ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ગુણવંતરાય આચાર્ય
રિદ્ધિ પાઠક
મુખ્યત્વે દરિયાઈ નવલકથાકાર તરીકે જાણીતા ગુણવંતરાય આચાર્યએ ટૂંકી વાર્તાઓ પણ લખી છે. જે રીતે ઘટાદાર વૃક્ષની છાયામાં બીજા વૃક્ષો જેમ ન ઉછરી શકે એ રીતે દરિયાઈ નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા આ સર્જકની વાર્તાકાર તરીકેની છબી એટલી પ્રકાશમાં આવી નથી. ગુણવંતરાય પોપટભાઈ આચાર્યનો જન્મ ઈ.સ. ૯-૯-૧૯૦૦માં જેતલસર, ગુજરાતમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ માંડવી, કચ્છમાં થયું જ્યાં તેઓ દરિયાઈ ખેડુઓના સંપર્કમાં આવ્યા. કૉલેજનું શિક્ષણ અપૂર્ણ રહ્યું. ઈ.સ. ૧૯૨૭માં `સૌરાષ્ટ્ર મિત્ર’ દૈનિકમાં જોડાયા હતા. તેઓ `સૌરાષ્ટ્ર’, `ફૂલછાબ’, `પ્રજાબંધુ’, અને `ગુજરાત સમાચાર’ જેવા અનેક સમાચાર દૈનિકો સાથે પણ સંકળાયેલા હતા. તેઓ ફિલ્મ સાપ્તાહિક `મોજમજા’ સાથે પણ સંકળાયેલા હતા. તેમને ઈ.સ. ૧૯૪૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ ૬૫ વર્ષની અલ્પકાલીન વયે તા. ૨૫-૧૧-૧૯૬૫માં તેમનું અવસાન થયું. તેમની પુત્રીઓ વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતા પણ જાણીતા લેખિકાઓ છે. ગુણવંતરાય આચાર્યે કાલ્પનિક નવલકથાઓ, ઐતિહાસિક નવલકથાઓ, ટૂંકી વાર્તા સંગ્રહો, સાહસિક નવલકથાઓ, યુવાવાર્તાઓ, રમૂજ અને રહસ્યમય નવલકથાઓ સહિત ૧૬૯ જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં તેમની દરિયાઈ નવલકથાઓ વ્યાપક પણે લોકપ્રિય રહી. જેમાં `દરિયાલાલ’, મૌખિક ઇતિહાસ પર આધારિત ગુજરાતનાં નાવિકો અને પૂર્વ આફ્રિકામાં તેમની વસાહત વિશેની સાહસિક નવલકથા રહી, જેણે તેને લોકપ્રિયતા અપાવી. તો આવી જ એક બીજી નવલકથા છે `હાજી કાસમ તારી વીજળી’ જેનો સમાવેશ પણ લોકપ્રિય સાહિત્યકૃતિમાં થાય છે. જેનાં દ્વારા લેખકને લોકચાહના મળી હોય. તેમની અન્ય નવલકથાઓમાં `ભગવો નેજો’ (૧૯૩૭), `સરફરોશ’ (૧૯૬૩), `રત્નાકર મહારાજ’ (૧૯૬૪), દરિયાઈ નવલકથાઓ છે તો `ગિરનારને ખોળે’ (૧૯૪૬), `સેનાપતિ’ (૧૯૪૭), `ગુર્જર લક્ષ્મી’ (૧૯૫૨), `શ્રીધર મહેતા’ (૧૯૫૭), `કરાલ કાળ જાગે’ (૧૯૫૭, બે ભાગમાં વિભાજિત છે), `ભૂત રડે ભેંકાર’, તો ગુજરાતના વાઘેલાવંશ પરની તેમની ઐતિહાસિક નવલકથા શ્રેણીમાં `સર્વેશ્વર વિશળદેવ’ (૧૯૬૦), `અર્જુનદેવ’ (૧૯૬૧), `સારંગદેવ’, `ઈડરિયો ગઢ’ (૧૯૬૨)નો સમાવેશ થાય છે. તો `કોઈ કિતાબ’ (૧૯૩૫) વગેરે છે. એમણે નાટકો પણ લખ્યા છે. જેમાં `જોગમાયા’, `આપઘાત’, `અખોવન’, `અલ્લાબેલી’ આદિનો સમાવેશ થાય છે. `અલ્લાબેલી’ રંગભૂમિ પર સફળ નાટ્યકૃતિ ગણાય છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત હતા. આ કાર્યક્ષેત્રનું તેમના આ બહોળા લેખન પાછળ મહત્ત્વપૂર્ણ યોગદાન ગણી શકાય. તેમણે બારથી તેર જેટલા ટૂંકી વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. જેમાંથી મોટાભાગનાં અપ્રાપ્ય છે. જેટલી તેમની નવલકથાઓ વાચકને સુલભ છે એટલા જ વાર્તાસંગ્રહો વાચક સુધી પહોંચવા દુર્લભ છે. આ સંગ્રહોના નામ જોઈએ તો `શ્રી અને સરસ્વતી’, `નીલરેખા’, `જોબનપગી’, `ઓટના પાણી’ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી ત્રણ સંગ્રહો પ્રાપ્ત થયા છે તેને આધારે અહીં તેમની વાર્તાકલાને મૂલવવાનો ઉપક્રમ છે. કોઈપણ વાર્તાકારની વાર્તાકળાને ઓળખવા માટે કોઈ એક વાર્તા પણ પર્યાપ્ત બની રહેતી હોય છે એ વિચારને અનુસરતા વિશાળ લેખન વ્યાપમાં સ્તરેલા ગુણવંતરાય આચાર્યના અપ્રાપ્ય બાર, તેર સંગ્રહોમાંથી મુશ્કેલીથી મળેલ ત્રણ વાર્તાસંગ્રહો `અને સરસ્વતી’, `નીલરેખા’ અને `જોબનપગી’ને આધારે તેની વાર્તાકલાની સમીક્ષા કરી શકાય. ત્રણેય સંગ્રહોમાં મળીને કુલ (૫૪) વાર્તાઓ મળી છે. `શ્રી અને સરસ્વતી’માં તેર વાર્તાઓ છે, `નીલરેખા’માં પચ્ચીસ વાર્તાઓ છે, અને `જોબનપગી’માં સોળ વાર્તાઓ છે. `શ્રી અને સરસ્વતી’ (૧૯૫૬) બીજા બે સંગ્રહથી જુદો પડતો વાર્તાસંગ્રહ છે. જેમાં મુખ્યત્વે હરિકથા તેમ જ દેશભક્તિની કથાનો સમાવેશ થાય છે. જેમાં તેર વાર્તામાંથી નવ વાર્તા હરીકથાનું મૌલિક સ્વરૂપ છે. જે ગુણવંતરાયે પોતાની રીતે મૂળ કથાને આંચ ન આવે એમ મૂક્યું છે. તો ચાર શૌર્યકથા છે. જે દેશના ઓછા જાણીતા વીર શહીદોના પ્રસંગવર્ણન છે. મુખ્યત્વે આ સંગ્રહનું પ્રકાશનકાર્ય સ્વર્ગસ્થ ગાંધી સાંકળચંદ નરસિંહદાસ સ્મારકમાળા અન્વયે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. લેખક આ પુસ્તક પાછળનો આશય સ્પષ્ટ કરતા આ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે, `હળવા’ અને `હલકા’ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ રહી છે ત્યારે હરિકથાની ગઈકાલ- વિસરાતી જતી સ્મૃતિને સાચવવા માટે આ સંગ્રહ નાના-મોટા સૌ કોઈને કેન્દ્રમાં રાખીને તૈયાર કર્યો છે. આ સંગ્રહમાં `શ્રી અને સરસ્વતી’, `સત્ય અને સદાચાર’, `ઈશ્વર-વિવાહ’, `પૂર્વભવનું પુણ્ય’, `લક્ષ્મીપતિ’, `પુણ્યે પાપ ઠેલાય’, `રામરાજ્ય કોણ ચલાવે’, `લક્ષ્મીની સાધના’, `અન્નં વૈ પ્રાળાઃ’ વાર્તાઓ મુખ્યત્વે હરિકથા શ્રેણીની વાર્તાઓ છે, તો `રંગનાથ નાયક’, `શાયર સઆદત અલી’, `નુરુદ્દીન વોરા’, `સાર્જન્ટ બેલેન્ટાઇન’ વીર શહીદોના પ્રસંગચિત્રો છે. જેમાં દરેક વાર્તાના શીર્ષકો જ વાર્તાના પટને ખોલી આપતા જણાય છે. `શ્રી અને સરસ્વતી’ શીર્ષકમાં રહેલા બે શબ્દોની આજુબાજુનો અધ્યાહાર બે શબ્દો વચ્ચેની તુલનાનો ભાવ ભાવકપક્ષના અવચેતન મનમાં ખડો કરે છે જે વાર્તામાં જૂની લઢણે કહેવાતા ઉપદેશભાવ સાથે અંતે આશયસ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તો `સત્ય અને સદાચાર’માં બંને ગુણને કેન્દ્રમાં રાખીને વાર્તા કહેવાઈ છે. આ સંગ્રહમાં બધી વાર્તાઓમાં પ્રથમ વિભાગ હરિકથાઓનો છે. જેમાં પરોક્ષ રીતે આધ્યાત્મિક ભાવાવરણ રચીને ઉપદેશાત્મક શૈલીમાં આશયલક્ષી અભિવ્યક્તિ આલેખાઈ છે જેમાં `શ્રી અને સરસ્વતી’માં પરંપરિત તુલનાત્મક ભાવે કેન્દ્રમાં રચાયેલ `કોણ મોટું?’ ના પ્રત્યુત્તરે સરસ્વતી મહિમા કરાયો છે. તો `સત્ય અને સદાચાર’માં કૃષ્ણપુત્ર પ્રદ્યુમનની બલ્લવની ઘોડી માટે આદરેલી હઠ આલેખાઈ છે. `ઈશ્વર વિવાહ’માં પાર્વતી અને શંકરના વિવાહની માનવીય લાગણીઓ અને ઉદ્દાત ભાવનાનું નિરૂપણ, સાથે પ્રસંગવર્ણન દ્વારા સ્નેહનો મહિમા થયો છે. `પૂર્વભવનું પુણ્ય’માં મહાભારત કુળ આધારિત પાત્રોની કથા છે. જેમાં ભીમને વનવાસ દરમિયાન વેઠવી પડતી અગવડતાઓ, દુઃખ, ધર્મરાજ યુધિષ્ઠિરને શા માટે ભોગવવા પડે છે એવો પ્રશ્ન થાય છે. જેના પ્રત્યુત્તરમાં ધૌમ્ય ઋષિ એક કથા કહે છે અને તેને આધારે પૂર્વજન્મના કર્મ આધારિત ફળનો સિદ્ધાંત અહીં કથા સ્વરૂપે મુકાયો છે. તો `લક્ષ્મીપતિ’ પાંડવોને કહેવાયેલી કથા અહીં આલેખાઈ છે. જેમાં લક્ષ્મીએ ગુણગ્રાહી દૃષ્ટિએ વરેલા પતિની યોગ્યતાને કેન્દ્રમાં રાખી કથા રચી છે. તો `પુણ્યે પાપ ઠેલાઈ’માં પુણ્ય અને પાપનાં ત્રાજવાનાં માનવીય અભિગમ સામે પ્રકૃતિનો ન્યાય દર્શાવી કથા રચી છે. જેમાં અપૂજ શિવલિંગની પૂજા કરવા માટે ભેગા થયેલા બ્રાહ્મણો યજ્ઞ આરંભે છે અને પ્રકૃતિ તાંડવ સ્વરૂપ વાવાઝોડું, વીજળી, વરસાદનું તોફાન શરૂ થાય છે. મંદિર પર આખું તોફાન તોળાય છે. બ્રાહ્મણો નિશ્ચય કરે છે કે કોઈ એકના પાપે મંદિર પર આ પ્રકૃતિ પ્રલયના ઓળાં ઝઝૂમે છે, માટે કોઈ એકનું પાપ પોકાર કરે છે તો દરેક બ્રાહ્મણ વારાફરતી એક એકની સંખ્યામાં મંદિરની બહાર નીકળી મંદિરની પ્રદક્ષિણા કરે. છેલ્લે એક રાંકડો ગરીબ બ્રાહ્મણ વધે છે, પોતાના ઘર પરિવારની ચિંતા કરતો, પરિસ્થિતિના મારથી થરથર કાંપતો, ઘર-પરિવાર માટે ટેકારૂપ એવો એ ઘરનાની ભલામણ પણ કોને કરે? તેની ગરીબાઈ કોઈને નજીક આવવા જ ન દે ને! બધા જ બ્રાહ્મણોની ઉપેક્ષાનું એ કેન્દ્ર બને છે. અને બધા તેને ધક્કો મારીને બહાર ધકેલે છે. એ અપમાન-ઉપેક્ષાનો શિકાર બનેલો રાંકડો ગરીબ બ્રાહ્મણ જેવો બહાર ધકેલાય છે કે મંદિર પર જ વીજળીનું તોફાન તૂટી પડે છે, મંદિર અંદર રહેલા બધા જ બ્રાહ્મણો સમેત વર્ષો જૂનું અપૂજ મંદિર કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે. જીવી જાય છે નિર્દોષ ગરીબડો, રાંક બ્રાહ્મણ. નવા આરંભના સૂર સાથે વાર્તા જાણે એક વ્યક્તિનો પુણ્યપ્રતાપ અનેકના ઠેલાતા પાપને, રોકવા માટે સમર્થ બનતો નજરે પડે છે. `રામરાજ્ય કોણ ચલાવે’માં રામના વનવાસ દરમિયાન ખાલી પડેલ રાજસિંહાસન કોણ ચલાવે એવી સમસ્યાના સમાધાને જે તે જાતના મોવડી, શ્રેષ્ઠીને આગળ કરાય છે. અને અંતે બધા જ નિષ્ફળ પુરવાર થાય છે રામરાજ્ય અંતે રામની ગેરહાજરીમાં પણ રાજના મહાજન મંડળ દ્વારા જ સ્વયંભૂ રામરાજ્ય બની રહે છે. તો `લક્ષ્મીની સાધના’ અને `અન્નં નૈ પાળાઃ’માં અનુક્રમે સાધના અને અન્નનો મહિમા છે. બીજા પ્રકારની વાર્તાઓ દેશભક્તિને અભિવ્યક્ત કરતી વાર્તાઓ છે. મુખ્યત્વે એ ઓછા જાણીતા પરંતુ દેશ-દાઝ ધરાવતા, દેશ માટે કંઈક કરી ચૂકેલા વીર શહીદોના પ્રસંગ વર્ણન છે. બધા વ્યક્તિચિત્રો હોય વાર્તાથી વિશેષ પ્રસંગવર્ણન જ બની રહ્યા છે. જેમાં પ્રસંગોનું વર્ણન જે તે પાત્રના ચરિત્રોને ઉપસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બધી જ વાર્તાઓનાં શીર્ષકો જે-તે નાયકકેન્દ્રી છે.જેમ કે `રંગનાથ નાયક’, મૂળ વડોદરાનો, પણ ગ્વાલિયરમાં રહી ઘોડાગાડી ફેરવી ગુજરાન ચલાવતો રંગનાથ, નાનાસાહેબને નસાડવામાં સહાયક બન્યો હોવાની શંકા હેઠળ, અંગ્રેજોની દુષ્ટતાનો ભોગ બને છે. પત્નીને હેરાન કરાય છે છતાં મોં નથી ખોલતો અને શહીદ થાય છે. `શાયર સઆદત અલી’ પણ આવો જ એક દેશભક્ત છે. જે નાનાસાહેબને મદદરૂપ થાય છે અને ફાંસીએ ચડી શહીદ થાય છે. આ બધી શહીદવીરોની કથામાં માત્ર ભારતીય નાગરિકો જ નથી પરંતુ અંગ્રેજ નાગરિક પણ છે. જે પારકા પોતાનાની ભેદરેખા ઓળંગી સત્યના પક્ષે રહી લડે છે અને ગાયકવાડ રાજપરિવારને ન્યાય અપાવે છે. રૂઢિચુસ્ત અમુક અંગ્રેજ જનતાએ સાર્જન્ટ વેલેન્ટાઇન પર અત્યંત રોષ બતાવ્યો અને અંતે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરતા તે મૃત્યુ પામ્યા. તેમની શહીદીને યાદ કરી લેખકે અંતે માહિતી ઉમેરી છે; `...તેની સ્મૃતિ રૂપે આજે પણ અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે બેલેન્ટાઈનની હવેલી ઊભી છે.’ આ સંગ્રહમાં રહેલી બંને વિભાગની વાર્તાઓમાં કોઈ વિશેષ નવીન્યપૂર્ણ કથનપદ્ધતિ નથી. સીધી રીતે, `એક નગર હતું. તેમાં એક રાજા વસતો હતો..’ એમ આનુક્રમિક રીતે, વાક્યક્રમ મુજબ ચાલતો કથાક્રમ અહીં સુરેખ શૈલીએ આલેખાયો છે. દેશદાઝની ભાવના વ્યક્ત કરતા પાત્રમાં પણ માત્ર કોઈ એક કોમ કે જાતિ કેન્દ્રમાં નથી પરંતુ દેશદાઝ મનમાં લઈને કંઈક કરી ચૂકેલા વીર શહીદો અહીં કેન્દ્રમાં છે. જે ઓછા જાણીતા છે. એમની સાથેના ઘટના-પ્રસંગો જ વર્જ્ય વિષય બન્યા છે. જે મુખ્યત્વે આદર્શકેન્દ્રી છે. મૂલ્યબોધ માટે લખાયેલા છે. `નીલરેખા’ આ સંગ્રહથી જુદી ભાત પાડતો વાર્તાસંગ્રહ છે. (૧૯૫૪)માં જેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ હતી એવો આ સંગ્રહ જ્યારે (૧૯૬૨)માં પુનઃમુદ્રણ પામે છે ત્યારે પ્રસ્તાવનામાં લેખકે વાસ્તવવાદની નોંધ કરી છે. ઉલ્લેખનીય છે કે આધુનિકતાનો પદરવ સંભળાઈ ચૂક્યો હોય, તેમની વાર્તામાં વાસ્તવવાદ નામની સંજ્ઞાનો પરિચય વિષય અભિવ્યક્તિએ ડોકાઈ આવે છે. જે આદર્શને કેન્દ્રમાં રાખીને `શ્રી અને સરસ્વતી’ વાર્તાનું પુસ્તક આપે છે. તે `નીલરેખા’ની પ્રસ્તાવનામાં નોંધે છે કે `વાસ્તવવાદ’ અને `આદર્શવાદ’ ઉપર આપણે ત્યાં તલસ્પર્શી ચર્ચા જ થઈ નથી. આવું નોંધતા લેખકની બંને વાદ પ્રત્યેની અને એ રીતે પોતાના સમય પ્રત્યેની જાગૃતિ અહીં નજરે પડે છે. મુખ્યત્વે આ સંગ્રહમાં પચ્ચીસ વાર્તાઓ છે. `રંગીલી દરજણ’, `સ્વપ્નપુરુષ’, `દાક્તર સાહેબ’, `સત્યદર્શન’, `તર્પણ’ વગેરે. `રંગીલી દરજણ’એ દરજીના વ્યવસાય સાથે સંકળાયેલી એક સ્ત્રીની, લેખકના સ્મૃતિ-સંસ્મરણની કથા છે. જેમાં રતન નામની સ્ત્રી પોતાના ગામમાં વ્યવસાય અર્થે આગંતુક યુવકના પ્રેમમાં પડે છે. અને તેને પરિણામે આજીવન એક પગે ખોડ ઊભી થાય છે એ ભોગવી એકલતાભર્યું આખું જીવન વિતાવે છે. સંગ્રહની પ્રથમ વાર્તા છે કિશોરકાળના સમયની વાત યાદ કરતાં, `અમારા ગામની દરજણની એ વાત છે’ એવી નોંધથી પરંપરાગત કથનપદ્ધતિએ શરૂ થતી આ વાર્તા છે. તો `સ્વપ્નપુરુષ’ એ આધુનિકતાના આવિર્ભાવ સ્વરૂપ પ્રતીક કલ્પનકેન્દ્રી કથા છે. જેમાં જીવનમાં રહેલા આશાવાદની હકારાત્મક અભિવ્યક્તિએ આરંભાતી વાર્તા નિરાશાવાદની પરિઘે આવી અંત પામે છે. આ સંગ્રહની બધી વાર્તાઓમાંથી પસાર થતા ખ્યાલ આવે છે કે મોટાભાગની વાર્તાઓના વિષયો જીવન કેન્દ્રી છે. જેમાં નગરજીવનને અભિવ્યક્ત કરતી વાર્તાઓ છે તો સત્ય, સ્નેહ, શિક્ષણ, સંસ્કાર જેવા ગુણને કેન્દ્રમાં રાખી રચાયેલી ગુણકેન્દ્રી વાર્તાઓ પણ છે. આ પચ્ચીસ વાર્તાઓમાં ગુણવંતરાયે દરિયાઈ જીવનને અભિવ્યક્ત કરતી વાર્તાઓ પણ આપી છે. જેની સંખ્યા ચારેક જેટલી છે. `સત્યપુરુષ’ તેમની બીજી બધી વાર્તાઓથી અલગ પડતી વાર્તા છે. જેમાં આધુનિક સમયનો પ્રભાવ જોઈ શકાય છે. જ્યારે `નીલરેખા’ એ પણ એક કલ્પન-પ્રતીકના નિરુપણે રચાયેલ કથા છે. જેમાં કળાનો મહિમા છે. કળાની જીવંતતા અને માનવમનની ઇચ્છાઓની નશ્વરતાનું સુંદર ચિત્ર બને છે `નીલરેખા’. `દાક્તરસાહેબ’ પણ જીવનમાં કળાના મહિમાને સંગીતને કારણે જીવનમાં જીવંતતા અનુભવતા બીમાર ગણી શકાય એવા `ડૉક્ટર સાહેબ’ની કથા છે. કથાનું ફલક ઘણું લંબાયેલું છે. ડૉક્ટર થવાની મહેચ્છા ધરાવતા ટોકરશીની મહેચ્છા પિતા પૂરી નથી થવા દેતા. અને પુત્રને ડૉક્ટર બનાવવા માટે સાહિત્ય, કળા જેવા ચેતનવંતા સમાજના વિષયોથી દૂર કરી પિતાએ પોતાના આકારની મૂર્તિ ઘડી દીધી હતી. લેખક લખે છે, `સલાટને પૂરો સંતોષ થયો’. સલાટ એટલે મૂર્તિ ઘડનાર. જીવતી વ્યક્તિને યાંત્રિક રીતે ઘડીને મરજી મુજબનું પૂતળું બનાવી શકાય પરંતુ તેમાં પ્રાણ ન પૂરી શકાય. ગમતી પ્રવૃત્તિઓ, નવલકથા, કવિતા, સંગીત, કળાની દુનિયાથી દૂર કરાયો તો શ્રેષ્ઠ ડૉક્ટર બની ગયો. પરંતુ નવવધૂના આગમનથી એનામાં સંસારરૂપી સંગીતના સૂરમાં કે નવા ખીલતા જીવનરૂપી બગીચામાં રસ નહોતો રહ્યો. તે તેનાથી અજાણ હતો. તે યોગેન્દ્ર માત્ર સાહેબ બનીને રહી ગયો હતો. અઘરામાં અઘરા ઑપરેશન પણ તે કરી જાણતો હતો. એવો નાયક એક નવા અઘરા ઑપરેશનના પડકારને ઝીલે છે પણ હાથ કંપી જાય છે. એ જ સમયે ઘરમાંથી સંગીતના – વીણાનાં સૂર તેને કાને પડે છે. વર્ષો પહેલાંનો પિતાએ બાંધેલો પાળો તૂટે છે અને એ સંગીતના સૂરમાં લીન થતો, રસતરબોળ થતો પત્ની વીણાને દવાખાને સાથે લઈ જાય છે. પત્ની બીજા ઓરડામાં સૂર છેડે છે અને થોડીવાર પહેલાં હામ ખોઈ બેસેલા ડૉક્ટર એ સૂરના સથવારે થોડી જ મિનિટમાં ઑપરેશન સફળતાપૂર્વક પૂરું કરે છે. અને પત્નીને લઈ ઘર તરફ મળેલા નવજીવન તરફ પ્રયાણ કરે છે. અહીં જીવન સાથે જોડાયેલું દર્શન છે. તો લેખકે દાંપત્ય જીવનના વિષયને અલગ અલગ વાર્તાઓમાં અલગ અલગ રીતે અભિવ્યક્ત કર્યો છે. જેમાં પતિ-પત્નીની જુદી જુદી છબીઓ જોવા મળે છે. `તર્પણ’ આવી જ એક જુદા પ્રકારની વાર્તા છે. જેમાં જીવનના મધ્યાહ્ને મૃતપતિની છબી જોતી, એક કાવ્યપંક્તિનું રટણ કરતી નાયિકાનાં આલેખનથી વાર્તા આરંભ થાય છે. નાયિકા બાળવિધવા હતી. યુવાનીએ પહોંચી, ભણીને આવેલા જાગૃતિ કાળના નવયુવાન સાથે બાળપણથી બંધાયેલી સ્નેહગાંઠે ગંઠાઈ, લગ્નગ્રંથિથી જોડાય છે. ફરી પતિ મૃત્યુ પામે છે અને શિક્ષિકાની નોકરી મેળવી એકલતા ભરી કષ્ટકર જિંદગી જીવવાની શરૂ કરે છે. ગેરસમજથી પોતાના ગામમાં રહેતા વિધુર શિક્ષકનું અપમાન કરી બેસે છે. અને પછી તેની, તેના ઘરની મુલાકાત લે છે. એકલતા ભર્યા જીવનથી કંટાળી ફરી સમજદારીપૂર્વક શિક્ષક સાથે પુનર્લગ્નથી જોડાય છે. જેમાં મુખ્યત્વે જીવનનું તર્પણ, સ્નેહભર્યા જીવનના તર્પણની સર્જકે વાત કરી છે. તો `હીરાના દાગીના’માં નિઃસંતાન દંપતી છે જેમાં પત્નીના મૃત્યુ પછી ખબર પડે છે કે પોતે જેને અત્યંત ચાહતો હતો તેવી સુંદર પત્ની આટલા ઓછા પગારમાં ઘર કેમ ચલાવતી હતી?! પત્નીને અત્યંત ગમતા હીરાના દાગીના તે ઇમિટેશનના વસાવતી હતી એવું ધારતો મધ્યમ વર્ગીય પતિ જ્યારે પૈસાની ખેંચ ઊભી થતા એ હીરાના દાગીના વેચવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે પોતે જેને ઈમીટેશનના ધારતો હતો તે પત્નીના મનપસંદ દાગીના સોનાના, સાચા હીરાના દાગીના છે. સુંદર પત્નીના ચારિત્ર્યનો પછી મળતો પરિચય તેના મનમાં પત્નીના પોતાની પ્રત્યેના દ્રોહની લાગણી જન્માવે છે . હીરાના દાગીના તેના સંબંધનું પ્રતીક બની જાય છે જાણે કે દાગીના અંદર છુપાયેલી સચ્ચાઈ તેની પત્ની સાથે જતી રહે છે તો નોકરાણી નામની વાર્તામાં ભણેલી ગણેલી પત્ની પિતાની ઇચ્છાને માન આપી પોતાના પ્રેમીને તરછોડી, એક બીજવર સાથે પરણીને, કહેવાતા ખાનદાન ઘરમાં આવે છે. નોકરાણી બનીને રહી જતી પત્ની પોતાની પરિસ્થિતિ પ્રત્યે સભાન બને છે અને પ્રેમી સાથે ચાલી નીકળે છે. ગાંધીયુગ પછી સમાજમાં જાગેલી જાગૃતિની આલેખતી `ડૉક્ટર સાહેબ’, `તર્પણ’, `નોકરાણી’ જેવી વાર્તાઓમાં ગાંધીયુગમાં સ્વાયત્તતાના પાંગરેલા વિચારોનું વાતાવરણ અહીં પ્રભાવ પાડતું જોવા મળે છે. તો `ખાનદાનની જોરું’માં એક શ્રીમંત પિતા પોતાનાથી વધુ શ્રીમંત એવા ગર્ભશ્રીમંત ઘરમાં પોતાની એકની એક પુત્રી સુખી થશે એવું જાણી પરણાવે છે. અને પુત્રી અભયા પોતાની ખાનદાની દેખાડી મૃત્યુની વાટ લે છે. આત્મહત્યા કરે છે. કારણ કે પોતાના પતિ ગામની ચઢામણીથી પૂરું સત્ય જાણ્યા વગર તેના ચારિત્ર્ય ઉપર આળ મૂકે છે. અંતે પતિને ખબર પડે છે પણ ચીડિયા ચુગ ગઈ ખેત! સગી નણંદના હિત માટે, ખાનદાનની આબરૂ માટે જીવ પારકો કરી દે છે. પણ ખાનદાની આબરૂ નથી જવા દેતી એવું આર્યનારીપણું અહીં પ્રગટ કર્યું છે. સામાજિક પરિસ્થિતિમાં સર્જાતા કજોડા, લગ્નેતર સંબંધો અને પ્રણયત્રિકોણના ચિત્રો પણ અહીં રચાયા છે. `નોકરાણી’માં પ્રણય સંબંધ હકારાત્મક રીતે રજૂ થયો છે. જે `નોકરાણી’ના જીવનમાંથી મુક્તિનું કાર્ય બને છે. તો આવી જ એક બીજી વાર્તા છે `છેલ્લી ઇચ્છા’ મૃત પતિનું પરિવાર સમક્ષ વીલ વંચાઈ રહ્યું છે. અભણ અને ઘરરખ્ખું પત્ની મિત્ર નથી બની શકતી ત્યારે ઇતર સ્ત્રી સાથે પ્રાણય સંબંધથી પતિ જોડાયો હોય છે અને મૃત્યુ પછી તેના નામે મોટી રકમ મૂકી છે. વીલમાં પત્ની સાથેના અને પત્નીમાં ઇચ્છતા મિત્રતાના અભાવે ખેંચાયેલ સંબંધની વિગતે વાત મૂકીને પતી ગયો છે ત્યારે ઘરના વિરોધ કરે છે પણ એ સમયે પતિની વાત સમજી હોય એમ પત્ની છેલ્લી ઇચ્છા પૂરી કરવાનો નિશ્ચય જણાવે છે. કજોડાના આવા દૃષ્ટાંતમાં એક અભણ કે ઊતરતું ગણાઈને તરછોડાતું પાત્ર હંમેશા ઉદ્દાત સાબિત થતું, આ પ્રકારની વાર્તાઓમાં જોવા મળે છે. જે જ્યારે શિક્ષણથી કેળવાયેલી સમજને પરિણામે ઊભી થતી ઇચ્છાઓ પોતાના અને સાથીના દુઃખનું કારણ બનતા હોય એ દૃષ્ટાંતો અહીં કથાના માધ્યમે આલેખાયા છે. દામ્પત્યજીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓમાં `વરરાજા’, `વહુરાણી’, `નોકરાણી’, `છેલ્લી ઇચ્છા’, `નાદાન છોકરી’ વાર્તાઓ મુખ્યત્વે પાત્રકેન્દ્રી વાર્તા બની રહી છે. જેમાં દાંપત્યજીવનનું ચિત્ર જે-તે પાત્રપક્ષેથી ઝીલાયું છે. ખાસ કરીને `વરરાજા’ અને `વહુરાણી’. `વરરાજા’માં લેખકનું કથનકેન્દ્ર `વરરાજા’ જ છે. શેરીમાં જાનના આગમનથી વાર્તાનો આરંભ વરરાજાને કેન્દ્રમાં રાખી કથા રચે છે તો `વહુરાણી’માં નવવધૂ કેન્દ્રમાં છે. બંને વાર્તાની વિશેષતા છે વાર્તાફલક. વાર્તાનો આરંભ બંનેના લગ્નથી થાય છે. લગ્નજીવનની શરૂઆત સાથે માંડવામાં આવતી જાનથી આરંભાતી કથા મધુરજનીના કડવા અનુભવો સાથે વીરમે છે. વાર્તાઓમાં ગાંધીયુગની વિદાય સાથે બદલાતો સમય અને સમાજ પર શિક્ષણનો ઊભો થયેલો પ્રભાવ, વાતાવરણના તેમજ પાત્રના બદલાતા મનોભાવને અભિવ્યક્ત કરવામાં મહત્ત્વનું યોગદાન આપતો નજરે પડે છે. બદલાતા સમય અને સમાજના વ્યક્તિ માનસ પર ઝિલાયેલા પ્રભાવ હકારાત્મક અને નકારાત્મક બંને રીતે ઝિલાયા છે. જે વાર્તાનું વાર્તાવરણ પણ ઘડે છે. આ પચ્ચીસ વાર્તાઓમાંથી ચારેક વાર્તાઓ દરિયાઈ જીવન ઉપર રચાયેલી છે. જેમાં `સરગોસ’, `લોધ’, `મરજીવા’, `ખલાસી’ જેવી વાર્તાઓનો સમાવેશ થાય છે. આ શીર્ષકોમાં લેવાયેલા શબ્દો દરિયાઈ જીવનને અભિવ્યક્ત કરે છે. એ જ રીતે વાર્તાઓમાં પણ દરિયાઈ જીવનવિશ્વની અમુક રેખાઓ શીર્ષકાનુસંધાને આકાર લેતી જોવા મળે છે. જેમાં જીવાતા જીવનને થોડા નજીકથી જઈને જોવાનો પ્રયાસ અહીં નજરે પડે છે. દાંપત્ય જીવનને અભિવ્યક્ત કરતી નગરજીવનની કથાઓમાં નિષ્ફળતાના જે ચિત્રો આલેખાયા છે તેમાં પાત્રના મનોસંઘર્ષો અને સામાજિક પરિસ્થિતિ કારણભૂત હતા તો અહીં `ખલાસી’ જેવી વાર્તામાં લગ્નના ત્રણ વર્ષ થયે દરિયો ખેડવા નીકળી ગયેલો ખલાસી દસકો વિત્યે ય પાછો નથી ફરતો ત્યારે પત્ની કંકુ બીજું ઘર માંડે છે. અને વર્ષો પછી ચાર ચાર બાળકોને લઈને નીકળતી કંકુને જોઈને એક ગાંડા જેવો માણસ તેની ઉપર નજર રાખે છે ત્યારે વર્ષોના પડળ ઉખડે છે એ ગાંડા જેવો માણસ બીજું કોઈ નહિ પણ તેનો પૂર્વ પતિ નીકળે છે. વર્તમાન પતિને ખબર પડતા તે તેને ઘરે તેડી જાય છે. અને કહે છે આ ઘરને, ઘરવાળી તો તમારા.. હું નીકળી જાઉં છું. ત્યારે ખલાસી પૂર્વ પતિ તેને રોકી, તે બંનેને સુખી જોવાના સંતોષ પોતાના ઘર ને ઘર સંસારમાંથી ત્યાંથી નીકળી જાય છે. `મરજીવા’માં બે મિત્રો દરિયાઈ મોતી લેવા જાય અને તે દરિયાના તળનું વર્ણન બે મિત્રોના મન સાથે વણાતું આવે છે. પરિવેશથી ઘટ્ટ થતી વાર્તા બની રહે છે. `સરગોશ’માં પણ દરિયાઈ પ્રકૃતિનું નિરૂપણ વાર્તાનો વિશેષ બને છે. દરિયાઈ કથાઓમાં તેમના સાહસ, નીતિ, સરળતા જેવા માનવીય ગુણોનું આલેખન વાર્તાના ઔદાર્યને વધારે છે તો એક સંત કથા છે જેમાં સાચુ સંતત્વ સમાજસેવામાં છે. એવા સૂરને અભિવ્યક્ત કરતી વાર્તા છે `સત્ય દર્શન’. તો આખાએ ઘરનો ભાર જે સંચા પર હતો એ સંચો જાત નિચોવીને કરેલી મહેનત પછી પણ પોતાનો નથી રહેતો, ઉલ્ટાનું, સઘળું, ઘર-બાર પણ સંચા સાથે જાય છે. એવી સત્તા વિરુદ્ધ પરવશતાનું ચિત્ર `સંચો’માં જોવા મળે છે. સુંદર વાર્તા બને છે તેના વિષય આલેખનથી. તો કથનશૈલીની દૃષ્ટિએ વિશિષ્ટ ગણાય તેવી વાર્તા છે `કેટલોક પત્રવ્યવહાર’, રચનાશૈલી બીજી વાર્તાઓથી વિશિષ્ટ એ રીતે છે કે, પત્રમાંથી જ વાર્તા શરૂ થાય છે. અને પ્રતિપત્રથી આગળ વધતી, પત્રથી જ પૂરી થાય છે. વાર્તાકથનની શૈલી વિશિષ્ટતાને અભિવ્યક્ત કરતી વાર્તાઓમાં `સ્વપ્નપુરુષ’, `સંચો’, `કેટલોક પત્રવ્યવહાર’ જેવી વાર્તાઓ જોઈ શકાય. તો દરિયાઈ સૃષ્ટિ સાથે જોડાયેલી વાર્તાઓની ભાષા સમૃદ્ધિ અને પરિવેશ વર્ણન પાત્રની ગરિમા સાથે સુંદર રીતે આલેખાઈ, કથ્ય-કથનદૃષ્ટિએ આસ્વાદ્ય બની છે. `જોબનપગી’ની સોળ વાર્તાઓમાં મુખ્યત્વે ગ્રામ્ય પરિવેશ વિશેષ માત્રામાં જોવા મળે છે. જેમાં બહારવટિયાનાં ચિત્રો પણ છે જેમકે `જોબન પગી’ એક સમયે રહેલો બહારવટિયો, સંત પુરુષ બની જાય છે. તો ત્યાં તેની વીરતા, ચારિત્ર્યની ગરિમાનું ઉદ્દાત ચિત્ર મૂક્યું છે. એ જ રીતે `ભડલીવાળો ભાણ’ અને `મરવાનું સહેલું નથી’માં ભડલીવાળા ભાણનું પ્રસંગ સંદર્ભે ચરિત્ર આલેખન છે. તો બચુ સંઘાર એ દરિયાઈ ચાંચિયો છે. ભડલી વાળા ભાણનું રમૂજી, કટાક્ષભર્યું ચિત્ર છે તો જોબનપગી અને બચુ સંઘારની પ્રમાણિકતાના નિષ્ઠાભર્યા જીવનના ચિત્રો છે જેમાં દુનિયાની નજરે ક્રૂર એવા આ શૂરવીરોની પોતાના વતન પ્રત્યેની નિષ્ઠામાં જીવ કુરબાન કરી દેતા પણ અચકાતો નથી એવો બચુ સંઘાર કે વાલીયામાંથી વાલ્મીકિ બનતો સંત જીવ જોબન પગી સુંદર રીતે આલેખાયા છે. બીજો વિભાગ છે દરિયાઈ પરિવેશને અભિવ્યક્ત કરતી કથાઓનો. અહીં પણ સોળમાંથી ચારેક કથાઓ દરિયાઈ સૃષ્ટિના જીવનને અભિવ્યક્ત કરે છે. જેમાં બે વાર્તાઓમાં `પ્રાયશ્ચિત્ત’ અને `કાગળની હોડી’ દ્વીપ કથા છે. તો `કાળના એંધાણ’ અને `શ્રાપ’ એ કૃષ્ણકથા છે. જેમાં કૃષ્ણના જીવન સાથે જોડાયેલા મહત્ત્વના પાત્રો કેન્દ્રિત છે. `શ્રી અને સરસ્વતી’માં `સત્ય અને સદાચાર’ એવા બીજા નામે એ જ કથા પ્રગટ થઈ છે. બે સંગ્રહમાં એકની એક વાર્તા અલગ અલગ શીર્ષકે પ્રગટ થઈ હોય એવી આ એક વાર્તા છે. તો `શ્રદ્ધા’ અને `કર્યા હૈયે વાગ્યા’, આ બે વાર્તાઓ લેખકે પ્રથમ પુરુષ એકવચન પદ્ધતિમાં લખી છે. બાકીની મોટાભાગની વાર્તાઓમાં મુખ્યત્વે સર્વજ્ઞ કથન પદ્ધતિ જોવા મળી છે. તો ક્યાંક ત્રીજો પુરુષ કથન પદ્ધતિ પણ જોવા મળે છે. શ્રદ્ધા જેવી પ્રથમ પુરુષની વાર્તામાં ઈશ્વર શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને કૃતિ રચાઈ છે તો `હાથનાં કર્યા હૈયે વાગ્યા’ જેવી પ્રથમ પુરુષની કૃતિમાં રાજકારણ કેન્દ્રમાં છે જેમાં જે-તે સમયનું નેતાનું પાત્ર કથા કહે છે. `સંભારણા’, `ઋણાનુબંધ’ જેવી વાર્તાઓમાં અભિવ્યક્ત થયેલા સ્ત્રી પાત્રોનો એક મહત્ત્વનો આયામ અહીં જોવા મળે છે. આખી જિંદગી બીજા માટે જીવતી સ્ત્રીઓ છે જેમાં પોતાના પુત્રોને ઉછેરવા માટે જાત ઘસી કાઢતી ઋણાનુબંધની માતા અભણ હોવા છતાં ભણે છે અને ગામમાં નર્સની નોકરી મેળવી પુત્રોને ભણાવે છે. જાત ઘસી કાઢતી માતાને પુત્ર પ્રત્યે આશા છે પણ એ નિષ્ફળ જાય છે સમય આવ્યે એ પુત્રો સામું પણ જોતા નથી. તો `સંભારણા’માં પણ એક માતા છે જેનો પુત્ર દેશ માટે લડવામાં શહીદ થયો છે અને હવે એકલી રહે છે વાર્તાની કથાપદ્ધતિ જોઈએ તો સર્વજ્ઞ કથક છે. વાર્તા સમય છે મોડી રાત્રિથી વહેલી સવાર સુધીનો. આમાં જ આખી વાર્તા રચાઈ છે. મોડી રાત્રીના અંધકારની સાથે વાર્તા શરૂ થાય છે ઘરની બહાર ઘોડાગાડી આવીને ઊભી રહે છે. સદ્ગત પુત્રના થનાર સસરા મુંબઈથી તપાસમાં આવ્યા છે. જેમની તપાસમાં આવ્યા છે પોતાના શહીદ પુત્રના મિત્રનું ઘર છે, મોટી રકમ લેવાની છે. વહેલી સવારે એ ત્યાં અચાનક પહોંચવાના છે ત્યારે આખી વાત જાણી લેતી આ વિધવા મા અડધી રાતનો અંચળો ઓઢી પુત્રના મિત્રને ઘરે આવનારી મુશ્કેલીના એંધાણ અને તેનો ઉપાય એવા એક માત્ર બચેલા પોતાના ઘરમાં રહેલા ઘરેણાં આપવા ચાલતી નિર્જન વગડે જાય છે. અને તેમને ચેતવી ઘરેણાં આપી આવે છે. ગુણવંતરાય આચાર્યની આ ત્રણ સંગ્રહમાં મળીને કુલ ચોપ્પન વાર્તાઓમાંથી પસાર થતા ખ્યાલ આવે છે કે મુખ્યત્વે મુંબઈ જેવા શહેરમાં કાર્યક્ષેત્ર ધરાવતા આ સર્જકની વાર્તામાં નગરજીવન પણ આવ્યું છે તો ગ્રામ પરિવેશ પણ ઝીલાયો છે, મેઘાણીએ જેમ સૌરાષ્ટ્રને કેન્દ્રિત કરીને બહારવટિયાની કથાઓ આપી એમ ગુણવંતરાયનો વિશેષ છે એમની દરિયાઈકથાઓ. જે આ ત્રણ સંગ્રહમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. એમાં નગરજીવનની કે બીજી કથાઓની તુલનાએ રસાળ ભાષા પ્રવાહિતતાને કારણે, પરિવેશના, સંસ્કૃતિના સુગમ આલેખનને કારણે સરસ રીતે વાર્તાનું ઘડામણ થયું છે. તો સામાજિક વિષયોમાં દાંપત્યજીવનના ચિત્રો પણ પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ મળ્યા છે. ચરિત્ર આલેખન પણ એમની પાસેથી વિશેષ માત્રામાં મળે છે ઘણા રસાળ પણ છે પરંતુ બધા એટલા રસાળ બનતા નથી. ભાષાશૈલીની પ્રૌઢી, પરિવેશ નિરૂપણ, દરિયાઈ કથાનો વિશેષ છે તો પાત્રના મનોજગતનું આલેખન એ દાંપત્યજીવનના ચિત્રોનો વિશેષ બને છે. સામજિક વિષયમાં ઘટના નિરૂપણની ઓથે વાર્તા ગ્રથન એમનું રચના શૈલી વૈશિષ્ટ્ય પ્રગટ કરે છે.
રિદ્ધિ પાઠક
SRF research scholar,
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
ભાવનગર