ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/વ્યોમેશચન્દ્ર જનાર્દન પાઠકજી

From Ekatra Foundation
Revision as of 07:17, 4 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વ્યોમેશચન્દ્ર જનાર્દન પાઠકજી

એઓ મિડલ ટેમ્પલના બૅરિસ્ટર હોઇ મુંબાઇ હાઇકોર્ટના ઍડવોકેટ છે. સુરતના વિસનગરા નાગર સરદાર શ્રી. જનાર્દન પાઠકજીના એઓ વડા પુત્ર થાય. એમનો જન્મ સુરતમાં સન ૧૮૯૫માં થયો હતો. એમના માતાનું નામ લલિતાગૌરી, સુરતની સાર્વજનિક હાઇસ્કૂલમાંથી ઘણે ઉંચે નંબરે મેટ્રિક થઈ એઓ વડેદરા કૉલેજમાં ગયા. ત્યાં પહેલેજ વરસે ટ્રામમાંથી પડી ગયા ને માથામાં ભારે ઈજા થઈ તેથી એમનાં બે વરસ પડ્યાં. ૧૯૧૭ માં એઓ બી. એ. થયા. પછી મુંબાઈ જઇ પહેલી ને બીજી એલએલ. બી. બીજા વર્ગમાં પસાર કરીને ૧૯૨૧માં અર્થશાસ્ત્ર લઇ એમ. એ. થયા. એમને નિબંધ લખવા માટે અનેક ઇનામો મળ્યાં છે, તેમાં હિંદની બધી વિદ્યાપીઠોના સ્નાતકની હરિફાઇમાં ઉત્તમ નિબંધ લખવા માટે મળેલું વાઇસરોયનું ઇનામ એ મુખ્ય છે. એમ. એ. થયા પછી એડવોકેટના ટર્મ ભરતા હતા એટલામાં સુરત કૉલેજમાં એમને ઇતિહાસ ને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે બોલાવવામાં આવ્યા. સાર્વજનિક સોસાયટીના વૉલંટિયર થવાની એમની ઇચ્છા ન હોવાથી ૧૯૨૫ માં એમણે રાજીનામું આપ્યું. પણ ત્યાં હતા તે દરમિયાન એમણે વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં નવું જ ચેતન રેડ્યું હતું. પછી ગુજરાતી સાહિત્ય સમિતિ, કલા મન્દિર, કૉલેજ પાર્લામેન્ટ વગેરે કાઢી ને છેવટે કૉલેજ યુનિયન સ્થાપી, આ સર્વે સંસ્થાઓને એમણે સ્થાયી સ્વરૂપ આપ્યું, એઓ ગયા ત્યારે એમને સ્ટાફ ને કૉલેજિયનો તરફથી અસાધારણ માન મળ્યું હતું. અમારા વિદ્વાન્‌ પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ તે વેળા કૉલેજ મેગેઝીનમાં ખરુંજ લખ્યું હતું કે કદાચ પ્રો. પાઠકજી બધા પ્રોફેસરોમાં સૌથી વધારે લોકપ્રિય હશે. ભાષણકર્તા તરીકે એમણે બહુ નામના મેળવી છે. વિનોદ અને વૈવિધ્ય એ એમની ભાષણશૈલીનાં મુખ્ય લક્ષણો છે. મુંબાઈ ને ગુજરાતની બધી આર્ટસ કોલેજોમાં એમને ભાષણ કરવા નિમંત્રણ થયાં હતાં. ગુજરાત કૉલેજ તથા ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસરો વચ્ચે અમદાવાદ પાર્લામેન્ટમાં સંવાદ થયો હતો, ત્યારે મધ્યસ્થ પદે એમને બોલાવ્યા હતા. શંકર જયન્તી, નર્મદ જયન્તી, શરદુત્સવ, વસન્તોત્સવ વગેરેમાં પ્રમુખ તરીકે આપેલાં ભાષણો સામયિકોમાં છપાયાં છે પણ તે બધાંનો સંગ્રહ છપાયો નથી. બાકી લેખ જેવાંજ એમનાં ભાષણો હોય છે. એમની યાદશક્તિ એટલી તીવ્ર છે કે એકવાર નગીનચંદ હૉલમાં પ્રો. કાલિદાસ દેસાઇએ ૪૫ મિનિટ સુધી અંગ્રેજીમાં મોંએ જાહેર ભાષણ કર્યું હતું તેનાં વાક્યેવાક્યનો ત્યાંને ત્યાં એમણે સભા સમક્ષ ગુજરાતી તરજુમો કર્યો હતો! કૉલેજ બહાર પણ એમની પ્રવૃત્તિ અનેક હતી. સુરત સાહિત્યમંડળના એઓ પાંચ વરસ સુધી પ્રમુખ હતા. સુરતના પ્રખ્યાત યુવક સંઘના એઓ પહેલા પ્રમુખ હતા. સુરત પાર્લમેન્ટના સ્પીકર પણ હતા. ગુજરાત કલા પ્રદર્શનના મંત્રી ને સાહિત્ય પરિષદના ટ્રેઝરર તરીકે પણ એમણે કામ કર્યું છે. આ પરથી લાગશે કે એમને લખવા કરતાં કાર્ય કરવા તરફ વધારે વૃત્તિ રહે છે. એઓ લખે છે થોડું પણ એમની શૈલીમાં વિશિષ્ટતા હોય છે. ‘ગદ્યકુસુમ’ નામે પાઠ્ય પુસ્તકની ટીકા એમણે લખી છે, તે વિદ્વદ્‌વર્ગમાં તેમજ શિક્ષકવર્ગમાં બહુ સન્માન પામી છે. સંગીત માટે એમનું કુટુંબ સુવિખ્યાત છે. એમના જેવો એમેચ્યોર ગાનાર ગુજરાતમાં ભાગ્યે જ બીજો હશે. સંગીતશાસ્ત્રનું એમને એવું જ્ઞાન છે કે પ્રો. ભાતખંડે સાથે એઓ પણ સંગીતના પરીક્ષક તરીકે નીમાતા. દુર્ભાગ્યે, એમના માતુશ્રીના મરણ પછી એમની એ દિશાની પ્રવૃત્તિ બંધ પડી ગઈ છે. ગુજરાતી કરતાં સંસ્કૃત તરફ એમને વધારે પક્ષપાત છે. ગીર્વાણ વાગ્‌વિલાસિની સભા (જેમાં સંસ્કૃતમાંજ ભાષણો થતાં) તેના એઓ પ્રમુખ હતા. સંસ્કૃતમાં એમના લેખો પણ છપાવ્યા છે, ભાષાશાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર એમના પ્રિય વિષયો છે. ૧૯૨૭માં સંઘરણીમાં સપડાઈ ગયા પછી એમની પ્રવૃત્તિઓ મંદ પડી ગઈ છે. ‘નર્મદનું જીવનચરિત’ ને ‘સમાજશાસ્ત્ર પ્રવેશિકા’ લખવાનું એમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સોંપ્યું છે તે કામ હજી સુધી એઓ તબિયતને લઈને પુરું કરી શક્યા નથી. હમણાં વળી ખબરદાર કનકોત્સવ નિમિત્તે રાજકેટ ને ભાવનગર એ બે સ્થળે પ્રમુખસ્થાન લીધું હતું ખરું. સાક્ષરશ્રી મોહનલાલ દવેનાં જ્યેષ્ઠ પુત્રી સૌ. જ્યમનગૌરી સાથે ૧૯૧૮ માં એમનાં લગ્ન થયાં હતાં. તેઓ પણ પ્રસિદ્ધ લેખિકા છે. તેમનું જીવન ચરિત આ ગ્રંથમાં અન્યત્ર આવ્યું છે.

: : એમનાં સંપાદનો  : :

પુસ્તકનું નામ. વરસ
દલાલકૃત બુદ્ધિસ્ટ ઇન્ડિયા (અંગ્રેજી) ૧૯૨૬
ગોયટેનાં જીવનસૂત્રો (અનુવાદ) ૧૯૨૨
ગુજરાતમિત્ર હીરક મહોત્સવ અંક (સંપાદન) ૧૯૨૪
કાવ્યસાહિત્યમીમાંસા (પ્રો. અતિસુખશંકર સાથે) ૧૯૨૯
ગદ્યકુસુમ (પ્રો. મોહનલાલ દવે સાથે) ૧૯૩૧