ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/સુરેશ ચતુરલાલ દીક્ષિત
એઓ જ્ઞાતે વડનગરા નાગર છે. વતની પેટલાદના અને જન્મ નડિયાદમાં સન ૧૯૦૧માં થયો હતો. એમના પિતાનું પૂરૂં નામ ચતુરલાલ ભોળાશંકર દીક્ષિત અને માતાનું નામ પદ્માવતી હરિશંકર જાની છે. સ્વ. ગોવર્ધનરામ શ્રીમતી પદ્માવતીના મામા થતા હતા. એમનું લગ્ન સન ૧૯૨૬માં નડિયાદમાં શ્રીમતી નરેન્દ્રબાળા સાથે થયું હતું. હાઈસ્કુલ સુધીનો અભ્યાસ એમણે પેટલાદમાં કર્યો હતો. તે પછી વિલ્સન કૉલેજમાં જોડાયલા. સન ૧૯૨૮માં એમણે એમ. એસ. સી.ની પદવી મેળવી હતી; અને સન ૧૯૩૦માં “ગુજરાતના વડનગરા”એ વિષય પર પ્રબંધ રજુ કરી, એમ. એ., ફર્સ્ટ કલાસમાં પાસ થયા હતા. કૉલેજમાં એમની બીજી ભાષા ફારસી હતી. ઉદ્ભિદ્શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, વગેરે એમના પ્રિય વિષયો છે. ગુજરાતી માસિકો સાહિત્ય, કુમાર, ગુણસુંદરી, કૌમુદીમાં એમના લેખો વખતોવખત આવતા રહે છે; તે બતાવે છે કે તેઓ એમના વિષયમાં પારંગત છે; તેમ તેની રજુઆત કરવાની કળા અને ભાષાપરનો કાબુ એમને નવા લેખકમાં ઉંચું સ્થાન અપાવે એવા છે. તેઓ મુંબાઈ યુનિવરસિટી ટ્રેઇનિંગ કોરમાં સિનિયર ઑફીસર છે અને સારી લશ્કરી તાલીમ લીધી છે. તે ઉપરાંત હાઈજીન અને ફર્સ્ટ એઈડની પરીક્ષાઓ પાસ કરેલી છે. હાલમાં તેઓ વિલ્સન કૉલેજમાં અધ્યાપક છે. અને ઇન્ડિયન (Botanical) બોટેનીકલ સોસાઇટી અને મુંબાઈની એન્થ્રોપોલોજીકલ સોસાઇટીના સભ્ય છે. થોડોક વખતે એમણે કોપનહેગન (ડેન્માર્ક)ના વિશ્વવિખ્યાત ડૉ. બોટ ગેસન સાથે હિન્દની દરિયાઈ વનસ્પતી સંબંધી કામ કર્યું હતું, એ નોંધવા જેવું છે. આપણે અહિં નવો લેખક વર્ગ અગાડી આવતો જાય છે, એમાં એમણે એમના વિદ્વતાભર્યા અને અભ્યાસપૂર્ણ લેખોથી ઘણાંનું ધ્યાન ખેંચ્યું છે. એમનો પ્રબંધ “ગુજરાતના વડનગરા નાગરો” વિષેનો જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે તે એક મૂલ્યવાન પુસ્તક માલુમ પડશે. એમના છૂટક લેખો પણ લગભગ ૭૫ની આસપાસ છે; અને એમનું અત્યારનું કાર્ય જોતાં કહી શકાય કે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યમાં એમનો ફાળો કિમતી તેમ મહત્વને થઇ પડશે.