૧૯૪૨ના છેલ્લા આઝાદી જંગમાં પ્રલયપૂરના પ્રવાહમાં તરણુંયે તેના વેગમાં અનાયાસ સફર કરે એમ હું પણ વહ્યો અને સાબરમતી જેલમાં, એક અદ્દભૂત જીવંતતા ગુજરાત સમસ્ત વચ્ચે આવી રહેવાનો અદ્દભૂત સાક્ષાત્કાર, ત્યાં ગુજરાતભરના સત્વશાળી પ્રતિનિધિઓને સરકારે અનાયાસે, પોતાના જાહેર હેતુની વિરુદ્ધ ભેગા કર્યા હતા. ત્યાં છ માસની કહેવાતી જેલ પણ વાસ્તવમાં રાષ્ટ્રીય શિબિર- વેકેશન કેમ્પમાં રહેવાનો અવસર મળ્યો. અખબાર તો વિશ્વયુદ્ધ અને આઝાદીજંગની સ્થિતિ, ગતિ માટે તરસભેર વાંચી જ લેતો. એક નાનકડા સમાચાર હતા. મહાગુજરાત ગઝલમંડળની સ્થાપનાના, તેના મહામંત્રી અમીન આઝાદ, નવાપરા કરવારોડ પર સાઇકલ રિપેરિંગની દુકાન. તે મંડળની ઑફિસ (!). જેલમાં ગાંધીવાદ, સમાજવાદ, સામ્યવાદના જ નહીં, કદાચ સાહજિક ઊંડી તરસથી કાકાસાહેબના નિબંધોથી માંડી ‘જીવો દાંડ’ સુધીનાં પુસ્તકો ભૂખી આંખે શેરડી ‘છોડું’, બને ત્યાં સુધી ચુસાય એવી ભૂખ, તરસ અને સ્વાદે વાંચેલાં. કાવ્યસંગ્રહ એકે નહીં, પણ મેઘાણીનાં ગીતો તો ગવાય અને શયદાની એકમાત્ર કંઠસ્થ ગઝલ હું પણ ગાતો. બસ, આટલો જ મારો ગઝલસ્પર્શ, સંસ્કાર. કોણ જાણે કઈ પ્રેરણાથી અમીન આઝાદની દુકાને કારખાનેથી છૂટી લૂસ લૂસ કોળિયા ભરી, પાણી પી રોજિંદા સામાન્ય વેશે પહોંચ્યો ત્યારે અમીન આઝાદ પણ મારા કરતાં સહેજ સારા વેશમાં. ક્ષોભ વિના મળ્યો, વાત થઈ. ગઝલ જાણતો નહોતો, વાર્ષિક ફી ત્રણ રૂપિયા. ચાર તાકા વણું તો ત્રણ રૂપિયા હાથમાં આવે, તે તો ઘરે આપી દેવાના! વગર ફી ભર્યે સાંજ પછી પેલી દુકાને દરરોજ જવાનું થયું. ફાઇલાતુન મફાઈલૂનમાં કંઈ સમજ ન પડે. ઝારની ‘શાઈરી’ સટીક છંદશાસ્ત્ર વાંચીને, વ્યાકરણ તો ભણેલો નહીં, એટલે કદી માથું ઊંચુ ન કરી શકું એવા ધાકમાં આવી ગયો, પણ અમીન આઝાદ ટેબલ પર ટકોરા મારતા ધીમા સાદે ગાય, કહે આ છંદ આમ છે. ખોટા દાખલા જેવું લખાય, રાતના ઉજાગરે તેમાં જીવ ન આવે. અમીન આઝાદના મંદગાને ગઝલનાં માપ, છંદ બે લઘુ એક ગુરુ થઈ શકે એવું વિરલ જ્ઞાન પ્રાપ્ત થયું અને મંડળના બીજા મુશાયરે બંદા સ્ટેજ પર! ‘પિતાની કુહાડી લઈ બાળ નાનો’ ભુજંગી છંદના સંસ્કાર ઉરુઝમાં એ જ છંદ એના છૂટાપણા અને મત્લા, મક્તા, પ્રાસ અને રદીફ સાથે. ‘તને શું, મને જે ગમે તે કરું છું!’એ પંક્તિ પર જાહેર મુશાયરો. મથામણે ગઝલ લખી અમીન આઝાદની દોરવણીએ મઠારી, ક્યાંક એમણે ઇસ્લાહ કરી. જેલમાં બેફામ ચર્ચામાં ભાગ લીધેલો, પછી તો આ નફ્ફટે સીધા સંબોધન આપેલાં, ચર્ચાઓમાં આંધળા ભીંત થઈ ઝુકાવેલું અને શ્રોતાય મેળવેલા એટલે સ્ટેજ પર પગ તો ન ધ્રૂજ્યા એનો એક શેર:
દશા જોઈ મારી હસે છે દિશાઓ,
કે મંજિલ છે સામે ને પાછો ફરું છું!
ઉમાશંકરભાઈએ પુસ્તકની પ્રસ્તાવનામાં ટાંકેલો વાંચ્યો ને સ્તબ્ધ થયો. અમીન આઝાદના રોજિંદા સત્સંગ, ત્યાં ભરાતી શાયરોની મહેફિલ, ઉગ્ર, ક્યારેક સ્તબ્ધ કરી નાખે એવી ગઝલ અને ઉરૂઝની ચર્ચાઓ. શંકરપાર્વતીનો સંવાદ સાંભળનારો શુક, શુકદેવ થઈ ગયો એ ઘટનાનું જ જાણે મારે માટે પુનરાવર્તન થાય. એ સાંકડી દુકાન કૉફીહાઉસ કહો તો તે અને સુરાલય કહો તો તે. ત્યાં અનાયાસ સુરત બહારના શાયરોનાય અવારનવાર દર્શન, સત્સંગ થાય. ગુજરાતી મુશાયરા અને ઉ. જો. જેને ‘નવી ગઝલ’ કહે છે તેની જન્મસ્થળી એ સાંકડી દુકાન કહી શકાય. આટલી ભૂમિકા પછી મારે વાત તો કરવાની છે ઉસ્તાદ અમીન આઝાદની. મૂળે તો એ આરબ. મૂળ વતન યમન. દાઊદી વહોરા કોમના વડા ધર્મગુરુ સુરતના, વસે પણ સુરત, મુલ્લાજીની દેવડી પર હવે તો અહીં અરબી યુનિવર્સિટી ચાલે છે, પણ ત્યારે તો મદરેસા જ હતી. મોટાભાઈ અરબી ભાષાના પાયાના શિક્ષકરૂપે કુટુંબસહ સુરત આવી વસ્યા. અનાથાવસ્થામાં, ગરીબીમાં એમનાં માતાએ એમને ઉછેરેલા. ઘરમાં અરબી ભાષા જ બોલાય, ક્યારેક વહોરાશાહી ગુજરાતી. પ્રાથમિક શિક્ષણ આ અમીન કહેવાતા તાહેરભાઈએ અરબી શાળામાં લીધેલું. ગુજરાતી શાળામાં ભણવા માગતા હતા, પણ એ શક્ય બન્યું નહીં. શિષ્યવૃત્તિ મેળવવા જેવી પહોંચ નહીં, તોયે કુટુંબની ઈચ્છાની ઉપરવટ અદમ્ય આંતરિક ઇચ્છાથી એ મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. ત્યાં વર્નાક્યુલર ફાઈનલનું સાતમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. આમ ગુજરાતી સહિત અંગ્રેજીનુંય થોડું શિક્ષણ મળ્યું. મારા મોટાભાઈ એ જ શાળામાં વર્નાક્યુલર ફાઇનલ સુધી ભણેલા અને જરીના વેપારી અંગ્રેજીમાં આવેલો કાગળ વિદેશ કે બર્મા રવાના કરવાનાં પાર્સલો પર, પત્રો પર સરનામાં કરવા એમને બોલાવે એ અહીં સાંભરે છે. દેશી નામુંયે જાણે! સારી સ્થિતિના, ઉચ્ચ મધ્યમ વર્ગના દાઊદી વહોરા ત્યારે ઊંચા કહેવાતા ધંધા, દુકાનો કરે અને લોખંડનો વેપાર, ધંધા સાથે ડૉક્ટરો, દવાના સ્ટોરો ચલાવે, પણ દક્ષિણ ગુજરાતનાં ગામડે ગામડે તાળાકૂંચીવાળા તો વહોરાજી જ હોય. નહીં ખુલતી, હાથીના મદનિયા જેવી, નહીં ખૂલતી લોખંડની જાડીલક ઊંચી તિજોરી તાળા કૂંચીવાળા વહોરાજી જ ખોલી આપે. નવી ચાવીય બનાવી આપે. સાઇકલ અને પ્રાઇમસના રિપેરર પણ સામાન્ય સ્થિતિના વહોરાજી! તાહેરભાઈ સાઇકલ રિપેરિંગ શીખ્યા અને સુરતના સારા મધ્ય વિસ્તાર નવાપરા કરવા રોડ પર બે ગાળાના સોની કુટુંબની માલિકીના છેડેનો ભોંયતળિયાનો રૂમ ભાડે લઈ સાઈકલ રિપેરિંગની વર્કશોપ વત્તા દુકાન ખોલેલી. અમીન આઝાદનો કંઠ અનુપમ અને સ્વર તો આપણા ચિત્તમાં ગુપ્ત રહેલી કેટલીક સુપ્તતા જાગે, પ્રેરે, મુગ્ધ કર્યા પછી ઉદ્દામ જોશીલો ભાવ જન્માવે. એમનું કાવ્યગાન શ્રોતાઓને મુગ્ધ કરે એવું નહીં, કાવ્યના ઉદ્દામ ભાવનોયે એમનામાં સંચાર કરાવે. દાઊદી વહોરાઓમાં ખાસ તો મોહરમમાં મરસિયા—ગાનની મિજલસો યોજાય. અનીસ અને દબીર ઉર્દૂના — પ્રેમાનંદના આખ્યાન કાવ્યોને સંભારી આપે, સજીવ વર્ણનપ્રસંગને જીવંત કરી શ્રોતાઓને વિષાદ, કરુણમાં ડુબાડવા સહિત શિયાઓની આંખમાંથી આંસુ ટપકાવે એવા પ્રભાવક છે. એવી કાવ્યકોટિનાં છે. તે સિવાય ધાર્મિક મિજલસ, આપણે ભજન મંડાવીએ એમ, યોજાય. મોટાભાઈ તો અરબીના શિક્ષક. ધર્મગુરુ-સ્કૂલના અને અમીન વિશેની જાણકારી એટલે અમીન એટલે કે તાહેરભાઈની મિજલસ ગોઠવાય અને મરીઝ પણ સુરતના. એમનો કંઠ સુરીલો નહીં, યાદદાસ્ત તો અદ્દ્ભૂત. એક પછી એક ઉર્દૂ ગઝલ બે કલાક સુધી બોલતાં તો અમે અમીનની દુકાને રાત્રે એમને સાંભળ્યા છે. મિજલસ પતે, વિખેરાનારા વિખેરાય પણ એક જુવાન મંડળી બેઠી હોય તે અમીનભાઈ પાસે ઉત્તમ ઉર્દૂ ગઝલો ગવડાવે, મરીઝને તો માત્ર બોલવાનું હોય. અમીનભાઈને મૂળે કોઈ લોભ કે કાવ્યરસ સિવાયનો રસ નહીં, એ જ કાવ્યરસે એમને ગઝલ લખતા કરેલા અને વર્ષો પહેલાં રાંદેર મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળે કરેલા મોગલ-દરબારી ધોરણે યોજાયેલા મુશાયરામાં ભાગ લીધેલો. તેઓ ઉર્દૂ ગઝલ લખતા પણ એ પછી આડપેદાશ થઈ ગઈ. બેકાર તો ફરંદા. ડિપોર્ટી એટલે શાળાઓની વિઝિટે શહેર, કસબા, ગામોની નિશાળે વિઝિટ લેવા ફરે. મહાગુજરાત ગઝલ મંડળની ઑફિસ કે જીવતું કાર્યાલય સાઇકલની દુકાન! સંખ્યાબંધ ઉમેદવાર શાયરો, મારા જેવા આવતા હોય. મારા જેવા સાથે તો સાઇકલની ટ્યૂબ સાંધતાં વાતો કરે એટલો આત્મીય સંબંધ, પણ કોઈ કોઈનો સામાજિક દરજ્જો ઊંચો હોય. ઈન્દ્ર પાઠક; તો કલેક્ટર કચેરીમાં હેડ કર્મચારી, પછીથી તે સુરતના કલેકટર થયેલા. એમણે મારા વિષે રમૂજ કરેલી. ‘છ મહિનાનું બાળક ગાતું થઈ ગયું’, એવા જ ખાનદાન કુટુંબના ઉત્સાહી યુવાનો પણ આવે. અરે એ નાની દુકાનમાં ઝવેરચંદ મેઘાણીનાં ‘પગલાં’ પણ થયેલાં. મસ્તહબીબ, હઝી રાંદેરી જેવા પાકટ, પણ ઉરૂઝ અને ગઝલના અભ્યાસુઓ અમને ને ખુદ અમીન આઝાદને હંફાવતા હોય. એ ગઝલની સ્કૂલ પણ હતી અને મલ્લોનો અખાડો પણ હતો, પણ મરીઝ આવે ત્યારે ટેબલ પર ફાનસ, એક માણસના મુશાયરાની મોગલકાલીન મુશાયરાની શમાં બની જાય. મરીઝ હોય એટલે એ એક સાકી અને એક મયપરસ્તનું મદિરાલય અને હું ઝાંપા બજારે મળતાં વિશિષ્ટ મોગલાઈ પાનને તેડી લાવનારો તેડાગર બની જાઉં. વાત લંબાય, રાત લંબાય ત્યારે હું ને અમીન આઝાદ કોઈ મોમેડન હોટલમાં જઈ બેસીએ. ત્યાંની સાક્ષાત્ થયેલી અનુભૂતિને, કમ પાની ચાયના સ્વાદને આળસુએ હજી નિબંધનું સ્વરૂપ કેમ નથી આપ્યું એવું પોતાની જાત પર જ આશ્ચર્ય થાય છે. કેટકેટલા—મોટા ભાગે હિન્દુ યુવાનો અને થોડાક વહોરા યુવાનો પણ ખરા—શાગિર્દોનો મેળો એ ખોલી જેવી દુકાનમાં. કમાણી ગણો તો એ જ. હોટલનું બિલ ચૂકવવા અમીનભાઈ પોકેટ ખોલે ત્યારે માત્ર રૂપિયા, રૂપિયાના મૂલ્યની ત્રણથી વધારે ચૂંથાયેલી નોટ ન હોય અને મારા ગજવામાં તો લીસી પાવલી પણ નહીં, તાહેરભાઈ—અમીન આઝાદ મુંબઈ પત્રકારત્વમાં ગયા અને રાતે વેણી કાર્યાલયના કોઈ કોરાખૂણે પથારી લંબાવી ઊંઘે અને એ ખુદ ‘છાયા’ અઠવાડિકના તંત્રી થયા ત્યારે પણ વહોરા મિત્રોની ક્લબે એમની પથારી હોય. પણ એ તો પછીની વાત. ત્રણ ભાઈઓમાં અમીન આઝાદ ત્રીજા, વચેટ ભાઈનીયે સાઇકલની દુકાન તાપીકાંઠાની સામેથી ગલીને મોખરે, તે સરસ ચાલે! બેલેન્સ ન હોય અને ખૂટતી ચીજ જોઈતી હોય તો ત્યાંથી મળી શકે. અલબત્ત, હિસાબ ચોખ્ખો, મુશાયરો આવે ત્યારે તો ગોકુળ નાનું પડે તેમાં ગનીભાઈ જેવાથી માંડીને વછેરા જેવા શાગિર્દોયે હોય.
મારું સર્જન એનું સર્જન થઈ ગયું,
મેં જ સર્જ્યા મારા સર્જનહારને!
આ શેર લખનાર અમીન આમ વ્યવહારવર્તને ખૂબ શાલીન. ન ગમતી દલીલ સાંભળે. એક કે બે શબ્દ બોલે અને હસે! પરંપરાવાદી શાયરો સાંપ્રતના પડઘા પાડતી એમની ગઝલ કે અલગ શેર વિશે સોહરાબ—રુસ્તમી કરે, પણ એ એમની ઉદ્યમ વિચારણા અને સ્વભાવ છેવટ સુધી રહ્યાં. એમની સામે શાયરીની કળારૂપે ગાલિબની શાયરી હતી તો સાંપ્રત સંદર્ભે જાણે જોશ મલીહાબાદી હતા. મારી રાજકીય વિચારસરણીઓ અને થોડી ધાર્મિક વિચારણાની ભૂમિકા હતી એટલે વિચારની ભૂમિકાએ અને સાહજિક સામાન્યતાએ સારો મેળ હતો. આમેય, અમે બંનેએ સૌથી વધારે સમય ગાળ્યો હતો. મોટાભાઈ ખૂબ શાલીન. જ્ઞાની તોયે વિનમ્ર એમણે પોતાના ગજે અમીન આઝાદને માપ્યા નહીં તેમ અમારા જેવાને પણ રખડુ,ભટકેલ, ઉછાંછળાં માન્યા. ન માન્યાનો પ્રશ્ન જ નહીં. એમનો મેળાપ બહુ ઓછો પણ ભદ્ર, શાલીન વડીલને મળ્યાની જ અનભૂતિ થાય. ઉદ્દામ વિચારણા છતાં અમીનભાઈમાં પણ એ સાલસતા અને સહિષ્ણુતા ન હોત તો મુશાયરાપ્રવૃત્તિ ગઝલ ગુજરાતના નકશાની છેલ્લી રેખા સુધી અંતરંગમાં વ્યાપી તે, પહોંચી ન હોત. એ ઘણું લખત, પણ મંડળની જવાબદારી, એની પ્રવૃત્તિને કારણે અદનાથી તે ટોચના શાયરો સુધીના સંબંધોનું સમયરોકાણ અને વિવિધ મિજાજના એક મોટા જૂથ સાથે મંત્રીપદના ધોરણે નહીં, પણ સૌને સહી લેવાની, મૈત્રીસંબંધ કેવળ ભદ્રવ્યવહારે જાળવી રાખવાના સ્વભાવને કારણે એકતા જળવાઈ રહી, મુશાયરા-પ્રવૃત્તિ, તે સાથે ગઝલ પણ વિકસતી, લોકો સુધી પહોંચતી રહી. તેઓ એવા એક સમાજના માણસ હતા, જેના પર સમસ્ત સામાજિક સ્વરૂપ પર ધર્મગુરુની એકચક્રી આણ વ્યવહારમાં પ્રવર્તતી હતી અને દાઊદી વહોરા પ્રગતિશીલ, સુધારક આંદોલન શરૂ થયું, હજીયે ચાલે છે, ત્યારેય એ જ આણ વ્યવહારમાં પ્રવર્તે છે. માત્ર વહોરા સમાજ નહીં, સમસ્ત સામાજિક માળખા અંગે એમના વિચારો ખૂબ જ ઉદ્દામ હતા એટલે ‘મારું સર્જન એનું સર્જન થઈ ગયું. મેં જ સર્જ્યો મારા સર્જનહારને એવા શેરથી માંડીને —
હજી જાફર અમીચંદોના વારસદાર બાકી છે,
ઘણા આ પાર બાકી છે, ઘણા તે પાર બાકી છે.
એવા એમના શેરો વિશે પરંપરાવાદી શાયરો મૂંગા ન થવાય પણ થાકી તો જવાય એવો ઉગ્ર વાક્ સંગ્રામ કરતા રહેતા. જેલમાં જઈ આવેલા પાસે કાચીપાકી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય વિચારસરણીની ભૂમિકા હતી તે સાથે પ્રશ્નો કરતું મન, પણ જીદ નહીં એટલે અમે એકબીજાની સૌથી નજીક, વ્યવહારે અને વિચારે સાથે રહ્યા. એમની લોકપ્રિયતા કોઈ માટે ભલે ઈર્ષાપાત્ર હશે, પણ એમની લોકપ્રિયતા કદી એમનો અહમ બની નહીં, એટલે એ પ્રિય અને સહ્ય રહ્યા. શયદા, બેકાર, ઘાયલ અને અમીન આઝાદ હાજર હોય એટલે મુશાયરાની સફળતાની ધરપત. ગનીભાઈ પણ એ સંઘમાં અવશ્ય જોડાય છે, પણ કોણ જાણે કેમ, પણ સાહજિક અને પ્રાયોજિત વચ્ચેની ભેદરેખા મારી અનુભૂતિ દૂર કરી શકી નથી.
છું એવો પ્રવાસ, મહોબ્બત છે સાથી,
હું જ્યાં જાઉં ત્યાં ભાઈચારો મળે છે:
કિનારેય તોફાન મળતું રહે છે,
ને તોફાનમાં પણ કિનારો મળે છે.
એમનો આ શેર સંઘર્ષ અને સમાધાનના અજબ સુમેળનો સૂચક છે. એમની ગઝલમાં વિષાદ હોય ત્યારે તે અંતિમ કક્ષાએ નથી પહોંચતો પણ એ વ્યક્તિ મટીને સમષ્ટિ સુધી વિસ્તરે છે ત્યારે એમનો ઉદ્દામ પ્રાણ ઊછળવા સાથે છલાંગ મારે છે. પોતાને ગૌણ, પોતાની સ્થિતિ, પરિસ્થિતિને જાણે સહ્ય અસહ્ય શબ્દોથી પર રાખે છે, પણ રાષ્ટ્ર કે સમાજ સામે આવે છે ત્યારે એ મુખરિત થયા વિના રહેતા નથી. એમની ગઝલમાં એવા શેર આવે ત્યારે તે જ મુશાયરામાં વધારે દાદ પામતા પણ શુદ્ધ ગઝલના સ્વરૂપવાદીઓ એમની સાથેના સંવાદમાં અસંમતથી તે વિરોધની સીમાએ પહોંચી જતા છતાં ‘રાત ચાલી ગઈ’ એ એમના ગઝલસંગ્રહમાં કેવળ ગઝલ જ મળે છે અને ઉદ્દામ ઘોષની સ્વતંત્ર ગઝલો થોડી, પણ મળે છે. એમ લાગે છે કે મને સંગ્રહ માટે ગઝલો આપી ત્યારે એમણે પોતે જ ઘણું બધું રાખી મૂકીને થોડુંક ગાળી નાખ્યું હતું. ઉર્દૂમાં પ્રગતિશીલ શાયરોનો સંઘ બન્યો અને ઉર્દૂ ગઝલમાં ગતિ અને માર્ગસૂચક માઈલસ્ટોન રચાયો એવું ગુજરાતી ગઝલમાં બન્યું નહીં, ગુજરાતી ગઝલના તબક્કા તો પડે છે, દરેક તબક્કાની હદ રેખા (અલબત્ત કોઈ પ્રવાહ અટકતો નથી.) જેમ કે, પરંપરિત ગઝલો આજે પણ લખાય છે, છતાં નવા પ્રવાહના પ્રસ્થાન પણ જોઈ, ચીંધી શકાય છે, દોરી શકાય છે. ગુજરાતી ગઝલમાં સૂરો એકજૂથ થઈને પ્રતિબદ્ધતા સાથે સંઘરૂપે, ઉદ્દામ સ્વરૂપે પ્રગટ થયા નહીં. આમ તો ગાંધીયુગમાં અમીન આઝાદ દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય કવિરૂપે પ્રગટ થયા હતા અને અસાધારણ આદર પામ્યા હતા. ત્યારના સ્વરાજયુગમાં ગાંધીજયંતીએ ઉજવણીના અવસરે એમનાં રાષ્ટ્રગીતોના કાર્યક્રમો યોજાતા. ‘ભારત મારો દેશ વિદેશી, ભારત મારો દેશ’ એમનું એ ગીત તો અંધ કવિ હંસના ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા’ જેવું અમીનભાઈની ઓળખ બની ગયેલું. એમનાં એવાં ગીતો, ગઝલનો સંગ્રહ ‘સબરસ’ નામે પ્રગટ થયેલો તેની નકલ તો હવે દુર્લભ છે. એમની શાયરીનો એ પૂર્વ પક્ષ અત્યારે દસ્તાવેજરૂપે મારી સામે છે, પણ હુંયે એમની સાથે જોડાતો એટલે ગાંધીજયંતીના ઉત્સવમાં ઉત્સુક મેદની સામે બુલંદ સૂરે પૂર્ણપણે પ્રગટ થતી એમની એ છબિ મારી નજરમાં તરે છે. પંક્તિ પરનો મુશાયરો પૂર્ણ થયે શ્રોતાઓ, વંદેમાતરમ્ ગવડાવાય એમ ‘ભારત મારો દેશ’ એ ગીત આગ્રહપૂર્વક ગવડાવતા. સુરતમાં પારદર્શક નિશ્ચલ ચરિત્ર હતું સાક્ષર મોહનલાલ પાર્વતીશંકર દવે. અમારા કેટલાક મુશાયરાનું પ્રમુખપદ એમણે શોભાવેલું અને પ્રત્યેક મુશાયરામાં મંચ પર હોય જ. એમનાં કવયિત્રી પુત્રી અને પૌત્રી તો એ પદે મુશાયરામાં ભાગ પણ લેતાં. એ સમય કેવો હતો જ્યોત્સના શુક્લ, દવે કુટુંબનાં બહેનો સિવાય પણ બીજી સ્થાનિક કવયિત્રીઓ મુશાયરામાં ભાગ લેતી. ગઝલ નહીં તો મુશાયરાની પંક્તિ પર પાદપૂર્તિ રજૂ કરતી. મેં મારા અક્ષરજીવનમાં જે નિશ્ચલ ચરિત્ર, ફૂલ જેવાં વ્યક્તિત્વો જોયાં તેમાંના એક મો. પા. દવે. એ સાક્ષરે વિ. ર. ત્રિવેદીના એક ગદ્યખંડના એકેએક મુદ્દાની ચર્ચા અખબારની આઠેઆઠ કૉલમરૂપે લખ્યો, તે આખો મેં ગુજરાત મિત્રના પ્રૂફરીડરરૂપે અક્ષરેઅક્ષર વાંચેલો. એમની એક દલીલ દેશભક્ત કવિ યુદ્ધમાં સીધો સંડોવાય એવી કોઈ અનિવાર્યતા નથી એ સત્ય બહુ સૌમ્ય ભાષામાં વિસ્તારપૂર્વક ઊપસાવેલું એટલું માત્ર અત્યારે સાંભરે છે. મુશાયરા પ્રવૃત્તિ અને નવી ગઝલ પર એ પ્રવચનનો પ્રસ્તુત ગદ્યખંડ વજપ્રહાર જેવો હતો. એના પર છ માસ સુધી પત્રો, અખબારોમાં અધિકારી કલમોએ આછકલી નહીં, વિવેચન, સમીક્ષાના ધોરણથી વ્યાપકપણે ગંભીર ચર્ચા ચાલી હતી. ગઝલ આજે સાહિત્યમાં સ્વીકાર્ય બની છે, અત્યારે અગ્રણી અને નીવડેલા, સ્વીકૃત થયેલા ગ્રંથસ્થ ગઝલકારોનો એ ઉદયકાળ હતો અને ગુજરાતવ્યાપી મુશાયરાઓએ એમને એકધારું લખતા કર્યા એ નકારી ન શકાય એવી સચ્ચાઈ છે અને એમાંના કોઈ કોઈ શાયરના ગઝલસંગ્રહને ત્રિવેદીસાહેબના આશીર્વચનથી માંડી શબ્દસ્થ આશીર્વાદ પણ મળ્યા છે. એમની ટીકાનું એક પરિણામ એ આવ્યું કે સમયજીવીઓને બાદ કરતાં સૌને પોતાના સર્જન અને મુશાયરાની યોજના સાહિત્યિક ધોરણે હોય એવી સભાનતા, સજાગતા આગ્રહ બની. ઉ. જો. જેને એ કાળની નવી ગઝલ કહે છે તેના પ્રતિનિધિ જેવા ત્રણ ગઝલસંગ્રહ ‘ગાતાં ઝરણાં’— ગની દહીંવાળા, ‘રંગ’ અમૃત ઘાયલ, ‘ડમરો અને તુલસી’ રતિલાલ ‘અનિલ’ – પ્રગટ થયા તેનું સાહિત્યિક ધોરણે મૂલ્યાંકન થયું છે. સુયોગ્ય નોંધ લેવામાં આવી છે. એક ગાંધીજયંતીએ હરિજનવાસમાં અમારો કાર્યક્રમ રાખેલો. પાછળના ઝૂંપડામાંથી ચૂલો પેટયાનો ધુમાડો ઘાસપાલાના ઝૂંપડામાંથી ચળાઈને બહાર આવ્યો ત્યારે ભાન થયું કે પરોઢ થયું. હવે કાર્યક્રમ પૂરો. અમીન આઝાદ મુંબઈ, ‘વેણી’ અઠવાડિકમાં જોડાઈ ગયા એથી રાજી તો થયો પણ એકલો પડ્યો એનો વિષાદ પણ થયો. ઘણી બધી ટ્રેનોના જંકશન જેવું સ્ટેશન કાયમ માટે જાણે ગયું ને એક ડબ્બો ખાલી જગ્યાએ પડી રહ્યા જેવું. ગનીભાઈ ખરા, પણ કેટલીયે બાબતમાં છેટું પડે. એ વ્યવહારુ માણસ વ્યવહારમાં પણ ઠીક આગળ નીકળી ગયેલા, હું હતો ત્યાં જ હતો, પણ બેકારે મને કાયમ માટે મંડળનો મંત્રી બનાવી દીધો એટલે ફરજરૂપે સંબંધો પૂર્વવત્ રહ્યા. વાસ્તવિકતા જુઓ, અમીન આઝાદ તો પછી ‘છાયા’ અઠવાડિકના તંત્રી બન્યા, મને તેડાવ્યો. પણ એ મહાનગર આપણે માટે ક્યારેક કે વારંવાર જવા જેવું એવું છતાં ત્યાં વસીએ તો ખોવાઈ જઈએ ક્યાં—છીએ તે રહીએ નહીં—એવી આંતર પ્રતીતિએ ન ગયો. અમીન આઝાદ એવું વ્યક્તિત્વ હતું કે જ્યાં હોય ત્યાં આપોઆપ ગઝલ, ગઝલકારોનું વર્તુળ રચાય. એમની મૂળ ઓળખ જ શાયરની — બીજાં ટાઇટલ માનપ્રદ હોય તે વધારાની સામાન્ય ઓળખ જેવા, ઑફિસમાંય કોઈ શાયર હોય. ક્લબમાં તો શાયરો અને શ્રોતાઓ-એમાંથી પછી ગુજરાત ગઝલ મંડળ અસ્તિત્વમાં આવ્યું. તેણે મુશાયરાઓ પણ યોજ્યા, નજર, કાબિલ, યુસુફ એમની કોમના નવા યુવાન શાયરો પ્રગટ થયા. પાકિસ્તાન રચાતાં જ ‘વતન’ના દિવસો આથમી ગયા, ‘બેગમ’ થોડું ચાલ્યું ને બંધ પડયું. કેન્દ્ર જ ન રહેતાં મેળો વિખેરાયો, ગઝલમંડળ પણ ન રહ્યું. ક્યારેક મળે પણ પેલો મેળો વિખેરાયો તે વિખેરાયો. રવિવાર પ્રેસના ઉપલા સ્થાને કાતરિયા જેવી જગ્યા મેળવી લેમિંગ્ટન રોડને અમીન આઝાદ પોતાને સ્મૃતિ અને સ્થિતિમાં જીવાડે છે—મૂળે અરબ એટલે મૂળે સાંપ્રતનો એ શાયર ધર્મવિષયક એક માસિક ‘ઉમ્મત’ પ્રગટ કરીને જિવાયેલા જીવનના તાંતણાંને લંબાવે છે, પણ એ તરણોપાય જેવું હોય છે. સુરતમાં વસતો પુત્ર જુવાન વયે મુંબઈમાં વસે છે ત્યારે ક્લબમાં રહેતો એ માણસ પોતાના ઘરે પાછો ફરે છે. રહે છે છતાં કેટલાક નવોદિત શાયરો સાથેના સંબંધે જાણે પોતાના મૂળ દોરને પાતળા પોતેય લંબાયેલો રાખે છે અને છેલ્લા પત્રોમાં નાની મિજલસો અને નવોદિતનાં નામ અને પ્રવૃત્તિ વંચાય છે. અસ્તિત્વ ઇતિહાસ થવામાં છે, કૃતિઓ મંગાવું છું. મોટા ઢગલામાંથી પ્રાસંગિક, સામયિક ઘટના વિશેની કૃતિઓ રાખી મૂકીને કેવળ ગઝલો અને બે એક કૃતિ સાંપ્રત ઘટના વિશેના પ્રતિભાવ જેવી મોકલે છે, હું એ વાંચું છું. ગોઠવું છું, સંગ્રહનું વિચારું છું, પ્રેસ કોપી કરું છું એ દરમિયાન જ એમના અવસાનના સમાચાર આવ્યા… ‘રાત ચાલી ગઈ’ સંગ્રહ એમના અવસાન પછી પ્રગટ થયો. એમનો અંગત પત્રમાં લખાયેલો આ શેર ઘણું કહી જાય છે :
જિંદગીનાં સૌ રહસ્યો વણઉકેલ્યાં રહી ગયાં,
જિંદગી જીવી ગયા ને? છોને જિવાયું નહીં.
૨૧ માર્ચ, ૧૯૯૨ના પત્રમાં અમૃત ઘાયલ લખે છે: ભાઈશ્રી, અમીન આઝાદે ગઝલકારનો ધર્મ સત્યનિષ્ઠાથી બજાવ્યો છે એનો હું સાક્ષી છું. સુરતની એમની સાઇકલ રિપેર કરવાની નાની દુકાન. આપણે ત્યાં - હું, તમે, મરીઝ મળતા અને ગઝલ, બસ ગઝલ. મંત્ર સાધ્યામિ વા પ્રાણ - ડુ ઓર ડાઈ — કરેંગે યા મરેંગે—એ લગના લગની, ધગશની ઘટનાઓ—ભાઈ અમીનની દુકાન સાથે, હજી નજર સામે તરે છે.
અભી ગયા નહીં યારાના રફતગાં કા ખયાલ,
અભી તો ફિરતી હૈ આંખોં મેં સુરતે ઉનકી.
રાત ચાલી ગઈ
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો,
તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી, સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે,
ઉષા આવી સવારે તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શકી ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
બદલવી પડશે
સંકુચિત જે હશે, સીમાઓ બદલવી પડશે,
દૂર મંજિલ છે તો દુનિયાઓ બદલવી પડશે.
વચ્ચે રજની ન રહે એમ ઉષાને મળશું,
એટલે એ બધી સંધ્યાઓ બદલવી પડશે.
વાસના, વાસ ન ફેલાવે કરી વાસ એમાં,
દૃષ્ટિ ને દૃષ્ટિની કક્ષાઓ બદલવી પડશે.
ન રહે કોઈનું મંદિર, ન કોઈની મસ્જિદ,
‘ધર્મ’ ને ધર્મની શાખાઓ બદલવી પડશે.
બિમ્બ છું પૂર્ણ કળાકારનું પણ કહેવા દો,
ચિત્રમાંની ઘણી રેખાઓ બદલવી પડશે.
કોઈ પ્રેમાળની સન્માનવા ઇચ્છાઓને,
હા, અનિચ્છાએ, અનિચ્છાઓ બદલવી પડશે.
આખરે એ જ નિરાશાની રહી વાત ‘અમીન’,
કોઈ કહેતું હતું: આશાઓ બદલવી પડશે.
વરસાદમાં
થઈ નજર મારા ઉપર તેઓની ભર વરસાદમાં,
ના શક્યો હું જાળવી મારું જિગર વરસાદમાં.
થઈ ગયું તર એમ તો આખું નગર વરસાદમાં,
ક્યાં થયા તર, કંઈક તરસ્યાના અધર વરસાદમાં.
હૈયું છટકી હાથથી જુલ્ફોમાં જઈ વસવા મથે,
પ્રેમીને હોવાનો હોનારતનો ડર વરસાદમાં.
વાદળાં ગર્જીને પૂછે, વીજ ચમકીને કહે,
કેમ વીતે છે કહો, સાથી વગર વરસાદમાં.
આગ એવી પણ છે, જે પાણીથી બુઝાતી નથી,
ક્યાં મટે છે પ્રેમઅગ્નિની અસર વરસાદમાં.
નિજ ઝરૂખે એણે દેખાડી હજી તો એક ઝલક,
ઝાંખી થઈ ગઈ, મારી નજરોની સફર વરસાદમાં.
એની નજરોની અમીવર્ષાનું વર્ણન થાય શું?
જાણે ભીંજાતો રહ્યો છું તરબતર વરસાદમાં.
ક્યાંથી એ સમજી શકે, એ પ્રેમદીવાના નથી,
જે રખડવામાં મઝા છે દરબદર વરસાદમાં.
છે અસર વાતાવરણની, થઈ ગયા ફિલસૂફ સૌ,
મયકદા છે જાણે એક વિદ્યાનગર વરસાદમાં.
કો’ ગઝલલેખકનાં સ્મારક ક્યાંથી બનવાનાં ‘અમીન’
નાશ પામી કૈંક શાયરની કબર વરસાદમાં.