ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/હરિલાલ હર્ષદરાય ધ્રુવ

Revision as of 03:08, 30 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ

આ પરોપકારી સ્વદેશભક્ત સાક્ષર શિરોમણિ ડૉ. હરિલાલનો જન્મ વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદિ ૬, ઈ. સ. ૧૮૫૬, મે તા. ૧૦ ને રવિવારે દહેગામ પરગણામાં બહિયેલ ગામમાં થયો હતો. ત્હેમના પિતાનું નામ હર્ષદરાય હતું. તેઓ દસ્ક્રોઈના મામલતદાર હતા. તેમની માતાનું નામ રેવાબાઈ હતું. માતાપિતા ઉભય શાન્ત સ્વભાવનાં અને ધર્મનિષ્ઠ હતાં.

તેઓ જ્ઞાતિયે સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. તેમનું ગોત્ર ભારદ્વાજ અને અંગિરા, બાર્હસ્પત્ય, અને ભારદ્વાજ ત્રિપ્રવર હતાં. શાખા શાંખાયની હતી. ઉપાધિ ધ્રુવ હતી.

ઈ. સ. ૧૮૬૧માં તેમણે ગૂજરાતી અભ્યાસ આરમ્ભાયો હતો, અને ઈ. સ. ૧૮૬૪માં ઈંગ્રેજી શીખવા માંડયું હતું.

ઈ. સ. ૧૮૬૫માં તેમને ઉપનયન સંસ્કાર થયો અને ઈ. સ. ૧૮૬૭માં મણિલક્ષ્મી નામ્ની કન્યા સાથે લગ્નનો વિધિ આચાર થયો હતો.

બાલ્યકાલથી જ સભા સ્થાપવાનો અને ભાષણો કરવાનો શોખ હતો. મેટ્રિક ક્લાસમાં તે દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલના હાથ નીચે હતા. તેઓ સાહેબ કહે છે-“તે બહુ ચાલાક, અને બહુ મહેનતુ હતા, સંસ્કૃતમાં ઘણા હુંશિયાર હતા, અને કોઈ દિવસ વાંક કે ઠપકાને પાત્ર થયા ન હતા. સ્વભાવે પણ બહુ મળતાવડા તથા વિનયી અને ઘણા નમ્ર હતા.” ઇ. સ. ૧૮૭૩માં તે મેટ્રિકમાં પાસ થયા હતા અને સાર્વજનિક કાર્યોમાં ભાગ લેવા લાગ્યા હતા. આજ વર્ષમાં તેમણે ઇંગ્રેજીમાં ‘Patriot’s Vision” લખ્યું હતું. જેનું આગળ ઉપર આપણા હાલના જાણીતા સાક્ષર શ્રી રમણભાઈયે ’સ્વદેશ વાત્સલ્યનું ચમત્કાર દર્શન’ નામથી ગૂજરાતીમાં ભાષાન્તર કીધેલું. ‘આર્યોત્કષક’ વ્યાયોગ પણ આજ વખતે રચાયું હતું.

ઈ. સ. ૧૮૭૩માં બી. એ. પાસ થયા હતા. ઇ. સ. ૧૮૭૬માં ખણ્ડ કાવ્ય ‘કૌમુદી માધવ’ લખ્યું હતું. ઈ. સ. ૧૮૮૦માં એલ એલ. બી. થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાન માટે પ્રો. ભાણ્ડારકર અને પ્રો. ડૉ. પિટર્સન્ જેવા પણ્ડિતો ઘણો ઉંચો મત ધરાવતા હતા. અને પ્રો. ડૉ. પિટર્સન્, પ્રો. ડ્યૂસન્ અને ડૉ. રોસ્ટ જેવાઓ તેમના મિત્ર થયા હતા. આજ અરસામાં જ્ઞાતિના મુખપત્ર રૂપ ‘નાગર ઉદય’ માસિકના તે સમ્પાદક હતા. પ્રાચીન શોધખોળના પ્રયાસો પણ આ સમયે ચાલી રહ્યા હતા અને ત્હેને અંગે ડૉ. બર્જેસના સંસર્ગમાં આવી ત્હેના પણ એક માનીતા મિત્ર થઈ પડ્યા હતા. ડૉ. બર્જેસ અને ડૉ.બૂહલર્ જેવા તેમની સલાહ અનેક વાર પૂછતા. તેમણે અનેક સંખ્યાબંધ તામ્રપત્રો, શિલાલેખો, શિલાપટ્ટો, પ્રશસ્તિયો વગેરે શોધી કહાડી વિલાયતના માસિકોમાં પ્રકટ કરી ખ્યાતિ મેળવી હતી.

ઈ. સ. ૧૮૮૧થી ૮૪ સુધી શિક્ષા વિભાગમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું, અને પછે સુરતમાં વકીલાત આરમ્ભી અને સાથે સાથે સુરત, અમદાવાદનાં તમામ પત્રો તથા માસિકોમાં પોતાની કલમ નચાવી રહ્યા હતા, અને જાહેર કામમાં ભાગ લઈ ગુજરાતને પણ ઉદ્દીપ્ત કરી રહ્યા હતા. ગુજરાતના પ્રાચીન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક લેખોથી ‘બુદ્ધિપ્રકાશ’ને નવાજી રહ્યા હતા અને ‘એક ચિત્ર દર્શન’ નામનું ચિત્ર કાવ્ય લખી સાક્ષર, વિવેચક નવલરામભાઈના પણ મિત્ર થઈ પડ્યા અને ત્હેના ફળરૂપ તે વિવેચકે તે કાવ્ય ઉપર ખાસ વિવેચન લખ્યું હતું.

ઇ. સ. ૧૮૮૨માં લૉર્ડ રિપનની કાર્યકીર્દિના ફળરૂપ તા. ૩૦ની ઑગસ્ટે ‘પ્રજાહિત વર્ધક સભા’ની સુરતમાં સ્થાપના કરી હતી. અને તેના સંગી અને મંત્રી તથા સભાસદ અને સભાપતિ પણ તે પોતે હતા. આ સંસ્થા દ્વારા ગૂજરાતમાં સ્વદેશાભિમાન અને જાતિયતાના બીજ તેમણે રોપ્યાં હતાં. સુરત મ્યુનિસિપાલિટીના તે કાઉન્સિલર હતા; અને ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટીના તે લાઈફ મેમ્બર હતા.

વકીલ તરીકે વિસ્તરેલા નામથી ગાયકવાડ સરકારનું ધ્યાન ખેંચી તેમના આમંત્રણાનુસાર તે રાજ્ય સાથે જોડાઈ ‘ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ્જનો માનવન્તો ઓદ્દો મેળવી શક્યા હતા અને ‘રાવ બહાદુર’ થવાનું પણ માન પામ્યા હતા.

ઈ. સ. ૧૮૮૯માં, સ્ટૉકહોમમાં ભરાયલી ઓરિયન્ટલ કોન્ગ્રેસમાં તે ગાયકવાડ મહારાજના ડેલિગેટ તરીકે ઉપસ્થિત થયા હતા. તેમનાં ત્યાં આપેલાં ભાષણો તથા ત્યાં વાંચેલા વિદ્વતાભર્યા નિબંધોથી તેમણે યુરોપના વિદ્વાનોને વિસ્મયમૂઢ કરી નાંખ્યા હતા અને ત્યાંના મહારાજાને પણ તેમ્હણે પોતાના જ્ઞાનથી એટલા ચક્તિ કરી દીધા હતા કે તેમ્હણે તેમને ખાસ ખાણું, પોતાના રાજમહેલમાં, આપ્યું હતું; અને પોતાની છબિ સાથેના સોનાના ચાંદથી વિભૂષિત કર્યા હતા, તથા ‘ડૉકટર ઑફ લિટરેચર એન્ડ આર્ટસ’ની ડિગ્રી આપી સન્માન્યા હતા. બુદ્ધિસ્ટ પાલી સ્કોલર પ્રો. રહીસ ડેવીસે તેમ્હને ‘પાલીટેકસ્ટ સોસાઈટી’ના મેમ્બર બનાવી માન આપ્યું હતું. અને તે ઉપરાંત લંડનની ‘રોયલ એશિયાઈટીક સોસાઈટી’ ના તથા ‘એન્થોપ્રોજીકલ સોસાઈટી’ ના મેમ્બર થવાનું તેમને માન હતું. જર્મનીમાં બર્લીન યુનિવ્હર્સિટીએ તેમ્હને ડૉ. ભાણ્ડારકરની માફક પીએચ. ડી.ની ડિગ્રી આપી તેમ્હની વિદ્વત્તાની કદર પીછાની હતી. ફ્રાન્સ, સ્વિઝરર્લેન્ડ આદિ યુરોપના રમણીય પ્રદેશોમાં મુસાફરી કરી હતી અને સ્વાનુત્ભાવ રસિક, ‘યુરોપયાત્રાના પત્રો’ તથા ‘પ્રવાસ પુષ્પાંજલિ’ નામનાં કાવ્યો રચ્યાં હતાં. આ કાવ્યો તેમની કવિત્વશક્તિની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છે.

ઈ. સ. ૧૮૯૩માં ‘બોમ્બે યુનિવ્હર્સિટી’એ તેમ્હને ‘વિલ્સન ફાઈલોલોજીકલ લેક્ચરર’ નીમી, તેમની જ્ઞાનની કદર કરી, પ્રો. ડૉ. ભાણ્ડારકર જેવું મહાન માન આપ્યું હતું.

ઈ. સ. ૧૮૯૬માં રોયલ એશિયાઈટિક સોસાઈટી આગળ ‘વૈદ’ તથા ‘જૂના લેખો’ સમ્બન્ધિ અનેક નિબન્ધો વાંચ્યા હતા. મુંબાઈ તથા વિલાયતના પ્રખ્યાત અને પ્રધાન માસિકોમાં તેમજ જર્મન માસિકોમાં પણ તે લખતા. ઈ. સ. ૧૮૯૬ના માર્ચમાં ‘વસન્ત વિલાસિકા’ તેમ્હની રચેલી પ્રકટ થઈ હતી અને એપ્રિલ-મેમાં તેમનાં કાવ્યોનો સંગ્રહ ‘કુન્જવિહાર’ પ્રસિદ્ધિ, પામ્યો હતો. તેમ્હણે પાલી ભાષામાંથી ‘બૌદ્ધ સુત્રો’નું ભાષાન્તર કીધું છે; જે હજી અપ્રસિદ્ધ છે. પોતે પણ ‘સૂત્રો’ નવાં રચ્યાં હતાં. તેમ્હનાં ઘણાં લખાણો હજુ અપ્રસિદ્ધ છે. ‘આહાર મીમાંસા’ નામનો માંસાહારનું ખંડન અને અન્નહારનું મંડન કરતો એક નિબંધ તેમ્હણે લખ્યો છે; જે સુપ્રસિદ્ધ છે.

તેમ્હણે જ્યોમેટ્રિના સ્કન્ધો સંસ્કૃતમાં જગન્નાથ પંડિતના રચેલા શોધી કહાડી સમ્પાદિત કર્યા હતા; જે મુંબઈ સરકારે ચારેક વર્ષ ઉપર જ પ્રકટ કીધા છે.

‘સાક્ષર સહાયક પ્રજા પ્રબોધક મંડળ’ના તે પેટ્રન હતા; અને ત્હેની વિવેચક તથા પરીક્ષક મંડળીના તે સભાસદ હતા.

ચંદ્ર’ના તંત્રી તરીકે ગૂજરાતમાં અનેક ઉત્સાહી તરુણની કવિતા શક્તિને તેમ્હણે પોષીને ખીલાવી હતી. આ પ્રમાણે ગૂજરાતી સાહિત્યની તેમ્હણે ઘણી સેવા બજાવી છે. તેમ્હના ગ્રંથો વિદ્વાન વર્ગમાં સુપરિચિત અને સુપ્રતિષ્ઠિત છે. સ્વદેશ સેવા એ તેમ્હનો જીવન મંત્ર હતો. તેમ્હનાં કાવ્યોમાં સર્વત્ર સ્વદેશ પ્રીતિ, સ્વદેશાભિમાન, અને જાતિયતા નીતર્યાં કરે છે.

તેમ્હણે તેમ્હના કુટુમ્બમાં પણ સાહિત્યસેવાનાં બીજ રોપ્યાં છે.

તે અનેક પ્રવૃત્તિવાળા મહા પુરૂષ હતા. અનેક માર્ગે પોતાની પ્રવૃત્તિ ન નિયોજતાં એકજ માર્ગે યોજી હોત તો તે સવિશેષ દીપી નીકળત. નૈસર્ગિક કાવ્ય શક્તિ તેમ્હનામાં કેટલી પ્રબળ હતી તે તેમ્હનાં ‘પ્રવાસ પુષ્પાંજલિ’ ઉપરાન્તનાં પ્રવાસમાં લખાયેલાં અનેક કાવ્યો ઉપરથી સહજ અનુભવાય છે. તેમ્હની કવિતા સ્વાનુભવ રસિક છે. તેમ્હની કવિતા શૈલી પ્રથમ સંસ્કૃતમય હતી; પછી ફાર્સી થયેલી. તેમાં અંત સૂધી ફેરફાર થતો ગયો હતો. તેમ્હનાં છેવટનાં કાવ્યો જે હજૂ અપ્રસિદ્ધ છે તે અતિશય સરલ, સુંદર, મનોહર અને ભાવમય છે. વખતના વહવા સાથે તેમની કવિતા પ્રસિદ્ધિ પામતી જશે અને તેમની સેવા ગૂજરાતી સાહિત્યમાં કેટલી બધી છે તે પણ સમજાશે. અસ્તુ.

પાઠાના દરદથી સુરતમાં તે ઈ. સ. ૧૮૯૬ના જુનની તા. ૨૯ મીએ ચાલીશ વર્ષની વયે અવસાન પામ્યા હતા.*[1]

—:એમની કૃતિઓ:—

(૧) આહારમીમાંસા
(૨) આહારમીમાંસા તથા નિર્ણય
(૩) આર્યોત્કર્ષ વ્યાયોગ
(૪) કુંજ વિહાર
(૫) પ્રવાસ પુષ્પાંજલિ
(૬) પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાલા
(૭) લધુ ચાણક્ય
(૮) વસંત વિલાસિકા


  1. * વિદેહી ગુજરાતી સાક્ષરો ઉપરથી.