અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત શેઠ/— (હવે ઓ જીવ!... )

From Ekatra Wiki
Revision as of 11:57, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— (હવે ઓ જીવ!... )|જયંત શેઠ}} <poem> ::::::હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


— (હવે ઓ જીવ!... )

જયંત શેઠ

હવે ઓ જીવ! રહેવા દે ફરી ફરવાનું ચક્કરમાં,
રઝળવાથી નથી દાખલ થવાતું એમના ઘરમાં.

નથી એ મારા જીવતરમાં, છતાં છે મારા અંતરમાં,
ગયા જો એક ઘરમાંથી તો આવ્યા એ બીજા ઘરમાં.

દિલાસાની જરૂરત છે મને પ્રત્યેક ઠોકરમાં,
પ્રભુ થોડી ઘણી વાચા મૂકી દે સર્વ પથ્થરમાં.

બચાવીને રહો નહિ જાતને, જગના અનુભવથી,
પ્રહારો એ જરૂરી છે, જીવનના શિલ્પ-ઘડતરમાં.

ન આવ્યા આપ તો ઉત્સાહ ઓસરતો ગયો નિશદિન,
નદી આવી નહીં તો રોજ આવી ઓટ સાગરમાં.

ખબર ન્હોતી કે સપનું, રાતનું સાચું પડી જાશે,
ઉઘાડી આંખ જોયું તો, ઊભા’તા આપ ઉંબરમાં.

તમારાં સ્વપ્ન મેં જાગ્રત અવસ્થામાં ય જોયાં છે,
વીત્યું આખું જીવન મારું પ્રણયની ગાઢ નીંદરમાં.

ખીલવવા ફૂલ આશાનાં કરું છું લોહીનું પાણી,
નથી એ ફૂલ એવાં જે ખીલે ઝાકળની ઝરમરમાં.

જીવન મારું ટૂંકાવો ના તમે મારી ખબર પૂછી,
ઘણા યે શ્વાસ ઓછા થઈ ગયા છે એના ઉત્તરમાં.