ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પ્રસ્તાવના

From Ekatra Foundation
Revision as of 16:38, 5 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પ્રસ્તાવના

ત્રીજા પુસ્તકમાં ઝાઝો ફેરફાર માલુમ નહિ પડે; જો કે થોડાક નવીન તત્ત્વો ઉમેરવાની કાળજી રાખી છે. પરંતુ અનુભવપરથી એમ જણાયું છે કે તેનું આકર્ષણ કમી ન થાય તેમ એક રેફરન્સ પુસ્તક તરીકે તેની ઉપયોગિતા વધતી રહે એ તેની રચના ચાલુ રાખવા બહારનું લેખકોના સહકાર અને મદદની અપેક્ષા રહે છે. તેથી નવા નવા વિચાર અને દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત થવાની સાથે તેના વિષયની વિવિધતા રસિક થઈ પડે. અર્વાચીન વિદેહી ગ્રંથકાર ચરિત્રાવળીનું કાર્ય હવે પછી હાથ ધરવામાં આવશે, અને તે ચરિત્રો બની શકશે ત્યાંસુધી પ્રમાણભૂત અને સારગ્રાહી કરવાનો પ્રયત્ન થશે. બુદ્ધિપ્રકાશ ત્રૈમાસિક કરવામાં આવ્યું છે એટલે આગલા ત્રણ માસમાં જે નવાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોય તેની યાદી તેમાં આપવી એ વાચકની દૃષ્ટિએ વધુ સોઇકર થશે અને માસિકોમાં પ્રસિદ્ધ થતા મહત્ત્વના લેખોનો નિર્દેશ કરવામાં પણ એ જ રીતિ અનુકૂળ જણાશે. છબીઓના સંબંધમાં એટલું જણાવીશું કે હમણાં બુદ્ધિપ્રકાશ (ત્રૈમાસિક) અંકમાં આપણા અગ્રગણ્ય વિદ્વાનોની છબીઓ આપવાની શરૂઆત કરી છે. એ રીતે જતે દિવસે એક ચિત્રાવળી પુસ્તક તૈયાર થઇ જશે. આ વર્ષે ગુજરાતી સાહિત્યની સાલવારી–પ્રાચીન યુગ–અને એકસો ઉત્તમ ગુજરાતી પુસ્તકની માર્ગસૂચક સૂચી દાખલ કરી છે, તે ઉપયુક્ત નિવડશે. પ્રકીર્ણ લેખોમાં માત્ર ત્રણ લેખો લેવાનું બની શક્યું છે; અને તે ફરી છાપવાની પરવાનગી આપવા બદલ હું તેના લેખકોનો આભાર માનું છું. શ્રીયુત બચુભાઈ રાવત આ વખતે “પુસ્તક શણગાર” વિષે લખનાર હતા; પણ તેને લગતી કેટલીક સાધન સામગ્રી મેળવવામાં વિલંબ થશે એમ જણાયાથી એમણે “પુસ્તકની જીવાદોરી” એ વિષયપર એક લેખ નવેસર લખી આપ્યો છે અને ગ્રંથ અને ગ્રંથકારમાં આવતા એમના એ લેખોનું આકર્ષણ થોડું હોતું નથી, એમ મારે ઉપકારસહ સ્વીકારવું જોઇએ. અંતમાં શ્રીમતી વિદ્યાબ્હેનનો પુસ્તક પરિચય જેમ મુદ્દાસર તેમ પુસ્તકના હેતુનો બરોબર સૂચક હોય છે અને તે પરિચય વખતોવખત લખી આપવા માટે હું એમનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે.

ગુ. વ. સોસાઈટી,
અમદાવાદ.
તા. ૧૩-૯-૧૯૩૨

હીરાલાલ ત્રિ. પારેખ.

સંપાદક