‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/બકુલ ત્રિપાઠી – સર્જકતાનો અંતઃસ્રોત

From Ekatra Foundation
Revision as of 15:42, 20 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બકુલ ત્રિપાઠી સર્જકતાનો અંતઃસ્રોત

બકુલ ત્રિપાઠીનો પ્રથમ લેખ પ્રકટ થયો ૧૯૪૬માં. ૧૯૫૧માં તો એમને લેખમાળા માટે ‘કુમારચંદ્રક’ એનાયત થયો. પ્રથમ ગ્રંથપ્રકાશન – ‘સચરાચર’માં - ૧૯૫૫માં. ત્યાર પછી તો શતશઃ સહસ્રશઃ લેખો અને ૧૯૯૭ના છેલ્લા પ્રકાશન સુધી કુલ તેર પુસ્તકો. ૧૯૫૩માં ‘ગુજરાત સમાચાર’માં બકુલભાઈની કોલમ ‘સોમવારની સવારે’ શરૂ થઈ તે આજે પણ ચાલુ છે. Limca Book of Recordsમાં બે જ ભારતીયોનાં નામ છે: આર. કે. લક્ષ્મણ (કાર્ટુન) અને બકુલ ત્રિપાઠી (હાસ્યલેખન). આજે પચાસ પચાસ વર્ષો પછી, અર્ધશતાબ્દી પૂરી થયા પછી પણ, બકુલભાઈના હાસ્યરસનો પ્રવાહ એવો ને એટલો જ અનવરત વહ્યા કર્યો છે. આ સર્જકતાનો અંતઃસ્રોત શામાં રહ્યો છે? આ સર્જકતાનું મૂળ શું છે? ગુજરાતી સાહિત્યમાં હાસ્યનું ખેડાણ બહુ જ અલ્પ છે. કાવ્યક્ષેત્રે પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો કોઈ કવિ તો જન્મ્યો નથી. અર્વાચીન કવિતામાં દલપતરામ આપણી લાજ રાખે ખરા. દલપતરામ પછી, રામનારાયણ પાઠક કે સુન્દરમમાં થોડાક ચમકારા બાદ કરતાં, સાવ સૂકવણું. ગદ્યમાં થોડુંક સારું ખેડાણ થયું છે ખરું. રમણભાઈ નીલકંઠ (ભદ્રંભદ્ર), જ્યોતીન્દ્ર દવે (રંગતરંગ), ધનસુખલાલ મહેતા, ગગનવિહારી મહેતા વગેરે નામો તરત યાદ આવે. પરંતુ જ્યોતીન્દ્ર દવે જેવા હાસ્યસમ્રાટમાં પણ ‘રંગતરંગ’ પછી ઓટ આવી ગઈ. બકુલ ત્રિપાઠીમાં પચાસ વર્ષ પછી પણ એ જ તાઝગી, એ જ સ્ફૂર્તિ, એ જ સર્જકતા છે. બકુલભાઈને હાસ્યલેખન માટે વિષયની શોધમાં નીકળવું પડતું નથી. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ ત્યાં ત્યાં તેમને હાસ્યની નિશાની મળી આવે છે. હાસ્યલેખનના વિષયોનો બકુલભાઈનો વ્યાપ અત્યંત વિશાળ છે. તરલ અને હળવા વિષયોથી માંડી ગંભીરમાં ગંભીર વિષયોનું તેઓ નિરૂપણ કરે છે. અલબત્ત, ગંભીર વિષયોનું નિરૂપણ પણ વિનોદમાં વિલસી રહે છે. વિષયવૈવિધ્ય કરતાં પણ રચનાવૈવિધ્ય અને રૂપવૈવિધ્ય બકુલભાઈના લેખોની વિશેષતા છે. હાસ્યને અનેક પ્રકારો વિવિધ અભિવ્યક્તિની શૈલીઓ અને છટાઓમાં એમણે આલેખ્યા છે. આ લેખોમાં નર્મ અને મર્મ છે, ટોળ, ટીખળ અને વિનોદ છે, મજાક અને ઠઠ્ઠામશ્કરી છે, વ્યંગ અને કટાક્ષ છે અને વક્રદૃષ્ટિ અને વક્રોક્તિ છે. વ્યષ્ટિ અને સમષ્ટિમાં રહેલાં અનિષ્ટો, અધૂરપ અને મર્યાદાઓ, મિથ્યાચારો, આડંબરો અને દૂષણો, વિરાંગતિઓ, વિચિત્રતાઓ અને ક્ષુદ્રતાઓ, અને ખાસ કરીને આચાર અને વિગારની અસંગતિઓ ઉપર બકુલભાઈ મમળું હાસ્ય વેરે છે. અખાની જેમ એ કટાક્ષનો કોરડો નથી વીંઝતા પણ મમરો મૂકીને ખસી જાય છે. મનુષ્ય માટે એમને અણગમો નથી; માનવમાત્ર માટે એમને સમભાવ છે. ‘સચરાચરમાં’ એ સંગ્રહમાં નર્મ અને મર્મ છે, ‘ગોવિંદે માંડી ગોઠડી’માં મનની પ્રફુલ્લિતતા અને હૃદયની ઉષ્મા છે. ‘દ્રોણાચાર્યનું સિંહાસનમાં મર્મભેદક કટાક્ષ છે, ‘મન સાથે મૈત્રી’માં યદૃચ્છાવિહાર અને લીલા છે, ‘હિંડોળો ઝાકમઝોળ’માં હસતા ફિલસૂફનું ચિંતન છે, “અષાઢની સાંજે પ્રિય સખીમાં ફૂલ જેવી પ્રસન્નતા છે, ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’માં હાસ્યકથાવાર્તાઓ છે અને ‘વૈકુંઠ નથી જવું’માં પ્રસન્નમધુર હાસ્યની ઓથે કરુણની લકીર છે. આ કૃતિઓમાં હાસ્યની પ્રયુક્તિઓ, રચનારીતિઓ અને શૈલીઓનું પણ અપાર વૈવિધ્ય છે. આમાં સીધી વર્ણનાત્મકતા છે, વાર્તાકથનની રીતિ છે, નાટ્યાત્મકતા છે, પત્રલેખનની શૈલી છે. એક વાર્તાકથનનાં કેટકેટલાં રૂપો છે - myth, folktale, fable, parable વગેરે. ક્યારેક આમાં નરી તરંગલીલા છે. આ તરંગલીલા – fantasy -નાં બે ઉત્તમ દૃષ્ટાન્તો છે: ‘પિનાક વિનાના પિનાકપાણિ’ અને ‘માતાજી ગરબે ઘૂમે રે લોલ’, ‘પિનાક વિનાના પિનાકપાણિ’માં સાક્ષાત્ ભગવાન શંકર સદેહે પ્રકટ થાય છે – તેમના આગમનનો ઉદ્દેશ છે: તપાસ કમિશન! ભગવાન શંભુ દેવતાઓ વતી એ પ્રશ્નનો અભ્યાસ કરવા આવ્યા છે, "આજકાલ દેવોની લોકપ્રિયતા ઘટતી કેમ જાય છે? કળિયુગ એટલે થોડો ફેર તો પડે જ, પણ આ તો વધારે પડતો ફેર પડી ગયો છે, એનું શું?’ શંકર ભગવાનના મંદિરમાં કાગડા ઊડે છે પણ આધુનિક ‘કલામંદિરો’માં હકડેઠઠ ભીડ છે. આધુનિક યુગના દેવતાઓ, ફિલ્મના અદાકારો અને બકુલભાઈની શૈલીને અનુસરીને કહેવું હોય તો, અદાકારિણીઓ છે. હર હર મહાદેવ! બકુલભાઈનું હાસ્ય અનવદ્ય અને આસ્વાદ્ય છે. આથીયે વધુ આહ્લાદક છે ‘માતાજી ગરબે ઘૂમે રે લોલ!’ની તરંગલીલા. સાક્ષાત્ અંબામાતા નવરાત્રિ ઉત્સવ નીરખવા નીકળે છે. માતાજીએ વેષ સામાન્ય યુવતીનો રાખ્યો છે. હવે માણો બકુલભાઈની લીલા : ‘અલ્યા પણ કોઈ ભક્તો માતાજીને નહીં ઓળખી કાઢે?’ ‘માતાજીને ઓળખે એવો આજે ભક્ત જ ક્યાં રહ્યો છે?... રૂપિયા ઉપર માતાજીની છાપ હોય તો ઓળખી કાઢે. પણ સદેહે માતાજી પધારે તો આ લોકોને ખબર ના પડે.’ - ‘મને ગરબાના શબ્દો નથી સમજાતા.’ માતાજી કહે. ‘આમાં શબ્દો સમજવાના ન હોય.” મેં કહ્યું, ‘આ ડિસ્કો ગરબો કહેવાય.” ‘પણ લોકો સમજ્યા વિના ગાય કેવી રીતે?’ ‘આમાં ગાવાનું શેનું?’ ‘ગરબા ગાવાના ના હોય?” ‘ના, ગરબા જોવાના હોય અને નાચવાના હોય.” “મેં માતાજીને સમજાવ્યું કે હવે અમે ડિસ્કો ગરબા ગાઈએ છીએ. પહેલાં જૂના જમાનામાં જે ગવાતા તે ‘મસ્કો’ ગરબા હતા. એમાં માત્ર માતાજીની પ્રશંસા આવતી. એટલે એ મસ્કા ગરબા ગણાતા, પણ અમે હવે આગળ વધ્યા છીએ... જેમ મા અંબાજી આરાસુરથી આવ્યાં કહેવાતું તેમ આ ડિસ્કો અમેરિકાથી આવ્યું છે.” ...... ‘તમે નેક્સ્ટ ઇયર આવવાનાં માતાજી?’ મેં પૂછ્યું. ‘શા માટે?’ ‘તો હજી નવી નવી જાતો જોવા મળશે.. જૂના ગરબાની ગુલામીમાંથી અમે મુક્ત બની ગયાં છીએ. હવે ડિસ્કો ગરબા પછી જાઝ ગરબા, ચાચા ગરબા, ટાટા ગરબા, જ્યુજ્યુત્સુ ગરબા, ફૂંગ ફૂ ગરબા, કરાટે ગરબા એવા જાતજાતના ગરબા નીકળવાના એ ચોક્કસ!’ બોલો, બોલો અંબે માત કી.... બકુલભાઈના હાસ્યની વિશેષતા એ છે કે એમાં પરિહાસ છે, ઉપહાસ નથી. એક અપવાદ સિવાય. પોતાની જાતનો તો એ ઉપહાસ જ કરે છે. ઉત્તમ હાસ્યકારનું એ જ વિશિષ્ટ લક્ષણ છે કે એ પોતાની જાત પર જ હસે છે. આમાંની ઘણીખરી રચનાઓનો “હું” એ જાણે કે લેખક પોતે જ છે. આમાં “હું”ની બાઘાઈ, અણઘડતા, અણઆવડત, આપવડાઈ, આત્મરતિ જ વ્યક્ત થતી હોય છે. પણ પોતાની જાતનો ઉપહાસ કરવાથી ખરેખર તો એને સામાની બિરંદી ઉડાવા લાયસન્સ મળી જાય છે. ચકોર વાચકને પણ થોડી વાર રહીને સમજાય છે કે આ ખેલાડીનું મુખ્ય લક્ષ્ય તો આપણી ઠેકડી કરવાનું જ છે! આનું ઉત્તમ દૃષ્ટાન્ત છે, ‘જ્યારે પન્નાલાલે સૂટ પહેરેલો!’ માનવીની ભવાઈનો લેખક કોટ-પાટલૂન પહેરે એથી લેખક આઘાત અનુભવે છે. “એક લાખનું પારિતોષિક એટલે રૂ.૮૦૦-૧૦૦૦નો સૂટ ભારે ન પડે. પણ સવાલ સિદ્ધાંતનો છે. પારિતોષિક સ્વીકારવા પન્નાલાલ વસ્ત્રો બદલે?” આપણા કયા સાહિત્યકારો કોટ-પાટલૂન-સૂટ પહેરે છે અને કયા નથી પહેરતા એનો સર્વે કર્યા પછી બકુલભાઈ ઉમેરે છે : “મેં પણ પહેરેલાં. જોકે મને કોટ-પાટલૂન સારાં નહોતાં લાગતાં. પણ મને તો ઝભ્ભો-લેંઘો પણ સારાં નથી લાગતાં. કપડાં બિચારા શું કરે જ્યાં...” આવી જ રીતે ‘અમારા ખરાબ અક્ષર’માં દેખીતી રીતે તો ભગવતીકુમાર શર્મા સામે ગંભીર ફરિયાદ નોંધાવે છે : ‘‘ખરાબ અક્ષર’ વિષેના તમારા લેખમાં આવી બદનક્ષી કરવાની મારી? ભાઈબંધ થઈને....? તમે જ્યારે લખ્યું કે ‘બકુલ ત્રિપાઠીના અક્ષર ખૂબ ખરાબ છે’, ત્યારે તમારે સત્ય અને મિત્ર વચ્ચે પસંદગી કરવાની હતી. તમે સત્યને પ્રિય ગણ્યું અને પ્રેમાળ મિત્રને છેહ દીધો... તમે મારે ખાતર એક નાનકડું જુઠ્ઠાણું પણ ન બોલી શક્યા? ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા એતબાર ના રહા’. આખો લેખ હાસ્યવિનોદથી ઉછળતી આત્મનિર્ભર્ત્સનાનો આહ્લાદક નમૂનો છે. બકુલભાઈની સર્જકતા સોળે કળાએ ખીલી ઊઠી હોય તો તેમના ‘વૈકુંઠ નથી જાવું’ ના લલિત નિબંધોમાં. અન્ય હાસ્યલેખો કરતાં આનું સ્વરૂપ સર્વથા ભિન્ન છે. આ નિબંધોનું મુખ્ય પ્રયોજન હાસ્યરસની નિષ્પત્તિ નથી પણ આનંદલક્ષિતા છે. તેનો અર્થ એ નથી કે આમાં હાસ્યવિનોદ નથી. પણ હાસ્યની આમાં માત્ર સુરખી છે, માત્ર લહેરખી છે, નિબંધની તળે વહેતી સરવાણી છે, પ્રસન્નતાનો પમરાટ છે. આ નિબંધોનું સ્વરૂપ, ઉમાશંકર વર્ણવે છે તેવું, “નિબંધ વાંચી રહીએ ત્યારે એમાંના વિષય અંગે આપણું જ્ઞાન વધ્યું છે એનું ભાન થવા કરતાં વિશેષ તો એક અનોખા વ્યક્તિત્વનો આસ્વાદ આપણને મળ્યો છે એવી તૃપ્તિ અનુભવાય છે. બકુલભાઈના આ નિબંધો સાચે જ તૃપ્તિકર છે. આ નિબંધો જાણે કે વાર્તાલાપ છે, અદીઠ વાચક સાથેનું સંભાષણ છે, બકુલભાઈનો શબ્દ સર્જનાત્મક શબ્દ છે. આ નિબંધોને સર્જકતાની કક્ષાએ પહોંચવાની એક અનિવાર્ય શરત છે કે લેખકનું વ્યક્તિત્વ સભર અને સમૃદ્ધ હોવું જોઈએ. એવા વિવિધ પાસાવાળા સમૃદ્ધ વ્યક્તિત્વનો આસ્વાદ આપણે બકુલભાઈના આ નિબંધોમાં અનુભવીએ છીએ. આ સર્જનાત્મક, લલિત, રસલક્ષી, આનંદલક્ષી નિબંધો દ્વારા બકુલ ત્રિપાઠી આપણા ઉત્તમ નિબંધકારો, કાકા કાલેલકર, ઉમાશંકર, સુરેશ જોષી, ભોળાભાઈ પટેલની હરોળમાં સ્થાન મેળવે છે. અહીં બકુલભાઈની ગદ્યશૈલી પણ વિહરે છે, ક્યાંક ક્યાંક કાવ્યમયતાની કોટિએ પહોંચે છે. આ પ્રકારના સર્જકતાથી અનુપ્રાણિત થયેલા નિબંધોમાંનું ઉત્તમ દૃષ્ટાન્ત છે: ‘અવસરચૂક્યા મેહુલા’. આખો નિબંધ ગદ્યમાં કંડારેલું કાવ્ય છે. ‘સિતાર તો સિતાર હોય છે જ.... એના તાર તો હવાની મૃદુ લહરી જેવા અંગુલિના સ્પર્શેય ઝણઝણી ઊઠે છે, અને કોઈ અણઘડના કઠોર આઘાતેય ક્રંદી ઊઠે છે. પણ જે સિતાર નથી એનેય જે ઝણઝણાવી શકે છે એ આંગળીઓને શો અર્ધ્ય આપીએ? કોઈ અજાણ કવિના એવા અંગુલિસ્પર્શનો વ્યવહારકઠોર એવા હૃદયને ઝણઝણાવતો અનુભવ થાય છે પેલી લોકદુહાની પંક્તિ સાંભળતાં. ‘ખડ સૂક્યાં, ધણ વસૂકિયાં, વ્હાલા ગયા વિદેશ; અવસરચૂક્યા મેહુલા, વરસી કાહું કરેશ?’ કેવો તો વિષાદ પ્રગટાવી જાય છે આ પંક્તિઓ!" પણ પછી તો લેખકનો કલ્પનાવૈભવ છલી ઊઠે છે. અવસર ચૂકવાનું એ વૈફલ્ય જો ધરતીના અંતરને વિષાદમાં ડુબાડી દેતું હોય તો મેઘના અંતરને પણ પશ્ચાત્તાપની આગમાં સળગાવી મૂકે એવું નથી શું? મેઘ અવસર કેમ ચૂકી ગયો? "સાગર પર જ જલની વિપુલતા કમાતાં મોડું થઈ ગયું? લોભ વધારે કર્યો. પણ તો ઓછું પાણી લઈને જ ઉતાવળે ઉતાવળે નીકળ્યો હોત તો અહીં આવતામાં તો એ ખૂટી જાત નહીં કે? વ્યર્થતાનું બીજું સ્વરૂપ જ પ્રગટ થાત ને? કે પછી લેતાં તો વાર ન કરી પણ એને લૂંટવા રસ્તો આંતરી બેઠેલાં પેલાં પર્વતશિખરોને ચુકાવીને આવતાં મોડું થઈ ગયું? પણ તો શાને એણે એ શિખરોની બાજુએ થઈને એ...ય પેલો લાંબો પણ સલામત માર્ગ ન લીધો? પણ એમાં મોડું ન જ થાત કે? અથવા તો એમ બન્યું હશે કે પેલા પવનઘોડલાને એ ધારી ઝડપે દોડાવી નહીં શક્યો હોય?" આ નિબંધનું ચિંતન પણ વિષાદને મૂર્તિમંત કરે તેવું તેમજ ગાળી નાખે તેવું સમૃદ્ધ છે. હાસ્ય એ હસી કાઢવાનો વિષય નથી. હાસ્યલેખક હસતાં-હસાવતાં રમતાં-રમાડતાં જીવનની કોઈ મૂળભૂત સમસ્યાઓને સ્પર્શે છે, જનસ્વભાવના કઢંગાપણાને આલેખે છે, પ્રજાજીવનની સાફસૂફીનું, કોઈ પણ પ્રકારના ડંખ કે દંશ વિના, અગત્યનું સાધન બને છે. હાસ્યરસ દ્વારા એ જીવનના ગંભીર ખૂણાને આલોકિત કરે છે. આ વર્ષનું ઓસ્કારસંમાન્ય Life is Beautiful આપ સૌએ જોયું જ હશે. ઉત્તમ અદાકારી માટે ઓસ્કાર પ્રાપ્ત કરનાર આ ફિલ્મના નાયક બેનિગ્ની વિશે ૧૯૯૭ના સાહિત્યના નોબેલ પ્રાઈઝવિજેતા ઈટલીના નાટ્યકાર ડેરિયો ફોના શબ્દો જુઓ: "Mr. Benigni has shown that laughter is not a lack of seriousness. On the contrary, irony and lightness are one of the highest forms of intelligence." બકુલભાઈના હાસ્યની સર્જકતાનું મૂળ તેમની સમસંવેદનશીલતામાં છે. એમને "વૈકુંઠ નથી જાવું" કારણ કે “વ્રજ વહાલું” છે. સમસ્ત માનવજાતને એ ચાહે છે, એની ત્રુટિઓ, અસંગતિઓ, નિર્બળતાઓ સમેત. સર્જક બકુલ ત્રિપાઠીના વ્યક્તિત્વમાં રહ્યાં છે ભગવાન બુદ્ધે પ્રબોધેલાં કરુણા અને મુદિતાના અંશો. આ જ એમની સર્જકતાનું પ્રેરકચાલક બળ છે. બકુલભાઈએ પોતે જ ‘મન સાથે મૈત્રી’ની પ્રસ્તાવનામાં કહ્યું છે : “હાસ્ય એ મારો જીવનરસ છે... પણ એની સાહજિકતા અને સાતત્ય રહે છે શાથી? જ્યારે વિશ્વની બધી પરિસ્થિતિઓ અંગે સંવેદનશીલતા અને તેમાંથી પ્રગટતી મનની બધી જ ભાવસ્થિતિઓને આવકારતાં રહીએ સર્જન માટે ત્યારે...” અંતે તો હાસ્ય અને કરુણ એક જ સિક્કાની બે બાજુ છે. બકુલભાઈએ આ બન્નેને એમના ‘ગોગલ્સ’ નિબંધમાં જોડાજોડ બેસાડી આપ્યાં છે. “કવિએ કહ્યું છે, ‘લયલા કો દેખિયે મજનૂ કી આંખ સે’ મુસીબત એ છે કે આપણે ઘણી વાર આપણી પોતાની આંખ જરા બાજુ પર મૂકીને મજનૂની આંખે કોઈ લયલાને જોવા માંડીએ છીએ; પણ લયલા સમજી શકતી નથી કે આપણે એને મજનૂની આંખે જોઈ રહ્યા છીએ! પરિણામે... જગતનાં ગમ્મતભર્યાં ફારસો... અને જગતની તીવ્ર કરુણાન્તિકાઓ! મિડ સમર નાઈટ્સ ડ્રીમ અને સિરાનો દ બર્ગરેક!” બકુલભાઈના સર્જનનું સાતત્ય અને એની વિપુલતા એમના જીવનના તાત્ત્વિક અભિગમને આભારી છે. ‘વૈકુંઠ નથી જાવું’ના નિબંધમાં એક અદ્ભુત માર્મિક ઉક્તિ છે: “હું મારાં સુખો જોડે પ્રેમમાં છું, હું મારાં દુઃખો જોડે પ્રેમમાં છું.” સુખ અને દુઃખ પ્રત્યેનું તાટસ્થ્ય નહિ, ભગવાન બુદ્ધે ઉપદેશેલી ઉપેક્ષા નહિ, પણ બંનેમાં મુદિતા. આ જ છે બકુલભાઈના સર્જનનું રહસ્ય. આત્મરતિ કે આત્મશ્લાઘામાં રાચ્યા વિના ‘વૈકુંઠ નથી જાવું’માં એમણે કરેલું આત્મનિરીક્ષણ એમના અંતરંગનું ઊંડું દર્શન કરાવે છે. એ જીવનને ચગડોળ સાથે સરખાવે છે. ઘડીમાં ઊંચે, ઘડીમાં નીચે જતા ચગડોળના રૂપકને એમણે ચગાવ્યું છે: “પેલા ભયથી રૂંધાતા શ્વાસનો અનુભવ અને પેલું ખુલ્લું આકાશ એ બે કંઈ જુદાં નથી. પેલા ઊર્ધ્વગમન અને નિમ્નગતિ એ બે જુદાં નથી. એક વિરાટ ઉત્સવના જ એ અંશો છે. મીઠું, કડવું, ગમતું, અણગમતું, રમ્ય, ભયાનક, સુંદર-અસુંદર એ બધુ જ અહીં છે... મહાનાટ્યના જે દૃશ્યમાં મને પાત્ર મળ્યું છે તેમાં નથી તો ફ્રેંચ ક્રાંતિની રક્તસરિતામાં તણાવાનું કે નથી બૌદ્ધ સંસ્કૃતિના કોઈ પીત સુવર્ણ પ્રકાશમાં નહાવાનું. મારે માથે આવ્યું છે આજના આ બહુ મોટા તો નહીં એવા મેળામાં પ્રસ્વેદસિક્ત ઘોંઘાટમાં લાકડાના પેલા મંચ પરથી ચગડોળના ઝૂલણામાં બેસીને યંત્રની ખટાખટ વચ્ચે ધીમે ધીમે ધીમે અધ્ધર ઊડી ઊંચે આકાશમાં તારાઓ જોડે ઝૂલવાનું, સરવાનું, નીચે ખીણમાં પડવાનું, પાછા અંધકારમાં ખોવાઈ જવાનું..” બકુલભાઈના હાસ્યલેખનમાં જે ઇયત્તા અને ગુણવત્તા છે, સૂક્ષ્મતા અને સાહજિકતા છે, વિષયનો વ્યાપ અને રૂપરચનાનું વૈવિધ્ય છે, બુદ્ધિચાતુર્ય અને કલ્પનાવૈભવ છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે.