અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/અલ્કાત્રાઝનું રસોડું

Revision as of 10:43, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અલ્કાત્રાઝનું રસોડું |મનીષા જોષી}} <poem> અલ્કાત્રાઝની સવાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અલ્કાત્રાઝનું રસોડું

મનીષા જોષી

અલ્કાત્રાઝની સવાર
રોજ જેવી જ હોય છે.
માતેલા કેદી ઊઠે છે, આળસ મરડે છે
અને ઊભા રહે છે, લાઇનમાં
બ્રેડ, કૉફી, ખાંડ અને અડધા કેન્ટેલપ માટે.
રાતનું ભોજન પણ લખાઈ ગયું હોય છે બોર્ડ પર.
રાત્રે પી સૂપ અને મીટ લોફ પછી મળશે એપ્રિકૉટ પાઈ.
એમના ચહેરા પર સ્મિત ફરકે છે. ઇનામ
બપોરે એઓ બહાર બેસે છે.
રમવાના મેદાન ફરતેની ઊંચી દીવાલોને જુએ છે
અને બહાર ભેલાયેલા ઠંડાગાર પાણીમાં કૂદી પડીને
જાણે ભાગી છૂટે છે, બહાર,
મુક્ત અપરાધોની દુનિયામાં.
સાંજ પડ્યે એઓ પાછા બેઠા હોય છે
જેલની લાઇબ્રેરીમાં.
અહીં રોજનાં અખબારો નથી રખાતાં.
ચોપડીઓ અને મૅગેઝિન ઘણાં છે
પણ તેમાંથી સેક્સ, ગુના અને હિંસાને લગતાં પાનાં ફાડી નખાયેલાં છે.
જમ્યા પછી એપ્રિકૉટ પાઈનો એક ટુકડો
ઝભ્ભાના ખિસ્સામાં છુપાવીને એઓ પાછા ફરે છે
પોતપોતાની કોટડીમાં.
અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે
જેલના રસોડાના તાળું મારેલા દરવાજાની પાછળ લટકતી
ધારવાળી, તીક્ષ્ણ છરીઓની કલ્પના કરતા
એઓ મોંમાં મૂકી છે એપ્રીકોટ પાઈનો બચાવેલો એક ટુકડો
અને ખોવાઈ જાય છે
પોતે કરવા ધારેલી હત્યાઓની રંગીન કલ્પનામાં.
સવાર પડે છે,
રોજના જેવી જ.
આજે નાસ્તામાં રાસબેરી બન મળશે
અને રાતના ભોજન પછી ઓરેન્જ જેલો.
તથાપિ, ડિસે.-ફેબ્રુ.-માર્ચ ૨૦૧૪