પ્રસ્તુત શોધપ્રબંધમાં ગુજરાતી સાહિત્યના અઢારમા શતકમાં થઈ ગયેલ કૃષ્ણભક્ત કવિ રણછોડ વિશેનું સંશોધન પ્રાપ્ત થાય છે. એનું જન્મસ્થાન કઠલાલ પાસેનું અડાલ, પણ જીવનનો મોટો ભાગ એણે તોરણામાં પસાર કરેલો. એની પાસેથી કૃષ્ણભક્તિનાં ચૌદસો જેટલાં પદો ઉપરાંત પાંત્રીસ જેટલી લાંબી રચનાઓ પ્રાપ્ત થાય છે. જેમાં ‘કેવળ રસ’, ‘રાધાજીનાં રૂસણાંની ચાતુરી’, ‘રસભાગવત’, ‘કર્મવિપાક’ વિગેરે ઉલ્લેખનીય છે. પ્રસ્તુત શોધપ્રબંધમાં રણછોડના વિપુલ સાહિત્યરાશિનો તુલનાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. આ નિબંધમાં એના નામે અતિખ્યાત બનેલા ને દલપતરામથી માંડીને ઉમાશંકર જોશી સુધીના કવિઓ-વિવેચકોના મુખે ‘પ્રશંસા પામેલાં’ ‘દિલમાં દિવો કરો’, ‘દુકાન મેં તો માંડી રે’, ‘અંગરખું બનાવ્યું ભલી ભાતનું’ જેવાં પદો આ કવિના નહીં પણ ‘રણછોડ’ નામધારી અગસ્તીપુરના બ્રાહ્મણ કવિના છે એ શોધીને રણછોડ વિષેના કેટલાક ભ્રમનું નિરસન પણ મળે છે. સમયદૃષ્ટિએ ઉત્તરભક્તિયુગમાં રાજેનો સમોવડિયો બની રહેલો આ કવિ એનાં કેટલાંક પદોમાં નરસિંહ-મીરાંના પદો જેવી પ્રતિભાના ચમકારા પણ બતાવે છે. એવાં પદોના લય, ઢાળ, અલંકાર વૈભવ, ભાષાપ્રભુત્વ ઉલ્લેખનીય છે. મધ્યકાલીન ભક્તિધારામાં બીજી હરોળમાં એનું સ્થાન ક્યાંક ક્યાંક પ્રથમ પંક્તિમાં આવે એવું છે. ગરબી ક્ષેત્રે એણે કરેલું પ્રદાન એના અનુગામી કવિ દયારામ માટે અનુકૂળ ભોંય તૈયાર કરી આપે છે. અલબત્ત, એનું સર્જન મર્યાદાઓથી મુક્ત પણ નથી. ગતાનુગતિકતા, પદદેહી ઊર્મિકાવ્યોમાં પુનરોક્તિદોષ, નિરસતા, શિથિલતા વિગેરે એમાં જોવા મળે છે. એની લાંબી રચનાઓમાં વિષયોની નવતરતા છે પણ એમાં એ રચનાકૌશલ દાખવી શક્યો નથી. ટૂંકમાં અઢારમા શતકમાં જ્યારે સમાજ અને ધર્મમાં સંક્ષુબ્ધતાની સ્થિતિ હતી ત્યારે, અને ભક્તિસાહિત્યમાં પણ ઓટ વરતાતી હતી ત્યારે લુપ્ત થઈ જવાની તૈયારી વાળા પદસાહિત્યમાં રણછોડે જે ભરતી આણી એને કારણે એને નરસિંહ-દયારામની વચ્ચેના ‘મધ્યમણિ’ તરીકે જરૂર ઓળખાવી શકાય.