ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગ્રંથ પરિચય

From Ekatra Foundation
Revision as of 08:40, 25 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગ્રંથ પરિચય.
ગ્રંથ અને ગ્રંથકારનું સાતમું પુસ્તક ગુજરાતી વાંચક વર્ગ આગળ રજુ કરવામાં આવે છે. આ પુસ્તકની ઉપયોગીતા સર્વત્ર સ્વીકારાઈ છે એટલે એ સંબંધી કાંઈ કહેવાનું રહેતું નથી. ગુજરાત વર્નાકયુલર સોસાઈટીનાં પ્રકાશન પ્રત્યેક વર્ષે અધિકત્તર પ્રશંસા પામતાં જાય છે એ જોઈ તેના સંચાલકને સ્વભાવિકરીતે કૃતકૃત્યતા થાય જ. વિવિધ દૃષ્ટિબિન્દુઓથી આ સંસ્થા પ્રતિવર્ષ આઠ દસ પુસ્તકો રચાવી પ્રસિદ્ધ કરે છે. ચાલતા સૈકામાં ગુજરાતી લેખન વાંચન તરફ પ્રજાનો સદ્ભાવ વધવાથી બીજાં પણ અનેક પુસ્તકો પ્રગટ થાય છે. પરંતુ જે પુસ્તક લખનાર અથવા પ્રકાશક તેનું ખર્ચ મેળવી શકે તેવાં પુસ્તકો સ્વતંત્રરીતે પ્રસિદ્ધ થાય એજ ઈષ્ટ છે. જે પુસ્તકના લખનાર અથવા પ્રગટ કરનાર વેપારી દૃષ્ટિથી તે પ્રસિદ્ધ કરી ન શકે અને તેની ઉપયોગિતા હોય તેવાં પુસ્તકો ધીરે ધીરે પ્રગટ કરી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કરવું એ સોસાઈટીના પ્રકાશનનું એક લક્ષ્યબિંદુ છે. વિવેચક વર્ગ તરફથી જાણવામાં આવે છે કે આ પ્રકાશનોનું આંતરિક મૂલ્ય ચઢતું થતું જાય છે.

ગ્રંથ અને ગ્રંથકારના આ પુસ્તકમાં લેખકોને લગતી માહિતી હમેશ મુજબ આપેલી છે પરંતુ તેનું પ્રમાણુ કાંઈક ઓછું છે. છ મહત્ત્વના લેખો ગુજરાતી ભાષાને લગતા જે જુદેજુદે સ્થળે પ્રગટ થએલા હોઈ એકત્ર પ્રાપ્ત નહોતા તે આમાં આપેલા છે, જે વડે આ પુસ્તકની મહત્તા વધી છે. તે તેમજ સંપાદક રા. હીરાલાલનો પૂરો બંને અમુક દિશા સૂચન કરે છે. અમદાવાદમાં થોડાજ સમયમાં ભરાવાના સાહિત્ય સંમેલનની છાયામાં આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે એનો કાંઈક નિર્દેશ એથી થાય છે. વર્ષ દરમિયાન બહાર પડેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી તેમજ સામયિકમાં આવેલા ઉચ્ચકોટિનાલેખોની સૂચી દર વખત પેઠે વાચકવર્ગને માર્ગદર્શક થઈ પડશે. આ વસ્તુઓ આજ કરતાં અધિક કીમતી ભવિષ્યમાં માલમ પડવાની છે એ વાત નિશ્ચિત છે. આ ગ્રંથમાં આપેલા ગુજરાતી ભાષાને લગતા લેખોનું મહત્વ ઓછું આંકવાની જરા પણ ઈચ્છા નથી, છતાં પ્રતિવર્ષ જે નવીન આકર્ષક વસ્તુઓ આ વખતે ન હોવાથી આ પુસ્તક સામાન્ય વાંચનાર માટે કદાચ ઓછું આકર્ષક થાય એ કદાપિ સંભવિત છે. સંપાદકની પણ મુશ્કેલીઓ ઘણી હોય છે અને તે તેમના હંમેશના પરિચયથી હું પૂરેપૂરી જાણું છું. ગુજરાતી વાંચનાર જનતાની જરૂરીઆત પુરી પાડવા આ ગ્રંથમાળા યોજાઇ છે અને તે પોતાનું કાર્ય દર વર્ષે અનુકૂળતા મુજબ કર્યે જશે એ આશા છે.

અમદાવાદ
તા. ૧૪-૧૦-૩૬

વિદ્યાબહેન ર. નીલકંઠ.