ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – ડૉ. ગ્રીઅરસન
ગુજરાતી ભાષા વિષે–(ડૉ. જી. આર. ગ્રીઅર્સનના ‘હિંદુસ્તાનની ભાષાના સમાલોચન’ (Linguistic Survey of India) પરથી–
ગુજરાતની દેશી ભાષા તે ‘ગુજરાતી’, અને એ નામ ઉપરથી જ જે પ્રદેશમાં એ ભાષા બોલાય છે તેની મર્યાદાનો બરોબર ખ્યાલ આવે છે. એ ગુજરાત પ્રાન્તમાં તેમજ કાઠિયાવાડ દ્વીપકલ્પમાં બોલાય છે; વળી કચ્છની એ દરબારી અને વેપારી ભાષા છે, તેમ જ સિંધમાં ૫ણ થોડાક પ્રદેશ સુધી એ ભાષાને પ્રવેશ થયો છે. ‘ગુજરાત’ શબ્દ ‘ગુર્જરત્રા’ (પ્રા. ‘ગુજ્જરત્તા’) ઉપરથી આવ્યો છે. એનો અર્થ ગુર્જરે રક્ષણ કરેલો પ્રદેશ થાય છે. મહી નદીના ઉત્તર પ્રદેશનોજ પ્રાચીન ગુજરાતમાં સમાવેશ થતો હતો. અર્થાત્, એમાં ખેડા, અમદાવાદ, મહીકાંઠા, પાલણપુર અને કડી પ્રાન્તનો સમાવેશ થતો એ દેશનું એ નામ અણહિલવાડમાં ચાવડા લોકોનું રાજ્ય હતું તે સમયમાં, એટલે ઈ. સ. ૭૨૦ થી ૯૫૬ સુધીમાં, પડયું. મહીના દક્ષિણ પ્રદેશને સંસ્કૃત લેખકો ‘લાટ’ દેશ કહેતા. એ ‘લાટ’ દેશને ‘ગુજરાત’ નામ મુસલમાન રાજ્યના દર્મિયાનમાં આપવામાં આવ્યું એમ લાગે છે. ×[2]
ગુર્જર લોકો અન્ય લોકોની પેઠે હિંદુસ્તાનમાં વાયવ્ય કોણ તરફથી આવ્યા અને ધીમે ધીમે ખાનદેશ અને ગુજરાત સુધી ફેલાઈ ગયા (ઈ. સ. ૪૦૦-૬૦૦). પંજાબ અને સંયુક્તપ્રાન્તના ગૂજર લોકોમાં દક્ષિણ અને પૂર્વના ગૂજર લોક કરતાં મૂળ દેશનાં લક્ષણ વિશેષ સંઘરી રખાયલાં જણાય છે. પંજાબના ગૂજરો જાટ લોક કરતાં વધારે ખૂબસુરત છે, તો૫ણ ભાષા, વેશ અને ધંધામાં તેઓ તેમને એટલા બધા મળતા આવે છે કે એ બંને જાતો હિંદુસ્તાનમાં એકજ સમયે દાખલ થયલી જણાય છે. તેમની હાલની વસ્તી ઉપરથી એમ જણાય છે કે જાટ લોકો કરતાં ગૂજર લોકો વધારે પૂર્વ અને દક્ષિણ તરફ ફેલાયા. ગૂજર લોકો અસલ પંજાબ અને સંયુક્તપ્રાંતોમાં સિંધુથી મથુરા સુધી વસ્યા. અહિં તેઓ હજી ૫ણ બીજા લોકો કરતાં ભાષા અને વેશમાં જુદા પડે છે. મથુરાથી ગૂજર લોકો પૂર્વ રજપુતાનામાં ગયેલા જણાય છે અને ત્યાંથી કોટા અને મંડાસરને માર્ગે માળવામાં ગયા. માળવામાં તેમનાં મૂળ લક્ષણોમાં ઘણો ફેરફાર થયો છે, તોપણ આપણા પૂર્વજો દોઆબમાંથી, એટલે ગંગાયમુનાના સંગમપ્રદેશમાંથી, આવ્યા છે એમ તેઓ હજી ૫ણ યાદ કરે છે. માળવામાં ભિલસા અને સહરાનપુર સુધી પૂર્વમાં તેઓ ફેલાયા. માળવામાંથી તેઓ દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાત પ્રાંતમાં ગયા. ગુજરાતમાં તેઓ ઘણું કરીને રતલામ–દોહદને માર્ગે દાખલ થયા. બિજી તરફ ગૂજરો ઉત્તર દિશામાં ફેલાયા, અને પંજાબની ઉત્તરે હિમાલયમાં અને કાશ્મીરની ટેકરીઓ પર હાલ ભટકતા જણાય છે. જ્યાં ગૂજર લોકો બાકીની વસ્તી સાથે એકત્ર થઈ તેમાં લીન થઈ ગયા નથી, જેમકે પંજાબના મેદાનમાં (અહીં ‘ગુજરાત’ અને ‘ગુજરાનવાલા’ એ બે જિલ્લાનાં નામ એ લોક પરથી પડ્યાં છે), ત્યાં તેઓ પૂર્વ ‘રાજસ્થાની’ અને ગુજરાતી સાથે નિકટ સંબંધ ધરાવતી, એકજ ભાષાની કોઈક પ્રાંતિક બોલી બોલે છે એ એક જાણવા જેવી બાબત છે. સ્વાટના ગૂજરોની ભાષાનું વ્યાકરણ જયપુરના રજપુતોના વ્યાકરણને ઘણું મળતું આવે છે.
ગુજરાતના મધ્યે પ્રદેશની ફળદ્રુપતાને લીધે, અને સાબરમતી, મહી, નર્મદા અને તાપીના જળથી પરિતૃપ્ત અને આઢ્યતમ થયલા પ્રદેશની અને સૌરાષ્ટ્રની રમણીયતાને લીધે છેક પ્રાચીન સમયથી વિજય મેળવવવાના હેતુથી તેમજ વસવાના હેતુથી પરદેશથી નાસી આવનારાઓ અહિં આવ્યા હતા.
દરીઆમાર્ગે ઘણું કરીને નીચેના લોકો ગુજરાતમાં આવ્યા: – પૌરાણિક યાદવો, (ઈ.સ. ની પૂર્વે, પ્રાચીન સમયમાં ), યવનો, ગ્રીક, બૅકિટ્રઅન, પાર્થિઅન અને સિથિઅન લોકો-(ઈ.સ. પૂ. ૩૦૦ થી ૧૦૦). નાસી આવેલા પારસીઓ અને તેની પૂઠ પકડનારા આરબો (ઈ.સ. ૬૦૦-૮૦૦). સંગનીઅન ચાંચીઆનાં ટોળાં ( ઈ. સ. ૯૦૦-૧૨૦૦), ખુલગુખાને ઈરાનને બેરાન કર્યું ત્યારે ત્યાંથી નાસી આવેલા પારસીઓ અને નવાયત મુસલમાનો (ઇ.સ. ૧૨૫૦-૧૩૦૦), પોર્ટુગીઝ અને તેના પ્રતિસ્પર્ધી તુર્ક લોકો (ઇ.સ. ૧૫૦૦-૧૬૦૦), આરબો અને ઈરાની અખાતના ચાંચીઆ લોકો (ઈ.સ. ૧૬૦૦-૧૭૦૦), આફ્રિકાના, આરબ, ઈરાની અને મકરાણા, ભાગ્યશાળી યોદ્ધાઓ (ઈ.સ. ૧૫૦૦-૧૮૦૦), આર્મીનિઆ, ડચ અને ફ્રેંચ વ્યાપારીઓ (ઈ. સ. ૧૬૦૦-૧૭૫૦), અને અંગ્રેજો (ઈ.સ. ૧૭૫૦ અને ૫છીથી.)
જમીનમાર્ગે આવેલા લોકો–ઉત્તર તરફથી સિથિઅન અને હૂણ લોકો (ઇ.સ. પૂ. ૨૦૦-૫૦૦); ગુર્જર લોકો (ઈ. સ. ૪૦૦-૬૦૦), પ્રથમના જાડેજા અને કાઠી લોકો (હાલ કાઠિયાવાડના) (ઈ.સ. ૭૫૦- ૯૦૦); અફધાન, તુર્ક, મુગલ અને બીજા ઉત્તરના મુસલમાનોનાં ટોળેટોળાં ઉત્તરોત્તર આવ્યાં (ઈ. સ. ૧૦૦૦-૧૫૦૦), અને પાછળના જાડેજા અને કાઠી લોકો (ઈ.સ. ૧૩૦૦-૧૫૦૦).
ઈશાન તરફથી, અતિપ્રાચીન આર્યનો અને તેમના વંશજો છેક અર્વાચીન સમય સુધી ઉત્તરના બ્રાહ્મણોને અહિં વસવા મોકલતા ગયા (ઈ.સ. ૧૧૦૦-૧૨૦૦); અને તેરમા સૈકાથી તુર્ક, અફઘાન, અને મુગલ મુસલમાનો આવીને વસ્યા છે.
પૂર્વ તરફથી મૌર્ય લોકો (ઈ.સ. પૂ. ૩૦૦), અર્ધા સિથિયન ક્ષત્રયો (ઇ.સ. પૂ. ૧૦૦-૩૦૦), ગુપ્ત લોકો (ઇ.સ.-૩૨૦), ગુર્જર લોકો (ઈ.સ. ૪૦૦-૬૦૦), મુગલ લોકો (ઇ.સ. ૧૫૩૦), મરાઠા (ઈ.સ. ૧૬૬૦-૧૭૬૦) અને અંગ્રેજ લોકો (ઈ.સ. ૧૭૮૦ અને પછી) આવ્યા.
ગુજરાતની વસ્તીમાં કેવા જુદા જુદા અંશો રહેલા છે તે આથી સમજાશે.
ગુજરાતી ભાષાને પ્રદેશ—ઉત્તર તરફ ગુજરાતી ભાષા પાલણપુર રાજ્યની લગભગ ઉત્તર સીમા લગણ ફેલાયેલી છે. એ સીમાની પેલી તરફ સિરોહી અને મારવાડ છે, ત્યાં મારવાડી ભાષા બોલાય છે. સિંધમાં ૫ણ ગુજરાતી ઘુસી છે. ત્યાં તે થર અને પારકર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે બોલાતી માલુમ પડે છે; અહિં ૫ણ ઉત્તર પ્રદેશમાં એક જાતની મારવાડી બોલી બેલાય છે. પશ્ચિમ તરફ કચ્છનું રણ તેની સીમા છે અને દક્ષિણે અરબી સમુદ્ર છે. કચ્છમાં તે દેશી ભાષા તરીકે વ૫રાતી નથી, પણ રાજકીય ભાષા તેમજ સાહિત્યની ભાષા તરીકે વપરાય છે. પણ કાઠિયાવાડના દ્વિપકલ્પમાં સર્વત્ર ગુજરાતી ભાષા ચાલે છે. દક્ષિણમાં તે સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધી ફેલાયેલી છે; અહિં તેની પાસેની હદમાં દમણની મરાઠી બોલાય છે. એ દક્ષિણ સીમાની બંને બાજુના પ્રદેશમાં બે ભાષા-ગુજરાતી અને મરાઠી-બોલાય છે. બંને પ્રજાઓનું (ગુજરાતી અને મરાઠીનું) સંમીલન થયું છે અને દરેક પ્રજા પોતાની ભાષા જાળવી રાખે છે. પૂર્વ તરફની સીમા એવી રીતે જાય છે કે તેમાં ધરમપુરના રાજ્યનો સમાવેશ થાય છે અને ત્યાર પછી ગુજરાત પ્રાંતની પૂર્વ સીમા બનાવનારા જે ડુંગરો આવેલા છે તેની તળેટીની હારમાં ઉત્તર તરફ, એટલે છેક પાલણપુરની પૂર્વ સીમાને મળે છે ત્યાંસુધી, ચાલી જાય છે. અહિં એ ડુંગરો આરાવલી પર્વતમાલા તરીકે પ્રસિદ્ધ છે ને તે ઉત્તર તરફ અજમેર સુધી ફેલાયેલા છે ને મારવાડથી મેવાડને જુદો પાડે છે અને તે પ્રદેશોમાં સર્વત્ર ભીલ લોકોની ટોળીઓ વસેલી છે. એ ભીલ લોકો એ ડુંગરોની તળેટીના પ્રદેશેામાં પણ વસ્યા છે; અને એ બધા ભીલી બોલી બોલે છે, તેમાં પ્રાન્તિક ભેદ હોય છે. ભીલ લોકોની વસ્તીની પેલી તરફ પૂર્વમાં પૂર્વ અને દક્ષિણ રજપુતાના આવેલા છે અને ત્યાંની પ્રાન્તિક બોલીઓ જયપુરી અને માળવી છે. જયપુરી અને માળવી એ બંને ગુજરાતી સાથે ગાઢો સંબંધ ધરાવે છે અને ભીલ બોલીઓને એ બે સાંકળોની વચ્ચેના આંકડા જેવી ગણી શકાય.
ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા આ ભાષાસમાલોચન માટેની ગણત્રીથી નીચે પ્રમાણે છેઃ–
| જિલ્લા, રાજ્ય, કે સંસ્થાનું નામ |
ગણત્રી કરેલા ગુજરાતી બોલનારની સંખ્યા |
| અમદાવાદ | ૮,૪૦,૦૦૦ |
| મહીકાંઠા | ૫,૪૧,૫૦૦ |
| પાલણપુર | ૬,૦૬,૦૦૦ |
| કચ્છ | ૨,૦૫,૫૦૦ |
| કાઠિયાવાડ | ૨૫,૭,૦૦૦ |
| ખંભાત | ૮૨,૭૦૦ |
| ખેડા | ૮,૪૦,૦૦૦ |
| પંચમહાલ | ૧,૮૮,૦૦૦ |
| રેવાકાંઠા | ૫,૬૫,૦૦૦ |
| ભરૂચ | ૨,૮૦,૦૦૦ |
| સુરત | ૫,૦૨,૦૦૦ |
| વડોદરા | ૨૦,૨૫,૭૫૯ |
| સુરત એજન્સિ | ૫૬,૦૦૦ |
| (દેશી સંસ્થાન) | |
| એકંદર | ૯૩,૧૨,૪૫૯ |
જિલ્લા, રાજ્ય, કે સંસ્થાનું નામ - ગણત્રી કરેલા ગુજરાતી બોલનારની સંખ્યા અમદાવાદ - ૮,૪૦,૦૦૦ મહીકાંઠા - ૫,૪૧,૫૦૦ પાલણપુર - ૬,૦૬,૦૦૦ કચ્છ -૨,૦૫,૫૦૦ કાઠિયાવાડ - ૨૫,૭,૦૦૦ ખંભાત - ૮૨,૭૦૦ ખેડા - ૮,૪૦,૦૦૦ પંચમહાલ - ૧,૮૮,૦૦૦ રેવાકાંઠા - ૫,૬૫,૦૦૦ ભરૂચ - ૨,८0,૦૦૦ સુરત - ૫,૦૨,૦૦૦ વડોદરા -૨૦,૨૫,૭૫૯ સુરત એજન્સિ -૫૬,૦૦૦ (દેશી સંસ્થાન) _______________ એકંદર-૯૩,૧૨,૪૫૯
હિંદુસ્તાનના લગભગ દરેક પ્રાન્ત અને રાજ્યમાં વ્યાપારાદિકારણને અર્થે વસેલા ગુજરાતી લોકો ગુજરાતી ભાષા બોલે છે. પારસી લોકોએ એ ભાષાને દેશીભાષા તરીકે સ્વીકારી છે. એ લોકો સાહસિક વ્યાપારી છે અને ગુજરાતની બહારના ઘણાખરા ગુજરાતી બોલનારા એ જાતના છે. વળી મદ્રાસમાં રેશમ વણનારાઓની મોટી સંખ્યા ગુજરાતમાંથી ઘણા સૈકા થયાં વસી છે; અને તેમાંના ઘણાખરા હજી પોતાના મૂળ વતનની ભાષા બોલવાનું જારી રાખે છે. આ નીચે હિંદુસ્તાનના પ્રાંતો ને રાજ્યોમાં વસેલા ગુજરાતી બોલનારા ગુજરાતીની સંખ્યા આપેલી છે. એ સંખ્યા બહુધા ઈ. સ. ૧૮૯૧ ના વસ્તીપત્રકમાંથી લીધેલી છે; ૫ણુ કાશ્મીર, રજપુતાના અને મધ્યહિંદમાં વસ્તીપત્રકમાં ભાષા સંબંધી હકીક્ત ન હોવાથી ત્યાંના આંકડા અડસટ્ટે કાઢેલા છેઃ –
હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન. - ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા.
અજમેર-મેરવાડા - ૧,૪૮૩ આસામ - ૨૬ બંગાળા - ૧,૭૧૩ વિરાર - ૨૦,૯૫૪ મુંબઈ (ગુજરાતી દેશી ભાષા - ૧૧,૪૨,૬૧૧ તરીકે બોલાય છે તે પ્રદેશને બાતલ કરતાં) બ્રહ્મદેશ - ૭૬૧ મધ્યદેશ - ૧૭,૦૫૦ કુગ - ૧૨૬ મદ્રાસ - ૮૨,૫૯૪ પંજાબ - ૧,૪૫૭ સંયુક્તપ્રાન્ત - ૫,૦૭૯ કવેટા - ૨૪૦ અંડામાન - ૩૬૪ હૈદ્રાબાદનું રાજ્ય - ૨૬,૮૮૪ મહીસુરનું રાજ્ય - ૨૧,૧૮૨ કાશ્મીરનું રાજ્ય - ૩૦ રજપુત સંસ્થાન - ૨૭,૩૧૩ મધ્યહિંદુસ્થાન એકંદર ____________
૧૩,૩૦,૮૭૭
આમાં વળી મુંબઈ અને બિહારની કેટલીક ભટકતી ટોળીઓ ગુજરાતી ભાષા બોલે છે તે ઉમેરવી જોઈએ –
કાકરી - ૧૨૨ તારીમુકી કે ઘીસાડી - ૧,૬૬૯ __________
૧,૭૯૧
આ રીતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નીચે પ્રમાણે છે :– સ્વદેશમાં ગુજરાતી ભાષા બોલનારા, -૯૩,૧૩,૪૫૯ ગુજરાત બહાર, હિંદુસ્તાનના જુદા -૧૩,૩૦,૯૭૭ ભાગોમાં ગુજરાતી ભાષા બોલનારા ભટકતી ટોળી (એ ભાષા બોલનારી) -૧,૭૯૧ ------------- એકંદર ૧,૦૬,૪૬,૨૨૭
ઇ. સ. ૧૯૦૧ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતી ભાષા બેલનારની કુલ સંખ્યા ૯૧,૬૫,૮૩૧ હતી. ડૉ. ગ્રીઅર્સન લખે છે કે ગુજરાતી ભાષામાં પ્રાન્તિક ભેદ માત્ર શિષ્ટ અને અશિષ્ટ વર્ગના બોલવામાં જ છે. અર્થાત્, શિષ્ટ વર્ગની ભાષામાં પ્રાન્તિક ભેદ છેજ નહિ. આ લખાણ સંપૂર્ણ રીતે વાસ્તવિક નથી; કારણ કે શિષ્ટ વર્ગની ભાષામાં પણ પ્રાન્તપરત્વે ભેદ છે. ‘આંખ્ય’, ‘રાખ્ય’, ‘ઊઠ્ય’ વગેરે બધા ભાગમાં બોલાતું નથી, અને ચરોતરમાં કે કવચિત્ અમદાવાદમાં કદાચ ચરોતરની અસરથી જ્યાં એ શબ્દો બોલાય છે ત્યાં આમ લખાય છે તેમ ઉચ્ચારાતા નથી. યકાર અન્ત્ય વર્ણની પૂર્વે બોલાતો હોય તેમ સંભળાય છે. વળી લિંગપરત્વે પણ ઘણો પ્રાન્તિક ભેદ છે. ‘તપાસ’, ‘ખરચ’, ‘ચાહ’, ‘ઓળખાણ’ વગેરે અમદાવાદમાં અનુક્રમે પુ. , ન. પુ. સ્ત્રી. વગેરેમાં વપરાય છે; પણ સુરત ભરૂચમાં સ્ત્રી. , પુ. , સ્ત્રી. , ન. વગેરેમાં વપરાય છે. ‘છોડી’, ‘મેલ’, ‘નોખું’, ‘છેવાડું’, ‘વેરે’, ‘સવડ’, ‘અડવું’, વગેરે શબ્દો સુરતભરૂચમાં શિષ્ટ લોકો વાપરતા નથી, તેમને એ શબ્દો ગ્રામ્ય લાગે છે. ‘ઓ’ નો પહોળો ઉચ્ચાર સુરત ભરૂચમાં નથી, અન્ય સ્થળે છે. ‘ચ’ અને બીજા કેટલાક અક્ષરના બે ઉચ્ચાર સુરતભરૂચમાં નથી, અન્ય સ્થળે કેટલાક કહે છે કે છે. આ ઉપરથી જણાશે કે ડૉ. ગ્રીઅર્સને પ્રાન્તિક ભેદ સંબંધી જે ખબર મેળવી છે તે પ્રમાણભૂત નથી.
અશિષ્ટ વર્ગના બોલવામાં ડૉ. ગ્રીઅર્સન નીચે પ્રમાણે ફેરફાર આપે છે. તે કહે છે કે સામાન્ય રીતે એ ભેદમાં એકજ નિયમ જોવામાં આવે છે; તોપણ એ ભેદ દક્ષિણ ગુજરાતમાં બહુ ખુલ્લો જણાતો નથી, ૫ણ જેમ જેમ ઉત્તર તરફ જઈએ છિયે તેમ તેમ વધારે ખુલ્લો જણાઈ આવે છે.
(૧) કેટલાક શબ્દો ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપો. (૨) ‘ઈ’ નો ઉચ્ચાર ‘એ’. (3) ‘ક’ અને ‘ખ’ નો ‘ચ’ અને ‘છ’ તરીકે. (૪) ‘ચ’ અને ‘છ’ નો ‘સ’. (૫) ‘સ’ નો ‘હ’. (૬) ‘હ’ નો લોપ. (૭) દન્ત્ય વ્યંજનને બદલે મૂર્ધન્ય અને મૂર્ધન્યને બદલે દંન્ત્ય. (૮) ‘ડ’ અને ‘ળ’ ને બદલે ‘ર’. (૯) વ્યંજનો બેવડવા. (૧૦) ‘આ’ નો ઉચ્ચાર ‘ઑ’ (પહોળો ‘ઓ’ જેવો). (૧૧) ‘૨’ નો ‘ડ’. (૧૨) ‘હ’ નો ‘સ’.
આના દાખલા અત્રે ડૉ. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તો નીચે પ્રમાણે તારવી શકાય :– (૧) સવડ, અડવું, વચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ). (૨) લેમડો, પેપળો, હેંડવું, મેઠું, શેંગો. (૩) ચેટલાક, ચેટલો, દિચરો; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જ્યા (લઈ ગયા), ૫જે (પગે), માજમા (માગ્યા). (૪) સોકરા, ૫સે. (૫) હારૂ, માણહ, હામર્યું, હરખું, હમજવું, વરહ. (૬) કયું, દારા (દહાડા), કઉં (કહું). (૭) ટંગી, જાફટ, સુઢ, બઢા, તેઠી, ડાણો, ઘનો, એકથું, ઉદાળી દીઢું (કે ‘ડીઢું’), કારન, પન (૫ણ). (૮) ‘મરવાનો’ (મળવાનો), આગર (આગળ), ‘થોરા દારા’ (થોડા દહાડા). (૯) મોટ્ટો, નાલ્લો, ડિટ્ઠો (દીઠો), નોક્કર. (૧૦) નોના, તોણ, નોંખ્યો, વોણીઓ. (૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં). (૧૨) મોસન. કલકત્તા સંસ્કૃત કૉલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઇ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયલા નં. ૨૬ ના ‘કેટલોગ’ (યાદી)માં જૈન ગ્રંથોની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ‘રામચંદ્ર જૈન કાવ્યમાળા’ પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જૈનોની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાનો જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જૈનોની છે. તથા ‘ગૌતમરાસો’ નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણો આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યેગ્ય માર્ગ શો છે તે જોવામાં મદદ ૫ડશે એવી આશા છે.
‘કલ્પસૂત્ર ટીકા’–આ ગ્રન્થનું હસ્તલિખિત પુસ્તક કલકત્તાના પુસ્તકાલયમાં છે. તેની સાલ સંવત ૧૮૪૩ છે. અર્થાત્ આસરે ૧૨૫ વર્ષ જૂનું પુસ્તક છે. એ ટીકા ભાષામાં છે. તે ભાષા કઈ તે વિચારવા લાયક છે. થોડોક ઊતારો નીચે આપ્યો છે:-
‘अथ कल्पसूत्रनी टीका लिख्यते । तेणं कालेणं तेणं समएणं। तिणें कालें तिणें समये ने विषइ श्रमण भगवंत श्रीमहावीर ने पांच कल्याणक उत्तराफाल्गुनी नक्षत्रई थया। ते किम्। उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहाबीरने चयनकल्याणक थया। उत्तराफाल्गुनी नक्षत्र गर्भोपहार थ्युं । उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहावीरनुं जन्नकलणक थयो। उत्तराफाल्गुनी नक्षत्रैं वीक्षाकल्याण थयुं । आगार कहीइ घरथकी अणागरकहीइं साधु थया। उत्तराफाल्गुनी नक्षत्रे श्रीपरमेश्वरणे अनन्त कहीइं। जेहनौं पार न यांमीयइं । तेहवो अणुत्तर कहतां । जेहथी आगले बीजुं कांइ न मिलै । ते माटे सर्वोत्तम ।
ગુજરાતી ભાષા જયપુર અને માળવા સાથે ગાઢો સંબંધ ધરાવે છે ૫રંતુ ‘નો’, ‘ની’ અને ‘નું’ એ છટ્ઠી વિભક્તિના પ્રત્યયો તથા ‘થી’, ‘થકી’ એ પાંચમી વિભક્તિના પ્રત્યયો ‘જયપુરી’ કે ‘માળવી’માં નથી, ગુજરાતીમાં જ છે. છઠ્ઠી, ચોથી ને પાંચમીના પ્રત્યયો ડૉ. ગ્રીઅર્સન રાજસ્થાની, વ્રજ, બુન્દેલી ને ગુજરાતી ભાષામાં નીચે પ્રમાણે આપે છે: –
વ્રજ બુન્દેલી ગુજરાતી રાજસ્થાની
મેવાટી માળવી રો,રા,રી જયપુરી મારવાડી ષષ્ઠી-કૌ,કે,કી કો,કે,કી નો,ના,ની કો,કા,કી કો,ક,કી કો,કા,કી રો,રા,રી ચતુર્થી-કો ખો ને નૈ, ને,કે નૈ,કૈ નૈ પંચમી-સો,તે સો,સે થી સૈ,તૈ ઊ,સે,સૂ સૂ,સૈ સૂ,ઊ
આ ઉપરથી જણાશે કે ‘થી’, ‘નો’, ‘ના’, ‘ની’ એ પાંચમી અને છઠ્ઠીના પ્રત્યયો ગુજરાતીમાંજ છે. આમ વિચારતાં ઉપલું લખાણ ગુજરાતી ભાષાનું લાગે ને તેને કેટલાક પ્રાચીન ગુજરાતી કહે; પણ એ લખાણ તો ૧૨૫ વર્ષ ૫રનું જ છે; અને તે વખતની કંઈ આવી ભાષા હોય નહિ. એમાં कहीइं જેવાં કેટલાંક પ્રાચીન રૂપો છે; તેમજ ‘नो’, ‘नी’, ‘नुं’ પ્રત્યયાન્ત, ‘थी’ પ્રત્યયાન્ત અને ‘थकी’ એવાં અર્વાચીન રૂપો છે. આમ કોઈ પુસ્તક પ્રાચીન ગુજરાતીમાં છે કે કઈ ભાષામાં તે નક્કી કરવું સહેલું નથી. એ ભાષામાં જયપુરી અને માળવી કે અન્ય રાજસ્થાની ભાષાનું મિશ્રણ હોય એ ૫ણ જોવાનું છે. ઈ. સ. ના ૧૨મા સૈકામાં થઈ ગયેલા હેમચંદ્રે પોતાના ‘શબ્દાનુશાસન’ ના ૮મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે, તેમાં ‘અપભ્રંશ’ ના નિયમો આપ્યાં છે. એ અપભ્રંશ ઉપરથી હાલની ગુજરાતી ભાષા ઊતરી આવી છે. શિષ્ટ અપભ્રંશને જૂના વખતમાં ‘નાગર અપભ્રંશ’ કહેતા અને એ ‘નાગર અપભ્રંશ’જ ગુજરાતી ભાષાનું મૂળ છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે એ નાગર જ્ઞાતિના નામ પરથી બાલબોધ લિપિનું ‘નાગરી’ લિપિ એ નામ પડયું છે. ‘નાગર અપભ્રંશ’ એ નામ પણ નાગર જ્ઞાતિના નામ પરથી જ પડયું હશે એેવો સંભવ છે. વિદ્યાના વિષયમાં નાગર જ્ઞાતિ ગુજરાતમાં સર્વ જ્ઞાતિઓમાં પરાપૂર્વથી અગ્રેસર છે. હેમચન્દ્ર જાતે ઉત્તર ગુજરાતમાં રહેતા અને જે અપભ્રંશ ભાષાના એમણે નિયમો અને દાખલા આપ્યા છે તે ભાષા એમના સમયમાં મૃત હશે, તો પણ તે સમયમાં બોલાતી ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે એ નક્કી છે.
અણહિલવાડ પાટણની વિદ્યાનો કંઈ હેમચંદ્ર સાથે નાશ થયો નહિ. એના મરણ ૫છી લગભગ બસેં વર્ષે લખાયલો એક પ્રાચીન ગ્રન્થ માલમ પડે છે, તે જૂની ગુજરાતી ભાષામાં લખેલો માની શકાય. એ ગ્રન્થ તે ‘મુગ્ધાવબોધ મૌક્તિક’ છે. એ વ્યાકરણનો ગ્રન્થ છે. સંસ્કૃત વ્યાકરણના ‘વાક્યવિન્યાસ’ વિષે ગુજરાતીમાં લખેલો એ લેખ છે. એ ગ્રન્થ ઇ. સ. ૧૩૯૪ માં લખાયો છે ને એનો ગ્રન્થકાર દેવસુન્દરનો શિષ્ય હતો. એ લેખ હકીકત માટે નહિ, પણ ભાષાશોધ માટે ઉપયોગી છે; કેમકે હેમચન્દ્ર (ઈ. સ. ૧૧૫૦) અને નરસિંહ મહેતા (ઈ. સ. ૧૪૫૦) એ બેના સમયની વચ્ચે ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી હતી તે એથી જણાય છે. આ રીતે હાલની ગુજરાતી ભાષા કેવી રીતે ઉત્પન્ન થઈ તે જાણવાનાં અવિચ્છિન્ન સાધનો મળી આવે છે. સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી આ ક્રમે હાલની ગુજરાતી ભાષાનું બંધારણ થયું છે.
હેમચંદ્રે વર્ણવેલી નાગર અપભ્રંશ ભાષા મધ્યમાં આવેલા, ગંગા યમુનાના વચલા પ્રદેશમાંની પ્રાકૃત-શૌરસેની સાથે નિકટ સંબંધ ધરાવે છે. મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને તેથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે. મધ્ય સમયમાં ગુજરાત એ રજપુતાનાનો માત્ર એક ભાગ હતો. હાલ એ રજપુતાનાથી જુદો છે; કારણ કે એ ઘણોખરો બ્રિટિશ હકુમત નીચે છે અને રજપુતાનામાં દેશી રાજ્ય છે. ક્રિયાપદનાં અને નામનાં રૂપાખ્યાનમાં ગુજરાતી ભાષા પશ્ચિમ હિંદી સાથે મળતી આવે છે. એમાં માત્ર એકજ અપવાદ છે. તે એ કે નામની છઠ્ઠી અને ચોથી વિભક્તિની બાબતમાં એ પશ્ચિમ રાજસ્થાની સાથે મળતી આવે છે.
પંજાબી, ગુજરાતી, અને રાજસ્થાની એ ભાષાઓ અને બીજી ભાષાઓ વચ્ચે એક ફેર એ છે કે આગલીમાં શબ્દનાં રૂપો પ્રત્યયોને બદલે સહાયક શબ્દો ઉમેરવાથી થાય છે અને પાછલીમાં પ્રત્યયો ઉમેરવાથી થાય છે. જેમકે હિંદુસ્તાનીમાં (જેનો આગલીમાં સમાવેશ થાય છે). ‘ઘોડે-કા’ (ઘોડાનો) અને ‘ઘોડે-કો’ (ઘોડાને) એળખાય છે. એમાં ‘કા’ અને ‘કો’ એ સહાયક-શબ્દો ‘ઘોડે’ (મૂળ ‘ઘોડા’) ને ઉમેરાયા છે: પણ બંગાલીમાં (જેનો પાછલીમાં સમાવેશ થાય છે) ‘ઘોડાર’ (ઘોડાનો) અને ‘ઘોડારે’ છે. આમાં ‘ર’ ને ‘રે’ એ બે પ્રત્યયો છે ને તે ‘ઘોડા’ ને લગાડેલા છે. ‘ઘોડાર’ અને ‘ઘોડારે’ એ બંનેમાં પ્રત્યય ભેગો થઈ એક આખો સાદો શબ્દ બને છે અને એનો ઉચ્ચાર પણ એક શબ્દ જેવો થાય છે; ૫ણ ‘ઘોડે–કા’ અને ‘ઘોડે–કો” તો સમસ્ત શબ્દ જેવા છે; દરેકમાં બે શબ્દ છે.
આનું કારણ એ છે કે ભાષાના બંધારણમાં પ્રથમ મૂળ શબ્દોમાં જુદા શબ્દ ઉમેરી શબ્દોનાં રૂપો થાય છે ને જેમ જેમ ભાષાને વિકાસ થતો જાય છે તેમ તેમ શબ્દોનાં રૂપો પ્રત્યયથી થાય છે; અર્થાત્ બે શબ્દોનો બનેલો શબ્દ એક જ શબ્દ હોય એમ થાય છે. આ ઉદાહરણથી સારી રીતે સમજાવી શકાશે; પણ તેમ કરતાં પહેલાં પ્રાકૃત ભાષાનો અપભ્રંશનો એક સંધિનિયમ આપવાની જરૂર છે.
‘कगचजतदपयवां प्रायो लोपः ।૨। ૨. એવું ‘પ્રાકૃતપ્રકાશ’નું સૂત્ર છે. कगचजतदपयवां प्रायो लुक् [હેમ. ८।१।७७], સ્વરથી પર, અનાદિ અને અસંયુકત એવા क्, ग्, च्, ज्, त्, द्, प्, य् ને व्, નો પ્રાયઃ લોપ થાય છે. અર્થાત્, કેટલાક વ્યંજનો, જેમાં क् ને त् છે, જ્યારે શબ્દની મધ્યમાં અને બે સ્વરની વચ્ચે આવે ત્યારે તેનો લોપ થાય છે, પણ શબ્દની આદિમાં હોય તો તેનો લોપ થતો નથી; જેમકે चलति નું चलइ થાય છે; પણ कामस्य तत्त એમાં तत्त નો આદિ त् લોપાતો નથી; કેમકે અસંયુક્ત છે તોપણ ૫દનો આદિ છે. આ પ્રમાણે જ્યારે क्, त्, આદિ વ્યંજનનો લોપ થાય ત્યારે તે વ્યંજનો પદના આદિમાં નથી એ સ્પષ્ટ છે.
હવે ત્રણ જૂના શબ્દો જે ષષ્ઠીના પ્રત્યયો થયા છે તેનો વિચાર કરીએ. એ ત્રણ શબ્દો किअअ, कर, ને करऊ અને तणऊ છે. હિંદુસ્તાની ‘ઘોડે–કા’ એ ‘ઘોડૈ-કિઅઅ’ એ અપભ્રંશ રૂપ ઉપરથી વ્યુત્પન્ન થયો છે. અહિં ‘કિઅઅ’ નો ‘કા’ થતાં ‘ક્’ નો લોપ થયો નથી; તેથી ઉપલા નિયમ પ્રમાણે એમ સમજાય છે કે ‘ક્’ એ જુદા શબ્દનો આદિ વર્ણ છે અને એ શબ્દ ‘ઘોડે’ સાથે એક થયો નથી અને ‘કા’ એ અન્ય શબ્દ જ લાગેલો છે, પ્રત્યય નથી.
એથી ઉલટું બંગાળી ‘ઘોડાર’ એ ‘ઘોડઅ—કર’ પરથી ‘ઘોડઅ–અર’ થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં ‘કર’ નો આદિ ‘ક્’ લુપ્ત થયો છે. એ ઉપરથી સમજાય છે કે ‘ક્’ પદનો આદિ વર્ણ ન હતો પણ વચમાં છે. ‘કર’ એ આ પ્રમાણે જુદો શબ્દ ન હતો, પણ શબ્દનો અવયવ જ હતો, તેથી ‘ઘોડ્અકર’ માં વચ્ચે આડી લીટી નથી; માટે “ર” એ પ્રત્યય છે, જુદો શબ્દ નથી; બંગાળી વૈયાકરણો ‘ઘોડાર’ ને એક શબ્દ તરીકે લખે છે તે બરોબર છે.
પશ્ચિમ રાજસ્થાનીમાં ‘ઘોડારો’ (ઘોડાનો) છે તે બંગાળી ‘ઘોડાર’ના જેવું જ રૂપ છે. એને સાધારણ રીતે ‘ઘોડા –રો’ લખે છે તે ખોટું છે. એ ‘ઘોડઅ–કરઊ’પરથી વ્યુત્પન્ન થયો છે, અને ‘ક્’ નો લોપ થયો તેથી એમ જણાય છે કે ‘ઘોડઅકરઊ’ અને ‘ઘોડારો’ એ દરેક એક શબ્દ છે, બેનો બનેલો નથી. તેટલા માટે ‘રો’ એ પ્રત્યય છે, ઉમેરેલો શબ્દ નથી.
હવે ગુજરાતી રૂપ ‘ઘોડાનો’ લઈએ. એ ‘ઘોડઅ-તણઊ’ નું ‘ઘોડઅ –અણઊ’ થઈ વ્યુત્પન્ન થયો છે. અહિં પણ ‘ત્’ ના લોપથી એમ સમજાય છે કે ‘તણઊ’ એ જુદો શબ્દ જતો રહી પ્રત્યય ગણાયો છે. તેટલા માટે ‘ઘોડાનો’ એ એક શબ્દ છે, બેનો બન્યો નથી. ‘રો’ ની પેઠે ‘નો’ પણ પ્રત્યય જ છે.
અર્થાત્ વ્યંજનનો લોપ પદના આદિમાં થતો નથી, તેથી જે રૂપોમાં લોપ થયો છે તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ પ્રત્યયો જ છે, ને શબ્દ એક જ છે, એ સંયુક્ત થઈ બન્યો નથી; પણ જે રૂપોમાં લોપ થતો નથી તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ બીજા શબ્દો છે ને આખા શબ્દ બે શબ્દો સંયુક્ત થયા છે.
ચતુર્થીના પ્રત્યયની બાબત છઠ્ઠીના પ્રત્યય જેવીજ છે; કેમકે એ બધી ભાષાઓમાં–પંજાબી, ગુજરાતી ને રાજસ્થાનીમાં-ચતુર્થીનો પ્રત્યય ષષ્ઠીના પ્રત્યયને સપ્તમીનો પ્રત્યય લગાડવાથી થાય છે. ‘કો’ એ ‘કા’ની સપ્તમી ‘રે’ એ ‘ર’ કે ‘રો’ ની સપ્તમી છે, અને ‘ને‘ એ ‘નો’ ની સપ્તમી છે.
આ ઉપરથી સમજાશે કે હિંદુસ્તાની ભાષામાં ષષ્ઠી અને ચતુર્થી નવા શબ્દ ઉમેરવાથી થાય છે; પણ ગુજરાતી અને પશ્ચિમ રાજસ્થાની તેમજ પંજાબીમાં (તેમાં ‘કિડા’ નું રૂપ ‘ડા’ છે) ષષ્ઠી અને ચતુર્થી પ્રત્યયો લગાડવાથી થાય છે.
સ્વરોના ઉચ્ચારમાં ગુજરાતીમાં કેટલાંક ખાસ લક્ષણ છે. સ્વરની પછી સંયુક્ત વ્યંજન હોય તો તેમાંનો એક લોપાઈ પૂર્વ સ્વર દીર્ધ થાય છે. જેમકે હિંદમાં ‘मक्खन’ ને ગુજરાતીમાં ‘માખણ’ છે. વળી ‘मारिस्सउ’ નું ‘મારીશ’ થાય છે.
અરબી અને ફારસી ભાષામાં જે શબ્દમાં ‘અ’ ની પછી ‘હ’ આવે છે તે શબ્દો ગુજરાતીમાં વપરાય છે ત્યારે તેમાં ‘અ’ નો ‘એ’ થાય છે; પણ હિંદુસ્તાનીમાં ‘અ’ રહે છે. જેમકે હિંદુસ્તાની ‘सह्’ નું ગુજરાતીમાં ‘શહેર’ છે.
સિંધી ને રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં ‘એ’ નો ‘ઓ’ છે, ત્યારે હિંદુસ્તાનીમાં ‘ઐ’ નો ‘ઔ’ છે; જેમકે હિંદુસ્તાનીમાં ‘बैठा’ ગુજરાતી ‘બેઠો,’ હિંદુસ્તાનીમાં ‘लौंडी’ ગુજરાતી ‘લોંડી.’
ઘણા શબ્દોમાં હિંદુસ્તાનીમાં ‘ઈ’ છે ત્યાં ગુજરાતીમાં ‘અ’ છે; જેમકે હિંદુસ્તાની ‘बिमाडना,’ ગુજરાતી ‘બગડવું;’ હિંદુસ્તાની ‘लिखना’ ગુજરાતી ‘લખવું;’ હિંદુસ્તાની ‘मिलना,’ ગુજરાતી ‘મળવું;’ હિંદુસ્તાની ‘अधिक,’ ગુજરાતી ‘અદકું’
વળી હિંદુસ્તાનીમાં ‘उ’ હોય છે ત્યાં કોઈ કોઈ સ્થળે ગુજરાતીમાં ‘અ’ હોય છે. જેમકે હિંદુસ્તાની ‘तुम,’ ગુજરાતી ‘તમે’ (મેવાટી (રાજસ્થાની) तम,); હિંદુસ્તાની ‘मानुस;’ ગુજરાતી ‘માણસ;’ હિંદુસ્તાની ‘हुआ’ ગુજરાતી ‘હતો.’ ગુજરાતીમાં સંભાષણમાં ‘હુતો’ પણ વપરાય છે.
વ્યંજનના સંબંધમાં રાજસ્થાની, પંજાબી, સિંધી અને મરાઠીની પેઠે ગુજરાતીમાં પણ ઘણા શબ્દોમાં મૂર્ધન્ય વ્યંજનો છે. ‘ણ’ અને ‘ળ’ હિંદુસ્તાનીમાં નથી. નિયમ એેવો જણાય છે કે અપભ્રંશમાં ‘ન્ન’ અને ‘લ્લ’ પરથી ગુજરાતીમાં ‘ન’ ને ‘લ’ થાય છે; પણ અપભ્રંશમાં ‘ન’ ને ‘લ’ શબ્દની વચમાં હોય છે તેનું ગુજરાતીમાં ‘ણ’ ને ‘ળ’ થાય છે; જેમકે અપભ્રંશ ‘સોન્નાઉં,’ ગુજરાતી ‘સોનું’ અપભ્રંશ ‘ઘણુઉં,’ ગુજરાતી ‘ઘણું’ અપભ્રંશ ‘ચલ્લઈ,’ ગુજરાતી ‘ચાલે;’ અપભ્રંશ ‘ચલઈ’, ગુજરાતી ‘ચળે’ ઉપર નિયમ આપ્યો છે કે પ્રાકૃતમાં સંયુક્ત વ્યંજન હોય તો ગુજરાતીમાં એક લોપાઈ પૂર્વ સ્વર દીર્ધ થાય છે. આ ઉપરથી દન્ત્ય વ્યંજનો શબ્દની વચ્ચે હોય છે ત્યારે તેની પૂવનો સ્વર બહુધા દીર્ઘ હોય છે.
ડૉ. ગ્રીઅર્સને વ્યંજનોના પ્રાન્તિક ભેદ નીચે પ્રમાણે આપ્યા છે.
દન્ત્યને બદલે મૂર્ધન્ય ને મૂર્ધન્યને બદલે દન્ત્ય – ડ, ઢ, ને ળ સ્થાને ર. ‘માતે’ (માટે), ‘દીથો’ (દીઠો), ‘થોરા’ કે ઠોડા’ (થોડા), ‘લોરૂં’ (લોઢું), ‘તેને’ (તેણે), ‘મરવું’ (મળવું), ‘ડાહડો’ (દહાડો), ‘ટું’ (તું), ‘દીઢો’ કે ‘ડીઢો’ (દીધો). વાયવ્ય સીમાની પિશાચ ભાષાઓની પેઠે દન્ત્યને મૂર્ધન્ય પરસ્પર બદલાય છે.
‘ચ’ ને ‘છ’ ને બદલે ‘સ’. ‘પાંસ’ (પાંચ), ‘ઉસો’ (ઊંચો), ‘સારવું’ (ચારવું), ‘સોરૂં’ (છોરૂં), ‘પુસ્યો’, (પૂછ્યો).
‘જ, ને ‘ઝ’ નો ‘ઝ’ જેવો ઉચ્ચાર ‘ઝાડ’ (ઝાડ). ચરોતરમાં મહીના કિનારાના પ્રદેશમાં ‘સ’ ને ‘ઝ’ નો ઉચ્ચાર ‘ત્સ’, ‘દ્ઝ’ જેવો, અર્થાત્ દન્ત્યતાલવ્ય થાય છે. એ ઉચ્ચાર મરાઠીને મળતો આવે છે. ‘ચરોતર’ માંના ‘ચ’ નો પણ એેવોજ ‘ત્સ’ ઉચ્ચાર થાય છે.
‘ચ’ ને ‘છ’ નો ‘સ’ થાય છે. ‘ક’, ‘ખ’, ને ‘ગ’ ની પહેલાં કે પછી ‘ઈ’, ‘એ’, કે ‘ય’ આવે તો ઘણું કરીને અનુક્રમે ‘ચ’, ‘છ’, ને ‘જ’ થાય છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રમાણે થાય છે; જેમકે ‘દીચરો’ (દીકરો), ‘છેતર’ (ખેતર), ‘લાજ્યો’ (લાગ્યો), ‘પજે’ (પગે),, ઉત્તર કોકણની મરાઠીમાં પણ આવોજ ફેરફાર થાય છે. પાછા એ ‘ચ’ ને ‘છ’ ના ઉપર દર્શાવેલા ફેરફાર પ્રમાણે ‘સ’ પણ થાય છે, ‘નાંખ્યા’ નું ‘નાંછ્યા’ ને પછી ‘નાસ્યા’ થાય છે.
હિંદુસ્તાનીમાં ‘વ’ નો ‘બ’ થાય છે; ગુજરાતમાં એમનો એમ રહે છે; જેમકે હિંદુસ્તાનીમાં ‘बनिआ’, ગુજરાતી ‘વાણીઓ’; હિંદુસ્તાનીમાં ‘बिना’ ગુજરાતી ‘વિના’ ; હિંદુસ્તાનીમાં ‘पर्वत’, ગુજરાતી ‘પર્વત’.
બોલવાની ભાષામાં ગુજરાતીમાં કેટલેક સ્થળે ‘સ’ ને ‘શ’ નો ઉચ્ચાર ‘હ’ જેવો થાય છે અને એ ઉત્તરમાં નિયમ થઈ ગયો છે. પશ્ચિમ રાજસ્થાનીમાં એમ જ છે. ‘માણહ’ (માણસ), ‘હો’ (સો), ‘હૂરજ’, ‘દેહ (દેશ), ‘હમજાયો’ (સમજાવ્યો). કાઠિયાવાડમાં ‘આદિ’ ‘સ’ ના ઉચ્ચારમાં ઊષ્મ ‘હ’કારનું મિશ્રણ થાય છે. ‘ક’ ને ‘ખ’ ની વચ્ચે જેવો સંબંધ છે તેવો ‘સ’ ને કાઠિયાવાડી ‘સ્હ’ વચ્ચે સંબંધ છે.
એથી ઉલટું, મુખ્યત્વે ઉત્તરમાં જ ‘હ’ નો લોપ પણ થાય છે. ‘ઉતો’ (હુતો, હતો) ‘ઉ’ (હું), ‘આથી’ (હાથી), ‘કઉં’ (કહું).
આ નિયમ મહાપ્રાણ વ્યંજનોમાં પણ થતો જોવામાં આવે છે; તેથી ઉત્તરમાં નીચેના ઉચ્ચારો છે:-
‘એકતુ’ (એકઠું), ‘હાતે’ કે ‘હાતી’ (હાથે), ‘અદકું’ (આધકું).
સુરત અને ભરૂચ જીલ્લાઓમાં વ્યંજનો બેવડાવવામાં આવે છે. શબ્દના આરંભમાં વ્યંજનો પણ દ્વિર્ભાવ કરવા તરફ વૃત્તિ છે ‘દિઠ્ઠો’ (દીઠો) ‘નોક્કર’ (નોકર), ‘અમ્મે’ (અમે), ‘નાલ્લો’ (નાનો), ‘મ્મારો (મારો), ‘નાલ્લો’ માં થયું છે તેમ ‘ન’ નો ‘લ’ કરવા તરફ પણ વૃત્તિ છે. એ વૃત્તિ આખા ગુજરાતમાં સામાન્ય છે, પણ સુરત ભરૂચમાં વિશેષ દેખાય છે. એજ જિલ્લાઓમાં ‘ય’ ની પહેલાં વ્યંજન હોય તો તે વ્યંજનની પૂર્વે ‘ઈ’ હોય તેના જેવો ઉચ્ચાર થાય છે. ‘માર્યો’ નો ઉચ્ચાર ‘માઈરો’ ‘આવ્યો’, ‘લાવ્યો’ નો ઉચ્ચાર ‘આઈવ્યો’, ‘લાઈવ્યો’ જેવો પણ કેટલાક કરે છે.
વળી એકજ શબ્દમાં વ્યંજનો ઉલટાસુલટા કરવાના દાખલા પણ ગુજરાતીમાં મળી આવે છે. ‘ટીપવું’, ‘પીટવું’; ‘ખરાવીશ’, ‘ખવારીશ’, ‘દેતવા’, ‘દેવતા’. છેલ્લા બે દાખલા ઘોઘામાંના છે એમ ડૉ. ગ્રીઅર્સન કહે છે. પણ અમદાવાદમાં પણ ‘દેતવા’ શબ્દ સંભળાય છે. આ બધા અશિષ્ટ વર્ગના જ ઉચ્ચારો છે, પણ ભાષામાં કેવા ફેરફાર થાય છે તે દર્શાવે છે, માટે અહિં આપ્યા છે. અમદાવાદ ને ચરોતરમાં ‘મજબૂત’ ને ઠેકાણે ‘જમબૂત’, ‘ગમ’ ને ઠેકાણે ‘મગ’; અને ‘નુકસાન’ ને ઠેકાણે ‘નુસકાન’ કહે છે.
બીનકેળવાયેલા મુસલમાનો હિંદુરસ્તાની નહિ, પણ ગુજરાતી બોલે છે, તેમની ભાષામાં ફારસી અને અરબી ભાષાના ઘણા શબ્દો આવે છે; અને ગુજરાતી ભાષાના ઉચ્ચારમાં પણ ખાસ ફેરફાર થયેલા જોવામાં આવે છે; તેમાંનો મુખ્ય દન્ત્ય અને મૂર્ધન્ય વ્યંજનનો પરસ્પર ફેરફાર છે.
પારસી લોકોની ગુજરાતી ભાષામાં પણ મૂર્ધન્યને બદલે દન્ત્ય વ્યંજનોના પ્રયોગ જોવામાં આવે છે.
ગુજરાતીમાં નપુંસક લિંગ છે, તેમ હિંદુસ્તાનીમાં નથી. હિંદુસ્તાનીમાં નપુંસક પ્રશ્નાર્થ સર્વનામ છે અને પશ્ચિમ હિંદીની કેટલીક પ્રાન્તિક બોલીમાં નપુંસકલિંગના કોઈક કોઈક દાખલા જોવામાં આવે છે. પશ્ચિમ હિંદીમાં સંસ્કૃત અને પ્રાકૃતમાંથી આવેલા નપુંસકલિંગના શબ્દો પુલ્લિંગમાં છે. રાજસ્થાનીમાં આ દાખલા, જેમ જેમ પશ્ચિમ તરફ જઈએ છિયે તેમ, પશ્ચિમ હિંદી કરતાં વિશેષ જોવામાં આવે છે અને આખરે ગુજરાતીમાં નપુંસકલિંગથી સ્થાયી થયલી દેખાય છે. આ બાબતમાં ગુજરાતી મરાઠીને મળતી આવે છે. ઘણીખરીવાર નપુંસકલિંગ સામાન્ય લિંગના અર્થમાં વપરાય છે; ‘છોકરૂં’.
‘ડૉ’ (પુ.) ‘ડી’ (સ્ત્રી.) અને ‘ડું’ (ન.) એ પ્રત્યયો રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં પણ સાધારણ છે. અપભ્રંશમાં એ પ્રત્યય છે તે ગુજરાતીમાં ને રાજસ્થાનીમાં આવ્યો છે. સાધારણરીતે એનો કંઈ અર્થ નથી, પણ કોઈક સ્થળે, મુખ્યત્વે નપુંસકમાં, તે તિરસ્કારવાચક છે. ‘કુકડો’, ‘બિલાડી’, ‘ગધેડું’, એ બધા શબ્દોમાં એ પ્રત્યય છે.
નામના રૂપાખ્યાનમાં ગુજરાતીમાં ‘અ’કારાન્ત નામનું પ્રથમાનું બહુવચન ‘ઓ’ પ્રત્યયથી થાય છે, તેમ પ્રશ્ચિમ હિંદમાં (હિંદુસ્તાની બોલી જે એ વાતમાં પંજાબીને મળતી આવે છે તેમાં નહિ ) અને રાજસ્થાનીમાં પણ છે. પણ બીજી વિભક્તિઓનાં રૂપોમાં અકારાન્ત શબ્દનું અંગ અકારાન્ત થાય છે (ઘોડાનો, ઘોડાથી વગેરે) એવું પશ્ચિમ હિંદમાં થતું નથી. ‘ઘોડાનો’- ‘ઘોડે-કા’ બીજી ગુજરાતી ભાષાની ખાસીઅત એ છે કે તેનાં રૂપાખ્યાનમાં બહુવચનનાં રૂપોમાં વિકલ્પે ‘ઓ’ પ્રત્યય લાગે છે.
ગુજરાતીના ‘શું’ ને મળતું હિંદુસ્તાનીમાં નથી. હિંદુસ્તાનીમાં कया છે તેમ ગુજરાતીમાં પણ ‘કયું’, ‘કિયા’ કે ‘ક્યા’ છે. ઉત્તર તરફ ‘ચિયા’ વપરાય છે.
ક્રિયાપદનાં રૂપોમાં ‘છું’ નો ઉપયોગ જેવો ગુજરાતીમાં છે તેવો પંજાબી, રાજસ્થાની અને અન્ય ભાષાઓમાં પણ છે, પણ પશ્ચિમ હિંદીમાં નથી. ભવિષ્યકાળમાં ‘શ’ કે ‘સ’ આવે છે તે રાજસ્થાનીની કેટલીક પ્રાન્તિક બોલીમાં પણ આવે છે. પશ્ચિમ હિંદમાં ‘સ’ નો ‘હ’ થઈ ગયો છે. એજ ‘હ’ ગુજરાતની કેટલીક પ્રાન્તિક બોલીમાં પણ છે.
ગુજરાતી ભાષાની એક ખાસ વાક્યરચના છે, એ રચના ક્વચિત્ રાજસ્થાનીમાં પણ જોવામાં આવે છે; પણ હિંદુસ્તાનની બીજી ભાષામાં જણાતી નથી. સકર્મક ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ જેમાં થાય છે તે એ રચના છે. એ બીજી હિંદુસ્તાની ભાષાઓની પેઠે કર્મણી કે ભાવે વપરાય છે. કર્મણિ રચનામાં ભૂતકૃદન્ત ભૂતકાળ તરીકે વપરાય છે તે જાતિ ને વચનમાં કર્મના રૂપને મળતું છે. ‘તેણે રાજધાની કરી’, અથવા ‘તેનાથી રાજધાની કરાઈ’ દાખલા તરીકે હિંદુસ્તાનીમાં ભાવે રચના છે, એમાં કર્મ ચતુર્થીમાં આવે છે, અને ક્રિયાપદ નપુંસકમાં, અથવા તો નપુંસક ન હોવાથી પુલ્લિંગમાં મૂકાય છે; જેમકે उस-ने रानी-को छोडा (તેણે રાણીને છોડાયું–છોડવાનું કર્યું–તેણે રાણીને છોડી). પણ उस-ने रानी छोडी એમ को પ્રત્યય ન વાપરીએ તો કહેવાય છે. એવે સ્થળે ગુજરાતીમાં ક્રિયાપદ નપુંસકમાં વપરાતું નથી, પણ કર્મની જાતિ ને વચનમાં વપરાય છે.
- ↑ * ગુજરાતી શાળાપત્ર-ઑક્ટોબર ૧૯૦૯ અંક-૧૦
- ↑ × ઈ. સ. ૮૮૮ ના રાષ્ટ્રકૂટ શિલાલેખમાં તાપી નદી પર સુરત પાસેના વરીઆવ ગામ સુધી ‘કોકણ’ નામ આપ્યું છે; તેથી મહીની દક્ષિણના ‘લાટ’ દેશને ‘ગુજરાત’ નામ મુસલમાન રાજ્યમાં લાગુ પાડેલું જણાય છે. એ દક્ષિણ પ્રદેશને ‘ગુજરાત’ નામ લાગુ પડવું હજી પણ અસંપૂર્ણ છે; કેમકે સુરતના હિંદુ અને મુસલમાન લોકો પાટણ કે અમદાવાદ જાય છે ત્યારે ગુજરાત જઈએ છિયે એમ કહે છે અને વડનગરા નાગર બ્રાહ્મણોમાં જેઓ અમદાવાદી છે તેઓ સુરતી તડને ‘કુકણા’ કહે છે. ‘બોમ્બે ગેઝેટીઅર’ પૃ. ૫ પૃ. ટિ.