ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ગ્રંથ પરિચય

From Ekatra Foundation
Revision as of 16:28, 5 December 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગ્રંથ પરિચય.

‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુસ્તક ૩જું, ગુર્જર વાચકો સમક્ષ રજુ કરતાં આનંદ થાય છે. આનાં પ્રથમ બે પુસ્તકોને વાચક તેમ જ વિવેચક વર્ગ તરફથી જે સત્કાર મળ્યો છે તેથી તેની પ્રકાશક સંસ્થાને યથાઘટિત પ્રોત્સાહન મળ્યું છે. આખા વર્ષની પુસ્તક પ્રસિદ્ધિ તેમજ વર્ષ દરમીઆન માસિકોમાં પ્રકટ થએલા શિષ્ટ લેખોની વિગતવાર યાદી એ વસ્તુઓ આ પુસ્તકોની રેફરન્સ પુસ્તક તરીકેની ઉપયોગિતામાં ખાસ ઉમેરો કરે છે. આ વખતે પણ જે સુંદર પ્રકીર્ણ લેખો આપવામાં આવ્યા છે તે તરફ વાચકગણનું લક્ષ દોરવા રજા લઉં છું. આચાર્ય શ્રી કાલેલકરની નૈસર્ગિક પ્રતિભા પ્રત્યેક વિષય પર નવીન પ્રકાશ પાડે છે. એ એમની વિશિષ્ટતા આ આખા લેખમાં જણાઈ આવશે. દિ.બા. શ્રી નર્મદાશંકરભાઈના પ્રાચીન વિષયોના અભ્યાસના આકર્ષક ફલ રૂપ તેમનો લેખ વિદ્વાન વર્ગમાં પ્રશંસા પામેલો તેને કાયમનું સ્થાન આપવા અહીં ઉતાર્યો છે. જગદ્‌ગુરુ શ્રી. શંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર વિષય પરનો શ્રીયુત નટવરલાલ ઈચ્છારામ દેસાઈ, તંત્રી “ગુજરાતી” પત્ર-મુંબાઇ–નો લેખ પણ એટલો જ અભ્યાસપૂર્ણ અને મહત્ત્વનો માલુમ પડશે; અને છેલ્લો લેખ શ્રીયુત બચુભાઇ રાવતનો “પુસ્તકની જીવાદોરી” સામાન્ય વાચકને પણ ઉપયોગી થશે. ગુજરાતી સાહિત્ય જે વેગથી આગળ વધતું જાય છે તે જોઈ સાહિત્ય- પ્રેમીઓને હર્ષ થાય એ સ્વાભાવિક છે. ગુજરાતી વાંચનાર તેમ જ લખનારની સંખ્યા દિન પર દિન વધતી જાય છે એ દેખીતું છે અને એ પરસ્પરની વૃદ્ધિ જ સાહિત્યની ઉન્નતિ સાધી શકવા સમર્થ થાય તેમ છે. વર્ષ દરમીઆન રચાએલાં પુસ્તકમાં બાળકો માટેના સાહિત્યનો જથો બહુ મોટો છે. આ સાહિત્યે છેલ્લાં દશ વર્ષમાં નહીં ધારેલી પ્રગતિ કરી છે. બાલસાહિત્ય વિવિધતાવાળું, આકર્ષક સ્વરૂપનું અને સમગ્ર દૃષ્ટિબિન્દુઓ વડે સરજાતું જાય છે. ભવિષ્યના માનવીઓ ઘડવાનું જે જવાબદારી ભરેલું કામ છે તે કામ આ સાહિત્યદ્વારા થાય છે તેથી તેના પ્રયોજકોને ખરેખર ધન્યવાદ ઘટે છે. સાચી ઊર્મિવડે પ્રેરાઈને એ સર્વેએ આ કાર્ય ઉપાડી લીધેલું છે, અને તેનાં ફળ ગુર્જર બાળકોને ચરણે તેઓ હોંસથી ધરી રહ્યા છે. ગુજરાતી સાહિત્યનો ઝોક કલ્પનાસૃષ્ટિ તરફથી વળીને કાંઇક વધારે વાસ્તવિકતા (matter of fact) તરફ ઢળ્યો જણાય છે અને તેને આ સમયનું ચિહ્ન લેખીએ તો ખોટું નથી. એક વર્ષનો ગાળો આવો સામાન્ય નિર્ણય કરવા માટે પુરતો નથી એ સ્વીકારવું જોઇએ છતાં દિશાનું સૂચન એટલામાં પણ થઈ શકે તેમ છે. જોડણીના વિવાદગ્રસ્ત વિષય માટે સર્વમાન્ય ધોરણ તો થવું અશક્ય જણાય છે પરંતુ શાસ્ત્રીય ધોરણો બહુમતે ગ્રહણ કરી વિદ્યાપીઠનો સાર્થ જોડણી કોશ પ્રકટ થયો છે તેને આધારભૂત ગણવાની લેખક વર્ગને વિનંતિ કરવી અસ્થાને નહીં ગણાય. અમુક રીતે લખવાની ટેવ પડી ગયા પછી તેમાં ફેરફાર કરવાનું કામ મુશ્કેલ છે છતાં એ કરવા જેવું છે અને જોડણીમાં સમરૂપતા આણવા માટે બીજો કોઇ માર્ગ નથી. છાપખાનાંવાળાઓ ૫ણ સારા પ્રૂફ વાંચનારા રાખી આ કામમાં સહાયતા આપી શકે. નવી વાંચનમાળાઓ રચાય અગર ચાલુ વાંચનમાળાઓની નવી આવૃત્તિઓ છપાય ત્યારે તેમાં એક જ ધોરણની જોડણી રખાવવા પ્રયત્ન થાય તો ભવિષ્યની પ્રજા આપણા કરતાં ઓછી અરાજકતાથી લખતી થાય એવો સંભવ છે. આ સર્વ પ્રયાસો સાથે જ કરવા જેવા છે અને તે તરફ ભાષાપ્રેમીઓ પોતાનું લક્ષ દોરશે એવી ઉમેદ છે. ગુજરાતનાં ઘણાં લેખકોની નામાવલી અને ચરિત્ર તથા ગ્રંથોનો નિર્દેશ બાકી છે. તેવાં સર્વ ભાઈ બહેનોને પોતાની હકીકત લખી મોકલવા વિનંતિ છે તેમના સહકારથી જ ગુજરાત વર્નાકયુલર સોસાઇટી પોતાના આ પ્રકાશનને સંપૂર્ણ બનાવી શકશે.

વિદ્યાબહેન ર. નીલકંઠ.