ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચંદ્રકાંત બક્ષી (૨)
ડૉ. ભાવિની કે. પંડ્યા
ચંદ્રકાંત બક્ષીનો પરિચય
નામ : ચંદ્રકાંત કેશવલાલ બક્ષી
જન્મ : ૨૦ ઓગસ્ટ ૧૯૩૨ – મૃત્યુ : ૨૫ માર્ચ ૨૦૦૬
જન્મ સ્થળ : પાલનપુર, ગુજરાત
પ્રાથમિક શિક્ષણ : પાલનપુર, કલકત્તા
અભ્યાસ : બી.એ., એલ.એલ.બી., એમ.એ.
જીવનસાથી : બકુલા બક્ષી
સંતાન : દીકરી - રીવા બક્ષી
સાહિત્ય સર્જન :
ચંદ્રકાંત બક્ષીએ સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કર્યું છે. તેમણે વાર્તાસંગ્રહ, નવલકથા, નાટક, આત્મકથા, અનુવાદ, ઇતિહાસ, પ્રવાસગ્રંથ, લેખસંગ્રહ, કૉલમ -કટાર, પ્રકીર્ણ સાહિત્ય આપ્યું છે.
નવલકથા : ‘પડઘા ડૂબી ગયા’ (૧૯૫૭), ‘રોમા’ (૧૯૫૯), ‘એકલતાના કિનારા’ (૧૯૫૯), ‘આકાર’ (૧૯૬૩), ‘એક અને એક’ (૧૯૬૫), ‘પેરેલિસિસ’ (૧૯૬૭), ‘જાતક કથા’ (૧૯૬૯), ‘હનીમૂન’ (૧૯૭૧), ‘અયનવૃત્ત’ (૧૯૭૨), ‘અતિતવન’ (૧૯૭૨), ‘લગ્નની આગલી રાતે’ (૧૯૭૩), ‘ઝિન્દાની’ (૧૯૭૪), ‘સુરખાબ’ (૧૯૭૪), ‘આકાશે કહ્યું’ (૧૯૭૫), ‘રીફ-મરીના’ (૧૯૭૬), ‘યાત્રાનો અંત’ (૧૯૭૬), ‘દિશાતરંગ’ (૧૯૭૯), ‘બાકી રાત’ (૧૯૭૯), ‘હથેળી પર બાદબાકી’ (૧૯૮૧), ‘હું, કોનારક શાહ’ (૧૯૮૩), ‘લીલી નસોમાં પાનખર’ (૧૯૮૪), ‘વંશ’ (૧૯૮૬), ‘પ્રિય નીકી’ (૧૯૮૭), ‘કૉરસ’ (૧૯૯૧), ‘મારું નામ તારું નામ’ (૧૯૯૫), ‘સમકાલ’ (૧૯૯૮)
વાર્તાસંગ્રહ : ‘પ્યાર’ (૧૯૫૮), ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧), ‘મીરા’ (૧૯૬૫), ‘મશાલ’ (૧૯૬૮), ‘ક્રમશ’ (૧૯૭૧), ‘પશ્ચિમ’ (૧૯૭૬) અને ‘૧૩૯ વાર્તાઓ ભાગ - ૧, ૨’ (૧૯૮૬), ‘સદા બહાર વાર્તાઓ’ (૨૦૦૨), ‘દસ વાર્તાઓ’ (૨૦૦૩), ‘બક્ષીની વાર્તાઓ’ (૨૦૦૩)
નાટક : ‘જ્યુથિકા’ (૧૯૭૦), ‘પરાજય’ (૧૯૭૬)
આત્મકથા : ‘બક્ષી નામાઃ ભાગ : ૧, ૨, ૩’ (૧૯૮૮)
ગુજરાત પ્રવાસ : ‘મહાજાતિ ગુજરાતી’ (૧૯૮૧), ‘ગુજરે થે હમ જહાં સે’ (૧૯૮૨), ‘પિતૃભૂમિ ગુજરાત’ (૧૯૮૩), ‘અમેરિકા અમેરિકા’ (૧૯૮૫)
ઇતિહાસ : ‘મેસોપોટેમિયાની સંસ્કૃતિ’ (૧૯૭૨), ‘ગ્રીસની સંસ્કૃતિ’ (૧૯૭૩), ‘ચીનની સંસ્કૃતિ’ (૧૯૭૪), ‘યહૂદી સંસ્કૃતિ’ (૧૯૭૫), ‘ઇજિપ્તની સંસ્કૃતિ’ (૧૯૭૬), ‘રોમન સંસ્કૃતિ’ (૧૯૭૭), ‘રશિયા રશિયા’ (૧૯૮૭), ‘દક્ષિણ આફ્રિકા’ (૧૯૯૦), ‘વિશ્વ પ્રાચીન સંસ્કૃતિઓ’ (૧૯૯૧)
લેખ સંગ્રહ : ‘આભંગ’ (૧૯૭૬), ‘તવારીખ’ (૧૯૭૭), ‘પિકનિક’ (૧૯૮૧), ‘વાતાયન’ (૧૯૮૪), ‘સ્પીડ બ્રેકર’ (૧૯૮૫), ‘ક્લોઝ અપ’ (૧૯૮૫), ‘ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો’ (૧૯૮૭), ‘વિજ્ઞાન વિશે’ (૧૯૯૨), ‘સ્ટોપર’ (૧૯૯૫), ‘સ્પાર્ક પ્લગ’ (૧૯૯૫), ‘એ-બી-સી થી એક્સ-વાય-ઝી’ (૨૦૦૦)
શ્રેણીઓ : જ્ઞાન વિજ્ઞાન શ્રેણી (૧૯૮૯), યુવાનોને સપ્રેમ શ્રેણી (૧૯૯૧), જીવનનું આકાશ શ્રેણી (૧૯૯૧), વિકલ્પ શ્રેણી (૧૯૯૪), ચાણક્ય ગ્રંથ માળા (૧૯૯૭), નવભારત શ્રેણી (૧૯૯૮), વાગ્દેવી શ્રેણી (૧૯૯૮), નમસ્કાર શ્રેણી (૧૯૯૯), વાતાયન શ્રેણી (૨૦૦૧), વર્તમાન શ્રેણી (૨૦૦૩)
પ્રકીર્ણ : અંડરલાઇન (૧૯૯૨), આદાન (૧૯૯૨), પ્રદાન (૧૯૯૨), ઇંગ્લિશ વર્ડ : ગુજરાતી પર્યાય (૧૯૯૫), નવાં નામો (૧૯૯૫), ૧૯૪૭- ૧૯૯૭ : ૫૦ વર્ષમાં સામાજિક વિકાસ (૧૯૯૮), સેક્સઃ મારી દૃષ્ટિએ (૨૦૨૦)
ચંદ્રકાંત બક્ષી આધુનિક યુગના સમર્થ અને જાણીતાં સર્જક છે. બક્ષી પરંપરાના પુરસ્કરતા નથી એમ પરંપરાથી દૂર થયા વગર પોતાના લેખનમાં તેઓ પોતાની અનોખી ભાત ઉપસાવે છે. નવલકથા-વાર્તા સર્જનમાં બક્ષી પ્રારંભથી જ પ્રયોગશીલ રહ્યા છે. કથાવસ્તુ, પાત્ર, વસ્તુસંકલના, વર્ણનો, લેખનશૈલી અને ભાષાપ્રયોગમાં બક્ષી સમકાલીનો કરતા જુદાં તરી આવે છે. સંઘર્ષ, યાતના, પીડા અને પ્રેમનું આલેખન બક્ષીની વિશેષતા બની રહી છે. તેમણે પરંપરા સામે વિદ્રોહ કરતા પાત્રો પોતાના સાહિત્યમાં નિરુપ્યાં છે. એમનાં પાત્રો સામાજિક ઢાંચાને ફંગોળી દેવા મથતાં બતાવ્યા છે. આમ, ચંદ્રકાંત બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યમાં એક અલગ વ્યક્તિત્વ ધરાવતાં નોખાં સર્જક છે. તેમના ત્રણ વાર્તા સમગ્ર ‘પ્યાર’ (૧૯૫૮), ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧), ‘મીરા’ (૧૯૬૫) વિશે વિસ્તારથી વાત કરીશું.
પ્યાર
‘પ્યાર’ (૧૯૫૮) એ સર્જક ચંદ્રકાંત બક્ષીનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. તેમાં કુલ ૧૬ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાર્તાસંગ્રહની વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની ‘૧૩૯ વાર્તાઓ ભાગ - ૨’માંથી લેવામાં આવી છે. ‘જાનવર’ વાર્તામાં સર્જકે અધૂરો રહી જવા પામેલો પ્રેમ સમય જતાં સમજદાર વ્યક્તિઓ વડે કેવો પરિપૂર્ણ થાય છે તેની વાત કરવામાં આવી છે. દિલીપ અને શીલાનું લગ્ન થાય છે. બંનેનું લગ્નજીવન સારી રીતે પસાર થાય છે. પરંતુ શીલાને પોતાનો ભૂતકાળનો પ્રેમી વીરેન્દ્ર યાદ આવતો રહે છે. જે અત્યારે હયાત નથી. પોતાના પ્રસન્ન દામ્પત્ય જીવનમાં કોઈ સમસ્યા ન આવે એટલે શીલા વીરેન્દ્ર વિશે દિલીપને કંઈ કહેતી નથી. પરંતુ, સમય જતાં શીલાને વીરેન્દ્ર જે દિવસે મૃત્યુ પામ્યો હતો તે જ દિવસે પુત્ર જન્મ થાય છે. દિલીપ તેનું નામ વીરેન્દ્ર પાડવાનું કહે છે ત્યારે, ઘટસ્ફોટ થાય છે કે દિલીપને પહેલેથી જ આ વાતની જાણ હતી. પરંતુ, શીલાને દુઃખ ન પહોંચે એટલે તે કંઈક કહી રહ્યો ન હતો. એક સમજદાર-સુખી પરિવાર જાણે અહીં આપણી સામે આવે છે. ‘અધૂરી વાત’ વાર્તામાં આપણા સમાજમાં કહેવાતા પ્રતિષ્ઠિત ઉચ્ચ વર્ગના લોકો સામાન્ય નિમ્ન વર્ગ વાહનચાલક મજૂરી કરતાં માણસોને કેવી ઘૃણાની નજરે જુએ છે. એમનામાં જે અસમાનતાનો ભાવ છે તે અહીં રજૂ થયો છે. પરંતુ બાળક તો નિર્દોષ હોય છે. તેનામાં એવું કોઈ ભેદભાવ હોતો નથી તેના માટે તો બધાં સરખા હોય છે એ વાત નીરેન અને શિવજીના પાત્રથી રજૂ કરી છે. ‘બે ગુલાબ’ વાર્તામાં આજના ગણાતા યુગલની સાથે જીવન ગુજારી ચૂકેલ (જીવી ગયેલ) અનુભવી યુગલની વાત કરીને સફળ જીવનસાથી કે સફળ દામ્પત્ય કેવું હોય એની વાત રજૂ કરી છે. આજના સમયમાં થોડી મુસીબતો આવતા બે વ્યક્તિઓ દૂર થઈ જાય છે. આ વાત પ્રદીપ અને શીલાના પાત્ર દ્વારા બતાવવામાં આવી છે. પરંતુ, પ્રેમ, સહવાસ, સમજદારી, જવાબદારી, વ્યક્તિને એકબીજા સાથે રહેવા તૈયાર કરે છે. એ વાત સર્જકે મોહનસિંહ અને તેની પત્નીના પાત્ર દ્વારા સમજાવી છે. આખી વાર્તા સફળ પ્રેમ સમર્પણ માંગે છે એ વાત અહીં રજૂ થઈ છે. આખી વાર્તા ફ્લેશબૅક (પીઠ ઝબકાર) પદ્ધતિથી આગળ વધે છે. ‘જ્યોતિએ લવ મેરેજ કર્યું’ આ વાર્તામાં પરિપૂર્ણ ન થયેલા પ્રેમની વાત કરવામાં આવી છે. પ્રકાશ અને જ્યોતિ બંને સાથે ભણતા મિત્રો હતા. તેમની સાથે મુકેશ પણ હતો. પ્રકાશ કૉલેજનો ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતો. જ્યોતિ પાસ થઈ જતી હતી. મુકેશ તો અમીર બાપનો ડ્રોપઆઉટ લીધેલ છોકરો હતો. ત્રીજા વર્ષમાં પણ એ નાપાસ થાય છે. પ્રકાશ પોતે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થતાં પોતાને સારી નોકરી મળી જશે, રહેવા માટે એક ક્વાર્ટર મળશે, પછી લગ્ન કરીને સારી જિંદગી જીવવાના સપના સેવતો હતો. પરંતુ, વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આજના સમયમાં આ દુનિયામાં સારી ડિગ્રી સાથે નોકરી મળવી એ અઘરી બાબત છે. લાંબા સમય પછી ઓછા પગારની નોકરી મળતા પ્રકાશ તે સ્વીકારી લે છે. એના થોડા સમયમાં જ પ્રકાશને જાણ થાય છે કે જ્યોતિ અને મુકેશે લવ મેરેજ કરી લીધા છે. આ વાસ્તવિકતા સામે આવતા પ્રકાશને તે સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. આ વાર્તામાં આજના સમયમાં ડિગ્રી કે હોશિયારી કરતાં ઓળખાણ અને રૂપિયા વધારે મહત્ત્વના છે એ વાત અહીં રજૂ થઈ છે. ‘પ્યાર’ વાર્તામાં સર્જકે મનુષ્ય પ્રેમની વાત કરી છે. એક વ્યક્તિની બીજા વ્યક્તિનું દર્દ, એની મુશ્કેલીઓ, એની તકલીફ, એનો દુઃખ સમજીને એની તરફની માનવસહજ જે લાગણી, ઉષ્મા બતાવે છે એ જ આ વિશ્વનું સૌથી મોટું પરિબળ છે. જે એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે જોડે છે. આખી વાર્તામાં તળિયાનું એટલે કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં રહેમાન, અનાથ ગોપાલ અને ધનીયાના એકબીજા પ્રત્યેના પ્રેમની વાત કરવામાં આવી છે. ‘અફેર’ વાર્તામાં સર્જકે પ્રેમની અલગ અલગ પરિભાષાને સમજાવી છે. એક વ્યક્તિ કેટલાય માણસો સાથે પ્રેમપૂર્ણ સંબંધ કેળવીને પણ પોતાની યોગ્ય જીવનસાથી મેળવી શકતી નથી. આમ, મિસ નિવા આચાર્યએ અત્યારના આધુનિક, સ્વતંત્ર સમાજની છબી ઉપસાવે છે. અને બીજી બાજુ મિ. શાહ જે પ્રથમ જોવા ગયેલ સ્ત્રી સાથે લગ્ન કરીને છેલ્લાં અગિયાર વર્ષથી એ જ રીતે પ્રેમ કરી રહ્યો છે. સમય જતા તેનો પ્રેમ વિસ્તાર પામતો બતાવ્યો છે. ‘પડઘા’ વાર્તામાં મનુષ્ય અને પશુપ્રેમની વાત કરવામાં આવી છે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પશુ આપણી નજર સામે હોય ત્યારે તેની કદર થતી નથી. પરંતુ, નજરથી દૂર થતાં તેની સાથેનો લગાવ, પ્રેમ, લાગણીને લીધે આપણે રહી શકતાં નથી. મંગુ કસાઈનો ધંધો કરતો હતો. બાજુમાં સુખદેવને કવોરીનો ધંધો હતો. બંને વચ્ચે રોજ ઝઘડો થતો. સુખદેવનો કૂતરો મોતિયો મંગુને ત્યાં કપાતા બકરાના માંસ માટે જતો અને ત્યાંથી ખાતો. મંગુ ખૂબ ચીડાતો. એક દિવસ મંગુ મોતીને જોરથી લાકડી મારે છે ત્યારે તેનો પગ તૂટી જાય છે. એટલામાં મ્યુનિસિપાલિટીવાળા આવીને તેને પોતાને ત્યાં લઈ જાય છે. મોતિયો ન દેખાતાં મંગુને તેની કમી વરતાય છે. અને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. એટલામાં સુખદેવ તેને પોતાના ઘરમાંથી બહાર લાવે છે અને તેને જોઈ મંગુ ખુશ થઈ જાય છે. આમ, પરિસ્થિતિ પ્રમાણે રંગ બદલતાં મંગુનું ચિત્રણ સર્જકે કર્યુ છે. ‘ચોર’ વાર્તામાં આજે કહેવાતાં પીઠ લોકો કેવાં સિફતથી બચી જાય છે અને કહેવાતા કાનૂનના રખેવાળો જ તેમનો સાથ આપે છે. જ્યારે મામૂલી એવી ચોરી કરતાં – અને એ પણ પોતાના ઘરના ગુજરાન માટે, બે ટંકનું ખાવાનું ન મળતાં ના છૂટકે વ્યક્તિ ચોરી કરે છે ત્યારે તેને ચોર ઠેરવી દેવામાં આવે છે. પોતાની મજબૂરીના લીધે મામૂલી સામાન્ય માણસ ચોરી કરવા પ્રેરાય છે અને પીસાઈ જાય છે. આ વરવી વાસ્તવિકતા આ વાર્તામાં રજૂ થઈ છે. ‘ચોરી’ વાર્તામાં બાળસહજવૃત્તિની વાત થઈ છે. સારા ઘરના – બધી વસ્તુ માબાપ છોકરાઓને લાવી આપતા હોય છે. છતાં પણ બાળકની જે વસ્તુ ગમી જાય છે ત્યારે તે કોઈને કીધા વગર લઈ લે છે. એ આપણી સમજદાર વ્યક્તિઓની પરિભાષામાં ચોરી છે. પરંતુ, બાળક માટે તો તેમની ઢગલામાંથી ગમતી વસ્તુ મેળવી લેવી તે છે. એમને ચોરીનો કોઈ મતલબ ખબર નથી. એ તો નિઃસ્વાર્થ ભાવે ગમતી વસ્તુ લઈ લે છે એની વાત સુંદર રીતે લીરા અને રાહુલના પાત્ર દ્વારા સર્જકે રજૂ કરી છે. ‘છુટ્ટી’ વાર્તામાં લેખકે દાણચોરી અને દેશભક્તિની વાત કરી છે. જાલિમસિંગ આર્મીમાં જોડાયેલ સિપાઈ છે. પોતાના ભાઈ સેવકસિંગના લગ્ન માટે તેમણે પંદર દિવસની રજા જોઈએ છે. પરંતુ, દાણચોરીના કિસ્સા વધતાં જાલિમસિંગને રજા મળવી મુશ્કેલ છે. એટલે જાલિમસિંગ સ્પેશિયલ કેસમાં અરજી ફાઇલ કરે છે. એટલામાં દરિયાઈ માર્ગે કેટલાંક હોડીવાળાઓનો અણસાર સંભળાય છે અને ઝપાઝપી થાય છે. ગોળીઓ છૂટે છે. એક ત્યાં જ ઢળી પડે છે, બીજા ભાગી જાય છે. લાશની તપાસ કરવામાં આવે છે. તો, ખબર પડે છે કે આ લાશ જાલિમસિંગના ભાઈ જેનું લગ્ન હતું તે સેવકસિંગની છે. પોતાનો ભાઈ દાણચોરીમાં સામેલ છે એ વાત જાલિમસિંગને ખબર જ ન હતી. એટલામાં તાર આવે છે કે સ્પેશિયલ કેસમાં જાલિમસિંગની રજા મંજૂર થઈ ગઈ છે. જેનું લગ્ન હતું તે વ્યક્તિની જ લાશ પોતાની આંખો સામે પડી છે. એ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ, પોતાનો ભાઈ છે. વાર્તામાં બંને ભાઈઓનું નામ સર્જકે બહુ ચીવટતાથી પોતાના વ્યક્તિત્વથી ભિન્ન રાખ્યા છે. પોતાના હાથે જ પોતાના નાના ભાઈનું મોત કરાવી સર્જકે નાટકીય અંત આપ્યો છે. વાર્તા વાંચતાં ફિલ્મ જોતાં હોઈએ એવો અનુભવ થાય છે. ‘બિરાદરી’ આ વાર્તામાં સર્જકે માણસ મરી જાય પછી પણ તેનો થાય એટલો ઉપયોગ કરી લેવાની માનસિકતા છતી થાય છે. અને જે પોતાના સમાજના કે નાતભાઈ નથી તે સહાનુભૂતિ અને હમદર્દી કેળવે છે. તો પોતાની બિરાદરી કોને ગણવી? માણસાઈ કોનામાં વધુ છે? સલામને ગોળી વાગતા તે મૃત્યુ પામે છે ત્યારે તેના આવેલા રૂપિયા તેનો મિત્ર અબિદ શરાબ, સારું જમવાનું અને છોકરીઓ પાછળ ઉડાવી મૂકે છે. તેમાંથી થોડાં બચેલા પૈસા તેની વિધવા માને આપવા જાય છે. બીજી બાજુ જેની ગોળીથી મૃત્યુ પામ્યો છે તે રૂપલાલ ડોગરા એનો અડધો પગાર સલામની મા માટે મોકલાવે છે. અહીં માણસાઈની બિરાદરીની વાત સર્જકે કરી છે. ‘કાળા માણસો’ આખી વાર્તા કોલસાની ખાણમાં કામ કરતાં મજદૂરોની અને તેમના વચ્ચે ચાલતા સંઘર્ષની છે. રામધારી સિંહ, જૈનલ, ખુદાબક્ષ અને ભોલા ચક્રવર્તી જેને મારવાનો પ્લાન કરી રહ્યાં હતાં, તે ફકીરસિંહ જ પોતાના જીવનની પરવા કર્યા વિના જૈનલને બચાવે છે અને પોતે કોલસાની ખાણમાં વિસ્ફોટમાં મૃત્યુ પામે છે. આમ, વાર્તામાં જરૂરતના સમયે સ્વધર્મ યાદ કરીને બીજાને જીવના જોખમે મદદ કરવી એ વાત રજૂ થઈ છે. ‘તરસ’ વાર્તામાં પોતાના એક મિત્ર રહેમતુલ્લાને મારી તેનો આરોપ નવાબ પર નાખીને જેલ ભેગો કરનાર સલીમની વાત રજૂ થઈ છે. સલીમે રહેમતુલ્લાનું ખૂન કરીને તેનો આરોપ નવાબ પર નાખીને તેને પાંચ વર્ષની જેલ કરાવી. પરંતુ, સલીમની અંદર રહેલો ભય તેને જીવવા દેતો નથી. પાંચ વર્ષ પછી જ્યારે નવાબ પાછો આવે છે ત્યારે સલીમની દશા ખૂબ જ ખરાબ હોય છે. તે માનસિક અને શારીરિક અસ્વસ્થ છે. ખાટલામાં પટકાઈ ગયેલો છે. તેને જોઈને નવાબને પોતાનો બદલો મળી ગયાની તસલ્લી થાય છે અને પોતાની તરસ જાણે કે છિપાઈ ગઈ હોય, તેમ નવાબ ત્યાંથી નીકળી જાય છે. ‘ડોક-મજદૂર’ વાર્તામાં ડોકયાર્ડમાં કામ કરતાં મજદૂર અને સરકાર વચ્ચેની લડાઈમાં બલિએ તો મજદૂરો જ ચઢવું પડે છે એ વાત સ્પષ્ટ થાય છે. નવા નિયમ કાયદા બધું હોય છે. પરંતુ, એ લેબર કમિશનર અને યુનિયન સેક્રેટરીને લાભ મળતા રહેતાં હોય છે. એ બંનેની લડાઈમાં બિચારા મજદૂરને જ પીસાવાનું ને સહન કરવાનું આવે છે. તેની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. આખી વાર્તામાં કલકત્તાનું વાતાવરણ રજૂ થયું છે. મજૂર, માલિક અને યુનિયન એ ત્રણેયને લીધે ઊભી થતી પરિસ્થિતિનું વર્ણન અહીં થયું છે. ‘એક આદમી મર ગયા’ આજના સમયની નરવી વાસ્તવિકતા રજૂ થઈ છે. માણસ મરી ગયો છે એ ખબર પડતાં આજુબાજુ રોડ ઉપર વ્યક્તિઓ તેની આસપાસથી પૈસા ફેંકીને નીકળી જાય છે, તેની દરકાર કર્યા વગર. પરંતુ, એક છોકરી ગાડીમાં એક છોકરા સાથે આવે છે અને રસ્તામાં પડેલી લાશને કબ્રસ્તાન લઈ જવા માટે કહે છે. છોકરો એનું કારણ પૂછે છે ત્યારે છોકરી કહે છે કે, એક વાર મારી મા આ જ રીતે રોડ પર મૃત્યુ પામી હતી. અને પછી મને કોઈએ ઉછેરી હતી. આ વાર્તામાં માનવીય સંવેદન આપણને અનુભવાય છે. ‘ના’ આખી વાર્તા જાણે કે ફિલ્મ ચાલતી હોય એવી રીતે અંત સુધી જાય છે. ડૉક્ટર મહેરા બહુ જાણીતા અને સફળ ડૉક્ટર હતા. તેમના પર તેમની પત્નીના ખૂનનો આરોપ છે. તે જાતે સ્વીકારી લે છે કે હા, બે કલાક શાંતિથી વિચાર્યા પછી મેં ખૂન કર્યું છે. તેમને ફાંસીની સજા થાય છે. એવામાં જેલર જ્હૉન કર્વલ્હોની પત્ની વાયોલેટને લેબર પેઈન ઉપડતા તે ડૉક્ટર મહેરાની મદદ લે છે. વાયોલેટ અને બાળક બંને સ્વસ્થ છે. સંતસિંહ જેલમાંથી ડૉક્ટરને આજે ભગાડવાનો હતો. ડૉક્ટર મહેરા ભાગવામાં સફળ પણ થઈ જાય છે. પરંતુ, ભાગતાં ભાગતાં જેલના પાછળના રસ્તાથી તે વાયોલેટના રૂમમાં આવી જાય છે. વાયોલેટને ડૉક્ટર મહેરા પોતાને મદદ કરવાની વાત કરે છે. જ્હૉન કર્વલ્હોન એટલામાં પાછો આવી વાયોલેટને સૂચના આપે છે કે આખી જિંદગીમાં પહેલીવાર કોઈ કેદી, ડૉક્ટર મહેરા મારી જેલમાંથી ભાગી ગયા છે. અને પૂછે છે કે વાયલોટે તેમને જોયાં છે? ત્યારે, વાયલોટ ‘ના’ કહી દે છે. અહીં, થોડી ક્ષણો પહેલા જે પોતાનો જીવ બચાવનાર ડૉક્ટર મહેરા વાયોલેટ માટે ભગવાન હોય છે તે, થોડી ક્ષણો પછી વાયોલેટ જાણે કે ડૉક્ટર મહેરા માટે ભગવાન બની રહે છે.
એક સાંજની મુલાકાત
ચંદ્રકાંત બક્ષીના ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧) વાર્તાસંગ્રહમાં આપણને ૧૯ વાર્તાઓ મળે છે. આ સર્જકનો બીજો વાર્તાસંગ્રહ છે. ‘એક સાંજની મુલાકાત’ અને ‘મીરા’ વાર્તાસંગ્રહની વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની ‘૧૩૯ વાર્તાઓ ભાગ - ૧’માંથી લેવામાં આવી છે સંગ્રહની પહેલી વાર્તા ‘નાસ્તિક’માં ભગ્ન દામ્પત્યજીવનની વાત કરતાં કરતાં સર્જક વાર્તાન્તે તેમના સુખદ મિલનનો અણસાર આપી જાય છે. નાયક જયેશ પોતાની પત્નીના આવ્યાં પછી પોતાના જીવનમાં જે પરિવર્તન આવ્યું અને આશા જીવનનો એક અભિન્ન ભાગ બની ગઈ. બંને વચ્ચે ભિન્નતા હોવા છતાં આશા હંમેશા તેનો સાથ આપવા તત્પર રહેતી. આશાએ જયેશને બદલ્યો પણ ખરો. પરંતુ, જીવનની અપેક્ષા, આકાંક્ષા, ઇચ્છાઓ જ્યારે ફળીભૂત થતી નથી. ત્યારે જીવન બે અંતિમો વચ્ચે આવી ઊભું રહે છે. આશા પૈસાદાર બાપની દીકરી હોવા છતાં, જયેશના ૧૨x૧૨ના ઘરમાં આવીને ખુશીથી પ્રસન્નતાપૂર્વક રહે છે. તેને ભગવાનમાં શ્રદ્ધા છે જ્યારે જયેશ અને આશા વચ્ચે ઝઘડો થતાં જયેશ પોતાનું ઘર છોડીને આશાને પોતાના બાપની ઘરે જવાનું કહે છે. પોતે ઘરે આવીને જુએ છે તો આશા પોતાની સાથે લાવેલી વસ્તુઓ જ લઈને પોતાના પિયર ચાલી ગઈ છે. જ્યારે જયેશ આ બધું જોતો હોય છે ત્યારે તેની નજર ઘીનો દીવો પ્રગટાવ્યાં વગરનો પડ્યો હતો તેના પર જાય છે. પરંતુ, મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હતી. આશા પોતાની સાથે લઈને ચાલી ગઈ હતી. તેને પોતાનું જીવન અને ઘર આશા વગર ખાલી લાગી રહ્યાં હતાં. આ જોઈને જયેશ તેને લેવા માટે ચાલી નીકળ્યો છે. વાર્તામાં જયેશ અસ્તિત્વવાદી, પૈસા કમાવીને ઉડાવતો તો બીજી બાજુ આશા ધાર્મિક હતી. બંનેમાં અંતર હતું. પરંતુ, વાર્તાના અંતે આશા જયેશમાં પ્રેમનો દીવો પ્રગટાવી દે છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘નાસ્તિક’ યોગ્ય છે. નાસ્તિક જયેશને આશા આસ્તિક બનાવી દે છે. તેનો સંકેત જયેશ આશાને લેવાને જાય છે તેમાં આપણને મળી જાય છે. ‘હેન્ડ્ઝ અપ!’ સસ્પેન્સ થ્રીલર વાર્તા છે. તેમાં લેફ્ટનન્ટ સતીશ મહેતા, ડૉક્ટર રાવ, નરેન્દ્રનાથ, સુધાની વાત આવે છે. ત્રણ વર્ષ અગાઉ થયેલો મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ આવે છે. લેફ. મહેતાના મિત્ર બનીને નરેન્દ્રનાથે પોતે ત્રણ વર્ષ પહેલાં કરેલા શોભનાના મોતને આપઘાત બતાવવામાં આવ્યો હતો. પરંતુ, સમય જતા શોભનાની નાની બહેન સુધા ચૌધરી અને ડૉ. રાવને શોભનાના કાગળ મળતાં આપઘાતનું રહસ્ય સ્ફૂટ થાય છે કે તે મૃત્યુ નહીં પરંતુ મર્ડર થયું છે. આખી વાર્તામાં લેફ. સતીષ મહેતા અજાણપણે મિત્ર નરેન્દ્રને મદદ કરતાં કરતાં સાચી વાતની જાણ થતાં ડૉક્ટર રાવની સહાયતાથી સુધાને બચાવી લે છે. આખી વાર્તામાં છેલ્લે રહસ્ય પ્રગટ થાય છે. સર્જકે વાર્તામાં પીઠ ઝબકાર રચનારીતિનો વિનિયોગ કર્યો છે. ‘બાર વર્ષે’ વાર્તામાં જેલમાંથી બાર વર્ષ ગાળીને આવેલા સુલતાનસિંઘની મનોવ્યથાનો નિર્દેશ થયો છે. લગ્નેતર સંબંધની વાત આ વાર્તામાં કરવામાં આવી છે. પોતે જેને પ્રેમ કરતાં હોય એ પત્નીને જાત કરતા વધારે વિશ્વાસ ધરાવતા હોય તે મિત્ર વચ્ચેનો અનૈતિક સંબંધ જ્યારે સુલતાનસિંઘની સામે આવે છે ત્યારે તે પત્ની અને મિત્રને ગોળી મારી હત્યા કરી નાખે છે. ચૌદ વર્ષની જેલની સજા થતાં પોતાના સારા વ્યવહારથી બે વર્ષ પહેલાં જેલમાંથી છૂટી પોતાના ઘર તરફ પાછો ફરે છે. રસ્તામાં અતીત તેની સામે આવે છે. સુલતાનસિંઘને રેલવેમાં એક છોકરીને જોતાં પોતાની દીકરીની યાદ આવી જાય છે. જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે અંધારું થઈ ચૂક્યું હોય છે. પોતે ક્યારેય પણ બંદૂક ન ચલાવવાના સોગંદ લીધાં છે. પરંતુ, બાર વર્ષે પાછાં આવતાં તેની સામે ફરી એ જ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. હવે પત્નીની જગ્યાએ પોતાની દીકરી ત્યાં હોય છે. એટલે બાર વર્ષના સમયમાં પણ આ માનવીય વૃત્તિઓમાં કોઈ બદલાવ સુલતાનસિંઘને દેખાતો નથી. ‘ઠંડુ પાણી’ વાર્તા જે-તે સાંપ્રત સમયની વાત રજૂ કરે છે. એ સમયની સરકાર, વાતાવરણ, અર્થવ્યવસ્થા, નવી યોજનાઓની વાત થઈ છે. વાર્તાનાયક ટી.સી.ની ભૂમિકામાં છે. એક યુગલ વિશ્વભ્રમણ અર્થે ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલ હતું. એ યુગલમાં રેમન્ડ કેલી અને એની પત્ની કેથરીન બંને છે. એમાં બે અલગ અલગ દેશનાં વ્યક્તિ અને તેમની વિચારસરણીઓનો આપણને અનુભવ થાય છે. અન્ય દેશમાંથી આપણાં દેશમાં આવેલ વ્યક્તિનું સન્માન અને તેમની બનતી મદદ કરવાની આપણી ભારતીય પરંપરાના પણ અહીં દર્શન થાય છે. વાર્તાની ભાષા પણ એ રીતે પ્રયોજાયેલી છે. વાર્તામાં બીજું કંઈ અલગ વિશેષ બનતું આપણને જોવા મળતું નથી. ‘એક સાંજની મુલાકાત’ વાર્તાનું વસ્તુ સંકુલ છે. વાર્તા ધીરે ધીરે આગળ વધતા સસ્પેન્સ ખૂલતાં જાય છે. મિસ્ટર મહેતા અને સરલા બંને ભાડૂઆત છે. બંગાળી પરિવારને ત્યાં ઉપરના માળે તેઓ રહેતાં હોય છે. મિ. મહેતાને બંગાળી સ્ત્રી શોભા પ્રત્યે આકર્ષણ છે. તેની સાથે એકાંત ઝંખે છે. પરંતુ, પોતાને એવો કોઈ સમય મળતો નથી. એક દિવસ અચાનક તબિયત સારી ન હોવાથી મિ. મહેતા પોતે ઘરે વહેલા આવી જાય છે. તેઓ આરામ કરી રહ્યા છે. ત્યાં ડોરબેલ વાગતા તેમને થાય છે કે પોતાની પત્ની સરલા આવી છે. પરંતુ, તેમની સામે તેમની મકાનમાલિક શોભા આવી છે અને તે ઘરમાં આવીને બારીને દરવાજા બંધ કરી દે છે. પોતાને કોઈ જોતું નથીને તેનું પૂરતું ધ્યાન રાખે છે. મિ. મહેતા આજે જાણે કે સમય મળ્યો છે તેને જીવી લેવા માંગે છે. ત્યારે શોભા તેમની નજીક આવીને ઘટસ્ફોટ કરે છે કે તમારી પત્ની સરલાને મળવા માટે કોઈ પુરુષ રોજ સાંજે છ વાગે તમારા ઘરે આવે છે. વાર્તા અહીં પૂરી થઈ જાય છે. પોતે બીજાની પત્ની સાથે સંબંધનો વિચાર કરી રહ્યો હતો. તેની જ પત્ની તેની સાથે એ કરી રહી છે તે જાણીને વાર્તાનાયક ધ્રુજી ઊઠે છે. શીર્ષક બહુ ઉચિત છે. એક સાંજની મુલાકાત નાયક જે ઝંખતો હતો તે કોઈની રોજની મુલાકાત બની રહે છે. વાર્તાની બાંધણી, ભાષા, પાત્રો બહુ ઉચિત રીતે વ્યક્ત થયા છે. ‘કાળો માણસ’ વાર્તામાં રંગભેદની નીતિની વાત કરવામાં આવી છે. કહેવાતા પશ્ચિમના દેશોમાં આજે પણ માણસ સાથે કેવો અન્યાય થાય છે તેની વાત કરવામાં આવી છે. અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી સાત વિદ્યાર્થીઓનું એક જૂથ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ હેઠળ ભારત આવે છે. તેની અંદર ત્રણ છોકરા ગોરા અને ત્રણ ગોરી છોકરીઓની સાથે એક નિગ્રો છોકરો પણ હતો. સાંસ્કૃતિક સમાનતા અને એકતાના આ મંચ પર આવીને છેલ્લે કાર્યક્રમ પૂર્ણ થતાં એ નીગ્રો એકલો ચાલતો કંઈક જમવા માટે જઈ રહ્યો હતો. અહીં, રંગભેદની નીતિ આજે પણ માણસોને અસર કરે છે. મૂળમાંથી એ નીકળી જ નથી. ગમે તેટલા મોટાં મંચ પર મોટાં કાર્યક્રમો થાય પરંતુ, તેની અસર અત્યારે પણ જોવા જ મળે છે. ‘સકીનાની કબર’ આખી વાર્તા શરૂઆતમાં સસ્પેન્સ ઊભું કરે છે. શબીરખાનના પંદર વર્ષ જૂના પ્રેમની વાત કરવામાં આવી છે. પોતાની પાસે પૈસા ન હોવાથી, પોતે શ્રીમંત ન હોવાથી સકીનાએ પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો ન હતો. અને તેને કહ્યું હતું કે પોતાને આખી સોનામાં મઢી શકે એટલી ઓકાત આવે ત્યારે પોતાની પાસે આવવા માટે કહે છે. પછી થોડા સમયમાં સકીના ઉમરાવખાન સાથે લગ્ન કરી લે છે. હવે, જ્યારે પૈસાદાર શબીરખાન પાછો ગામ ફરે છે ત્યારે તેને જાણવા મળે છે કે સકીના તો ખાસા પહેલા મૃત્યુ પામી છે. આજે, તે સકીના માટે આખું સોનાનું કેફીન લઈને આવે છે. અને પોતાનો વાયદો પૂરો કરે છે. કબ્રસ્તાનમાં જ્યારે શેરદિલને કબરનો ખાડો ખોદતા ખોદતા આ વાતની જાણ થાય છે ત્યારે તેના મનમાં લાલચ આવી જાય છે. તે શબીરખાનને મારવા તૈયાર થઈ જાય છે. પરંતુ, પોતે જ ખોદેલા ખાડામાં પગ લપસતા શેરદિલ પડે છે અને મૃત્યુ પામે છે. આખી વાર્તા કબ્રસ્તાનમાં બને છે. તેનું વાતાવરણ આબેહૂબ થાય છે. બીજાના માટે ખાડો ખોદીને દાટનારનું મૃત્યુ મનમાં લાલચ (લોભ) આવતા એ જ ખાડામાં પોતે પડીને શેરદિલ મૃત્યુ પામે છે. આખી વાર્તાને વાતાવરણ ગૂઢ ને રહસ્યાત્મક બનાવે છે. આખી વાર્તા ત્રીજાપુરુષ એકવચન કથનકેન્દ્રથી રજૂ થઈ છે. ‘મેડલ’ આ આખી વાર્તા એક મધ્યમ વર્ગના પરિવારની રોજબરોજની જિંદગીની અને કલકત્તા જેવા મહાનગરની વાસ્તવિકતાને રજૂ કરે છે. મિલમાં નોકરીની સાથે સાથે થિયેટરમાં પણ કામ કરવામાં પોતાને (નાયકને) મેડલ મળે છે. તે પોતાની પત્ની પાસે આવીને એની ખુશી રજૂ કરવા માંગે છે પણ રસ્તામાં આવતા સર્જકે બહુ સરસ રીતે ટ્રેનમાં આવતા ભિન્ન ભિન્ન માણસો અને તેમના વ્યક્તિત્વ રજૂ કર્યાં છે. જ્યારે નાયક રાત્રે થાકીને કંટાળીને મેડલ સાથે પોતાના ગામ પાછો ફરે છે ત્યારે તેને મળેલા મેડલનો પણ થાક લાગે છે. પરંતુ, તેની સામે ગર્ભવતી પત્ની આવે છે ત્યારે પોતે ખુશ થવાનો અભિનય કરે છે અને પોતાને મળેલ મેડલ રજૂ કરે છે. પરંતુ, પત્ની તેની બધી સચ્ચાઈ જાણી જાય છે. પ્રસન્ન દામ્પત્યજીવન આર્થિક ભીંસને પણ કેવી સાહજિક બનાવી દે છે એનું નિરૂપણ વાર્તામાં થયું છે. ‘હવા – જૂની અને નવી...’ આ વાર્તામાં મહાનગરોમાં સમાજના બિલકુલ નિમ્ન ગણાતાં અને બીજી બાજુ ઉચ્ચ ભણેલા-ગણેલા સોફિસ્ટિકેટેડ માણસોને સામસામે મૂકી આપ્યાં છે. વાર્તામાં મુખ્ય પાત્ર તો કાળું છે. જેને પોતાના બાપની જ ખબર નથી, ને મા વેશ્યા છે. કાળુને તેની માએ બીજી વેશ્યા જમનાને ત્યાં કામે મૂકી દીધો છે. ત્યાં તે માર ખાય, કામ કરે, ચોરી કરે, ફિલ્મ જુએ છે. એકવાર કાળુને પંદર રૂપિયાની ચોરીના કેસમાં જમના પોલીસને પકડાવી દે છે. કોર્ટમાં કેસ ચાલે છે અને તેની જજ સુષમાને કાળુમા રસ પડવાથી તેને સુધારવાના પ્રયત્નથી કે નવા પ્રયોગ અર્થે પોતાની સાથે ઘરે લઈ આવે છે. તેને સિનેમા બતાવવા લઈ જાય છે, નવા કપડાં આપે છે, રૂમ આપે છે, વાંચવા માટે પુસ્તકો લાવી આપે છે. પરંતુ, સાથે રહેતા કાળુને ખબર પડે છે કે સુષમા પણ મોડી રાત્રે પોતાના પુરુષ મિત્રો સાથે ઘરે પાછી ફરે છે, પાર્ટીઓ કરે છે. સિગરેટ, દારૂ પીએ છે. એક દિવસ કાળુ સુષમાના ઘરેથી પણ નીકળી જાય છે. અને પાછો પોતાની જૂની દુનિયામાં આવી જાય છે. ત્યાં જમના તેને પૂછે છે ત્યાં શું કરીને આવ્યો? કેવું જીવન જીવીને આવ્યો? ત્યારે કાળુનો જવાબ વાર્તાને વળાંક આપે છે, “ભણેલા પૈસાવાળા પણ આપણા જેવા જ” કંઈ નવું ન હતું. બધું અહીંના જેવું જ હતું. અને વાર્તા અંત પામે છે. બે અલગ અલગ સમાજને એક જ પરિપાટીએ મૂકીને સર્જકે નવી વાસ્તવિકતા રજૂ કરી છે. આમાં સર્જકે પાત્ર પ્રમાણે ભાષા, શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે વાર્તાને જીવંત બનાવે છે. ‘હનીમૂન’ આ વાર્તામાં બે નવપરણિત યુગલ હનીમૂન માટે ઉત્તર ભારત જાય છે. ત્યારે ત્યાં તેમને થતાં અનુભવની વાત છે. પ્રકાશ અને અલકા ડેલહાઉસી જવાનું હોય છે ને તે બસ ચૂકી જતા પહાડપૂરમાં એક ડાકબંગલામાં રોકાવાનું થાય છે, ત્યારે અલકા ખૂબ ભય અનુભવે છે. ત્યાં તેમના સિવાય કોઈ હોતું નથી. ત્યાં અલકાને ફળ સુધારતા ચપ્પુ વાગવાથી એક માણસ જેને ત્રણ આંગળીઓ હોય છે તે પ્રગટ થઈ જાય છે અને તે અલકાને પ્રાથમિક સારવાર કરી આપે છે. અલકા ખૂબ ડરી જાય છે. બીજા દિવસે તેઓ દિલ્હી આવવા નીકળી જાય છે ત્યારે અલકા પ્રકાશને પોતે ડૉક્ટરીનું ભણતી હતી ત્યારે તેની સાથે મહેન્દ્ર નામનો છોકરો ભણતો હતો. બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. પરંતુ, સંજોગવશ તે પહાડપૂરના આ ડાકબંગલામાં ઊતર્યો હતો. ડાકબંગલાની પાછળ આવેલા તળાવમાં તરવા જતા તે મૃત્યુ પામ્યો હતો. અને ત્રણ આંગળીવાળો માણસ મહેન્દ્રના કાકા હતા. પ્રકાશને રિસેપ્શન પરથી જાણવા મળ્યું હતું કે રાત્રે અલકા અને પ્રકાશ સિવાય કોઈ ડાકબંગલામાં હતું જ નહીં. ક્યારેક લોકોને ત્રણ આંગળીવાળા માણસનું ભૂત દેખાતું હતું. આ સાંભળી પ્રકાશ સ્તંભ થઈ જાય છે. ભલે વ્યક્તિ મૃત્યુ પામે પરંતુ, પ્રેમ ક્યારે મૃત્યુ પામતો નથી. એ વાત જાણે કે આ વાર્તામાં સાબિત થતી જોવા મળે છે. ‘પાણીપતનું ચોથું યુદ્ધ’ આ વાર્તાની અંદર એક મિડલ ક્લાસ વ્યક્તિના જીવનની આંટીઘૂંટી, સંઘર્ષ, એકલતા, નિરાશા, એકધારાપણની વાત કરવામાં આવી છે. વ્યક્તિ આખો દિવસ કામ કરીને જંગ (યુદ્ધ) જીતીને જાણે આવે છે. પરંતુ, જાત સાથેનું મહત્ત્વનું યુદ્ધ તો એને જાણે જાતે જ જીતવાનું છે. મનુષ્યએ આ પાણીપતનું યુદ્ધ આજીવન લડવાનું જ છે. આધુનિક યંત્રવત્ જીવન જીવ્યે જવાનું છે. ‘ત્રીસ સાલ બાદ’ આખી વાર્તા દરિયાઈ વાતાવરણમાં લખાઈ છે. પાત્રો અને ભાષા એને અનુરૂપ યોજવામાં આવેલ છે. ઇતિહાસ ફરીથી પોતાને દોહરાવે છે. ત્રીસ વર્ષ પહેલાં પોતાના બાપને બધાએ બાંધીને દરિયામાં ફેંકી દીધો હતો તે વાતની જાણ શેખ અબ્બાસને થાય છે. ત્યારે જાણે કે અબ્દુલ રજાકના મોતથી એને બદલો લીધો હોય એવો સંતોષ તેને મળે છે. ‘બાદશાહ’ આખી વાર્તા મહાનગરમાં રહેતા, પત્ની પિયર ગઈ હોવાથી પોતે એકલા રહેવાની સર્જાતી સ્થિતિની વાત સર્જકે કરી છે. સર્જકે મહાનગરનું આખું વાતાવરણ આલેખ્યું છે. રાતના સમયે અમુક જગ્યાઓની રોનક, અલગ અલગ વ્યક્તિઓ અને એમાં આજુબાજુમાં રહેતા સામાજિક વ્યક્તિઓની દેખરેખ આ બધી વાત આ વાર્તામાં કરી છે. તુષારની પત્ની રીના પિયર ગઈ છે ત્યારે તુષાર રાત્રે પોણા દસ વાગે પોતાના ઘરે આવી રોજ દસ વાગે ક્યાંક જાય છે અને બાર વાગે પાછો આવે છે. આ વાત તેના પડોશી રમાબહેનના ધ્યાનમાં આવે છે અને તેમનું મગજ કામે લાગી જાય છે. આ વાતની તપાસ કરાવવા માટે તે પોતાની સાથે આલોકને જોડે છે. આલોક પણ આ બીડુ ઝડપી લે છે. આલોક બે દિવસ તુષારનો પીછો કરે છે. તપાસ કરતા આલોકને ખબર પડે છે કે તુષાર બહુ વ્યવસ્થિત અને સારો માણસ છે. તે પોતાની પત્નીને ઠગતો નથી. બધાંના મનમાંથી શકનો કીડો દૂર થાય છે ત્યારે વાર્તાના અંતમાં વળાંક આવે છે કે તુષાર બે દિવસ પછી એક સ્ત્રી પાસે જાય છે ત્યાં એ સ્ત્રી તેને બાદશાહ કેમ બે દિવસથી દેખાતા નથી? એમ કહેતા આખી વાર્તાનો ઘટસ્ફોટ થાય છે; કે બે દિવસ તુષાર પોતાને નિર્દોષ સાબિત કરવામાં હતો. અને તુષાર તેમાં સફળ થાય છે એ જ વાર્તાની વિશેષતા બની રહે છે. ‘નામર્દ’ આ વાર્તાની અંદર પ્રણય ત્રિકોણની વાત છે. પોતાની પ્રેમિકા સલમા પોલીસ ઇન્દ્રપ્રકાશના પ્રેમમાં હતી; તે ખબર પડતાં હબીબ તેને મારવા માટે ઇન્દ્રપ્રકાશના ઘરમાં જાય છે પરંતુ, ત્યાં તેના મિત્ર સુનીલ મિશ્રાનું મૃત્યુ થઈ જાય છે. હબીબને જેલ થાય છે. પાછો બદલો લેવા તે ઇન્દ્રપ્રકાશને ત્યાં આવી જાય છે. બંને વચ્ચે ઝપાઝપી થતાં પાછો હબીબ જેલમાં જાય છે અને ત્યાં મોરથુથું ખાઈ લે છે અને પોતાનું જીવન ટૂંકાવે છે. અહીં વાર્તામાં પરિણીત સ્ત્રીના અન્ય સાથેના આડા સંબંધોને લીધે ઊભી થતી પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. હબીબ પોતે આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે એ થોડું અસાહજિક લાગે છે. ‘કબૂતરનું બચ્ચું’ આ વાર્તામાં માનવીય સંવેદના જોડાયેલ છે. અમિતા માત્ર પાંચ વર્ષની હતી. પરંતુ, કબૂતરના બચ્ચાનો જન્મ થયો ને તેને ઉડતા આવડ્યું ત્યાં સુધી જાણે કે બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હતાં. બચ્ચાને રમાડવું, ખવડાવવું અને તેની સંભાળ રાખવી તેનું કામ હતું. પરંતુ, થોડા સમય પછી વારંવાર ઘર બગાડતા તેને ઉડાડી મુકવાનો કાકી આદેશ છોડે છે. કાકા પણ તેમાં કાંઈ કરી શકતા નથી. ઘરમાંથી ઉડાડવા માટે જ્યારે ધાબા ઉપર લઈને આવવામાં આવે છે. ત્યારે બચ્ચું ઊડીને રોલીંગ પર બેસતાની સાથે બિલાડીનો તે ભોગ બને છે. એ દૃશ્ય જોઈ અમિતા કંઈ બોલી શકતી નથી. માનવેતર પાત્રો પણ સંવેદનશીલ વ્યક્તિ સાથે જોડાય છે ત્યારે બંનેને એકબીજાનો સહવાસ ગમે છે. પરંતુ, મનુષ્ય સંવેદનહીન બનતા તેનો ભોગ આ નાના નાજુક પશુ-પંખીઓને બનવું પડે છે. ‘ડૉક્ટરની પત્ની’ આખી વાર્તા સસ્પેન્સ થ્રીલરવાળી લાગે છે. ડૉક્ટર જ્યોર્જની પત્ની દસ વર્ષ પહેલાં મૃત્યુ પામી છે. એમના ટી એસ્ટેટમાં રહેવા આવેલ રમેશ શાહને એ વાત ખબર પડે છે. સ્ત્રીનું મૃત્યુ ખૂન છે કે આત્મહત્યા એ સસ્પેન્સ જ છે. પરંતુ, તેને ભૂત હોવાનો ભાસ થાય છે. ડૉ. જ્યોર્જની બીજી પત્ની રમેશની સામે આવી જતાં જાણે કે તે ભૂત છે એમ સમજી તે ઘર અને નોકરી છોડી ચાલ્યો જાય છે. આ આખી વાર્તા મનોવૈજ્ઞાનિક ઢબે ચાલે છે. ‘રજ્જોનો પતિ’ આ વાર્તામાં લગ્નેતર સંબંધની સાથે સાથે જાતીય વાસના, લાલસાની વાત રજૂ થઈ છે. આખી વાર્તા લાલસિંઘ, તેની પત્ની રજ્જો અને તેનો પ્રેમી રામનાથ તિવારીની આસપાસ ફરે છે. સોળ વર્ષ પહેલાં લાલસિંઘ પોતાની પત્ની રજ્જોેનું બીજા માણસ સાથે આડા સંબંધની વાત સાંભળીને ગુસ્સે ભરાઈ ને રામનાથ તિવારીનું ખૂન કરી નાસી જાય છે. સોળ વર્ષ પછી પાછો ફરે છે ત્યારે લાલસિંઘને જાણ થાય છે કે તેને સોળ વર્ષ પહેલાં ભૂલથી પોતાના સાળાને મારી નાખ્યો છે. રજ્જો તેના પ્રેમી રામનાથ સાથે રહે છે. મનમાં રહેલી બદલાની આગ અને પોતાને થયેલો દગો સામે આવતા લાલસિંઘ રામનાથનું ખૂન કરીને પોતાનો ગુનો કબૂલ કરી લે છે. ‘એક તાવીજની કિંમત’ વાર્તામાં અભણ, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં માનનારા નિમ્નવર્ગના ગરીબ કુટુંબની વાત કરવામાં આવી છે. કોલસાની ખાણમાં કામ કરવાથી પતિ મૃત્યુશય્યા પર છે ત્યારે ડૉક્ટર પાસે નહીં. પરંતુ, એક મૌલવી આવીને ખોટું તાવીજ આપી જાય છે. તે સોનાનું છે એમ કહી મૌલવી તેની કિંમત માંગે છે. રૂપિયા તો પોતાની પાસે ન હોવાથી તેના બદલામાં પોતાના પરિવારની બંને દીકરીઓને મૌલવી શહેરના બજારમાં લઈ જાય છે. અહીં વાર્તા પૂરી થાય છે. આમ, કુટુંબનો આધાર પતિ બચતો નથી, સાથે સાથે દીકરીઓને પણ વેચવી પડે છે. આ સમાજની કરુણ પણ વરવી વાસ્તવિકતા સર્જકે રજૂ કરી છે. એક તરફ ગરીબી અને અંધશ્રદ્ધામાં રિબાતા લોકો અને બીજી તરફ શોષક વર્ગ વાર્તામાં આલેખાયો છે. ‘શનિવારની સાંજ’ વાર્તામાં પતિપત્નીની રોજિંદા જીવનની વાતચીત, એક ઘરેડમાં જીવાતું જીવન, એકધારાપણાના લીધે આવી ગયેલી સ્થિરતાની વાત સર્જકે કરી છે. એકસો નેવું રૂપિયાના પગારમાં પત્ની આશા, બેબી, ગામડે રહેતી મા અને વિધવા બહેનની જવાબદારીમાં પડતી ખેંચ નાયક માટે અસહ્ય બની રહે છે. શનિવારની સાંજ દરેક વ્યક્તિ માટે, પરિવારજન માટે ખાસ હોય છે. પરંતુ, નાયકને ઘરે જવું ગમતું નથી. પોતાનો પત્ની સાથે ઝઘડો થયો છે; આવકનો સ્રોત પૂરતો નથી; જવાબદારીઓથી લદાયેલ હોવાથી તે કંટાળી ગયો છે. રસ્તામાં તેને એક દલાલ મળી જાય છે ત્યારે તેને પોતાની પત્ની યાદ આવતા તે ઘરે આવીને પોતાનો ઝઘડો પૂરો કરી નાંખે છે. આમ, શરૂઆતમાં મુશ્કેલ લાગતું જીવન અંતમાં સુખાંતમાં પરિણમે છે. મીરા ‘મીરા’ (૧૯૬૫) ચંદ્રકાંત બક્ષીનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. તેમાં કુલ ૨૪ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના વિશે વિસ્તૃત વાત કરીએ. ‘સ્લીપિંગ પિલ્સ અને સ્ત્રી’ આ વાર્તા આજના સાંપ્રત સમયના મનુષ્યની વાત કરવામાં આવી છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં નામ, કામ, હોદ્દો કોઈ જગ્યાએ આવીને ઊભા રહી જાય છે. કેમ કે, એ તો બહારથી લાદવામાં આવ્યું છે. આપણું નામ પણ આપણું નથી. એ પણ બીજાએ આપેલું છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ. સ્લીપિંગ પિલ્સ તો આધાર છે બહારથી આપેલા જીવનનો; પરંતુ, ખરી વાત તો એકલતાથી પીડાતા વ્યક્તિની છે. ‘અમે’ વાર્તામાં જીવનનું સત્ય સમજાવતી વાસ્તવિકતા સર્જકે રજૂ કરી છે. આ વાર્તામાં ‘ઈશ’ એ દરેક પુરુષ પાત્ર અને ‘ઇકા’ એ દરેક સ્ત્રી પાત્રનું પ્રતીક બની રહે છે. જ્યારે ‘લાલ’ એ વૃદ્ધ માણસનું પ્રતીક બની રહે છે. ત્રણ પેઢીની વાત અહીં રજૂ કરી છે. પિતા અને પુત્ર, દાદા અને પૌત્ર, સસરા અને વહુ વચ્ચેનો સામાજિક ચિત્રણ રજૂ થયું છે. સ્વપ્નશૈલીમાં આખી વાર્તા રજૂ થઈ છે. અને આ શૈલીને અનુરૂપ ભાષાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ‘ફોટા’ વાર્તામાં સર્જકે માનવ મનમાં ચાલતી મૂંઝવણો, માનવ સંબંધોમાં ચાલતા સંઘર્ષ અને એકલતા રજૂ કરી છે. સવિતાની દીકરી સીતાએ નરેશ જોડે લવ મેરેજ કર્યા. સારો હીરો જેવો દેખાતો નરેશ તેના જીવનમાં બીજું કંઈ કરી શકવા માટે સક્ષમ નથી. એવામાં સીતાને બે સંતાન એક દીકરો અને દીકરી, ત્રીજું આવવાની તૈયારી છે. દીકરી તેની પાસે છે, દીકરો બીમાર હોવાથી તેની સારવાર માટે તેની ફોઈ લઈ ગઈ છે. નરેશની હાજરીમાં મા દીકરી મળી શકતા ન હોવાથી એક દિવસ અચાનક ડર્યા વગર સવિતા સીતાને મળવા જાય છે. ત્યાં સીતાની તબિયત ઠીક ન હોવાથી પોતાની સાથે પિયરમાં રહેવા આવવાનું કહે છે. દીકરીની સમસ્યા જોઈ સવિતા પોતાની સાથે લાવેલ એક્સ-રેનો ફોટો પોતાની સાથે લઈને ઘરે પાછી ફરે છે. આજે જ સવિતાને ખબર પડી છે કે પોતાને કૅન્સર થયું છે અને તેની પાસે છ મહિના જ છે. આમ જીવનની આંટીઘૂંટી, પોતાની સમસ્યા, મનની પીડા કોઈને કોઈ કહી શકતું નથી. આમ, અહીં ફોટો કોઈ ફ્રેમ માટેનો નહીં. પરંતુ, પોતાના કૅન્સરનો એક્સ-રે છે. ‘૧૦૮ - ૨, રાસબિહારી રોડ ફ્લેટ નં. ૩’ આ વાર્તામાં નગર જીવનની વાત કરવામાં આવી છે. આટલા ભીડભડવાળા જીવનમાં પણ મનુષ્ય પોતાની નહીં પરંતુ, આસપાસ કોના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જોવા-જાણવાની જિજ્ઞાસા પૂરી થઈ નથી. મનુષ્યને બીજાના જીવનમાં ડોકિયું કરવાની વાત ગ્રામજનમાં જ નહીં પરંતુ, શહેરી જીવનમાં પણ જોવા મળે છે. એ વાત અહીં મૂકવામાં આવી છે. ‘આંખ’ વાર્તામાં વૃદ્ધ માણસના જીવનમાં રહેલી એકલતા, કુંઠિતતા, એકલવાયાપણું, અધૂરી રહેલી અપેક્ષા, આકાંક્ષા રજૂ થઈ છે. વૃદ્ધ માણસ પાસે કોઈની કશી અપેક્ષા રહેતી નથી. તે ઉપેક્ષાનો ભોગ બને છે. એનો ભાર એ વૃદ્ધ વ્યક્તિએ વેંઢારવાવાનો હોય છે. એ નરી વાસ્તવિકતા અહીં વાર્તામાં રજૂ થઈ છે. વૃદ્ધાવસ્થાની લાચારી વાર્તામાં રજૂ થઈ છે. ‘છેલ્લી બસોમાંની એક’ આ વાર્તામાં મોટા ઉંમર સુધી અપરણિત રહેલી સ્ત્રી અને ડિવોર્સી પુરુષના મનોમંથન રજૂ થયા છે. બંને સમયના એવા પટ પર આવીને ઊભાં છે કે બંને એકબીજા માટે પ્રશ્નો ઉદ્ભવે છે. એકને મોટી ઉંમરે લગ્ન કરીને પોતાનું બધું છોડીને લગ્નસંબંધમાં જોડાઈને ખુશ રહી શકાશે? જ્યારે બીજાનું મનોમંથન પોતાના દુઃખી લગ્નજીવનથી કંટાળેલો માણસ ફરીથી બીજા લગ્ન કરીને સારી જિંદગી જીવી શકશે? આ બે અંતિમ બિંદુ વચ્ચે અટવાયેલા વ્યક્તિઓની વાત છે. સર્જકે બહુ જ સ્વાભાવિકતાથી આ વાતને રજૂ કરી છે. શીર્ષક પણ પ્રતીકાત્મક છે. ‘સોડાની ચાર ખાલી બોટલો’ વાર્તામાં વ્યક્તિની અતૃપ્ત ઇચ્છાઓ, ઝંખનાઓ, આકાંક્ષાઓ, જાતીય આવેગોની વાત કરવામાં આવી છે. વ્યક્તિ પોતાની વાસનાને દબાવવા માટે શરાબ (દારૂનો) સહારો લે, સ્ત્રીનો સહારો લે છે. અહીં વાર્તામાં એક વ્યક્તિના બે રૂપોનું વર્ણન સર્જકે કર્યું છે. આધુનિક સમયમાં સંબધોની અર્થસભર રજૂઆત આ વાર્તામાં થઈ છે. ‘ટાઇપિસ્ટ છોકરીઓ’ આ વાર્તા એક હળવા વાતાવરણમાં ઊભી થાય છે અને પછી મહત્ત્વનો સૂર પકડાય છે. કૉલેજના ચાર મિત્રો જે અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોદ્દા પર કામ કરી રહ્યાં છે, ત્યાં રોશન દર બે- ત્રણ-ચાર મહિને પોતાની ઑફિસમાં ટાઇપિસ્ટ છોકરીઓ બદલ્યાં કરે છે. તેનું કારણ તેના બીજા મિત્રો તેનાં લગ્નેત્તર સંબંધ માનતા હોય છે. ત્યારે તે સામાન્ય મધ્યમ વર્ગની છોકરીઓ જેને જરૂર હોય છે તેને નોકરી પર રાખીને તેમને શિખવાડીને એક બે વર્ષનું સર્ટિફિકેટ આપીને બીજી સારી જગ્યાએ વધારે પગારથી નોકરી મળે સાથે-સાથે તેમનું જીવન સુધરે અને પરિવારમાં ઉપયોગી બની રહે તે રીતે પોતાની પત્ની સાથે મળીને મદદ કરતો હતો. રોશન પોતે મિડલ ક્લાસ પરિવારમાંથી આવતો છોકરો છે. પોતે ટ્યુશન કરીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે એટલે તે સામેના વ્યક્તિનું મન બરાબર કળી લે છે અને મદદ કરે છે. ‘ઇંગ્લૅન્ડ રિટર્ન’ આ વાર્તામાં પરદેશગમનનું જે વળગણ છે તેની વાત કરી છે. ઘણાં મધ્યમ વર્ગના મનુષ્ય પોતાના ઘર-પરિવારને ઉપર લાવવા માટે, મદદ કરવા માટે પોતાની ઇચ્છા ન હોવા છતાં કે ઇચ્છાથી જ્યારે પરદેશમાં જાય છે ત્યારે તેમના મોટાં મોટાં સપના કેવી રીતે તૂટી જાય છે. તેમની સાથે ત્યાં કેવો વ્યવહાર થાય છે એ વાત કરવામાં આવી છે. ‘મારી આત્મકથા’ સર્જકે આ વાર્તામાં ‘ગોલ્ડ ફિશ’ના કલ્પનથી આખી વાત રજૂ કરી છે. શરૂઆતમાં તેને લાવીને સારી જિંદગી આપી, લાઈટ, સુંવાળી રેતી, પથ્થર, પાણી, વર્મ્સ બધું આપ્યું. પરંતુ, બધામાં એકવિધતા, જડતા આવી ગઈ. જાણે કે તેનું જીવન બંધિયાર બની ગયું. આવી જ રીતે જ્યારે મનુષ્યને જિંદગીમાં સુખસુવિધાઓ, સગવડ, ઇચ્છાઓ પૂરી થતાં તેનામાં એક પ્રકારની જડતા આવી જાય છે. જીવન બંધિયાર બની જાય છે. નવીનતા, ઉષ્માનો અભાવ થતાં મનુષ્ય હોય કે સંબંધ કોઈ પણ હોય મૃત્યુ પામે છે. એ સૂર સર્જક અહીં રજૂ કરે છે. ‘ઊંઘનો એક દોર’ આ વાર્તામાં સર્જક મનુષ્ય જીવનનું મોટું સત્ય મૃત્યુને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. વાર્તાનાયક પોતે કૉલેરાને લીધે સરકારી હૉસ્પિટલમાં દાખલ છે. પેશન્ટ નંબર આઠ છે. હવેના અડતાળીસ કલાક તેના માટે ભારે છે. જો તાવ આવી જાય તો પોતે બચી જશે. દવાની અસરથી અર્ધજાગ્રત અવસ્થામાં પોતાની આસપાસના પેશન્ટને મોર્ગનમાં લઈ જવાતાં જોઈ જાણે કે તે પોતે પણ ત્યાં છે તેનો અનુભવ કરે છે. પોતાનો દીકરો બહુ નાનો છે. પણ, તેના હાથમાં રહેલો ફુગ્ગો એ પ્રતીક બનીને આવે છે. ફુગ્ગો ફૂટી ગયો ને દીકરો રડવા માંડે છે. ફુગ્ગો એ મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. પરંતુ, સવારમાં તેની બંધ આંખોની સામે ચિમળાયેલા ફુગ્ગાને લઈને ઊભેલો પોતાનો છોકરો દેખાય છે. ત્યારે પોતે જીવતો છે એની અનુભૂતિ થાય છે. ફુગ્ગો અહીં જીવનનું પ્રતીક બનીને આવે છે. ‘અંતર’ આ વાર્તામાં સર્જક એક જ પરિસ્થિતિ બે અલગ અલગ પરિવાર કે વ્યક્તિઓ પર કેવી અસર કરે છે, તેની વાત કરે છે જે એકની સહજ અને સરળ છે પણ તેની કિંમત નથી. તેનું મન બીજી વસ્તુ તરફ દોડે છે. જ્યારે એ જ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ બીજી વ્યક્તિ માટે દુર્લભ કે મુશ્કેલ છે. માનવસહજ આ સચ્ચાઈ સર્જક વાર્તામાં નિરૂપી છે. અંતર શીર્ષક વાંચતાં જ ખ્યાલ આવે છે કે અહીંયા કોઈના વચ્ચેના અંતરની વાત થઈ રહી છે. સાથે રહીને બે દંપતી વચ્ચે આવેલા અંતરની વાત છે. એક કપલ સ્નેહેશ અને આવા ને બેબી (સંતાન) હોવા છતાં પણ બંને વચ્ચે પ્રેમ નથી એ અંતર છે. જ્યારે બીજું કપલ પરસ્પર પ્રેમ હોવા છતાં નોકરીને લીધે અંતર ભોગવતું રૂબી અને પલ્લવ. આમ, આ બંને કપલની આંતરિક મનોવ્યથા અહીં નિરૂપવમાં આવી છે. ‘સ્વ’ આ વાર્તામાં સર્જકે માનસિક, સાંવેગિક, જાતીય આવેગોને જીવતા મનુષ્યની વાત કરી છે. મનુષ્ય ‘સ્વ’માં એટલો બધો રચ્યોપચ્યો છે. બધું સારું મેળવવાની આશામાં તે જાતીય આવેગો આગળ પાંગળો બની જઈને એ અમાનુષી તત્ત્વો સાથે પણ ખુશ રહી શકે છે. આ મનુષ્યસહજ નબળાઈની વાત કરી છે. મનોસાંવેગિક વાત અહીં સર્જક રજૂ કરી છે. પ્રથમ પુરુષ એકવચનના કથનકેન્દ્રનો સર્જકે ઉપયોગ કર્યો છે. ‘૪૦૦૦ વર્ષ જૂનો માણસ’ આ વાર્તામાં સર્જકે વૃદ્ધ માણસની જિંદગીના છેલ્લા સમયની એકલતા, હતાશા, નિરાશા, જીવનની એકવિધતાની વાત કરી છે. વૃદ્ધના પાંચ દીકરા અને પત્ની મૃત્યુ પામ્યાં છે અને લોકોએ કલકત્તાના મ્યુઝિયમમાં મમીના જે અવશેષ રાખ્યાં છે તે એના છે. એટલે કે વૃદ્ધ ૪૦૦૦ વર્ષ જૂનો છે એવું એના મગજમાં ઢસાવી દેવામાં આવે છે. એકલતા-હતાશા માણસને કેટલી એકલી કરી દે છે કે તે માણસ પાગલ બની જાય છે. લોકો તેને હાફ મેડ કહે છે. ‘ડાઘ’ વાર્તા મનુષ્યની માનવસહજ નબળાઈ જ્યારે પોતાની સામે ઉજાગર થાય ત્યારે તે તેનો સામનો કરી શકતો નથી. મનમાં ઘણાં બધાં માની લીધેલા આવા ડાઘ (માન્યતાઓ) જે ખરેખર હોતાં જ નથી, તે ઉત્પન્ન કરીને મનુષ્ય તેને જોવા ટેવાયેલ છે. જે હકીકતમાં છે જ નહીં, તે વિચાર કરીને એને પોતાને દેખાવા લાગે છે. નાયક પોતાની પત્ની સુજાતા પિયરથી આવવાની હોય છે ત્યારે પોતાના બેડરૂમમાં બેલ્જિયમ અરીસો લગાવે છે. નાયકને તેમાં પોતાના ચહેરા ઉપર એક ડાઘ દેખાય છે. તે ભય પામે છે કે પોતાને કોઢ, કેસિફીલસ કે રક્તપિત્ત હશે તો? પત્ની જુએ છે ત્યારે નાયક તેને પૂછે છે કે મારા ચહેરાં પર કોઈ ડાઘ દેખાય છે. ત્યારે સુજાતા તેની ચિંતા દૂર કરતા કહે છે કે વધારે વિચારવાનું છોડી દે, નહીં તો જે નથી તે પણ તને દેખાવા લાગશે. આમ, આખી વાર્તા વિચારોના પરિપ્રેક્ષ્યમાં જ ચાલે છે. આપણું મન એટલું જટિલ છે જે નથી તે પણ આપણને બતાવવા માંડે છે. ‘એક ક્યુબીસ્ટ વાર્તા’ આ વાર્તા નાનાં નાનાં ટુકડાઓમાં રચાયેલી છે. એના શીર્ષક પરથી સ્પષ્ટ થાય છે વાર્તામાં જેમ જેમ આગળ વધે છે તેમ તેના અંકોડા જોડવા પડે છે. ઘણા બધા ટુકડાઓની વચ્ચે રચાયેલી આ વાર્તા આધુનિકતાના પરિપ્રેક્ષમાં રચાઈ હોય એ દેખાય છે. મહેન્દ્ર મડગીલ પ્રવાસના પોતાના અનુભવ અલગ અલગ ટુકડામાં પોતાના મિત્રને કહે છે. વાર્તા સમજવા માટે એ ટુકડા જોડવા પ્રયત્ન કરવો પડે છે. ‘અ-સમય’ આ વાર્તામાં લેખકે માનવીની અદમ્ય ઇચ્છાઓ, જાતીય વાસના, આવેગોની વાત પ્રતીકો દ્વારા સમજાવી છે. કાગડા, બિલાડી, ઉંદર સરદારની, મારિયા આ બધાં પ્રતીક બનીને આવે છે. અને વાર્તાને આગળ ધપાવે છે. સર્જકે બહુ ખુલ્લા મને આ વાર્તામાં જાતીય સંવેદનાનું આલેખ કર્યું છે. ‘ચુંબન’ વાર્તામાં પ્રેમમાં સચ્ચાઈ અને પ્રામાણિકતાની વાત સર્જક કહે છે. આજના સમયમાં સાધ્ય ગણાતો રોગ ટી.બી. નાયિકા ઊર્મિલને થયો છે. ઊર્મિલ મધ્યમ પરિવારમાંથી આવે છે. પોતે શિક્ષિકાની નોકરી કરે છે. હવે, પોતે પોતાના પ્રેમી રાકેશને આ વાત કેવી રીતે જણાવશે એની ચિંતા તેને થાય છે. ઊર્મિલ રાકેશને પોતાની બીમારીની વાત કરવા તૈયાર થાય છે. એ પહેલા જ રાકેશ તેને પોતાને સિફિલિશની અસર છે તેની વાત કરે છે. આમ, બંને પોતાના પ્રિય વ્યક્તિથી કોઈ વાત છુપાવવા માંગતા નથી. નિખાલસતાથી બંને એકબીજાને પોતાની વાત રજૂ કરે છે. એ જ સાચા પ્રેમની જીત છે. ‘નવમીની રાતે’ વાર્તાનો પરિવેશ કલકત્તા મહાનગરનો અને વાતાવરણ દુર્ગાઅષ્ટમી પછીની નવમીનું અને વેશ્યાઓના એરિયાનું રજૂ થયું છે. સર્જકે વાર્તાનો ઓપ આપવા માટે ભાષા અને વાતાવરણ પાસેથી પૂરતું કામ લીધું છે. આ વાર્તામાં એક રાત્રિનો સમય લઈ સર્જકે વ્યક્તિના જીવન પાસ રજૂ કર્યા છે. અષ્ટમીની રાતે પૂજા કરીને નવમીની રાતે દારૂ, જુગાર અને સ્ત્રી-ગમન કરવા જતો નાયક પોતાના ખરાબ કર્મો છોડવા માંગે છે. પરંતુ, માનવસહજ નબળાઈ એને આડે આવે છે. પોતાના ખરાબ કર્મો માટે મનુષ્ય કોઈને કોઈ બહાના શોધી જ કાઢે છે. ‘ચાલવું’ આ વાર્તામાં જય અને આભાના પ્રેમલગ્ન પછી આભા વરસો પછી પોતાની દીકરીને લઈને પિતાના ઘરે જાય છે. ત્યારે જ તેને તાર મળે છે તેમનો દેહાંત થઈ ગયો છે. આભાના જય સાથેના પ્રેમલગ્ન માટે તેના પિતા સહમત ન હતા. પરંતુ, પછી માની જશે એમ કરીને બંને પ્રેમવિવાહ કરી લે છે. આભા દીકરીને લઈને જવા માટે નીકળી જાય છે. આભા થોડાં દિવસ પહેલા નીકળી શકી હોત પરંતુ મનુષ્યસહજ ઇગો માણસને નડતો રહે છે. એવી વાત આ વાર્તામાં રજૂ થઈ છે. ‘વર્તમાનની બીજી બાજુ’ વાર્તામાં માનવીની વાસ્તવિકતાને, તેની સચ્ચાઈને પ્રગટ કરવામાં આવી છે. વાર્તાનાયક દીપક મિલન પોતે ૧૬ વર્ષનો બાળક હતો ત્યારનું પોતાનું પ્રતિબિંબ જુએ છે. એને એ દીપક આજના દીપક મિલન કરતાં બિલકુલ અલગ લાગે છે. પોતે આજનો દીપક મિલન એ કેવી રીતે બન્યો એની આખી મુસાફરી, એનો સંઘર્ષ, એના અંદરની સંવેદનશીલતા, માનવતા ક્યાં ગઈ એ પ્રશ્ન કરે છે? દીપક મિલનને અરીસો પોતાનું વાસ્તવિક પ્રતિબિંબ બતાવે છે. આખી વાર્તામાં અરીસો વાસ્તવિકતાનું પ્રતીક બનીને આવે છે. ‘સુમતિમામીની સેવામાં’ આ વાર્તામાં સર્જકે સમાજના બે ભિન્ન વર્ગની વાત કરીને અસમાનતા પ્રગટ કરી બતાવી છે. એક ગરીબ વર્ગ – મધ્યમ વર્ગના માણસો મહેનત-મજૂરી કરી માંડ માંડ પોતાના બાળકનું ભવિષ્ય અને ઘર ચલાવતાં હોય છે. પોતાની પડતી મુશ્કેલીઓ કે આવી પડેલી જવાબદારીઓ અને શારીરિક પીડાઓની, વેદનાઓની પરવાહ કર્યા વગર પોતાનો ભાર વેંઢારતો રહે છે. જ્યારે, બીજી બાજુ ધનવાન લોકોને આમાંનું કંઈ આવતું નથી. બધી જરૂરિયાતો, કોઈ શારીરિક કષ્ટ હોય તો પૂરતો આરામ મળી રહે છે એ એમના માટે સહજ છે. વિધવા બા, વિનુ નાનો હતો ત્યારથી મહેનત કરીને તેને ભણાવે છે. પોતાનો ભાઈ આર્થિક રીતે સદ્ધર હોવા છતાં બા કોઈ આશા રાખ્યાં વગર પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, જ્યારે આગળ જતા સુમતિમામીને ડૉક્ટર કમરના દુખાવામાં આરામ કરવાનો કહે છે ત્યારે મામાનો કાગળ બા પર આવે છે. હવે, બા પોતાનું દુઃખ ભૂલી ભાભીની ચિંતામાં પડી જાય છે. આમાં આપણી સામે બાનું સ્વમાની, સહનશીલ, સંઘર્ષશીલ ચરિત્ર ઊપસી આવે છે. ‘અ... તોસીઓ... અનનોસિઓ...’ આ વાર્તામાં સુધા એકલી જ્યારે પોતાની દીકરી ઈરાને એકલા હાથે ઉછેરે છે ત્યારે એક ફિલ્મના સીન સાથે પોતાના જીવનને જોડી કાઢે છે. જાણે કે ઈરા કંઈક ફરવા ગઈ છે અને ત્યાં ખોવાઈ ગઈ છે. ખરેખર, તો સુધાને બીક અમર એટલે કે તેના પતિની છે કે તે પોતાના પાસેથી દીકરી ઈરાને લઈ જશે. અને દીકરી પાછી નહીં આવે તો? આમ, એકલી રહેતી સ્ત્રીની – માતાની મનોદશા, તેની મનોવ્યાથા, તેની માનસિક સ્થિતિની વાત અહીં કરવામાં આવી છે. ‘મીરા’ વાર્તા એ લાંબી ટૂંકી વાર્તા જેવી છે. ૫૦ પૃષ્ઠોમાં લખાયેલી એક આખા જીવનની કથા જાણે કે આપણને મળે છે. મીરા એક અંધ છોકરી છે. જે કાંઈ જોઈ શકતી નથી. જ્યારે જય એ કૉલેજમાં ભણતો, ઘણી અપેક્ષાઓ સેવતો, સારા ઘરનો સંસ્કારી છોકરો છે. જયને મીરા સાથે પરણવું છે. પરંતુ, મીરા પોતાની નબળાઈ જાણે છે. પોતે ક્યારેય જયને સુખી કરી શકશે નહીં એ વાતની મીરાને ખબર છે. એટલે મીરા તેને કોઈ સારી છોકરી જોડે પરણી જવા કહે છે. જય પોતાની સાથે ભણતી તેની મિત્ર પૈસાદાર ઘરની સુંદર દેખાતી સરિતા સાથે લગ્ન કરી લે છે. બંનેનું દામ્પત્ય સુખી છે. એમને અઢી વર્ષની દીકરી છે. વર્ષો વિતતા જાય છે. એક દિવસ ઑફિસેથી ઘરે આવતાં જયને મીરા રસ્તામાં ઊભેલી દેખાય છે. જય મીરાને મળે છે અને તેને જણાવે છે કે અત્યારે પણ તે પહેલા હતો ત્યાં જ છે. પોતે સુખી થયો છે. પરંતુ, બીજો કોઈ ખાસ ફેર પડ્યો નથી. મીરા સમજદાર છોકરી છે તે જયને પોતાની સામે ઊભેલું સુખી પ્રસન્ન દામ્પત્ય જીવન જીવવા માટે કહે છે અને તેને સમજાવે છે. મીરાના પ્રેમની ગહેરાઈ અહીં રજૂ થાય છે. પોતે જેને પ્રેમ કરે છે એ વ્યક્તિ હંમેશા ખુશ રહે એ પ્રેમની પરિપક્વતા આ વાર્તામાં બતાવવામાં સર્જક સફળ નીવડ્યા છે. ચંદ્રકાંત બક્ષીએ પોતાની વાર્તાઓમાં મુખ્યત્વે કલકત્તા અને મુંબઈનું નગરજીવન, ત્યાંની ઝૂંપડપટ્ટી, ત્યાંની વસ્તી, તેમાં રહેતાં લોકો, તેમની યાતના, સંઘર્ષ, વિદ્રોહ, એકલતા, ખાલીપો, જાતીય સંબંધોનું વર્ણન, નિષ્ફળ પ્રેમ, પ્રણય ત્રિકોણ, હિંસા, યુદ્ધનું વાતાવરણ, દરિયાઈ વાતાવરણ વગેરેનું આલેખન કર્યું છે. ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓમાં ‘હેન્ડ્ઝ અપ’, ‘બાર વર્ષ’, ‘રજ્જોનો પતિ’, ‘ત્રીસ સાલ બાદ...’, ‘નામર્દ’, ‘તરસ’, ‘ના’, વાર્તાઓનો પ્રધાન સૂર હિંસા છે. ‘જાનવર’, ‘એક સાંજની મુલાકાત’, ‘બાર વર્ષ’, ‘રજ્જોનો પતિ’ વાર્તાઓમાં જાતીય સંબંધોનું આલેખન છે. ‘રજ્જોનો પતિ’, ‘બાર વર્ષ’, ‘નામર્દ’ વાર્તામાં વાર્તામાં સ્ત્રી વ્યભિચારની વાત નિરૂપાય છે. ‘ચોર’, ‘ચોરી’ અને ‘હવા જૂની અને નવી’ વાર્તામાં ગુનાહિત બાળમાનસનું આલેખન થયું છે. ‘એક તાવીજની કિંમત’માં અંધશ્રદ્ધાળુ સમાજ; ‘કાળો માણસ’માં રંગભેદ; ‘હવા જૂની અને નવી’માં સમાજજીવન અને વેશ્યાજીવન બંનેના જીવનની વાત કરવામાં આવી છે. ચંદ્રકાંત બક્ષી પાત્રોને અનુરૂપ ભાષાપ્રયોગ કરે છે. પાત્રો જે પરિવેશમાંથી આવે છે તે પ્રમાણે શબ્દોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જેમકે, ‘ડૉક મઝદૂર’ની ભાષા. બક્ષીના પાત્રો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ શબ્દો પણ બોલે છે. ચંદ્રકાંત બક્ષીની સંવાદકલા પણ વૈવિધ્યસભર છે. ‘અફેર’માં સાથે મુસાફરી કરતાં મિસ નિવા આચાર્ય અને મિ. અનિલ શાહના સંવાદો; ‘ચાલવું’માં આભા અને જયના સંવાદ. ચંદ્રકાંત બક્ષીની વર્ણનકળા પણ વૈવિધ્ય ભરપૂર છે. પરંતુ, ક્યારેક લંબાણયુક્ત વર્ણનો વાર્તાને નુકસાન પહોંચાડે છે. તેમના વર્ણનોમાં ટ્રેન, હૉસ્પિટલ, કોલસાની ખાણ, જેલ, ઝૂંપડપટ્ટી, તેની વસ્તી વારંવાર આલેખાયા છે. આમ, અમુક અપવાદોને બાદ કરતાં સર્જક ચંદ્રકાંત બક્ષીનું વાર્તા વિશ્વ વૈવિધ્યસભર છે.
ડૉ. ભાવિની કે. પંડ્યા
આસિસ્ટન્ટ પ્રોફેસર,
ગોધરા, પંચમહાલ
મો. ૯૫૩૭૨૭૬૩૨૭
Email: bhavinip.૮૪@gmail.com