‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/વ્હાલેશરી, કવિ હરીશ મીનાશ્રુ
હરીશ મીનાશ્રુએ ઉત્કૃષ્ટ ગઝલો, સુમધુર ગીતો અને બળવાન અછાંદસ કૃતિઓ વગેરે કાંઈ જ ન લખ્યું હોત અને માત્ર ‘વ્હાલેશરીનાં પદો’ જ લખ્યાં હોત તોપણ ગુજરાતી કવિતામાં એમનું સ્થાન ચિરંજીવ થઈ ચૂક્યું હોત. આ પદો ગણીને માત્ર બાર જ છે પણ એકેએક પદ મોતીની જેમ નિખરી ઊઠ્યું છે. કોઈ ધન્ય પ્રેરણાની પળોમાં આ પદોનું સર્જન થયું હશે. કવિએ એમના કાવ્યસંગ્રહ ‘તાંબૂલ’માં એક પણ કૃતિની રચનાતારીખ આપી નથી. એથી આ કૃતિઓ ક્યારે રચાઈ હશે તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પણ એમ માનવાનું મન થાય છે કે ઉપરાછાપરી આવતાં મોજાંની જેમ આ કૃતિઓ અમુક નિશ્ચિત સમયના ગાળામાં કવિ ઉપર છવાઈ ગઈ હશે. હરીશભાઈની ગઝલોમાં કબીરસાહેબના સમૃદ્ધ સંદર્ભોની નોંધ લેવાઈ છે પણ તેથી અનેકગણા સમૃદ્ધ નરસિંહ મહેતાનાં સ્મૃતિસાહચર્યો આ ‘વ્હાલશેરીનાં પદો’માં જોવા મળે છે. પ્રિયકાન્ત મણિયાર એમની એક કવિતામાં કટાક્ષ કરે છે તેમ હવે પછી જો કોઈ કૃષ્ણની કવિતા કરશે તો એની પાસેથી કરવેરો ઉઘરાવવો પડશે એમ કહેવાનું મન થાય તેટલી હદે અનુકરણ થયું છે. હરીશ મીનાશ્રુની આ કૃતિઓ તેમાં વિરલ અપવાદરૂપ મૌલિક સર્જનાત્મક સ્ફુરણો છે. આ તો ટી.એસ.એલિયટ પોતાનાં કાવ્યો અને વિવેચનોમાં જેનો પુરસ્કાર કરે છે તે tradition, ભૂતકાળની પ્રણાલિકાનો વારસો લઈને સમૃદ્ધ બનેલી રચનાઓ છે. ‘વ્હાલેશરીનાં પદો’ની તુલના રમેશ પારેખનાં મીરાંબાઈનાં પદોની સાથે થઈ શકે. જોકે અહીંયાં પરિણામ વધારે સુખદ આવ્યું છે. નરસિંહ, મીરાં કે દયારામના પેંગડામાં કોણ પગ ઘાલી શકે? છતાં મને એવી અતિશયોક્તિ કરવાનું મન થાય છે કે નરસિંહની રચનાઓથી અનભિજ્ઞ એવા વાચકોની સમક્ષ નરસિંહ મહેતાનાં અને હરીશ મીનાશ્રુનાં પદો સેળભેળ કરીને મૂકો, અને જુઓ કે કયાં કોનાં પદો છે એ કેટલા વાચકો પારખી શકે છે! નરસિંહની તુલનામાં માનભેર ઊભા રહી શકે એવાં પદોનું સર્જન એ કેવો અને કેટલો મોટો ચમત્કાર છે તેની પ્રતીતિ જેમ જેમ આ પદો વધુ પરિચિત અને પ્રચલિત થતાં જશે તેમ તેમ થતી જશે. પહેલા જ પદની પહેલી જ પંક્તિ જુઓ :
આજની ઘડી તે રળિયામણી હો જી
આ પંક્તિ નરસિંહની જ શબ્દશઃ છે એ કોઈને કહેવાની જરૂર ખરી? ત્યાર પછીની નરસિંહની પંક્તિ છે : ‘મારો વ્હાલોજી આવ્યાની વધામણી હો જી રે.’ હરીશ મીનાશ્રુની કડી જુઓ :
આજની ઘડી તે રળિયામણી હો જી
માઘ મહીં માગી વ્હાલશેરીએ પડવાથી
પૂનમ લગીની પહેરામણી હો જી. (પૃ.૨૨)
નરસિંહમાં ‘વ્હાલો’ - ‘વધામણી’નો વર્ણાનુપ્રાસ મધુર છે : હરીશ મીનાશ્રુમાં ‘માઘ મહીં માગી’ અને ‘પડવાથી પૂનમ લગીની પહેરામણી’નો વર્ણાનુપ્રાસ બેવડો અને ત્રણ શબ્દોમાં છે. બીજું એક નરસિંહનું અનુપમ પદ અને એની કર્ણમધુર પંક્તિઓ જુઓ :
કીધું કીધું કીધું મુજને કામણ કીધું રે.
.....
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે.
હવે જુઓ હરીશ મીનાશ્રુને :
કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે.
......
પીધાં પીધાં પીધાં તે રસ અરસપરસનાં પીધાં રે. (પૃ.૩૧)
નરસિંહમાં ‘કીધું’ અને ‘પામી’નાં ચાર ચાર આવર્તનો પંક્તિઓને લયાન્વિત કરે છે તેમ જ હરીશ મીનાશ્રુમાં ‘કીધાં’ અને ‘પીધાં’નાં ચાર ચાર આવર્તનો પંક્તિઓને લયમધુર બનાવે છે. વળી એક દૃષ્ટાન્ત જુઓ. નરસિંહની ઉત્કટ શૃંગારની ઉત્કૃષ્ટ પંક્તિઓ :
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ
આજ તો લાજની દુહાઈ છૂટી.
‘ચુંબીએ, વળગીએ, ઝુંબીએ’નો આંતરપ્રાસ અનુપમ, સુંદર છે; એક પછી એક આવતાં ત્રણ ક્રિયાપદો ગોપીઓની શૃંગારલીલાને ઉત્કટતાથી મૂર્ત કરે છે. હરીશ મીનાશ્રુ roll reversal કરે છે; ગોપીઓની નહિ, કૃષ્ણની શૃંગારલીલા વર્ણવે છે, નરસિંહ જેટલા જ સામર્થ્યથી, બીતાં બીતાં કહું કે, આ પંક્તિઓમાં તો નરસિંહ કરતાં પણ વધારે વાણીવિલાસથી :
લૂબે ઝૂંબે ને ઝળૂંબે વ્હાલેશરી હાં
ડોલે હિંડોલે વળી ચુંબે વ્હાલેશરી હાં (પૃ.૨૬)
આપણા કવિમાં ત્રણ નહિ, છ ક્રિયાપદોની પદમસ્તી છે. નરસિંહની જેમ હરીશ મીનાશ્રુની ગોપીઓ કૃષ્ણનાં અછોવાનાં કરે છે, આસનાવાસના કરે છે, કૃષ્ણને પીરસે છે, જમાડે છે. નરસિંહ ‘કરમલડો’ (સાથવો, કુલેર) જમાડે છે તો હરીશ મીનાશ્રુ ‘કલવો’ (દહીં ભાતની વાનગી) પીરસે છે.
નરસિંહ : દૂધ, દહીં ને કરમલડો, માંહે સાકર ઘોળી;
મારા વ્હાલાજી આરોગે, પીરસે ભમરભોળી
હરીશ : હરિનાં પ્રાશન કાજે રમણી કામદૂધાને દોહે રે
માખણ-મિસરી ઘોળે, કોઈ વીંઝણો ઢોળે, કોઈ મોહે રે.
.....
કલવો પીરસે તેવતેવડી સહિયર હરિ આરોગે રે. (પૃ.૩૩)
નરસિંહની જેમ જ હરીશ મીનાશ્રુમાં પ્રેમલક્ષણા ભક્તિ ઉત્કટ ભક્તિશૃંગારમાં પરિણમે છે: અધરદંશ દેઈ અમને હરિએ ચાખ્યાં, રંચ ન છાંડ્યાં રે અજૂની સેજે પોઢ્યાં, હરિને ઓઢ્યાં, હાં, ઘર માંડ્યાં રે. (પૃ.૩૩)</poem>}}
બીજા પદમાં ચુંબનઆલિંગનની રમણા છે :
વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે. (પૃ.૩૧)
આ ‘વેણુસોતાં’, ‘પદરેણુસોતાં’ અને ‘આલિંગનસોતાં’ના નવાં શબ્દરૂપો ગુજરાતી ભાષાને સર્જક કવિની ભેટ છે. અન્યત્ર
હરિ કરતાં વ્હાલુડાં અધિકાં અમને હરિસિંગાર
એ મિષ હરિને ચૂંટ્યા સૂંઘ્યા ગૂંફ્યા સ્તનમોઝાર. (પૃ.૨૩)
આ ‘ચૂંટ્યા’, ‘સૂંધ્યા’, ‘ગૂંફ્યા’ ત્રણ ક્રિયાપદોમાં ગોપીના કેવડો અધિકાર છે અને ‘ગૂંફ્યા સ્તનમોઝાર’નો શૃંગાર કેટલો આહ્લાદક છે! માત્ર નરસિંહ જ નહીં, સમગ્ર મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિનો વારસો ‘વ્હાલેશરીનાં પદો’માં કવિના અતિપ્રિય શબ્દોમાં કહું તો ‘મહમહે’ (મઘમઘે) છે.
મૃગશાવકનું કરી ઉશીકું
સપનામાં સંચરીએ હાં રે
વ્હાલેશરીએ કીધું કાનમાં
વ્હેલે મહુરત વરીએ હાં રે (પૃ.૨૩)
આમાં સંભળાય છે ને મીરાંના ભણકારા? દયારામમાં લોચન-મનનો ઝઘડો છે તે હરીશ મીનાશ્રુમાં આંસુ અને આંખની વઢવાડ છે:
આંસુ ને આંખ હરિલીલાની રઢ લઈ
કરતાં વઢવાડ માંહોમાંહે
વ્હાલેશરી ક્યારનો પડ્યો છે મારી વાંહે. (પૃ.૨૪)
દયારામની સુપ્રસિદ્ધ પંક્તિઓ
વ્રજ વ્હાલું, વૈકુંઠ નથી જાવું
ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું.
ગોપીને મુક્તિ નથી ખપતી, એને તો જનમોજનમ અવતાર લઈને કૃષ્ણ સાથે નિત્ય લીલા, નિત્ય ઓચ્છવ જોઈએ છે. હરીશ મીનાશ્રુ ગોપીના આ સૌભાગ્યથી વ્રજ અને વૈકુંઠ બન્નેમાં આશ્ચર્ય અને અસૂયા જન્માવે છે :
ટહેલ નાખી વ્હાલેશેરીએ ચૂમવાને
આભાં બનીને જુએ વ્રજ ને વૈકુંઠ. (પૃ.૨૭)
તળપદા શબ્દોની સરળતા ને સહજતા, મધ્યકાલીન ગુજરાતી ભાષાની સૌરભ ‘વ્હાલેશરીનાં પદો’માં વ્હાલભર્યું આત્મીય વાતાવરણ રચે છે. શબ્દો તળપદા છે, બોલચાલના છે, ગ્રામજીવનના છે, નાગરી લોકો માટે તો કદાચ એનો અનુવાદ આપવો પડે, પણ આ શબ્દોની સર્જકતા સંતર્પક છે. ત્રણ કડીના આ પદની દરેક કડીની અંતિમ પંક્તિના કવિએ યોજેલા અન્ત્યાનુપ્રાસો કેવા સાહજિક અને આહ્લાદક છે એ પૂરેપૂરું તો આંખું પદ ઉતારીએ તો જ સ્પષ્ટ થાય છતાં તળપદા શબ્દોની આ મીઠાશ તો જુઓ :
મારા વ્હાલેશરી હો! સગપણનું વાળી દઉં સૈડકું રે લોલ.
......
મારા વ્હાલેશરી હો! ટેંહૂકા કરે તો ચડે ટૈડકું રે લોલ.
.......
મારા વ્હાલેશરી હો! હાવાં હું જમાડું ભવનું ભૈડકું રે લોલ. (પૃ.૨૫)
આ સૈડકું, ટૈડકું ને ભૈડકું આ ભોળી રે ભરવાડણને કેવી આબાદ મૂર્ત કરે છે! ગોપીની જેમ જ આપણે વિસ્મય અનુભવીએ છીએ, સંગીતના સૂર સાંભળીએ છીએ અને આત્મવિસ્મૃતિમાં વિલીન થઈ જઈએ છીએ : ઓહો વાલેશરી
લોચનિયાં મુંદું તો વાજે મલ્હાર
હોઠ બીડું તો લાગે બાગેશરી.
ઉત્તમ કવિની કવિતાની એક લાક્ષણિકતા એ પણ છે કે એનાં કાવ્યોમાં સંક્ષિપ્ત સરળ સઘન મનોહર અવતરણક્ષમ પંક્તિઓ કેટલી મળી રહે છે. વાંચતાંવેંત મનમાં વસી જાય, સાંભળતાંવેંત સ્મૃતિમાં જડાઈ જાય, જીભને ટેરવે રમી રહે, હીરાકણીની જેમ સ્વતંત્રપણે ચમકી રહે તેવી કેટલી પંક્તિઓ એનાં કાવ્યોમાં મળે છે. આ કસોટીએ પણ ‘વ્હાલેશરીનાં પદો’ રળિયાત છે :
મનનાં તે ન હોય ઓસડિયાં રે લોલ. (પૃ.૨૫)
હું તો માંહ્યરામાં માઉં નહીં એવડી. (પૃ.૨૬)
દળદરીને કીધાં લખેશરી. (પૃ.૨૮)
આ પદોની જોડેજોડે જ ‘પ્રસાદ - કાવ્યપંક્તિની રસચર્વણાનો’ (પૃ.૬૧-૬૬) જોવા જેવો છે. મીરાં અને ઉમાશંકરની પંક્તિઓ ઉપર આધારિત રચનાઓ સામાન્ય છે. પણ નરસિંહની પંક્તિઓને આધારે રચાયેલી ‘રૂસણું’ની ચારમાંથી બે કૃતિઓ (પૃ.૬૩ અને પૃ.૬૫) તો હૃદયંગમ છે. હરીશ મીનાશ્રુને નરસિંહ ત્રુઠ્યા છે. નરસિંહના મધુર નામસ્મરણથી આપણે ‘વ્હાલેશરીનાં પદો’ અવલોકવાનું શરૂ કરેલું. નરસિંહના જ ધન્ય સ્મરણથી એનો અંત આણવામાં પૂરું ઔચિત્ય છે. ગોપીને કૃષ્ણ એક જ છે પણ કૃષ્ણને અનેક ગોપીઓ છે. નરસિંહની ગોપી આ લાચારી, આ દુ:ખ, આ વ્યથા કોઈ પણ ઢાંકપિછોડા વિના વ્યક્ત કરે છે :
સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પિયુડો તે પોઢ્યો પડોશણ પાસ;
એકને અનેક વ્હાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ.
હરીશ મીનાશ્રુની ગોપી લાચારી વ્યક્તિ નથી કરતી પણ ઉદ્દંડતાથી આક્રોશ વ્યક્ત કરે છે. શું એનો બળવાન કટાક્ષ છે! :
વ્હાલેશરીની વેરે, વિવાહ કીધાં ફોક રે
એકાદી નાર ખમી લઈએ, વનરાવનમાં
સોળ રે સહસ્ર મારી શોક્ય રે. (પૃ.૩૦)
નરસિંહનાં પદો આજે પાંચસો વર્ષ પછી પણ ચિરંજીવ છે. હરીશ મીનાશ્રુનાં પદો પણ ગુજરાતી કવિતામાં ચિરંજીવ થવા સર્જાયાં છે. અન્ય રચનાઓ ‘વ્હાલેશરીનાં પદો’માં સર્વાંગસુંદર સંઘેડાઉતાર કૃતિઓનો જેવો તૃપ્તિકર અનુભવ થાય છે તેવો કવિના અન્ય વિપુલ સર્જનમાં દુર્ભાગ્યે નથી થતો. કવિ શબ્દસ્વામી છે. તળપદી ગુજરાતી લોકબોલી, શુદ્ધ સંસ્કૃત તત્સમ પદાવલી અને ઉર્દૂ ભાષાનો માહોલ - આ ત્રણે બાનીમાં કવિ એકસરખા પ્રભુત્વથી વિહરે છે. કૈંક અંશે એમ કહી શકાય કે પદોમાં તળપદી ભાષાનું સૌંદર્ય નીખર્યું છે, અછાંદસમાં તત્સમ સંસ્કૃત પદાવલીનો મહિમા વિશેષ છે અને ગઝલમાં ઉર્દૂ ભાષાની તાસીર છે. અછાંદસમાં અંગ્રેજી ભાષાનો પણ ભરપૂર ઉપયોગ છે.
‘પર્જન્યસૂક્ત’ કાવ્યસંગ્રહનું શીર્ષક સૂચવે છે તેમ મુખ્યત્વે વર્ષાનાં કાવ્યોનો સંગ્રહ છે; તદુપરાંત ‘પ્રેમસૂક્ત’ના વિભાગમાં પ્રણયકાવ્યો છે. પદોમાં નરસિંહને અને ગઝલોમાં કબીરને સતત સ્મરતા કવિએ વર્ષાના આલેખનમાં કાલિદાસ અને ‘મેઘદૂત’ને યાદ નથી કર્યા તેનું આશ્ચર્ય થયા વિના રહેતું નથી. કાલિદાસ કહે છે કે મેઘાલોકે ભવતિ સુખિનોડપ્યન્યથાવૃત્તિ ચેત: - વર્ષાઋતુમાં વિરહીજનો તો વ્યથિત થાય પણ મિલનસુખિયાં પણ વ્યગ્રતા અનુભવે. તેમજ વર્ષાઋતુમાં અકવિ પણ કવિતા કરવા પ્રેરાય તો હરીશ મીનાશ્રુ જેવા સમર્થ કવિને તો આષાઢસ્ય પ્રથમ દિવસે કવિતા બાથમાં જકડી લે તેમાં શું નવાઈ? આ ટૂંકી અને અન્ત્યાનુપ્રાસોથી ગુંફિત રચના અનવદ્ય છે :
આ છંદ થકી
ઓગળતો મનહર માઢ
રસિક મેડીએ
રતિ થકી રૂપવતી
કવિતાનું ભુજબંધન ગાઢ
અહો!
આ પુનરપિ પ્રકટ અષાઢ, (પૃ.૧૭)
આ અષાઢી બીજની બંકિમા જુઓ :
જળથી ઢાંકી
અતિશય વાંકી
ખીલી અષાઢી બીજ
હોઠ બધાયે ચુંબનચુંબન
બીજ બધાં ઉદ્ભિજ્જ! (પૃ.૨૪)
કવિના હૈયામાં વસેલું સ્વાતિ નક્ષત્રનું સત્ય મેઘના મંત્રથી કાવ્યરૂપ પામે છે. કૃતજ્ઞતાથી કવિ કહે છે :
હું કવિ
ઋણી છું આ ઋતુનો! (પૃ.૧૬)
‘સૂનો ભાઈ સાધો’માં મુખ્યત્વે ગઝલો છે. જોકે શરૂઆતમાં સુંદર પદો પણ છે. પહેલી જ રચનામાં કવિ સમર્થ રીતે ઝૂલણાને ઝુલાવે છે. નરસિંહ મહેતાના પ્રેમી કવિ ઝૂલણાને લયાન્વિત કરે તેમાં શું આશ્ચર્ય? સ્થિતિગતિને નિરૂપતી આ પંક્તિ કેવી મનોરમ છે : ‘ગંધના પંથ ને ફૂલના ચોતરા.’ સમગ્ર કૃતિ ઉત્તમ નીવડી આવી છે પણ એનો અંત તો હરીશની કવિપ્રતિભાથી અંકિત છે. ભગવાન જ જો તમારું મિલન ઝંખે તો ભક્તને બીજી આળપંપાળની શી જરૂર?
નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે
નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
વેઠ શાને કરે વ્રેહવાણોતરા? (પૃ.૭)
આવી જ ઉત્કૃષ્ટ રચના પૃ.૯ ઉપરનું પદ છે. એના વર્ણાનુપ્રાસો આહ્લાદક છે:
અમે અમથાં અધીરાં અધિરિયાં હો
એવાં રે સાવ અમે એવાં રે તો ય
કેવાં હળવાં હરિનાં હજુરિયાં હો.
‘સૂનો ભાઈ સાધો’માં કુલ ૭૭ ગઝલો છે. સામાન્યતઃ ગઝલ વસ્તુની દૃષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર અને માત્ર છંદ અને કાફિયારદીફથી સંકલિત શેરોની રચના છે. હરીશ મીનાશ્રુની લગભગ બધી જ ગઝલો અન્ય કાવ્યસ્વરૂપોની જેમ એક જ વિષયની સળંગ રચનાઓ છે. ગઝલની પરિભાષામાં કહીએ તો નઝમનુમા કે મુસલસલ રચનાઓ છે. થોડીક સારી સળંગ ગઝલો જરૂર મળે છે. ઉત્કૃષ્ટ શેરો તો અનેક છે. પૃ.૫૨ (બાવન) ઉપરની ગઝલ એક લાક્ષણિક પ્રતિનિધિ કૃતિ છે. એનો મત્લા ને એનો મક્તા કબીરસાહેબની સુપ્રસિદ્ધ રચનાઓના સાહચર્યથી ઓર દીપી ઊઠે છે :
કીડીની ઝાંઝરીનું કોઈ રણીધણી કે
તેં બાંગ પોકારી પણ મસ્જિદ રણઝણી કે
......
તાણો છે તેજનો ને વાણો પરમ વ્યથાનો
ઝીણી ગઝલની, ઝીણી ચાદર લીધી વણી કે
પૃ.૬૦ ઉપરની આખી ગઝલ સુંદર છે અને એમાંના કેટલાક શેર તો લાજવાબ છે. મત્લા ને મક્તાના આ બે શેર જુઓ :
મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની
મારી નમાઝ નભથી આગળ ધપી જવાની.
ક્રિયાકાંડની અપેક્ષાએ કવિની શ્રદ્ધા કેટલી વધારે બળવાન છે એ બંને પાસાંને કેવી સુરેખ અભિવ્યક્તિ મળી છે!
એને તરસવું અથવા અનહદ વરસવું ફાવે
આ તો ગઝલ છે : એને ક્યાં ટેવ ગાજવાની?
સામાન્યતઃ આપણી મોટાભાગની ગઝલો ગાજતી જ હોય છે. પણ હરીશ મીનાશ્રુની ગઝલ તો વરસે છે ને અનહદ વરસે છે. આ ‘અનહદ’ શબ્દથી કવિની અધ્યાત્મઝંખના કેવી સુપેરે વ્યક્ત થાય છે! આવી જ આધ્યાત્મિકતા, વિધિવિધાનને પડછે, કેવી સહજપણે આ શેરમાં વ્યક્ત થઈ છે:
તમારું હજનું સૂચન આજ વધાવી લઉં પણ
હું સહજની સફરમાં છું, રહો ફુરસદ ક્યાં છે. (પૃ.૨૧)
‘હજ-સહજ’ની સહોપસ્થિતિ અને એનો આંતરવિરોધ, આવી શબ્દ-પસંદગી કોઈ સમર્થ કવિને જ સૂઝે. ક્યાં વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ ને ક્યાં મદરેસા જ્યાં કેવળ કુરાનેશરીફની પઢાઈ થતી હોય. એ બન્નેને જોડાજોડ મૂકીને કવિ આબાદ ચોટ સાધે છે :
પાઠ મુલ્લાંને ભણાવી દઈશું
અઢી અક્ષરની મદરિસા બાંધી. (પૃ.૫૧)
‘તાંદુલ’ કાવ્યસંગ્રહની વિશેષતા એની આધુનિકતા અને ઍન્ટિરોમૅન્ટિકતા છે. યોગ્ય રીતે જ આ અનુભૂતિ અછાંદસમાં વ્યક્ત થઈ છે. ગીતકાર અને ગઝલકાર કવિ કરતાં હરીશ મીનાશ્રુનું એક જુદું જ વ્યક્તિત્વ પ્રગટ થાય છે. આ કાવ્યોમાં તીખો વ્યંગ અને તીવ્ર વિડંબના છે. વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, સામાજિકતા આ સૌનો તો કવિ ઉલાળિયો કરે છે પણ ખુદ કવિતાની અને કવિની પણ વિડંબના કરે છે. રાવજી અને લાભશંકર ઠાકરની જેમ કવિતામાત્ર વિષે કવિ અશ્રદ્ધા સેવે છે. દામ્પત્ય, પ્રેમ, સંભોગ વિષેના બધા જ રોમેન્ટિક ખ્યાલોને કવિ જે સહેલાઈથી તિલાંજલિ આપે છે તેનો આસ્વાદ લેવા માટે વાચકે નિર્મમ થવું પડશે. કવિતાની કવેતાઈ એક વસ્તુ છે, વ્યવહારની વાસ્તવિકતા અલગ છે. આ બંને વિશ્વોને બે જ પંક્તિમાં, એક કવિતાની અને બીજી સ્થૂલ વ્યવહારની અનુરૂપ વાણીમાં મૂર્ત કરવાની કવિની શક્તિ અદ્ભુત છે :
કે કવિતાના એકાંતે જે નીવીબંધ
તે અન્યથા વ્યવહારમાં
કેવળ, ઘાઘરાનું ગાંઠેલું નાડું. (પૃ.૪૮)
હરીશની કેટલીક અછાંદસ રચનાઓ રાવજીની યાદ અપાવે છે :
ગલોફામાં કેટલુંક જલ્પન ભરું તો
અર્થ જેટલો અમથો
તર્ક જેટલો તમથો
અવાજ થઈ ફેલાઈ શકીશ હું મંડલોમાં? (પૃ.૨૩)
સરખાવો રાવજી :
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. (અંગત, પૃ.૬૧)
આ અછાંદસ રચનાઓમાં શૃંગારની વિડંબના છે તે ખરું, પણ વિડંબના કરવા માટે પણ કરેલું શૃંગારનું નિરૂપણ આહ્લાદક છે. Moving on my own melting કાવ્યમાં
અરે, એક અવયવનું તથ્ય અમસ્થું યે
ક્યાં પામી શકાય છે?
એવું કહીને પણ ‘રૂપમધુર નારીનાં પુષ્ટ સ્તનો’નું તથ્ય પામવાના પ્રયત્નમાં શૃંગારનું નિરૂપણ કોઈ શૃંગારકવિતામાં શોભે તેવું આકર્ષક છે :
- કે જેના પ્રકર્ષે પીડાયેલાં પુષ્પધન્વ અધરો
રસસિક્ત આલિંગનોથી
પૃથુલ ગૌરવૃત્તો પર
એક નહિ - બબ્બે સકલંક ચંદ્રની આવૃત્તિ
રચી દે છે.
રૂપમધુર નારીનાં સ્તન અને સ્તનાગ્રને આપેલી સકલંક ચંદ્રની ઉપમા મનોહર છે. આધુનિક કવિતાનું એક લક્ષણ છે પૌરાણિક પાત્રોનું નવું અર્થદર્શન. સિતાંશુનાં ‘હનુમાનની એકોક્તિ’, ‘જટાયુ’, વિનોદ જોષીનું ‘શિખંડી’ આનાં જાણીતાં દૃષ્ટાંતો છે. આનું પગેરું ઠેઠ ઉમાશંકરનાં ‘પ્રાચીના’નાં પદ્યરૂપકોમાં જોઈ શકાય. આ સંદર્ભમાં હરીશનું ‘પ્રેયસી’ જોવા જેવું છે. આ કાવ્યની સમૃદ્ધિ એની વ્યંજના છે. ‘પ્રેયસી’ કાવ્યના શીર્ષક પછી કવિ કૌંસમાં ઉમેરે છે : (જેણે હાથથી, પગથી, હોઠથી ને જીભથી પ્રેમ સહ્યો તે સૌ હવે એકાકાર). કાવ્યવાચનને અંતે સમજાય છે કે આ સૌ રામનાં પ્રિય પાત્રો છે, અનુક્રમે ખિસકોલી, અહલ્યા, સીતા અને શબરી. ક્યાંય કાવ્યમાં આ પાત્રોનો નામોલ્લેખ નથી; અરે ખુદ રામનો જ નામનિર્દેશ નથી. કવિ આ રહસ્ય થોડુંક પ્રકટ કરે છે શબરીના પાત્રચિત્રણમાં :
જે કેવળ કિરાત
જેના મનમાં એક મિરાત
-જેનું બીજું નામ સબૂરી.
કવિ બીજું નામ સબૂરી વ્યક્ત કરે છે. આ વડે સૂચિત થાય છે પહેલું નામ શબરી. હરીશ મીનાશ્રુ સર્જકતાથી ભર્યા ભર્યા કવિ છે. એકબે વર્ષમાં એકીસાથે ચાર કાવ્યસંગ્રહોનું પ્રકાશન તેમના વિપુલ સર્જનની સાક્ષી પૂરે છે. આ જેટલું આવકારદાયક છે એટલું જ ચિંતાજનક પણ છે. જેવી અને જેટલી સંતર્પક કૃતિઓ ‘વ્હાલેશરીનાં પદો’માં મળે છે તેવી અને તેટલી સાદ્યંત સુંદર રચનાઓ અન્ય સંગ્રહોમાં નથી મળતી. વારંવાર આવતી પુનરુક્તિઓ અકળાવ્યા વિના રહેતી નથી. કબીરસાહેબની આ સુપ્રસિદ્ધ પંક્તિઓ અદ્ભુત છે તે કબૂલ :
મહજીદ ભીતર મુલ્લા પુકારૈ ક્યા સાહિબ તેરા બહિરા હૈ?
ચિંઉટી કે પગ નેવર બાજૈ સો ભી સાહિબ સુનતા હૈ.
મસ્જિદમાં મુલ્લા મોટેથી બાંગ પોકારે છે, તે શું તારો અલ્લા બહેરો છે? અરે, એ તો કીડીના પગના ઝાંઝરનો ઝંકાર પણ સાંભળે છે. આ કીડીના પગના ઝાંઝરનો ઝંકાર હરીશભાઈ એટલી વાર સંભળાવે છે કે છેવટે એ કર્ણમધુર મટીને કર્કશ બની જાય છે. આપણને પણ પૂછવાનું મન થાય છે કે હરીશભાઈ, શું તમારા વાચકો બહેરા છે? ‘સૂનો ભાઈ સાધો’માં પૃ.૭૫ પર એક શેર છે :
ચૂં કે ચર્રા નહીં ચાલે, આકાશ ઉપાડી લે સાધો.
એના એ જ શબ્દો પૃ.૭૯ પરની ગઝલમાં ભટકાય છે :
ચૂં કે ચર્રાનો ક્યાં વિચાર કરે
ઘડીભર તો થાય કે એકનું એક પાનું ફરી છપાયું છે કે શું?
હરીશ મીનાશ્રુ જેવો શબ્દસ્વામી જ્યારે કૃત્રિમ વર્ણાનુપ્રાસો યોજે - ‘પાતળી પળમાં પરોવી પનોતી આપશે’ (સૂનો ભાઈ સાધો, પૃ. ૨૯) કે વિચિત્ર શબ્દપ્રયોગ કરે - ‘ત્યાં તારો મહાફૂલબોલ કાને પડ્યો સાહિબ!’ કે ઔચિત્યને નેવે મૂકીને લખે કે ‘પેંધા પડેલા પવને ઘાઘરો ઉલાળ્યો’ (પૃ.૯૯) કે ‘ઘણી રમણી ઘણી રંડા અહાહાહા અહોહોહો’ જેવી પંક્તિ લખે ત્યારે આપણે દિગ્મૂઢ થઈ જઈએ છીએ. અને માય ગૉડ, આ ‘અહાહાહા અહોહોહો’ તો પાછો ગઝલનો રદીફ છે! બાર શેરમાં બાર વાર સતાવે છે. ભરતાચાર્યે અને અભિનવગુપ્તે સદીઓ પૂર્વે સ્પષ્ટ કર્યું છે કે કવિ નામ ન પાડે, કવિની કૃતિથી વાચકોને અહા ને અહો થવું જોઈએ. પૃ.૯૬ પરની પાદટીપમાં આ ‘અહાહાહા અહોહોહો’નું પગેરું પકડાય છે. કવિના શબ્દોમાં : ‘‘ઇબાદતપૂર્વક આ ગઝલ અર્પણ સંતકવિ હુજુર મહારાજને જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ ૧૯૯૮માં, જેમના સાહિત્યમાં મેં આ રદીફ જોઈ: અહાહાહા, અહોહોહો”. પૂજાલાલ, ઉત્તરકાલીન સુન્દરમ્ અને ઉત્તરકાલીન પન્નાલાલની સર્જકતા શ્રી અરવિંદની કંઠી બાંધવાથી મૃત્યુ પામી. આ પ્રકારની પ્રતિબદ્ધતાથી હરીશ મીનાશ્રુએ સવેળા ચેતવા જેવું છે. ઉશનસ્ અને રમેશ પારેખના વિપુલ સર્જનમાં ઉત્તમ કવિત્વની સાથે સાથે જે ઠોકરો વાગે છે એ ભયસ્થાનથી પણ ચેતવા જેવું છે. સદ્ભાગ્યે આગામી કાવ્યસંગ્રહ ‘પદપ્રાંજલિ’ ઘણી આશા જન્માવે છે કારણ કે હરીશ મીનાશ્રુની સર્જકતા અને કવિપ્રતિભા જેમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. ક્લાસિકલ શૈલીનાં પદોનો આ સંગ્રહ છે. કવિની વાણી અહીં ફરીથી કાવ્ય, ભક્તિ અને અધ્યાત્મનો અપૂર્વ સમન્વય સાધે છે. મધુર વર્ણાનુપ્રાસો અને અન્ત્યાનુપ્રાસોથી વિભૂષિત આ મરમી કવિનું આ માર્મિક પદ આખું ઉતારીને કવિને અભિનંદીએ :
સાધો, હરિવરના હલકારા
સાંઢણીએ ચડી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા.
અમે સંતના સોબતિયા
નહીં જાદુગર કે જોષી
ગુજરાતી ભાષાના નાતે
નરસિંહના પાડોશી
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા.
ભાષા તો પળમાં જોગણ
ને પળમાં ભયી સુહાગણ
શબદ એક અંતરમાં ઝકઝોરે
ગયાં અમે પણ જાગી
જાગીને જોઉં તો જગત દિસે નહીં દોબારા.
નરસિંહ સાથે જેને વાડકી-વ્યવહાર હોય તેને બીજું શું પામવાનું બાકી રહે?