અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સોનલ પરીખ/કવિતાનો શબ્દ

From Ekatra Wiki
Revision as of 08:30, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતાનો શબ્દ |સોનલ પરીખ}} <poem> કવિતાનો શબ્દ ક્યારેક કૂકરની બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિતાનો શબ્દ

સોનલ પરીખ

કવિતાનો શબ્દ
ક્યારેક કૂકરની બે વ્હિસલ વચ્ચે પણ
મળી જાય છેઃ
ક્યારેક અડધી રાતે
આકાશના તારા જોતાં જોતાં
જાગ્રત થતી જતી ચિંતનની પળોમાં
પણ નથી મળતો
ઉજાગરો કેમે કર્યો નથી ફળતો
ને પછી
અર્ધનિદ્રિત શેષરાત્રિની જાગતીસૂતી અવસ્થામાં
ગર્ભમાંનું બાળક
હળવેથી કૂણા કૂણા હાથપગ હલાવે
તેમ ધીરેથી મારી અંદર ફરકી
જગાડે છે મને...

કપડાંની ઘડી કરતાં અને ઉકેલતાં
કોણ જાણે કયા સળમાંથી નીકળી
તોફાની આંખો મીંચકાવી
છુપાઈ જાય છે ક્યાંક કોઈ બીજા સળમાં
ને ક્યારેક
ધાણીની જેમ મગજને ફોડી નાખતા
વિચારોની ધડાપીટ વચ્ચે તે ઊભો હોય
શાંત, વિસ્મયપૂર્ણ, નિષ્પાપ.
કવિતાનો શબ્દ
કંઈ ન કહીને
મને કહી જાય છે એ બધું જ —
— જે મારે મને કહેવું હોય છે
જેને મારે સહેવું હોય છે
જેમાં મારે વહેવું હોય છે
અને એ પણ,
જેને મારે ખંખેરવું હોય છે.
નવનીત-સમર્પણ, જાન્યુઆરી, પૃ. ૨૧