અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિજય રાજ્યગુરુ/દુર્ગ ઊભો છે હજી

Revision as of 05:29, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દુર્ગ ઊભો છે હજી |વિજય રાજ્યગુરુ}} <poem> ગત સમયમાં પગ ઝબોળી દુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દુર્ગ ઊભો છે હજી

વિજય રાજ્યગુરુ

ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,
સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી.

ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો,
આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી.

હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે,
યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી.

ગામ, તૂટી ભીંતમાંથી બ્હાર ફેલાઈ ગયું,
આંખને કરતો પહોળી દુર્ગ ઊભો છે હજી.

સાચવે છે અંગ પર એ તોપગોળાના જખમ,
કાંધ પર લઈ જીર્ણ ડોળી દુર્ગ ઊભો છે હજી.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૫, સંપા. રમણ સોની, ૧૯૯૮, પૃ. ૭૨)