની આસપાસ ચલણમાં આવેલી આ રશિયન સંજ્ઞા ભૂગર્ભલેખન પ્રવૃત્તિને નિર્દેશે છે. અધિકારીઓની જાણ બહારનો અને એમની સંમતિ વગરનો આ દ્વારા થતો લેખો અને પુસ્તકોનો ફેલાવો ટાઈપનકલમાં હોય છે. સમિઝદાતનું સાહિત્ય રાજ્યની વિરુદ્ધના વિચારોને પ્રગટ કરતું હોય છે. ૧૯૬૬માં આન્દ્રેય સિન્યાવ્સ્કી પરના ચાલેલા ખટલા દરમિયાન સોવિયેટ યુનિયનમાં ભૂગર્ભ સાહિત્યના વિપુલ જથ્થાની હયાતી ધ્યાન પર આવી. એ વર્ષે સિન્યાવ્સ્કી ઉપરાંત યુરિ દેનિયલને પણ જેલમાં ધકેલી દેવામાં આવેલો. સોલ્ઝેનિત્સિનની ‘ધ ફર્સ્ટ સર્કલ’ મૂળે ભૂગર્ભસાહિત્ય હતું.
વળી પશ્ચિમના દેશોમાં રશિયન ભાષામાં પ્રગટ થતું સાહિત્ય તમિઝદાત Tamizat સંજ્ઞાથી ઓળખાય છે. આ સાહિત્ય પછી ચોરીછૂપીથી રશિયામાં ઘુસાડવામાં આવે છે. પાસ્તરનાકની ‘ડૉ. ઝિવાગો’ આ પ્રકારનું ઉદાહરણ છે. તો, મેગ્નિતિઝદાત (magnitizdat) સાહિત્ય ટેઈપ પર ઉતારવામાં આવેલી સામગ્રી માટે વપરાય છે.
વળી પશ્ચિમના દેશોમાં રશિયન ભાષામાં પ્રગટ થતું સાહિત્ય તમિઝદાત Tamizat સંજ્ઞાથી ઓળખાય છે. આ સાહિત્ય પછી ચોરીછૂપીથી રશિયામાં ઘુસાડવામાં આવે છે. પાસ્તરનાકની ‘ડૉ. ઝિવાગો’ આ પ્રકારનું ઉદાહરણ છે. તો, મેગ્નિતિઝદાત (magnitizdat) સાહિત્ય ટેઈપ પર ઉતારવામાં આવેલી સામગ્રી માટે વપરાય છે.
Scapigliatura ગ્રસ્તજૂથ આ સંજ્ઞા ૧૮૬૦ની આસપાસ મિલાનમાં અસ્તિત્વમાં આવેલાં ઈટાલિયન કલાકારો અને લેખકોના જૂથને સૂચવે છે. અત્યંત બેફિકર જિંદગી જીવતાં આ જૂથે, પ્રસ્થાપિત સાહિત્યરીતિઓ અને કલાપ્રણાલિઓ સામે બળવો પોકારેલો. એમનાં બલ અને પ્રયોગોએ ઈટાલિયન સાહિત્ય પર સારો એવો પ્રભાવ પાડ્યો છે.
Scenario પટકથા દૃશ્યોનાં અને પાત્રોનાં વર્ણન સહિતની ચલચિત્રની રૂપરેખા કે હસ્તપ્રત. જેમકે ધીરુબેન પટેલની ‘ભવની ભવાઈ’
Schlusseroman સંધાનનવલ જુઓ, Roman a clef.
Scientificism વિજ્ઞાનપરસ્તીવાદ કેટલાક આધુનિકો બાળકોની કે આદિમજાતિઓની નજરે વિજ્ઞાનને જુએ છે, અને આધુનિક જીવન, શહેર અને યંત્રોને બેહદ ચાહે છે. માસિમો બોન્તેમ્પેલી આ સૌંદર્યવાદને ‘સંમોહન વાસ્તતવાદ’ (magic realism) તરીકે ઓળખાવે છે. આધુનિકો યંત્રને માત્ર શક્તિનો સ્રોત નહિ પણ જીવનનો પણ સ્રોત ગણે છે. રેનાતો પોગિઓલિની આ સંજ્ઞા વિજ્ઞાનપરસ્તીને સૂચવે છે.
Sci-fi વિજ્ઞાનકથા (Science fiction)
Scriptible (writerly) text સર્જકકેન્દ્રી કૃતિ s/zમાં બાલ્ઝાક પર ચર્ચા કરતાં રોલાં બાર્થે વાચનક્ષમ અને અ-વાચનક્ષમ કૃતિઓ વચ્ચે ભેદ કર્યો છે. પરંપરાગત વાચનક્ષમ કૃતિઓ સુગમ હોય છે પણ વાસ્તવમાં એ અગતિક હોય છે. ભાવક માટે એમાં સહસર્જનનો અવકાશ નથી. આ કૃતિઓ વાચકકેન્દ્રી Lisible (readerly) text છે. તો બીજી બાજુ, આધુનિક અ-વાચનક્ષમ કૃતિઓ લખી શકાય છે પણ એને કેમ વાંચવી એ હજી આપણે જાણતા નથી હોતા. અહીં ભાવક નિષ્ક્રિય રહી શકતો નથી. અહીં પ્રક્રિયા છે, વસ્તુ નથી. અહીં સંરચન છે, સંરચના નથી. આ કૃતિઓ સર્જકકેન્દ્રી કૃતિઓ છે.
Scriptorium લેખનખંડ વિહારો અને મઠોમાં લેખન માટે અને પુસ્તકોની નકલ કરવા માટે અલાયદો રખાયેલો ખંડ.
Semanalysis સંકેતવિશ્લેષ જુલ્યા ક્રિસ્તેવાએ એના સિદ્ધાંતમાં સંકેતવિજ્ઞાન, માર્ક્સવાદ અને ફ્રોઈડવાદને સંયોજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જુલ્યા ક્રિસ્તેવાને મતે સંકેતવિજ્ઞાન એક સમીક્ષાત્મક વિજ્ઞાન છે, સાથે સાથે એ વિજ્ઞાનની આલોચના પણ છે. લૂઈ આલ્થુઝરે જેમ માર્ક્સવાદને તેમ જુલ્યા ક્રિસ્તેવાએ સંકેતવિજ્ઞાનને સમાજના વિજ્ઞાન તરીકે રૂપાંતરિત કરવાનો અને એને નવી આલોચનાત્મક રાજકીય ભૂમિકા આપવાનો આ સંજ્ઞા દ્વારા પ્રયત્ન કર્યો છે.
Semes અર્થકણ જુઓ, Isotopy.
Semi indirect style જુઓ, FIS.
Semioclasm સંકેતધ્વંસ સંકેતોના નિષ્ક્રિય અભ્યાસને સ્થાને સંકેતોનો સહેતુક ધ્વંસ સૂચવતી રોલાં બાર્થની સંજ્ઞા.
Shadow છાયા યુંગના મનોવિજ્ઞાનમાં છાયા એ ચેતનથી છૂપાવેલી ચિત્તની અંધારી બાજુ છે. પણ આ અંધેરી બાજુ એ કેવળ સભાન અહંથી વિપરીત નથી. જેમ અહંમાં અનિચ્છનીય અને વિનાશક વૃત્તિ હોય છે તેમ છાયા પણ સર્જક-આવેગ ધરાવે છે. વિચાર અને લાગણી અલગ હોવા છતાં જેમ સંબંધિત છે તેમ અહં અને છાયા સંકળાયેલાં છે. ફ્રોઈડ જેને અચેતન તરીકે ઓળખાવે છે એની સાથે છાયાનું સામ્ય જોઈ શકાય છે.
Shadow show છાયાનાટક છાયારંગમંચ પર કઠપૂતળીનો નાચ. તીવ્ર પ્રકાશ અને અર્ધપારદર્શક પડદા વચ્ચે કઠપૂતળીઓને નચાવવામાં આવે છે, જેના પડછાયા પડદાના આગળના ભાગમાં બેઠેલા પ્રેક્ષકો જોઈ શકે છે.
Simulcra/Simulation છાયાસાદૃશ્ય ગ્રાહકોના ઉપભોગમાં પલટાઈ ગયેલા અને માધ્યમોના પ્રભાવમાં મુકાઈ ગયેલા સાંપ્રતજીવનના સ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન કરતાં ઝાં બોદ્રિલારે અતિશય વાસ્તવ (hyperreality)માં રૂપાંતરિત ‘વાસ્તવ’ને કોઈપણ વાસ્તવ સાથે સંબંધ નથી એવું પ્રતિપાદિત કર્યું છે. બોદ્રિલાર છાયાસાદૃશ્યના ઇતિહાસને ત્રણ ભાગમાં વહેંચે છે. પુનરુત્થાનકાળથી ઔદ્યોગિક ક્રાંતિ સુધીના ગાળામાં છાયાસાદૃશ્યે બનાવટનું રૂપ લીધું, ઔદ્યોગિક યુગમાં સમૂહ ઉત્પાદને અગણિત પુનરુત્પાદિત વસ્તુઓ ઊભી કરી અને છેવટે છાયાસાદૃશ્યની પ્રક્રિયામાં વાસ્તવ સદંતર રીતે અદૃશ્ય થઈ ગયું.
સાંપ્રત અનુઆધુનિક વ્યવસ્થામાં નવા નૃયંત્રવિજ્ઞાને અને પ્રત્યાયન તરીકાઓએ ડિજિટલ સિસ્ટમના નેટવર્કમાં માનવચેતનાને પૂરેપૂરી શોષી લીધી છે.
સાંપ્રત અનુઆધુનિક વ્યવસ્થામાં નવા નૃયંત્રવિજ્ઞાને અને પ્રત્યાયન તરીકાઓએ ડિજિટલ સિસ્ટમના નેટવર્કમાં માનવચેતનાને પૂરેપૂરી શોષી લીધી છે.
Sinsign અસ્તિસંકેત પિયર્સે પોતાના સંકેતવિજ્ઞાનમાં લક્ષણો પ્રમાણે સંકેતનાં ત્રણ વર્ગ કર્યા છે એમાંનો એક વર્ગ તે અસ્તિસંકેત. સંકેત તરીકે કામગીરી બજાવતી હોય એવી ખરેખર હયાત વસ્તુ કે ઘટના. શિલ્પ કે કોઈ મૂર્તિ.
Slam poetry સ્લેમ કવિતા સ્લેમ કવિતા, કવિતા અને રંગભૂમિનું મિશ્રણ છે. એક રીતે જોઈએ તો ટીવી અને રૉક સંગીતને કારણે પુસ્તકોનો થયેલો હ્રાસ છે. સ્લેમ કવિતા ઉત્પાદન છે. ભાષામાં સત્યશોધનું કે ઊંચી સર્જકતાનું એનું લક્ષ્ય નથી. કલ્પનો અને રૂપકોની ભરમારયુક્ત મોઢે કરેલી રચનાઓને સીધી રજૂ કરવામાં આવે છે. લોકોની વિશ્રાંતિ અને લોકોનું રંજન – આનું ધ્યેય છે. લોકોનું રંજન કરતાં કરતાં કાવ્યભાષાની શક્તિનો ટૂંકો સંદેશ પહોંચે તો એ પહોંચાડવામાં એને વાંધો નથી. લિઝા બસ્કની સ્લેમ સ્ટાર ગણાય છે.
Slave Narratives ગુલામવૃત્તાંતો અશ્વેત કથાસાહિત્યને સમજવા માટે અને એમાં આવતાં પાત્રોની ગ્રંથિઓને સમજવા માટે તેમજ ગુલામવૃત્તાંતોના સ્વરૂપને સમજવા માટે ગુલામોના વેપાર પર, ગુલામોને વશ રાખવાના નુસ્ખાઓ પર તેમજ ગુલામોનાં બાળકો ઉપર જે ઇતિહાસસાહિત્ય પ્રગટ થયું એના પર નજર રાખવાની રહે છે. ગુલામવૃત્તાંતોમાં ગુલામીની કાયદેસરની ક્રૂર વ્યવસ્થામાંથી ભાગી ગયેલા અને જે ભાગી નહોતા શક્યા એમનાં સીધાં પ્રમાણો જડે છે.
Socialist realism સમાજવાદી વાસ્તવવાદ અહીં સમાજવાદી રાજ્યની સમૃદ્ધિ માટે અને સામાજિક ચેતનાના વિકાસ માટે કલાનો ઉપયોગ થતો હોય છે.
Soft art લવચિક કલા સહેલાઈથી વળે કે લચે એવી સામગ્રીનો ઉપયોગ કરતી હંગામીકલા.
Soft core (pornography) અલ્પઅશ્લીલ અશ્લીલતાનું અલ્પસ્વરૂપ.
Soft science અદૃઢવિજ્ઞાન જુઓ, Hard Science.
Special genre વિશિષ્ટ પ્રકાર જુઓ, Three level theory of literary genres.
Spectacle પરિદૃશ્ય. ગી દેબો (Guy Debord) ‘ધ સોસાયટી ઑફ સ્પેક્ટેકલ’ (૧૯૬૭)માં સમાજ અંગેનો આ વિચાર રજૂ કર્યો છે; જેમાં વ્યક્તિઓનો સમાજ ઉપર વાસ્તવિક રીતે કોઈ અંકુશ નથી. તેથી તેઓ એમના જીવનના પરિદૃશ્યને માત્ર જોનારા બનીને રહી જાય છે. આવા સમાજમાં કાં તો આપણા પર થૉપવામાં આવેલી ભૂમિકા નિષ્ક્રિય જોનાર તરીકે ભજવીને રહી જવાનું છે, કાં તો આપણા અસ્તિત્વ પર સક્રિય નિયંત્રણ પામવા આવા સમાજની સામે થવાનું છે.
Statement (and utterance) વિધાન (અને ઉક્તિ) ‘અથાણાની બરણી અભરાઈ પર છે’ જેવું વસ્તુલક્ષી વાક્ય ‘વિધાન’ છે. પરંતુ એમાં પ્રથમ પુરુષ ઉમેરાઈને આત્મલક્ષીપણું દાખલ થાય છે, તેમ જ સંવેદન, માન્યતા, શંકા, નિશ્ચિતતા, નિર્ણય વગેરેનો સૂર ભળે છે, ત્યારે એ ‘ઉક્તિ’ બને છે. જેમકે ‘મેં જોયું કે અથાણાની બરણી અભરાઈ પર છે!’ વિધાન અને ઉક્તિ માટે ફ્રેન્ચમાં અનુક્રમે enonce અને ‘enonciation’ શબ્દો વપરાય છે. સાહિત્યક્ષેત્રે આ બે સંજ્ઞાઓની ઓળખ અનિવાર્ય છે.
Story words વૃત્તાંતશબ્દો જે શબ્દોની સાથે કે એમની પછીને વૃત્તાંત સંકળાયેલું હોય એવા શબ્દો. જેમકે, ‘મગનમાધ્યમ’.
Strong reader વિદગ્ધવાચક સાહિત્યકૃતિનું સહેતુક સઘન વાચન કરતો, એના વિશ્લેેષણમાં અને એની વિરચનામાં ઊતરતો વાચક.
Strong text દૃઢપાઠ જ્યારે વાક્યસમૂહો અત્યંત ચુસ્ત, સંસક્તિથી સંયુક્ત હોય અને આ સંસક્તિ કોઈ મૂલ્યવ્યવસ્થાની વ્યંજક હોય ત્યારે એ દૃઢ પાઠ બને છે. અન્યથા એ શિથિલ પાઠ (weak text) રહે છે.
Strophe ગતિ ગ્રીકનાટકમાં ગીતનો એક ભાગ ગાતાં ગાતાં કોરસ રંગભૂમિની એક દિશાથી બીજી દિશામાં ગતિ કરે છે. આ પછી ગીતનો એના જેવો જ બીજો ભાગ ગાતાં ગાતાં કોરસ પ્રતિગતિ (antistrophe) કરે છે, વિરુદ્ધ દિશામાં પાછું ખસે છે. કોઈ પણ પદ્યખંડમાં સમાંતર પંક્તિઓ દ્વારા રચાતા વિભાજન માટે પણ આ સંજ્ઞા વપરાય છે.
Structurism રચનાવાદ શિલ્પની જેમ ત્રણ પરિમાણ ધરાવતું, ચિત્રકલાની જેમ રંગોનો વિનિયોગ કરતું અને મૂળભૂત ભૌમિતિક આકારો પર ભાર મૂકતું કલાસ્વરૂપ.
Sturm und drang (storm and stress) ઝંઝાવાત અને બલાઘાત જર્મન સાહિત્યિક ઝુંબેશ. આ સંજ્ઞા ફ્રિડરિક ક્લિન્ગરના નાટક પરથી લેવામાં આવી છે. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ૧૭૭૦ની આસપાસ નવજાગૃતિની વિરુદ્ધમાં યુવા લેખકોનું જૂથ રુસોના આદર્શવાદ સાથે પ્રસ્થાપિત વિચારો અને સમાજ પરત્વે અધીર બની લાગણીની તીવ્રતા અને સબળ વ્યક્તિવાદ તરફ વળેલું. આત્યંતિક સ્વદેશભાવનામાંથી એમણે કેટલાક લોકનમૂનાઓ પણ લીધેલા. નૈતિક કે સૌંદર્યનિષ્ઠ સંવાદિતાને જોખમે એમણે નવોન્મેષોને પોંખેલા. તર્કથી અતર્ક ભણીનો અને વિચારથી અનુભવ ભણીનો એમનો ઝોક પ્રકૃતિનું અનુકરણ નહીં પણ પુનર્નિર્માણ કરવા તાકતો હતો. જાણીતા જર્મન લેખકો ગ્યોથ, શિલર, હેર્ડર, લેન્ત્સ વગેરે આ ઝુંબેશથી પ્રભાવિત હતા.
Style indirect libre જુઓ, FIS.
Subaltern Theory ઉપાશ્રિત સિદ્ધાંત કે નિમ્નવર્ગીય સિદ્ધાંત, ઉપાશ્રિતની વ્યાખ્યા અધીન કે ઉપાશ્રિત અવસ્થામાં રહેનાર તરીકે કરવામાં આવે છે. ઉપાશ્રિત વ્યક્તિ જાતિ, વર્ગ કે લિંગને કારણે હાંસિયામાં જતી રહે છે અને કોઈ કેન્દ્રની નિર્ધારિત સત્તાના સંદર્ભમાં અધીન સ્થિતિમાં મુકાય છે. આ કેન્દ્રની બહાર જે છે કે હાંસિયામાં જે છે તે ‘અન્ય’ છે. ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક કે રણજિત ગુહા જેવાએ ‘અન્યકરણ’ની આ પ્રક્રિયાને તપાસી છે. અને કોઈ પણ કેન્દ્રસ્થ અત્યાચારી વ્યવસ્થા કઈ રીતે ‘ઉપાશ્રિત’ના અનુભવને ઊભો કરે છે એની મીમાંસા કરી છે.
Substitutionary narrationv જુઓ, FIS.
Subtopia ઉપનગરીવિસ્તારv ઓછી વસ્તી અને ગ્રામીણ અભ્યાસ સાથેનો પરા કે ઉપનગરનો વસ્તાર.
Super reader અધિવાચક રિફાતેરની સંજ્ઞા. કૃતિમાં રહેલી શૈલીવિષયક પ્રવિધિઓને ઓળખી બતાવનારા વાચકો માટે આ સંજ્ઞા લાગુ પાડવામાં આવે છે. રિફાતેરનું માનવું છે કે આ વાચકોએ તો માત્ર પ્રવિધિઓને ઓળખી બતાવવાની છે; એનું અર્થઘટન કે એનું વર્ણન તો શૈલીવિજ્ઞાનીએ કરવાનું રહે છે.
Suprematism ચરમવાદ વીસમી સદીના પ્રારંભમાં અપ્રતિનિધાનશીલ કલાશૈલીનો રશિયામાં વિકાસ થયેલો, જેમાં એકદમ સરલ ભૌમિતિક આકારો અને સ્વરૂપો એકદમ સીમિત ફલક પર ઉપસાવવામાં આવતાં હતા.
Swan song હંસગાન કલાકારની છેલ્લી સર્જનાત્મક કૃતિ. આની પાછળ એવી માન્યતા છે કે હંસ મરણ પહેલાં જ માત્ર ગાય છે.
Syn-function સહકાર્ય તિન્યાનોવની સંજ્ઞા. ઘટકોને બાહ્ય રીતે કોઈ અન્ય વ્યવસ્થા સાથે સાંકળતા સ્વકેન્દ્રી (auto function) કાર્યની સામે કોઈ એક વ્યવસ્થામાં અંતર્ગત ઘટકોને સંયોજિત કરતું સહકાર્ય આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ વિચારને પછીથી લોતમને કૃતિવ્યવસ્થા અને ઇતરકૃતિની દિશામાં વિકસિત કર્યો.
Systematics વ્યવસ્થાશાસ્ત્ર સ્વરૂપ, સામગ્રી અને સંદર્ભ : ભાષાના આ ત્રણે સ્તરે થતા વ્યવસ્થાનો અભ્યાસ.