સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/વાની મારી કોયલ
એક ભાવક : બે પ્રતિભાવ
દોઢેક દાયકા પહેલાં ‘ઘૂઘવતાં પૂર’ સંગ્રહમાંથી આ વાર્તા જ્યારે પહેલી વાર વાંચી હતી ત્યારે મુગ્ધ થઈ જવાયું હતું. કદાચ મુગ્ધ થવાની તે વય પણ હતી. તે પછી જ્યારે જ્યારે મડિયાના સાહિત્યસર્જન વિષે વિચારવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે ત્યારે તેમની વાર્તાઓ અને તેમાંયે ‘વાની મારી કોયલ’ વાર્તા સતત નજર સામે તરવરી રહી છે. મડિયાએ સાહિત્યનાં બધાં ક્ષેત્રોમાં માતબર અર્પણ કર્યું છે, પણ તેઓ પહેલે અને છેલ્લે એક વાર્તાકાર છે. તેમનું વાર્તાસાહિત્ય વિપુલ છે અને તેમાં કેટલીક ઉત્તમ અને ચિરંજીવ વાર્તાઓ નીપજી આવી છે. કદાચ આવી કેટલીક ઉત્તમ વાર્તાઓમાં ‘વાની મારી કોયલ’ને કોઈ સ્થાન આપતાં આનાકાની કરે એવો સંભવ છે, તેમ છતાં મારો એ વાર્તા અંગે થોડોક પક્ષપાત રહ્યો છે. હમણાં ફરીથી જ્યારે આ વાર્તા વાંચતો હતો ત્યારે દોઢ દાયકા પૂર્વેના મારામાં રહેલા પેલા મુગ્ધ વાચકને ઢંઢોળી રહ્યો હતો, પણ એ તો ક્યાંક અલપઝલપ થઈ ગયો હતો અને એને સ્થાને વાતવાતમાં વાંકું પાડવા તત્પર એક ઉન્નતભ્રૂ વાચક આરંભના પઠનની પેલી મુગ્ધ છાપને ડહોળી નાખતો તિર્યક્ નજરે જોતો હતો. એક વિમિશ્ર – વિચિત્ર પ્રતિક્રિયાનાં આંદોલનો જાગી અળપાઈ જતાં હતાં. સહેજ નિરાશ થઈ જવાતું હતું.... પહેલાં તો ઝડપથી વાર્તાના અંત સુધી આવી ગયો – પછી ફરીફરી વાંચી. અમુક અંશો વળી ફરીને વાંચ્યા. કોઈ સુસ્વાદુ મિષ્ટાન્નનો આસ્વાદ લેતાં લેતાં દાંત વચ્ચે ઝીણી કાંકરી આવી જાય....ક્વચિત્ એમ થયું. આવી બાબતે સાહિત્યકૃત્તિઓના આસ્વાદમાં વય સાથે બદલાતી જતી રુચી ઓછી જવાબદાર નથી હોતી. તેમ છતાં ‘વાની મારી કોયલ’ મડિયાની વાર્તાકલાનાં કેટલાંક ઘટક તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. કદાચ મડિયાની જ કલમે લખાય એવી આ વાર્તા છે. સૌથી પહેલા વાચને તો આ વાર્તા બસ ગમી ગયેલી. કેમ ગમેલી – એનું પૃથક્કરણ કરવા માટે કોઈ કારણ નહોતું. એ રીતે ચિત્ત ટેવાયેલું નહોતું. આજે ગમાઅણગમાનાં કારણો શોધવાની વૃત્તિ થાય છે, કૃતિના વિશ્લેષણમાં જવાનું વલણ પ્રબળ બને છે. વાર્તા વાંચતાં પહેલી જે છાપ પડે છે, તે છે આ વાર્તાના પરિવેશની. તળપદી ભૂમિ અને ભાષા વાર્તાની પાશ્ચાત્ભૂમાં છે, અને છતાં સમગ્ર વાર્તામાં પ્રધાનપણે તે છાઈ રહે છે. જેમ મેઘાણીમાં તેમ મડિયામાં પણ આ ભૂમિ કે ભાષાના વિનિયોગમાં એક રંગદર્શા વલણ છે. અને મડિયાની આ વાર્તા, તેમની પોતાની જ બીજી વાર્તાઓની તુલનામાં ખટકે છે, તે તત્ત્વે જ કદાચ એક કાળે મુગ્ધ કર્યો હતો. પરંતુ મડિયા અને મેઘાણીમાં જે એક મોટું અંતર છે, તે વાર્તાકલાના કસબ પ્રત્યેની જાગરૂકતામાં છે. મડિયા વધારે સભાન, જાગરૂક કરી કસબ હાથ ધરે છે. આ પરિવેશપ્રધાન વાર્તામાં ઊપસે છે ત્રણ પાત્રો. આરંભમાં તેમની ઓળખાણ થાય છે. અંધ નેણસી ભગત, ગોવો ગળિયારો અને સંતી. અંધ નેણસી ભગત શેઢા નજીકના ચાસટિયામાં ફાટ્યો-તૂટ્યો ખાટલો ઢાળીને ચોવીસે કલાક રામનામ લેતા પડી રહેતા. ગોવા ગળિયારાને ગોળ રાંધવા માટે બોલાવ્યો છે. રસનો ગોળ રાંધવા માટે અડખેપડખેના પંથકમાં નામખ્યાત ગોવામાં ગોળરાંધણના તેના અનોખા કસબની દીપ્તિ તેના સમગ્ર વ્યક્તિત્વમાં રંગ પૂરી જતી. અને સંતી, નેણસી ભગતના પુત્ર રવા પટેલની એકની એક દીકરી છે. ‘દીકરાની જેમ જ લાડચાગમાં’ ઊછરી છે. રવા પટેલ કહે છે : ‘સંતી મારી દીકરી નથી ઈતો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવ ભવની લેણાદેણી રહી ગઈ હશે, તે મારે ઘરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે.... આ ત્રણ પાત્રો ઊપસે છે ખેતરના પરિવેશમાં. ‘ચાર વીઘાંમાં પથરાયેલ શેરડીનાં લીલાછમ પાંદડાંનાં પડથારમાં ઉત્તરદખ્ખણના વાયરા આવે ત્યારે એકમેકને આલિંગતા ઊભેલા સાંઠાઓના પોપટિયા રંગના સાગરમાં જાણે કે દરિયાઈ મોજાંની લહેરો ઉત્પન્ન થતી....’(આ વર્ણનમાં વાર્તાકાર મડિયાની મદદે કવિ મડિયા આવી ગયા લાગે છે.) આ ખેતરમાં ચીંચોડો મંડાય છે, મહેમાનો નોતરાય છે અને જેનાં ધોડિયાં લગન થયેલાં એવી સંતીના પહેલા આણાનો અવસર પણ યોજાય છે. પુત્રલગ્ન જેટલી ધામધૂમ મંડાય છે. વાર્તાકારે વાર્તાની મુખ્યઘટનાની પૂર્વે આવી એક પાશ્ચાતૂ ભૂમિકા ચીતરી છે, પરિવેશ અને પાત્રોની. ‘વાની મારી કોયલ’ વાર્તાનો આ ‘પૅનોરમા’ છે. મડિયાની કલમે તે અત્યંત સાહજિકતાથી આપણી સમક્ષ છતો થાય છે. હવે પછી આ ‘પૅનોરમા’ પર જે દૃશ્ય ભજવાય છે, તેને માટે વાર્તાકારે આપણને સજ્જ કર્યા છે. સામાન્ય રીતે મોટાભાગની ટૂંકી વાર્તામાં લેખક આરંભમાં એક પૅનોરમા રચે છે અનેતે પર ભજવતા દૃશ્યથી વાર્તાનો અંત રચે છે. સંતી કાલે સાસરે જશે. આગલે દિવસે સાંજે સંતી અંધનેણસી ડોસાને અમલ માટે અફીણ આપવા ખેતરે જાય છે. મજૂરણ સહિયર પૂછે છે : ‘કાં સંતીબેન, આજે તો કંઈ કોરો કડકડતો ઘાઘરો પહેર્યો છે !’ જવાબમાં સંતી ગાઈ ઊઠે છે :
ફૂલ ફગરનો ઘાઘરો શીવડાવ્યો શુકરવાર
પહેર્યો ને વળી પહેરશું કંઈ સાસરને દરબાર
કે આણાં આવ્યાં રે મોરાં રે....
સંતીના આ શબ્દો પરિસ્થિતિમાં એક નવો વળાંક લાવે છે. લેખક ‘વસંતવિજય’ ની જેમ જાણે અહીં પ્રકૃતિનાં રમ્ય રૂપોનું ઘેન ચઢાવે છે એના પાત્રોમાં. અણજાણે, અકસ્માત્ જાણે કે ટૂંટિયું વાળી સૂતેલો મદન આળસ મરડે છે. ગળિયારાએ સંતીના ગાનના પ્રત્યુત્તરમાં ગાયેલી બે લીટીઓમાંના ‘કોયલડી રંગભીની’ એ શબ્દો એના દિમાગમાં રમે છે....આપણને લાગે છે કે નેણસી ભગતના તપોવનમાં મદનનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અને નેણસી ભગતને ક્યાંક એનો અણસાર આવવા લાગ્યો છે, જુદી રીતે તેમણે ‘આદત પ્રમાણે આંગળીઓ સૂંઘવા માંડી.’ હવે તો મદનનો દાવ હતો. વાતાવરણમાં માદકતા છલકાઈ હતી. તેની સામે નિર્દોષ, મુગ્ધ, ‘પોચી પારેવડી’ જેવી સંતી હતી. હઠાત્ આપણા મુખમાંથી સરી પડે છે :
શિરીષાદિપ મૃદ્વંગી કવેયમાયતલોચના
ક્વચાયં કુકૂલાગ્નિકર્કશો મદનાનલ :
બીજી બાજુ હવે લેખક ફોકસનું લક્ષ્ય બદલે છે. પેલા અકાલ મદનોદ્ગમથી ‘અંધ’ યુગલ પરથી, અંધ નેણસી ભગત પર હવે ફોકસ તે જ ક્ષણોમાં કેન્દ્રિત થાય છે. ડોસા સંતી વિષે ભયની આશંકા કરી ‘બન્ને આંગળીઓ નાકે મૂકી આખા વાતાવરણનો તાગ’ લેવા મથે છે. વળી પાછું લેખકના ફોકસનું લક્ષ્ય બદલાય છે. ‘ઘરમાં અટાણે સંતીનાં આણાનાં કપડાં સંકેલાતા હતાં. એક ખાસ, મોંઘાપાડું ઓઢણું હજી નહોતું સંકેલ્યું, કારણ કે સંતીની બહેનપણીઓએ સૂચવ્યું હતું કે પરોઢિયે ગાડે બેસાડતી વખતે એ પહેરાવવું છે.’ લેખકે ત્રણ કેન્દ્રો રચ્યાં છે, પણ ત્રણેયના કેન્દ્રમાં છે – સંતી. અત્યારે આ ક્ષણે સંતી ક્યાં છે ? ડોસા સંતી વિષે આ ક્ષણે શું આશંકા સેવે છે ? રવા પટેલ આ ક્ષણે સંતી વિષે શું વિચારે છે? ‘આજ બિચારી પેટ ભરીને ડોસાને મળી લ્યે...કાલ આવા ટાણે તો, મારી કોયલ ઊડીને કોણ જાણે ક્યાંયે જઈ બેઠી હશે...ઈતો વાની મારી કોયલ છે.’ આ કેવી વક્રોક્તિ છે ?—એ તો વાર્તાના અંતે પહોંચ્યા પછી વાચકના ચિત્ત સોંસરી ઊતરી જાય છે. તે વખતે માત્ર ઉક્તિ છે, પણ વક્ર–ઉક્તિમાં પરિણમે છે ત્યારે ? એક નવું પરિણામ લાધે છે. વાર્તાકાર એક સ્થળે બેસી જાણે આ ત્રણ દૃશ્યો પર ફોકસ પાડી – આ ત્રણે દૃશ્યોની સહોપસ્થિતિ રચે છે, તેમાં તેમનો કસબ પરખાય છે. અત્યંત સંયમથી, લાઘવકલાથી લેખકે અહીં કામ લીધું છે. ચાંદની રાતમાં પ્રશાન્ત ખેતરના આલેખનના એક પરિચ્છેદ દ્વારા ઘણુંબધું સૂચવી દીધું છે : ‘તરકોશીના થાળ ઉપર નિંગળાવા મૂકેલો કોશ પણ હવે નીતરી રહ્યો હતો અને વાવમાં પડતાં ટપાક ટપાક ટીપાંનો અવાજેય બંધ થયો હતો. રતાંધળાં છીપાં પણ તરકોશીના બે માથોડા ઊંડાં બંધાણનાં બાકોરાંઓમાં એકમેક સાથે ગોઠવાઈને બેસી ગયાં હતા.’ આ પંક્તિઓ (કદાચ એના રચયિતા પણ લખતી વેળાએ સંપ્રજ્ઞાત ન હોય) અજબ રીતે સમગ્ર વાર્તાના સંદર્ભમાં – વાર્તાના એક મુખ્ય, છતાંય સંકેતાત્મક રૂપે નિરૂપાયેલ ઘટનાના સંદર્ભમાં પ્રતીકાત્મક ગરજ સારે છે. નિંગાળાવા મૂકેલો કોશ અને વાવ પોતાના સહજ અર્થને અતિક્રમે છે. તો ‘રતાંધળાં’ વિશેષણ આ ક્ષણો પૂરતું ‘છીપાં’ આગળથી હઠીને બીજે ગોઠવાઈ જતું લાગે છે. સંતીના સ્ખલનને અત્યંત કુશળતાથી લેખક સૂચવે છે. સંતી જ્યારે કોઈનો પગરવ સંભળાતાં, સફાળી ઊભી થઈ, દોડી ભગતને અમલ આપવા નજીક જાય છે ત્યારે— ‘અંધ ભગતને આજે સંતીમાંક કૈંક આકસ્મિક ફેરફાર થયો લાગ્યો. નવપલ્લવિત બટમોગરાની કળીશી તેની અણબોટી દેહલતા માંથી કોરી ધરતી ઉપર વર્ષાછાંટ થયા પછીનો આછોઆછો મીઠો પમરાટ મહેકવાને બદલે ભગતને પહેલી જ વાર પરસેવાની ખાટીક વાસ આવી.’ સંતી હવે આંગળી સૂંઘી વસ્તુસ્થિતિનો તાગ લેતા ડોસાની હાજરીમાં ગભરાટ અનુભવે છે, આ ક્ષણો હવે તેને અસહ્ય લાગે છે. ડોસા માટે ચુપચાપ અમલ તૈયાર કરવા અફીણનો ગાંગડો પલાળે છે....એને એકાએક ‘જીવનનો રસ્તો’ સૂઝે છે, અને આતાને અમલ આપવાને બદલે પોતે ગટગટાવી જાય છે. સંતીનું સ્ખલન અને એ પૂર્વેની એની ભૂમિકા જે રીતે લેખક ધીરેધીરે આલેખતા ગયા છે, કદાચ એના સ્ખલન પછીની એની પશ્ચાત્તાપની વ્યગ્રતાની ક્ષણો એટલી પ્રતીતિકર એ રીતે નથી નિરૂપાઈ. તેમ છતાં તેને લીધેલા નિર્ણયથી સંતી ‘કોયલ’ અભિધાનને અનેક રીતે સાર્થક કરી રહે છે. મૃત્યુનો રસ્તો – એ એને માટે ‘જીવનનો રસ્તો’ છે. મૃત્યુને વરીને જ જીવી શકાય તેવું હતું. સંતીનું આ આચરણ એના પોતાના અપરાધભાવમાંથી જાગ્યું છે ? કે પછી નેણસી ભગતની ઉપસ્થિતિમાં, પરિસ્થિતિનો તાગ લેતી તેમની આંગળીઓ સૂંઘવાની ક્રિયાએ તેને માટે અસહ્ય ક્ષણો લાવી દીધી છે અને એ ક્ષણોને જીરવી શકાય તેમ નથી, એથી આ માર્ગ લે છે ? લોકો શું કહેશે એવી લોકનિંદાનો ભય કદાચ નહોતો; કેમ કે એના અપરાધને કોઈએ આમ તો જોયો નથી. વાર્તામાં લેખકે સંતીની સ્વયંજાત અપરાધભાવના કે તેના પશ્ચાત્તાપનો નિર્દેશ કર્યો નથી, એ તો પોતાના સ્ખલનની ક્ષણો પછી પણ જ્યારે અંધ નેણસી ભગતની સામે આવી ઊભી રહે છે ત્યારે કર્યા કર્મનો અપરાધ મહેસૂસ કરે છે. ત્રણ આશ્ચર્યો – સંતીનું સાસરે જવાને બદલે સ્મશાને ગમન, લોકનજરે અવળે ચોઘડિયે રથ ફરી જતાં પાગલ બની ગયેલા નેણસી ભગત અને ગળિયારાનું પલાયન – સાથે વાર્તાનો અંતવાર્તાની એકાત્મકતા સિદ્ધ કરે છે. તેમ છતાં ‘ગળિયારાના પલાયન’ અંગેની વાત ઊભડક રીતે કહેવાઈ લાગે છે, જાણે કે અધ્ધર રહી જાય છે. સમગ્ર વાર્તાનું સંઘટન તપાસતાં વાર્તા કેટલેક સ્થળે શિથિલ કે દીર્ઘસૂત્રી લાગે છે. રંગદર્શીતાનો અતિરેક પણ થતો લાગે છે. સંતી અને ગળિયારાની સામસામી ઉક્તિઓ જરા વધારે પડતી લાગે. લોકગીતોના માધ્યમથી પોતાની મનઃસ્થિતિને પ્રગટ કરવાનું એક માત્ર માધ્યમ કદાચ આ બન્ને વચ્ચે છે. વાર્તાનું શીર્ષક જાણે કે વાર્તાનું એક અંગ છે. ‘કોયલ’ વાર્તામાં એક ‘કંટ્રોલિંગ ઇમેજ’—સંયોજકરૂપે આવે છે. ગામના જુવાનોએ પણ સંતીનું નામ ‘કોયલડી’ તો પાડેલું જ છે, તે સિવાય તેના પિતા પણ તેની વાની ‘મારી કોયલ’ કહે છે. કોયલ આમ તો કોઈને ઘેર આવે નહિ, પણ વાવાઝોડામાં ફસાયેલી (વાની મારી) કોયલ ક્યારેક કોઈના ઘરનો આશ્રય ઢૂંઢે ખરી. પણ એ તો વાવાઝોડું શમી જતાં, વળી પાછી ઊડી જાય. ઠરીઠામ થઈને રહે તો કોયલ શાની ? સંતી વિષે પણ એના પિતા એમ જ કહે છે. સંતી તો વાની મારી કોયલ છે અને કોઈ પૂરવ જનમની લેણાદેણીથી એને ત્યાં આવી છે, આણાં આવશે એટલે એ પણ ઊડી જશે. સંતીનાં આણાં આવ્યાં છે પણ ખરાં. (એક નહિ, પણ બબ્બે આણાં !) અહીં સંતી પણ હવે ઊડી જશે, એવું લાગે છે. પણ ‘વાની મારી’ અહીં સંતીને માટે કેવી રીતે પ્રયોજીક શકાય ? કદાચ મદનરૂપી વાવાઝોડામાં ફસાયેલી ?—તો તો પછી તેના ઊડી જવામાં જે વ્યંજના છુપાયેલી છે તેય સિદ્ધ થતી લાગે. આમ સમગ્ર વાર્તા એક કારુણ્યસભર વક્રોકિત બની રહે છે. વાર્તામાં કેટલીક ઉક્તિઓ અને શબ્દો ‘ઇરૉટિક’—રતિભાવ પ્રેરક અસર નીપજાવે છે. ‘ધરતીએ પણ પેટ કાઢ્યું છે ને કાંઈ ! ભોમકાને કુવારી અમથી નહિ કીધી હોય !’ વાર્તામાં તે પછી ‘પેટ’ શબ્દ અવારનવાર આવા કશાક સંદર્ભમાં આવે છે. ‘એકલા એકલા ગોળ રાંધો છો ને ? એકલપેટા...’ ‘એકલા માણસ તો એકલપેટા જ હોય ને ? એ બીજું પેટ ક્યાંથી કાઢે ?’ ‘સંતીના પેટનો ફડફડાટ....’ તેનું પેટ ચૂંથાવા લાગ્યું’ વગેરે. એવી જ રીતે ‘કુવારી’ શબ્દ એમ તો પવિત્રતાનો, અક્ષતતાનો સૂચક છે, પણ જે ભાવ જન્માવે છે તે રતિભાવપ્રેરક નથી ? અંગ્રેજીમાં ‘ચેસ્ટ વુમન’ કહીએ છીએ ત્યારે ‘ચેસ્ટ’ ની સાથે રતિભાવ પ્રેરક એક પ્રતિભાવ જાગે છે તેમ. એવી જ રીતે લેખક અહીં ‘અણબોટી દેહલતા’નો પ્રયોગ કરી ‘અણબોટી’ની સાથે જે એનાથી વિપરીત ભાવ છે, તે પણ જગાવે છે. ‘કોરો કડકડતો ઘાઘરો’ પણ સંકેતાત્મક પ્રયોજન ધરાવે છે. આવી ઉક્તિઓ અને શબ્દો આ વાર્તાના વાતાવરણને પોષક બની રહે છે. મડિયાના સર્જનમાં એક પ્રકારની સહજતા, આયાસહીનતા ઊપસતી હોય છે, તે તેમાં રહેલી વેગાત્મકતાને કારણે. લોકબોલીના લયને તેમનો કાન બરાબર પકડે છે. પોતાની આ નિસર્ગદત્ત પ્રતિભાનો વિનિયોગ મડિયા પોતાના સર્જનોમાં કોઈ આંતરિક સ્ફુરણાથી કરતા લાગે છે. આ વાર્તામાં લોકબોલીની સાથે સાહિત્યિક ભાષાનો વિનિયોગ છે. તેથી વાર્તાની ‘ટોનલ યુનિટિ’માં કશોક ભંગ પડે છે કે નહિ તે વિચારણીય છે. એવું પણ ન બને કે ભાષાનાં આ બન્ને સ્તર એકબીજામાં ભળી એક નવું પોત પણ ઉપસાવતાં હોય ? આ વિશ્લેષણ કર્યા પછી, કશાય કારણોની આળપંપાળમાં પડ્યા વિના વાર્તાને તન્મયતાથી માણનાર અને ‘બહુ મઝા પડી’ ઉવા ઉદ્ગાર મારફતે પોતાનો અહોભાવપૂર્વકનો પ્રતિભાવ રજૂ કરનાર દોઢ દાયકાના પહેલાંના પેલા મુગ્ધ વાચકની અદેખાઈ ન કરું તો શું કરું ?
૧૯૭૦
(‘પૂર્વાપર’)
૦૦૦