સંચયન-૧૦

From Ekatra Foundation
Revision as of 03:43, 1 January 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-10 Book Cover.png
સંચયન - ૧૦

॥ પ્રારંભિક ॥

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૦ : ડિસેમ્બર ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૫



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૫

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.



Sanchayan 10-1.png

ભૈરવ રાગિણી

॥ અનુક્રમ ॥

સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫

સમ્પાદકીય
ફરી એકવાર તડકો ~ મણિલાલ હ. પટેલ
કવિતા નિરજંન ભગતનાં આઠ કાવ્યો
૧) સુધામય વારુણી
૨) જાગૃતિ
૩) ધરતીની પ્રીત
૪) પારેવાં
૫) કલાકોથી
૬) આધુનિક અરણ્ય
૭) તડકો
૮) મુંબઈનગરી

અમે તો અણગમતા... ~ રાધિકા પટેલ
વસિયત ~ જાગ્રત વ્યાસ ‘મધુકર’
ન રાખું હું કોઈ ~ રમેશ પટેલ ‘ક્ષ’
મને વાગી ગઈ બાવળની શૂળ ~ જિજ્ઞા વોરા

વાર્તાજગત
સાંકળ ~ ધરમાભાઈ શ્રીમાળી

નિબંધ
શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો ~ યજ્ઞેશ દવે

વિવેચન
ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ ~ ચન્દ્રકાન્ત ટોપીવાળા
સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ ~ ચન્દ્રકાન્ત ટોપીવાળા

કલાજગત
રાગ મેઘ મલ્હાર ~ અભિજિત વ્યાસ

Sanchayan 10-2.jpg
Sanchayan 10-4.jpg
હિંડોળા રાગ
Sanchayan 10-3.jpg
દીપક રાગ
રાગિણી તોડી

॥ સમ્પાદકીય ॥

Sanchayan 10-5.jpg

ફરી એકવાર તડકો

Manilal H Patel - 4.jpg

તડકો... હા, આજે ફરી પાછો તડકો. બારેમાસ અને છએ ઋતુનો તડકો. મારો તડકો- મને વ્હાલો મારા મલકનો, ઘર-આંગણા-શેરી-પાદર-સીમ-વગડાનો તડકો. તળાવની પાળે બેસી રહેતો ને ઊંડા કૂવામાં ડોકિયું કરતો, ડુંગરો ચઢી જતો, ટેકરીઓમાં રમતો, ખેતરે ખેતરે રંગરૂપ વેરતો વિખેરતો તડકો, મારા વાડામાં પરાળનાં કૂંધવાંને સોનેરી બનાવી નિરાંતે આરામ કરતો તડકો. ‘તડકો’ શબ્દ એને માટે મને ઓછો પડે છે. એને વૈશાખી બપોરે તો ‘તોતીંગ તડકાઓ’ કહીએ તોય એને પૂરો પકડી શકાતો નથી. આમેય એ આપણને દેખાય... અડે અડકે વળગી પડે વીંટળાઈ વળે, માથે બેસી જાય પાળેલા પોપટની જેમ આવીને ખભે બેસે ગાલને ચપટી-ચૂંટી ભરે, રાજી થઈ અને સરાબોળ નવડાવી દે. ગુસ્સે થાય તો પરસેવે રેબઝેબ કરી દે આ તડકો. આ તડકાઓ ભલા-ભોળા તગડા આકરા કૂંણા કોમળ કમળ જેવા... પણ આપણા હાથમાં ન આવે... ખોબો છલકાવી દે પણ ખિસ્સાં ભરવા નહિ દે... આપણી સાથે ઘરમાં નહિ જ આવે... ઘરનો એ માણસ જ નથી. એ તો ફરંદો રખડુ એ કાંઈ કાગળમાં થોડો સમાઈ જાય... એને તો દરિયા નાના પડે છે!! ઘણીવાર એવુંય બન્યું છે કે ક્યારેક હું તડકાની અને તડકો મારી રાહ જોતાં હોઈએ. મને બહાર આવતાં જો થોડીક વાર લાગે તો તડકો બારીમાંથી ડોકિયું કરીને જોતો હોય... કદીક અંદરના ઓરડા સુધી લાં...બો થાય તડકો. ક્યારેક એ બહાર લીલા ઘાસની બિછાત પર જમાવટ કરે... ને એના પવનમિત્રને મોગરાની સુગંધ લઈને ઘરમાં મોકલે... હું બહાર આવું એટલે એ ધીમુંધીમું મલકાયા કરે... ને આખી શેરી પીળું પોપટી છલક છલક છલકાયા કરે... આમ તો સદાય નિજમાં નિમગ્ન રહેનારો એ થોડુંક હસી પડે ને પાછો તરત નિજનિરત થઈ જાય. બહુરૂપી ને પાછો જાદુગર છે તડકો. સવારે તડકો ન આવે ત્યાં સુધી બધી સૃષ્ટિ શાંત નિરાકાર શી સ્તબ્ધ પડી હોય... ને તડકો આવતાંની સાથે વસ્તુઓ, પ્રકૃતિ બધાં પોતપોતાનાં રૂપરંગમાં હાજરાહજૂર થઈ જાય... દરેક પોતાનો પડછાયો પહેરી લ્યે અને હોવાપણાનો પાઠ ભજવવા માંડે છે, ત્યારે થાય છે કે તડકા વિના જગત જાણે ખોવાઈ જાય છે. તડકો આપણા સૌનો પરિચય છે - એ જ પાક્કી ઓળખ છે. તડકો મારો ભેરુ - નિત્યનો ભાઈબંધ છે. વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ “તગતગતો આ તડકો
 જુઓને ચારકોર કેવી ચગદઈ ગઈ સડકો.
કહો ચરણ ક્યાં ચાલે
 એણે એક ન રાખ્યો રસ્તો
અહીં પૃથ્વી પર નક્કર જાણે
 ધાતુ શો તસતસતો....” આખી પૃથ્વીના પટ પર ફરી વળતો, ખેલતો ખેલંદો, કોઈ નભે આંબતા નટરાજ શો આ તડકો એમ કવિની કવિતામાં કે આ નિબંધમાં નથી સમાવી શકાતો... ને તોય કવિઓની કવિતામાં આલેખાયેલાં એનાં રૂપો મને ગમે છે... તડકાનો સૌન્દર્યલોક ત્યાં આસ્વાદ્ય બને છે. મણિલાલ દેસાઈ કહે છેઃ “આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું પણ તડકે બેસું...” પ્રાથમિક શાળાનું લેશન અમે, શિયાળાની સવારે ઘર પછીતે વાડામાં-ખળામાં તડકે બેસીને કરતા, ત્યારે મા પણ અમારી બાજુમાં બેસીને લસણ ફોલતી રીંગણ સમારતી... નાનાં બાળકો ગોદડીમાં સૂતાં કિલકારી કરતાં રહેતાં. આમ તડકા સાથે મારી દોસ્તી ઘણી જૂની છે. ને આજીવન એ જ રહીને છે ને રહેવાનીય છે. શૈશવમાં પરભાદાદા સાથે ડુંગરાવાળા ભાઠોડમાં બળદ ચરાવવા જતા. સાંજ પડી જતી, સાંજનો સોન-ગુલાબી તડકો પાસેનાં સાગવનોને રંગોથી છાંટી દેતો, ત્યારે તો કવિતાની ખાસ ખબર ન્હોતી પણ દાદા અમને ‘કુદરતની લીલા’ કહીને ઘણું બધું સમજાવતા... પછી કૉલેજમાં ભણવા ગયા... ને કવિ ઉમાશંકરની કવિતા વાંચતા થયા- સમજતા થયાઃ- “એક દિવસ મેં ઈવરને જોયો હતો, સાંજના તડકાથી એ વૃક્ષોનાં થડ રંગતો હતો.” - મને પેલા સાંજના રંગે છંટાયેલાં સાગવનો અને મારા દાદા યાદ આવેલા. તડકો પણ માયાવી છે. આબુના પ્રવાસ વખતે જોયેલું કે વ્હેલી સવારમાં ધુમ્મસભરી ખીણોમાં ધીમે ધીમે ઊતરતો તડકો ધુમ્મસનાં ધણને દૂર હાંકી કાઢતો હતો. એ જ તડકો સાંજે આપણી સાથે રોકાઈ જવા ચાહતો હોય ત્યારે કોઈ પરાણે તેને અસ્તાચળે ખેંચી જતું હોય એમ તડકાનો ઉદાસ ચહેરો દયાની યાચના કરતો સહુને જોઈ રહ્યો હોય... કોઈ ગૌરવર્ણી કિશોરીના કૂંણા કોમળ હાથ જેવો હૂંફાળો શિયાળાની સવારનો તડકો કદીય ભૂલાતો નથી. ઉનાળાની બળબળતી બપોરે ઘરે આવીએ ત્યારે રામીમા, માટીની કાળી માટલીનું ઠંડુહેમ પાણી પાતી ને એનો ભીનો હાથ મોંઢે માથે ફેરવતી ત્યારે માથે ચઢી બેઠેલો એ વૈશાખના વરણાગી તડકા ઊતરી ને ભાગી જતા... ને ઘણીવાર ઘરની નળિયાંવાળી છતમાંથી તાપોલિયાં-ચાંદરણાં બનીને અંદરના ઓરડે કોલામાં ઉતરી-આવતી તડકાની એ ભૂંગળીઓને અમે અમારી રતુંબડી બાલ હથેળીઓમાં ઝીલીને, સૂરજ ઝિલ્યા જેવો આનંદ લૂંટતા!! ઊતરતા ભાદરવાના ઉત્તરા-ચિત્રાના આકરા તડકામાં પિતાજી અમને ડાંગરનાં ખેતરોમાં વાઢવા અને ગાડું ભરવા લઈ જતા. એ તીખા તડકા તમ્મર લાવી દેતા... ને શિયાળો બેસતાં મગફળીના ખેતરોમાં મગફળી કાઢવા-વીણવા જતા ત્યારે મધુરા તડકાની સોબત ગમતી. કોઈ બપોરે તડકો અમને નદીએ લઈ જવા ઉશ્કેરતો... તો કદીક સીમમાં, અમારી આંગળી પકડીને આંબે-મહુડે ફેરવતો... સીમ માના ખોળા જેવી લાગતી. કવિતા કે કવિઓની તો શી વાત કરીએ? જ્યાં તડકો પોતે જ સૌન્દર્યલોકનો સ્વામી છે. એણે જ તો આ સૃષ્ટિની કથા-કવિતા-ગાથા-ગરિમા આલેખી છે. તડકો બધાંને પડકારે છે ને પડખામાં લ્યે છે. તડકે જે ચિત્રો, શિલ્પો રચ્યાં છે કે રંગો વડે પૃથ્વીપટ પર આલેખન કર્યું છે એને કાગળમાં અવતારવાના પડકારો ઉપાડવા સહેલા નથી. પરંતુ તડકાનો સૌન્દર્યલોક પોતાની અંતરતમ પ્રતિભા વડે, પોતાના માધ્યમમાં ઉતરવાનાં લોભ-લાલચ તો પ્રત્યેક કલાકારને થતાં જ રહે છે - સદીઓથી!! આજે જ્યારે હું, ફરીથી પાછો તડકા વિશે લખવા બેઠો છું ત્યારે, મેં જોયેલા, ઝિલેલા, વેઠેલા, જીરવેલા, માણેલા તડકાનાં અપરંપાર રૂપો તનમનમાં હાજર થવા ટળવળતાં અનુભવું છું... હજારો માઈલ દૂર મારો દેશ, મારું ગામ, ઘર-ખેતર તડકાની લીલામાં વ્યસ્ત મસ્ત હશે એવી અનુભૂતિ થાય છે... અહીં અમેરિકાના ઓહાયો સ્ટેટના ક્લિવલેન્ડ મહાનગર પાસેના સ્ટ્રોંગવીલે ગામની એક શેરીમાં બેઠો છું... સવારની મધુર હવાઓ છે. આકાશ એકદમ સ્વચ્છ નીલુ નીલુ ઝળહળે છે... ઘેર ઘેર લીલાછમ ઘાસની બિછાતો પથરાઈ ગયેલી છે ને એમાં તડકાએ પોતાનું રાજપાટ સ્થાપી દીધું છે...

તા. ૫ થી ૯/૮/૨૦૨૫ 
સ્ટ્રોન્ગવીલે (ક્લિવલેન્ડ)
- મણિલાલ હ. પટેલ

॥ કવિતા ॥

Niranjan Bhagat 2.jpg

જન્મ : ૧૮ મે ૧૯૨૬
મૃત્યુ : ૧ ફેબ્રુઆરી ૨૦૧૮

નિરંજન ભગતનાં આઠ કાવ્યો

સુધામય વારુણી

એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું, ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી !
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ !
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચાંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ !
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ !
૧૯૪૭

Sanchayan 10-6 Chhandolay-Frontpage-Demi.jpg



જાગૃતિ

છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી રહે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નીચી રહે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના રહે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકિલ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન રહે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે રહે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને ને જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
૧૯૪૩

Sanchayan 10-7 poor-yet-happy-indian-farmer.jpg
ધરતીની પ્રીત

મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!

ક્યારેક કોમલ ફૂલશયને
નીંદની સોડ તાણું,
ક્યારેક પાંપણભીનાં નયને
કંટકનું શૂળ માણું;
મનખાની માયા મને, આવો આંસુ ને આવો સ્મિત રે!
ન્હાવું નથી સુરગંગાને નીરે,
નથી રે સુધા પીવી;
ઝૂરી ઝૂરી જગજમુના તીરે
મૃત્યુમાં જાવું છે જીવી,
વૈકુંઠ મેલીને વ્રજમાં મોહ્યો તે નથી ભૂલ્યો હું ભીંત રે!
મને ધરતીની પ્રીત રે!

૧૯૪૭

ધરતીની પ્રીત

ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા, 

ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;

નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!

જ્યારે ઝૂકી આભથી સારા

ઝીંકાતી આષાઢધારા.

જલભીંજેલી શિથિલ પાંખો

શીત સમીરે કેટલું ધ્રૂજે,

જાણે કોઈ દીપક બૂઝે

એમ એ રાતા રંગની આંખો

પરે વળી વળી પોપચાં ઢળે,

ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!

ક્યારેય એમની કશીય ના હલચલ,

એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે, એવડું તો છે નીડ,

ભીંસે છે તોય શી એવી ભીડ?

પાંખ પસારી સ્હેલનારાંનું

આકાશે ટ્હેલનારાંનું

મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી! 

આખાયે આભને લાવી મેલવું શેમાં?

નાનેરું નીડ છે એમાં?

એની આ વેદના શું એ જાણતું નથી?

એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા!

ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા

ઝૂકી ઝૂકી આભથી સારા!

૧૯૪૮

Sanchayan 10-8 With-no-reservoirs-rain-lone-source-of-water-in-this-Assam-village-1068x601.jpg
કલાકોથી

કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ,
ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ
શો મોટ્ટા અવાજે એકસૂર રસહીન લાંબા
કોઈ ભાષણના સમો દે ત્રાસ.
બારીબારણાં સૌ બંધ,
આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ
ને રૂંધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંયે અંધ.
ઠંડકમાં ઠરી ચારે દીવાલો,
જેમ બુઢ્ઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો;
વસ્ત્ર સૌ ખીંટી પરે લીલાં,
હજુ આ દેશમાં જેવાં મનુષ્યોનાં વદન વીલાં;
અને પોચાં પડ્યાં સૌ મેજ પરનાં પુસ્તકોનાં પાન,
જેવાં લય વિનાનાં ગાન;
કેવું બધું નિર્જીવ તે સૌ ભેજથી આજે છવાઈ ગયું,
ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું!

૧૯૫૬


આધુનિક અરણ્ય

અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
(અને નભ થકીય ઇન્દ્રધનુ લોહનું હ્યાં લચ્યું!)
વનસ્પતિ નહીં, ન વેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતાં;
વિહંગ નહીં, રેડિયો ટહુકતો પૂરે વૉલ્યુમે;
નહીં ઝરણ, શી સરે સડક સ્નિગ્ધ આસ્ફાલ્ટની;
ન પ્રેત, પણ આ ઇમારત વિચિત્ર કૈં ઘાટની;
પરીગણ ન, ટ્રામ કાર દિનરાત અહીં તહીં ઘૂમે;
સર્યા અતલથી નર્યા સજડ આમ થીજ્યા ઠર્યા
અહીં નરકનીકળ્યા મલિન ઉષ્ણ નિઃવાસ? કે
કદીક નિજ સ્વપ્નબીજ અહીં વાવિયાં રાક્ષસે
વિશાલ પરિપક્વ આ સ્વરૂપમાં શું ફાલ્યાં-ફળ્યાં?
અરણ્ય? છલ આ! રહસ્ય? ભ્રમણે અટૂલો ચડ્યો
પુરંદર સ્વર્ય અહીં નહીં શું હોય ભૂલો પડ્યો?

૧૯૫૬

Sanchayan 10-9 Morning sunshine D.jpg



તડકો

તગતગતો આ તડકો,

ચારેકોર જુઓને કેવી ચગદઈ ગઈ છે સડકો!
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશેયે જરીક તો કોઈ અડકો!

જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું.
ગિરિ ગોવર્ધનનેયે ટચલી આંગળી ઉપર હળવું.
પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?

મુંબઈનગરી

ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, ક્રૉઁક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

નિરંજન ભગતનાં આઠ કાવ્યો ‘છંદોલય’માંથી લીધેલ છે.


જન્મ : ૧૯૭૬

અમે તો અણગમતા...
રાધિકા પટેલ

તમારે દેશે ઊગ્યા ભાણ, અમે અંધારે ડૂબ્યાં વ્હાણ, તમારા હાથે વાગ્યાં બાણ,
- અમને અણગમતાં...
તમારે ફળિયે શોભે ફૂલ, અમે તો પડીપાથરી ધૂળ, તમારે હાથ થયેલી ભૂલ,
અમે તો અણગમતાં...
તમારે આંબે બેઠા મ્હોર, તમારી સીમમાં પેઠા ચોર, અમે સીમાડે ઊભા થોર,
તો’ય અમે તો અણગમતાં...
તમારા ગઢમાં નવ નવ હૂર, તમારા રાજે છે મશહૂર, ભલે ને રાખો અમને દૂર,
અમે નંગ- અણગમતાં...
તમારો ભર્યોભર્યો દરબાર, તમારી સેવંતી સરકાર, ભલે ને રાખો અમને બા’ર,
અમે જણ- અણગમતાં...
તમારે રંગ ધનુષી સાત, અમે મેલા પાણીની જાત, તમે પણ ધોઈ નાખ્યા હાથ,
અમે રંગ- અણગમતાં...
છોડવા તમને વ્હાલા ખાસ, અમે આડેધડ ઊગ્યું ઘાસ, તમારે હાથ થયા નાપાસ,
અમે તો અણગમતાં...
હશે... ભાઈ તમને વ્હાલા એ, ભલે બોલાવો ના અમને, અમે રહી લેશું પરદેશે,
અમે તો અણગમતાં...
“રંજાડી ઘોડા”


જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭

વસિયત
જાગ્રત વ્યાસ ‘મધુકર’

હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી

મરું હું ત્યારે ઓ સ્વજન સઘળા શાંતિ ધરજો.

હિસાબો પૈસા ને મિલકત તણા બંધ કરજો,

તમોને દેવા તો મુજ કુટિરમાં કાંઈ જ નથી.
નથી
મારી પાસે મિલકત કશી કે ઘર નથી,

કરીને કંકાસો સમય નહિ સૌ નષ્ટ કરજો.

નથી સોના-ચાંદી, મુફલિસ મને માત્ર ગણજો,

હથેળી ખાલી છે જણસ સરખુંયે પણ નથી.

કળાઓ ખીલીને પરિમલ રૂપે દે ધન મને,

લખી આપું હૂંડી કલકલ થતાં રમ્ય ઝરણાં?

ભરે ઝોળી મારી ઉડુગણ દઈ રમ્ય રજની.
કલાપીની કેકા, મધુકરતણું ગુંજન અને

ખજાનો મારો તો મધુર ટહુકા કોયલ તણા

વહેંચી લેજો એ વસિયત ખરી એ જ મુજની.

“F.B.”


જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭

ન રાખું હું કોઈ
(શિખરિણી)
રમેશ પટેલ ‘ક્ષ’

ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં,

કરું છું ના કોઈ વિષય પર ક્યારેય રટના.

ધરાનાં પુષ્પોમાં મધુ ટપકતી અલ્પ સુરભિ,

હરિ! જો પામું તો મુજ જીવનને ધન્ય સમજું.

વહે આંખો સામે કલકલ થતાં રમ્ય ઝરણાં,

અને પંખીઓના કલરવ મળે તોય બસ છે!

કદી નાં ઝંખ્યું છે તનબદનને સજ્જ કરવા,

ઘણું છે જો પામું તવ સ્મરણ સંગે વિહરવા.

તમારી દૃષ્ટિની અવિરતપણે છાંય મળતાં,

હરિ! હૈયું કેવું હરણ સમ આ ગેલ કરતું!

વળી, ટહુકો જાતા મનમયૂર કેવા ભીતરમાં,

ખુશી કેરું ત્યારે, નયનમહીંથી અશ્રુ ખરતું!

હવે આ દૃષ્ટિમાં સકલ સુખ તો વ્યર્થ દીસતું, 

હરિ! જો આપો તો ફક્ત દઈ દો શાન્તિ ઉરની!

“F.B.”


જન્મ : ૩૦ જુલાઈ ૧૯૭૬

મને વાગી ગઈ બાવળની શૂળ
જિજ્ઞા વોરા


વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર

સાવ રે અજાણ્યા એ સપનાના દેશમાં, વિસ્તરતી રણ નામે ધૂળ
સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

જળ ના મળ્યું તો અમે રણને પી લીધું

ને વંચના વિશે નથી કોઈને કંઈ કીધું
રાતે ને દિવસે ને દિવસે ને રાતે હું તો ખંખેરું આયખાની ધૂળ.
સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

રણ મહીં બાવળિયે આવ્યાં’તાં ફૂલ!
રંગોમાં મોહ્યાં તે કેવડી આ ભૂલ?
એવા તે રંગોમાં શ્રદ્ધા ઝબોળી તો રણમાં ઊડ્યું રે પટકૂળ
સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

આંખ્યુંને ધોઉં તો મારું આંજણ રેલાય

જો જો આ સપનાથી એવું ન થાય
ભીતર ભીનાશ સાવ સુકાતી જાય ને વિસ્તરતા વેદનાના મૂળ!
સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

રણ મહીં બાવળિયે નાખ્યાં છે મૂળ;
}ભૂલી હું ગાંડા બાવળિયાનું કુળ
અંદરથી આવે પીડાનું ઝૂંડ એને કેમ કરી કાઢવું સમૂળ?
સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...
 

॥ વાર્તા ॥




જન્મ : ૨૧ ડિસેમ્બર ૧૯૫૭

સાંકળ
ધરમાભાઈ શ્રીમાળી

અઠવાડિયા પહેલાં વિયાએલ ભેંસની પીઠે હળવા હાથે થપથપી કર્યા પછી મેની ઘરમાં આવી. દૂધ ભરેલી ડોલ એક બાજુ મૂકી. અને લાઇટ ગઈ. એણે ઝટપટ ચૂલાગર બાજુ માચીસ શોધવા ફાંફાં માર્યાં. ચૂલાના મેડા પાસે પડેલી માચીસમાં એક દીવાસળી હતી. દીવડું સળગાવ્યું. દાદીમાનો ખાંસવાનો અવાજ આવ્યો. ‘મા, તમીં ધ્યાંન રાખજો લગીર...મું પેટી લીન્‌ આ આઈ... મૂઈ એક દીવાહળી નેહરી. રાતે જરૂર પડસ્‌ તો ચ્યાં લેવા જવું.’ કહેતી એ હડફ દઈને ડેલીનું કમાડ ઉઘાડતી બહાર નીકળી. ‘ઝટ્‌ આવજે, મેની. મન કાંય ભળાતું નહિ. દૂધ ઘર વચી મેલીન્‌ જાંયસી...’ દાદીનો અવાજ ડેલીની અંદર જ ઘૂમરાતો રહ્યો. જેઠ વદ બારસનું અંધારું છવાતું જતું હતું. નૂર મહંમદના ગલ્લેથી માચીસ લઈને મેની ગલીમાં વળે એ પહેલાં પાછળ સિસકારો થયો. એણે પૂંઠ ફેરવીને પાછળ જોયું. મેઘો એની લગોલગ આવીને ઊભો રહ્યો હતો. છવાતા અંધારામાંય બન્નેની આંખો ઇશારે ચઢવા માંડી. ને પછી કોઈ જોઈ જશે એવી બીકે મેઘાએ લાગલું જ કહી દીધું, “તારો બાપોન્‌ તારી બઈ આયાં?’ ‘ના’ ‘તાંણઅ... આજ ?’ ‘ધેમું બોલ...’ કહી એ ચાલવા માંડી. પણ... પણ... વાત તો હાંભળ...’ કહી મેઘાએ એનો હાથ પકડવા કોશિશ કરી. એ એક બાજુ થઈને છટકતી હોય એમ થોડે દૂર ઊભી રહી. ‘તુંય શું? તનં કીધું તો ખરું કે.’ એ બોલી. ‘તાંણઅ હાંકળ વાહતી નઈ મું મોડેથી’ દબાતા અવાજે બોલતા મેઘાએ જોયું તો એ મોઢે હાથ દેતી, હસવું ખાળતી, ઇશારો કરતી સડસડાટ ડેલી ભણી જઈ રહી હતી. મેઘો એ બાજુ જોતો, ઘડીક ઊંચો-નીચો થતો ઊભો રહ્યો. પછી હળવાં પગલાં પાડતો ડેરી બાજુ વળ્યો. આંગણામાં ભેંસ રેકવા માંડી હતી. એણે ડચકારો કર્યો. લીલોછમ્મ રજકો ભેંસને નીર્યો. ટૂંટિયું વળીને પડેલો પાડો થોડોક સળવળ્યો અને કૂદીને ઊભો થયો. ભેંસ આઘીપાછી થઈ પાડાને છૂટો મૂક્યો કે તરત જ ભેંસના આંચળે વળગી પડ્યો ને બુચકારા બોલાવવા માંડ્યો. મેની ઓસરીની કુંભી પકડીને ધાવી રહેલા પાડા સામું જોતી ઊભી રહી. લાઇટ આવી. મેની, દૂધ આજુબાજુમાં આપી દેજે. અજું ભેંસનં અઠવાડિયું જ થ્યું સે... ડેરીમાં ભરાવા ના જતી.’ દાદીએ કહ્યું. ‘એ...હારું’ એવો લહેકો કરતી એ કામે વળગી, પણ કામમાં જીવ ચોંટતો નહોતો. શરીર ઝણઝણી રહ્યું હોય એવું લાગ્યું. કૂદકા ભરતો પાડો આખા આંગણામાં ફરવા લાગ્યો. ‘બૂન. ચ્યાં જઈ, મેનડી ? આ પાડાને બાંધનં. જોનં કરી રયો સે આ ધડચો! વેરઈમાનો ગરબોય નકોમો પડ્યો. પાડી આઈ વોત તો...’ કહીને દાદીએ છીંકણીની ડબ્બીનું ઢાંકણ હળવા હાથે ઠપઠપાવ્યું. પછી ઢાંકણ ખોલી, ડબ્બી સામે જોતાં-જોતાં જ બોલ્યાં: ‘આજ ભઈ ચ્યમ્‌ ના આયા? બે જણાં જ્યાં સી. વઉંનું તો પિયોર સે તે રોકાવાનું મન થાય, પણ ભઈન વચાર કરવો પડેન્‌ કે, ઘરે બીજું હાચબનારું નથઅ... માંથા જેવડી છોડી, ઢોરઢોંખર... સે કાંય ચંત્યાં!’ ‘ચ્યમ જોઈતીમા, સેની ચંત્યા કરો સો?’ કહેતી બાજુમાંથી સમી આવી. કાંય નઈ’લી આય લે...’ કહી છીંકણીની ડબ્બી ધરી. ‘તે હાંભર્યું સે કે મેનીનો કજિયો હળુંજવાં જ્યાંસી, નઈ ?’ કહીને રામીએ છીંકણીની ચપટી ભરી. ડેલીનાં કમાડ બાજુ લમણો રાખીને વાસણ ઘસતી મેનીએ રામીની વાત સાંભળીને મોઢું મચકોડ્યું. ઘસેલાં વાસણ ઓસરીની જેર પર આડેધડ મૂકવા લાગી. એકબીજા સાથે ખખડતાં વાસણનો અવાજ ડેલીથી માંડીને આગળની ગલી સુધી ફરી વળ્યો. ‘શું થાય, રાંમી, મૂવાંનું મૂઢું મેલાંણું વોત તો કાં’ક હુજ પડત. આજકાલ કરતાં...’ દાદીનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ મેનીથી મનોમન બબડી પડાયું, ‘બાર મઈના ઉપર થઈ જ્યું ને પછી આંખો સહેજ ઝીણી કરતી એ મેલું પાણી ઢોળતી ઊભી થઈ ગઈ. ‘પિટ્યાં નથઅ તેડી જાવાનું કે’તાં કે નથઅ હરખો જવાબ દેતાં...’ દાદીએ છીંકણીનો સડાકો લીધો ને આગળ ચલાવ્યું: ‘ઈનં તો શેની ચંત્યા વોય ? નકટો થઈન્‌ ફરે સે શે’રની છોડિયું હારે... ઈનો બાપેય પે’લાં તો સોકરાનો વાંક કાઢીન્‌ નેમાંણો થાતો, પંચ આગળ કરગરતો’તો. મારા નાંનજીને ઈમ કે, અસે... થોડી રાહ જોયે, પણ શે’૨માં ફસાયેલો ઈનો નઈડો ધરાર ના પાડી બેઠો એકઅ... નાનજીય શું કરે ? છોડીનો બાપ... બેહી રે’ ચાલે ?’ ‘જોઈતીમા, પૈણવા આયો ઇન ચેડી આંગણે તેડાયો’તો તાંણઅ તો હાવ સીધો લાગતો’તો મૂવો ! જેર પર બેઠી-બેઠી પગની પાનીનો મેલ ઉતારી રહેલી મેની આ વખતે તો બોલી જ પડી, ‘જબરો સીધો હાં, રાંખીકાચી, કૂતરાની પૂંછડી જેવો! પછી ખ્યાલ આવ્યો કે દાદી સાંભળી જ્યાં અસી તો! એણે દાદી સામું જોયું, પણ દાદી તો રામીના સવાલનો જવાબ આપવામાં પડ્યાં હતાં. ‘ઈમ તો... આંણું કર્યું તાં હુંધી મેનડીની આંસે જ ભાળતો’તો, પણ કૉલેજ કરવા જાજો મત નં ફટજો મત ! મારી ગરીબ અસરાપ મેનડી... શી ખોટ સે છોડીમાં ? પિટ્યા ભમરાળા નં... દીવો લઈન્‌ હોધવા નેહરે તોય મેનડી જેવી ચ્યાંય મળે ઈમ સે?” પવન રોકાઈ ગયો હતો અને ઉકળાટ વર્તાતો હતો. મેની સાલ્લાનો છેડો હાથમાં લઈ વીંઝવા માંડી, શરીર ૫૨ પરસેવો રેલાતો હોય એવું લાગ્યું. અડધું ધ્યાન દાદી અને રામીની વાતચીતમાં અને અડધું બહાર હતું. એ ઊભી થઈ. ડેલીનાં કમાડ ઉઘાડી, ડેલીના ઉંબર પર આવીને બેઠી. ‘અમ’લી, ત્યાં બેઠી સી ?’ ‘બળ્યું, રામીકાચી, વાયરો જ નથઅ અડતો લગીરે!’ ‘તમારા ઘરની વંડી જ ઊંચી સે પસી વાયરો ચ્યાંથી આવે, કે?’ કહેતી રામીએ જોઈતીમાને સૂનમૂન બેઠેલાં જોઈ, જ્યાં એમની વાતનો છેડો અધૂરો હતો ત્યાંથી જ શરૂ કરતાં બોલી, ‘એ તો હારું સે કે છોડી સીધી સે...’ દાદીએ ડેલીના ઉંબર પર બેઠેલી મેની તરફ નજર નાખીને, છીંકણીની ચપટી ભરવા જતી રામીની વાતમાં સૂર પુરાવ્યો, ‘હાવ હાચું સે હાં.. નકર, હાપનો ભારો ચમ કરી હચવાય!’ મેનીની પીઠનો ધક્કો લાગવાથી ડેલીનું કમાડ વંડી સાથે અથડાયું. કમાડની પાછલી બાજુની સાંકળ ખખડી, એણે ઊંચે જોયું. સામેના કમાડની બહારની સાંકળ લટકી રહી હતી. એ સૂનમૂન થઈ, એક પગ ઉંબર બહાર લટકતો રાખી, ડેલીની બહાર એક-બે વાર ડોકિયું કર્યા પછી વિચારોમાં ડૂબી ગઈ. મૂવો, પે’લી વાર તો જાંણઅ લાડવો ભાળ્યો વોય ઈમ... નઅ, અવઅ શું હમજતો અસે ઈના મનમાં! પિટ્યાનું પે’લાં મૂઢામાં મગ ભર્યાં’તા? ફટ્‌ દઈન્‌ ભસી મર્યો વોત કે મારે ગોમડાનું અભણ બેરું નથઅ જોયતું તો... આ એક ભવમાં... કશું યાદ આવ્યું હોય એમ વિચારવું પડતું મૂકીને એણે ગલીની આરપાર જોવા માંડ્યું. હજી ડેરીના મકાન બાજુથી દૂધનાં કેન આઘાંપાછાં થવાના અને હસીમજાકના અવાજ પડઘાતા હતા. એના મનમાંય કશુંક પડઘાવા લાગ્યું. -નઅ મૂવો મેઘોય, હવાર ને હાંજ દૂધ ભરવા જઉં તાંણઅ, ‘મેની ચેટલા ફેટનું લાઈ સી?’ ક’ઈન ચોપડામાં લખતાં-લખતાં આંસ ઉલાળતો’તો, ચ્યમનું રે’વાય ? વરહ ઉપર થઈ જ્યું. પેલી ગંગાડી ન્‌ હંતોકડી બબે સોકરાંની માયો થઈ. રાંડોન સોકરાંય ચ્યેવાં ભફલાં જેવાં ! ઈયાંના ધણીથીય રૂપાળા ! એણે લાંબો વાસ ખેંચીને ડેરીના રસ્તા બાજુ જોયું. પાછી અંદર આવીને ખાટલી પર આડી પડી. લાલિયાએ ગાડાના પૈડા પર એક પગ ઊંચો કરીને એકી કરી. પછી ચાટ સૂંઘીને એંઠવાડ ચાટવા લાગ્યો. ડેરીના ખટારાનું હોર્ન વાગ્યું. ‘આવવા દો... આવવા દો... એ... હાં.’ દૂધ ભરેલાં કેન ચઢ્યાં. ધબૂ... ધબ્‌... ખાલી કેન આડાંઊભાં ફેંક્યાં. ખટારાની એક બાજુનો ભાગ ધબ્ દઈને બંધ થયો. બન્ને બાજુની સાંકળ ભિડાઈ. ને ખટારાએ, જવા દો... જવા દો... ના અવાજ સાથે વળાંક લીધો. ‘આજ દૂધનો ખટારો લેટ આયો વોય એમ નથઅ લાગતું’લી મેની ?’ મેનીએ જવાબ ન આપ્યો. ‘લ્યે, આ છોડી તો ઊંઘવાય માંડી.’ એને હસવું આવ્યું. એ ઊંઘવાનો ડોળ કરતી પડી રહી. ‘લ્યોં તાંણઅ, સખરાત કરો માડી,’ કહી રામી ઊભી થઈ. . ‘રાંમી, મેનડી હુઈ જઈ સે? ‘ઓવઅ...’ ‘જોકીંન્‌ આ છોડી, ઘર ઉઘાડું પડ્યું સઅન્‌...’ ‘બળ્યું, અમણાં-અમણાંથી આજુબાજુમાં ચોરીઓ વધવા માંડી સે.’ રામી હજી બોલતી ઊભી હતી. એણે પડખું ફેરવ્યું, એટલે રામીએ બાવડું પકડીને ઢંઢોળતાં કહ્યું, ‘મેનડી, ખબેર રાખજે. જોઈતીમાનં આંસે ભળાતું નથઅ... ના વોય તો મુ હુરવા આવું આજની રાત.’ એ સફાળી બેઠી થઈ ગઈ, “ના, ના, કાચી, કાંય ચંત્યા જેવું નથઅ. મું સું, દાદીમાં સી. ખાલી ખોટાં તમોન હેરાંન કરવાં.’ કહી માથાનાં ઝટિયાં બે હાથે ભેગાં કરી આંટી મારવા લાગી. ‘આંમ તો કોંય ભો નથઅ. બાજુમાં જ સું. હુરો તમતમારે.’ ‘એ... હારું.’ કહેતી એણે ડેલી બહાર નીકળેલી રામીની પીઠ પાછળ, ‘જોને આંયથી બાપા! જેવું બબડી, બે હાથ જોડ્યા અને ‘હાશ’ કરતી ઊભી થઈ. ‘બૂન, પાંણીનો લોટોય ભરતી બેહજે.’ પાણિયારેથી લોટો ભરી દાદીના ખાટલા નીચે મૂક્યો. લાઇટ બંધ કરી. ઓરડાનાં કમાડ વાસ્યાં, તાળું માર્યું. ચાવી સાલ્લાના છેડે બાંધી. પાડા પાસે જઈ બેઠેલા લાલિયાને ઉઠાડ્યો. ભેંસની પીઠે હાથ પસવાર્યા. ચાર નાખી. બળદની ગમાણમાં વેરાયેલી ચાર સરખી કરવા ગઈ અને ડેલીના કોટ પાસે વીજળીના થાંભલાનો ગોળો ફૂટવાનો અવાજ આવ્યો. ‘કુણ સઅ... પિટ્યું ?’ કહેતી એ ડેલી બહાર જોવા લાગી, પણ અંધારામાં કશું દેખાયું નહિ. ડેરી બાજુના થાંભલે ઝાંખા પ્રકાશમાં નજર ખેંચીને જોવા લાગી. મેઘાએ ડેરી બંધ કરી. પગથિયાં ઊતર્યો અને આ તરફ નજર નાખતો ઊભો રહ્યો. ઘડિયાળમાં જોયું. પછી ધીમે-ધીમે ચાવીનો ઝૂડો આંગળી પર ફેરવતો રહ્યો. હજી ક્યાંક ક્યાંક ઢાંકોઢંબો થવાના આછાપાતળા અવાજો આવી રહ્યા હતા. કોઈ ઘરેથી નાનાં ભૂલકાંનો રડવાનો, તો કોઈ ઘરેથી પતિ-પત્નીની રકઝકનો અવાજ સંભળાતો હતો. એણે ધીમેથી ડેલીનાં કમાડ આડાં કર્યા. ‘કુણ અતુ, મેની ?’ ‘કોઈ નઈ... એ તો ગોળો ઊડી જ્યો.’ કહી એ શિંગડાં વીંઝતા બળદ પાસે આવીને ઊભી રહી. એનું મન ઉપરતળે થવા માંડ્યું. એ ક્યાંય સુધી ડેલીનાં કમાડ તરફ સૂનમૂન જોતી રહી. પછી મનોમન, ‘મેઘલોય પિટ્યો, બાર મઈનોમાં જબરો ઉશિયાર થઈ જ્યોં લાગે સે!’ જેવું બોલી. આજ પહેલી વાર એના મનને કીડિયારું વળગ્યું હોય એમ થવા લાગ્યું. શું કરવુંની અવઢવમાં એ પોતાની જાતને જ મનોમન ઠપકો આપવા લાગી. - મીં જ મૂઈને... માથું હલઈન્‌... પર્સીએ... અમણાં કે તો આયો કઅ આયો... એણે દાદી સામે જોયું. દાદી એમની ટેવ મુજબ માળા ફેરવતાં બેઠાં હતાં. ઉકળાટ વધવા માંડ્યો હતો. ક્યારનીય બળદની આગળ ઊભાં રહેવાથી, બળદે મોં ખેંચીને એના હાથ પર જીભ ફેરવવા માંડી હતી. બળદની કરકરી જીભના સ્પર્શથી એના શરીરે ધીમી કંપારી છૂટવા માંડી. શરીરનાં રૂવાડાં ખડાં થાય એવું થયું, પણ બીજી જ પળે બળદમાં નસકોરાંમાંથી ફેંકાવેલો ગરમ લાહ્ય ઉચ્છ્વાસ સીધો છાતીએ જ વાગ્યો હોય એમ એ બે ડગલાં પાછળ હટી ગઈ. દૂર ગામના પાદર બાજુ શિયાળવાં થયાં. હાકુઉ... હાકુઉ... કૂતરાં ભસ્યાં. લાલિયો ઊંચું મોં કરી લાંબું ભસ્યો. ‘મેની, એમ કર, બેટા...’ કહેતાં દાદીએ એને નજીક બોલાવી કાનમાં કહેતાં હોય એમ ખૂબ ધીમેથી કહ્યું: ‘તારા બાપાનું પે’રણ નઅ ફાળિયું પડ્યું સે. પે’રીન્‌ હુઈ જા આજની રાત. આપણ બે સીએ. નઅ કરે નારાંણ નઅ.. આ તો વચિતર વસ્તી સઅ. ચોરીચગાળી કરનારાંનું શું પૂસવું ? ગમે ઈમ તોય આપણ બાઈ માંણહ... તારા બાપાનાં લૂગડાંનો ફેર પડઅ...’ ઘડીક તો એનેય હસવું આવ્યું. પછી મનમાં થયું, આયે બરોબર સે. મેઘલો સો ન્‌ ગોથાં ખાતો. એણે ઓસરીની ખીંટીએ લટકતું પહેરણ પહેર્યું. માથે આડુંઅવળું ફાળિયું વીંટ્યું. કાળી છીંટનો ઘાઘરો કાઢીને, સફેદ પહેર્યો. પછી હસતી, તાળિયો લેતી દાદીની સામું જોવા લાગી. ‘ચેવી લાગું સું મું?’ કહેતાં એણે ઓસરીની લાઇટ કરી. ‘અસ્સલ મારા નાંનજી જેવી લાગી સી! ઈના જેવો જ રૂબાબ...’ દાદી ખુશ થતાં બોલ્યાં. એણે પોતાના શરીર ફરતી નજર નાખી. પહેરણની બાંયો પર વારાફરતી હાથ ફેરવીને, બાંયો સરખી કરી, બટન બીડ્યાં. ફાળિયું બે હાથે પકડી બરાબર ફિટ કર્યું. ટોડલે લટકતા દર્પણમાં જોયું. ઘડીક તો એ પોતે જ શરમાઈ ગઈ હોય એમ થયું. દર્પણમાં એનું ભરાવદાર ગોળ મોં, માથે ફાળિયું વીંટવાથી, રુઆબદાર લાગતું હતું. એણે ધીમે- ધીમે દર્પણમાં નજર સ્થિર કરી. પછી થયું, દાદીમા હાચું કી સી... રૂબાબ તો બાપા જેવો જ... લાઇટ બંધ કરી. શરીરમાં ગરમી વર્તાવા લાગી. નસેનસમાં કશુંક સંચરવા માંડ્યું. છાતી ટટ્ટાર થતી હોય એમ શરીરે અંગડાઈ લેવા માંડી. બે હાથની મુઠ્ઠીઓ સહેજ સખતાઈ પકડતી બિડાવા માંડી. આંખોની દષ્ટિ બદલાવા માંડી. ‘કુની તાકાત સે કે ડેલીમાં પગ મૂકી શકે ?’ જેવી મગરૂબી મગજમાં ફૂટવા માંડી. આ આંસોને આજી આંમ ચ્યમ કતરાતી નજરે જોવાનું મન થાય સે? આ ઘર, ઘરની પરસાળ, આંગણું, વંડી, વંડીના કમાડ અને કમાડે લટકતી હાંકળ... લાલિયાએ કાન ટપકાર્યા, સાંકળની આરપાર ટકરાતી નજર ઝડપથી એના મનમાં અંદર સમેટવા લાગી. એને થયું, હારું થયું લાલિયાએ કાંન ટપકાર્યા તે ! નકર આંસ હાંકળ હાંમેથી ઊખડવાનું નામ જ નતી લેતીન્‌... એણે દાદી સામું જોયું. દાદી હવે ઊંઘતાં હોય એવું લાગ્યું. મનમાં થયું, બળ્યું આમ તો શરીરમાં બાપા જેવી હેમત લાગે સે. નઅ આંમ હાંકળ હોમું જોવું સું ન્‌ ચ્મમ ઢીલી પડતી હોઉ એમ થાય સે? ડેલીનું કમાડ હલ્યું હોય એવો અવાજ થયો. સાંકળ ભીડવાની ઇચ્છા થતાં બે-ત્રણ વાર ઊભી થવા પ્રયત્ન કર્યો, પણ શરીર જાણે ખાટલીમાં જકડાઈ ગયું હતું. ચોફેર અંધારી રાતનો સૂનકાર વધતો જતો હતો. વાતાવરણમાં એકદમ ચુપકીદી છવાઈ ગઈ હતી. પરસેવાથી તરબતર શરીરને વાયરો નાખવા માટે આસપાસ કપડું લેવા નજર નાખી. એ ચોંકી ઊઠી.. ‘હે...! આ તો બાપાનો ખેહ લટકે સે ! ખભે નાખવાનું ભૂલી જ્યા લાગી સી. મારી બળતરામાં નઅ બળતરા માં... આંગણામાં તાર પર લટકતા ખેસ સામે જોયાં કર્યું. એનાં લગ્ન વખતે એનો બાપ ખભે ખેસ નાખી મહેમાનોની જે રીતે સરભરા કરી રહ્યો હતો એ આખેઆખું દૃશ્ય એની આંખોમાં ઊપસવા માંડ્યું. ખભે ખેસ, માથે ફાળિયું, બગલાની પાંખ જેવાં કપડાં અને સાજનમહાજનમાં મહાલતા બાપનો રુઆબ. એનું મન હાલકડોલક થવા માંડ્યું. ક્યારનાય અટવાઈ ગયેલા પવનનું એક ઝોકું આવ્યું. ડેલીનું કમાડ ધડમ્ કરતું ખૂલી ગયું. એ સફાળી બેઠી ગઈ. છાતી ધક્‌ધક્‌ થવા માંડી. એ માંડ-માંડ ડગલાં ભરતી ડેલીનાં કમાડ પાસે આવી. બે હાથે કમાડ બંધ કરી, કમાડ સાથે પીઠ દબાવીને વાસ ખાતી ઊભી રહી. આંગણામાં તાર પર લટકતો ખેસ હવામાં ફંગાળાતો હતો... મેઘો હજુ આવ્યો નહોતો. તોય મેઘાની બીક લાગવા માંડી, ઘડી પહેલાં આપાનાં કપડાં પહેરવાથી શરીરમાં આવેલું અનોખું જોમ બંડ પોકારવા લાગ્યું. બંધ કમાડે પીઠ દબાવીને લોથપોથ થતી હોય એમ એ ક્યાંય સુધી ઊભી રહી. પીઠ પાછળ હડદોલા વાગવા શરૂ થયા હોય એવું લાગવા માંડ્યું. આગળ ખોરડું, પાછળ ગલી, ગલીમાં અંધારું. એણે ઉપર જોયું. કમાડની સાંકળ માથા ઉપર જ લટકી રહી હતી. પવન એકધારો શરૂ થયો હતો. પીઠ પાછળનાં કમાડ ધડાધડ થતાં હોય એવો અવાજ થયો. દાદી પડખું ફરતાં બોલ્યાં, ‘શું ખખડ્યું, ભઈ નાંનજી ! જોનં ડીચરા... કાંય ભજવાડ તો નથઅ થ્યોન્‌...’ મેની હબક ખાઈ ગઈ. પીઠ પાછળ તો ખરી જ, પણ છાતીની આરપાર અગનઝાળ લાગી હોય એમ એ ભાગી. ઝડપથી ખાટલીમાં આડી પડી, ઉપર આકાશમાં ક્યાંય વાદળ જેવું નહોતું. તારા ખીલ્યા હતા. આકાશ ચોખ્ખું વર્તાતું હતું. એ જોઈ રહી. ઘડીક આકાશ સામે, પોતે પહેરેલાં બાપનાં લૂગડાં સામે, વળગણીએ લટકતા ખેસ સામે, દાદી સામે અને ડેલીનાં કમાડ સામે. પવન ધીમો પડ્યો હોય એવું લાગ્યું ખરું, પણ ડેલીનાં કમાડ હાલતાંય નહોતાં કે ખખડતાંય નહોતાં. બરાબર ફિટ હતાં. એને નવાઈ લાગી. ‘મૂઈ... હાંકળ ચ્યારે વહાંણી !’

(ઈન્ડિયા ટુડે - ૫ ઓક્ટોબર, ૧૯૯૬)

॥ નિબંધ ॥


જન્મ : ૧૯૫૪

શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો
યજ્ઞેશ દવે

શિયાળાની સવારનો, ગરમ ધાબળી જેવો તડકો ઓઢીને બાલ્કનીમાં બેઠો છું. હમણાં જ બહાર નીકળ્યો છું, બાકી તો ઘર એ ભરાઈ રહેવાનું દર બની ગયું છે. આ બે-ત્રણ મહિના Hybemationમાં જ જવાનું છે. ઘરમાં બારીના કાચમાંથી આવતો પ્રકાશનો સેરડો, તેમાં ઊડતાં રજકણો જોયા કરું છું. ગોદડાં, રજાઈ, ધાબળા, ડામચિયા કે પેટી, પલંગ નીચેથી બહાર આવ્યા છે. માના સાડલાની જૂની ખોળવાળું ગોદડું જોઈને અચાનક દૂર બેઠેલી મા યાદ આવી જાય છે. ઘરમાં મેથી-લસણના વઘારની ગંધ રસોડામાંથી ઓરડે ઓરડે ફરી વળી છે. મેથી અને રીંગણાંનો ઓળો ન હોત તો શિયાળા સામે કેટલી, ફરિયાદો હોત! પેટીપૅક ઘરમાં શિયાળો ઝટ દઈને પ્રવેશ કરી શકતો નથી, પણ પેલાં જૂનાં વિલાયતી નળિયાંવાળા ઘરની ઊંચી છતોની નળિયાંની તિરાડોમાંથી કાતિલ શિયાળો કેવો સલૂકાઈથી સરકી આવતો. થીજેલા કોપરેલને હથેળીમાં ઓગાળી નાના પગ પ૨ સ્નિગ્ધ માલિશ પછી જૂના લેંઘા, આખી બાંયના મોટા ભાઈઓના જૂના શર્ટમાં સુકલકડી શરીરને લપેટી લીધું છે. એકાદ સ્વેટર અંદર એકાદ બહાર ને માથે મફલર કે વાંદરાટોપી પહેરી તબડકામાં કરેલા તાપણા આસપાસ ગોઠવાઈ ગયાં છીએ. ગરમ દૂધ પેટમાં પડ્યું છે. તડકામાંના તાપણાના છાણાનો રતૂમડો પ્રકાશ અમારા મોં પર ચળકે છે. કાનટોપી વધુ નીચે ખેંચી મોટા ભાઈ વાર્તા માંડે છે. આખું ઘર એક હૂંફની આસપાસ વીંટાઈ ગયું છે. એ નજીક નજીક સાથે બેસવાની પણ તાપણાથી વધારે હૂંફ હતી. વાર્તા પૂરી થવા આવી છે. બળતાં છાણાંના લાલ અગ્નિગર્ભ પર રાખોડી રાખ બાઝવાં લાગી છે. એ રાખમાંથી અગ્નિના શિરાઓ તિરાડો દેખાય છે. તાપતા હાથ તાપણાની વધુ નજીક પહોંચી ગયા છે. સહેજ ફૂંક મારતાં રાખમાંથી લાલચોળ અગ્નિ દેખાય છે. આંખ ઊંઘે ચડી છે. પથારીમાં નાક સુધી ગોદડું ખેંચી હાથને પગ વચ્ચે સંતાડી ગૂંચળું બનીને પડ્યા છીએ ઘસઘસાટ. શિયાળાની એક બીજી મજા હતી. સ્વેટર, મફલર, ટોપીનાં પોશાક રંગબેરંગી બને. સ્ત્રીઓ આખા શરીરને રંગબેરંગી સાડલામાં લપેટે, નાક મોંને સાડલામાં લઈ માત્ર આંખો દેખાય તે રીતે લાજ કાઢી મોં પાસે ધીમા દબાતા અવાજે વાતો કરતી આ જ ઋતુમાં જોવા મળે. જમરૂખનું શાક બનાવવા માએ છાના માના ઘરમાં ક્યાંક સંતાડી રાખ્યાં હોય, તેની ગંધથી તેની શોધ ચાલતી. વગડામાં બોરડીનાં બોર વીણવા ગયેલા તે કેટલીક બોરડીઓ અચાનક અડાબીડ અહીં ઊગી નીકળી છે. પીળાં બોરનો ખટૂંમડો સ્વાદ, લાલ બોરનો મીઠો ગર, ક્યાંક વાગી ગયેલો વાંકડો કાંટો, સોરાતો પવન, તળાવના તરલ પાણીમાં ઊતરતી હજારો કુંજડીઓ, ઘઉંની ઊંબીની લીલી લીલી મૂછો, આંબળાનું જીવન, ગુંદરપાક માટે તળાતા ગુંદરની ઘીભરી સુગંધ - આ બધું આ વખતે એકસાથે યાદ આવે છે. આ શિયાળાને પ્રાકૃતગાથાઓ થકી તે સ્થળકાળમાં મેં માણ્યો છે. આ ગાથામાં પથિકને રાતના કેવી તો ઠંડી લાગી હશે કે ભોંકાતા તણખલાની પરવા કર્યાં વગર પરાળની પથારીમાં ઊંડો ઊડો ખૂંપતો ગયેલો. “શિયાળાના આરંભના પ્રભાતે કોગળા કરતાં કરતાં જુઓ પેલો પથિક પરાળની તીક્ષ્ણ અણીથી ઉઝરડાયેલાં પોતાનાં અંગો પર ભીનો હાથ ફેરવીને તેમને સુંવાળા કરી રહ્યો છે.” તાપણાના અગ્નિની આ પ્રાકૃત કલ્પના પાછળ આપણી માનવજાતિની હિમયુગની કોઈ Collevtive unconcviousness હશે? “જુઓ! હેમંત ઋતુમાં આ દળદરી, ગામના દેવળનાં દ્વાર પાસે પથિક પરાળના ઠરી જતા તાપણાને (ઉપર વળી ગયેલા રાખના પડને) જાણે કે રીંછ ચીરતો હોય તેમ ચીરી રહ્યો છે” અને આ પોતડી, કેટલી Senseous છે - સ્પર્શ ગંધ રંગથી પામી શકો. “દારિદ્રથી પીડાતો માણસ તાપણાની ગંધવાળી, ધુમાડાથી પીળી પડેલી, ઠેર ઠેર તણાઈ ગયેલા ને ઝળી ગયેલા તાંતણાવાળી તેની જીર્ણ પોતડીથી હેમંત ઋતુમાં ઓળખાઈ આવે છે.” કૉન્ફરન્સ-સેમિનાર - શિબિરની આ ઋતુમાં હું એકદમ અંગત થઈ જાઉં છું. હિમયુગની ગુફા સુધી મારી સ્મૃતિ પગલાં સૂંઘતી સૂંઘતી જાય છે. એ લુપ્ત પ્રકાશન યુગ ઊખળવા લાગે છે જ્યારે અગ્નિ, માંસ અને માદાની હૂંફથી યુગો સુધી ગુફામાં રહ્યો હતો અને બહાર નીકળીને નેજવું કરીને જોયું તો પૃથ્વી પરની બરફની ચાદર હળવે હળવે પીગળતી હતી. અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે?


જન્મ : ૧૯૫૪

“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર-

હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે
માત્ર ઝાકળનું જળ;
માગશરની નદીના શ્વાસમાં

હિમ થઈ જાય છે

વાંસનાં પત્તાં-મરેલું ઘાસ-આકાશના તારા;

બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે!”

અસ્ફુટ એવી કાતર વેદનાને લઈ આવે છે શંખમાલા-

“અરણ્યનો પથ છોડી અંધારામાં
તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો, કહ્યું,

“તમને ચાહું છું:”
નેતરના ફૂલ જેવી નિર્લોભ વ્યથિત તમારી બે આંખો.

શોધી છે મેં નક્ષત્રોમાં - ધુમ્મસની પાંખોમાં -

સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે પ્રકાશ

આગિયાના શરીરથી - શોધ્યા છે તમને મેં ત્યાં-

ધૂસર ઘુવડની પેઠે પાંખો પસારી માગશરના અંધારામાં
ધાનસિડિને કાંઠે કાંઠે.”

પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે -

“આપ એ જેઓ ભમ્યા છીએ નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજે,

જમણે જોઈ છે, ખેતરની પાર નર નદીની નારી વિખેરે છે ફૂલ
ધુુમ્મસના; સદીઓ શૂળ ગામડાગામની નારી જેવા જાણે અરે
તેઓ

બધાં; આપણે જેમણે જોયું છે... અંધારામાં આકડો અને
ઊંદરકરણી

આગિયાથી ભરાઈ ગયાં છે; ફસલ વગરના ખેતરને ઓશીકે
ચૂપચાપ ઊભો છે ચંદ્ર - કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે; -”

માગશરના વગડામાં મળી આવી છે આ ચિરપુરાતન નારી

“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી

હવે આ પૃથ્વી પર -”
બોલી છું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર
સુક્કા અમળાયેલાં ફાટી ગયેલાં;

- માગશર આવ્યો છે - આજ પૃથ્વીના વનમાં

તે બધાની બહુ પહેલાં આપણાં બે જણાંના મનમાં

હેમંત આવી છે; તેણે કહ્યું, “ઘાસની ઉપર પાથરેલાં બધાં

પાંદડાંના
આ મુખ પર નિઃસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો અંધકાર

પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય -”

જીવનાનંદદાસની સૃષ્ટિમાં ઉત્સાહ ઉત્સવ વસંત વર્ષા નથી. છે એક આદિમતા પૃથ્વીના પ્રાકટ્યકાળની રહસ્યમય ધૂસરતા. આગિયો, આકડો ધાનનાં ખેતરો, ધુમ્મસ, નરમ નદી તેમણે. નામ પાડીને વાત કરી છે તે નાટોરની વનલતાસેન બધાં અનામી અવગુંઠનમાં કશુંક વેષ્ટિત કરીને બેઠાં છે. વસંત અને વર્ષા આપણને ઓગાળી કાલવી નાખે. છે, જ્યારે આ હેમંત અને શિશિર તમને એક Aesthetic distance પ૨ રાખી તમારા અસ્તિત્વના દાબને અનુભવતા જગતને જોવા જરૂરી એવી પૃથકતાની પીઠિકા બાંધી આપે છે.

‘નિસર્ગલીલા’