સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ભોળાભાઈ પટેલનું વિવેચન

From Ekatra Foundation
Revision as of 16:24, 19 January 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ભોળાભાઈ પટેલનું વિવેચન

ગુજરાતી સાહિત્યમાં ભોળાભાઈ નિબંધકાર અને અનુવાદક તરીકે છવાયેલા રહ્યા છે. નિબંધો અને અનુવાદોનાં એમનાં ૧૩-૧૩ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. પરંતુ ભોળાભાઈ પ્રથમતઃ વિવેચક છે. અને એમનાં સંપાદનો-અનુવાદોમાં પણ એમની વિવેચક-પ્રજ્ઞા હંમેશાં પ્રગટ થતી રહી છે. એમનો પહેલો, ને પછી વિશેષ જાણીતો થયેલો નિબંધસંગ્રહ ‘વિદિશા’ ૧૯૮૦માં પ્રગટ થયો એ પહેલાં એમના ચાર વિવેચનસંગ્રહો પ્રગટ થયા હતા – ૧૯૭૩માં ‘અધુના’, અને ‘ભારતીય ટૂંકીવાર્તા’, ૧૯૭૬માં ‘પૂર્વાપર’ અને ૧૯૭૯માં ‘કાલપુરુષ’. આ દરમ્યાન એમનાં કેટલાંક અનુવાદ-પુસ્તકો પ્રકાશિત થયેલાં હતાં. ભોળાભાઈ બહુભાષાવિદ હતા. વિસ્મય અને જિજ્ઞાસાથી એ બંગાળી, અસમિયા, ઉડિયા, મરાઠી, ફ્રેન્ચ, જર્મન ભાષાઓ શીખતા રહ્યા. હિંદીના એ અધ્યાપક હતા ને એમણે પછી અંગ્રેજી વિષય સાથે પણ એમ. એ. કરેલું. એમના પહેલા જ પુસ્તક ‘અધુના’માં આ બહુભાષાપરિશીલન અને અભ્યાસ પ્રતિબિંબિત થયાં છે. વિવિધ ભાષાઓનાં સાહિત્ય-વિવેચનના સંસર્ગથી એમનાં લખાણોમાં એક સહજ તુલનાત્મક અભિગમ વિકસ્યો હતો. ‘અધુના’(૧૯૭૩)માં છેક ૧૯૬૩માં લખાયેલો એક લેખ છે. – ‘બૉદલેરનું ‘ટેબ્લોઝ પેરિસિયન્સ’ અને નિરંજન ભગતનું ‘પ્રવાલદ્વીપ’. બહુ જ વિગતે એમણે આ બે કાવ્યકૃતિઓની સમાન્તરતાઓ અને જુદાપણું ઉપસાવ્યાં છે – પૂરા કાવ્ય-ગુણાનુરાગથી ને જિજ્ઞાસાભરી અભ્યાસદૃષ્ટિથી. આ અખૂટ વિસ્મય અને ઊંડી જિજ્ઞાસા નિબંધકાર, અનુવાદક, વિવેચક ભોળાભાઈની એક મહત્ત્વની ઓળખ છે. નવી ભાષા અને નવી કૃતિ તરફ જવાનું ને એને જોવાનું એક રસિકજનનું વિસ્મય અને પછી એના સૌંદર્યલોકને ને અભ્યાસસંદર્ભને પામવાની જિજ્ઞાસા. આ કારણે ‘વિદિશા’ના નિબંધકારનું એક મુખ્ય લક્ષણ બતાવતાં નિરંજન ભગતે કહેલું કે, ‘ભોળાભાઈમાં ‘પરિપક્વ રસિકતા’ છે. ભોળાભાઈના વિવેચનના સંદર્ભમાં એમ કહેવું પડે કે એમનામાં પરિપક્વતા છે ને રસિકતા પણ છે. ‘અધુના’નો બીજો મહત્ત્વનો લેખ છે : ‘કોરસપોન્ડેન્સીઝ–બોદલેરનો કાવ્યાદર્શ’ એમાં માલાર્મે અને વાલેરીની કાવ્યવિચારણાને ભોળાભાઈએ બહુ વિશદતાથી રજૂ કરી છે. એ લેખ અનેક સંદર્ભોથી ખચિત છે પણ લેખનો સૂર પ્રસન્ન છે. વિવેચન વિદ્વત્તાના દેખાડાથી અક્કડ કે બરડ થવાને બદલે પ્રાસાદિક રહે છે. કાવ્યસૌંદર્યના આસ્વાદનને કેન્દ્રમાં રાખતા બે લેખો ‘વનલતા સેન’ કાવ્યકૃતિ (જીવનાનંદ દાસ) અને ઓડિયા કવિતા ‘ચિલિકા’ ઘણા રસપ્રદ બન્યા છે. બીજા પુસ્તક ‘પૂર્વાપર’માં તુલના-દૃષ્ટિનું બહુ લાક્ષણિક રૂપ જોવા મળે છે. બંગાળી, ગુજરાતી, વિદેશી કૃતિઓ અને કર્તાઓની સર્જનાત્મકતાને આવરી લેતી વિવેચક-શક્તિ, એક રીતે વૈશ્વિક સાહિત્યનો પૂર્વાપર આસ્વાદ આપવાની રસિક અભ્યાસીની દૃષ્ટિનું પ્રવર્તન આ પુસ્તકના લેખોમાં થયું છે. સૌથી ધ્યાન ખેંચનારો લેખ છે ‘ગીત એ અસ્તિત્વ.’ રિલ્કેના ‘સૉનેટ્‌સ ટુ ઓર્ફિયસ’ વિશેનો આ સુદીર્ઘ(૩૦ પાનાંનો) આસ્વાદલક્ષી અભ્યાસ આપતો લેખ. અનેક કાવ્યપંક્તિઓનાં દૃષ્ટાંતો (એના ગુજરાતી અનુવાદ સાથે) આપીને એમણે બહુ વિગતે ને રસપ્રદ રીતે રિલ્કેના કાવ્યમર્મોને ખોલી આપ્યા છે. રિલ્કે પછી પશ્ચિમના બીજા સર્જકો – કવિઓ અને કથાસર્જકો અને એમની કૃતિઓ વિશેના લેખો પણ ભોળાભાઈની વ્યાપક રસવૃત્તિ અને અભ્યાસવૃત્તિનો પરિચય આપનારા છે. હાઈનરિખ બ્યોલ, જ્યૉર્જ સેફેરિસ અને પાબ્લો નેરુદા-ના સર્જકવિશેષો એમની કૃતિઓને આધારે આલેખન પામ્યા છે. બંગાળી ભાષા અને સાહિત્ય (તથા એને અનુષંગે ઓડિયા સાહિત્ય) ભોળાભાઈના પરમ રસનો વિષય રહ્યાં છે. આ ગાળામાં જ એ બે રીતે ચરિતાર્થ થયા છે – સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ નામે અનુવાદ (૧૯૭૭) તથા ‘પૂર્વાપર’ વિવેચનગ્રંથમાં ગોપીનાથ મહાન્તી ની‘અમૃતસંતાન’, તારાશંકર બંદ્યોપાધ્યાયની‘ગણદેવતા’, કમલકુમાર મજુમદારની ‘અંતર્જલિ યાત્રા’ એ કૃતિઓ તથા કવિ વિષ્ણુ દે, બુદ્ધદેવ બસુ, જીવનાનંદદાસ એ સર્જકો વિશેના લેખો વાચકને તન્મય કરી દે એવી રસમયતાથી લખાયેલા છે. ‘પૂર્વાપર’માં ગુજરાતી કૃતિઓ વિશેના લેખો પણ છે ‘કૃષ્ણાવતાર’ (મુનશી), ‘વાત્રકને કાંઠે તથા ‘સાચાં શમણાં’ (પન્નાલાલ), ‘વાની મારી કોયલ’ (ચુનિલાલ મડિયા) – એ કથાસાહિત્યની કૃતિઓ તથા ‘ચિત્રણા’ (રાજેન્દ્ર શાહ) અને ‘એકાન્ત’ (સુરેશ દલાલ) એ કાવ્યસંગ્રહોની સમીક્ષાઓ ભોળાભાઈની રસવૃત્તિ ઉપરાંત એક અધ્યાપકની સજ્જતાથી થયેલી છે. એમણે મેઘાણીના અનુવાદો (‘અનુવાદોનું રસાયણ’) તથા હરિવલ્લભ ભાયાણીએ પ્રાકૃત મુક્તકોનો કરેલો અનુવાદ (‘પ્રપા’) વિશે પણ રસપ્રદ લેખો કર્યા છે. ‘પૂર્વાપર’નો એક વિશેષ નોંધપાત્ર લેખ છે ‘આજનું ગુજરાતી વિવેચન.’ એમાં ગુજરાતી વિવેચનની ઉત્તમતા અને નબળાઈઓ બતાવવા પૂર્વે, આરંભે એમણે એક વિવાદાસ્પદ વિધાનનો પ્રતિવાદ કર્યો છે એ જોવા જેવો છે. એ આખો ખંડ અહીં ઉતારવો યોગ્ય રહેશે : ‘વર્ષો પહેલાં સ્વ. મડિયાએ ‘સંદેશ’ના પાના પર ‘કૉલેજમાં કેદ પુરાયેલા કવિઓ’ એવો લેખ લખીને આ અંગે પોતાનો અણગમો અખબારી શૈલીમાં પ્રગટ કરેલો. (ત્યારે મને તેના વિરોધમાં ‘છાપામાં સડી રહેલા સાહિત્યકારો’ એવું શીર્ષક સૂઝેલું, જેમાં સર્જકો અખબારને રવાડે સર્જકતાને ટૂંપી રહ્યા હોય), અને [ચુનીલાલ મડિયા] ત્યાર પછીય અધ્યાપકોના વિવેચનને ‘પ્રાધ્યાપકીય વિવેચન’ એવું નિંદાપરક લેબલ લગાડતા રહેલા. આજ પણ આ લેબલ એક પ્રશિષ્ટ ગાળ તરીકે વપરાય છે. સર્જકો નવયુવતી જેવા હોય છે જે પોતાના રૂપની પ્રશંસા ન થતાં અકળાય છે અને વળી વિવેચકોને ‘પ્રાધ્યાપકીય વિવેચના’ કરનાર કહી રોષ ઠાલવે છે. પણ પ્રાધ્યાપકોએ લખેલું તમામ વિવેચન બાદ કરવામાં આવે તો ગુજરાતીમાં વિવેચનને નામે કશું રહેશે નહીં, પછી થોડું ઘણું અખબારી વિવેચન છે તે રહેશે. x x x એટલે ‘અધ્યાપકીય’ કે ‘પ્રાધ્યાપકીય’ વિવેચન સંજ્ઞાનો અર્થ શોધવો રહ્યો’ (‘પૂર્વાપર’, પૃ. ૧૯૮) એમ કહીને ભોળાભાઈ બીબાંઢાળ, ઉષ્માહીન, વિવેચનને નબળા વિવેચન તરીકે જુદું પાડી આપે છે ને વળી પાંડિત્યદંભી વિવેચન કરતી ‘સાહિત્યિક વિદ્ધતા’ને પણ યાંત્રિક ને અ-રસિક વિવેચન તરીકે ઓળખાવે છે. આવા વિરોધો દર્શાવવામાં પણ વિવેચક પાસેની ભોળાભાઈની અપેક્ષા તેમજ પોતાના વિવેચનની રીતિનો પરોક્ષ પરિચય મળે છે. ‘પૂર્વાપર પછી ભોળાભાઈની વિવેચનાની એક નવી દિશા ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ વિવેચનસંગ્રહમાં જોવા મળે છે. એ પૂર્વેનો ‘કાલપુરુષ’ સંગ્રહ એક રીતે ‘પૂર્વાપર’ના અનુસંધાન જેવો છે. એમાં ગુજરાતી, બંગાળી, અસમિયા, સંસ્કૃત સાહિત્યના સર્જકો અને કૃતિઓ વિશેના લેખો છે. પરંતુ ‘કાલપુરુષ’નો એક મહત્ત્વનો – ને સંગ્રહનો છેલ્લો – લેખ છે ‘તુલનાત્મક ભારતીય સાહિત્ય’. એમાં ચર્ચા છે આપણી યુનિવર્સિટીઓમાં તુલનાત્મક સાહિત્યના અધ્યયન–અધ્યાપનનું રૂપ કેવું હોવું જોઈએ એ અંગેની. ભોળાભાઈ યોગ્ય રીતે કહે છે કે આપણે આરંભથી જ બહુ મહત્ત્વાકાંક્ષી અભ્યાસક્રમોમાં પડવું ન જોઈએ. ‘હું અહીં તુલનાત્મક સાહિત્યને હાલપૂરતું સીમિત રાખવા માંગું છું – વિશ્વસાહિત્યને બદલે ભારતીય સાહિત્ય. ‘વિશ્વસાહિત્યના અભ્યાસની તુલનાત્મક પદ્ધતિઓ – કમ્પેરેટિવ મેથડ્‌જ – આપણી સામે છે જ, અને તે દ્વારા માન્ય ચૌદ ભાષાઓ કરતાંય વધારે ભાષાઓવાળા આપણા દેશમાં ‘માઈન્ડ ઑફ ઈન્ડિયા’ – ‘ભારતચિત્ત’ જેવું વધારે નક્કરતાથી કહી શકાય એમ છે.’ (‘કાલપુરુષ’, પૃ.૧૯૮) ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ પુસ્તકના, એ જ શીર્ષકના પહેલા લેખનાં શરૂઆતનાં પાનાં ભોળાભાઈની વિદ્યાર્થી તરીકેની, અનુવાદક તરીકેની, વિવેચક તરીકેની — પોતાના લેખકવ્યક્તિત્વના વિકાસની – એક સરસ કેફિયત છે. એ પછી, એમણે પરંપરા – વિસ્તાર માટે આદાનપ્રદાનના મુદ્દાને આગળ કર્યો છે ને સમગ્ર ભારતીય સાહિત્યના મધ્યકાલીન સાહિત્યના અભ્યાસને ને પછી આધુનિક કાળના સાહિત્યમાં આદાનપ્રદાનના પ્રશ્નને એક સાહિત્યના હિતચિંતક અભ્યાસી તરીકે ચર્ચામાં લીધો છે. આ ગ્રંથમાં પણ વિદેશી સાહિત્યકૃતિઓ ઈલિયડ, ઓડીસી, વગેરે, અન્ય ભારતીય (ઓડિયા, હિંદી) ભાષાઓના તથા ગુજરાતીના સર્જકો ન્હાનાલાલ, ઉમાશંકર, સુરેશ જોષી અને એમની કૃતિઓ વિશેના લેખો છે. એમાં એક લેખ તુલનાત્મક અભ્યાસની રીતે વિશેષ ધ્યાન ખેંચે છે — ‘ત્રણ ‘મહાપ્રસ્થાન’ : એક તુલનાત્મક અભિગમ.’ એમાં મહાભારતનું ‘મહાપ્રસ્થાનિક પર્વ’, ઉમાશંકર જોશીનું પદ્યનાટક ‘મહાપ્રસ્થાન’ તથા નરેશ મહેતાનું હિંદી ખંડકાવ્ય ‘મહાપ્રસ્થાન’ – એ ત્રણની અનેકવિધ દૃષ્ટાંતો લઈને તુલના કરી છે – બલકે ત્રણે ‘મહાપ્રસ્થાનો’ માંની સર્જક–વિશેષતાઓને ઉપસાવી આપી છે.

આ ગ્રંથના પરિશિષ્ટ રૂપે એમણે જેમ્સ જૉયસકૃત ‘યુલિસિસ’નો હૃદ્ય પરિચય આપ્યો છે ને એ ઉપરાંત ઉંગારેત્તી, શમસુર રહેમાન, જીવનાનંદદાસ, સુનીલ ગંગોપાધ્યાય, સુરેશ જોષી, હસમુખ પાઠક આદિ સર્જકોની કાવ્યકૃતિઓ મૂકીને એના આસ્વાદ કરાવ્યા છે. ભોળાભાઈનો વિવેચનરસ એ કેવો તો આસ્વાદન રસ છે એની પ્રતીતિ અહીં થાય છે. ‘પરબ’ના સંપાદક તરીકે ભોળાભાઈ જે સંપાદકીય લેખો લખતા એ કોઈ ને કોઈ પ્રવર્તમાન સાહિત્યચર્ચાને લઈને, પ્રતિભાવ કે ઊહાપોહના રૂપ માં રજૂ કરતા. એમાંના ઘણા લેખો વિવેચનાત્મક ચર્ચાની દૃષ્ટિએ પ્રતીતિકર ને વિચારણીય છે. આ સંપાદકીય લેખોમાંથી પસંદ કરેલા લેખોનાં બે પુસ્તકો થયાં છે – ‘મારી માતૃભાષા મને ગૂજરાતી’ (૧૯૯૭) અને ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) આ લેખો સાહિત્યિક પત્રકારત્વના ગણાય. વિવેચનના ગણાય? હા ગણાય, બે રીતે. એક તો, સાહિત્યિક પત્રકારત્વ એ, વ્યાપક ભાવે, ઊહાપોહલક્ષી સાહિત્યવિવેચન જ છે ને બીજું એ કે ભોળાભાઈના આ લેખો સાહિત્યની મૂળભૂત નિસબતથી લખાયેલા છે. બંને પુસ્તકોનાં નામ જ જોઈએ. પહેલા પુસ્તકનું શીર્ષકે ઉમાશંકર જોશીની પંક્તિ યોજે છે ને બીજા પુસ્તકનું શીર્ષક દલપતરામની, ભાષાનિસબત ને ભાષાપ્રીતિવાળી કવિતાની પંક્તિ પરથી કરેલું છે. એમાં ગુજરાતી અને ભારતીય જ નહીં, વિદેશના મહત્ત્વના સર્જકો સાથે જોડાયેલી ઘટનાઓ, એમને મળેલાં જ્ઞાનપીઠ, નોબેલ પારિતોષિકો જેવાં સન્માનો- નિમિત્તે કે વિશ્વભરના ઉત્તમ લેખકો અંગેની જે શ્રદ્ધાંજલિઓ લખવાની થઈ એ વખતે એમની સમગ્ર સાહિત્યિકના વિશેની વાત ભોળાભાઈએ કરેલી છે. સર્જકોની જન્મશતાબ્દી વેળાએ કરેલા આલેખોમાં પણ એમની સાહિત્યિક સજ્જતા કે પ્રતિભાની ચર્ચા એમણે કરેલી છે. ‘સર્જકખાઉ લોકપ્રિયતા’ જેવી ચર્ચાઓમાં કે ‘વીસરાતા ગ્રંથો અને ગ્રંથકારો’ જેવી સાહિત્યમૂલ્યલક્ષી માહિતીચર્ચાઓમાં વિવેચક તરીકેની એમની સજ્જતા અને નિસબત જ પ્રગટ થાય છે. ‘આવ ગિરા ગુજરાતી’માં બે લેખો વિશેષ ધ્યાનપાત્ર છે. ‘એન્ટાયર ગુજરાતી’ અને ‘ખજુરાહોનો વિચાર’. પહેલો લેખ સાહિત્ય-અધ્યયનના વ્યાપને લક્ષ્ય કરે છે. ગુજરાતી સાહિત્યનો અનુસ્નાતક વિદ્યાર્થી બે વર્ષમાં આઠેઆઠ પ્રશ્નપત્રો ગુજરાતીનાં લે એ ‘એન્ટાયર ગુજરાતી’. એમાં વિશેષજ્ઞતાનો દબદબો છે પણ, ભોળાભાઈ કહે છે કે, આઠમાંથી બે પેપર્સ પણ બીજી ભાષાનાં – હિંદી કે સંસ્કૃત કે અંગ્રેજી ભાષાનાં હોય તો ‘એક બીજી ભાષાના સાહિત્યના અધ્યયનથી તેના [વિદ્યાર્થીના] અભ્યાસમાં એક નવું પરિમાણ’ ઉમેરાય છે ને ઉમાશંકર જોશીને ટાંકતાં કહે છે કે, ‘એવો તે કેવો સાહિત્યનો વિદ્યાર્થી હોય જે એક જ સાહિત્યનો હોય?’ (ઉમાશંકરની એક કાવ્યપંક્તિ પણ યાદ આવે કે, ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’) ભોળાભાઈ તો અનેક ભાષાસાહિત્યોમાં રસ લેનાર અભ્યાસી, એટલે વિદ્યાર્થી એકથી વધારે સાહિત્યો ભણે તો એની તુલનાદૃષ્ટિ વિકસે એવા મતના. ગુજરાતી સાહિત્ય પ્રત્યેની નિસબત આ લેખમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. ‘ખજુરાહોનો વિચાર’ એ, એ ભારતીય જ્ઞાનપીઠે યોજેલા એ નામના – Idea of Khajuraho – પરિસંવાદને નિમિત્તે ખજુરાહોનાં મિથુનશિલ્પોે કામોત્તેજક નહીં પણ કામના સૌંદર્યને આલેખે છે. નહીં તો, ભોળાભાઈ કહે છે કે, આ મિથુનશિલ્પો મંદિરોની દીવાલો પર શા માટે હોય? ધર્મ સૌંદર્યથી વિપરિત નથી એ વાત ભોળાભાઈ ‘જાતીય પ્રતીકો પણ ધાર્મિક વ્યંજના ધરાવતાં. એ દૃષ્ટિકોણને લીધે મંદિરોની દીવાલો પર મિથુનયુગલનાં શિલ્પોની અવતારણા માંગલિક મનાય છે ને પરંપરાગત શાસ્ત્રસંમત પણ’ (‘આવ ગિરા ગુજરાતી’, પૃ.૨૦૩) ભોળાભાઈના વૈચારિક વ્યાપ અને કલાદૃષ્ટિને નિરૂપતો આ લેખ એક વ્યાપક કલા-સાહિત્ય-વિચારણાને રજૂ કરે છે. સ્વાભાવિક રીતે જ, આ લેખમાં ભોળાભાઈ ‘કુમારસંભવ’માં કાલિદાસે પાર્વતીના શૃંગારદર્શી સૌંદર્યનું આલેખન કર્યું છે એ પણ, શ્લોક દૃષ્ટાંતો સાથે, બતાવે જ છે. ભોળાભાઈનાં અનુવાદ-પુસ્તકોમાંની સંપાદકીય પ્રસ્તાવનાઓ પણ એમની વિવેચનદૃષ્ટિનો પરિચય આપનારી છે. વિવેચક તરીકે ભોળાભાઈ ગુજરાતી, અન્ય-ભારતીય સમેતની વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓ અને એના સર્જકોના ચાહક અભ્યાસી છે એમના આ અભ્યાસમાં અલબત્ત વિદ્વત્‌-દૃષ્ટિ છે પણ મૂળભૂત રીતે ભોળાભાઈ આસ્વાદક વિવેચક છે. એ આસ્વાદન કેવળ સપાટી પરનું, નર્યું રંગદર્શી નથી, ઘુંટાયેલી રસવૃત્તિ અને વ્યાપક અધ્યયનથી મંડિત છે. એટલે ‘પરિપક્વ રસિકતા’ એ એમના વિવેચનની મહત્ત્વની ઓળખ બની રહે છે.

– રમણ સોની