અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૌમ્ય જોશી/ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ
સૌમ્ય જોશી
આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરિયું લાયો સું;
હજુય દુખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમો તારો પાઠ આવ છૹ ‘ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.
તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.
ડાયરેક્ટ ભાને જઈન કીધું
ક આપડા બાપ–દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નૈ,
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે’ ઈસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેવરી હાચ્ચન.
હવ પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું મુંય માનું સું.
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવઈ જ્યું તો ગભરઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારથી ચંદી ખોવાઈ જઈતી તો ભાએ ભીંત જોડે ભોડું
ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા
વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો
પણ થોડો વોંક તારોય ખરોક નઈં?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ?
ચલો અેય જવા દો
તપ પતાઈન મોટો મા’ત્મા થઈન, બધાન અપદેસ આલવા મંડ્યો પસીય તન ઈમ થ્યું ક પેલાનું ડોબું પાસું અલાઉં?
તું ભગવોન, માર તન બઉ સવાલ નહીં પૂસવા
મું ખાલી એટલું કઉસું ક વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી,
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરું નઈ થાય
તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈમોં
ક પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.