ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રમેશ પારેખ

From Ekatra Foundation
Revision as of 16:30, 21 December 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્તનપૂર્વક : રમેશ પારેખ|રિદ્ધિ પાઠક }} 200px|right {{Poem2Open}} રમેશ પારેખ : જન્મ : ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ : ૧૭-૦૫-૨૦૦૬ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્તનપૂર્વક : રમેશ પારેખ

રિદ્ધિ પાઠક

GTVI Image 106 Ramesh Parekh.png

રમેશ પારેખ : જન્મ : ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ : ૧૭-૦૫-૨૦૦૬ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો, કાવ્યસંગ્રહ : ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯) ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા, આલા બાપુને!’ (૧૯૮૫), ‘મીરાં સામે પાર’ (૧૯૮૬) અને ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઈ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો. ‘લે, તિમિર! સૂર્ય’ (૧૯૯૫), ‘છાતીમાં બારસાખ’ (૧૯૯૮), ‘ચશ્માંના કાચ પર’ (૧૯૯૯) અને ‘સ્વગતપર્વ’ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. ‘કાળ સાચવે પગલા’ (૨૦૦૯) તેમના મિત્ર નીતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ‘સ્તનપૂર્વક’ (૧૯૮૩) તેમનો વાર્તાસંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં ‘સગપણ એક ઉખાણું’ (૧૯૯૨), ‘સૂરજને પડછાયો હોય’ (૨૦૦૨) અને રમૂજી નાટક ‘તરખાટ’નો સમાવેશ થાય છે. તેમના નિબંધસંગ્રહો ‘હોંકારો આપો તો કહું’ (૧૯૯૪), ‘ચાલો, એકબીજાને ગમીએ’ (૨૦૦૧), ‘સર્જકના શબ્દને સલામ’ (૨૦૦૨) છે. તેમણે ‘ગિરા નદીને તીર’ (૧૯૮૯) કાવ્યસંગ્રહ અને ‘આ પડખું ફર્યો લે!’ (૧૯૮૯) ગઝલસંગ્રહનું સંપાદન કર્યું હતું. તેમના બાળકવિતા સંગ્રહો : ‘હાઉક’ (૧૯૭૯), ‘ચીં’ (૧૯૮૦), ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’ (૧૯૮૮, સચિત્ર), ‘ચપટી વગાડતા આવડી ગઈ’ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તાસંગ્રહો ‘હફરફ લફરફ’ (૧૯૮૬), ‘દે તાલ્લી’ (૧૯૭૯), ‘ગોર અને ચોર’ (૧૯૮૦), ‘કૂવામાં પાણીનું ઝાડ’ (૧૯૮૬) અને ‘જંતર મંતર છૂ’ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ ‘જાદુઈ દીવો’ અને ‘અજબ ગજબનો ખજાનો’ છે. ‘છ અક્ષરનું નામ’ ગુજરાતી સાહિત્ય જગતમાં અજાણ્યું નથી. ગુજરાતી કવિતા ક્ષેત્રે બળકટ કહી શકાય તેવો, વતન અમરેલી માત્રનો જ નહીં પરંતુ ગુજરાતી ભાષાના કાવ્યજગતનો એક મહત્ત્વનો આયામ એટલે રમેશ પારેખ. મૂળ વતન અમરેલી. મુખ્યત્વે કવિ જીવ. જ્યારે વાર્તા રૂપી ગદ્યસાહિત્યમાં અભિવ્યક્તિના ઓજસ પાથરે છે ત્યારે કવિ રમેશ પારેખની બળકટ વાણી કવિતા બનીને વહે છે. રમેશ પારેખની એક મજાની વાત એ કે, રમેશ પારેખે ટૂંકી વાર્તાથી સાહિત્ય સર્જનની શરૂઆત કરી. તેમણે સહુ પ્રથમ વાર્તા લખી અને પછી કવિતા એવું કહેવાય છે. માટે તેમની વાર્તાઓમાં જોવા મળતી વાક્ય સંકલના કાવ્યાત્મક રીતિએ વધુ વ્યંજનાગર્ભ બની રહી છે. રમેશ પારેખ આધુનિક વાર્તાકાર છે. એમનો સમય જે વિચ્છિન્નતાનું ચિત્ર દર્શાવે છે તે રમેશ પારેખે તેમની વાર્તામાં આકાર્યું છે. પ્રયોગશીલ ગણાતી આ વાર્તાઓમાં ઘટનાનો લોપ એ હદે છે કે વાર્તામાં કથા નહિ પણ કથ્ય જ વધુ સંકુલતાપૂર્વક આકારાયેલું જોવા મળે. માણસનું મન, મનનાં તરંગો, માનવજીવનની વાસ્તવભરી પરિસ્થિતિ સાથે મનઃસંચલનોની સધાતી સહોપસ્થિતિ એ આ વાર્તાના વિષય બન્યા છે. જેમાં ફેન્ટસી ભરપૂર માત્રામાં છે, કલ્પનો, મનોવૈજ્ઞાનિક વલણ, ભાષાની મીઠાશ, લાઘવ, અલંકારપ્રાચુર્ય, વાર્તાની કથનપદ્ધતિના જમા પાસાઓ છે. સંગ્રહનું શીર્ષક જે નામ પરથી છે તે વાર્તા ‘સ્તનપૂર્વક’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આખી વાર્તામાં બનતી ઘટનાઓ સૌદામિનીનાં સ્વપ્નમાં રચાય છે. વાર્તામાં શું શું બને છે? વાર્તામાં તેણે ઓશિકા નીચે છુપાવેલી તીક્ષ્ણ છરી લીધી અને પતિની છાતી પર મોટો કાપો મૂક્યો. પછી અંદર હાથ નાખીને પતિનું હૃદય ખેંચી કાઢ્યું. અને પછી શરૂ થાય છે સૌદામિનીની સફર જે પોતે ગૂંથેલી વાયરની થેલીમાં પતિનું હૃદય મૂકે છે, લઈને ઘરની બહાર નીકળે છે, રસ્તામાં એક માણસ મળે છે, પછી કૂતરું મળે છે અને તે હૃદય હાથમાંથી છૂટી કૂતરાનાં મોમાં જાય છે, કૂતરું ઝૂંટવી ભાગે છે, તેની સામે જંગે ચડી હૃદય લઈ પાછી ફરે છે, હાથમાં કમળ ઊગી નીકળે છે, હૃદયસરસું ચાંપે છે, કમળની ભીનાશ પવન અડતા ઠંડક આપે છે, શાતા આપે છે, દૂર ટાવર પર ત્રણનાં ટકોરા પડતા પાછી ફરેલી સૌદામિનીની આંખ ખૂલે છે તો એક બાજુ પતિ છે અને બીજી બાજુ પુત્ર. પતિનો હાથ ડોક પાસે છે અને પુત્રનો છાતી પર. અને સૌદામિની ફરી ગાઢ ઊંઘમાં સરી પડે છે. વાર્તા અહીં પૂરી થાય છે. સૌદામિનીનો અર્થ થાય છે વીજળી. વીજળી જેટલી ત્વરાથી બનતી ક્રિયાઓ અહીં આલેખાઈ છે. જેમાં સૌદામિનીનાં મનઃસંચલનો સ્વપ્ન પ્રયુક્તિથી આકારાયા છે. સ્તનપૂર્વક અને સૌદામિનીની સમગ્ર ગડમથલ જોડાયેલી છે પતિનાં હૃદય સાથે. પતિનાં આંતરડાં કાઢે છે અને સાથે આવે છે ભૂખનું દારુણ ચિત્ર. તે આંતરડા ફ્રીઝમાં મૂકે છે. અહીં સમાજમાં ફેલાયેલી ભૂખની દારુણ છબીની સહોપસ્થિતિ સૌદામિનીનાં મનઃસંચલનોની ક્રિયા-પ્રતિક્રિયા છે. જે પ્રતીકાત્મક શૈલીએ સ્વપ્નપ્રયુક્તિ દ્વારા વાર્તા ઘડાય છે. જેમાં કોઈ સીધો ગર્ભિત સૂર પકડવા જઈએ તો બિભત્સ કહી શકાય, તેની પરાકાષ્ઠાએ સંવેદનનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. સ્તનપૂર્વકને અંતે પુત્રનો હાથ સૂચક રીતે જ માની છાતી ઉપર દર્શાવાયો છે. જે બાળકને દુનિયામાં મળતી હૂંફનું તેના પોષણનું પ્રતીક છે, તેની દુનિયાનો આધાર છે અને એ કોમળતાની પાછળ છુપાયેલા હૃદયની મમતા પોતાના બાળક સુધી સીમિત ન રહેતા જગતની ગરીબી, ભૂખ સુધી સંવેદનાત્મક રીતે જોડાયેલી અહીં ઊપસી આવે છે.

GTVI Image 107 Stanpurvak.png

‘બાઉને અડકવાની ભૂલ’ બીજી વાર્તા છે. અહીં પણ રમેશ પારેખે ગતિચિત્ર દોર્યું છે. કથક બે-એક વર્ષનો છે. પ્રથમ પુરુષમાં વાર્તા છે. નાનકડા બાળકને અડકવાની ઇચ્છા ભૂલ બની જાય છે. નાનકડા બાળકને અડતા હાથમાં આવી જાય છે દાદાજીની મૂછો. અહીં પણ વિરોધાભાસ ઊભો કર્યો છે. નાનકડા બાળકને, કુમળાશને અડકવું હતું અને હાથમાં આવે છે બરછટતા. દાદાજીની મૂછો સાથે મોટો થતો બાળક, પોતાને પણ મૂછો આવે છે અને સાંભળતો બંધ થઈ જાય છે પોતાના અતીતને! જ્યારે દસમામાં ભણતો મિત્ર અતિવ સામે સાયકલ લઈને મળે છે ત્યારે એને ઘણી વિનવણી કરે છે કે પોતાને મૂછોથી છોડાવે. પણ મૂછો છૂટતી જ નથી. અને અહીં પણ બાળપણથી વયોવૃદ્ધિ તરફની ગતિ દ્વારા છૂટતી જતી સંવેદનસભરતાની, ગતિમાન વયોવૃદ્ધિની છબી આલેખી છે. ત્રીજી વાર્તા છે, ‘નદી નદી રતિ ક્યાં?’ પ્રશ્નાર્થ વાક્યમાં છુપાયેલું ભોળપણ એ સર્વજ્ઞ કથકે જોયેલું રતિનું ભોળપણ છે. સર્વજ્ઞકથક એ જાણે રતિની આસપાસની પ્રકૃતિનું જીવાતુભૂત તત્ત્વ છે જે રતિને અનુભવે છે. આ વાર્તામાં લેખકે ઘટના લીધી છે ઘટનાનું વિઘટન પ્રથમ બે વારતાની સરખામણીએ ખપ પૂરતું છે, ઓછું છે. અહીં કથાનો-ઘટનાનો આધાર માત્ર નથી લીધો પરંતુ ઘટના જ કેન્દ્રમાં છે. અને તેની સમાંતરે મૌન રતિનું ચિત્ર આલેખ્યું છે. પ્રથમ રતિની નૈસર્ગિકતા, પ્રકૃતિ સાથેનો અનુબંધ અને અંતે સાંપડતી પાશવી વૃત્તિનો ભોગ બન્યાની વિફળતાભર્યો અંત. નદીને જોઈ મોટી થતી-થયેલી રતિમાં પણ નદી છે. નદીની પ્રવાહિતતા, નદીની નિશ્ચલતા રતિ અને નદીની સહોપસ્થિતિ સાથે પ્રકૃતિ અને પાશવી વલણનું ચિત્ર અહીં લેખકે આકાર્યું છે. ચોથી વાર્તા છે ‘ચાબુક વિનાની ક્ષણ’. આ વાર્તા બે પરિમાણથી લખાઈ છે. કથનકેન્દ્ર છે રાવબહાદુર અને તેની હવેલી. પ્રથમ પરિમાણ છે રાવબહાદુર કે જે હવેલીમાં બેઠા બેઠા લખી રહ્યા છે. હવેલીમાં જીવી રહ્યા છે. અહીં પણ કપોળકલ્પન છે જેમાં બે ઢીંગલી, ઘોડો અને સૈનિક, અને સિંહ પ્રતીકાત્મક રીતે રાવબહાદુર પાસે વારાફરતી આવે છે. અને પ્રથમ પરિમાણ સંકેલાય છે બીજા પરિમાણમાં ગાઈડ, હવેલીનો ઇતિહાસ યાત્રીને બતાવી રહ્યા છે. અને સૂચક રીતે જ ઝરૂખો બતાવી બારેમાસ હરિયાળી નિહાળતા રાવબહાદુરનો ઉલ્લેખ કરે છે. યાત્રી કહે છે, ‘બારેમાસ કઈ રીતે હરિયાળી રહે?’ અને ગાઈડ કહે છે કે, સાચું; અહીં બારેમાસ તો શું? એકેય માસ હરિયાળી નથી હોતી. કપોળકલ્પનથી મઢેલી આ વાર્તા, રાવબહાદુર પણ કોઈ હતું કે કેમ? એ પ્રશ્નાર્થ સાથે વાર્તા સંકેલાઈ જાય છે. રાવબહાદુર પોતે જ કલ્પનાનો વિષય બની જાય છે. પાંચમી વાર્તા છે, ‘નદી ઉર્ફે સદી ઉર્ફે કદી’ સદી અને કદીને નદી સાથે જોડી પ્રાસ સાધ્યો છે એ તરસનો પ્રાસ છે. કદીથી સદી કે સદીથી કદીના આરોહ-અવરોહે જીવન સાથે તરસની ઉત્કંઠાનું બયાન છે. અહીં પણ કોઈ સીધું કથાનક નથી. છઠ્ઠી વાર્તા છે, ‘એક કદાચ રંગની કદાચિકા’. કદાચ ને રંગ કહ્યો છે, ત્યાં ન અટકતા કદાચિકા કહી રૂપ આપ્યું છે. કદાચને લાગેલો ‘ઇકા’ પ્રત્યય લાવણ્યને સૂચવે છે. કદાચ એટલે કે જે વાસ્તવ નથી તે કલ્પના. કલ્પના હંમેશા લાવણ્યમયી હોય છે કલ્પન ક્યારેય બેરંગ નથી હોતું. માટે કદાચ ને રંગ કહ્યો છે. અને વાર્તાની શરૂઆત થાય છે “...ત્યારની આ વાત છે”થી. પુરાણકથાના પરંપરાગત સૂરમાં પ્રાર્થનાને હથિયાર કહી પ્રકાશના અભાવમાં તેના ઉપયોગની વાત કરી વાસ્તવનું આધુનિક સમય સાથે અનુસંધાન સાધે છે. કદાચ નામના શબ્દથી ખરેખર નામના શબ્દના ઝળહળાટની, વાસ્તવની ઓથે આ દંતકથા છે. સાતમી વાર્તા ‘તું શમિતા નથી, તારું નામ શમિતા નથી’ ટ્રેનના ડબ્બામાં કથક બેઠો છે, અને અચાનક પ્રેયસી શમિતા પાસે પહોંચી જાય છે, શમિતાનો એક અર્થ શમિત કરે તે થાય. શમિતથી શાંતિ ઉત્પન્ન થાય ને કથક બેઠા છે જ્યાં ખૂબ જ ઉકળાટ છે એવા વાતાવરણમાં. બાહરી વાતાવરણની વિચલિત અવસ્થા એ આંતરિક વાતાવરણ સાથે જોડાયેલી શમિતા સાથે આદરેલી ગુફતેગો કે જેમાં કથકના અંતરંગથી બહિરંગી, સર્વે ઉકળાટ ધીરે ધીરે ખૂલે છે, ખરે છે. કથક દ્વારા શમિતાનાં શમિતા સ્વરૂપે સ્વીકારથી અસ્વીકાર સુધીની સફર એટલે ‘તું શમિતા નથી...’ વાર્તા. ‘ઓળખવું ઓળખવું ને હાથ’ રહસ્યમય શૈલીએ લખાયેલી આઠમી વાર્તા છે. ડી.જી. વારંવાર શુ નામની પોતાની પ્રિયતમાનું ખૂન કરે છે, વાર્તા પાછા પગલે ભૂતકાળ તરફ ગતિ કરતી હોય એમ સમય આલેખન થયું છે. ને શુ નામની કોઈ સ્ત્રી દુનિયામાં હોતી જ નથી. કલ્પનામાં રાચતાં માનવમન સાથે ડી.જી.નું આલેખન લેખકે કર્યું છે. ધીમે ધીમે પોતાના હાથ એ ખોઈ બેઠો છે. પોતે જ્યાં છે ત્યાં લઈ લેવામાં આવ્યા છે. કલ્પનામાં જોવાતી વાસ્તવિક જીવનની જિજીવિષા એ વાસ્તવ જીવનમાં મળેલી પરાધીનતાનું પરિણામ બની રહે છે અને માત્ર હાથ નહિ, મનુષ્ય જીવનની અણમોલ વસ, – સ્મૃતિ પણ એ ગુમાવી બેસે છે. ‘ચોથો પુરુષ બહુવચન’ વાર્તાનું શીર્ષક જ વાર્તાના સૂરને ખોલી આપે છે, વાર્તામાં કથનની જે રીત છે એમાં લેખકે પ્રયોગ કર્યો છે અને એને આધારે એમનું કથ્ય અહીં પ્રગટ થાય છે. ભાષામાં સામાન્ય રીતે ચોથા પુરુષ બહુવચન જેવી કોઈ વ્યવસ્થા જ નથી. અને વાર્તામાં ઘટતી ઘટનામાં પહેલેથી છેલ્લે સુધી મોટેભાગે વાક્યને અંતે આવે છે પછડાવું, પડવું, દેખાવું, ઘુમરાવું, હોવું વગેરે.. વાર્તાની વ્યંજના તેના લેખનમાં લેખકે વણી છે. વાર્તા એટલી બધી સંકુલ વાક્યરચનાઓમાં મૂળ સૂરને પણ વધુ સંકુલ બનાવે છે. ‘બનવું’ વાર્તામાં મુખ્યત્વે ભવિષ્યકાળ કેન્દ્રમાં છે. બીજા પુરુષ કથનકેન્દ્રમાં આખી કથા કહેવાઈ રહી છે નાયકને. નાયિકા ચિત્રા નાયકથી છૂટી પડી જાય અને ઊભી થતી પ્રતીક્ષા અહીં માણસની ‘બનવું’ સાથે જોડાયેલી ભવિષ્યની અપેક્ષાને અભિવ્યક્ત કરે છે. અંતે એક કથા અંતર્ગત કથા પ્રયુક્તિ યોજી રાજકુમારની વાર્તા મૂકી છે, જે સંકુલતાપૂર્વક કહેવાયેલી આ વાતને વધુ ઘટ્ટ કરે છે. ‘જમીનદારછાપ ગાંજાની સિગારેટ’માં હરનામસિંહ નામનું પાત્ર વ્યક્તિ નથી પરંતુ, હરનામસિંહના નામના વ્યક્તિ પછી રહી જતા વિચારનું કલ્પન છે. તો ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ અને ‘બુધબાવની’માં અભિવ્યક્ત થતો કટાક્ષ ધ્યાનાર્હ છે. તો ‘એ તે કેવો રોગ છે ડૉક્ટર?’માં મનોવૈજ્ઞાનિક અભિગમથી વ્યક્તિના મનઃસંચલનોને તાગતો સૂર અભિવ્યક્ત થયો છે. ‘જમીનદારછાપ ગાંજાની સિગારેટ’, ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ અને ‘બુધબાવની’માં ગ્રામ્યબોલીનો પ્રયોગ કર્યો છે. જેમાં ‘જમીનદાર..’ અને ‘બુધબાવની’માં દુહા છંદ શૈલીમાં કાવ્ય વિનિયોગ કર્યો છે. જેમાં જમીનદારમાં સ્ત્રીમુખે ગવાતા મરસિયાથી વાણીની તિર્યકતા વધુ ઘટ્ટ બને બને છે. તો એવું જ ‘બુધબાવની’માં પ્રયોજેલ દુહાઓમાં જોવા મળે છે. રમેશ પારેખની વાર્તામાં પ્રયોગશીલતા સાથે કવિતા છે. જેમાં વાક્યરચનાઓ વાર્તાનું સૌંદર્ય નિખારે છે. વાક્યોમાં રહેલી સંકુલતા રમેશ પારેખની દરેક વાર્તાઓની સંકુલતાનું જમા પાસું છે. સંકુલતા વાર્તાની કાવ્યાત્મકતાને વધુ કલાત્મક બનાવે છે. માનવમનની વિભિષિકાના દારુણ કરુણ ચિત્રો માનસપટ પરથી સંવેદનસભર શૈલીએ ઊપસી આવ્યા છે. જેમાં કટાક્ષ, વ્યંગની આડશે રહેલું કારુણ્ય પણ પૂરી સંવેદના સાથે આલેખાયું છે. આ સિવાય એમની એક મહત્ત્વની વાર્તા છે ‘ચૂડ’. જે આ સંગ્રહમાં નથી પરંતુ સામયિક ‘ગદ્યપર્વ’ સળંગ અંક : ૨, વર્ષ જુલાઈ ૧૯૮૮માં પ્રગટ થઈ હતી. ચાલુ વર્તમાનકાળમાં બનતી એક ઘટના અને સાથે સહોપસ્થિતિ સાધતી ભૂતકાળની ઘટનાની ચૂડ વચ્ચે ફસાતા, ચૂડ અનુભવતા કથકની આ કથા છે. રાત્રીના અંધકારમાં સહસા ટ્રેન બંધ પડી ગઈ છે. ડબ્બામાં અંધકાર, ભરચક ભીડ વચ્ચે અસહાય કથક અને મનમાં ઉભરાતા ભૂતકાળ સાથે ખેંગાર અને રાણીનું કરુણ દામ્પત્યજીવન. ધીરે ધીરે ટ્રેનમાં બનતી ઘટનાઓ દ્વારા ખેંગાર સાથેના ભૂતકાળના સ્મરણો, તેનું પાત્ર ખૂલતું જાય છે અને ખેંગારની વાતમાંથી રાણીનું પાત્ર ખૂલતું જાય છે. રાણી ખેંગારની પત્ની છે, ખેંગારથી અસંતુષ્ટ રાણી એ હદે એનાથી ત્રાસી ગઈ છે કે પતિ મૃત્યુશૈયાના મુખે અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય છે અને તેવા સમયે તે પોતાની શારીરિક ભૂખનો શિકાર કથક નાયકને બનાવે છે. ત્રણ પાત્ર દ્વારા ત્રણ પરિમાણથી આ વાર્તા ઉકેલાતી આવે છે, દરેક પાત્રની પોતાની એક મનોદશા અભિવ્યક્ત થાય છે. ત્રણ પાત્ર દ્વારા ત્રણ પરિમાણથી જીવન સાથે જોડાયેલી, અસહાય પરિસ્થિતિઓનો શિકાર બની જતી જિંદગીઓના અનુભવની આ કથા છે ‘ચૂડ’. ‘સ્તનપૂર્વક’ સંગ્રહ અત્યારે અપ્રાપ્ય છે ત્યારે આધુનિક વાર્તાસાહિત્યમાં નવી આવૃત્તિમાં ‘ચૂડ’ વાર્તા સમાવવામાં આવે એ અપેક્ષિત છે. કારણ કે આવી ઉત્તમ કૃતિ કોઈ સામયિક સાથે જે તે સમય પૂરતી મર્યાદિત રહે તે વાર્તા સાથે અન્યાય લેખાય. આ સાથે જ આ વાર્તાઓ ઉપર કોઈ અભ્યાસલેખ પણ એટલા થયા નથી. જ્યારે દરેક વાર્તા સઘન અભ્યાસને પાત્ર છે. માત્ર બે લેખ બે વાર્તાને લઈને મળ્યા છે (‘નદી ઉર્ફે સદી ઉર્ફે કદી’ – વિજય શાસ્ત્રી. જે ‘સ્તનપૂર્વક’ સંગ્રહમાં અંતે સમાવાયો છે. અને ‘ચૂડ’ માનવનિયતિની વિસંગતિ – જયેશ ભોગાયતા, જે ‘સંક્રાંતિ’ (૧૯૯૪) સંપાદનમાં સમાવાયો છે. આ સિવાય પણ ‘સ્તનપૂર્વક’ વાર્તાસંગ્રહમાં હરીન્દ્ર દવે, લાભશંકર ઠાકર અને રમેશ પારેખની કેફિયતમાં વાર્તાઓ વિશે સરસ નિરીક્ષણો છે પણ અત્યારે પુસ્તક અપ્રાપ્ય હોવાથી હું એ નિરીક્ષણો સુધી પહોંચી શકી નથી. જેમાં વાર્તાનો સઘન અભ્યાસ વાર્તાસાહિત્યની કલાકીય ગરિમાને આલેખી આપે છે. આધુનિક ટૂંકીવાર્તાનાં ઇતિહાસમાં મહત્ત્વનું યોગદાન આ વાર્તાસંગ્રહ ગણી શકાય. તેથી તેની પુનરાવૃત્તિ અપેક્ષિત છે.

રિદ્ધિ પાઠક
(SRF સ્કોલર)
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન,
ભાવનગર