ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/કૃષ્ણલાલ સુરજરામ વકીલ

From Ekatra Foundation
Revision as of 02:24, 30 January 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃષ્ણલાલ સુરજરામ વકીલ}} {{Poem2Open}} કૃષ્ણલાલ સુરજરામ વકીલ સુરતના વતની ને જ્ઞાતે વાલ્મિક કાયસ્થ છે. એમનો જન્મ સુરત શહેરમાં તા. ૧૩ મી ઑક્ટોબર ૧૮૭૮ ને દિવસે થયો હતો. એમના પિતાનું નામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃષ્ણલાલ સુરજરામ વકીલ

કૃષ્ણલાલ સુરજરામ વકીલ સુરતના વતની ને જ્ઞાતે વાલ્મિક કાયસ્થ છે. એમનો જન્મ સુરત શહેરમાં તા. ૧૩ મી ઑક્ટોબર ૧૮૭૮ ને દિવસે થયો હતો. એમના પિતાનું નામ સુરજરામ ધીરજરામ અને માતાનું નામ લક્ષ્મી હતું. એમનું લગ્ન સુરતમાં સને ૧૯૦૦ માં શ્રીમતી ચંદાગૌરી જમીએતરામ સાથે થયું હતું.

એમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુરતમાં અને કૉલેજ શિક્ષણ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું.

માધ્યમિક અભ્યાસ દરમિયાન એમને સુરતની સરકારી હાઈસ્કૂલમાં સરકારી હાઈસ્કૂલ સ્કૉલરશિપ મળી હતી અને કૉલેજ અભ્યાસ દરમિયાન એલ્ફિન્સ્ટન કૉલેજમાં મહારાજા ગાયકવાડ સ્કૉલરશિપ મળી હતી. કૉલેજના અભ્યાસ દરમિયાન એઓ શેઠ ગોકુળદાસ તેજપાળ બોર્ડિંગ સ્કૂલમાં ફ્રી બૉર્ડર તરીકે પસંદ થયા હતા. એઓ સને ૧૮૯૯ માં બી. એ.; થયા હતા.

એમણે જીવનની શરૂઆત હાઈસ્કૂલ શિક્ષક તરીકે કરી હતી. પ્રથમ મુંબઈમાં ગોકુળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં ને ન્યૂ હાઈસ્કૂલમાં તથા સુરતમાં યુનિયન હાઈસ્કૂલમાં અને પછી અમદાવાદમાં સરકારી હાઈસ્કૂલમાં. ત્યાર પછી એમની નીમણુક ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના એક કારકુન તરીકે, અમદાવાદ જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે, અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક તરીકે, પંચમહાલ-રેવાકાંઠાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે, સુરત જિલ્લાના આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે, મુંબઈ ઈલાકાના ડાયરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રક્શનની ઑફિસના સુપરિન્ટેન્ડન્ટ તરીકે તથા તેમના હેડ આસિસ્ટન્ટ તરીકે, મુંબઈ ઈલાકાના ટ્રેનિંગ સ્કૂલના ઈન્સ્પેકટર તરીકે, તથા ઉત્તર તથા દક્ષિણ ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે થઈ હતી. એ પ્રમાણે એઓ ધીમે ધીમે છેક નીચી પાયરી પરથી કેળવણીખાતામાં દેશીને મળી શકે તેટલી ઉંચી પાયરીએ ચઢયા હતા અને ઇન્ડીઅન એજ્યુકેશનલ સર્વિસમાં દાખલ થયા હતા. એમ ત્રીશ વર્ષ સરકારી નોકરી કરી સને ૧૯૩૩ માં એઓ પેન્શન પર ગયા હતા. પણ પેન્શન લીધા પછી તરતજ એમને કોલ્હાપુર દરબારે બોલાવી ત્યાં એક નવી માધ્યમિક શિક્ષકો માટે ટ્રેનિંગ કૉલેજની યોજના કરવાનું સોંપ્યાથી એમણે ત્યાં એક કૉલેજ સ્થાપી છે ને સને ૧૯૩૪ ના જૂન માસથી તેના પ્રિન્સિપલ તરીકે ત્યાં કામ કરી રહ્યા છે.

સરકારી નોકરી દરમિયાન મુંબઈ સરકારે એમને બેવાર (ઈ. સ. ૧૯૨૩માં ને ૧૯૨૭માં) પોતાના પ્રતિનિધિ તરીકે લંડનમાં ભરાએલી ઈમ્પીરીઅલ એજ્યુકેશન કૉન્ફરન્સમાં નીમ્યા હતા; અને મુંબઈ યુનિવર્સિટીના ફૅલો હતા તે દરમિયાન (સને ૧૯૨૪-૧૯૩૦) સને ૧૯૨૭માં એમને લંડન અને ટોરેન્ટો યુનિવર્સિટીની શતાબ્દીની ઉજવણી વખતે મુંબઈ યુનિવર્સિટીએ પોતાના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા. મુંબઈ યુનિવર્સિટીના ફૅલો તરીકે એમણે ખાસ બે કામ કર્યા હતાં: (૧) બી. ટી. ડીગ્રીની પરીક્ષામાં સાત પ્રશ્નપત્રકનો નિયમ સુધરાવી સાતના પાંચ પ્રશ્નપત્રક કરાવ્યાં હતા અને (૨) મેટ્રિક્યુલેશન પરીક્ષામાં અંગ્રેજી સિવાયના બધા વિષયોમાં પોતાની માતૃભાષામાં ઉત્તર આપવાની ઉમેદવારોને છૂટ આપવાની સબળ હિમાયત કરી એ પ્રમાણે નિયમ એને લગતી કમિટીના સર્વ સભ્યો પાસે સ્વીકારાવ્યો હતો. એમણે દેશદેશની શિક્ષણપદ્ધતિના અભ્યાસ માટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને ઈંગ્લંડ, જર્મની, જાપાન, કૅનેડા, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકા, ફિલિપાઈન બેટો વગેરેની કેળવણીનો અંગત અનુભવ મેળવ્યો છે અને ઇંગ્લંડની લીડ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી એમણે M. Ed. (Master of Education) ની ડીગ્રી મેળવી છે.

સને ૧૯૨૮માં ઇંગ્લંડની રૉયલ જીઓગ્રૉફિકલ સોસાયટીના ફેલો તરીકે અને સને ૧૯૩૩માં નૅશનલ જીઓગ્રૅફિક સોસાયટીના તથા ઇંગ્લંડની રૉયલ સોસાયટી ઑફ ટીસર્સના મેમ્બર તરીકે એમની નિમણુક થઈ હતી.

સને ૧૯૨૪માં લી કમિશન આગળ અને સને ૧૯૨૮માં સાયમન કમિશનની હારટોગ કમિટી આગળ એમણે જુબાની આપી હતી; અને સને ૧૯૨૮માં મુંબઈ સરકારે નીમેલી પ્રાયમરી અને સેકંડરી એજ્યુકેશન કમિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું.

ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે એમણે ઘણી હોશિયારી તથા કુનેહથી અસહકારની ચળવળ ખૂબ જોરથી ચાલી હતી ને સરકારને અમદાવાદ મ્યુનિસિપાલિટી વચ્ચે અસહકાર પ્રવર્તી રહ્યો હતો તે વખતે બંનેના ઝઘડાનો નિકાલ કર્યો હતો અને બંને પક્ષનું માન જાળવી રાખી બંનેને સંતોષ આપ્યો હતો. અમદાવાદ, સુરત, તથા નડીઆદ મ્યુનિસિપાલિટીના પ્રાથમિક શિક્ષકો પોતપોતાની મ્યુનિસિપાલિટી સાથે અસહકારની ચળવળમાં ઉભા રહ્યા હતા તેમને પણ તજવીજથી સરકાર પાસે પાછા નોકરીમાં લેવડાવ્યા હતા.

ગુજરાતમાં તથા કર્ણાટકમાં શિક્ષકોના મેળાવડા, કૉન્ફરન્સ, કેળવણીને લગતાં પ્રદર્શન, એજ્યુકેશન વીક (કેળવણી સપ્તાહ ) વગેરે શિક્ષણ વિષયક પ્રવૃત્તિ એમણે દાખલ કરી છે.

‘ભીલોનાં ગીત’ નામનો લોકગીતનો સંગ્રહ પહેલો એમણે પ્રસિદ્ધ કર્યો હતો (૧૯૧૫), જેનાં મરહુમ ડૉ. ગ્રીઅરસન જેવા ભાષાશાસ્ત્રીએ ઘણાં વખાણ કર્યાં હતાં.

—:એમની કૃતિઓ:—

(૧) પંચમહાલ જિલ્લાની ભૂગોળ ૧૯૦૮
(૨) રેવાકાંઠા એજન્સીની ભૂગોળ ૧૯૧૦
(૩) અંગ્રેજ સરકારને કેમ લડાઈમાં ઉતરવું પડયું (અનુવાદ) ૧૯૧૫
(૪) જગત્ સંગ્રામ (અનુવાદ) ૧૯૨૦
(૫) Instructions to Teachers for the Teaching of Nature Study and School Gardening. ૧૯૨૦
(૬) Report on the Imperial Education Conference, 1923. ૧૯૨૪
(૭) History of Training of Teachers. ૧૯૩૪
(૮) Education in India (Modern Period). ૧૯૩૪
(૯) Education in England. ૧૯૩૪
(૧૦) Education in Germany. ૧૯૩૫
(૧૧) Education in Japan. ૧૯૩૫
(૧૨) Chronology of Education in the Bombay Presidency. ૧૯૩૫