અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંસ્કૃતિરાણી દેસાઈ/સંતાકૂકડી
સંતાકૂકડી
સંસ્કૃતિરાણી દેસાઈ
એક દિવસ એક વિચાર સાથે વાતો કરતી હતી
ત્યાં તો અદૃશ્ય થઈ ગયો એ વિચાર.
દરેક રૂમમાં દોડી ગઈ તેને શોધવા
ઠેસ વાગી ને ગબડી હું
પહોંચી હતી હું કોઈ જુદી જ જગ્યાએ
ઊભો હતો એ તોફાની હાસ્ય સાથે,
પહોંચી હતી હું કોઈ જુદા જ જનમમાં.
કાન પકડી ઝાલી લાવી હું, પેલા તોફાની વિચારને
ત્યાં કો એક દિવસ ફરી એક બીજો વિચાર ગુમ.
શોધખોળમાં પહોંચી ગઈ હું પેલા બીજા જનમમાં.
પણ ન મળ્યો પેલો વિચાર.
તપાસ કરવામાં પહોંચી ગઈ હું કોઈ ત્રીજા જ જનમમાં
ત્યાં મલકી રહ્યો હતો તે, મારી સામે.
ગમ્મત પડી ગઈ મને
એક જનમમાંથી બીજા જનમમાં જવાની
ફરી વળી અનેક જનમોમાં.
એક જનમમાંથી બીજામાં જતાં આવડતું હોય
તો કેટલી મજા પડે
સંતાકૂકડી રમવાની!