સંચયન-૧૦

From Ekatra Foundation
Revision as of 15:57, 31 December 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-10 Book Cover.png
સંચયન - ૧૦

॥ પ્રારંભિક ॥

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૦ : ડિસેમ્બર ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૫



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૫

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


Sanchayan 10-1.png

ભૈરવ રાગિણી

॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫

સમ્પાદકીય
ફરી એકવાર તડકો ~ મણિલાલ હ. પટેલ
કવિતા નિરજંન ભગતનાં આઠ કાવ્યો
૧) સુધામય વારુણી
૨) જાગૃતિ
૩) ધરતીની પ્રીત
૪) પારેવાં
૫) કલાકોથી
૬) આધુનિક અરણ્ય
૭) તડકો
૮) મુંબઈનગરી

અમે તો અણગમતા... ~ રાધિકા પટેલ
વસિયત ~ જાગ્રત વ્યાસ ‘મધુકર’
ન રાખું હું કોઈ ~ રમેશ પટેલ ‘ક્ષ’
મને વાગી ગઈ બાવળની શૂળ ~ જિજ્ઞા વોરા

વાર્તાજગત
સાંકળ ~ ધરમાભાઈ શ્રીમાળી

નિબંધ
શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો ~ યજ્ઞેશ દવે

વિવેચન
ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ ~ ચન્દ્રકાન્ત ટોપીવાળા
સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ ~ ચન્દ્રકાન્ત ટોપીવાળા

કલાજગત
રાગ મેઘ મલ્હાર ~ અભિજિત વ્યાસ

Sanchayan 10-2.jpg
Sanchayan 10-4.jpg
હિંડોળા રાગ
Sanchayan 10-3.jpg
દીપક રાગ
રાગિણી તોડી

॥ સમ્પાદકીય ॥

ફરી એકવાર તડકો

Manilal H Patel - 4.jpg

તડકો... હા, આજે ફરી પાછો તડકો. બારેમાસ અને છએ ઋતુનો તડકો. મારો તડકો- મને વ્હાલો મારા મલકનો, ઘર-આંગણા-શેરી-પાદર-સીમ-વગડાનો તડકો. તળાવની પાળે બેસી રહેતો ને ઊંડા કૂવામાં ડોકિયું કરતો, ડુંગરો ચઢી જતો, ટેકરીઓમાં રમતો, ખેતરે ખેતરે રંગરૂપ વેરતો વિખેરતો તડકો, મારા વાડામાં પરાળનાં કૂંધવાંને સોનેરી બનાવી નિરાંતે આરામ કરતો તડકો. ‘તડકો’ શબ્દ એને માટે મને ઓછો પડે છે. એને વૈશાખી બપોરે તો ‘તોતીંગ તડકાઓ’ કહીએ તોય એને પૂરો પકડી શકાતો નથી. આમેય એ આપણને દેખાય... અડે અડકે વળગી પડે વીંટળાઈ વળે, માથે બેસી જાય પાળેલા પોપટની જેમ આવીને ખભે બેસે ગાલને ચપટી-ચૂંટી ભરે, રાજી થઈ અને સરાબોળ નવડાવી દે. ગુસ્સે થાય તો પરસેવે રેબઝેબ કરી દે આ તડકો. આ તડકાઓ ભલા-ભોળા તગડા આકરા કૂંણા કોમળ કમળ જેવા... પણ આપણા હાથમાં ન આવે... ખોબો છલકાવી દે પણ ખિસ્સાં ભરવા નહિ દે... આપણી સાથે ઘરમાં નહિ જ આવે... ઘરનો એ માણસ જ નથી. એ તો ફરંદો રખડુ એ કાંઈ કાગળમાં થોડો સમાઈ જાય... એને તો દરિયા નાના પડે છે!! ઘણીવાર એવુંય બન્યું છે કે ક્યારેક હું તડકાની અને તડકો મારી રાહ જોતાં હોઈએ. મને બહાર આવતાં જો થોડીક વાર લાગે તો તડકો બારીમાંથી ડોકિયું કરીને જોતો હોય... કદીક અંદરના ઓરડા સુધી લાં...બો થાય તડકો. ક્યારેક એ બહાર લીલા ઘાસની બિછાત પર જમાવટ કરે... ને એના પવનમિત્રને મોગરાની સુગંધ લઈને ઘરમાં મોકલે... હું બહાર આવું એટલે એ ધીમુંધીમું મલકાયા કરે... ને આખી શેરી પીળું પોપટી છલક છલક છલકાયા કરે... આમ તો સદાય નિજમાં નિમગ્ન રહેનારો એ થોડુંક હસી પડે ને પાછો તરત નિજનિરત થઈ જાય. બહુરૂપી ને પાછો જાદુગર છે તડકો. સવારે તડકો ન આવે ત્યાં સુધી બધી સૃષ્ટિ શાંત નિરાકાર શી સ્તબ્ધ પડી હોય... ને તડકો આવતાંની સાથે વસ્તુઓ, પ્રકૃતિ બધાં પોતપોતાનાં રૂપરંગમાં હાજરાહજૂર થઈ જાય... દરેક પોતાનો પડછાયો પહેરી લ્યે અને હોવાપણાનો પાઠ ભજવવા માંડે છે, ત્યારે થાય છે કે તડકા વિના જગત જાણે ખોવાઈ જાય છે. તડકો આપણા સૌનો પરિચય છે - એ જ પાક્કી ઓળખ છે. તડકો મારો ભેરુ - નિત્યનો ભાઈબંધ છે. વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ “તગતગતો આ તડકો
 જુઓને ચારકોર કેવી ચગદઈ ગઈ સડકો.
કહો ચરણ ક્યાં ચાલે
 એણે એક ન રાખ્યો રસ્તો
અહીં પૃથ્વી પર નક્કર જાણે
 ધાતુ શો તસતસતો....” આખી પૃથ્વીના પટ પર ફરી વળતો, ખેલતો ખેલંદો, કોઈ નભે આંબતા નટરાજ શો આ તડકો એમ કવિની કવિતામાં કે આ નિબંધમાં નથી સમાવી શકાતો... ને તોય કવિઓની કવિતામાં આલેખાયેલાં એનાં રૂપો મને ગમે છે... તડકાનો સૌન્દર્યલોક ત્યાં આસ્વાદ્ય બને છે. મણિલાલ દેસાઈ કહે છેઃ “આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું પણ તડકે બેસું...” પ્રાથમિક શાળાનું લેશન અમે, શિયાળાની સવારે ઘર પછીતે વાડામાં-ખળામાં તડકે બેસીને કરતા, ત્યારે મા પણ અમારી બાજુમાં બેસીને લસણ ફોલતી રીંગણ સમારતી... નાનાં બાળકો ગોદડીમાં સૂતાં કિલકારી કરતાં રહેતાં. આમ તડકા સાથે મારી દોસ્તી ઘણી જૂની છે. ને આજીવન એ જ રહીને છે ને રહેવાનીય છે. શૈશવમાં પરભાદાદા સાથે ડુંગરાવાળા ભાઠોડમાં બળદ ચરાવવા જતા. સાંજ પડી જતી, સાંજનો સોન-ગુલાબી તડકો પાસેનાં સાગવનોને રંગોથી છાંટી દેતો, ત્યારે તો કવિતાની ખાસ ખબર ન્હોતી પણ દાદા અમને ‘કુદરતની લીલા’ કહીને ઘણું બધું સમજાવતા... પછી કૉલેજમાં ભણવા ગયા... ને કવિ ઉમાશંકરની કવિતા વાંચતા થયા- સમજતા થયાઃ- “એક દિવસ મેં ઈવરને જોયો હતો, સાંજના તડકાથી એ વૃક્ષોનાં થડ રંગતો હતો.” - મને પેલા સાંજના રંગે છંટાયેલાં સાગવનો અને મારા દાદા યાદ આવેલા. તડકો પણ માયાવી છે. આબુના પ્રવાસ વખતે જોયેલું કે વ્હેલી સવારમાં ધુમ્મસભરી ખીણોમાં ધીમે ધીમે ઊતરતો તડકો ધુમ્મસનાં ધણને દૂર હાંકી કાઢતો હતો. એ જ તડકો સાંજે આપણી સાથે રોકાઈ જવા ચાહતો હોય ત્યારે કોઈ પરાણે તેને અસ્તાચળે ખેંચી જતું હોય એમ તડકાનો ઉદાસ ચહેરો દયાની યાચના કરતો સહુને જોઈ રહ્યો હોય... કોઈ ગૌરવર્ણી કિશોરીના કૂંણા કોમળ હાથ જેવો હૂંફાળો શિયાળાની સવારનો તડકો કદીય ભૂલાતો નથી. ઉનાળાની બળબળતી બપોરે ઘરે આવીએ ત્યારે રામીમા, માટીની કાળી માટલીનું ઠંડુહેમ પાણી પાતી ને એનો ભીનો હાથ મોંઢે માથે ફેરવતી ત્યારે માથે ચઢી બેઠેલો એ વૈશાખના વરણાગી તડકા ઊતરી ને ભાગી જતા... ને ઘણીવાર ઘરની નળિયાંવાળી છતમાંથી તાપોલિયાં-ચાંદરણાં બનીને અંદરના ઓરડે કોલામાં ઉતરી-આવતી તડકાની એ ભૂંગળીઓને અમે અમારી રતુંબડી બાલ હથેળીઓમાં ઝીલીને, સૂરજ ઝિલ્યા જેવો આનંદ લૂંટતા!! ઊતરતા ભાદરવાના ઉત્તરા-ચિત્રાના આકરા તડકામાં પિતાજી અમને ડાંગરનાં ખેતરોમાં વાઢવા અને ગાડું ભરવા લઈ જતા. એ તીખા તડકા તમ્મર લાવી દેતા... ને શિયાળો બેસતાં મગફળીના ખેતરોમાં મગફળી કાઢવા-વીણવા જતા ત્યારે મધુરા તડકાની સોબત ગમતી. કોઈ બપોરે તડકો અમને નદીએ લઈ જવા ઉશ્કેરતો... તો કદીક સીમમાં, અમારી આંગળી પકડીને આંબે-મહુડે ફેરવતો... સીમ માના ખોળા જેવી લાગતી. કવિતા કે કવિઓની તો શી વાત કરીએ? જ્યાં તડકો પોતે જ સૌન્દર્યલોકનો સ્વામી છે. એણે જ તો આ સૃષ્ટિની કથા-કવિતા-ગાથા-ગરિમા આલેખી છે. તડકો બધાંને પડકારે છે ને પડખામાં લ્યે છે. તડકે જે ચિત્રો, શિલ્પો રચ્યાં છે કે રંગો વડે પૃથ્વીપટ પર આલેખન કર્યું છે એને કાગળમાં અવતારવાના પડકારો ઉપાડવા સહેલા નથી. પરંતુ તડકાનો સૌન્દર્યલોક પોતાની અંતરતમ પ્રતિભા વડે, પોતાના માધ્યમમાં ઉતરવાનાં લોભ-લાલચ તો પ્રત્યેક કલાકારને થતાં જ રહે છે - સદીઓથી!! આજે જ્યારે હું, ફરીથી પાછો તડકા વિશે લખવા બેઠો છું ત્યારે, મેં જોયેલા, ઝિલેલા, વેઠેલા, જીરવેલા, માણેલા તડકાનાં અપરંપાર રૂપો તનમનમાં હાજર થવા ટળવળતાં અનુભવું છું... હજારો માઈલ દૂર મારો દેશ, મારું ગામ, ઘર-ખેતર તડકાની લીલામાં વ્યસ્ત મસ્ત હશે એવી અનુભૂતિ થાય છે... અહીં અમેરિકાના ઓહાયો સ્ટેટના ક્લિવલેન્ડ મહાનગર પાસેના સ્ટ્રોંગવીલે ગામની એક શેરીમાં બેઠો છું... સવારની મધુર હવાઓ છે. આકાશ એકદમ સ્વચ્છ નીલુ નીલુ ઝળહળે છે... ઘેર ઘેર લીલાછમ ઘાસની બિછાતો પથરાઈ ગયેલી છે ને એમાં તડકાએ પોતાનું રાજપાટ સ્થાપી દીધું છે...

તા. ૫ થી ૯/૮/૨૦૨૫ 
સ્ટ્રોન્ગવીલે (ક્લિવલેન્ડ)
- મણિલાલ હ. પટેલ

॥ કવિતા ॥