સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/જનાન્તિકે

From Ekatra Foundation
Revision as of 03:24, 17 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘જનાન્તિકે’
‘જનાન્તિકે’ના નિબંધકાર સુરેશ જોષી

‘કિંચિત્‌’ નામે ૧૯૬૦માં પ્રકટ થયેલા સાહિત્યવિષયક લેખોના સંગ્રહમાં જનાન્તિકે ખંડમાં સુરેશ જોષીના કેટલાક ગ્રંથસ્થ નિબંધો મળ્યા. પછી ૧૯૬૫માં ‘જનાન્તિકે’ નામથી સ્વતંત્ર નિબંધસંગ્રહ પ્રકાશિત થયો. તેમાં ‘કિંચિત્ત્ના જનાન્તિકેમાંના કેટલાક નિબંધ બાદ થયા છે અને ઘણા બધા ઉમેરાયા છે. મુદ્રણ વ્યવસ્થા પણ તેમાં બદલાઈ છે. એ પછી ‘ઈદમ્‌ સર્વમ્‌’ (૧૯૭૧), ‘અહો બત કિં આશ્ચર્યમ્‌’ (૧૯૭૬), એ બે સંગ્રહો પ્રકટ થયા. રમ્યાણિ વીક્ષ્ય (૧૯૮૭) ‘પ્રથમ પુરુષ એક વચન’ (૧૯૭૯), ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) એ મરણોત્તર નિબંધસંગ્રહો છે. એ રીતે ટૂંકી વાર્તાની તુલનામાં સંખ્યાની દૃષ્ટિએ સુરેશ જોષીના નિબંધોની ઈયત્તા વધારે છે, સમગ્રપણે ગુણવત્તાની દૃષ્ટિએ પણ નિબંધક્ષેત્રે એમનું પ્રદાન અધિક મહત્ત્વપૂર્ણ છે. જનાન્તિકે નાટ્યશાસ્રની પારિભાષિક સંજ્ઞા છે. રંગમંચ પર અનેક પાત્રો હોયક ત્યારે કોઈ એકને બાજુએ બોલાવી, બીજા ન સાંભળે તેમ કહેવાતું હોય તે જનાન્તિકે. પણ એ સાથે સ્વગત, અપવાર્ય, પ્રકાશ જેવી નાટ્યસંજ્ઞાઓ પણ છે અને આપણે જોઈએ છીએ કે જનાન્તિકેમાં આ બીજા પ્રકારની ઉક્તિઓ પણ છે. છેલ્લે એમના નિબંધોમાં ‘પ્રકાશ’ વધારે છે. જનાન્તિકે સંજ્ઞાની પોતાની રીતે વ્યાખ્યા કરીને સુરેશ જોષીએ પોતાના નિબંધ રૂપની એક રીતે તો પરિભાષા આપી છે. લખે છે : આપણા નાનકડા હૈયામાંથિ જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક હેયામાં સંઘરી રાખવા ઈચ્છીએ. એ બે હૈયાં સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહિ, માટે એ વાત છેક કર્ણમૂળ પાસે જઈને કહીએ, ને ત્યારે કર્ણમૂળ જે રતાશ પકડે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે. આ વાતની ખૂબી એ છે કે કોઈક ત્રીજાની ઉપસ્થિતિમાં એ કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્‌ભવતાં કુતૂહલ, ઈર્ષ્યા, રોષ — એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે. ઘણીવાર વાત તો નિમિત્તરૂપ હોય, એથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાના અધિકારને પ્રકટ કરવાનું જે સુખ થાય તે જ સાચી પ્રાપ્તિ. આત્મીયના કર્ણમૂળની રતાશ કે ત્રીજામાં ઉદ્‌ભવતાં કુતૂહલ, ઈર્ષ્યા, રોષ આદિ ઉક્તિ - નિબંધનો ટોન ton નિશ્ચિત કરે છે. લેખકે ઉમેર્યું છે : ગદ્યનું આ જનાન્તિક રૂપ એને નર્યા તર્કસંગત તથ્યની બરડતામાંથી ઉગારવામાં કામ આવે છે. એમાં અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા હોતા નથી. આ નિખાલસતાનો પણ એક અનોખો સ્વાદ હોય છે, ને સ્વસ્થ પ્રૌડોનો ખોફ વહોરીનેય એ ચાખવો ગમે છે. આ દૃષ્ટિએ એમના નિબંધના ગદ્યનું રૂપ નક્કી થાય છે. આત્મીયતાનું ભાવજગત અને નિખાલસ એવી અભિગ્રહ પ્રતિગ્રહ સાથેની અભિવ્યક્તિ, જે ગદ્યને લાલિત્ય બક્ષે છે. નિબંધની આ પરિભાષા મોન્તેઈનની પરિભાષાથી બહુ દૂર તો નથી. તેમ છતાં મોન્તેઈનને પગલે અંગ્રેજી વ્યક્તિત્વનિષ્ઠ નિબંધોનું જે સ્વરૂપ ઘડાયું અને આપણે ત્યાં પણ જેનો આદર્શ સ્વીકારાયો તેનાથી થોડું અલગ તો છે. એ વાત સુરેશ જોષીના નિબંધો વાંચતાં વધારે પ્રતીત થશે. લૅમ્બ, હેઝલિટ કરતાં સુરેશ જોષીના નિબંધો જુદા છે. ઉમાશંકર જોશીએ લલિત નિબંધ વિશે જે શાસ્રીય લેખ લખ્યો છે, નિબંધનો એ ‘મૉડેલ’ એકદમ આશય સમજી શકાય છે, પણ બહુ ઓછા નિબંધોમાં એ સફળ થતા લાગ્યા છે. એ રીતે તો રમણભાઈ નીલકંઠનો ‘ચીઠ્ઠી’ જેવો નિબંધ તેમાં રહેલી નર્મમર્મની હળવી ક્ષણોથી પાશ્ચાત્ય મૉડેલની ઘણી નિકટનો છે. લલિત નિબંધનું ગુજરાતીમાં રૂપ સ્થિર થયું તે કાકાસાહેબના નિબંધોથી. વિનોદિની નીલકંઠના નિબંધોનું પણ સ્મરણ કરવું ઘટે. રા. વિ. પાઠકના ‘સ્વૈરવિહાર’માં લલિત નિબંધની ઝલક મળે છે, અવશ્ય; પણ કાકાસાહેબ પછી લલિતનિબંધનું આગવું રૂપ સુરેશ જોષી સિદ્ધ કરે છે. કદાચ લલિતનિબધ લખવો છે, એવી સભાનતા પણ આરંભમાં તો નથી, એથી એમના નિબંધોને લાભ જ થયો છે. નિબંધ સ્વરૂપની સભાનતા નથી, એ વાત તો ‘કિંચિત્ત્ના જનાન્તિકે ખંડમાં સમાવિષ્ટ જે સાહિત્યસ્વરૂપ કે સાહિત્યવિષયક ચર્ચાના નિબંધો છે તે જોતાં પણ લાગે છે. પછી ‘જનાન્તિકે’ પુસ્તકમાં એ નથી. પણ તે ઉપરાંત બીજો મુદ્દો છે. તે છે, એ નિબંધોના આકાર પરત્વેનો. લલિત નિબંધને કોઈ નિશ્ચિત લંબાઈ ખરી કે નહિ? ‘જનાન્તિકે’માં દશ લીટીના ગદ્યખંડથી માંડી અનેક પૃષ્ઠોના નિબંધ છે. સ્વરૂપ નિબંધનું પણ, માપનું બંધન કશું નહિ. કાકાસાહેબમાં આવી ઘણી બધી રચનાઓ છે — પરિચ્છેદ પ્રમાણ. રૂઢ અર્થમાં એને નિબંધ કહીશું? અહીં એક બંગાળી સંજ્ઞા કદાચ આપણને મદદ કરી શકે, જે ત્યાં લલિત લેખન માટે વપરાય છે, તે સંજ્ઞા તે ‘રમ્ય રચના’. સર્જનાત્મક ગદ્યખંડ ભલે પાંચ સાત લીટીનો હોય, સ્વયંપર્યાપ્ત હોય તો એને રમ્ય રચના તો કહી જ શકીએ. પણ ‘નિબંધ’ ? એ ઉત્તર આપણે મેળવવાનો છે. ‘જનાન્તિકે સંગ્રહ પછીના નિબંધોનો આકાર લગભગ નિશ્ચિત થયેલો જોઈ શકાય છે. તેનું કારણ એ છાપવા માટે વર્તમાનપત્રે ફાળવેલી જગ્યા. પશ્ચિમમાં પણ ગદ્યનું આ રૂપ ખેડાયું છે પત્રપત્રિકાઓમાં, સાપ્તાહિકોમાં. એકંદરે આ બંધને આકાર પરત્વેની સ્વૈરતા પર અંકુશ આણ્યો અને નિબંધ કહી શકાય એવું કલેવર બંધાયું. મોન્તેઈન અને અંગ્રેજી નિબંધકારોએ ખીલવેલા ‘પર્સનલ એસે’ના આ રૂપની પ્રાણભૂત સારવત્તા તે તો તેમાં અનુભવાતું લેખનું વ્યક્તિત્વ-નિજત્વ. ભાવકને અનુભવાતું નિબંધકારનું અંતરંગ સખ્ય. ‘ગોષ્ઠિ’ના નિબંધોમાં આમ ઓછું બને છે. જ્યારે કાકાસાહેબમાં ભરપૂર બની આવ્યું છે, સુરેશ જોષીમાં એમ બને છે. પરંતુ કાકાસાહેબના લલિત નિબંધો અને સુરેશ જોષીના લલિત નિબંધોમાં ફેર છે — એ ફેર છે અલગ અલગ વ્યક્તિત્વને કારણે. જો માત્ર ગદ્યશૈલીનો પ્રશ્ન લઈએ તો જોવા મળશે કે બન્નેની ગદ્યશૈલીમાં અલંકારપ્રાચુર્ય છે. તત્સમપ્રશાનતા છે. પરંતુ જે સાદૃશ્ય વ્યાપાર છે, તે તો ભિન્ન છે. કાકાસાહેબ જે ઉપમાનો ખેંચી લાવે છે અને સુરેશ જોષી જે ઉપમાનો ખેંચી લાવે છે, તેમાં ભિન્નતા છે. આ બન્ને નિબંધકારોનાં ઋતુવર્ણનો કે દિનમાનનાં વર્ણનો સરખાવી જોતાં એની પ્રતીતિ થઈ જાય છે. કાકાસાહેબનો પ્રસિદ્ધ નિબંધ ‘મધ્યાહ્નનં કાવ્ય’નો આરંભ જોઈએ :

વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે.... પછી આગળ કહે છે : તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા જોવાલાયક હોય છે. ભેંસો દૂધ દોહતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવા ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે, એને વીરરસ કહીએ કે રૌદ્ર! હું તો એને શાંતરસ જ કહું? શાંતરસ શીતળ જ શા માટે હોય? તપ્ત કેમ ન હોય? હવે સુરેશ જોષીમાં બપોર જોઈએ : ગ્રીષ્મની બપોર. માર્ગો નિર્જન છે. સૂર્યના હજાર હાથના આશીર્વાદ મસ્તકે ઝીલવાની કોઈની મગદૂર નથી. સમય પણ જાણે પોતાની પગલી ભૂંસીને ક્યાંક સરી ગયો છે. એવામાં ક્યાંકથી કોઈક ઘૂઘવે છે. ગ્રીષ્મની આ નિસ્તબ્ધ બપોરના ઉજ્જવલ રહસ્યને એણે જાણે એના કંઠમાં સારવી લીધું છે. ચોમાસામાં દેડકાંનો એકધારો અવાજ એવી જ રીતે વર્ષાના હાર્દને પ્રકટ વિદ્યાપતિએ તેથી જ તો એના પદમાં દેડકાંને અમર કરી દીધાં છે. પાસ્તરનાકની નવલકથા ઝીવાગો વાંચો તો... જોયું? બન્ને નિબંધકારો ‘પંડિતો’ દેખાય છે, બન્નેની ચેતનાની પ્રતિક્રિયા સાહિત્યાધ્યયનથી પુષ્ટ થાય છે, પણ કાકાસાહેબને વૈદિક કવિ યાદ આવે, સુરેશ જોષીને વિદ્યાપતિ ને પાસ્તરનાક. કાકાસાહેબનાં વર્ણન ઘણી વાર ચૈતસિક પરાવર્તનો હોય છે, અલંકારખચિત. સુરેશ જોષીનાં વર્ણનોમાં વક્રીભવન અનુભવાય છે. Kakasaheb describes, Suresh Joshi reacts. વર્ણનોમાં કાકાસાહેબની ઉદાર રસિકતા, સુહૃદયતા, કલ્પકતા ડગલેપગલે પ્રકટ થાય છે, સુરેશ જોષીની પ્રતિક્રિયામાં આ બધાં ઉપરાંત ભાવ અનુભૂતિની તીવ્રતા પ્રતિફલિત થાય છે આપણે જેને existencialmoments કહીએ, તેવી ક્ષણોની અનુભૂતિ. [ફનોમિનોલૉજી એવી દાર્શનિક સંજ્ઞાથી જેને આપણે ઓળખીએ છીએ.] એટલે ભાષા પણ emotive - રાગાત્મક છે. વળી કાકાસાહેબના લલિત નિબંધોમાં એક સંતૃપ્તિનો બોધ છે. ભલે જેલના સળિયા પાછળથી લખાયેલા હોય એ નિબંધો. સુરેશ જોષીમાં એક પ્રકાની વ્યાકુળતા છે. સૌન્દર્યો નિહાળી કાકાસાહેબ રાજી થાય છે, સરેશ જોષી ‘પર્યુત્સુક’ - બેચેન બનેછે. રવીન્દ્રનાથના નિબંધો વિષે બુદ્ધદેવ બસુએ કરેલા નિરીક્ષણનો આધાર લઈને કહીએ તો ‘એ અસ્થિર થાય છે અને અસ્થિર કરે છે.’ વેદનાનો, એક આહત ચેતનાનો પુટ પણ એમના નિબંધોમાં અનુભવાય છે. કાકાસાહેબનો ‘હું’ પ્રભાવિત કરનાર ‘હું’ છે, સુરેશ જોષીમાં ‘હું’ પ્રભાવિત થનાર ‘હું’ છે. એ છે આધુનિક ‘હું’. ગુજરાતી નિબંધક્ષેત્રે સુરેશ જોષી કાકાસાહેબ જેવા સમર્થ ગદ્યસ્વામીના અનુગામી છે, પણ એમનો અનુબંધ જેટલો કાકાસાહેબ સાથે હોઈ શકે તેના કરતાં રવીન્દ્રનાથ ઠાકુર સાથે વિશેષ છે. ઉમાશંકર જોશીએ સુરેશ જોષીને શ્રેષ્ઠ રવીન્દ્રક (Tagorite) કહ્યા છે, તેમાં ઔચિત્ય જોઈ શકાય છે. એમ તો કાકાસાહેબ પણ ક્યાં રાવીન્દ્રિક નથી? પણ તેમનામાં રવીન્દ્ર + ગાંધી પણ છે. સુરેશ જોષીમાં રવીન્દ્ર + બૉદલેર એટલે કે આધુનિકતા છે એમ કહી શકાય. રોમાંટિક અને આધુનિક વચ્ચેનું દ્વન્દ્વ અને સહ-સ્થિતિ એમની રચનાઓમાં એક તણાવ રચે છે, જે એમના નિબંધની શક્તિ બને છે. આપણે ત્યાં ત્રીસના દાયકાના કવિઓ ગાંધીચેતનાથી અનુપ્રાણિત હતા, રવીન્દ્રનાથ પાસેથી તેમણે આધ્યાત્મ અને વૈશ્વિકતાનો બોધ લીધો. કવિ રવિન્દ્રનાથની સૌન્દયદૃષ્ટિ તો સુપેરે પ્રકટ થઈ દાયકાને અંતે જતાં પ્રહ્‌લાદ પારેખની કવિતામાં. એ એક રીતે વાત થઈ રવીન્દ્રનાથની કવિતાના પ્રભાવની. પરંતુ ગુજરાતીમાં રાવીન્દ્રિક ગદ્યની લલિત છટાઓ જો ક્યાંક ઉત્તમ રીતે પ્રકટ થઈ હોય તો તે સુરેશ જોષીમાં (અને પછી વાયા સુરેશ જોષી પરવર્તી નિબંધકારોમાં). રાવીન્દ્રિક ગદ્યની અનેક તરાહો છે, પણ અહીં જે ગદ્ય મને અભિપ્રેત છે, તે રવીન્દ્રનાથના ‘છિન્નપત્ર’[1] નું (‘છિન્નપત્ર’ નામે સુરેશ જોષીની નવલકથા છે તે જુદી.) આ ‘છિન્નપત્ર’માં ગઈ સદીના છેલ્લા દાયકામાં રવીન્દ્રનાથે શિલાઈદહમાં પદ્માકિનારેથી કે પાતિસર એમની જમીનદારી પરથી લખેલા પત્રો છે, જે મૂળે તો એ કદી છપાશે એવા ખ્યાલે લખાયા ન હોતા, એટલે અત્યંત નિભૃત છે, નિજી છે, જેને સંબોધીને લખાયા છે, તેને માટે છે અને તેની હાજરી પણ એ પત્રોમાં પ્રતિફલિત થાય છે. નિસર્ગને ખોળેથી એક સૈકા પહેલાં લખાયેલા આ પત્રોનું ગદ્ય આજે પણ અમ્લાન છે. બે ખંડ જોઈશું

ભારી વૃષ્ટિ આરંભ હોય છે. એક સપ્તાહ ઘરે ક્રમાગતઈ વૃષ્ટિ ઍખનો વિરામેર લક્ષણ નેઈ. આમાર બારાન્દાર કાચેર જાનાલા સમસ્ત બંધ કરે ચુપ મેરે બસે આછિ. નિતાન્ત મન્દ લાગછે ના. આપનાતે આપનિ બૅશ ઍક રકમ આચ્છન્ન હયે આછિ — કૉના પ્રકાર emotion એર પ્રાબલ્ય નેઈ - ઝડઝંડા યા કિછુ — સમસ્તઈ બાહિરે. [ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક સપ્તાહથી સતત વરસાદ. હજી વિરામનાં લક્ષણ દેખાતાં નથી. મારા વરંડાની કાચની બધી બારીઓ બંધ કરીને ચૂપ થઈને બેઠો છું. બહુ ખરાબ લાગતું નથી. પોતે પોતાથી બરાબર એક રીતે વીંટળાયેલો છું — કોઈ પ્રકારની emotionની પ્રબળતા નથી. આંધીતોફાન જે કંઈ હોય — તે બધું બહાર છે.]

આજકાલ દૂપુર બેલાટા બૅશ લાગે. રૌદ્ર ચારિ દિક બૅશ નિઃઝુમ હયે થાકે — મનટા ભારી ઉડુ ઉડુ કરે, બઈ હાતે નિયે આર પડતે ઈચ્છે કરેના. તીરે એખાને નૌકા બાઁધા આછે. સેઈખાન થૅકે ઍક રકમ ઘાસેર ગન્ધ એવં થૅકે થૅકે પૃથિવીર ઍકટા ગરમ ભાપ ગાયેર ઉપરે એલે લાગેન થાકે — મને હય ઍઈ જીવત્ત ઉતપ્ત ધરતી આમાર ખૂબ નિકટ થેકે નિશ્વાસ ફૅલછે, બોધ કરી આમાર ઓ નિશ્વાસ તાર ગાયે જાયે લાગછે. છોટો છોટો ધાનેર ગાછગુલો બાતાસે ક્રમાગત કાઁપછે — પાતિહાઁસ જલેર મધ્યે નેમે ક્રમાગત માથા ડુબોચ્છ એવં ચંચુ દિયે પિઠેર પાલક સાફ કરછે. તાર કોનો શબ્દ નૅઈ. [આજ બપોરવેળાએ સારું લાગે છે. તડકો ચારે બાજુ એકદમ સ્તબ્ધ થઈને પડ્યો છે — તૃણ ઊડું ઊડું કરે છે. હાથમાં ચોપડી લઈને વાંચવાની ઇચ્છા હવે નથી થતી. ઘાટે જ્યાં નાવ નાંગરી છે, ત્યાંથી એક જાતની ઘાસની ગંધ અને રહીરહીને ધરતીની ગરમ વરાળ દેહે લાગે છે. મનમાં થાય છે કે આ જીવંત ઉતપ્ત ધરાની ગરમ વરાળ દેહે લાગે છે. મનમાં થાય છેકે આ જીવંત ઉતપ્ત ધરાની માટી ખૂબ નજીકમાં શ્વાસોચ્છ્‌વાસ લે છે. લાગે છે કે મારો શ્વાસ પણ એના દેહે જઈને અડકે છે. ડાંગરના નાના નાના છોડ પવનમાં ધીરે ધીરે ઝૂલે છે. બતક પાણીમાં ધીરે ધીરે માથું ડુબાડે છે અને પછી ચોંચથી પીઠનાં પીછાં સાફ કરે છે. બીજો કોઈ અવાજ નથી.] આ (અને આવા ‘છિન્નપત્ર’ના અનેક અનેક) ગદ્યખંડોમાં પત્રલેખક ચેતના પર ઝીલાતી પ્રત્યક્ષ પ્રકૃતિનું, પંચેન્દ્રિયોનું આહ્‌લાદન કરતું વર્ણન કરે છે. આ વર્ણનારીતિ આપણને ‘જનાન્તિકે’ની વર્ણનારીતિની યાદ અપાવે છે. એટલે આ બે ગદ્યખંડો ‘જનાન્તિકે’માં ક્યાંય ગોઠવી દીધા હોય તો ઝટ લઈને જુદા તારવવા મુશ્કેલ. એટલે એ તો છે જ કે સુરેશ જોષીના ગદ્ય પર, એમની ભાવભંગિ પર રવીન્દ્રનાથ જેવા સર્જકનો પ્રભાવ છે. પણએ અનુકરણ નથી. રવીન્દ્રનાથ અન્ય સર્જકોની જેમ એમની સંવેદનામાં દ્રવરૂપ બની ગયા છે. પ્રકૃતિના અનુભવની જેમ ‘રવીન્દ્ર’ પણ એક અનુભવ છે, અને તેનાથી તેમની સંવેદના સમૃદ્ધતર થઈ વાણીમાં ઊતરી છે. સુરેશ જોષીએ હોંશથી ટાગોરવેડા કર્યા છે, અને પોતે ટાગોરવેડા કર્યા છે, એમ ગર્વથી કહી ઉમેરે છે કે ‘ટાગોરે ક્યાં કાલિદાસવેડા નથી કર્યા અને કાલિદાસે ક્યાં વાલ્મીકિવેડા નથી કર્યા?’ પૂર્વસૂરિયા આ રીતે ઉત્તરસૂરિઓમાં જીવે છે. સુરેશ જોષી તેમના નિબંધોમાં સાચે જ ‘મોહક પુરુષ’ (ચાર્મિગ મૅન) બની રહે છે. એ ‘કંટાળો વિનાની કંપની’ આપે છે. કેટલીક વાર વાત ફરી ફરી સાંભળતા હોય એવું લાગે. આવે વખતે "અલિ બાર બાર ફિરે જાય, અલિ બાર બાર ફિરે આસે તાઈ તો ફૂલ બિકાસે’ — ભમરો વારંવાર પાછો જાય છે અને વારંવાર પાછો આવે છે, તેમ થાય તો ફૂલ ખીલે છે. લેખકની સાથે વિષયનો સંબંધ કંઈ આવા પ્રકારનો છે." —એવી બુદ્ધદેવની ઉક્તિ યાદ કરવી ઘટે. જોકે ભમરાના દરેક વાર જવામાં અને પાછા આવવામાં કંઈક તો ફેર હોય છે. એટલે સુરેશ જોષીની વાતોમાં જાતજાતના કાકુ સંભળાયા કરે છે. એમના નિબંધોમાં જેની વાત પર એ વારંવાર આવે છે, તે તો છે સૌન્દર્ય, વ્યાપક અર્થમાં. એમાં કવિતા પણ આવી જાય, પ્રકૃતિ પણ આવી જાય. એટલે જ્યાં સૌન્દર્યપ્રણાશ કે સૌન્દર્યબધિરતા હોય તેની શિકાયત નો સૂર પણ તાર સ્વરે આવી જાય. સૌન્દર્યની વાત કવિ-ચેતના — નિબંધકારની ચેતનામાં રસાઈને આવે છે, એક વૈયક્તિક સ્પર્શ. ‘જનાન્તિકે’માંથી કેટલાક ખંડ જોઈશું :

બારી પાસે બેસીને જોઉં છું; ઝરમર ઝરમર તડકો વરસે છે, પાસેની મધુમાલતીની ઘટાએ શીતળતાનો નાનોશો દ્વીપ રચ્યો છે, ત્યાં મધમાખીઓએ આશ્રય લીધો છે, અને મધપૂડાની રચના કરવા માંડી છે, ભારે ધમાલ છે. આમ જુઓ તો નરી નિસ્તબ્ધતા બધે છવાઈ ગઈ છે.

પવન કવિને પડકારે એવું એક તત્ત્વ છે. આમ જુઓ તો એનાં કેટલાં રૂપ છે! દીપની સ્થિર જ્યોતને ભેટતો પવન, લજ્જાળ યુવતીના પાલવમાં ભરાઈને એને શઢમાં ફેરવી નાખતો પવન, બંધ કરેલા દ્વારની ફાડમાંથી અંગને સંકોરી ચોર પગલે દાખલ થઈ જતો પવન, અવાવરુ વાવના અંધારાના લેપવાળા પાણી પરની લીલની ઝૂલને હલાવી જતો પવન, એ મૂઢ પ્રેમી વચ્ચે ઘૂઘવતો પવન, સૂકાયેલાં પાંદડાં વચ્ચેથી સાપની જેમ સરરર સરી જતો પવન, આકાશની નીલ જવનિકાને ઉડાડતો પવન... ઘણી વાર બેઠાં બેઠાં આ પવનને જોયાં કરવાનું ગમે છે.

આ ઉનાળાની સવારનો તડકો. એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવિ સુખનો ખંડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી રાખવાનું મન થાય છે.

પ્લાસ્ટર જેના પરથી ઊખડી ગયું છે એવી આ ભીંત પર સવારનો કૂણો તડકો અને મધુમાલતીની લતા — એ બે મળીને એક સુંદર ભાત ઉપસાવે છે. એની સાથે ભમે છે મધુમાલતીનાદ ફૂલની સુવાસ અને સવારના તડકાની માફકસર હૂંફ. રોજ સવારે આટલું તો ભોગવવા મળવાનું જ એ જાણીને મન હરખાઈ ઊઠે છે.

ઊડતા પંખીની પાંખમાંથી ખરતું પીંછું જોયું ને એણે હવામાં ખરતાં ખરતાં જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલતાં બોલતાં બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના અંગુલિ-સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી.

આ ગદ્યખંડોમાં તડકો, પવન, પંખી અને શિશુનાં ચિત્ર છે. આ બધાં જાણે જાપાની ચિત્રશૈલીમાં બ્રશને એક લસરકે તૈયાર થયેલાં છે ચિત્રોના કેન્વાસને એક ખૂણે નિબંધકાર બેઠેલા છે. ‘બારી પાસે બેસીને જોઉં છું.’ - એમ પહેલો ખંડ શરૂ થયો છે, પણ ‘જનાન્તિકે’ના કોઈ પણ ખંડને લાગુ પડે એમ છે. બીજા ખંડમાં પવનને જોવાનું જેને ગમે છે, એ નિબંધકાર છે. ત્રીજામાં તડકાના એક ખંડને ચોરીછૂપીથી સંતાડી રાખવાની ઇચ્છા કરનાર નિબંધકાર છે. (કેમકે એ તડકો જાણે કોઈના ભાવિ સુખનો ખંડ છે.) ચોથા ખંડમાં રોજ સવારે તડકો અને મધુમાલતીની સન્નિધિ ભોગવવાનો હરખ વ્યક્ત કરતા નિબંધકાર છે. તો પાંચમા — પંખીવાળા — ખંડમાં અદૃશ્ય રેખાઓ અંકિત કરતા ખરતા પીંછાની ગતિ કે વિસ્મયવિસ્ફારિત શિશુનેત્ર કે ગુલાબની પાંદડીઓની ગોઠવણીમાં ઈશ્વરના રૂપની ઝાંખી કરનાર નિબંધકાર છે. દરેક વખતે નિબંધકારને "કૈંક" થાય છે — એટલે કે એ વીંધાય છે, અસ્થિર થાય છે અને પ્રતિક્રિયાયિત થાય છે. જો કે નિબંધકારનું વ્યક્તિત્વ ‘અદૃશ્ય રેખાઓ’થી જ અંકિત રહે છે. એનો કોઈ ભાર નથી, છતાં એના સ્પંદમાન હૃદયની ધડકન સંભળાય. નિબંધકારની ચેતના નિબંધ નામના આ ગદ્યસ્વરૂપમાં સર્જકતા પ્રગટાવે છે. એમ તો વાર્તાકાર કે નવલકથાકાર કે નાટ્યકાર પણ ગદ્યકૃતિમાં જ સર્જકતા પ્રકટાવે છે. પણ નવલકથા વાર્તા કે નાટકમાં કથા, પાત્ર, ભાવપરિસ્થિતિ આદિનો મજબૂત આધાર હોય છે, એટલે ગદ્યની જવાબદારી થોડી ઓછી થઈ જાય છે! નિબંધમાં તો નિબંધકારને નર્યા ગદ્ય પર ટકવાનું હોય છે. અન્ય ગદ્યરૂપોમાં ગદ્ય જલદી ઉઘાડું પડી જતું નથી, બલકે ઘણી વાર ગદ્ય ત્યાં ગૌણ રહે છે, કમ એ કમ તરબોળ બની વાંચતા ભાવકને પક્ષે. પણ લલિત નિબંધમાં ગદ્યને સ્વાયત્ત બનવું પડે છે. ‘ગદ્ય કવીનાં નિકષં વદન્તિ’ — પણ કહું કે વાર્તા, નવલકથા કે નાટકમાં જેટલું નહિ, નિબંધમાં એટલું ગદ્ય સર્જકતાના નિકષ રૂપ બને છે. સુરેશ જોષી એ ગદ્યને રસલક્ષી કેવી રીતે બનાવે છે? રોમન યાકોબસને ભાવના કાવ્યાત્મક પ્રયોજન-એસ્થેટિક ફંકશનની વાત કરતાં લખ્યું છે કે ભાષાના પ્રયોજનમાં એક છેડે ભાષાનું નિર્દેશાત્મક - અભિધાપ્રધાન પ્રયોજન છે, તો બીજે છેડે કાવ્યાત્મક પ્રયોજન છે. એ બે છેડા વચ્ચે ઉચ્ચાવચ શ્રેણી છે. પછી ગદ્યની વાત કરતાં એમણે કહ્યું છે કે ગદ્યની પણ આવી ચઢઊતર શ્રેણી રચી શકાય જેમાં સામાન્ય કે વૈજ્ઞાનિક લખાની ભાષાના ગદ્યની લઈ સહિત્યિક ગદ્ય સુધીની શ્રેણી માંડી શકાય. સુરેશ જોષીએ વાર્તા, નવલકથામાં સાહિત્યિક ગદ્ય ખેડ્યું છે. નિબંધમાં એ ઉત્તમ સાહિત્યિક ગદ્યના લેખક તેીકે પ્રકટ્યા છે. અહીં ગદ્યને સ્વયં ઊભવું પડ્યું છે. ગદ્યના એ દૃઢ અસ્તિત્વ માટે તેઓ સુષ્ઠુ સુષ્ઠુ પોચી પોચી કાવ્યાભાષી પદાવલિનો આશરો લેતા નથી, પણ પ્રયોજિત શબ્દોના નવા સંદર્ભો, ઇન્દ્રિયઘન કલ્પનો, ઇન્દ્રિય વ્યત્યયો, અલંકારો, લાંબાટૂંકા વાક્યની વિવિધ તરાહો આદિ ઉપકરણોનો આશ્રય લે છે. બાણભટ્ટ જેવામાં જેમ ગદ્ય કથાવ્યતિરિક્ત સ્વયં આસ્વાદ્ય બને છે, તેમ અહીં, for itself. ‘ઝરમર ઝરમર તડકો વરસે છે’ — વરસાદ વરસવાની પ્રક્રિયા અને પદાવલિ તડકા માટે પ્રયોજાઈ. દૃશ્ય તડકો શ્રાવ્ય અને સ્પર્શ્ય પણ બન્યો. રોજબરોજનો આપણો તડકાનો અનુભવ એથી ફરી ગયો. રોજબરોજની, ‘સામાન્યા’ બનેલી ભાષાનું પુનઃ ‘કુમારીકરણ’ તે આ. (કવિ નિરંજન ભગતે તેમના પ્રવચનમાં કવિતાની ભાષાની વાત કરતાં એક કવિની ઉક્તિને ટાંકી હતી — Language is a whore, I want to make her virgin. એ સંદર્ભ.) ‘મધુમાલતીની ઘટાએ શીતળતાનો દ્વીપ રચ્યો છે’ — દ્વીપ એ દૃષ્ટિના સ્પેસનો અનુભવ છે. ‘શીતળતાનો દ્વીપ’ કરીને આજુબાજુના તડકામાં છાંયડાના અને એટલે શીતળતાના અલગ દ્વીપની સ્પર્શાત્મક અને દૃશ્યાત્મક અનુભૂતિ કરી-કરાવી છે. ઇન્દ્રિયવ્યત્યયનું આ કલ્પન છે. ‘ધમાલ’ અને ‘સ્તબ્ધતા’ને જોડે મૂકીને કોન્ટ્રાસ્ટ રચ્યો છે, પણ અહીં ધમાલ શોરબકોનો અર્થ ત્યજી દે છે, માત્ર પ્રવૃત્તિનો પર્યાય બને છે, અને સમગ્રતયા આ શબ્દદ્વન્દ્વ નિસ્તબ્ધતાનો ધોધ કરાવે છે. પવન વિશેનું કાવ્ય જોયું? પવનનાં વિવિધ રૂપ અભિવ્યક્તિની એક પેટર્ન રચના દ્વારા આકૃત થતાં ગયાં છે — — દીપની સ્થિર જ્યોતને ભેટતો પવન — લજ્જાળ યુવતીના પાલવમાં ભરાઈને એને શઢમાં ફેરવી નાખતો પવન — બે મૂઢ પ્રેમી વચ્ચે ઘૂઘવતો પવન — સૂકાયેલાં પાંદડાં વચ્ચેથી સાપની જેમ સરરર કરી સરી જતો પવન

પવનનું એક એક રૂપ એક એક એવું ચિત્ર છે, જે આપણો ચેતોવિસ્તાર સાધે છેઃ ‘દીપની સ્થિર જ્યોતને ભેટતો પવન’ કહીએ એટલે દીવાની ફરકતી જ્યોત, કંપતી જ્યોત દૃશ્યમાન થાય. ‘લજ્જાળ યુવતીના પાલવમાં ભરાતો પવન’ — એકદમ ચિત્ર આવી જાય છે વાચક સામે — ઊડતા પાલવના સઢીકરણનું. ત્યાં ‘બે મૂઢ પ્રેમી વચ્ચે ઘૂઘવતો પવન’માં ઘૂઘવતો શબ્દ જુદો સંદર્ભ રચી જુદો જ ભાવબોધ પ્રકાટાવે છે. અહીં વળી કાકાસાહેબે વર્ણવેલી પવનક્રીડાનું સ્મરણ કરવું ઉચિત થશે :

તડકાની લેહજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે.
નદીઓ પર પણ દોડે છે અને ટેકરીઓ ઉપરથીયે દોડે છે. સમુદ્ર હોય કે રણ
હોય, એને દોડતાં જરાય મુશ્કેલી પડતી નથી. એને કંઈ છાણાંના પગરખાં
શોધવાં નથી પડતાં. એ જઈ જઈ વૃક્ષોને પૂછે છે : ‘કેમ મઝામાં છો ને?’

વર્ણનની સાથે વર્ણન પૂરું થાય છે. પવનનું ગતિશીલ જીવંત ચિત્ર છે. પણ એથી જુદી રીતે સુરેશ જોષીમાં વર્ણનાતિરિક્ત ભાવ જગવતાં કલ્પનો છે. હું સુરેશ જોષીની કલ્પના કરું છું — ઘરના એક ખંડમાં બારી પાસે બેઠેલા. ઉમાશંકર જોશીના લઘુ ચિંતનાત્મક નિબંધોનો એક સંગ્રહ છે — ‘ઉઘાડી બારી’ ઉઘાડી બારી એટલે બારી બહાર જે દેખાય છે તે માત્ર નહીં, બારી બહારથી એ દ્વારા જે અંદર આવે છે તે પણ. એટલે કે આખું વિશ્વ. આમ તો સુરેશ જોષી સ્વભાવે કદાચ સ્થાવર પ્રકૃતિના લાગે પણ એમનું મન છે જંગમ પ્રકૃતિનું. દેશકાલની પાર ક્યાંયનં ક્યાંય વિહાર કરી આવે. આ બધા નિબંધો એમની પેલી ‘બારી’માંથી લખાયા છે. અસ્તુ, હવે જરા આગળ ચાલી, પાછો પવનવાળા ગદ્યખંડને ફરી લાવું છું. આ ગદ્યખંડમાંથી ગદ્યકાવ્ય રચીએ તો? પંક્તિઓ લાંબી ટૂંકી થશે, પણ દરેક પંક્તિને છેડે આવે ‘પવન’ અને એ સમગ્ર ખંડને એકત્વ આપતું રૂપ આપશે, અને અગાઉ ક્હું તેમ કલ્પનોમાં માત્ર પ્રાકૃતિક ચિત્રો નથી, જોઈ શકીએ તો માનવીય સંદર્ભ પણ છે. પવનના આ ચિત્રાંકનની રીત આ નિબંધકારને પોતાની આ પેટર્ન એટલી બધી ગમી ગઈ કે પછી એ પેટર્નનું એમના નિબંધોમાં આવર્તન જોવા મળે છે, પોતે જ પોતાના મેનરિઝમ-પ્રયોગદાસ્યનો ભોગ બન્યા છે. એમની શૈલીનું અનુકરણ કરનારા પરવર્તી નિબંધકારોમાં પણ પછી આવી કરામાતી લાગતી પેટર્નો મળતી રહી છે. પણ પ્રથમ પવનચિત્રાંકનની તાજગી ક્યાં? શુદ્ધ સૌન્દર્ય — એવા શબ્દ વાપરી શકીએ તો—ની આ નિબંધકાર વાત કરે છે ત્યારે એવું લાગે કે એ જીવનના રોજબરોજના બીભત્સ કોલાહલો અને દુન્યવી જંજાળોથી મુક્ત કોઈ ‘કમલભોજી જીવ છે. પણ ખરેખર તો આ ‘જીવ’ સમગ્ર કોલાહલો અને જંજાળો વચ્ચે જીવી, કર્દમ વચ્ચે રહી ‘કમલ’ની સૃષ્ટિ કરે છે અને એમાં આસપાસના વિશ્વબોધની વ્યગ્રતા નથી એવું નથી. વળી રમ્યો નિહાળીને કાલિદાસના શબ્દોમાં સુખી જીવ પણ પર્યુત્સુક બની જાય — વ્યગ્ર બેચેન બની જાય અને જન્માન્તરની મૈત્રી સ્મરી રહે તો, આ જન્મની તો શી વાત?

યાદ આવે છે પેલિ વિમલા, આંખો પટપટાવતી આંબા ડાળે ઝૂલતી હોય — વાત વાતમાં ધાર કે હું દમયંતી હોઉં ને જંગલમાં ભૂલી પડી હોઉં, ધાર કે જાણે —... પછી કહે છે — ઘણે વર્ષે જોઈ ત્યારે — અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.

અભિવ્યક્તિની કેવી તો નવીનતા ! વિમલાની શૈશવકાલીન સ્મૃતિ — અર્થાત્‌ અતીત અને વર્તમાન વચ્ચે જે સમય વહી ગયો છે, એ સમયનું જો માપ નીકળી શકતું હોય તો આથી વધારે સાર્થક પંક્તિ ક્યાં મળે — ‘અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.’ (એક મધ્યકાલીન કાવ્યમાં વિરહિણી નાયિકા પ્રિયને ગયે કેટલો સમય વીત્યો છે, તેની વાત કરતાં કૈંક આવું કેહ છે કે વહાલા તું જે ઝાડનો રોપો વાવી ગયો હતો, તેનેય ફળ બેઠાં છે, પણ મારી પ્રતીક્ષાને તો હજુ અંકુર પણ ફૂટ્યા નથી.) અતીતરાગ ‘જનાન્તિકે’ના આરંભિક નિબંધોમાં માર્મિક રીતે પ્રકટ્યો છે. પ્રથમ નિબંધ તો ચાવીરૂપ છે. એ શૈશવની મુગ્ધતા અને વિસ્મય પ્રૌઢ વયે પણ આ નિબંધકારમાં ટકી રહ્યાં છે. શૈશવની સ્મૃતિઓના એ નિબંધમાં કહે છે : આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે. પછી કહે છે : મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહિ કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે...મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં, એક નદી હતી એનું નામ ઝાંખરી. (વાક્યોની પેટર્ન જોઈ?) કિલ્લાની વાત કરતાં લખે છે : પરીકથામાંની આખી અદ્‌ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવાની પાળે બેસીને રૂમઝુમ પગલે સ્નાન કરવા ઊતરતી રાજકુમારીને જોતા, તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતાં અમે ભયની ફફડી ઊઠીને ભાગી જતા. પાંદડું ખખડતાં પાછળ જોતાં, વૃક્ષની પડછંદા કાયાનો પડછાયો જોઈને ‘માણસ ગંધાય,’ માણસ ખાઉં‘ કરતો રાક્ષસ ઊભો છે કે શું? — એવી ભ્રાન્તિથી અમે છળી મરતા. શૈશવની સ્મૃતિકથાની આ વાત પછી તો આપણા નિબંધકારોની માનીતી થઈ ગઈ. કેટલાં બધાં શૈશવ ગુજરાતીમાં ઊતરી આવ્યાં ! દિગીશ મહેતાના ‘દૂરના એ સૂર’ નિબંધોમાંના નિબંધકારનાં શૈશવસ્મરણોને બાદ કરતાં ઘણાં ખરાંની શૈશવસ્મૃતિની ચિત્રણાનો ઉત્સ સુરેશ જોષીનો આ નિબંધ છે. એમાં શૈશવની અદ્‌ભુત રસની સૃષ્ટિ જીવંત બની છે. પણ જે અન્ય શૈશવકથાઓમાં નથી, એવી એક અભિજ્ઞતા — મૃત્યુની અભિજ્ઞતા - એ શૈશવકથામાં ભળી ગઈ છે. પરીકથાની સૃષ્ટિ અને રાજકુમાર-રાજકુમારીની વાર્તાની પડછે ‘જનાન્તિકે’ના શિશુને અનુભવ છે — અને એમની ચેતનામાંથી અવારનવાર ઝબકી જાય છે !

એક સાથે આવેલા ત્રણ ત્રણ મરણના આઘાતથી મૂક થઈ ગયેલા દાદા અને
બહેરાંમૂંગાં ફોઈબા આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું. એના
પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ. આજેય કશું બોલતો હોઉ ત્યારે
એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્યવયનો એ ઓરડો યાદ આવે
છે...

વળી તરત એ વાતને વાળી લેતાં કહે છે :

બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહિતર શાણપણ એને વટાવી
ખાશે. ઊડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા
નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું ? શુક્લપક્ષના ત્રીજ ચોથના ચંદ્રના
ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું?

બાલ્યવયની સ્મૃતિભારનમ્ર-નોસ્ટાલ્જિક દુનિયામાં જવાનું કોઈ પણ સર્જકને ગમતું રહ્યું છે પણ મૃત્યુનો પણ મૃત્યુનો ઓછાયો બધે નથી હોતો. જુઓ, રિલ્કેની એલિજી વિષે વાત કરતાં પણ સુરેશ જોષી એકદમ શૈશવમાં પ્રવેશે છે, એ અભિજ્ઞતા સાથે :

બાળપણમાં મરણની આછી ઝાંખી થયેલી. ત્યારે એ કીડીના ચટકા જેટલું
નાનું ને નગણ્ય હતું. ક્રીડાક્ષેત્રની સરહદની અંદર એ પ્રવેશી શકતું નહિ.
કોઈક વાર અસાવધાનીને કારણે સહેજ ખુલ્લાં રહી ગયેલાં બારણાંની બીજી
તરફ ધોળી ચાદરથી ઢંકાયેલો દેહ, ઘીનો દીવો — એવી એની અલપઝલપ
રેખા દેખાતી, પણ બીજી જ પળે પતંગ, લખોટી કે ભરમડાની સૃષ્ટિમાં જતા
રહેવાનું...

આમ શૈશવની વાત મરણના સ્મરણ સાથે આવે અને એની સાથે ભળી જાય રિલ્કેની કવિતામાંની મૃત્યુચેતના, અને એક અદ્‌ભુત દ્રવ સાથેનો નિબંધ રચાય. ક્યારેક ‘મૃણાલ’ જેવી દીર્ઘકવિતા રચાય, ક્યારેક ‘મરણોત્તર’ જેવી અરૂઢ કથારચના. અહીં સમૃતિના દ્રાવણમાં વર્તમાનની ક્ષણ ઓગળતી હોવાથી, એ માત્ર ભૂતકાળમાં ડોકિયું નથી ભૂતકાળનો વર્તમાન ક્ષણે સહચારી ભાવો સાથેનો અનુભવ છે. આવો બોધ શૈશવકથા લખતા ઓછા લેખકોમાં અનુભવાતો હોય છે. મારા આ લેખમાં ‘જનાન્તિકે’ના નિબંધોએ જ જગ્યા રોકી છે, અને તે યોગ્ય રીતે. આ સંગ્રહ ગુજરાતી લલિત નિબંધના ઈતિહાસમાં સીમાસ્તંભ રૂપ છે. ૧૯૫૧માં ‘ગોષ્ઠિ’માં લલિત નિબંધ વિશે લખતાં શ્રી ઉમાશંકરે ગુજરાતીમાં એવા નિબંધ એક અ-ગુજરાતીને હાથે ખેડાયાની વાત લખી ઉમેર્યું છે — ‘કાકાસાહેબમાં સર્જક નિબંધની શક્યતા અને સિદ્ધિનાં દર્શન થાય છે તેવાં ભવિષ્યમાં કોઈ લેખકમાં દેખાય ત્યારે’. ભવિષ્યમાં લાંબી રાહ ન જોવી પડી, ૧૯૫૫-૫૬માં એક લેખકેમાં દેખાય ત્યારે.’ ભવિષ્યમાં લાંબી રાહ ન જોવી પડી, ૧૯૫૫-૫૬માં એક લેખકમાં દેખાય ત્યારે’. ભવિષ્યમાં લાંબી રાહ ન જોવી પડી, ૧૯૫૫-૫૬માં એક લેખકે એવા નિબંધો લખવાની શરૂઆત કરી, જે ‘કિંચિત્ત્માં ૧૯૬૦ અને ‘જનાન્તિકે’માં પૂર્ણ રૂપે ૧૯૬૫માં પ્રકટ્યા. જનાન્તિકે પછીના નિબંધોમાં સામ્પ્રતનો બોધ સ્વાભાવિકતયા વધારે છે. આ નિબંધોને એક નિશ્ચિત આકાર પણ મળ્યો છે. વર્તમાનપત્રે નિયત કરી આપેલી જગ્યામાં જ ઘોડો ખેલવવાનો હતો, એ અનુશાસનનો લાભ પણ મળ્યો છે. પરવર્તી નિબંધોમાં વિચારનો વળ છે. ‘જનાન્તિકે’માં હૃદય ને કલ્પના મુખ્ય છે, પછી બુદ્ધિ અને તર્કનો અનુપ્રવેશ થાય છે. આપણે એમની પાસે ‘જનાન્તિકે’ જેવા નિબંધો તો ફરી ફરી ન માગીએ ને? પણ એનો અર્થ એવો નથી કે પરવર્તી નિબંધો નિબંધના આપણા રૂઢ ખ્યાલ પ્રમાણે વિચારપ્રધાન કે બોધપ્રધાન છે, યદિ વિચાર છે, તો તે પણ લેખકની અનુભૂતિનો સાતે વળોટાયેલા છે, જેને આપણે felt thought કહીએ. જોન ડન વિષે લખતાં એલિયટે કહ્યું છે કે a thought to Donne was an experience. આ નિબંધોમાં વિચારો પણ ફિનેમિનોલૉજીકલ સ્તેર છે — અનુભૂતિજન્ય. વળી ગદ્યની રમણીય છટાઓ પણ આ નિબંધોમાંય ઓછી નથી. આ જુઓ ‘અહો બત કિમ્‌ આશ્ચર્યમ્‌’ માંથી એક ખંડ —

અંધારપટ છવાઈ ગયો અને ચાંદની ખીલી ઊઠી. રાત કોઈ કુસુમિત વૃક્ષની
જેમ મહોરી ઊઠી. ક્યાંક મહુવર બજી ઊઠ્યું. આકાશની નીલિમા ઝાકળથી
મલકાતાં તૃણની કોમળ હરિત શોભાના કાનમાં કશુંક કહેવાને નીચે ઊતરી
આવી. કશાક રહસ્મય સંકેતને વાતાવરણમાં વિસ્તરતો જોયો. અકારણ
ઉત્સુકતાથી હૃદય વિહ્વળ બની ઊઠ્યું. પરિચિત સૃષ્ટિએ છદ્મવેશ ધારણ કર્યો.
કોઈ નવી અપરિચિતતાને પામીને પોતાનાથી જ અજાણ્યા થઈ જવાનું મન
થયું. ભાર લાદેલી ટ્રક મોઢું છુપાવીને ફરતા દસ્યુઓની જેમ સરકવા લાગી.
ક્યાંક કોઈક મોટરની હેડલાઈટનો લાલ દીવો તરી રહ્યો. વૃક્ષો બાળકના
ચિત્રમાં હોય છે તેવો ચામર ધારણ કરી રહ્યાં.

અહીં ટૂંકાં વાક્યોની શૈલીથી ગિતબોધ અનુભવાય છે. પરન્તુ અહીં ટ્રક-મોટરનો પ્રવેશ જોયો? આ પરવર્તી નિબંધોમાં પણ યદૃચ્છા વિહાર છે. અહીં ચિંતનાત્મક નિબંધનાં રૂઢ આદિ મધ્ય અંત નથી. શિરીષ પંચાલે યોગ્ય રીતે એમની નિબંધ લેખનરીતિ અંગે નિરીક્ષણ કર્યું છે. એ કહે છે —

‘તેમની (સુરેશ જોષી) નિબંધ લખવાની રીત પક્ષી જેવી છે, જે એક ઝાડ
ઉપરથી બીજા ઝાડ ઉપર, એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઊડાઉડ કર્યા
કરે છે. ટહુકાઓની લ્હાણ કરતાં કરતાં જ વચ્ચે ચણ પણ મળવી લે છે.’

પરિવર્તી નિબંધોમાં આપણને ભાવ કે વિચારનું પુનરાવર્તન થતું જોવા મલે છે, પણ એનો તો પેલી ‘ભમરો વારંવાર પાછો જાય છે અને વારંવાર પાછો આવે છે’ - વાળી વાતના ઉલ્લેખથી બચાવ થાય. એ કાંઈ એવો મોટો દોષ નથી. સુરેશ જોષીના લલિતનિબંધોની ચર્ચા કરતાં આપણે અહીં કાકાસાહેબ અને રવીન્દ્રનાથનું સ્મરણ કર્યું છે. એ બંને નિબંધકારોમાં વિનોદનું તત્ત્વ, જે લલિત નિબંધનું એક જીવાનુભૂત તત્ત્વ ગણાય છે, ખાસ તો બ્રિટિશ નિબંધોમાંના મોડેલ પ્રમાણે — તે પ્રકટ રૂપે સુરેશ જોષીના નિબંધોમાં જવલ્લે જ મળે. એ રીતે એમના નિબંધો પાશ્ચાત્ય ‘પર્સનલ એસે’થી જુદા પડે. હું અહીં એક બીજા મરાઠી લલિતનિબંધકાર અને કવિ ‘ગ્રેસ’ની યાદ દેવડાવું. એમના નિબંધો ‘ચર્ચબેલ’ (અનુ. જયા મહેતા)ગુજરાતીમાં ઊતર્યા છે. ગ્રેસના આ સર્જનાત્મક નિબંધોમાં કરુણાની જ મીંડ સતત બજ્યા કરે છે અને છતાં આપણને ગમે છે. એમના ‘મિતવા’ નામના મરાઠી સંગ્રહમાં પણ એવા નિબંધો છે. (એ પણ જયા મહેતા દ્વારા હવે ગુજરાતીમાં ઊતર્યા છે.) પરંતુ સુરેશ જોષીમાં નર્મમર્મનો એકદમ અભાવ છે એમ પણ નહિ કહી શકાય. એ માટે વાચકે એમના નિબંધોમાં ‘અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુ’ પકડવા પડે. ‘એરિકાને પત્રો’ની શરૂઆત જરા જુઓ :

હમણાં પ્રેમપત્રો વાચું છું — લોકોની નજરથી બચાવીને. વિદગ્ધતાનું ગૌરવ
ઉપાડવા જેટલું ભારઝલ્લું મારું કાઠું જ નથી. આથી મુગ્ધ બનીને સંતોષ માનું
છું.... પંડિતો પછિ ભલેને કહેતા કે મુગ્ધ અને મૂઢ વચ્ચે ઝાઝુ અંતર નથી.

અહીં બરાબર જન અંતિક — જે નિકટનું જન છે, તેને વાત કહેવાય છે, પણ જ્યારે કહે છે કે ‘વિદગ્ધતાનું ગૌરવ ઉપાડવા જેટલું ભારઝલ્લુ મારું કાઠું નથી.’ ત્યાં ખરેખર તો પોતાની મર્યાદા કરતા તથાકથિત ભારઝલ્લા કાઠાવાળા વિદગ્ધો પર વ્યંગ્ય છે, અને વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વરસો સુધી એમને માત્ર ‘લેકચરર’ પદે રાખવામાં આવેલા, તેની પ્રચ્છન્ન વેદના પણ છે. બરાબર વેદના નહિ, દુભાયાનો ભાવ. એટલે પછીનું ‘પંડિતો’ પર તકાયેલુંદ નિશાન તો સ્પષ્ટ છે. એક વખતે ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’માં કવિતા છપાય તો જ કવિ તરીકેનું ‘રેકન્ગિશન’ મળે એમ કહેવાતું. ‘કુમાર’માં કવિતાઓ પહેલે પાને આવતી, ‘સંસ્કૃતિ’માં સામાન્ય રીતે વચ્ચે. એ વિષે આ નર્મમર્મ :

‘કુમાર’નું પહેલું પાનું કે ‘સંસ્કૃતિ’નું ફલાણું પાનું કવિતાના બાલ્યકાળનું
ક્રિડાંગણ કે ઘૂંટણિયાં કરવાનું સ્થળ ભલે બને, કવિતાનું આખું જીવન જો
એટલી જ મર્યાદામાં જીવવાનું હોય તો જુલમ થઈ પડે.’

અહીં જનાન્તિકે કહેવાતી વાતમાં ‘ત્રીજાની ઉપસ્થિતિ છે અને ત્રીજામાં રોષ પેદા થાય તેવી વાત પણ અહીં છે. ‘કુમાર’ના તંત્રીને કે ‘સંસ્કૃતિ’ના તંત્રીને આ વાંચીને સુખ તો ન જ થાય. ‘કવિતાના બાલ્યકાળનું ક્રીડાંગણ કે ઘૂંટણિયાં કરવાનું સ્થળ’ બરાબરનો વ્યંગ્ય છે — મર્મચ્છેદી. આવાં સ્થળો સુરેશ જોષીના નિબંધોમાં મળશે. પણ બકુલ ત્રિપાઠીના, વિનોદ ભટ્ટના નિબંધોમાં પ્રાપ્ત થતા વિનોદની અપેક્ષા તો એમની પાસે નહિ રાખી શકાય. કાલિદાસ વિષે સુરેશ જોષીએ લખ્યું છે કે એ ઈન્દ્રિયોનું લાલનપાલન કરનારો કવિ છે, સુરેશ જોષીના નિબંધોમાં વિનોદનો વિકલ્પ છે સઘન ઈન્દ્રિયબોધ, આનંદલક્ષી કલ્પકતા. આ નિબંધોમાં સ્વરૂપની રીતે અને વિષયોની દૃષ્ટિએ એક મોકળાશ છે. તેમાં રૂઢ અર્થમાં લલિતનિબંધ તરીકે ઓળખીએ એવા તો નિબંધો હોય જ પરંતુ અહીં રિલ્કે અને એરિકાના પ્રેમપત્રોની વિશ્રંભકથા પણ વિસ્તરિત થઈ શકે છે. ‘પથેર પાંચાલી’ની આસ્વાદન કથા પણ આવી શકે છે, કવિતા કે કળા વિષેની ગોઠડી પણ ચાલતી રહે છે, અને ઉપરાંત ઘણું બધું.[2]

  1. અનિલા દલાલ દ્વારા ‘છિન્નપત્ર મર્મર’ એ નામથી તેમાંથી પસંદ થયેલા પત્રોનો અનુવાદ ગુજરાતીમાં પ્રકટ થયો છે.
  2. સાહિત્ય અકાદેમી, દિલ્હી તરફથી આયોજિત ‘ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીનું પ્રદાન’ એ વિષેના ભાવનગરમાં ૬,૭ નવેમ્બર ૧૯૯૨માં યોજાયેલા પરિસંવાદમાં પઠિત નિબંધ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦