અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શાહ/ધોવા નાખેલા જીન્સનું ગીત

From Ekatra Wiki
Revision as of 05:23, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધોવા નાખેલા જીન્સનું ગીત|ચંદ્રકાન્ત શાહ}} <poem> મળે ડાબા ખિસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધોવા નાખેલા જીન્સનું ગીત

ચંદ્રકાન્ત શાહ

મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ,
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલું એવું કંઈક.
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ,
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઈક.
રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચ્છાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું ડેનિમ આકાશ,
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનવૉશ ધોઈ કરી
લેધરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ.
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધધધધ રેતીનો દરિયો
દરિયાને તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની મેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈક.
ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ–અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ અૅન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું.
કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લાં મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લૅસ્સોમાં હંમેશાં વીંટાતો–ખીંટાતો હું
પછી હંડ્રેડ અૅન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું.
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઈ. એસ. આઈ. માર્કવાળું, એગમાર્ક છાપ
મને ફિટોફિટ થાય તને અપ ટુ ડેટ લાગે, બહુ બેગી ન હોય,
એવું પણ આપણું જ મળવું.
વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ મેં જે ચોરી લીધેલ હોય એ બધું.
પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ,
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી, સ્ટૅર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઈક.
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો કે એવું કંઈક.
(ટૂંકાવીને)