‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ (ગુણવંત શાહ)

From Ekatra Foundation
Revision as of 16:34, 20 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રામાયણ: માનવતાનું મહાકાવ્ય’

સ્નેહીશ્રી ગુણવંતભાઈ,

તમારા ગ્રંથમણિ ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’-નું વાચન તો દસબાર અઠવાડિયાં પહેલાં પૂરું કરેલું. પરંતુ બીજી આધિવ્યાધિઓમાં તમને પત્ર લખવામાં ઘણો વિલંબ થયો. મનમાં થોડીક અવઢવ પણ હતી. આ કૃતિ માટે મારે તમારી ઉત્કટ પ્રશંસા પણ કરવી છે અને કઠોર ટીકા પણ. પ્રશંસાની તમારે જરૂર નથી. મોરારિબાપુના આશીર્વાદ આ ગ્રંથને મળ્યા છે, ચંદ્રકાન્ત મહેતાએ વિદ્વત્તાપૂર્ણ પણ પ્રશંસાત્મક પ્રસ્તાવના લખી છે, હું માની જ લઉં છું કે આ કૃતિનાં જે કોઈ અવલોકનો થયાં હશે-મને ગુજરાતી સામયિકો અહીં મળતાં જ નથી, અનેક પ્રયત્નો છતાં–તે પણ પ્રશંસાપૂર્ણ જ હશે. તમારા જેવા વિદ્વાન અને લબ્ધપ્રતિષ્ઠિત લેખકની ટીકા કરવામાં પણ મને સંકોચ થાય છે. છતાં તમે મારા પત્રની ટીકાયુક્ત પત્રની પણ અપેક્ષા રાખો છો એવું પોપટભાઈ અને કલ્પનાબહેન પાસેથી જાણ્યું એટલે ઝંપલાવું છું. શરૂઆત પ્રશંસાથી જ કરું છું. એના તમે પૂરેપૂરા અધિકારી છે. ‘રામાયણ’ના લેખન પાછળની પાંચ વર્ષથી પણ વધુ સમયની તમારી સાધના સાચે જ સિદ્ધિમાં પરિણમી છે. તમારા ઉત્તમ ગ્રંથોમાં આની જરૂર ગણના થશે. તમારા હાથે એક ઉમદા સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્ય થયું છે.

અનુબંધ

અનુબંધ તમારી પ્રખર શક્તિ છે. ગીતા, ઉપનિષદ અને તમારાં અન્ય પુસ્તકો અને લેખોમાં પ્રાચીન ગૌરવગ્રન્થો સાથે અર્વાચીન યુગ, આધુનિક મનુષ્ય, આજની સમસ્યાઓનો અનુબંધ જોડવાની તમારી શક્તિ અસાધારણ છે. આ શક્તિ જ તમને બીજા ટીકાકારો – મીમાંસકો કરતાં વિશિષ્ટ બનાવે છે. તમારા બે ઉત્તમ ગ્રંથો – ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘અસ્તિત્વનો ઉત્સવ: ઈશાવાસ્યમ્’ એમાં આ જ અનુબંધની શક્તિ ગીતા અને ઈશોપનિષદનાં તમારાં ભાષ્યોને મૂલ્યવાન બનાવે છે. ‘રામાયણ’માં અનુબંધનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત છે : પૃ.૪૪૭ની પાદટીપ.. વાત તો સાવ સાદી છે. માત્ર કથાનો સૂર છે. વિભીષણ રાવણનો પક્ષ છોડીને રામના પક્ષે આવે છે. રામ વિભીષણનો રાજ્યાભિષેક કરે છે – હજી યુદ્ધ અને રાવણ પરનો વિજય તો બાકી છે. ત્યાં તમે ફૂટનોટમાં ‘Government in exile’ - બળવો પોકારનારી સંસ્થાને સમાંતર સરકાર તરીકે આજે માન્યતા મળે છે એનો ઉલ્લેખ કરીને લખો છો: “માનવઈતિહાસમાં દેશપાર રચાયેલી એવી પ્રથમ સરકાર વિભીષણની હતી.” લાજવાબ. આ જ અનુબંધ. આ તમારી ભૂતકાળ અને વર્તમાનકાળને જોડવાની દૃષ્ટિ. આ કથાપ્રસંગ તો કોઈ પણ આલેખી શકે. પણ એનો સંબંધ Government in exile સાથે ગુણવંતભાઈ જ જોડી શકે. તમારા લેખનને સમૃદ્ધ બનાવતું આ એક મુખ્ય વ્યાવર્તક લક્ષણ છે. આવું જ બીજું ઉત્તમ દૃષ્ટાન્ત છે પૃ.૪૫૭ અને તેની ફૂટનોટ. ઉત્તમ ચિંતન અને ઉત્તમ અનુબંધ. કોઈ વિરાટ અવતારકૃત્ય પૂર્ણ કરવાની વેળા આવે છે ત્યારે યુગેયુગે મહામાનવને ટેકો કરનારું પરાક્રમ અને દૃઢ કર્મનિષ્ઠાથી શોભતી લઘુમાનવતા આપોઆપ આવી મળતી હોય છે. આ પરંપરા જેટલી પુરાતન છે, તેટલી જ સનાતન છે. કૃષ્ણતા પ્રગટ થાય ત્યારે ત્યારે અર્જુનતાએ પ્રગટ થવું જ રહ્યું! બુદ્ધને આનંદ જેવા શિષ્ય મળી રહે છે. મહાવીરને મેઘકુમાર મળી રહે છે. ઈસુ ખ્રિસ્ત હોય ત્યાં જહોન ધ બાપ્ટિસ્ટ હોવાના જ. મહંમદ પયંગબર હોય ત્યાં હઝરત અલિ હોવાના જ. મહાત્મા ગાંધી હોય ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોય તો નહીં ચાલે.” અહીં તમે પાદટીપમાં કાકા કાલેલકરનું અવતરણ ટાંક્યું છે તે કેટલું બંધબેસતું છે : “...ગાંધીજીના સિદ્ધાંતોની વ્યવહારુ આવૃત્તિ કાઢવામાં વલ્લભભાઈએ બતાવેલી કુશળતા જોઈને કેટલાકને એમ જ થાય કે, ગાંધીજી જો વલ્લભભાઈ મારફતે બધું જ કામ લે તો પ્રજા જલદી સમજી જશે.” આ જ તુલના, રામ-હનુમાન અને ગાંધી-સરદારની પૃ.૪૨૬-૭ પર થઈ છે અને અહીં પણ અનુબંધની ફોરમ ફોરી રહી છે. રામ હનુમાનના સમુદ્રને ઉલ્લંઘી જવાના અને લંકાને આગ લગાડવાના પરાક્રમને જાણે છે ત્યારે તેમની કૃતજ્ઞતામાં જે ચારિત્ર્યની શોભા પ્રકટે છે :

સુન સુત તોટિ ઉરિન મૈં નાહીં | (રામચરિતમાનસ)
‘હે પુત્ર, હું તારા ઋણથી મુક્ત (ઉરુણ) થઈ શકું તેમ નથી.’

હનુમાનના ચારિત્ર્યની શોભા એવી જ અનન્ય છે :

સો સબ પ્રતાપ રઘુરાઈ ।
નાથ ન કછૂ મોરિ પ્રભુતાઈ ।।
(રામચરિતમાનસ)

આ પ્રસંગનું મધુર આલેખન કર્યા પછી પૃ.૪૨૭ની પાદટીપમાં ગુણવંતભાઈ નોંધે છે :

"બરાબર આવી જ ઘટના સદીઓ બાદ બની. બારડોલી સત્યાગ્રહ-(૧૯૨૮)માં વલ્લભભાઈ પટેલનું પરાક્રમ પ્રગટ થયું અને તેઓ ભારતના ‘સરદાર’ કહેવાયા. સરદારે નિરભિમાનપણે બધો જ જશ ગાંધીજીને આપ્યો. બારડોલીના વિજય પછી તેમણે કહ્યું: ‘બાપુનો સંદેશ ભાંગ્યોતૂટ્યો પણ લોકોને પહોંચાડનારા કેટલા છે? બાકી આપણે શું કર્યું? બાપુએ નાહકના ચડાવી માર્યા!’ સરદારની આવી નમ્રતામાં હનુમાનઘટનાની સુગંધ વર્તાય છે. હવે ગાંધીજીનો ઋણસ્વીકાર જુઓ. બાપુએ કહ્યું: ‘વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે, તે ન જ થાત’... સદીઓ વીતે છે, પરંતુ મહામાનવના અવતારકૃત્યની સુગંધ કાયમ રહે છે." આ ત્રણે પાદટીપો ટાંક્યા પછી વિચાર આવે છે કે ગ્રંથની પાદટીપો આવી સમૃદ્ધ છે તે ગ્રંથ પોતે કેટલો સુસમૃદ્ધ હશે!

સ્ત્રીસન્માન અને સ્ત્રીદાક્ષિણ્ય:

તમારી સ્ત્રીસન્માન અને સ્ત્રીદાક્ષિણ્યની ભાવના માટે તમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. સ્ત્રીઓને થયેલા અને થતા રહેતા અન્યાય સામે તમે સતત ડગલે ને પગલે તમારો અવાજ ઉઠાવ્યો છે. પુરુષોની જોહુકમી, પુરુષોએ ઘડેલા કાયદાકાનૂનો, તેમણે સ્થાપેલી સામાજિક પ્રણાલીઓ, ધર્મ અને ધર્મગુરુઓએ નિર્મેલી વ્યવસ્થાઓ સામે તમારો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો છે, તમારા પ્રિય શબ્દમાં કહું તો, તમારો ‘મન્યુ’ જાગી ઊઠે છે. કીટભ્રમરન્યાયે સ્ત્રીઓ પણ આ પુરુષપક્ષપાત અને સ્ત્રીપૂર્વગ્રહને સ્વીકારતી અને માનતી થઈ જાય છે. પુરુષોની આ નઠોરતા અને સ્ત્રીઓની જડતાને તમે ઝંઝેડી નાખો છો. આ વિષયની ચર્ચાવિચારણામાં તમે તમારી લાગણીને વ્યક્ત કરવામાં ક્યાંય પાછીપાની કરી નથી. ગુજરાતી સાહિત્યકારોમાં તમે સૌથી મોટા અને સૌથી સાચા womens’ liber છો. સ્ત્રીસન્માનનું સૌથી ઉત્તમ દૃષ્ટાન્ત છે અહલ્યાના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું તમે કરેલું નિરૂપણ. વિશ્વામિત્ર, રામ, લક્ષ્મણ અને અહલ્યાના મિલન પૂર્વેની તમારી પ્રસ્તાવના સુંદર પીઠિકા સર્જે છે. ભારતીય સંસ્કૃતિનાં ઉદાત્ત તત્ત્વોની યાદી આપીને તમે ઉમેરો છો: ‘...ભવ્ય સાંસ્કૃતિક પરંપરામાં સ્ત્રીને સહજ સમાનત્વ પ્રાપ્ત થયું ન હતું. એ સદાય પુરુષાધીન જ રહેવા પામી. સ્ત્રી મહાન હોય તોય એ મહાન સતી હતી. એ સતી હતી એટલે પતિવ્રતા હતી. પતિવ્રતા સ્ત્રી એટલે એવી સ્ત્રી, જેને મન પતિની ઈચ્છા આખરી હોય. શાસ્ત્રો પુરુષોએ લખ્યાં હતાં. કાયદા પુરુષોએ ઘડ્યા હતા. ન્યાય પુરુષો તોળતા હતા... રક્ષણ પુરુષો કરતા હતા. સજા પુરુષો નક્કી કરતા હતા... બધાં મૂલ્યો અને માપદંડો પુરુષો દ્વારા નિર્માણ થયેલાં હતાં.” (પૃ.૬૧) અહલ્યા-શલ્યા-અહલ્યા એ કથાપ્રસંગને વાલ્મીકિના અનુગામી રામાયણકારો અને માત્ર આ પ્રસંગનું આલેખન કરતા કવિઓએ ખૂબ ચગાવ્યો છે અને લોકમાનસમાં તો અહલ્યાના પતિ મહાત્મા ગૌતમના શાપથી અહલ્યા શલ્યા બની ગઈ અને પછી રામના ચરણરજસ્પર્શથી એનો ઉદ્ધાર થાય છે અને તે પાછી શલ્યામાંથી અહલ્યા બને છે એ જ કથાવાર્તા ઘર કરી ગઈ છે. કદાચ આના માટે સૌથી વધારે જવાબદાર તુલસીદાસનું રામચરિતમાનસ જ છે. તમે આ પ્રસંગનિરૂપણની શરૂઆતમાં માત્ર બે જ વાક્યોમાં આ ભ્રમનું નિરસન કર્યું છે : “વાલ્મીકિ રામાયણમાં અહલ્યા પતિના શાપને કારણે શલ્યા (શિલા) બની જતી નથી. વળી રામનું આગમન થાય ત્યારે એ શલ્યામાંથી અહલ્યા બનતી નથી.” (પૃ.૬૧). વાલ્મીકિની અહલ્યા તો કવિ વર્ણવે છે તેવી दीप्तामग्निशिखामिव પ્રજ્વલિત અગ્નિજ્યોત જેવી હતી. અને વાલ્મીકિ ઉમેરે છે : “તે સમયે રામ-લક્ષ્મણે અત્યંત પ્રસન્નતાપૂર્વક અહલ્યાનાં બંને ચરણોનો સ્પર્શ કર્યો.” આ આલેખનમાં વાલ્મીકિનું કવિ તરીકેનું ગૌરવ, રામ-લક્ષ્મણનું આભિજાત્ય, અહલ્યાની તપસ્યાનું તેજ અને તમારું સ્ત્રીદાક્ષિણ્ય બધું જ દીપી ઊઠે છે. વાલ્મીકિના અનુગામીઓ પછી ભલે તે તુલસીદાસ હોય કે કાલિદાસ હોય એમણે અહલ્યાને અને સ્ત્રીસમસ્તને અન્યાય કર્યો છે તેની તમે સવિનય નોંધ કરી છે. અહલ્યાના સ્ખલનનો બચાવ પણ હિમ્મતભર્યો અને પ્રશંસનીય છે. મહાપુરુષની પત્ની થવામાં રહેલી મૂળભૂત સમસ્યાનું તમે કરેલું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ ઉદારચરિત અને દૃષ્ટિસંપન્ન છે : .. “ધ્યેયપ્રાપ્તિની મથામણ તપસ્યાની કક્ષાએ પહોંચે ત્યારે સાધકની કામતૃપ્તિની ઝંખના ખરી પડે છે.... પરંતુ જીવનસંગિનીની સ્નેહઝંખના અતૃપ્ત રહી જવા પામે છે... એ કષ્ટયાત્રાના કોઈ ઓચિંતા વળાંક પર માનવસહજ સ્ખલનના અકસ્માતો સર્જાતા હોય છે.” (પૃ.૬૪) સ્ત્રીઓ માટેની તમારી સહાનુભૂતિનું ફલક એટલું વિશાળ છે કે એમાં માત્ર અહલ્યા, કૌશલ્યા, સીતા કે ઊર્મિલાનો જ સમાવેશ નથી થતો, એમાં રાવણપત્ની મંદોદરીને પણ માનવંતું સ્થાન મળે છે. મંદોદરીના હૃદયને પામવામાં અને તેની વેદનાને વાચા આપવામાં તમારી લેખિનીએ પણ કલાત્મક રૂપ ધારણ કર્યું છે. “પુરુષપ્રધાન સમાજમાં પુરુષના માલિકીભાવનો સ્વીકાર થાય છે, સ્ત્રીના માલિકીભાવનો સ્વીકાર નથી થતો. મૂળભૂત માનવીય ઝંખનાને પરંપરા, ધર્મ, રિવાજ, સંસ્કૃતિ કે મૂલ્યો સાથે લેવાદેવા નથી હોતી. ઝંખના સ્વભાવે જ હૃદયસ્થ હોય છે, સંસારસ્થ કે ગૃહસ્થ કે ધર્મસ્થ નહીં.... દશરથ જેવા સમર્થ રાજાની પટરાણી કૌશલ્યા અને સમર્થ રાક્ષસરાજ રાવણની પટરાણી વચ્ચે અન્ય તફાવતો ઘણા, પરંતુ બંનેનું દર્દ સાવ સરખું! ... સ્ત્રીની મૂળભૂત ઝંખના મુખ્ય રાણી બનવાની નહીં, એકમાત્ર રાણી બનવાની હોય છે. એની ઝંખના રાજેશ્વરી નહીં, હૃદયેશ્વરી બનવાની હોય છે... મંદોદરી એક એવી સ્ત્રી છે, જે પોતાના પતિને ભૌતિક દૃષ્ટિએ નહીં, પણ ચૈતસિક સ્તરે ગુમાવી ચૂકી હોય. આ એક બાબત એવી છે, જેમાં મંદોદરી અને કૌશલ્યા માનીએ તેટલાં જુદાં નથી. દશરથ અને રાવણ વચ્ચે કોઈ જ સરખામણી ન હોઈ શકે. બંને વચ્ચે આભ-જમીનનું અંતર છે.... છતાં કૌશલ્યા અને મંદોદરીને જોડતા સેતુ પર અસહ્ય એવા દર્દનો મુકામ હતો. એ દર્દ એટલે પ્રિયતમા મટીને કેવળ પટરાણી બની ગયાનું દર્દ. મંદોદરીને સમજવાની ચાવી લોકોની નજરે ન પડે તેવા, છતાંય હૃદયને વલોવી નાખે તેવા મૂંગા દર્દમાં પડેલી છે.” (પૃ.૪૬૩-૪). રાજમહાલયમાં મંદોદરી અને અશોકવાટિકામાં સીતા, આ બંનેને સમાંતર ભૂમિકાએ મૂકીને તમે ‘સાગર પર સેતુબંધ અને મંદોદરીનો અશ્રુબંધ’ પ્રકરણનો જે રીતે અંત આણ્યો છે તે વસ્તુ અને શૈલી બંને દૃષ્ટિએ કલાત્મક છે: ‘સાગર પર સેતુબંધ રચાયો, પરંતુ રાવણના ભવ્ય રાજમહેલમાં પતિપત્ની વચ્ચે અશ્રુબંધ ન રચાયો. મંદોદરીનાં આંસુ કેવળ એક સન્નારીનાં આંસુ ન હતાં. એ અશ્રુપૂર્ણ આંખોમાં સમગ્ર સંસારની ખારાશ ભરેલી હતી. લંકાની અશોકવાટિકામાં એક હૃદય દિવસરાત ઝૂરી રહ્યું હતું. લંકાના રાજમહેલમાં બીજું હૃદય રડી રહ્યું હતું. સીતા રામના વિયોગે ઝૂરી રહી હતી. મંદોદરી પ્રેમના અભાવે આંસુ સારતી હતી.” (પૃ.૪૬૭) રામ-સીતા, લક્ષ્મણ-ઊર્મિલા, ભરત-માંડવી, અને શત્રુઘ્ન-શ્રુતકીર્તિના લગ્નપ્રસંગે અયોધ્યાથી મિથિલા આવેલા દશરથના રસાલામાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાનો ઉલ્લેખ નથી. એ જ રીતે જનકપુરીમાં થયેલી લગ્નવિધિમાં જનકની પત્નીનો ઝાઝો ઉલ્લેખ નથી એ તમે ખાસ નોંધ્યું છે તે સાચે જ નોંધપાત્ર છે. “સ્ત્રીઓ સાથે કેમ વર્તવું, તેની ખરી સમજણ કેળવવામાં પુરુષો સાવ જ ઠોઠ અને સ્વાર્થી સાબિત થયા છે. હજી આજે પણ એમનું પછાતપણું ટળ્યું નથી.” (પૃ.૫૯૦). આ તમારા શબ્દો સાવ વ્યાજબી છે. આ વિષયના ઉપસંહાર જેવા શબ્દો અવતરણક્ષમ છે : સમાજ કેટલો સભ્ય છે તે જાણવાની નિશાનીઓ અનેક છે. એક નિશાની છે: સ્ત્રીદાક્ષિણ્ય.... સ્ત્રીઓની પૂજા નથી કરવાની, એમની સાથેની મૈત્રીને સહજીવનની સુગંધથી મઘમઘતી કરવાની છે... પુરાણકાળના ‘સતીભાવ’ તરફથી કલિયુગમાં શરૂ થયેલા ‘સખીભાવ’ તરફની વિચારયાત્રા માનવતાની મંગલયાત્રા છે.” (પૃ.૬૪૭)

વિનમ્રતા

દર્શક ‘ઝેર તો પીધાં છે જાણી જાણી - ભાગ ૨’માં સ્પેનિશ આંતરવિગ્રહના બેત્રણ કિસ્સા અક્ષરશઃ ડૉ. જૂનોદના ‘Warrior Without Weapons’માંથી લીધા છે તે વિશેનું તેમનું નિવેદન મધુર અને માર્મિક છે. અવતરણ થોડું લાંબું છે છતાં આખું ટાંકું છું. આ મહાપુરુષ અને મહાન નવલકથાકારની અંતરસમૃદ્ધિનો ચિતાર આપે છે તે માટે જ નહિ પરંતુ ‘રામાયણ’ના સર્જનમાં પ્રસ્તુત છે માટે. “કોઈક વાર મૌલિકતાને અડિયલ ટટ્ટુની જેમ વળગી રહેવામાં મિથ્યાભિમાન પોષાય ને રસક્ષતિ પણ થાય, તેવું અનુભવે લાગ્યું છે. ‘દીપનિર્વાણ’માં પણ એક મહત્ત્વનો પ્રસંગ બીજેથી મેં ઉપયોગમાં લીધો હતો તે તેની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું. ઈતિહાસ એના વિશાળ અર્થમાં અતીતના વ્યક્તિગત ને સામૂહિક માનવમનનો વહીવંચો છે. એની વહીમાંથી કોઈ કોઈ વાર એવી અદ્ભુત હકીકત નીકળી આવે છે, જેની પાસે કલ્પનાનું સર્જન હાથ જોડી નતમસ્તકે ખસી માર્ગ આપે, તેમાં જ તેની શોભા છે. મૌલિકતાનો હુંકાર ત્યાં અવાંછનીય જ નહીં, અશોભનીય પણ બને છે.” (‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ભા.૨, અનુકથન પૃ.૨૮૨) પૂર્વસૂરિઓની સામગ્રીનો મબલખ ઉપયોગ કરવામાં - ઉત્ યોગ જ કહીશું? ઉત્કૃષ્ટ યોગ કરવામાં – તમે જે અસાધારણ નમ્રતા દાખવી છે અને આ સામગ્રીનો જે વિવેકપૂર્વક વિનિયોગ કર્યો છે તે અભિનંદનીય છે. તમારી જગ્યાએ બીજા કોઈપણ ઓછો આત્મવિશ્વાસ ધરાવતા લેખકે મૂળ કૃતિઓમાંથી આટલી બધી સામગ્રી શબ્દશઃ ન જ અવતારી હોત. વાચકનો ડર લાગે ને કે આમાં ગુણવંત શાહે શું કર્યું? વાલ્મીકિ, તુલસીદાસ, કાલિદાસ, ભવભૂતિ વગેરેનું જ બધું એકત્રિત કર્યું છે. આ વિશાળ સાહિત્યભંડારમાંથી ચૂંટી ચૂંટીને સામગ્રી રજૂ કરવામાં પણ ભવ્ય પુરુષાર્થ રહ્યો જ છે. પરંતુ આ ઉપરાંત લેખકને ભાષ્ય રૂપે મૌલિક, મહત્ત્વનું અને મૂલ્યવાન અર્પણ કરવાનું છે એના પૂરા આત્મવિશ્વાસ સાથે ભૂતકાળની સમૃદ્ધિનો ઉપયોગ આમાં થયો છે. આનું ઉત્તમોત્તમ દૃષ્ટાન્ત છે ભાસના ‘પ્રતિમાનાટકમ્’ના બીજા અંકનું દૃશ્ય જેમાં રામ, લક્ષ્મણ અને સીતાને વનમાં મૂકી આવીને મંત્રી સુમન્ત્ર રાજા દશરથને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે. આખું દૃશ્ય અનુપમસુંદર અને કરુણમધુર છે. જે રીતે દશરથ સુમન્ત્રના એકેએક શબ્દને વચ્ચે પડીને રોકે છે અને પોતાની તીવ્ર વ્યથાને વ્યક્ત કરે છે તે હૃદયદ્રાવક છે. સુમન્ત્ર જ્યાં કહેવા જાય છે કે બધાં જ મહારાજને.... ત્યાં તરત જ દશરથ કહે છે : ના, ના. કર્ણપ્રિય અને મારા હૃદયના માટે ઔષધ સમાન તેમનાં નામ લઈને જ સંભળાવ." જ્યાં સુમન્ત્ર એક નામ બોલે છે, આયુષ્યમાન રામ, ત્યાં વળી દશરથ, રામ! ઓ રામ! તેનું નામ સાંભળવાથી જાણે કે (તેણે) મને સ્પર્શ કર્યો હોય એમ લાગે છે.” અને દશરથ કહે છે કે “રામ, લક્ષ્મણ અને વૈદેહી - એ ક્રમ બરાબર નથી... રામ, વૈદેહી અને લક્ષ્મણ એમ કહો. અહીં તો રામ અને લક્ષ્મણની વચ્ચે મૈથિલી ભલે રહે. અરણ્યો અનેક દોષોથી ભરપૂર હોય છે, તેથી તે સનાથ થશે.” દશરથની વ્યથા હૃદય વીંધી નાખે તેવી તીવ્ર છે, એનું પાગલપન કિંગ લિયરની યાદ આપે તેવું મર્મવેધી છે. ભાસનું આ હીરાકણી જેવું દૃશ્ય અપ્રતિમ છે; વાલ્મીકિ, તુલસીદાસ, કાલિદાસ, ભવભૂતિ કે બીજા કોઈ પણ કવિ કે નાટ્યકારની આ દૃશ્યની જોડે તુલના થઈ શકે નહીં. આને લગભગ શબ્દશઃ ઉતારવામાં તમે ઉમદા અભિરુચિ બતાવી છે. તુલસીદાસને તમે પદે પદે યાદ કર્યા છે. આનું ઉત્તમ દૃષ્ટાન્ત છે : ‘જનની! મૈં ન જીઉં બિન રામ’ એ પ્રકરણ. મારે જો આખા ગ્રંથમાંથી એક જ પ્રકરણ પસંદ કરવાનું હોય તો હું આ પ્રકરણને પસંદ કરું. આખું પ્રકરણ મધુર, મનોરમ અને ભક્તિથી આર્દ્ર છે. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન, લક્ષ્મણ, સીતા અને ત્રણે માતાઓ તેમજ ઋષિ વસિષ્ઠની હાજરીમાં, એ ભક્તિનું ઉત્તુંગ શિખર છે. ભરત જેવા ભક્તહૃદયનું મનોરમ આલેખન તુલસીદાસ જેવા ભક્તકવિ કરી શકે તેવું મહાકવિ વાલ્મીકિ પણ ન કરી શકે. ઘડીભર વાલ્મીકિને કોરે મૂકીને તુલસીદાસને જ રજૂ કરવામાં તમે ઉત્કૃષ્ટ અભિરુચિ અને વિવેકદૃષ્ટિ દાખવી છે. ‘જનની! મૈં ન જીઉં બિન રામ.’ એ તુલસીદાસના ભજનને યાદ કરવામાં કેટલું બધું ઔચિત્ય છે! ચિત્રકૂટના મિલાપમાં વસિષ્ઠમુનિ કહે છેઃ “કેહિ બિધિ અવધ ચલહિ રઘુરાઉ” (રામ કેવી રીતે અયોધ્યા આવે તેનો ઉપાય શોધી કાઢવાનો છે.), રામના શબ્દો ‘ભરત ભગતિ બસ ભઈ મતિ મોરી” (મારી બુદ્ધિ તો ભરતની ભક્તિને વશ બની ગઈ છે.) અને અયોધ્યામાં ભરતની રામભક્તિ "બાદિ મોર સબુ બિનુ રઘુરાઈ” (રઘુનાથ વિના મારે માટે બધું જ નકામું છે.) (પૃ.૨૧૪, ૨૨૧-૨૨૨). મને એવો વિચાર આવે છે કે સમગ્ર ગ્રંથમાં મોતીની જેમ વિખેરાયેલી તુલસીદાસની પંક્તિઓને ભેગી કરી હોય તો ‘રામચરિતમાનસ’ની કેટલી બધી સમૃદ્ધિ પામી શકાય? સીતાની સખી પહેલી વાર રામ-લક્ષ્મણને જોઈને ભાવવિભોર બની જાય છે અને રામના સૌન્દર્યથી અભિભૂત બનીને એને વર્ણવી શકતી નથી ત્યારે એક વર્ણમધુર અને લયમંજુલ પંક્તિમાં તુલસીદાસની વાણી નર્તી ઊઠે છે : ગિરા અનયન નયન બિનુ બાની (પૃ.૬૯) અયોધ્યા છોડીને પિતાની આજ્ઞાને માન આપીને વનમાં વસવાનો રામ નિર્ણય કરે છે ત્યારે તુલસીદાસે કૌશલ્યાના મુખમાં મૂકેલા શબ્દોનું વર્ણમાધુર્ય પણ અનુપમ છે :

બડભાગી બનુ અવધ અભાગી,
જો રઘુબંસતિલક તુમ્હ ત્યાગી. (પૃ.૧૫૦)

(હે રઘુકુલતિલક! વન ભાગ્યશાળી છે અને અયોધ્યા ભાગ્યહીન છે, કારણ કે રામે અયોધ્યાનો ત્યાગ કર્યો છે.)

ભક્તિનો મહિમા તો ભક્ત કવિ તુલસીદાસ જ કરી જાણે ને -
ભગતિ ભગત સુખદાઈ. (પૃ.૨૫૧)

(ભક્તિ ભક્તોને સુખ આપનારી છે.)

ભગતિ તાત અનુપમ સુખમૂલા!
મિલઈ જો સંત હોઈ અનુકૂલા II (પૃ.૨૫૧)

(હે ભાઈ! ભક્તિ અનુપમ છે અને સર્વ સુખનું મૂળ છે. સંત પુરુષો અનુકૂળ થાય ત્યારે તે પ્રાપ્ત થાય છે.)

અત્રતત્ર તુલસીદાસની સૂક્તિઓ માત્ર ઉપદેશાત્મક નથી, કાવ્યાત્મક પણ છે :

સુમતિ કુમતિ સબ કે ઉર બસહી!
નાથ પુરાન નિગમ અસ કહહીં!
જહાં સુમતિ તહઁ સંપતિ નાના ।
જહાં કુમતિ તહઁ બિપતિ નિદાના || (પૃ.૪૩૯)

(હે નાથ! વેદ અને પુરાણમાં કહ્યું છે કે બધાનાં હૃદયમાં સુબુદ્ધિ અને કુબુદ્ધિ વસે છે. જ્યાં સુબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારની સુખ-સમૃદ્ધિ હોય છે અને જ્યાં કુબુદ્ધિ હોય ત્યાં વિનાશ જ હોવાનો.) અને અલબત્ત, ભવભૂતિ અને તેની અમર કૃતિ ‘ઉત્તરરામચરિત’. રામના ઉત્તર પ્રાચીનોએ સાચું જ કહ્યું છે : उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते – રામના ઉત્તર જીવનના આલેખનમાં વાલ્મીકિ, કાલિદાસ, તુલસીદાસ, ભવભૂતિના પુરાગામીઓ કે અનુગામીઓ ભવભૂતિના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી. રામ-સીતાના ઉત્તરજીવનના વિરહની વેદનાના કરુણરસના આલેખનમાં ભવભૂતિ અપ્રતિમ છે. તમે મુક્ત મને અને બહોળા હાથે ‘ઉત્તરરામચરિત’માંથી, લગભગ બધા જ અંકમાંથી અનેક શ્લોકો, સંવાદો, પ્રસંગો શબ્દશઃ નિરૂપ્યા છે. ત્રીજો છાયાઅંક તો ભવભૂતિની કાવ્યાત્મકતા અને નાટ્યાત્મકતાના સંમિલનનું અપૂર્વ દૃષ્ટાન્ત છે. ત્રીજા અંકમાં સીતા અને તમસા રામ-વાસંતીને જોઈ શકે છે, પણ રામ અને વાસંતી સીતા-તમસાને જોઈ શકતા નથી-અલબત્ત, પ્રેક્ષકવૃન્દ સર્વજ્ઞની સ્થિતિમાં હોઈ બન્ને યુગ્મને જોઈ શકે છે –અને રામ-વાસંતીના સંવાદો, સીતા-તમસાના સંવાદો અને આ બન્નેના એકમેક સાથેના સંવાદો કેવા સ્વતંત્ર રહે છે છતાં ભળી જાય છે તેનું ભવભૂતિનું સંવિધાનકૌશલ નાટ્યકાર તરીકેની ભવભૂતિની પ્રતિભાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાન્ત છે. સીતાની, સવિશેષ તો રામની વેદનાનું તીવ્ર આલેખન કાવ્યમયતાની ઉત્કટ કોટિએ પહોંચે છે. આ જ પ્રમાણે સાતમા અંકની ગર્ભનાટકની યોજના, નાટકમાં નાટક નિરૂપવાની કળા, વિશ્વનાટ્યસાહિત્યનો પ્રથમ અને પરમ નમૂનો છે. આ અને આવા અનેક મર્મચ્છિદ્ પ્રસંગો તમે તમારી કૃતિમાં ઉદારતાથી ઔચિત્યપૂર્વક આમેજ કર્યા છે. વળી, ઉમાશંકરના અનુવાદની પ્રસ્તાવનામાંથી પણ થોડીક ઉત્તમ સામગ્રીનો, ખાસ કરીને રાજધર્મ વિરુદ્ધ પ્રેમધર્મનો – “રામે સીતાનો પરિત્યાગ કરીને રાજધર્મ પાળ્યો છે અને સીતાની સુવર્ણ પ્રતિમા અશ્વમેધ યજ્ઞમાં મૂકીને પ્રેમધર્મ સાચવ્યો છે.”(પૃ.૬૫૭) – તમે યોગ્ય, વિનિયોગ કર્યો છે. આ સૌ સુશોભનસામગ્રીથી તમારા ગ્રંથનો અંતિમ ભાગ મનહર અને મનભર બન્યો છે. ‘મારું માણેકડું રીસાવ્યું, રે શામળિયા’ એ પ્રેમાનંદના કરુણમધુર પદની છેલ્લી પંક્તિ છે : " ‘ચાર ઘડી પૂંઠે સરવે પડજો’ - હળધર રાખે વારી.” તમે પણ ચાર ઘડી વાલ્મીકિને પૂંઠે રાખી ભવભૂતિની સંગાથે ચાલવાનું રાખ્યું તે સર્વથા ઉચિત કર્યું. છતાં તમે તમારા ગ્રન્થનું સમાપન વાલ્મીકિને સ્મરીને કર્યું છે તે તમારી વિવેકબુદ્ધિને ધન્યવાદ ઘટે છે. ભવભૂતિએ ‘ઉત્તરરામચરિત’ના અંતમાં રામસીતાના આનંદમંગલનો ઉત્સવ રચ્યો છે. જનક, વસિષ્ઠ, અરુંધતી, વાલ્મીકિ, લક્ષ્મણ, ત્રણે માતાઓ, લવકુશ આ સૌની હાજરીમાં રામસીતાનું મંગળમિલન સર્જાય છે. ભવભૂતિએ સાતમા અને છેલ્લે અંકનું ‘संमेंलनम्’ એવું સુંદર નામ પણ પાડ્યું છે. બરોબર આ ધન્ય પળે શત્રુઘ્ન પણ શત્રુ ઉપર વિજય મેળવીને આવી પહોંચે છે. લક્ષ્મણના મોંમાં ભવભૂતિએ સુંદર શબ્દો મૂક્યા છે: “કલ્યાણો ઉપરાઉપરી આવી લાગતાં હોય છે.” રામ કહે છે: “આ બધું અનુભવતાં છતાં મને તે માન્યામાં આવતું નથી, અથવા તો અભ્યુદયોનો આ સ્વભાવ જ હશે.” વાલ્મીકિ પૂછે છેઃ "રામભદ્ર, કહો, તમારું બીજું શું પ્રિય કરું?" રામ : ‘આથી વળી અધિક પ્રિય કાંઈ હશે?” આ મંગળમધુર કલ્યાણકારી વચનો સાથે ‘ઉત્તરરામચરિત’ નાટક પૂરું થાય છે. ભવભૂતિએ કલાત્મક રીતે આયાસસિદ્ધ ન લાગે તેવી રીતે સહજ સુખાંત યોજ્યો છે. ભરતાચાર્યની આજ્ઞા છે કે નાટક સુખાંત હોવું જોઈએ. ભવભૂતિ તેને અનુસરે છે. एको रसः करुणमेव કહેનાર નાટ્યકાર અદ્ભુત કરુણ નાટકનો પણ કરુણાંત નથી યોજતા. મૂળ વાલ્મીકિ રામાયણમાં સીતાનો વિલય થાય છે તેને બદલે ભવભૂતિએ ચમત્કાર સર્જ્યો છે અને સીતા ગંગા અને પૃથ્વી એ બે દેવતાઓ સાથે પાછી આવે છે. ભવભૂતિએ ગમે તેટલા કૌશલથી આ સુખાંત સર્જ્યો હોવા છતાં વિશ્વસાહિત્યનું એક કરુણતમ નાટક અંતે અધૂરપની લાગણી મૂકી જાય છે. મહાકવિ વાલ્મીકિને આવું બંધન નડ્યું નથી. વાલ્મીકિએ તો સીતાનું આત્મવિલોપન પૃથ્વીની ગોદમાં થતું નિરૂપીને મહાકાવ્યમાં કરુણ અને ભવ્યની સંક્રાન્તિ સર્જી છે. આ ભવ્ય દૃશ્યને તમે વાલ્મીકિના શબ્દો અને તમારા ભાષ્યથી ઝીલ્યું છે :

યથાહં રાઘવાદન્યં મનસાપિ ન ચિન્તયે!
તથા મે માધવી દેવી વિવરં દાતુમર્હતિ ।

“હું રઘુનાથ સિવાયના કોઈ અન્ય પુરુષનું મનથી પણ ચિંતન નથી કરતી. જો આ વાત સત્ય હોય તો ભગવતી પૃથ્વીદેવી મને પોતાની ગોદમાં સમાવી લે.”

મનસા કર્મણા વાચા યથા રામ સમર્ચયે!
તથા મે માધવી દેવી વિવરં દાતુમર્હતિ ।

“જો હું મન, કર્મ અને વચનથી કેવળ રામની જ આરાધના કરતી હોઉં તો ભગવતી પૃથ્વીદેવી મને પોતાની ગોદમાં સમાવી લે."

યથૈતત્ સત્યમુક્તં મે વેદ્મિ રામાત્ પરં ન ચ ।
તથા મે માધવી દેવી વિવરં દાતુમર્હતિ!

“રામ સિવાયના અન્ય કોઈ (પુરુષ)ને હું જાણતી નથી. જો મારી આ વાતમાં સત્ય હોય તો ભગવતી પૃથ્વીદેવી મને પોતાની ગોદમાં રસમાવી લે.” તમારું ભાષ્ય પણ અવતરણક્ષમ છે : “લોકો સીતાના શબ્દો સાંભળતા રહ્યા. પૃથ્વીની પુત્રી સીતા પૃથ્વીમાતાને કહી રહી હતી : ‘હે માતા! મને તારી ગોદમાં સમાવી લે.’ જનકનંદિની સીતાનું રૂપસૌન્દર્ય ભવ્ય હતું, પરંતુ જે સીતા સભાની વચાળે ઊભી રહીને પૃથ્વીમાતાને પ્રાર્થી રહી હતી, તે સીતાનું શીલસૌન્દર્ય દિવ્ય હતું. લોકોને થયું કે સાક્ષાત્ પવિત્રતા સભાની વચાળે દેહ ધારણ કરીને ઊભી છે. પૃથ્વીમાતાને પ્રાર્થના કરી રહેલી સીતાના ચહેરા પર કાંતિ અને શાંતિની શોભા હતી. એનાં અંગપ્રત્યંગમાંથી લજ્જાની સાથસાથ ગરિમા પણ પ્રગટ થઈ હતી. એ રામની પત્ની હતી; લવ-કુશની માતા હતી અને વાલ્મીકિના આશ્રમની તપસ્વિની હતી. રામ પણ એને જોતા જ રહ્યા.” (પૃ.૬૭૩) આ ગૌરવગ્રન્થનો આવો ઉત્તમ શાંત વાતાવરણમાં અંત આવે છે એ જ એની ગરિમા છે.

ગદ્યશૈલી

વક્તવ્ય અને અભિવ્યક્તિ બન્નેનો જ્યારે સુમેળ થયો છે ત્યાં પરિણામ રૂડું આવ્યું છે. આનું સૌથી ઉત્તમ દૃષ્ટાન્ત છે શ્રમશક્તિ અને શ્રમસત્તા એ શબ્દપસંદગીનો વિવેક : “બ્રાહ્મણો પાસે જ્ઞાનસત્તા હતી. ક્ષત્રિયો પાસે રાજ્યસત્તા હતી. વૈશ્યો પાસે વિત્તસત્તા હતી. શૂદ્રો પાસે શ્રમશક્તિ હતી... શૂદ્રો પાસે શ્રમશક્તિ હતી, પરંતુ શ્રમસત્તા ન હતી.... કાર્લ માર્ક્સ જેવા મહાન ક્રાંતિકારીએ માનવ-ઇતિહાસમાં પહેલી વાર શોષિતોની શ્રમશક્તિને શ્રમસત્તામાં ફેરવી નાખી.” (પૃ.૪૩) આવી જ સુંદર શબ્દપસંદગી રાજેશ્વરી-હૃદયેશ્વરીની છે : “મંદોદરી પટરાણી હતી એનો અર્થ જ એ કે એ અન્ય રાણીઓમાં મુખ્ય હતી. સ્ત્રીની મૂળભૂત ઝંખના મુખ્ય રાણી બનવાની નહીં, એકમાત્ર રાણી બનવાની હોય છે. એની ઝંખના રાજેશ્વરી નહીં, હૃદયેશ્વરી બનવા હોય છે.” (પૃ.૪૬૩) રામના રાજ્યાભિષેક માટેની દશરથની અવિવેકી ઉતાવળ માટેનું તમારું નિરીક્ષણ નોંધપાત્ર છે : “આસક્તિ કુપુત્ર દુર્યોધન પ્રત્યે હોય કે સુપુત્ર રામ પ્રત્યે હોય, પણ આસક્તિ આખરે આસક્તિ જ છે. આસક્તિ શુભના પ્રદેશની હોય કે અશુભના પ્રદેશની હોય, પરંતુ આખરે તો એ માણસને પીડા પહોંચાડે જ છે. ધૃતરાષ્ટ્રના મોહ અને દશરથના મોહ વચ્ચે સરખામણી ન હોઈ શકે, પરંતુ મોહનો સેતુ બન્નેને જોડનારો છે.” (પૃ.૧૧૨) ઋષિ શબ્દની તમારી વ્યાખ્યા મૂલગામી છે : “જ્ઞાનની સાધના કરે તે આચાર્ય. કર્મને કર્મયોગની કક્ષાએ લઈ જાય તે યોગી. ભક્તિને અવ્યભિચારિણી રાખીને કરુણા વરસાવે તે સંત. આચાર્ય, યોગી અને સંત એક જ મહામાનવમાં સમન્વય પામે ત્યારે માનવજાતને ઋષિ પ્રાપ્ત થાય છે.” (પૃ.૫૯૧) “કૌશલ્યા દશરથકેન્દ્રી હતી, પરંતુ દશરથ કૈકેયીકેન્દ્રી હતા. મંદોદરી રાવણોન્મુખ હતી, પરંતુ રાવણ સીતાકાંક્ષી હતો.” (પૃ.૫૧૬-૭) આ શબ્દો ભર્તૃહરિના સુપ્રસિદ્ધ શ્લોકમાં ચિન્તયામિ સતતં મયિ સા વિરક્તા... ધિક્ તામ્ ચ તમ્ ચ મદનં ચ ઈમામ્ ચ મામ્ ચની યાદ અપાવે છે. ક્યારેક સાવ સાદા શબ્દોમાં ઊંડું ચિંતન સિદ્ધ થયું છે: “ઊઠી જવું એ શારીરિક ઘટના છે, જાગી જવું એ તો મોટી ઉપલબ્ધિ છે.” (પૃ.૪૮૬) સહજભાવે સિદ્ધ થતા ગદ્યલયનાં કેટલાંક દૃષ્ટાન્તો પણ મનોરમ છે : “જો લક્ષ્મણ અને ઊર્મિલાનો પ્રેમ દેહકેન્દ્રી હોત, તો લક્ષ્મણની તિતિક્ષા અને ઊર્મિલાની પ્રતીક્ષાનો પ્રસાદ આટલો ઊર્ધ્વગામી ન હોત.” (પૃ.૫૩૧) “સીતા રામના વિયોગે ઝૂરી રહી હતી. મંદોદરી પ્રેમના અભાવે આંસુ સારતી હતી.” (પૃ.૪૬૭) “ગુનો પૃથ્વીય છે, ક્ષમા આકાશીય છે. ગુનો નિંદનીય છે, ક્ષમા વંદનીય છે.” (પૃ.૧૦૯) “જીવનમાં બે ધારાઓ સદાય સમાંતરે ચાલતી રહે છેઃ પ્રારબ્ધ અને પુરુષાર્થ, નિયતિ અને નિર્ણય, નસીબ અને પસંદગી, કર્મફળ અને કર્મયાત્રા!” (પૃ.૫૬૪)

ટીકાટિપ્પણો

થાય છે કે અહીં જ અટકી જઈએ. આવા ઉત્તમ ગ્રંથના આકલનથી આપણે તરપાઈ ગયા. હવે વધારાની છેડછાડ શા માટે? જોકે સાચું કહું તો આટલી પ્રશંસા કરવાની મારી વૃત્તિ હતી જ નહીં! પણ તમારી કૃતિની સમૃદ્ધિના વેગમાં તણાવાનું અનાયાસે સહજભાવે બન્યું. તો ભલે. એ ઇષ્ટ જ છે. મૂળ પ્રયોજન તો ટીકા કરવાનું જ હતું. તમે બખ્તર ધારણ કરી લેજો. મારે કઠોરતાથી કૈંક કહેવાનું છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષી અને જયંત કોઠારીના ગયા પછી કોઈ કટુકઠોર ટીકા કરે છે ખરું? જોડકણાકારો કે પેટિયું રળવા માટે લખનારાઓની વાત હું નથી કરતો. એમની ટીકા કરવામાં કંઈ જ પ્રયોજન નથી. પણ જેમનામાં સર્જકતા છે, જેમને સાહિત્યકાર તરીકે પ્રતિષ્ઠા મળી છે એમની ટીકા પણ જો ન થાય તો સાહિત્યનાં, ઉત્તમ સાહિત્યનાં ધોરણો સ્થપાય જ નહીં! તમારા પ્રત્યેના સદ્ભાવથી પ્રેરાઈને જ આ ટીકા કરું છું એમ કહું તો સાચું માનશો ને? ભવિષ્યમાં કદાચ તમને ઉપયોગી નીવડે એ જ મારું પ્રયોજન. તમે એકથી વધુ વાર વાલ્મીકિને ટાંક્યા છે :

સુલભાઃ પુરુષા રાજન્ સતતં પ્રિયવાદિનઃ ।
અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભઃ ||

મારી ટીકા સાચી જ છે એમ માનવાનું કોઈ કારણ નથી. મને આવી મર્યાદાઓ દેખાઈ છે એટલું જ. આવી મારી સમજણ છે. જેટલી સહજભાવે પ્રશંસા કરી છે એટલી સહજતાથી ટીકા નથી કરી. સમજીબૂઝીને જાણીવિચારીને જરૂર પડી ત્યાં મૂળ સંદર્ભ જોઈને, થોડુંક મંથન અનુભવીને ટીકા કરી છે. પુનરુક્તિનો દોષ વહોરીને કહું છું કે ભવિષ્યમાં આમાંની કોઈક ટીકા પણ તમને ઉપયોગી નીવડે તો તે તમારા અને ગુજરાતી સાહિત્યના હિતમાં જ છે.

શરૂ કરતાં પહેલાં

ઉદાર તવ ઉરની પ્રથમથી જ ક્ષમા ચહું.

• મને સૌથી વધારે કઠે છે શૈલીવેડા. શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા, હજી તો ગ્રંથની શરૂઆત પણ નથી થઈ. માત્ર પ્રસ્તાવના જ શૈલીદાસ્યની ચાડી ખાય છે. પ્રસ્તાવનાના અંતે શબ્દો છે : વિજયાદશમી તા. ૧૫-૧૦-૨૦૦૨ ટહુકો, વડોદરું ૩૧૦૦૨૦

આ "વડોદરું" શું છે? હા, હા, મને ખબર છે,

વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે, ગામ જી;
ચતુર્વિશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી;

આ પ્રેમાનંદી વડોદરું છે. પણ એ ગુણવંતી વડોદરું કેવી રીતે બને? ગુણવંતભાઈ, કાકાસાહેબે કહ્યું છે, ‘અનુકરણ એટલે જ મરણ.’ • મારે જો તમને ગાળ દેવી હોય તો કહું કે તમારી શૈલી ઉપર સુરેશ દલાલની શૈલીની અસર છે. સુ.દ. ગદ્યમાં પણ પ્રાસાનુપ્રાસો જેવી કવિતાની કૃત્રિમ કરામતો યોજે છે. એનું એક જ દૃષ્ટાંત આપું : સુ.દ. સંપાદિત ‘કવિતા’નો ૨૦૦મો અંક પ્રગટ થયો. ૩૪ વર્ષ અને ૨૦૦ અંક, એક જ સંપાદકના અનન્ય પુરુષાર્થનું અને કાવ્યપ્રેમનું સમગ્ર ભારતીય ભાષાસાહિત્યમાં અ-પૂર્વ અર્પણ. ભોળાભાઈ પટેલે આ અંકની ‘પરબ’માં નોંધ, અલબત્ત પ્રશંસાત્મક, લીધી છે. ૨૦૦મા અંકની પ્રસ્તાવનામાંથી સુ.દ.ને ટાંક્યા છે કે ‘કવિતા’ નવસારીથી ન્યૂઝીલેન્ડ કે મહેસાણાથી મૅનહટન સુધી જાય છે. આવી બિરદાવતી નોંધમાં પણ ભોળાભાઈથી રહેવાયું નહીં એટલે નવસારીથી ન્યૂઝીલેન્ડ ને મહેસાણાથી મૅનહટન પછી કૌંસમાં ભોળાભાઈ ઉમેરે છે : (સુ.દ.શૈલી). તમારી આવી જ સ્થિતિ છે. તમે પોતે જેના ઉપર ખુશ છો એ જ દૃષ્ટાંત આપું : “રામકથા ત્રણ નદીઓને કિનારે આકાર પામી છે. (૧) સરયૂ સૂર્યવંશી રાજધર્મની સવિતા છે. (૨) તમસા આરણ્યક ઋષિધર્મની કવિતા છે. (૩) ગોદાવરી એકત્વમૂલક પ્રેમધર્મની સરિતા છે.” (પૃ.૨૭) સારું છે ત્રણ જ નદીઓ છે; નહિતર શુચિતા, મુદિતા અને બીજી -ઇતાઓને પણ લાભ મળત. ગોદાવરી ‘સરિતા’ છે તો સરયૂ-તમસા સરિતા નથી? ‘સવિતા’ દ્વારા પ્રકાશનો જે અર્થ તમને અભિપ્રેત છે તે તમારા કેટલા વાચકો સુધી પહોંચી શક્યો હશે? આ અન્ત્યાનુપ્રાસની ગદ્યમાં અશોભન શબ્દરમત છે. આ નાનાલાલીય વાગાડંબર છે. રૂપાળા શબ્દો ખખડાવીએ તો કાનને મીઠા લાગે પણ તેમાંથી કંઈ અર્થ / સત્ત્વ નીકળે નહીં. • તળપદા શબ્દોનો મોહ પણ શૈલીમાં કૃત્રિમતા લાવે છે, સરળતા કે સહજતા નહીં. “માનવજાતે એટલી ધાડ તો મારી જ છે કે યુદ્ધ અટક્યું નથી તોય શક્તિનું મહત્ત્વ એને સમજાયું છે.” (પૃ.૯૬). આ ‘ધાડ મારી’ એ colloqial અને અનુચિત શબ્દપ્રયોગ છે. ‘ભરતનું હૃદય શરદપૂર્ણિમાના આકાશ જેવું સ્વચ્છ અને નિરભ્ર હતું. રામ પ્રત્યેના એના આદરમાં ક્યાંય કોઈ ગાંઠોગળફો ન હતો.” (પૃ.૨૧૧). આ સંદર્ભમાં ‘ગાંઠોગળફો’ અભદ્ર શબ્દપ્રયોગ લાગે છે. “ઈન્દ્રજિત સંસ્કાર વગરની સમૃદ્ધિનું વરવું ફરજંદ હતો. એ વિભીષણનો ઉપહાસ કરે ત્યારે પોતાના મિથ્યાભિમાનની ઊલટી પણ કરે છે.” (પૃ.૪૯૦) આ એક વરવો શબ્દપ્રયોગ છે. “વચ્ચે વચ્ચે વાલ્મીકિ અને તુલસીદાસને પણ મળતા રહીશું, પરંતુ મુખ્યત્વે ભવભૂતિની પાછળ પાછળ હીંડવાનું રાખીશું.” (પૃ.૫૪૯). ‘ચાલવાનું’ને બદલે ‘હીંડવાનું’ રાખવાથી તળપદી ભાષાની મીઠાશને બદલે કૃત્રિમતાનો જ અનુભવ થાય છે. “પુરુષોના વ્યભિચાર પર કોઈ બંધનો ન હતાં. બધાં બંધનો સ્ત્રીઓને જ લપેટમાં લેનારાં હતાં.” (પૃ.૫૧૭). આ ‘લપેટ’ અસુભગ શબ્દપ્રયોગ છે. “જે કંઈ રામ અને ઋષિ વચ્ચે રંધાઈ રહ્યું હતું તેની ખબર લવ-કુશને કે... નગરજનોને ક્યાંથી હોય?” (પૃ.૬૬૮). આ ‘રંધાઈ’ અસહ્ય છે. રામચંદ્ર અને વાલ્મીકિ ઋષિ જાણે કાવતરાખોરો હોય અને એમની વચ્ચે કંઈ કાવતરું ‘રંધાઈ’ રહ્યું હોય એ સર્વથા અવિવેકી સૂચન આ અપપ્રયોગથી, તમને અનભિપ્રેત હોવા છતાં, ઉદ્ભવે છે. ‘બેડો પાર’ તમારો માનીતો શબ્દપ્રયોગ છે. જ્યાં તક મળી ત્યાં તમે એનો પ્રયોગ કર્યો છે. આ ગ્રંથના છેલ્લા શબ્દો છે : “મહામાનવ એવા મર્યાદાપુરુષોત્તમ રામને, ભગવતી સીતાને અને કર્તવ્યતત્પર હનુમાનજીને સ્મરણવંદના પાઠવીને આ ગ્રંથને વિરામ આપીએ. જ્યાં ગ્રંથ વિરામ પામે ત્યાં જો ધર્મોદય, વિચારોદય અને જીવનોદય થાય તો બેડો પાર!” (પૃ.૬૭૬). તમે જરા સંસ્કૃત તત્સમ શબ્દો આ બે વાક્યોમાં તો ગણી જુઓ. ક્રિયાપદો કે અવ્યયો કે પ્રત્યયો સિવાય લગભગ બધા જ શબ્દો ગીર્વાણ ગિરાના છે અને તેની જોડે ‘બેડો પાર’! શબ્દ પોતે સારો કે ખરાબ નથી હોતો એ તો આપણે સારી રીતે જાણીએ છીએ પણ સંદર્ભમાં એની શોભા મૂલવવાની રહે. વાલ્મીકિના મહાકાવ્ય રામાયણના મૂલ્યવાન ભાષ્યના છેલ્લા બે શબ્દો ‘બેડો પાર’ કેવી રીતે શોભે? કથાવિષય, વાલ્મીકિ, તુલસીદાસ, કાલિદાસ, ભવભૂતિનાં અવતરણો, તત્ત્વાન્વેષણ, ગંભીર વિષયની ચર્ચામાં સંસ્કૃત શબ્દોની પ્રૌઢી શોભે, આમાં બોલગાલના પ્રાકૃત શબ્દો અશોભનીય લાગે છે. એકથી વધુ વાર (પૃ.૨૪૯, ૩૭૩) તમે ‘અલૌકિક અધ્ધરતા’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. આ મિયાં-મહાદેવનો મેળ કેવી રીતે મળે? • ‘ભીનું’ ‘ભીની’ ‘ભીનાશ’ આ શબ્દ માટે તમને ગજબનો પક્ષપાત છે. તમે પચાસેક વાર તો આ શબ્દોનો પ્રયોગ કર્યો જ હશે. તમારું હૃદય ‘ભીનું’ છે, તમારી ભક્તિ ‘ભીની’ છે, તમારી શ્રદ્ધા પણ “ભીની’ છે. પૃ.૧૪૪ ઉપરનાં ત્રણ વાક્યો જુઓઃ “રામકથા.... આપણા હૃદયને ભીનું કરનારી છે. હૃદય ભીનું હોય ત્યારે જ... શુભ સ્પંદનો ઝીલવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ભક્તિનું સૌન્દર્ય ભીનું હૃદય જ પામી શકે.” ‘ભીનું’ શબ્દનો આ અતિરેક છે. આપણી ભાષામાં જ્યારે સંવેદનશીલ, આર્દ્ર જેવા સુમધુર સાર્થ શબ્દો ઉપલબ્ધ હોય ત્યારે ‘ભીનું’ શબ્દ વાપરવાની લેખક ઉપર શા માટે ફરજ પડવી જોઈએ? • તમારા એક શબ્દપ્રયોગ માટે તો મને તમારી સામે લડી લેવાનું મન થાય છે. આવો અવિવેક અને અપપ્રયોગ તમે કરી જ કેવી રીતે શકો? પૃ.૫૮૦ ઉપરના તમારા શબ્દો ટાંકું છું: “રામ મહામાનવ હતા તોય કેટલીક માનવસહજ મર્યાદાઓથી મુક્ત શી રીતે હોઈ શકે? પોતાની પત્ની રાવણ જેવા દુષ્ટને ત્યાં દિવસો સુધી સુરક્ષિત રહે તોય વણબોટાયેલી શી રીતે રહી શકે?” અરેરે, આ ‘વણબોટાયેલી’ જેવો શબ્દપ્રયોગ તમારાથી થઈ જ કેવી રીતે શકે? તમને આપેલા Womens’ liberનાં બધાં જ કોમ્પ્લિમેન્ટ્સ પાછાં લઈ લેવાનું મન થાય છે. સ્ત્રીઓ માટે આવો હલકો વિચાર કેળવી જ કેવી રીતે શકાય? વારંવાર અકારણ નિષ્પ્રયોજન મૂળ સંસ્કૃત શબ્દો ટાંકવાની તમારી શૈલીની એક લઢણ મને બિલકુલ સમજાતી નથી. નથી આ સંસ્કૃત શબ્દો મૂળનું કાવ્યાત્મક સૌન્દર્ય વ્યક્ત કરવા માટે ટાંકવામાં આવ્યા છે, નથી એ આધાર માટે જરૂરી, નથી કોઈ વાત કે વિચારનું ભારપૂર્વક પ્રતિપાદન કરવા માટે જરૂરી – આનું શું પ્રયોજન છે એ મારી સમજણથી પર છે. મૂળ સંસ્કૃત શબ્દો કૌંસમાં આપવાથી શબ્દનું સૌન્દર્ય, અર્થની સમૃદ્ધિ, વિચારની વિશદતા કંઈ પણ સિદ્ધ થતું હોય એવું લાગતું નથી. ઊલટું અર્થહીન પુનરુક્તિની ઠોકર વાગતી હોય એવો અનુભવ થાય છે. માત્ર એક જ પાના ઉપર કેટકેટલી વાર આ બન્યું છે. તેનું દૃષ્ટાંત, બલ્કે તેનાં દષ્ટાંતો છે : પૃ.૯૭. ‘“હવે આપની ચતુરંગિણી સેના તમારી દોરવણી હેઠળ અયોધ્યા ભણી પ્રસ્થાન કરે. (અયોધ્યામુખી સેના ત્વયા નાથેન પાલિતા)”.... “ચારે પુત્રવધૂઓ રેશમી સાડીઓમાં શોભતી હતી (શોભિતાઃ ક્ષૌમવાસસઃ)’... “બેટા! આ તારા મામા કેકયકુમાર વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે. (ત્વાં નેતુમાગતો વીરો યુધાજિન્માતુલસ્તવ)”.. “રામના શીલ અને સદ્વ્યવહારને કારણે રાજ્યમાં રહેતા સૌ (રામસ્ય શીલવૃત્તેન સર્વે વિષયવાસિનઃ)”... ‘રામના સદ્ગુણોને કારણે સીતાના હૃદયમાં રામ બમણા પ્રીતિપાત્ર બની રહ્યા” (દ્વિગુણં હૃદયે પરિવર્તતે)... "સીતા દેવાંગના જેવી સુંદર હતી અને સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપા (શ્રીરિવ રૂપિણી)”. સમગ્ર ગ્રંથમાં ઠેર ઠેર એવું જોવા મળે છે. આ અવતરણોએ મને મૂંઝવ્યો છે. ‘તારા મામા વીર યુધાજિત્ તને લેવા માટે આવ્યા છે.” એ હકીકત કથાના પ્રવાહ માટે કદાચ જરૂરી હોય પણ એ જ વાત ફરીથી સંસ્કૃતમાં કહેવાનું શું સ્વારસ્ય છે? ન જાને. • સંસ્કૃતના અનુવાદોમાં ક્યારેક શબ્દપસંદગી ઔચિત્યપૂર્ણ નથી. વાલ્મીકિ રામાયણમાં... રાવણ સીતાના સૌન્દર્યનું વર્ણન કરે છે: “એના શરીરનો મધ્યભાગ પાતળો છે, એની કમ્મરની પાછળનો ભાગ (નિતંબ) મોટો છે..." અહીં તમને ‘પાછળનો’ને બદલે ‘નીચેનો’ અને ‘મોટો’ને બદલે ‘પુષ્ટ’ અભિપ્રેત છે. (પ્ર.પૃ.૨૬-૨૭) ‘સંહતસ્તનીમ્’ના અનુવાદ ‘એનાં સ્તન પરસ્પર ભિડાયેલાં હતાં”માં મૂળનું સૌંદર્ય હણાય છે. (પૃ.૩૯૨). પૃ.૬૦૨ પરની પાદટીપ વાંચીને જે આઘાત અનુભવ્યો તેની કળ હજી વળી નથી. ‘વિતરતિ ગુરુ પ્રાજ્ઞે વિદ્યાં યથૈવ તથા જડે’ એ સુપ્રસિદ્ધ શ્લોકનો ઉમાશંકરનો અનુવાદ તમે આપ્યો છે :

ચતુર જડ બને વિદ્યા ગુરુ સરખી જ દે,
વળી સમજવાની શક્તિ ના કરે વધુ ઓછી વા;
ફરક ફળમાં આવે મોટો છતાં, જ્યમ સ્વચ્છ કો
મણિ ઝીલી શકે ને મૃત્પિંડ ગ્રહે પ્રતિબિંબ ના.

આ શ્લોક વિશે તમારી પાદટીપ છે : “ગુરુ તો ચતુર અને ઠોઠ વિદ્યાર્થીને સરખી જ વિદ્યા આપે, પરંતુ એ વિદ્યાને સમજવાની શક્તિમાં ફેરફાર ન કરી શકે. જેમ સ્વચ્છ મણિ અને મૃતદેહ પર પ્રકાશ પડે તોય મૃતદેહ પ્રતિબિંબ ન પાડી શકે.” (પૃ.૬૦૨). મૂળ સંસ્કૃતિ मृदां चयः નો અર્થ ‘માટીને ઢગલો’ ન સમજાયું તે તો સમજ્યા. પણ ઉમાશંકરના અનુવાદમાંથી પણ મૃત પિંડ તમે મૃત્ = માટી, વ્યંજનાન્તને બદલે મૃત - મરેલું સ્વારાન્ત વાંચ્યું અને પછી પિંડનો અર્થ દેહ કર્યો અને મૃત પિંડ એટલે મૃતદેહ એવો અર્થ કર્યો? વળી, ઉમાશંકરે પોતે જ સમશ્લોકી અનુવાદ ઉપરાંત તેમની ભાવાર્થબોધિની ટીકામાં આ શ્લોકની છેલ્લી પંક્તિનો ગદ્યાનુવાદ પણ આપ્યો છે... “જેમ સ્વચ્છ મણિ પ્રતિબિંબ ઝીલવા સમર્થ નીવડે છે અને માટીનો પિંડ સમર્થ નીવડતો નથી.” (ઉત્તરરામચરિત, પૃ.૭૧-૭૨) • કાવ્યની વિભાવના અંગે મને લાગે છે કે આપણી વચ્ચે આસમાનજમીનનું અંતર છે. જે ઉમળકાથી તમે વાલ્મીકિ અને તુલસીદાસ, કાલિદાસ ને ભવભૂતિને ટાંકો છો એટલા જ ઉમંગ અને ઉત્સાહથી તમે અકાવ્યને પણ ટાંકો છો. બહોળે હાથે, વાલ્મીકિ, તુલસીદાસ, ભવભૂતિને તમે ટાંક્યા છે; તેમનાં ઉત્તમોત્તમ શ્લોકો ને પંક્તિઓ પણ તમે ટાંક્યાં છે તેમજ તમે હિંદી કવિઓનાં અકાવ્યોને પણ છૂટે હાથે ટાંક્યાં છે. કાવ્યનો વિષય ઉદાત્ત હોય, એમાં થોડોક નીતિબોધ કે ઉપદેશ હોય, થોડુંક દુન્યવી ડહાપણ હોય, તત્ત્વજ્ઞાનનો ડોળ હોય એ તમારે મન કવિતા બની જાય છે. પ્રભાવશાળી શીર્ષક અને નીચે સુપ્રતિષ્ઠિત કવિનું નામ એટલું જ તમે પૂરતું માન્યું છે. આ કવિતા કે આ પંક્તિઓ કાવ્યનું રૂપ પામે છે કે નહીં એ જોવાની ખેવના તમે રાખી નથી. અલબત્ત, આ પ્રશ્ન રુચિભેદનો છે તે હું સ્વીકારું છું. છતાં મને મીરાં યાદ આવે છે. એણે કહેલું ને વૃન્દાવન વસી હજુ પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. (સ્મૃતિમાંથી ટાંકું છું એટલે શબ્દો ક્યાંક ચોક્કસ ન પણ હોય.) મને એમ કહેવાનું મન થાય કે વડોદરે વસી તમે કાવ્યની આવી વિભાવના ધરાવો છો તો સુરેશ જોષીનો એળે ગયો અવતાર. હિંદી કવિતાની પંક્તિઓની ભરમાર તમારા ગ્રંથમાં છે. લગભગ બધી જ અકવિતા છે. નરી સપાટી પરની અભિધામાં રાચતી કૃતિઓ / પંક્તિઓ છે. પછી ભલેને એ કાવ્યો મૈથિલીશરણ કે જ્ઞાનપીઠવિજેતા નરેશ મહેતા કે નરેશ વેદનાં હોય. એક જ દૃષ્ટાંત આપું. પંચવટીમાં રામ-સીતા-લક્ષ્મણ જે પ્રકૃતિસૌંદર્યનો આનંદ માણે છે અને જે ચિત્તશાંતિ અનુભવે છે તેના અનુસંધાનમાં તમે આ પંક્તિઓ, આ ટિપ્પણ સાથે ટાંકી છે: ‘મૈથિલીશરણજીની પંક્તિઓમાં આવો વનવૈભવ પ્રગટ થયો છે –

સાંસારિકતા મેં મિલતી હૈ,
યહાં નિરાલી નિસ્પૃહતા,
અત્રિ ઔર અનસૂયા કી-સી
હોંગી કહાં પુણ્ય-ગૃહતા?

માનો હૈ યહ ભુવન ભિન્ન હી
કૃત્રિમતા કા નામ નહીં
પ્રકૃતિ અધિષ્ઠાત્રી હૈ ઈસકી,
કહીં વિકૃતિ કા નામ નહીં.” (પૃ.૨૫૨)

‘કૃત્રિમતા કા નામ નહીં’, ‘કહીં વિકૃતિકા નામ નહીં’ આ સ્થૂલ નિવેદનને કવિતા કહીશું? મૈથિલીશરણ—‘જી’ લગાડીએ તોપણ — ના નામથી એ કાવ્ય બની જાય? આમાં તમને ‘વનવૈભવ’ ક્યાં દેખાયો? ‘વૈભવ’ તો ઠીક, મને તો આમાં ‘વન’ પણ નથી દેખાતું. પત્રં, પુષ્પં, ફલં કશુ છે જ નહીં. પ્રકૃતિનું સૌંદર્ય નથી, અરે વર્ણન સુધ્ધાં નથી. નરી સપાટ કોઈ પણ પ્રકારના કાવ્યના ચમત્કારથી અંકિત થયા વિનાની ઉપદેશાત્મકતા છે. આ ઉપદેશાત્મકતા પણ એટલી સામાન્ય કક્ષાની સ્થૂલ સપાટી પરની છે કે તેમાં પણ કોઈ redeeming feature નથી. વનવૈભવ તો કોને કહે? ‘કુમારસંભવના ત્રીજા સર્ગમાં કાલિદાસ જે નિરૂપે છે અને તેને અનુસરીને ઉમાશંકર ‘રતિ-મદન’માં અકાલ વસંતનું સામ્રાજ્ય સ્થાપે છે કે રાજેન્દ્ર શાહ ‘વિજન અરણ્યે’માં જે પ્રકૃતિસૌન્દર્ય આકારિત કરે છે કે ગદ્યમાં જયંત પાઠક ‘વનાંચલ’માં આપણને મુગ્ધ કરે છે તેમાં પ્રકૃતિનું સૌન્દર્ય છે, તેમાં વનનો વૈભવ છે, તેમાં કાવ્યમયતા છે. આ જ દશા ગુજરાતી કાવ્યોની છે. તમે ભાનુપ્રસાદ પંડ્યાનાં ત્રણ કાવ્યો આખેઆખાં આપ્યાં છે. તમારી નોંધ છે : “કવિએ પોતાની કલ્પનાના કૅન્વાસ પર ત્રણ સુંદર ચિત્રો ઉપસાવ્યાં છે. ત્રણે મનભાવન છે.” (પૃ.૭૦૧) ત્રણે નર્યા અકાવ્યના નમૂના છે. ત્રણે સૉનેટોમાં કાવ્યનું તો નહીં જ, સૉનેટનું પણ એકે લક્ષણ નથી. ‘ઊર્મિલાનું સ્મરણ’ અને ‘અયોધ્યાના ધોબીને સજા’માં સ્થૂલ ચમત્કૃતિ છે અને ‘શબરીનાં બોરાં’માં ચવાઈ ગયેલી બોધાત્મકતા છે. આમાં તમને ‘કલ્પનાના કૅન્વાસ પર ત્રણ સુંદર ચિત્રો’ દેખાય છે? કાવ્યોમાં કલ્પનાનો તો અંશ સુધ્ધાં નથી ને ચિત્રાત્મકતા પણ ક્યાંય ઢૂંકતી નથી. આવી જ અવદશા તમે પરિશિષ્ટમાં ઉમાશંકરનાં સાત (મારા બાપ, સાત સાત અકાવ્યો!) ટાંક્યાં છે તેની છે. છ કાવ્યો રામાયણનાં છ પાત્રો વિશે છે. શીર્ષકો પણ પાત્રોનાં છે : મંથરા, શૂર્પણખા, શબરી, હનુમાન, ખિસકોલી અને રાવણ (પૃ.૭૩૨-૭૩૬), આમાંનું એક પણ કાવ્ય ઉમાશંકરના કવિયશમાં વધારો કરે એવું નથી. કૃત્રિમ આયાસસિદ્ધ અન્ત્યાનુપ્રાસો યોજવાની કવિની કુટેવના નમૂના આમાંથી મળે ખરા. ‘મંથરામાં ‘ખૂંધી-ઊંધી’, ‘ઊંધી-સૂધી’ વગેરે, ક્યારેક ઉમાશંકરનો આયાસ બોલચાલના શબ્દો યોજવાનો હોય છે. લક્ષ્મણ શૂર્પણખાનાં કાનનાક કાપી કાઢે છે તેને વ્યક્ત કરતી આ પંક્તિ જુઓ: ‘ઊંહ્હ્! ગયાં મુજ કર્ણનાસિકા!” સાતમું કાવ્ય ‘ઘટમાં ઘૂંટાય નામ રામ’માં નર્યા ભજનિયાવેડા છે. આ કાવ્યો વિશે તમે કંઈ ટિપ્પણ રૂપે કે નોંધ રૂપે લખ્યું નથી એ એક saving grace છે. આ કાવ્યોને બદલે વાલ્મીકિના જ પ્રકૃતિસૌંદર્યને રજૂ કર્યું હોત તો વાચકો ધન્યતા અનુભવત. સીતા વનના પ્રકૃતિસૌંદર્યથી આનંદિત થાય છે તેનું વાલ્મીકિનું નિરૂપણ જુઓ :

એકૈકં પાદપં ગુલ્મ લતાં વા પુષ્પશાલિનીમ્!
અદૃષ્ટરૂપાં પશ્યન્તી રામ પ્રપચ્છ સાબલા ।।
રમણિયાન્ બહુવિધાન્ પાદપાન્ કુસુમોત્કરાન્ ।
સીતાવચનસંરબ્ધ આનયામાસ લક્ષ્મણઃ ||
વિચિત્રવાલુકાજલાં હંસસારસનાદિતામ્ |
રેમે જનકરાજસ્ય સુતા પ્રેક્ષ્ય તદા નદીમ્ ||

જે બધાં તરુ, ગુલ્મ કે પુષ્પશાલિની લતા સીતાએ પહેલાં કદી જોયાં નહોતાં તેને વિશે તેઓ રામને પૂછવા લાગ્યાં. લક્ષ્મણ તેમના કહેવાથી તેમને પુષ્પમંજરીથી ભરેલાં જાતજાતનાં ઝાડ લાવી આપવા લાગ્યો. ત્યાં વિચિત્ર વાલુકા અને જલવાળી હંસસારસથી ગાજતી નદીને જોઈને જાનકીના મનને આનંદ થયો. આ છે સાચો વનવૈભવ. હવે રામનો આનંદ જુઓ :

સુરમ્યમાસાદ્ય તુ ચિત્રકૂટમ્
નદીં ચ તાં માલ્યવતીં સુતીર્થામ્ |
નનન્દ હૃષ્ટો મૃગપક્ષિતુષ્ટાં
જહૌ ચ દુ:ખં પુરવિપ્રવાસાત્ ||

તે સુરમ્ય ચિત્રકૂટ, તે સુતીર્થા માલ્યવતી નદી, તે મૃગપક્ષીસેવિત વનભૂમિને પહોંચીને પુરવિપ્રવાસના દુ:ખને ભૂલી જઈને હૃષ્ટ મને રામ આનંદ કરવા લાગ્યા. વાલ્મીકિ રામને ‘ગિરિવનપ્રિયઃ’ કહે છે અને તેથી જ રાજ્યત્યાગ કે વનવાસના દુઃખને બદલે એ પ્રકૃતિનો આનંદ અનુભવે છે. • રામાયણ ગ્રંથના લેખનની પૂર્વતૈયારી રૂપે તમે “લેસન કરવામાં દિલચોરી કરી નથી” તે સાચું. છતાં કૈંક ચૂકી જવાયું છે, કેટલુંક મહત્ત્વનું પણ. વલ્લતોળના ‘કિલિકોન્ચલ’નો ઉલ્લેખ નથી. એમાં એક મધુર પ્રસંગ છે. “એમાં શિશુ સીતા પોપટો પાસેથી પોતે ભવિષ્યમાં રામને પરણશે એવું સાંભળીને કહે છે, ‘મને કોઈ નહીં પરણે, સિવાય કે મારી મા’. આ રમતિયાળ ઉચ્ચારણ કટાક્ષ-વ્યંગ (આયર્ની)નો ઉત્તમ નમૂનો છે, કેમ કે ભવિષ્યમાં ઋષિઓ અને દેવતાઓ સીતાની પવિત્રતાની પ્રતિષ્ઠા કરે તે પછી પણ સીતા રામની સાથે રહી શકવાનાં નથી અને માતા ભગવતી વસુંધરાનો આશ્રય શોધવાનાં છે.” (‘શબ્દની શક્તિ’, પૃ.૬૨) રવીન્દ્રનાથના ‘પ્રાચીન સાહિત્ય’માંથી રામાયણનો આખો લેખ પરિશિષ્ટમાં મૂક્યો છે તે ઉત્તમ. એમાં કવિવરે રામાયણનું ગૌરવગાન કર્યું છે તે ઉત્કૃષ્ટ. પરંતુ ‘ભારતવર્ષમાં ઈતિહાસની ધારા’ એ ગંભીર દીર્ઘ નિબંધમાં રવીન્દ્રનાથનું કેટલુંક ગહન સાંસ્કૃતિક ચિંતન રામાયણ વિશે પ્રકટ થયું છે. તેમાંથી થોડાક પરિચ્છેદો પસંદ કર્યા હોત તો વાચકોને એક જુદો જ પરિપ્રેક્ષ્ય મળત. તમે “સુર, અસુર, રાક્ષસ, દૈત્ય અને દાનવ કોણ હતા” એવો સંક્ષેપ અમ્બાપ્રસાદ શ્રીવાસ્તવના પુસ્તકમાંથી પરિશિષ્ટમાં મૂક્યો છે. રવીન્દ્રનાથની સાથે તો કોની તુલના થઈ શકે? જુઓ માત્ર એક નાનકડા પરિચ્છેદમાં રવીન્દ્રનાથનું દૃષ્ટિબિંદુ : “...તેઓ (રામચંદ્ર) ચંડાળના ભાઈબંધ, વાનરોના દેવ અને વિભીષણના મિત્ર હતા. તેમણે શત્રુનો નાશ કર્યો, એમાં તેમનું ગૌરવ નથી, તેમણે શત્રુને પોતાના કરી લીધા હતા. તેઓ આચારના નિષેધ ને સામાજિક વિદ્વેષની બાધાને ઓળંગી ગયા હતા; તેમણે આર્યઅનાર્ય વચ્ચે પ્રીતિનો સેતુ બાંધી આપ્યો હતો.”

(રવીન્દ્ર નિબંધમાલા, ભા.૧, પૃ.૮૪)

‘પ્રાચીન સાહિત્ય’માંથી રામાયણ વિશે રવીન્દ્રનાથનો નિબંધ પસંદ કર્યો પણ ‘કાવ્યની ઉપેક્ષિતા’ની જ તમે ઉપેક્ષા કરી? ઊર્મિલાને તો કવિવરે ન્યાય કર્યો જ છે પરંતુ કાવ્યમય સર્જનાત્મક મનોરમ ગદ્યનો આવો નમૂનો વિશ્વસાહિત્યમાં પણ ભાગ્યે જ મળે. રવીન્દ્રનાથની ગદ્યશૈલીનું નર્તન મુગ્ધકર છે. રામાયણ વિશે તમે એકઠાં કરેલાં પચાસ પરિશિષ્ટોમાં, ખુદ રવીન્દ્રનાથના ‘રામાયણ’ લેખ સહિત, ‘કાવ્યની ઉપેક્ષિતા’ના ઊર્મિલા વિષેનાં આરંભનાં ત્રણેક પાનાં, અન્ય કવિઓ-મહાત્માઓ-પંડિતો પ્રત્યેના પૂરા માનઆદર સાથે, સૌથી સર્વોપરિ પુરવાર થાત. મારું ચાલે તો નવી આવૃત્તિમાં એક પરિશિષ્ટ ઉમેરવાની તમને ફરજ પાડું! હા, તમે પચાસ પરિશિષ્ટો સંપાદન કરવાનો પુરુષાર્થ ન કર્યો હોત તો મારી ફરિયાદને ઝાઝો અવકાશ ન રહેત. પણ રામાયણ વિશે જે સૌથી ઉત્તમ, સૌથી મનોહર, સૌથી કાવ્યાત્મક, તેની જ ઉપેક્ષા સ્વીકારી ન શકાય. રવીન્દ્રવાણીના અમૃતસ્પર્શથી કેવી રીતે વંચિત રહી શકાય? આ અમૃતવાણીનાં થોડાંક બિંદુઓ પ્રસ્તુત છે :

“કવિના કલ્પનોત્સવમાં જેટલું કરુણાજળ છે તે સઘળું તેમણે જનકતનયાના પુણ્ય અભિષેકમાં ઠાલવી દીધું છે. પરંતુ આ લોકના સર્વ સુખથી વંચિત બીજી એક કરમાયેલા વદનવાળી રાજવધૂ સીતાદેવીની છાયા તળે ઢંકાઈને ઊભી છે તેના લાંબા વિરહશોકથી તપ્ત નમ્ર લલાટ ઉપર કવિકમંડલુમાંથી અભિષેક જલનું એક ટીપું પણ કેમ પાડવામાં આવ્યું નથી? હાય! અવ્યક્તવેદના દેવી ઊર્મિલા, તું પ્રાતઃકાળના તારાની માફક મહાકાવ્યના સુમેરુશિખેર ઉપર એક વાર માત્ર ઉદિત થઈ, ત્યાર પછી અરુણના પ્રકાશમાં તું ફરી દેખાઈ જ નહીં! તારો ઉદયાચળ ક્યાં છે અને અસ્તાચળ ક્યાં છે, એ પૂછવાનું પણ બધા ભૂલી ગયા.

*

લક્ષ્મણે રામને માટે સર્વ પ્રકારે આત્મવિલોપન કરી નાખ્યું એ ગૌરવ ભારતવર્ષમાં ઘેરઘેર આજે પણ ગવાય છે; પરંતુ સીતાને માટે ઊર્મિલાનું આત્મવિલોપન તો કેવળ સંસારમાં જ નહીં, કાવ્યમાં પણ થયું છે. લક્ષ્મણે પોતાના દેવતાયુગલને માટે કેવળ પોતાની જાતનો જ ભોગ આપ્યો છે, ઊર્મિલાએ પોતાની જાત કરતાંય અધિક એવા પોતાના સ્વામીનું દાન કર્યું છે. એ બીના કાવ્યમાં લખાઈ નથી; સીતાનાં અશ્રુજલથી ઊર્મિલા બિલકુલ ભૂંસાઈ ગઈ છે.

*

રખેને સીતાની સાથે ઊર્મિલાના પરમ દુઃખની કોઈ તુલના કરે એ ભયથી જ શું કવિએ સીતાના સ્વર્ગ મંદિરમાંથી એ શોકથી ઊજળી મહા દુખિયારીને એકદમ બહાર કાઢી મૂકી છે – તેને જાનકીના પગ મૂકવાનાં બાજઠ આગળ બેસાડવાની પણ તે હિંમત કરતા નથી?” (રવીન્દ્રનિબંધમાલા, ભા.૨, ૪૧૪-૪૧૬). રવીન્દ્રનાથ નવલકથા લખે કે નવલિકા, નિબંધ કે નાટક, વિવેચન કે પત્ર, પણ એ કવિ જ રૂપે વ્યક્ત થાય. એમણે પોતે જ આત્મપરિચયમાં કહેલું : ‘આમિ કવિ માત્ર’. આ કાવ્યમય ‘કાવ્યની ઉપેક્ષિતા’નું મનોરમ ગદ્ય આહ્લાદક છે અને તેનો સમાવેશ થયો હોત તો તમારા ગ્રંથની સમૃદ્ધિમાં વધારો થયો હોત. ઊર્મિલાની જ વાત ચાલે છે તો મારે કહેવું જોઈએ કે તમે બોટાદકરને અન્યાય કર્યો છે. બોટાદકરની ઊર્મિલાને કેમ સ્થાન નથી આપ્યું? કોઈક રમેશ અણાવકરની મરાઠી કવિતા ‘ઊર્મિલા મી, નિરોપ તુજ દેતાં’ તમે પરિશિષ્ટમાં લીધી છે. આ પણ સાવ સામાન્ય રચના છે, બલકે અકવિતા છે – પણ આ આપણી કાવ્યની વિભાવનાની સમસ્યા છે. પરંતુ આ રચનાને સ્થાન મળે તો બિચારા બોટાદકરે શો ગુનો કર્યો? મારું એમ નથી કહેવું કે બોટાદકરની રચના ઉત્તમ કાવ્ય છે. ગુજરાતી કવિતામાં બોટાદકર ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’થી જીવશે. છતાં ‘ભવતુ ભવતુ દેવી વિશ્વ છોને વિસારે’ એમ કહીને બોટાદકરે ઊર્મિલાને જે અંજલિ આપી છે તે વિસારવા જેવી નહોતી. બોટાદકરના ‘રામાશ્વમેધ’ને પણ યાદ કરી શકાત. એમાં એક ચિરંજીવ પંક્તિ તો એમણે આપી છે : “પણ ન અંતર અંતરમાં જરી.” (આ પણ સ્મૃતિમાંથી જ ટાંકું છું. મારી પાસે બોટાદકરનો કોઈ કાવ્યસંગ્રહ નથી. કોઈ લાઈબ્રેરીની સુવિધા નથી. આ મારો મોટો હૅન્ડીકેપ છે.) • તમે એકથી વધુ સ્થળે શબ્દોની વ્યુત્પત્તિઓ વિષે તર્કકુતર્ક કર્યા છે. ફૂટાગાર - ફૂટણખાનું (પૃ.૩૩) મધુરા – મથુરા ચારવું - ચારણ (પૃ.૪૨૧) સીતા – સીત્કાર (પૃ.૭૧) હરામ - harem આ અનુમાનો માટે કોઈ જ આધાર નથી. કેટલીક વ્યુત્પત્તિઓ સાવ ખોટી છે, કેટલીક બાલિશ. ‘મથુરા’ જો મહાભારતમાં કે ભાગવતમાં હોય તો એને ‘મધુરા’ ઉપરથી કઈ રીતે વ્યુત્પન્ન થઈ શકે? ઐતિહાસિક દૃષ્ટિએ અને phoneticsની દૃષ્ટિએ આ સાવ નિરાધાર છે. ‘સીત્કાર’ એ રવાનુકારી શબ્દ છે અને મૂળ સંસ્કૃતમાં ‘સીત્કાર’ શબ્દ છે જ. પછી એને સીતા ઉપરથી વ્યુત્પન્ન કરવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? અને ‘હરામ’ ઉપરથી ‘harem’? હવે તો હદ થાય છે. આ ‘harem’ મૂળ અરબી શબ્દને જ અંગ્રેજી ભાષાએ અપનાવી લીધો છે. પણ મારો પ્રશ્ન તો એ છે કે શબ્દોની વ્યુત્પત્તિ આપવાની તમને જરૂર જ ક્યાં ઊભી થાય છે? ભાષાશાસ્ત્ર તમારી વિદ્વત્તાનો વિષય નથી, તમારી જાણકારીનો પણ વિષય નથી. તમારો એમાં પ્રવેશ નથી. વળી વાલ્મીકિ રામાયણનું ભાષ્ય કરતી વખતે તે પ્રસ્તુત નથી. પ્રાચીન ગૌરવગ્રંથોનું અર્વાચીન પરિપ્રેક્ષ્ય સાથે ભાષ્ય કરવું એ તમારી શક્તિનો વિષય છે. એમાં વ્યુત્પત્તિશાસ્ત્રને અવકાશ જ ક્યાં છે? તમે આપેલી વ્યુત્પત્તિઓ સાચીખોટી છે તે સવાલ ગૌણ છે, તે અપ્રસ્તુત છે તે વાત મહત્ત્વની છે. • આવી જ છેડછાડ તમે કાલિદાસ અને ભવભૂતિના સમય માટે કરી છે. તમે લખો છો: “ભવભૂતિ અને કાલિદાસ સમકાલીન મહાકવિઓ હતો એવી પણ પાકી માન્યતા છે.” “પાકી માન્યતા” કોની? ગુણવંત શાહની? તમે તો લખો છો કે તમે ઉમાશંકરના ‘ઉત્તરરામચરિત’ના અનુવાદને એકથી વધુ વાર વાંચ્યો છે. પરિશિષ્ટમાં ઉમાશંકરે ભવભૂતિના સમયની ચર્ચા કરીને, અનેક વિદ્વાનોના અભિપ્રાયને આધારે, ભવભૂતિનો કવનકાળ ઈ. સ. ૭૦૧થી ૭૨૫ હોવાનું અનુમાન કર્યું છે. કાલિદાસના સમય વિશે વધારે વિવાદ છે. વિદ્વાનોનો એક પક્ષ કાલિદાસને ઈ.સ. પહેલા સૈકામાં મૂકે છે, બીજો પક્ષ તેમને ઈ.સ. ચૌથા સૈકાના અંત અને પાંચમા સૈકાના આરંભમાં મૂકે છે. પણ કાલિદાસ-ભવભૂતિ સમકાલીન નથી જ નથી. આ બંને કવિઓ સમકાલીન હતા એવી એકથી વધુ મનોરંજનકથાઓ પ્રચલિત છે ખરી પણ બે ઘડી મોજ માટે કોઈકે એ ઘડી કાઢી છે. આ વિનોદવાર્તાઓ રસિક પણ છે. પણ આવી લૌકિક કથાઓને આધારે ‘પાકી માન્યતા’ને કેવી રીતે કેળવી શકાય? અલમ્ ઇત્યલમ્. આટલી લાંબી અને આવી કઠોર ટીકા કરવાનો મારો ઈરાદો નહોતો. પણ ટીકા કરતી વખતે તો આધાર આપવો જ જોઈએ, આથી આટલું લંબાણ થયું. છતાં મારે ભારપૂર્વક કહેવું છે કે પ્રશંસા સ્તુતિ નથી અને ટીકા નિંદા નથી. તમે જાણો છો કે મારો તો આગ્રહ છે કે હવે ‘મહાભારત’ હાથમાં લો. ‘મહાભારત’ના મહાભારત કાર્યને તમારાથી વધારે ન્યાય કોણ આપી શકે? આપણી વચ્ચે થયેલો સંવાદ મને બરોબર યાદ છે. મેં સૂચવ્યું કે હવે મહાભારત હાથમાં લો ત્યારે તમે કહેલું કે રામાયણે મને ડાયાબીટીસ આપ્યો તો મહાભારત હાથમાં લઉં તો કેન્સર જ થાય. લેશમાત્ર હિચકિચાટ વિના મેં કહેલું કે કંઈ વાંધો નહિ. એક ક્ષણ ખમચાઈને બીજી જ ઘડીએ તમે ખુરશી પરથી ઊભા થઈને મને ભેટી પડીને કહેલું : મધુસૂદનભાઈ, આવું સત્ય તમે જ કહી શકો. મેં કહેલું કે મૂલ્ય દીર્ઘ જીવનનું નહીં, સાર્થ જીવનનું છે. તમારા હાથે મહાભારતનું મહાન કાર્ય થાય એવી અંતરની ઊંડી શુભેચ્છાઓ પાઠવું છું. અવંતિકાબહેનને મારી યાદ. સુશીલા યાદ પાઠવે છે. છેલ્લે એક જ શબ્દ : ક્ષમસ્વ.

એ જ,
મધુસૂદનનાં સ્નેહસ્મરણ
૮-૧૦-૦૪